રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-6

Chapter 6 · પ્રકરણ ૬

સીતા

સીતા
સીતા

મિથિલાના રાજા જનક આદર્શ રાજા હતા. દશરથ રાજાના તે પરમ આદરણીય મિત્ર હતા. દશરથ રાજાએ જ્યારે સંતાનપ્રાપ્તિ માટે યજ્ઞનું આયોજન કર્યું ત્યારે જનક રાજાને આમંત્રણ આપવા માટે તેમણે માત્ર સંદેશવાહકને જ નહીં, પણ તેમના મંત્રીઓને મોકલ્યા હતા.

જનક રાજા માત્ર શૂરવીર હતા એટલું જ નહીં, પણ વેદો અને શાસ્ત્રોના બીજા કોઈ પણ ઋષિ જેટલા સમર્થ જ્ઞાતા હતા. તે યાજ્ઞવલ્ક્યના માનીતા શિષ્ય હતા. યાજ્ઞવલ્ક્યનું બ્રહ્મજ્ઞાન અંગેનું તેમની સાથેનું વિવેચન બૃહદારણ્યકોપનિષદનો સારભાગ છે. ભગવદ્ગીતામાં શ્રીકૃષ્ણ જનકને કર્મયોગી તરીકેનું જ્વલંત ઉદાહરણ ગણાવે છે. આમ સીતાના પિતા થવા માટે જનક રાજામાં પૂરતી પાત્રતા હતી, કારણ કે ભગવાન વિષ્ણુના પૃથ્વી ઉપરના માનવ અવતારમાં સીતાએ તેમની પત્ની થવાનું હતું.

એક યજ્ઞની તૈયારીરૂપે એકવાર જનક રાજા યજ્ઞભૂમિને ખેડી રહ્યા હતા. હંમેશ મુજબ આ કામ તેઓ પોતે જ કરતા. ખેતર સ્વચ્છ અને સમથળ થયું ત્યારે જનક રાજાએ છોડવાઓ વચ્ચે એક દિવ્ય સૌંદર્યવાળી સાવ નાની બાળકીને જોઈ. જનક નિઃસંતાન હતા, એટલે એમણે આ શિશુને પૃથ્વીમાતાની ભેટ તરીકે સ્વીકારી. શિશુને તેડીને તેઓ પ્રિય પત્ની પાસે ગયા અને કહ્યું, "આ આપણો ખજાનો છે. આ શિશુને મેં યજ્ઞસ્થળે મેળવ્યું છે અને તેને આપણે આપણું પોતાનું જ બનાવીશું." રાણી આનંદપૂર્વક સંમત થયાં.

મનુષ્યની નાશવંત આંખો પૃથ્વીમાતાના સૌંદર્યને તેની અખિલાઈમાં પામી શકતી નથી, પણ આપણે જ્યારે ધન્ય થયેલા હૃદયથી ભરવસંતની સોનેરી ઝાંય કે શિયાળુ ખેતરની ભરચક લીલાશને જોઈએ, કે પર્વત, ખીણ કે નદી અને મહાસાગરને આશ્ચર્યથી કે મુગ્ધ ભાવથી જોઈએ, ત્યારે આપણને તેની ઝાંખી થાય છે. આ અખિલાઈનું પૂરેપૂરું સૌંદર્ય સીતામાં વ્યક્ત થતું હતું.

કંબન રામાયણમાં એમ કહ્યું છે કે સીતાના સૌંદર્યે ક્ષીરસાગરના મંથન વખતે અમૃત લઈ આવનાર લક્ષ્મીના સૌંદર્યને પણ ઝાંખું પાડી દીધું હતું. આવી સુંદર બાળકીનો ઉછેર જનક રાજા અને તેમનાં પ્રિય રાણીએ કર્યો હતો. સીતાની ઉંમર વિવાહયોગ્ય થઈ ત્યારે જનક રાજાને સીતાથી વિખૂટા પડવાનું દુઃખ સતાવતું હતું. તેમના પ્રયત્નો છતાં સીતાને લાયક રાજકુમાર શોધવામાં તેમને તકલીફ પડતી હતી. સીતાનો હાથ સાંપડવા ઘણા રાજાઓ મિથિલા આવતા હતા, પણ જનકની દૃષ્ટિમાં કોઈ યોગ્ય લાગતા ન હતા. આ અંગે તેમણે આતુરતાપૂર્વક લાંબો વિચાર કર્યો અને એક નિર્ણય ઉપર આવ્યા.

લાંબા સમય પહેલાં તેમણે કરેલા એક યજ્ઞથી વરુણદેવ પ્રસન્ન થયા હતા અને તેમણે જનક રાજાને રુદ્રનું ધનુષ્ય-બાણ અને બે ભાથાં ભેટમાં આપ્યાં હતાં. આ એક દૈવી અને પ્રાચીન ધનુષ્ય હતું. સામાન્ય માણસથી તેને જરા પણ હલાવવાનું શક્ય નહોતું. જનક રાજાએ આ ધનુષ્યને સન્માનપૂર્વકના વારસા તરીકે સાચવ્યું હતું. સીતાને માટે યોગ્ય વ્યક્તિ કોઈ અપ્રતિમ કક્ષાની જ હોઈ શકે એ વિચારણાથી જનક રાજાએ ઢંઢેરો પીટાવ્યો: "જે રાજકુમાર — બીજા કોઈએ નહીં પણ વરુણદેવે મને આપેલું છે તે — શિવધનુષ્ય ઊંચકી, વાળી અને તેની પણછ ચડાવી શકશે, તેની સાથે મારી પુત્રી સીતાનાં લગ્ન થશે."

ઘણા રાજકુમારોએ સીતાના સૌંદર્ય વિશે સાંભળ્યું હતું. તેઓ મિથિલા આવ્યા, પણ નિરાશ થઈને વિદાય થઈ ગયા. શરતનો કોઈ અમલ કરી શક્યું નહીં.

વિશ્વામિત્રની આગેવાનીમાં સિદ્ધાશ્રમથી ઋષિઓ મિથિલા જઈ રહ્યા હતા. તેમનો સામાન સાથેનાં ગાડાંઓમાં હતો. આશ્રમનાં પશુઓ અને પક્ષીઓ પણ પાછળ પાછળ જવા લાગ્યાં હતાં, પણ વિશ્વામિત્રે તેમને આશ્રમમાં જ રોકાઈ જવા કહ્યું.

સાંજનો સમય હતો અને તેઓ સોના નદીએ પહોંચ્યા. ત્યાં તેમણે રાતવાસો કર્યો. વિશ્વામિત્રે રામ અને લક્ષ્મણને તે જગ્યાનો ઇતિહાસ જણાવ્યો. સવારે ઊઠ્યા પછી તેમણે યાત્રા ચાલુ રાખી અને એક બીજી નદી પસાર કરી. આ નદી બહુ ઊંડી નહોતી. બપોર સુધીમાં તેઓ ગંગા કાંઠે પહોંચ્યા.

આ પવિત્ર નદીમાં તેઓએ સ્નાન કર્યું અને ઋષિઓએ પિતૃતર્પણ કરાવ્યું. અહીં એમણે કામચલાઉ આશ્રમ ઊભો કર્યો, પૂજાવિધિ કરી અને ભોજન રાંધ્યું. ભોજન પછી તે વિશ્વામિત્ર પાસે બેઠા અને બંને રાજકુમારોની વિનંતીથી ગુરુએ ગંગાની કથા સંભળાવી.

પર્વતોના રાજા હિમવાન અને તેમની પત્ની મનોરમાને બે પુત્રીઓ હતી. ગંગા તેમની મોટી પુત્રી હતી. દેવોની વિનંતીથી હિમવાને ગંગાને દેવભૂમિમાં મોકલી અને તે ત્યાં સ્થાયી થઈ. નાની પુત્રી ઉમા શિવની પ્રીતિપાત્ર થઈ અને તેમની પત્ની બની.

અયોધ્યાના જૂના સમયના એક રાજા સગર લાંબા સમય સુધી પુત્રહીન રહ્યા હતા. તેમની બે પત્નીઓ કેશિની અને સુમતિ સાથે તે હિમાલય ગયા અને તપશ્ચર્યા કરી. ભૃગુઋષિ તેમનાથી પ્રસન્ન થયા અને તેમને આશીર્વાદ આપ્યા: "તમને ઘણાં બધાં બાળકો થશે અને અમર કીર્તિ ફેલાવશે. તમારી એક પત્ની માત્ર એક પુત્રને જન્મ આપશે. તેના દ્વારા તમારો વંશવેલો આગળ ચાલશે. તમારી બીજી રાણી સાઠ હજાર શૂરવીર પુત્રોને જન્મ આપશે." સગરની પત્નીઓએ તેમને પ્રણામ કર્યા અને પૂછ્યું કે કઈ રાણી એક જ પુત્રને જન્મ આપશે અને કઈ રાણી સાઠ હજાર પુત્રોને જન્મ આપશે. ભૃગુ ઋષિએ બંનેને તેમની પોતાની ઇચ્છા પૂછી. કેશિનીએ કહ્યું કે તેને એક પુત્રથી સંતોષ થશે અને તે પુત્ર વંશવૃદ્ધિ કરશે. સુમતિએ બીજો વિકલ્પ સ્વીકાર્યો. ઋષિએ 'તથાસ્તુ' કહ્યું.

રાજા અને તેમની બંને પત્નીઓએ સંતોષપૂર્વક ભૃગુ ઋષિની વિદાય લીધી અને અયોધ્યા પાછાં ફર્યાં. સમય જતાં કેશિનીએ અસમંજસને જન્મ આપ્યો. સુમતિએ એક વિભાજિત કરી શકાય તેવા પદાર્થને જન્મ આપ્યો. તેના સાઠ હજાર ભાગ પાડતાં શિશુઓનો જન્મ થયો. શિશુઓનું આ સૈન્ય દાસીઓના હવાલે સોંપવામાં આવ્યું. વર્ષો વીત્યાં અને સાઠ હજાર પુત્રો શક્તિશાળી અને દેખાવડા રાજકુમારો તરીકે મોટા થયા, પણ અસમંજસ મોટો થતાં પાગલ, ઘાતકી જેવો બની ગયો. નાનાં બાળકોને નદીમાં ફેંકી તેઓ તરફડિયાં મારીને મરી જાય એ જોવાનો આનંદ તેની નવરાશની પ્રવૃત્તિ હતી. સ્વાભાવિક રીતે લોકો આ ખૂનીને ધિક્કારતા હતા અને અંતે તેને દેશવટો આપ્યો હતો. તેનાથી વિપરીત તેનો પુત્ર અંશુમાન બહાદુર, સદ્ગુણી અને મિલનસાર રાજકુમાર હતો. આને લીધે લોકો ઘણી રાહત અનુભવતા હતા. સગર રાજાએ મહાન અશ્વમેધ યજ્ઞનું આયોજન કર્યું. અંશુમાન આ યજ્ઞના બલિરૂપ અશ્વના રક્ષક તરીકે નિયુક્ત હતો. એક રાક્ષસના રૂપમાં ઇન્દ્રે આ અશ્વને ઉપાડી જવાની પેરવી કરી. દેવો મનુષ્યો દ્વારા કરાતા આવા યજ્ઞોને તેમની સર્વોચ્ચતા સામેનો પડકાર માનતા હતા, અને એટલે તેમાં વિઘ્નો ઊભાં કરવાની કોઈ તક જતી કરતા નહીં. આમ છતાં બધાં વિઘ્નો પાર કરીને યજ્ઞ જો સંપન્ન થાય, તો તેમને અપાયેલાં બલિદાનો સ્વીકારતા. અંતે જેણે એ યજ્ઞ કર્યો હોય તેને યોગ્ય બદલો મળતો.

સગર રાજાએ જ્યારે જાણ્યું કે બલિનો અશ્વ ચોરાઈ ગયો છે, ત્યારે તેઓ બહુ જ અસ્વસ્થ થઈ ગયા. સુમતિના સાઠ હજાર પુત્રોને રાજાએ એ અશ્વની શોધ કરવા આખી પૃથ્વી પર મોકલ્યા અને તેને પાછો લાવવામાં કોઈ ઊણપ ના રહી જાય તેવી સૂચના આપી.

તેમણે પુત્રોને કહ્યું, "આ અશ્વની ખોટ માત્ર યજ્ઞમાં આવેલું વિઘ્ન જ નથી, પણ તે બધા સંકળાયેલા લોકો માટે અપકીર્તિ અને પાપ સમાન બની જાય છે. આથી તે અશ્વ ગમે ત્યાં છુપાવીને રાખવામાં આવ્યો હોય, ત્યાંથી છોડાવીને લઈ આવો."

સગરના પુત્રો આખી પૃથ્વી પર આતુરતાપૂર્વક ફરી વળ્યા, પણ અશ્વ કોઈ જગ્યાએ દેખાયો નહિ. એટલે સુધી કે જાણે કે પૃથ્વી નીચે દટાયેલા ખજાનાની શોધમાં તેઓએ જ્યાં ત્યાં ધરતી ખોદી નાખી. આમ કરવામાં તેમણે સ્થળ કે લોકોની લાગણીની પણ ઉપેક્ષા કરી. પરિણામે લોકોનો ધિક્કાર બધેથી મળ્યો. ઘોડો તો ન જ મળ્યો. આ નિષ્ફળતાની જ્યારે તેમણે રાજાને જાણ કરી, ત્યારે રાજાએ તેમને પાતાળલોક ખૂંદી વળવાનો આદેશ આપ્યો. રાજકુમારોએ આદેશનું પાલન કર્યું અને પાતાળમાં તેમણે અશ્વને એક આશ્રમના ખૂણા પાસે ચરતો જોયો. આ સ્થળ કપિલ ઋષિ જ્યાં તપશ્ચર્યા કરતા હતા તેની નજીક હતું. કપિલ ઋષિ વિષ્ણુના અવતાર હતા.

રાજકુમારો એકદમ એવી તારવણી ઉપર આવ્યા કે તેમણે માત્ર અશ્વ જ શોધ્યો હતો એટલું જ નહિ, પણ તેમણે ચોરને પણ પકડ્યો હતો. તે બધા બૂમો પાડતા કપિલ ઋષિ ઉપર ધસી ગયા: "યોગીનો ઢોંગ કરનાર આ જ ચોર છે!" આનાથી કપિલ ઋષિ ધ્યાનભંગ થયા. તેમણે આંખો ખોલી. તે સાથે જ સાઠ હજાર રાજકુમારો ભસ્મના ઢગલામાં ફેરવાઈ ગયા. મૂળ ચોર — ઇન્દ્રે — યુક્તિપૂર્વક આ અશ્વને અહીં એ જ અપેક્ષાથી છોડ્યો હતો.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.