વિશ્વામિત્ર અને બંને રાજકુમારોએ સરયૂ નદીને કાંઠે રાત્રી વિતાવી. શયન પહેલાં ગુરુ વિશ્વામિત્રે બંને રાજકુમારોને બે પવિત્ર મંત્રો — બલા અને અતિબલા — ની શીખ આપી. આ મંત્રોની જાણકારી અને શીખ તેમની રક્ષા માટે ઉપયોગી હતાં. રાત્રે તેઓ હરિયાળા નદીતટ પર સૂતા અને પ્રભાતે જાગ્યા પછી તેમની યાત્રા આગળ વધી. આમ કરતાં તેઓ અંગ દેશમાં કામાશ્રમ પહોંચ્યા. રાજકુમારોને ત્યાંના ઋષિઓ પાસે રજૂ કર્યા પછી વિશ્વામિત્રે તેમને આ આશ્રમના ઇતિહાસની જાણ કરી.
"ભગવાન શંકરે લાંબા વખત સુધી તપશ્ચર્યા કરી હતી તે આ સ્થળ છે. પ્રેમના દેવતા કામદેવે શિવજી ઉપર તેનું બાણ છોડવાની મૂર્ખામી આ જગ્યાએ કરી હતી. તેને લીધે શિવજીના પ્રકોપથી કામદેવ ભસ્મીભૂત થઈ ગયા હતા. એટલે આ જગ્યા કામાશ્રમ તરીકે જાણીતી છે," ઋષિએ કહ્યું.
એક રાત્રિ તેઓ ઋષિઓના અતિથિ તરીકે રહ્યા અને બીજી સવારે, નિત્યકર્મો પતાવી દેવર્ષિ અને તેના શિષ્યો યાત્રાએ આગળ વધ્યા અને ગંગા નદીએ પહોંચ્યા. ઋષિઓએ તેમને માટે ગંગા પાર કરવા એક તરાપો તૈયાર રાખ્યો હતો. તેમાં તેઓએ નદી પાર કરી.
નદીના મધવહેણે રાજકુમારોએ કંઈક અવાજ સાંભળ્યો અને એ અવાજ વિષે વિશ્વામિત્રને પૂછ્યું. તેમણે સમજાવ્યું કે તે અવાજ સરયૂ નદી ગંગા નદીમાં સમાય છે તેનો છે. રાજકુમારોએ બે પવિત્ર નદીઓના સંગમને મનોમન પ્રણામ કર્યા. ખરેખર સૌંદર્યમંડિત કોઈ પણ વસ્તુ — પછી તે નદી હોય કે ટેકરી, વૃક્ષ હોય કે વાદળ — તેને જોનારને ઊંડા ચિંતનમાં પરમ તત્ત્વ તરફ લઈ જાય છે અને તેને મૌન પૂજા માટે પ્રેરે છે. પવિત્ર નદીઓ, મંદિરો અને સ્થાનો પેઢીઓથી ભક્તિ અને પૂજનનાં કેન્દ્રો રહ્યાં છે, અને જેમ વસ્ત્રો એની સુગંધને સાચવી રાખે છે, તેમ આવાં સ્થાનો પવિત્ર વિચારોના સાક્ષી હોવાને લીધે તેમને સાચવી રાખે છે.
ગંગા પાર કર્યા પછી વિશ્વામિત્ર અને રાજકુમારોએ ગીચ જંગલમાં આગળ વધવાનું ચાલુ રાખ્યું. જંગલી પ્રાણીઓના પડઘાતા અવાજોએ જંગલને ભયાનક બનાવ્યું હતું.
વિશ્વામિત્રે કહ્યું, "આ દંડકારણ્ય છે. અત્યારે ભયાનક જંગલ લાગે છે, તે એક જમાનામાં લોકોનો વસવાટ હોય એવો પ્રદેશ હતો. ઘણા સમય પહેલાં વૃત્રનો વધ કરવાને લીધે ઇન્દ્ર પાપથી પ્રદૂષિત થયા અને સ્વર્ગલોકથી તેમનો દેશવટો થયો. દેવો ઇન્દ્રને ફરીથી શુદ્ધ કરવા પ્રવૃત્ત થયા. તેઓ પવિત્ર નદીઓનું પાણી લઈ આવ્યા અને મંત્રોના ગાન સાથે તેમણે ઇન્દ્રને પવિત્ર સ્નાન કરાવ્યું. ઇન્દ્રના શુદ્ધિકરણવાળું પાણી આ જમીન પરથી વહ્યું અને પૃથ્વીને સમૃદ્ધ કરી અને બધી જમીન એકદમ ફળદ્રુપ થઈ ગઈ."
કોહવાયેલાં મૃત શરીરો અને ગંધાતા કચરા જેવી બધી નાશ પામેલી વસ્તુઓ જ્યારે પૃથ્વી ઉપર પાછી આવે છે ત્યારે તેમનું રૂપાંતર ફળો, ફૂલો અને જીવનને પોષક એવી સૌંદર્યભરેલી સર્વગ્રાહી વસ્તુઓમાં થાય છે. બસ, આ જ તો પૃથ્વીમાતાની કરામત છે.
વિશ્વામિત્રે આગળ વાત કરતાં કહ્યું, "ઘણા લાંબા સમય સુધી બધા લોકો અહીં સુખ-શાંતિમાં રહેતા હતા. પણ પછી 'સુંદ' નામના એક યક્ષની પત્ની તાડકા અને તેના પુત્ર મારીચે કાળો કેર વર્તાવ્યો અને આ સ્થાનને અત્યારે જે ભયાનક જંગલ જેવું લાગે છે તેમાં ફેરવી નાખ્યું. તેઓ હજુ આ જંગલમાં જ છે.
"તાડકાના ભયને લીધે અહીં આવવાની કોઈ હિંમત કરી શકતું નથી. તાડકાનું બળ વીસ હાથીઓના બળ સમાન છે. આ જંગલને આ મહાન દુશ્મનથી મુક્ત કરવા હું તમને અહીં લાવ્યો છું. મને કોઈ શંકા નથી કે અહીંના ઋષિઓની મુશ્કેલીઓના મૂળ સમાન આ પિશાચીનો તમે જરૂર નાશ કરશો."
ગુરુને ધ્યાનથી સાંભળતાં રામે પ્રશ્ન કર્યો, "આપ કહો છો કે તાડકા તો યક્ષ છે, અને મેં ક્યારેય પણ સાંભળ્યું નથી કે યક્ષોમાં બહુ વિશિષ્ટ શારીરિક બળ હોય. વળી એક મહિલા આટલી બધી શક્તિ ક્યાંથી મેળવી શકે?"
વિશ્વામિત્રે ઉત્તર આપ્યો, "તેં બહુ યોગ્ય પ્રશ્ન પૂછ્યો છે. તાડકાનું બળ બ્રહ્માજીના વરદાનને લીધે છે. સુકેતુ નામનો એક યક્ષ થઈ ગયો. સંતાનપ્રાપ્તિ ન થવાને લીધે તેણે તપશ્ચર્યા કરી અને બ્રહ્માજી પાસેથી આવું વરદાન પ્રાપ્ત કર્યું: 'તને એક બહુ શક્તિશાળી શરીરવાળી સુંદર પુત્રી પ્રાપ્ત થશે, પણ પુત્રપ્રાપ્તિ નહિ થાય.' સુકેતુએ આ સુંદર અને શક્તિશાળી પુત્રી તાડકાનાં લગ્ન સુંદ નામના એક યક્ષ સાથે કર્યાં અને મારીચ એનો પુત્ર હતો.
"એકવાર સુંદને અગસ્ત્યનો શ્રાપ લાગ્યો અને તે મૃત્યુ પામ્યો. આને લીધે ઉશ્કેરાયેલાં તાડકા અને મારીચે અગસ્ત્ય ઉપર હલ્લો કર્યો, પણ અગસ્ત્ય ઋષિએ તેમને માનવ મૃતદેહોના હાડચામ ઉપર જીવન પસાર કરનારા પિશાચ થઈ જવાનો શ્રાપ આપ્યો. એટલે તાડકા એક વિકૃત પિશાચી થઈ ગઈ છે.
"ત્યાર પછીથી તાડકા અને મારીચ આ પ્રદેશના રહેવાસીઓને ત્રાસ આપી રહ્યાં છે. સ્ત્રીનો વધ કરવો એ ક્ષત્રિય ધર્મની વિરુદ્ધ છે, એવા પાયા ઉપર તેની હત્યા કરવામાં તમે જરા પણ અચકાશો નહીં. એનો અત્યાચાર અસહ્ય છે. પુરુષ કે સ્ત્રી, જો તે દુષ્ટ હોય તો તેને સજા આપવાની રાજાની ફરજ છે. તેની હત્યા, મનુષ્યોની સુરક્ષા માટે જંગલી જાનવરોને મારી નાખવા જેટલી જ વ્યાજબી છે. રાજાઓ માટે આ કૃત્ય ફરજરૂપ છે. ઘણી સ્ત્રીઓને તેમણે કરેલા ગુનાઓ માટે મૃત્યુની સજા થઈ હોય છે. એટલે જ તમે જરા પણ દ્વિધા ન રાખો."
રામે કહ્યું, "અમારા પિતાશ્રીનો આદેશ છે કે આપની આજ્ઞાનું અમારે નિઃશંક રીતે પાલન કરવું. આપની આજ્ઞાથી અને લોકકલ્યાણ માટે અમે ચોક્કસ તાડકાનો વધ કરીશું."
આમ કહીને તેમણે ધનુષ્યની પણછ ચડાવી અને એવી ખેંચી કે તેનો ભયાનક અવાજ આખા જંગલમાં પડઘાયો અને ભયનાં માર્યાં બધાં જંગલી પ્રાણીઓ ચારેય દિશામાં ભાગવા માંડ્યાં. તાત્કાલિક તાડકાને આની જાણ થઈ. તે આશ્ચર્યચકિત થઈ ગઈ કે તેના રાજમાં આવી ધૃષ્ટતા કરનાર આ આગંતુક કોણ છે. ગુસ્સાથી ભભૂકીને જે દિશામાંથી આ અવાજ આવ્યો હતો, તે તરફ ધસી ગઈ અને રામ ઉપર કૂદી. યુદ્ધ શરૂ થયું.
શરૂઆતમાં રામે તેનાં શારીરિક અંગોને કાપી નાખવાનું નક્કી કર્યું, જેથી આ પિશાચીનો જીવ બચી જાય. પણ તાડકાનો હુમલો બહુ ખતરનાક હતો. તે ઊડીને અધ્ધર આકાશમાં ગઈ અને રામ અને લક્ષ્મણ ઉપર પથ્થરોનો વરસાદ કરવા લાગી. બંને રાજકુમારોએ તેના આ હુમલા સામે પોતાનું રક્ષણ કર્યું. લડત ચાલુ રહી અને વિશ્વામિત્રે રામને આ પિશાચીની ઉપર મરણિયો ઘા કરવામાં જરા પણ વિલંબ ન કરવા માટે ચેતવ્યા.
તેમણે કહ્યું, "આ કોઈ પ્રકારની સહાનુભૂતિને લાયક નથી. સૂર્યાસ્ત થવામાં છે, અને યાદ રાખો કે રાત્રે રાક્ષસો વધુ બળવાન થઈ જાય છે. એનો વધ કરવામાં જરા પણ વિલંબ ન થવો જોઈએ."
આ પ્રમાણે ગુરુની સલાહ માનીને રામે તાડકાનો તાત્કાલિક વધ કરવાનું નક્કી કર્યું. રામે એક મહાશક્તિશાળી બાણ છોડ્યું, જે સીધું જ તાડકાની છાતી છેદીને આરપાર નીકળી ગયું; અને આ સાથે જ તે વિશાળ, ભયાનક અને દુષ્ટ રાક્ષસી નિશ્ચેષ્ટ થઈને ધરતી ઉપર પછડાઈ! સાથે જ દેવોએ આકાશમાંથી હર્ષનાદ કર્યો. અત્યંત આનંદ અનુભવતા અને હર્ષાશ્રુ વહાવતા વિશ્વામિત્ર રામને ભેટી પડ્યા અને આશીર્વાદ વરસાવ્યા.
તાડકાવધની સાથે જ અરણ્ય અગસ્ત્યના શ્રાપથી મુક્ત થયું અને વધુ સુંદર દેખાવા લાગ્યું. રાજકુમારોએ તે રાત્રી અરણ્યમાં વિતાવી.
પરોઢ થતાંની સાથે જ વિશ્વામિત્રે રામને પોતાની પાસે બોલાવ્યા, અને આશીર્વાદ આપીને કહ્યું: "હું આજે બહુ જ ધન્યતા અનુભવી રહ્યો છું! તારા આ મહાન ઉપકારના બદલામાં હું તને શું આપી શકું? હું તને તમામ અસ્ત્રોના અસરકારક ઉપયોગની વિદ્યા શીખવાડીશ."
આમ કહ્યા બાદ વિશ્વામિત્રે રામચંદ્રને દૈવી અસ્ત્રો વિષેની વિદ્યા આપી. આ દૈવી અસ્ત્રો વિશ્વામિત્રને પોતાના તપોબળને કારણે પ્રાપ્ત થયેલાં. વિશ્વામિત્રે રામને આ દૈવી અસ્ત્રોનો ઉપયોગ, અંકુશ અને પરત લેવાની કળા શીખવાડી; જે ત્યારબાદ રામે લક્ષ્મણને શીખવાડી.
ત્યારપછી તેઓ વિશ્વામિત્રના આશ્રમ તરફ પ્રયાણ કરી ગયા. માર્ગમાં રામ અને લક્ષ્મણ અનેક વિદ્યાઓમાં પારંગત થતા ચાલ્યા.
અરણ્યમાં ચાલતી વખતે એક વખત રામે એક મોટી ટેકરી — જેના ઢોળાવ ઉપર અડાબીડ જંગલ ફેલાયેલું હતું — તરફ પોતાની આંગળી ચીંધીને ગુરુને પૂછ્યું: "હે ગુરુજી, શું આપણે આ ટેકરીની મુલાકાતે જઈ રહ્યા છીએ? અને એ અસુરો કોણ છે, જેમણે આપના યજ્ઞમાં બાધા ઉત્પન્ન કરીને આપને યજ્ઞ પૂરો કરવા ન દીધો? અને એ અસુરોનો નાશ કરવા માટે હું શું કરી શકું?"
રામચંદ્ર અસુરો સામે લડીને તેમનો વિનાશ કરવા અને પોતાના ગુરુના આશીર્વાદ મેળવવા તત્પર હતા.
"હા, આપણે એ ટેકરી ખાતે જ જઈ રહ્યા છીએ," વિશ્વામિત્રે ઉત્તર આપ્યો. "આ જ ટેકરી ઉપર ભગવાન નારાયણે તપ આદર્યું હતું, અને પછી તેઓ વામન તરીકે અહીંયાં જ જન્મ્યા હતા. એ સ્થાન પછીથી સિદ્ધાશ્રમ તરીકે ઓળખાયું.
"અસુર તરીકે જન્મેલા જાણીતા ભક્ત પ્રહલાદનો પૌત્ર અને વિરોચનનો પુત્ર મહાબલી એટલો શક્તિશાળી રાજા હતો કે દેવો પણ એનાથી ભય પામતા હતા. મહાબલીએ પોતાના કર્મો દ્વારા ઇન્દ્રની સત્તા હાંસલ કરી હતી.
"બધા દેવો જેની સંતતિ હતા તેવા કશ્યપઋષિ અને તેમનાં પત્ની અદિતિએ વિષ્ણુને પ્રાર્થના કરી અને આજીજી કરી કે તેઓ તેમના પુત્ર તરીકે અવતરે અને ઇન્દ્ર અને બીજા દેવોનું મહાબલીથી રક્ષણ કરે. આ પ્રાર્થનાના ફળસ્વરૂપે અદિતિના પુત્ર વામન તરીકે વિષ્ણુ અવતર્યા.
"નાના સંન્યાસીના રૂપમાં વામન, મહાબલી જે યજ્ઞ કરી રહ્યા હતા તેમાં ગયા. અહીં બધા આગંતુકોનું સ્વાગત થતું હતું અને બધાને તેઓ જેની માગણી કરે તે આપવામાં આવતું હતું. વામન જ્યારે મહાબલી પાસે યાચક તરીકે રજૂ થયા ત્યારે બધા અસુરોના ગુરુ શુક્રાચાર્ય જાણતા હતા કે વામન રૂપે ખરેખર ભગવાન વિષ્ણુ પોતે જ મહાબલીનો નાશ કરવા છૂપા વેશે આવેલા છે. તેમણે મહાબલીને એ બ્રાહ્મણની માગણીને ન સ્વીકારવા ચેતવ્યા.
"મહાબલીએ આ ચેતવણી અંગે કંઈ ધ્યાન આપ્યું નહીં. કોઈની માગણીનો અનાદર કરવાનું તેના સ્વભાવમાં નહોતું. વળી તે પોતે હૃદયથી ભગવાનના ભક્ત હતા. તેથી જો ભગવાન પોતે જ તેમને આપેલી ભેટ સ્વીકાર કરવાની કૃપા કરે તો પોતે ખરેખર ધન્ય થઈ જાય તેમ અનુભવતા હતા. સ્મિત સાથે મહાબલીએ તેમને જે ગમે તે નિઃસંકોચ બનીને માગી લેવા કહ્યું: 'મારું જે કાંઈ છે, તે તમારે હવાલે છે — સંપત્તિ, ઝવેરાત, આ વિશાળ પૃથ્વી અને એમાં જે કાંઈ સમાયું છે — તે બધું જ!' વામને ઉત્તર આપ્યો કે સંપત્તિ તો તેના કોઈ કામની નથી; તેમને તો માત્ર તેમનાં ત્રણ પગલાંમાં આવે એટલી જમીન જોઈતી હતી.
"સમ્રાટ હસ્યા અને આ વામન બ્રહ્મચારીના પગ તરફ જોઈને બોલ્યા: 'ભલે, તો પગલાં ભરો અને જમીન લઈ લ્યો.'
"વામન સંન્યાસી ઓચિંતા જ વિરાટ રૂપમાં ત્રિવિક્રમ બની ગયા. એક પગલામાં તેમણે આખી પૃથ્વી આટોપી અને બીજા પગલામાં સમસ્ત સ્વર્ગ માપી લીધું. હવે તેમને વરદાન અપાયેલ ત્રીજું પગલું મૂકવાની તો જગ્યા જ નહોતી, એટલે તેમનો પગ તેમણે મહાબલીના સમર્પિત મસ્તક ઉપર મૂક્યો. ભગવાનની દૃષ્ટિએ ભક્તનું મસ્તક પૃથ્વી કે સ્વર્ગ જેટલું વિશાળ છે. મહાબલીનું આ મસ્તક નારાયણ ભગવાનના પગના સ્પર્શથી ધન્ય બની ગયું હતું, એટલે જ તેને પૃથ્વીનાં સાત અમર તત્ત્વોમાં માનવામાં આવે છે."
મહાબલીની આ કથા કહ્યા પછી વિશ્વામિત્રે કહ્યું, "આ જ જગ્યાએ, પહેલાં નારાયણે અને પછી કશ્યપે તપશ્ચર્યા કરેલી. એના ફળસ્વરૂપે ભગવાનનો વામન અવતાર થયેલો. આ પવિત્ર જગ્યાએ હું વસું છું. અને અહીં રાક્ષસો આવે છે અને અમારી સાધના અને તપશ્ચર્યામાં વિઘ્નો ઊભાં કરે છે. તમારું અહીં આવવું એ દુષ્ટોના નાશ માટે છે."
રામનો ઉત્તર હતો, "ભલે, એમ જ થશે."
વિશ્વામિત્ર અને બે રાજકુમારોનું આગમન જાણે કે આશ્રમમાં ઉત્સવનો સંકેત બની ગયું હતું. પ્રણાલિકા મુજબ ઋષિઓએ તેમનું પાણી અને ફળફળાદિથી સ્વાગત કર્યું. રામે વિશ્વામિત્રને જાણ કરી કે તેઓ યજ્ઞની તૈયારી તરત જ શરૂ કરી શકે છે અને વિશ્વામિત્રે તે રાત્રિએ જ યજ્ઞનો સંકલ્પ કર્યો.
બીજા દિવસની સવારે બહુ વહેલા ઊઠીને રાજકુમારો ગુરુ પાસે આવ્યા અને રાક્ષસોના આવવાની અપેક્ષા ક્યારે છે, તે વિષે પૂછ્યું. રાક્ષસો આવે ત્યારે પોતે પૂરી તૈયારી સાથે તેમનો સામનો કરી શકે એ આ પ્રશ્નનો હેતુ હતો.
વિશ્વામિત્ર ત્યારે મૌનવ્રતમાં હતા અને ઉત્તર આપી શકે તેમ નહોતા, પણ તેમના સહાયક ઋષિઓએ જાણ કરી કે રાજકુમારોએ યજ્ઞની સુરક્ષા માટે છ રાત્રિ અને દિવસો દરમિયાન સતત સાવધાન રહેવાનું હતું.
બધાં આયુધોથી પૂરતા સજ્જ એવા આ રાજકુમારોએ છ દિવસ અને છ રાત્રિ સુધી સાવધાની દાખવી. છઠ્ઠા દિવસની સવારે રામે લક્ષ્મણને કહ્યું, "ભાઈ, દુશ્મનોના આવવાનો સમય હવે થઈ ગયો છે. આપણે હવે પૂરતા તૈયાર થઈ જઈએ." હજી આ વાત ચાલતી હતી તે દરમિયાન જ યજ્ઞના અગ્નિની જ્વાળા ઊંચે ને ઊંચે જવા લાગી. અગ્નિદેવને સંકેત થઈ ગયો હતો કે રાક્ષસો આવી ગયા હતા. યજ્ઞની વિધિ ચાલુ હતી ત્યારે આકાશમાંથી બહુ ભયાનક અવાજ સંભળાયો.
રામે ઊંચે જોયું અને મારીચ, સુબાહુ અને તેના સાથીઓને યજ્ઞના અગ્નિમાં અશુદ્ધ ચીજોનો વરસાદ કરવાની તૈયારી કરતા જોયા. રાક્ષસોની સેનાએ આકાશને જાણે કે વિશાળ કાળાં ડિબાંગ વાદળાંની જેમ આવરી લીધું હતું.
રામ બોલ્યા, "લક્ષ્મણ, સાવધાન!" આમ કહેતાં રામે મારીચ ઉપર માનવાસ્ત્ર છોડ્યું. ધાર્યું હતું તે મુજબ તેનાથી મારીચનો વધ ન થયો, પણ જેનો સામનો ન થઈ શકે એવા દબાણમાં વીંટળાઈને મારીચ આકાશમાં ફંગોળાયો અને પૂરા સો યોજન દૂર દરિયામાં ફેંકાઈ ગયો.
આગ્નેયાસ્ત્રથી રામે સુબાહુનો વધ કર્યો અને બંને રાજકુમારોએ રાક્ષસોના આખા સૈન્યનો પૂરેપૂરો નાશ કર્યો. આકાશ ફરીથી પૂર્વવત્ પ્રકાશિત થઈ ગયું.
યજ્ઞ સંપન્ન થઈ ગયો એટલે વિશ્વામિત્ર અતિ પ્રસન્ન થયા. "હું દશરથ રાજાનો ઋણી છું," તેમણે કહ્યું. "રાજકુમારો, તમે આપેલું વચન પૂરું કર્યું છે. તમારી બહાદુરીને હું વધાવું છું. તમારા દ્વારા આ આશ્રમ ફરી પાછો સફળતાનો સાક્ષી બન્યો છે, સિદ્ધાશ્રમ!" ('સિદ્ધ' એટલે સફળ.) બીજે દિવસે, સવારની અર્ચના પછી રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર પાસે ગયા અને હવે પછીનો તેમનો આદેશ શું છે તે પૂછ્યું.
રામના જન્મના હેતુથી ગુરુ વિશ્વામિત્ર અજાણ નહોતા. વળી તેમણે રામને જે શસ્ત્રો આપ્યાં હતાં, તેના સામર્થ્યથી પણ તે પરિચિત હતા. આમ છતાં કોઈ વાસ્તવિક ઘટનાનો અનુભવ તેની અપેક્ષા કરતાં કંઈક ઓર જ હોય છે. વિશ્વામિત્રનો આનંદ શબ્દાતીત હતો અને તેમનો ચહેરો જ્યોતિના પ્રકાશથી જાણે કે ભર્યો ભર્યો હતો. તેમને વિચાર આવ્યો કે હજી રામની સેવામાં તેમણે કંઈક વધુ પણ કરવાનું હતું. આ સેવા એટલે રામના સીતા સાથેના વિવાહ! ત્યાં ભેગા મળેલા ઋષિઓએ રામને કહ્યું, "અમે બધા વિદેહના રાજ્યમાં જવા ભેગા મળ્યા છીએ. તેના પાટનગર મિથિલામાં ત્યાંના સુપ્રસિદ્ધ તત્ત્વચિંતક જનક રાજા એક યજ્ઞનું આયોજન કરે છે.
"અમે બધા ત્યાં જઈએ છીએ અને આપ અને આપના ભાઈ, બંને રાજકુમારો અમારી સાથે આવો તો ઘણું સારું રહેશે. અયોધ્યાના રાજકુમારો જનક રાજાના દરબારમાં રહેલું અદ્ભુત ધનુષ્ય જુએ તે એકદમ યોગ્ય ગણાશે."
આમ નક્કી થયું. રામ અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે જનક રાજાની નગરીમાં ગયા.