રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-8

Chapter 8 · પ્રકરણ ૮

અહલ્યા

શ્રાપમુક્ત થતી અહલ્યા
શ્રાપમુક્ત થતી અહલ્યા

વિશાલ નામના નગરમાં એક દિવસ રોકાઈને વિશ્વામિત્ર અને તેમની ટોળી મિથિલા તરફ જવા આગળ વધી. રસ્તામાં મિથિલા નજીક તેમણે એક સુંદર પણ નિર્જન આશ્રમ જોયો. રામે વિશ્વામિત્રને પૂછ્યું, "આ પુરાણાં વૃક્ષોવાળો આશ્રમ કોનો છે? આટલું સુંદર નિવાસસ્થાન ઉજ્જડ કેમ છે?"

વિશ્વામિત્રે ઉત્તર આપ્યો, "આ આશ્રમ એક શ્રાપનો ભોગ બનેલો છે. ગૌતમ ઋષિ તેમનાં પત્ની અહલ્યા સાથે અહીં રહેતા હતા. તેમનો સમય શાંતિ અને પવિત્ર ધ્યાનસાધનામાં પસાર થતો હતો. એકવાર ઋષિની ગેરહાજરીમાં સુંદર અહલ્યા પ્રત્યેની કલુષિત કામનાથી ઇન્દ્રે ગૌતમ ઋષિના છદ્મરૂપે આશ્રમમાં પ્રવેશ કર્યો અને અહલ્યાને તાત્કાલિક સંતોષ આપવાની કામના કરી. આ છદ્મવેશથી તે છેતરાઈ નહોતી, પણ પોતાના સૌંદર્યના ગુમાનમાં અને પોતાના સૌંદર્યે સ્વર્ગના અધિપતિ ઇન્દ્રનો પ્રેમ જીત્યો હતો એવા ગર્વમાં, તેણે પોતાની સ્વતંત્ર નિર્ણયબુદ્ધિ ગુમાવી અને ઇન્દ્રની ઇચ્છાને વશ થઈ.

"પાપ તો થઈ ગયું હતું, પણ તેની હીનતા અને તેના પતિ સાથેના વિશ્વાસઘાતને લીધે, ઋષિની ભયાનક આધ્યાત્મિક શક્તિના ડરથી તેણે ઇન્દ્રને ગંભીર સંકટની ચેતવણી આપી અને તે જ ક્ષણે ત્યાંથી ચાલી જવાની યાચના કરી. "અપરાધભાવના ભયથી ઇન્દ્ર તરત જ છટકી જવા તૈયાર થયા, પણ તેના દુર્ભાગ્યે ત્યાં જ તે, દૈનિક પૂજાવિધિ પૂરી કરીને આશ્રમમાં પાછા આવતા ઋષિને સામા મળ્યા. ઋષિનાં વસ્ત્રો ભીનાં હતાં અને પોતે આધ્યાત્મિક તેજથી દેદીપ્યમાન હતા. તેમના સર્વવ્યાપી જ્ઞાન પાસે કોઈ પ્રકારનો આડંબર મિથ્યા લાગતાં, ઇન્દ્ર તેમની સામે યાચના કરનાર કોઈ દુષ્કર્મીની જેમ નીચા નમ્યા અને ઋષિની દયા માટે તેમણે પોતાની જાતને સોંપી. ઋષિએ તેની સામે ગુસ્સાથી અને ધૃણાથી જોયું અને શ્રાપ આપ્યો: "'કામલોલુપ હેવાન! સત્ય અને ન્યાયની દૃષ્ટિએ તારું સંપૂર્ણ ખતમ થઈ ગયું છે. તારું પૌરુષત્વ પણ ખતમ થઈ જાવ!'

"ઇન્દ્ર તે જ ક્ષણે વ્યંઢળ થઈ ગયો અને દેવો પાસે અપયશની લજ્જા સાથે પરત થયો."

"પછી ઋષિ તેમની અપરાધી પત્ની તરફ ફર્યા અને તેને માટે લાંબી તપશ્ચર્યા નક્કી કરી. તેમણે કહ્યું, 'હવાના બળથી જીવતી તું, તને કોઈ ન જોઈ શકે એ હાલતમાં અહીં જ જીવતી રહીશ. લાંબા સમય પછી દશરથ રાજાના પુત્ર અહીંથી પસાર થશે. તેનો પગ આ આશ્રમમાં પડશે, તે સાથે જ તું શ્રાપમાંથી મુક્ત થઈશ. તેમનું અતિથિ તરીકે સ્વાગત કરજે. આમ કરતાં તારા ગુમાવેલા સદ્ગુણો અને તારું મૂળ સૌંદર્ય તું પ્રાપ્ત કરીશ.'

"પછી ઋષિએ તેમનો અપવિત્ર થયેલો આશ્રમ છોડ્યો અને હિમાલયમાં જઈને તપશ્ચર્યા કરવા લાગ્યા."

વિશ્વામિત્રે રામને કહ્યું, "ચાલો, આપણે આશ્રમમાં પ્રવેશ કરીએ. તમે અહલ્યાને શ્રાપમુક્ત કરશો અને ઋષિએ આપેલા વચન મુજબ તેની પ્રતિભાને ફરીથી પ્રજ્વલિત કરશો."

તેઓ આશ્રમમાં ગયા. રામે જેવાં પદાર્પણ કર્યાં, તે સાથે જ શ્રાપમુક્ત થઈને અહલ્યા તેના પૂર્ણ સૌંદર્યમાં સામે આવી. અત્યાર સુધી પોતાની જાતને પાંદડાં અને વેલીઓ પાછળ છુપાવી રાખ્યા પછી અને આ શ્રાપિત અવસ્થામાં વર્ષો કાઢ્યાં પછી, હવે તે દેદીપ્યમાન લાગતી હતી. મહાકવિ કહે છે કે રામની ઉપસ્થિતિમાં અહલ્યા વાદળાં પાછળથી ઊગતા ચંદ્ર જેવી, ધુમાડામાંથી પ્રગટતી જ્યોત જેવી અને વમળવાળા પાણીમાં સૂર્યના પ્રતિબિંબ જેવી દેખાતી હતી.

રામ અને લક્ષ્મણે ઋષિપત્નીના તપથી પાવન થયેલા પગનો સ્પર્શ કર્યો. અહલ્યાએ આ દૈવી રાજકુમારોનું પરંપરાગત વિધિથી સ્વાગત કર્યું. સ્વર્ગમાંથી પુષ્પવૃષ્ટિ થઈ, કારણ કે પાપમાંથી પરિશુદ્ધ થયેલી અહલ્યા હવે દેવીની જેમ દેદીપ્યમાન લાગતી હતી. એ જ વખતે ગૌતમ ઋષિ પણ આશ્રમમાં પાછા આવ્યા અને પશ્ચાત્તાપથી પરિશુદ્ધ થયેલી પત્નીનો તેમણે પ્રેમપૂર્વક સ્વીકાર કર્યો.

વાલ્મીકિએ કહેલી અહલ્યાની કથા આ મુજબ છે. બીજાં પુરાણોમાં અને લોકપ્રિય કથાઓમાં આમાં થોડો વિગતફેર છે, પણ આ ફેરફારથી આપણને ખાસ નિસબત નથી.

હવે આપણા જે આધુનિક લોકો રામાયણ અને મહાભારત વાંચે છે, તેમને બે શબ્દ. આ ગ્રંથોમાં દેવો અને રાક્ષસો અંગેનો ઉલ્લેખ ઘણીવાર આવે છે. રાક્ષસો દુષ્ટ હતા, ધર્મ પ્રત્યે અનાદર કરતા હતા અને દુષ્કર્મોમાં રચ્યાપચ્યા રહેતા હતા. અસુરો પણ રાક્ષસો જેવા હતા. પણ રાક્ષસોમાંયે કેટલાક શાણા અને ગુણવાન હતા. શ્રેષ્ઠ જાતિઓમાં પણ કેટલાંક બહુ ખરાબ ઉદાહરણો હતાં. આનાથી વિપરીત ઉદાહરણો પણ એટલાં જ હતાં. ટૂંકમાં, અસુરો અને રાક્ષસો બંનેને દુષ્કર્મોમાં સરખો જ આનંદ મળતો. દુર્ભાગ્યે કેટલાક લોકો તેમના અજ્ઞાનવશ અસુરો અને રાક્ષસોને ભારતની પ્રાચીન આદિજાતિઓ તરીકે ઓળખાવે છે. આ દૃષ્ટિબિંદુને કોઈ સાહિત્યના ગ્રંથ કે પ્રણાલિકા કે સચવાયેલા ઇતિહાસમાં સમર્થન મળતું નથી.

રાક્ષસો દ્રવિડ પ્રજાના ભાગરૂપ હતા એવું વિદેશીઓનું અનુમાન તામિલ કે અન્ય સાહિત્યના કોઈ પણ નિષ્ણાત દ્વારા સ્વીકારાયેલું નથી. તામિલ પ્રજા અસુરો અને રાક્ષસોની વંશજ નથી.

દેવો સામાન્ય રીતે ધર્મના પુરસ્કર્તા હતા અને રાક્ષસોને કાબૂમાં રાખવાની જવાબદારીનું તેઓ વહન કરતા હતા. પુરાણો અનુસાર કેટલીકવાર દેવોએ રાક્ષસોના સંદર્ભે ધર્મનો ચીલો ચાતરવો પડતો હતો, કારણ કે કેટલાક રાક્ષસોએ તેમના તપના બળથી મહાન શક્તિઓ મેળવી હતી.

દેવો સામાન્ય રીતે સારા હતા, અને તેમાંના જેઓ ન્યાયધર્મને ઉવેખતા હતા, તેમણે તેનું પરિણામ ભોગવવું પડતું હતું. દેવો માટે આચારનાં ધોરણો અલગ ન હતાં. કર્મનો નિયમ દેવો અને બીજાઓ વચ્ચે કોઈ પ્રકારનો ભેદભાવ કરતો નહીં. આ નિયમ બીજાઓને જેટલો લાગુ પડતો, તેટલો જ દેવોને પણ લાગુ પડતો હતો.

સામાન્ય રીતે દેવો સદ્ગુણોને વર્યા હતા, તેથી જ તેમના પક્ષે થયેલાં સ્ખલન આપણને સફેદ કાપડ ઉપરના ડાઘા જેવાં મોટાં લાગે છે. રાક્ષસોમાં દુષ્કર્મો સામાન્ય હોય તેમ સ્વીકારી લેવામાં આવે છે અને, કાળાં કપડાં ઉપરના ડાઘની જેમ, આપણું ઓછું ધ્યાન ખેંચે છે.

પ્રામાણિક વ્યક્તિ જ્યારે સાચા માર્ગથી અલગ ફંટાય, ત્યારે આપણી તેમના પ્રત્યે સહાનુભૂતિ હોવી જોઈએ. પણ દુન્યવી વ્યવહાર જુદો છે; અલબત્ત એ સાચો નથી, પણ આપણે સદ્ગુણી લોકોનાં સ્ખલનોને કડક ભાષામાં ધુત્કારીએ છીએ, જ્યારે કુકર્મો કરવાથી ટેવાયેલાને આપણે સહન કરી લઈએ છીએ. એક વાત નોંધવી જોઈએ કે પુરાણોમાં ધર્મ અંગેની દ્વિધામાં સપડાતા દેવોને આપણે જોઈએ છીએ. ઇન્દ્ર અને બીજા દેવોને ગંભીર પાપો આચરતા કેટલીક વાર દર્શાવાયા છે. પુરાણોના જે વ્યાખ્યાતાઓ છે તેવા ઋષિઓએ આવી મુશ્કેલીઓમાં પોતાની જાતને શા માટે સંડોવી હશે? તેમનો હેતુ અધર્મનાં ભયસ્થાનો સામે લોકજાગૃતિ ઊભી કરવાનો હતો. આ સિવાય, ઋષિઓએ હેતુપૂર્વક તેમના જ્યોતિર્ધર સમાન આદર્શ પુરુષો સામે દુષ્કર્મોનો આરોપ મૂકીને પોતાને માટે મુશ્કેલી ઊભી કરી ના હોત.

કેટલાક લોકોને પુરાણના પ્રસંગોને અનુલક્ષીને ખોટાં તારણો ઉપર ઠેકડા મારવાની મજા પડતી હોય છે. તેઓની દલીલ આવી હોય છે: "રાવણ તો બહુ સારો રાજા હતો. વાલ્મીકિએ ખોટી રીતે તેના ઉપર દુષ્કૃત્યોનો આરોપ લગાવ્યો છે." તેમનો પ્રશ્ન છે, "કેટલીક વખત રામ પણ અન્યાયી રીતે વર્ત્યા નથી? સીતાએ અસત્ય ઉચ્ચાર્યું નથી?" વાલ્મીકિ જરૂર આવા અશોભનીય પ્રસંગો ટાળી શક્યા હોત. રામ અને રાવણ બંનેને આપણી સમક્ષ રજૂ કરનાર સૌથી પહેલા કવિ વાલ્મીકિ છે. રાવણનો ઉલ્લેખ કરતો અગાઉનો કોઈ પણ ગ્રંથ એવો નથી કે જે વાલ્મીકિને વિરોધાભાસી પુરવાર કરી શકે, તેમને રામ, સીતા કે દેવો પ્રત્યે પક્ષપાતી પુરવાર કરી શકે અને હકીકતો સાથે ચેડાં કરીને લોકોને છેતરી શકે. રામાયણ તો રામની કથાની ગંગોત્રી છે; એમાં ઉપરછલ્લી રીતે આપણને ખોટા લાગતા પ્રસંગોમાંથી પણ આપણે પસાર થતા હોઈએ છીએ.

આવી પરિસ્થિતિઓની શાંત વિચારણા આપણને સમજાવે છે કે તેમની આ રજૂઆત આપણી રોજિંદી મુશ્કેલીઓ જેવી જ મુશ્કેલીઓનું નિરૂપણ છે. આપણે તો ફક્ત એ પ્રકારની નૈતિક કસોટીઓ દ્વારા તેના સંદેશનો જ લાભ લેવાનો છે. અહલ્યાની કથાનો આપણા માટેનો સંદેશ એટલો જ છે કે, કોઈનું પાપ ગમે તેટલું ઘાતક હોય, તો પણ પશ્ચાત્તાપ અને શિક્ષા દ્વારા તેના પરિણામથી તે વ્યક્તિ મુક્ત થઈ શકે. બીજા લોકોને તેમના પાપ બદલ ધુત્કારવાને બદલે આપણે આપણું આંતરદર્શન કરવું જોઈએ અને તેવા લોકોને તેમના કુવિચારોમાંથી પાવન કરવા જોઈએ. આપણામાંના શ્રેષ્ઠ લોકોએ પણ, પાપમાંથી છટકવું હોય તો સતત સતર્ક રહેવું જોઈએ. અહલ્યાની ભૂલની આ સાચી શીખ છે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.