સગર રાજાએ જે રાજકુમારોને યજ્ઞના અશ્વની શોધ માટે મોકલેલા, તેમની પાછા આવવાની લાંબી નિરર્થક રાહ જોઈ.
થોડા દિવસો પછી તેમણે તેમના પૌત્ર અંશુમાનને બોલાવ્યો અને કહ્યું, "પાતાળ ગયેલા રાજકુમારોનું શું થયું તે જાણવા હું બહુ જ આતુર છું. તું બહાદુર છો; ત્યાં પૂરતી સજ્જતા સાથે જા, ત્યાં શું થયું એ જાણી લે અને સફળતા મેળવીને પાછો આવ."
રાજકુમારોએ જે રસ્તે પાતાળ પ્રવેશ કરેલો, બરોબર તેને જ અનુસરીને અંશુમાન પાતાળલોક પહોંચ્યો. અહીં પાતાળલોકના ચારે ચાર ભાગ ઉપર ચોકી કરતા ઊભેલા મહાન શક્તિશાળી હાથીઓને તેણે વિધિવત્ પ્રણામ કર્યા. આ ચારેય દિશારક્ષકોએ પ્રોત્સાહક વચનો કહ્યાં કે તે તેના અભિયાનમાં સફળ થશે.
યોગ્ય સમયે અંશુમાન પાતાળમાં પ્રવેશીને જ્યારે આગળ વધ્યો, ત્યારે તેને આનંદ થયો કે યજ્ઞનો અશ્વ સંતોષપૂર્વક ત્યાં ચરી રહ્યો હતો. જોકે જ્યારે તેણે આજુબાજુમાં રાખના ઢગલા જોયા ત્યારે તે મૂંઝાયો અને દુઃખી થઈ ગયો. શું આ બધા શૂરવીર કાકાઓના અંતિમ ફૂલો હશે?
સગર રાજાની બીજી પત્ની સુમતિના ભાઈ, પક્ષીઓના રાજા ગરુડ ત્યારે જોગાનુજોગ ત્યાં જ હતા. તેમણે અંશુમાનને કહ્યું, "કપિલ ઋષિની ક્રોધિત દૃષ્ટિથી સગર રાજાના સાઠ હજાર પુત્રો ભસ્મીભૂત થયા, તેના અવશેષોના આ બધા ઢગલા છે. પ્રિય બાળક! અશ્વને પાછો લઈ જા અને યજ્ઞ સંપન્ન કર. બધા રાજકુમારોના આત્માને પરમ શાંતિ મળે એ હેતુથી જો તેમની આ ભસ્મને પરંપરા મુજબ પાણીથી ભીની કરવી હોય તો ગંગાને દેવલોકમાંથી અહીં સુધી લાવવી પડશે."
અંશુમાન અશ્વને સાથે રાખી ઝડપથી ઘરે પાછો ફર્યો અને પોતે જે મેળવ્યું હતું અને જાણ્યું હતું, તેની બધી વિગત રાજાને કહી સંભળાવી.
સગર રાજા તેમના પુત્રોને પ્રારબ્ધે જે રીતે હંફાવ્યા હતા, તેના શોકસાગરમાં ડૂબેલા હતા. આમ છતાં, અશ્વ પાછો આવ્યો એટલે એમણે યજ્ઞ સંપન્ન કર્યો. તેમના મૃત પુત્રોનો શોક અને ગંગાને ક્યારેય પણ પાતાળલોકમાં લઈ જઈ ન શકવાની હતાશાને લીધે આશ્વાસનહીન દશામાં તે મૃત્યુ પામ્યા. રામાયણ અનુસાર સગર રાજા ૩૦,૦૦૦ વર્ષ જીવ્યા હતા.
૩૦,૦૦૦ અને ૬૦,૦૦૦ જેવા આંકડાઓથી આપણે ગૂંચવાઈ જવાની જરૂર નથી. 'ત્રીસ હજાર' એટલે કાં તો બહુ મોટી સંખ્યા અથવા તો ખાલી ત્રીસ એમ માની શકાય. આપણને જો રુચિકર હોય તો આ આંકડા આપણે સાચા માનીને પણ આગળ વધી શકીએ.
સગર રાજા પછી અંશુમાને તેમના વારસ તરીકે અયોધ્યાનો રાજ્યભાર સંભાળ્યો. તેના ઉત્તરાધિકારી તરીકે દિલીપ અને દિલીપના ઉત્તરાધિકારી તરીકે ભગીરથ રાજા થયેલ.
અંશુમાન અને દિલીપનો અયોધ્યાના રાજા તરીકેનો શાસનકાળ બધી રીતે સુખી અને કલ્યાણમય હોવા છતાં, બંનેનું મૃત્યુ ગંગાને પાતાળ સુધી લઈ જઈને તેમના પૂર્વજોને મોક્ષપ્રાપ્તિ ન કરાવી શકવાના અફસોસમાં થયું હતું. ભગીરથ પ્રતાપી રાજા હતો. તે નિઃસંતાન હતો. સંતાનપ્રાપ્તિના હેતુથી અને ગંગાને પૃથ્વી પર લાવવાની ઇચ્છાથી તે તપશ્ચર્યા કરવા ગોકર્ણ ગયો. રાજ્યનો કારભાર તેણે તેના મંત્રીઓને સુપરત કરેલો.
ભગીરથે અતિ ઉગ્ર તપશ્ચર્યા કરી. પોતાના આસનની ચારેય બાજુ પ્રજ્વલિત અગ્નિ સતત ચાલુ રાખીને, ઉઘાડું માથું સૂર્યના તાપમાં રાખીને અને અન્ન મહિનામાં માત્ર એકવાર લઈને તેણે કઠોર તપ ચાલુ રાખ્યું. ભગીરથનું નામ એટલે તો કોઈ પણ હેતુ માટે કરવામાં આવતા અથાગ અને સતત પરિશ્રમનું દ્યોતક બન્યું છે.
તેની તપસ્યાથી પ્રસન્ન થયેલા બ્રહ્માજી પ્રગટ થયા અને બોલ્યા, "તારે શું જોઈએ છે?"
ભગીરથે તેની બે માગણીઓ જણાવી: "જો આપને મારા માટે કરુણા હોય, તો મારા પૂર્વજોનો વંશવેલો ચાલુ રાખવા માટે મને એક સંતાનના આશિષ આપો. બીજું, કપિલ મુનિના શ્રાપથી મારા પૂર્વજો પાતાળમાં ભસ્મીભૂત થયેલા પડ્યા છે. તેમના આત્મા સ્વર્ગારોહણ કરી શકે તે હેતુથી તેમની ભસ્મ ગંગાના પાણીથી ધોવાવી જોઈએ. આપ કૃપા કરીને ગંગાને નીચે જવાનો આદેશ આપો."
ઉત્તરમાં બ્રહ્માએ કહ્યું: "તમારા તપથી દેવો પ્રસન્ન છે. તમારી માગણી સ્વીકારવામાં આવે છે. પણ એક મુશ્કેલી છે. ગંગાના અવતરણનો પ્રવાહ પૃથ્વી સહન નહીં કરી શકે; એકમાત્ર શિવજી જ તેને સહન કરી શકશે. એટલે તમારી પ્રાર્થના અને તપશ્ચર્યા શિવજી તરફ વાળો."
ભગીરથે તપશ્ચર્યા ફરી ચાલુ કરી અને પાણી કે ખોરાક વગર લાંબા સમય સુધી ધ્યાનસ્થ રહ્યો. અંતે શિવજીની કૃપા મળી; તેઓ પ્રગટ થયા અને ભગીરથને કહ્યું, "હું તમારી ઇચ્છા પૂરી કરીશ. ગંગાને મારા મસ્તક ઉપર સ્વીકારીશ. તેની કૃપા તારા ઉપર થાય એવા આશિષ!"
મહાદેવે ભગીરથને મદદ આપવાનું વચન આપ્યું, એટલે બ્રહ્માના આદેશ પ્રમાણે ગંગાનું અવતરણ શરૂ થયું. પોતાના ઘમંડમાં ગંગાએ વિચાર્યું કે તે મહાદેવજીના મસ્તક ઉપર પડીને શિવજીને પાતાળમાં ઢસડી જશે. ત્રિનેત્ર શિવજીએ ગંગાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું, અને જે ક્ષણે તેમણે આ નિશ્ચય કર્યો ત્યારથી જ ગંગાનાં ધસમસતાં પાણી જે શિવજીના મસ્તક ઉપર પડતાં હતાં, તે જાણે કે અનંત પાત્રમાં સમાતાં હોય તેમ શિવજીની જટામાં ઘેરાઈ ગયાં. ગંગાએ ખૂબ પ્રયત્ન કર્યો પણ પાણીનું એક ટીપુંયે શિવજીની ગૂંચવાયેલી જટામાંથી બહાર આવી શક્યું નહીં.
ગંગાને માટે તો આ જરૂર એક બોધપાઠ હતો, પણ ભગીરથ માટે તો આ હૃદય ભાંગે એવી ઘોર નિરાશારૂપ હતું. તેને માટે તો શિવજીને વધુ પ્રસન્ન કરવા માટે વધુ તપશ્ચર્યા કરવા સિવાય બીજો કોઈ વિકલ્પ નહોતો. આ તપ એણે એટલા કલ્યાણકારી હેતુથી કર્યું કે તેના ઉપર શિવની કરુણા થઈ. ગંગાનાં પાણી મુક્ત થઈને બિંદુસરોવરમાં અને ત્યાંથી નીચે સાત નાના પ્રવાહોમાં વહ્યાં.
આમાંના ત્રણ પ્રવાહો પશ્ચિમમાં અને ત્રણ પૂર્વમાં વહ્યા અને સાતમો પ્રવાહ ભગીરથને અનુસરતો રહ્યો. પોતાના પૂર્વજોના અપેક્ષિત મોક્ષથી ભગીરથ ખૂબ આનંદિત હતો.
તેના વિજયી રથની પાછળ ગંગા વહેતી આવતી હતી. ગંગાનો આગળ વહેતો પ્રવાહ વીજળીના ચમકારા કરતો અને પાણીનું નર્તન કરતો આગળ વધી રહ્યો હતો. દેવો અને ગંધર્વો આકાશમાંથી આ ભવ્ય દૃશ્યને માણી રહ્યા હતા. ક્યારેક ધીમી અને ક્યારેક વેગવાન, ક્યારેક નીચે ઊતરતી અને ક્યારેક ઉછાળા મારતી નદી ભગીરથના રથ પાછળ નર્તન કરતી હતી અને સ્વર્ગના લોકો આખે રસ્તે આ દૃશ્યને માણી રહ્યા હતા.
તેના પ્રવાહમાં ગંગાએ જહ્નુ ઋષિના યજ્ઞના કુંડને નુકસાન કર્યું. ઋષિએ ગંગાના આખા પ્રવાહને પોતાની હથેળીમાં સમાવ્યો અને પી ગયા. ગંગા પાછી અદૃશ્ય થઈ ગઈ અને ભગીરથની મૂંઝવણ વધી.
દેવો અને બીજા ઋષિઓએ જહ્નુ ઋષિનો સંપર્ક કર્યો અને ગંગાને ક્ષમા આપવાની અને ભગીરથને તેની કઠોર તપશ્ચર્યા અને અતૂટ પરિશ્રમનું ફળ પામવા દેવાની પ્રાર્થના કરી. ઋષિ કૂણા પડ્યા અને તેમના ડાબા કાનમાંથી ગંગાને બહાર આવવા દીધી. દેવો પ્રસન્ન થયા અને ગંગાને આશીર્વાદ આપ્યા: "પોતાની માતાની કૂખમાંથી બહાર આવે તેમ તું ઋષિના શરીરમાંથી બહાર આવી, એટલે તું હવે જહ્નુની પુત્રી — જાહ્નવી — થઈ."
ત્યાર પછી આગળ કોઈ અવરોધ કે અકસ્માત વગર સમુદ્રમાં થઈને ગંગા પાતાળ પહોંચી. ભગીરથે પવિત્ર ગંગાજળથી તેના પૂર્વજોની અંત્યેષ્ટિ ક્રિયા કરી અને સ્વર્ગમાં પ્રવેશ માટે તેમને સુરક્ષિત કર્યા.
ભગીરથના પ્રયત્નોથી ગંગા પૃથ્વીલોકમાં આવી, એટલે તે ભાગીરથી તરીકે પણ જાણીતી છે. આ કથાનું સમાપન કરીને વિશ્વામિત્રે રાજકુમારોને આશિષ આપ્યા અને કહ્યું, "સૂર્યાસ્ત થવામાં છે. જેને પૃથ્વી પર તમારા પૂર્વજ લઈ આવ્યા છે, તે ગંગાના પાણીમાં આપણે આપણી સાયંપ્રાર્થના કરીએ."
જે લોકો ગંગાના પવિત્ર જળમાં સ્નાન કરે છે, કે તેની દિવ્ય કથાને ભક્તિપૂર્વક સાંભળે છે કે વાંચે છે, તે બધા પાપથી પરિશુદ્ધ થઈ જશે અને સદ્ગુણ, શક્તિ અને અદમ્ય ઉત્સાહના આશિષ મેળવશે.
