રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-10

Chapter 10 · પ્રકરણ ૧૦

પરશુરામની મૂંઝવણ

અયોધ્યામાં પોતાને સોંપાયેલા રાજકુમારોને સુરક્ષિત રીતે દશરથ રાજાને મિથિલામાં સોંપીને, અને લગ્નોત્સવમાં હાજરી આપીને, વિશ્વામિત્રે બંને રાજાઓની રજા લીધી અને હિમાલય ગયા. રામની હવે પછીની કથામાં વિશ્વામિત્રનો કોઈ ફાળો નથી.

રામકથાના ભવ્ય મંદિરનો વિશ્વામિત્ર તો પાયો છે, એમ કહી શકાય. મિથિલામાં રામના વિવાહ પછી આપણે તેમને ફરીવાર જોતા નથી. એક વાત નોંધવા જેવી છે કે વાલ્મીકિના એક કાંડમાં જે પાત્રો મહત્ત્વનો ભાગ ભજવતાં હોય, તેઓ ત્યાર પછીના કાંડોમાં લગભગ ભુસાઈ જાય છે. બાલકાંડમાં પ્રભુત્વ રાખનાર વિશ્વામિત્ર ફરી પાછા દેખાતા નથી. આ જ રીતે કૈકેયી અને ગુહ માત્ર અયોધ્યાકાંડમાં પ્રભાવક છે. ભરત માટે પણ આમ કહી શકાય, કારણ કે ચિત્રકૂટમાં રામમિલાપ અને રામના અયોધ્યાગમન વચ્ચેના પ્રકરણોમાં આપણે તેને જોતા નથી. રામ વનવાસની દુઃખી હાલત દરમ્યાન કવિ ભરતને ભાગ્યે જ આપણી સમક્ષ રજૂ કરે છે. મહાભારત, કે બીજાં નાટકો કે નવલકથાઓનાં પાત્રોની જેમ વાલ્મીકિનાં રામાયણનાં પાત્રો અવારનવાર રજૂ થતાં નથી. વિવેચકોએ વાલ્મીકિનાં આ મહાકાવ્યનું સામાન્ય લક્ષણ ખાસ નોંધવું જોઈએ.

પોતાના રસાલા સાથે દશરથ રાજા અયોધ્યા આવી રહ્યા હતા. રસ્તામાં કેટલાંક અપશુકન થયાં. દશરથ રાજાએ આતુરતાપૂર્વક વસિષ્ઠને તેનો મર્મ પૂછ્યો. વસિષ્ઠે સમજાવ્યું કે આકાશમાં ઊડતાં પક્ષીઓ ભલે આવનારી મુશ્કેલી સૂચવે છે, તો પણ જમીન ઉપરનાં પશુઓ સુખી સંપન્નતા પ્રગટ કરે છે; આથી ગભરાવાની કોઈ જરૂર નથી.

દશરથ અને વસિષ્ઠ આ વાત કરતા હતા એટલામાં એક મોટું વાવાઝોડું તૂટી પડ્યું; વૃક્ષો મૂળ સોતાં ધરાશાયી થયાં; ધરતીકંપ થયો અને ધૂળની ડમરી ઉપર ઊઠવા લાગી, સૂરજ ઢંકાઈ ગયો અને અંધકાર બધે છવાઈ ગયો. બધા ભયગ્રસ્ત બની ગયા. તરત જ બધાને આ વિચિત્ર મુસીબતનું કારણ જાણવા મળ્યું. તેમની સામે ક્ષત્રિયોના કટ્ટર દુશ્મન પરશુરામનું ડરામણું સ્વરૂપ પ્રગટ થયું. તેમના એક ખભા ઉપર પરશુ હતું, બીજા ખભા ઉપર ધનુષ્ય હતું અને હાથમાં વીજળી જેવું પ્રકાશમાન બાણ હતું. દેખાવમાં ભયાનક અને છૂટી જટાને માથા ઉપર બાંધેલા પરશુરામ ત્રિપુરના નાશથી આનંદિત રુદ્ર જેવા લાગતા હતા. તેમના ચહેરા ઉપર પ્રજ્વલિત જ્યોતની જેમ આભા દેખાતી હતી. ઋષિ જમદગ્નિના આ પુત્રે ક્ષત્રિયોનો કાળો કેર બોલાવ્યો હતો; તેમની ઘણી પેઢીઓનું તેમણે નિકંદન કાઢ્યું હતું. તે જ્યાં જાય ત્યાં વાવાઝોડું અને ધરતીકંપ પહેલાં પહોંચી જતા હતા. ક્ષત્રિય પ્રજા તેનાથી થરથરતી હતી.

દશરથ રાજાના રસાલાના બ્રાહ્મણો અંદરોઅંદર વાતો કરતા હતા, "તેમના પિતાનો એક ક્ષત્રિય રાજાએ વધ કર્યો હતો, તેથી પરશુરામે ક્ષત્રિય જાતિનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. આપણી તો એવી ડરપોક આશા હતી કે તેણે વધ કરેલા અગણિત રાજાઓના રક્તપાતથી તેનો ગુસ્સો અને બદલાની ભાવના શાંત થઈ હશે. શું એમણે પોતાની ક્રૂર હિંસક પ્રવૃત્તિ ફરીથી શરૂ કરી છે?"

આમ છતાં તેમણે પાણીની અંજલિ દ્વારા તેમનું પરંપરાગત સન્માન કર્યું. તેનો સ્વીકાર કરીને પરશુરામે સીધું રામને જ સંબોધન કર્યું, "હે દશરથપુત્ર! તારા પરાક્રમની મને જાણ થઈ છે. મને એ જાણીને ખરેખર નવાઈ લાગી છે કે જનક રાજાના દરબારમાં તેં ધનુષ્યની પણછ બાંધી અને એટલી ખેંચી કે ધનુષ્ય ભંગ થયો. હવે આ મારું ધનુષ્ય છે, તેં જે ધનુષ્યને તોડ્યું, એવું જ બધી રીતે આ ધનુષ્ય છે. આ વિષ્ણુનું ધનુષ્ય છે, જે તેમણે મારા પિતાજીને આપેલું. જો તું આ ધનુષ્યની પણછ પણ ચડાવી શકે, તો તું મારી સાથે યુદ્ધ કરવા યોગ્ય બનીશ."

પરિસ્થિતિમાં આવેલા વળાંકથી દશરથ રાજા વિચલિત થઈ ગયા અને વિનંતી કરી કે રામને આવી કસોટીમાંથી મુક્ત કરે. તેમણે પરશુરામને કહ્યું, "આપ તો બ્રાહ્મણ છો. અમે તો સાંભળેલું કે આપે લીધેલા બદલાથી આપ સંતુષ્ટ છો અને આપના કુળને અનુરૂપ તપશ્ચર્યા માટે આપ પાછા ગયા છો. આપે ઇન્દ્રને આપેલા શ્રાપના અનુસંધાને આપે જીતેલી પૃથ્વી કશ્યપને સોંપી દીધા પછી આપે આમ કરવું પડ્યું હતું. આ વ્રતનો ભંગ કરીને અને આટલી નાની ઉંમરના રાજકુમારને હાનિ પહોંચાડવા આપ આવું કરો તે શું યોગ્ય છે? વળી આણે આપનો કોઈ અપરાધ કર્યો નથી અને તે અમને પ્રાણથી પણ પ્રિય છે."

પરશુરામ ઉપર આની કોઈ અસર પડી નહીં. તેમણે માત્ર દશરથ ઉપર નજર કરી. જાણે બીજા કોઈ અસ્તિત્વ જ ન ધરાવતા હોય તેમ તેમણે માત્ર રામ સાથેની જ વાત ચાલુ રાખી: "વિશ્વકર્માએ મૂળ તો બે એક સરખાં ધનુષ્ય બનાવ્યાં હતાં. એક રુદ્રને આપ્યું હતું અને બીજું વિષ્ણુને. આ ધનુષ્ય વિષ્ણુને આપેલું ધનુષ્ય છે. જે ધનુષ્ય પણછ બાંધીને તેના ટંકારવથી ભાંગી પડ્યું એમ કહેવાય છે, તે શિવનું ધનુષ્ય હતું. વિષ્ણુના આ ધનુષ્યની પણછ તું બાંધી શકે છે કે નહીં તે તું જોઈ લે. જો તું એમ કરી શકીશ, તો તે તારી કુનેહ અને શક્તિનો પુરાવો બનશે અને તો પછી મારી સાથે યુદ્ધ કરવા દઈને હું તને સન્માનિત કરીશ."

પરશુરામના ઊંચા અવાજમાં ઉદ્ધતાઈ દેખાતી હતી. રામે તેમને વિનયસંપન્ન છતાં પણ ગંભીર ઉત્તર આપ્યો: "જમદગ્નિપુત્ર, તમે બદલાની ભાવનાવાળા છો, કારણ કે તમારા પિતાનો એક રાજાએ વધ કર્યો હતો. આમાં હું તમારો દોષ જોતો નથી. પણ તમે જેમ બીજાઓ ઉપર વિજય મેળવ્યો હોય, તેવો મને પણ સામાન્ય ગણવાની ભૂલ કરવાની જરૂર નથી. તમારું ધનુષ મને આપવાની કૃપા કરો."

આમ કહેતાં તેમણે પરશુરામ પાસેથી ધનુષ્ય અને બાણ લીધાં. તેમણે પણછ બાંધીને બાણ ગોઠવ્યું અને દોરી ખેંચી. સ્મિત કરીને તેમણે પરશુરામને કહ્યું, "આ મહાપ્રતાપી વૈષ્ણવ બાણ એકવાર દોરી ઉપર ગોઠવાયું, એટલે હવે પછી તે એમને એમ પાછું નહિ લઈ શકાય. તેણે કોઈનો નાશ તો કરવો જ પડશે. હવે તમે જ કહો કે તે તમારી હલનચલનની શક્તિનો નાશ કરે કે તમારી તપશ્ચર્યાના ફળોનો નાશ કરે?"

દશરથપુત્રના વિષ્ણુના ધનુષ્યના ટંકાર સાથે જ પરશુરામના ચહેરા ઉપરની આભા ફીકી પડી ગઈ અને તે પહેલાંની જેમ વિજયી યોદ્ધા તરીકે નહીં, પણ આત્મ-પરાજિત ઋષિની જેમ ઊભા હતા. પરશુરામના અવતારનો હેતુ પૂરો થઈ ગયો હતો.

પરશુરામે નમ્રતાપૂર્વક અયોધ્યાના રાજકુમારને કહ્યું, "તમે કોણ છો, તેનો ખ્યાલ મને આવી ગયો છે. તમે મારા ઘમંડનો નાશ કર્યો છે, તેની મને દિલગીરી નથી. મારી તપશ્ચર્યા ભલે તમારામાં આવે. પરંતુ કશ્યપને મેં આપેલા વચનને લીધે, હવે હું તેમના આધિપત્યવાળા ક્ષેત્રમાં રહી શકું નહીં. અને એટલે સૂર્યાસ્ત પહેલાં મારે ઝડપથી મહેન્દ્ર પર્વત પહોંચી જવું પડશે. આ એક હેતુ માટે જ મારે મારી હલનચલનની શારીરિક શક્તિનો ઉપયોગ કરવો પડશે. આટલી જરૂરિયાત સિવાય, તમે જે બાણ ધનુષ્ય ઉપર ચડાવ્યું છે, તે ભલે મારી તપશ્ચર્યાની બધી શક્તિનો નાશ કરે."

આટલું કહીને પરશુરામે રાજકુમારની પૂજ્યભાવે ત્રણ પ્રદક્ષિણા કરી અને વિદાય થયા.

દશરથ રાજા અને રાજકુમારો પાટનગર આવી રહ્યાની જાણ થયાથી અયોધ્યાના નાગરિકોનો આનંદ સમાતો ન હતો. નગર ઉત્સવના આનંદમાં ફૂલોથી શણગાર્યું હતું અને દેવલોક જેવું શોભી રહ્યું હતું.

રામ અને સીતા અયોધ્યામાં બાર વર્ષ સુખેથી રહ્યાં. રામનું હૃદય સીતાને સમર્પિત હતું. તેમનો પ્રેમ તેમના સદ્ગુણોને લીધે વધ્યા કરતો હતો, કે તે તેમના સ્વરૂપના સૌંદર્યને લીધે હતો, એ નક્કી કરવું કોઈને પણ માટે મુશ્કેલ હતું. તેમનાં હૃદય, વાણી અને વિચાર પણ સંયોજિત હતાં. રામના પ્રેમથી ભરપૂર સીતા સ્વર્ગમાં લક્ષ્મીની જેમ દેદીપ્યમાન લાગતાં હતાં.

લાંબા સમયગાળા પછી, જ્યારે તેમનો વનવાસ શરૂ થયો ત્યારે, મહર્ષિ અત્રિનાં પરમ પવિત્ર પત્ની અનસૂયાએ સીતાના રામ માટેના પ્રેમને ખૂબ જ વધાવ્યો હતો. ત્યારે સીતાનો ઉત્તર હતો, "આ સિવાય એ બીજો કેવો હોઈ શકે? રામ સંપૂર્ણ વ્યક્તિ છે. એમનો મારા માટેનો પ્રેમ મારા એમના માટેના પ્રેમ જેટલો જ છે. તેનો પ્રેમ જરા પણ વિચલિત નથી. શુદ્ધ હૃદયના રામે ઇન્દ્રિયો પર કાબૂ મેળવેલો છે."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.