જનક રાજાના યજ્ઞની બધી જ તૈયારીઓ પૂરી થઈ ગઈ હતી અને જુદાં જુદાં રાજ્યોમાંથી ઘણા ઋષિઓ અને બ્રાહ્મણો મિથિલા આવ્યા હતા. વિશ્વામિત્ર અને રાજકુમારોનું યોગ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. જનક રાજાના ગુરુ શતાનંદે વિશ્વામિત્રનું પહેલાં સન્માન કર્યું, પછી જનક રાજાએ કર્યું.
રાજાએ ઋષિને કહ્યું, "મારા યજ્ઞમાં આપ પધારો, એમાં હું ખરેખર ધન્યતા અનુભવું છું."
રામ અને લક્ષ્મણ તરફ અંગુલિનિર્દેશ કરતાં જનક રાજાએ પૂછ્યું, "દેવો જેવા દેખાતા આ બે યુવકો કોણ છે? તે બંને સરખા જ દેખાય છે. અનુભવી યોદ્ધાઓની જેમ તેમનાં આયુધો તેમણે ગૌરવયુક્ત સહજતાથી ધારણ કરેલાં છે. આવા પુત્રોના સુખી પિતા કોણ છે?"
વિશ્વામિત્રે જનકને જણાવ્યું કે તેઓ દશરથ રાજાના પુત્રો છે. તે બંનેએ કઈ રીતે પોતાના યજ્ઞનું રક્ષણ કર્યું અને રાક્ષસોનો નાશ કર્યો, તેનું ઋષિએ વર્ણન કર્યું. તેમણે ઉમેર્યું, "તેઓ અહીં, જો શક્ય હોય તો, આપના મહેલમાં રુદ્રનું મહાન ધનુષ્ય જોવા આવ્યા છે." વિશ્વામિત્રના શબ્દોનો અર્થ જનક રાજા સમજી ગયા અને આનંદિત થયા. રાજાએ જણાવ્યું, "એ ધનુષ્ય જોવા માટે રાજકુમારનું સ્વાગત છે. તે જો પણછ ચડાવી શકશે, તો તે મારી પુત્રીનું પાણિગ્રહણ કરવામાં વિજેતા થશે. ઘણા રાજકુમારો આ ધનુષ્યને જોઈને પાછા વળી ગયા છે; તેઓ તેને જરા પણ ખસેડી શક્યા નથી. જે કરવામાં ઘણા બધા નિષ્ફળ ગયા છે, તેમાં જો આ રાજકુમાર સફળ થાય, તો તેને હું સીતા પરણાવી શકીશ."
પછી જનકે તેમના સેવકોને ધનુષ્ય લાવવા આદેશ આપ્યો. તે ધનુષ્ય એક લોખંડની પેટીમાં સુરક્ષિત અને પવિત્ર રાખવામાં આવ્યું હતું. આઠ પૈડાંના રથ ઉપર, કોઈ મહોત્સવ દરમ્યાન રથયાત્રાના રથને ખેંચવામાં આવે એવી રીતે ધનુષ્ય લાવવામાં આવ્યું.
જનકે કહ્યું, "મારા પૂર્વજો અને મારા દ્વારા પુજાતું આવેલું રુદ્રનું ધનુષ આ રહ્યું. રામ ભલે તેને જુએ." વિશ્વામિત્ર અને જનક રાજાની અનુમતિ લઈને રામ લોખંડની પેટી તરફ ગયા. બધાની આંખો હાર્દિક અપેક્ષાથી તેમના ઉપર કેન્દ્રિત થયેલી હતી. પેટી ખોલીને તેમણે બહુ સહજતાથી, જાણે કે તે ફૂલોનો હાર હોય તેમ, ધનુષ્ય ઉંચક્યું. તેના એક છેડાને પોતાના પંજા નીચે દબાવ્યો, નીચા વળીને પણછ તંગ થાય એ રીતે બાંધી અને ધનુષ્યનો ટંકારવ કર્યો. આની અસર એવી થઈ કે તેના જબરજસ્ત દબાણથી આ સમર્થ ધનુષ્ય મેઘગર્જનાના ભયંકર અવાજ સાથે તૂટીને પડી ગયું. આ સાથે જ સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ.
જનક રાજાએ જાહેરાત કરી, "મારી પ્રિય પુત્રીનો વિવાહ આ રાજકુમાર સાથે થશે."
વિશ્વામિત્રે જનકને કહ્યું, "તમારા સૌથી ઝડપી સંદેશવાહકોને દશરથ રાજાને આ સમાચાર આપવા અને આમંત્રણ આપવા અયોધ્યા મોકલો."
જનકના દૂતો ત્રણ દિવસમાં અયોધ્યા પહોંચી ગયા. દશરથ રાજા તેમના સિંહાસન પર ઇન્દ્ર જેવા લાગતા હતા. જનક રાજાના દૂતોએ તેમને કહ્યું, "વિશ્વામિત્ર ઋષિ અને જનક રાજાએ આપને એક આનંદના સમાચાર મોકલાવ્યા છે. આપના પુત્ર, જે મિથિલા આવ્યા છે, તેમણે અમારી રાજકુમારી સીતાને પ્રાપ્ત કરવામાં વિજય મેળવ્યો છે. આ અંગેની સીતાના પાણિગ્રહણ માટેની જરૂરી શરત તેમણે પૂરી કરી છે. તેમના પહેલાંના કોઈ પણ રુદ્રના ધનુષને ઊંચકી શક્યા પણ નહોતા; તે ધનુષ્યની તેમણે માત્ર તંગ પણછ બાંધી એટલું જ નહીં, પણ તેના ટંકારવથી ધનુષ્યના બે ભાગ પણ થઈ ગયા. જનક રાજા ઘણી આતુરતાથી લગ્ન માટેની આપની સૌહાર્દપૂર્વક સંમતિની રાહ જોઈ રહ્યા છે. આ ઉપરાંત આપની ઉપસ્થિતિ અને પ્રસંગોચિત શુભાશિષો પણ અપેક્ષિત છે. કૃપા કરીને આપ આપના રસાલા સાથે મિથિલા પધારો."
રામને વિશ્વામિત્ર સાથે મોકલતાં દશરથ રાજાનું હૃદય, ઋષિની ખાતરી મેળવ્યા છતાં, જરા પણ સ્વસ્થ નહોતું. પણ આ સમાચાર સાંભળ્યા પછી તે બહુ આનંદિત થયા. પોતાના મંત્રીઓને તેમણે મુસાફરીની તૈયારી કરવાની સૂચના આપી અને બીજે જ દિવસે જનકની રાજધાની જવા પ્રસ્થાન કર્યું. તેમનો રસાલો મિથિલા પહોંચી ગયો અને તેમનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું.
કુશળ સમાચારોના આદાનપ્રદાન પછી જનક રાજાએ દશરથ રાજાને કહ્યું, "મારો યજ્ઞ પૂરો થવામાં જ છે. મને લાગે છે કે યજ્ઞ પૂરો થાય તે સાથે જ લગ્ન પણ કરી નાખીએ, તો એ બહુ સારું રહેશે." તેમણે દશરથ રાજાની મંજૂરી માંગી. દશરથનો ઉત્તર હતો, "આપ કન્યાના પિતા છો અને આપના આદેશ મુજબ બધું થાય તે યોગ્ય જ છે." નક્કી કરેલા દિવસે અને સમયે કન્યાદાન આપતાં જનક રાજાએ રામને કહ્યું, "મારી આ પુત્રી સીતા ધર્મના માર્ગે તમારી સાથે હંમેશાં ચાલશે. તેનો હાથ તમારા હાથમાં ગ્રહણ કરો. ભાગ્યશાળી અને નિષ્ઠાવાન મારી આ પુત્રી હંમેશા તમારી સાથે તમારા પડછાયાની જેમ રહેશે."
ઇયં સીતા મમ સુતા સહધર્મચરી તવ । પ્રતીચ્છ ચૈનાં ભદ્રં તે પાણિં ગૃહ્ણીષ્વ પાણિના ॥ પતિવ્રતા મહાભાગા છાયેવાનુગતા સદા ॥
આ શ્લોક ઉત્તર ભારતમાં દરેક લગ્નપ્રસંગે કન્યાદાન સમયે ગાવામાં આવે છે.
આ રીતે જનક રાજાએ રામનો સીતા સાથે પરિણય કરાવ્યો. આમ તો આ બંને સનાતન પ્રેમીઓ ફરીથી એકબીજા સાથે જોડાતાં હતાં ને? આમ તે બંને પ્રેમીઓ વિયોગ બાદ ફરીથી જોડાતાં હોવાનો આનંદ હતો.
