રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-51

Chapter 51 · પ્રકરણ ૫૧

વિચક્ષણતામાં અગ્રણી

આંતરિક હિંમત અને સૌથી મજબૂત મનોબળ ધરાવનાર સ્ત્રી પણ, લાંબા સમય સુધી કેદીની હાલતમાં રાખવામાં આવે, તો તેનું હૃદય પડી ભાંગે અને માનસિક તાણ અનુભવે.

મહિના પછી મહિના પસાર થતાં, સીતાજીને શ્રદ્ધા હતી કે તેમના સ્વામી તેમના ખબરઅંતર મેળવી લેશે અને તેમના બચાવમાં પહોંચી જશે. આશા નિરાશામાં પરિણમતાં, બીમાર માનસિકતામાં, દુશ્મનોની વચ્ચે માત્ર એકલાં, ફક્ત રામમાં સમર્પિત શ્રદ્ધાના જોરે તે જીવનને વળગી રહ્યાં હતાં. તેમને અખૂટ ભરોસો હતો કે રામ જરૂર આવશે.

રાક્ષસીઓએ તેમને પોતાના દૃષ્ટિબિંદુથી એકદમ યોગ્ય લાગે તેવી સલાહ સંભળાવી: "તું અમારી સલાહને ધ્યાનમાં નહીં લે? તું તો એક માનવ છો, અને આટલી બધી સમજણહીન કેમ છો? હજી સુધી તું તારા આ પામર માનવ-પતિને વળગી રહી છો.

"તારી સાચી જગ્યા તો અમારા રાજાના રાણીવાસમાં છે. જીવનના સઘળા આનંદ મેળવવા માટેની આ જગ્યા છે. પણ તેના અનુરોધને ઠુકરાવીને, તું સતત તારા નગણ્ય પતિને યાદ કર્યા કરે છે. પોતાની રાજધાનીમાંથી હાંકી કાઢેલા આ દુર્ભાગી પામર માટે તને હજી સુધી શા માટે લાગણી છે? તું તેને હવે બીજી વાર ક્યારેય પણ નહીં જોઈ શકે. રાવણને તાબે થા અને સુખ ભોગવ."

આ શબ્દો સાંભળીને સીતાજી માત્ર અશ્રુપાત કરી શક્યાં.

"કેવા પાપી શબ્દો તમે લોકો ઉચ્ચારો છો!" તેમણે કહ્યું. "તમે જે કહો છો એ હું ક્યારેય પણ કરી શકું નહીં. તમે કહો છો કે રામ ગરીબ, પાયમાલ અને પોતાના ઘેરથી દેશનિકાલ પામેલા છે. આ બધું હું જાણું છું; પણ અમારી માનવજાતિમાં કોઈ પણ પત્ની, આ પરિસ્થિતિમાં પોતાના પતિનો ત્યાગ કરવાનું વિચારી શકે નહીં. રાક્ષસરાજ પક્ષે મને તેની પત્ની બનાવવાની આ બહુ જ દુષ્ટ ઇચ્છા છે. સૂર્યનો પ્રકાશ જેમ સૂર્યથી અલગ થયા વગર માત્ર સૂર્યનો જ છે, તેમ હું રામને વરેલી છું. શચી જેમ ઇન્દ્રને વફાદાર છે, કે અરુંધતી વશિષ્ઠને વફાદાર છે, તેમ હું કાયમ રામ સાથે સંયુક્ત છું."

તેમને સમજાવવાની બધી આશા રાક્ષસીઓએ મૂકી દીધી અને એકબીજીને કહેવા લાગી: "આના જેવી હઠીલી મૂર્ખનું બીજું કોઈ શું કરી શકે? સારામાં સારું તો એ છે, કે તે એકદમ દુર્બળ અને સૂકલકડી થઈ જાય તે પહેલાં તેને ખતમ કરવી જોઈએ!"

"હું ઊંચા કુળ સાથે સંકળાયેલી છું. મને માનવમાંસનો બહુ જ શોખ છે. હું તેને ફાડી ખાઈશ અને તેના કોમળ શરીરને મારું ભોજન બનાવીશ," બીજીએ કહ્યું.

"આપણે તેને ગૂંગળાવી નાખીશું અને રાવણને જાણ કરીશું કે તે વિષાદને લીધે મૃત્યુ પામી છે. રાજા પોતે આ હઠીલી સ્ત્રીને લીધે અણગમતા અને વણમાગેલા દુઃખમાં સરી પડ્યા છે. એકવાર તેમને જાણ થશે કે તે મૃત્યુ પામી છે, એટલે તે તેના વિશે બધું ભૂલી જશે અને ઘસઘસાટ ઊંઘી જશે."

બીજી બોલી: "મને તો તેનું કાળજું ખાવાની બહુ ઇચ્છા છે. તે બહુ સ્વાદિષ્ટ હશે."

બીજીએ નિશ્ચયપૂર્વક ઉમેર્યું: "ચાલો, આપણે તેને મારી નાખીએ અને તેનાં શારીરિક અંગો ભાગેપડતાં લઈ લઈએ. થોડું રાયતું અને તેજ દારૂ લઈ આવો. આપણે તેની જ્યાફત ઉડાવીએ અને નિકુંભિલા મંદિરમાં મહેફિલ અને નાચ માણીએ."

આવા ભયાનક શબ્દો સાંભળીને અને આવાં ભયજનક સ્વરૂપો જોઈને સીતાજી રડી પડ્યાં. તેમનું રુદન સંભળાતું હતું. તેમની શારીરિક હિંમત નિષ્ફળ નીવડી હતી અને પ્રકૃતિએ તેનો પ્રભાવ દેખાડ્યો હતો. તે બાળકની જેમ ડૂસકાં ખાતાં હતાં; પણ તેમનાં ડૂસકાંમાં પણ તેમની વિચારશક્તિ બહુ સ્પષ્ટ હતી, અને તે રામ ઉપર કેન્દ્રિત થયેલી હતી.

"જનસ્થાનમાં રામે હજારો રાક્ષસોનો સંહાર કર્યો. તો હજી સુધી રામ શા માટે મને મુક્ત કરવા આવ્યા નથી? જે મહાબલી રાજકુમારોએ વિરાધ અને કબંધનો વધ કર્યો, તેઓ હજી સુધી મારા ભાગ્યની શા માટે જરા પણ દરકાર કરતા નથી? કદાચ એકમાત્ર કારણ એ હોઈ શકે, કે તેઓ હજી સુધી હું ક્યાં છું તે જાણતા ન હોય. ગીધરાજ જટાયુને રાક્ષસે મારી નાખ્યો. તે જો હજી જીવંત હોત, તો જટાયુ રાજકુમારોને એ માહિતી આપી શક્યો હોત કે તેણે રાક્ષસને મારું અપહરણ કરતો જોયો હતો. પણ મને બચાવવામાં જટાયુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું.

"પણ કેટલા લાંબા સમય સુધી રામ મારા અહીં હોવા વિષે અજાણ રહેશે? લંકા અને તેના રાક્ષસો કેટલો લાંબો વખત ટકી શકશે? એટલું નક્કી છે કે આ નગરના દરેક ઘરમાં રાક્ષસોની વિધવાઓ જોરશોરથી કલ્પાંત કરી રહી હશે. હવે નિશ્ચિત છે કે રાવણનું આ નગર અને પૂરેપૂરી રાક્ષસજાતિ નાશ પામશે."

આ રીતે સીતાજીનું આત્મમંથન ચાલુ હતું, અને ધીમે ધીમે તેમનામાં હિંમતનો પ્રસાર થયો. પણ વળી પાછા બીજા વિચારો તેમને આવવા માંડ્યા અને વિષાદથી તે ભરાઈ ગયાં.

"એમ બની શકે કે મને ગુમાવવાનું સહ્ય ન બનવાથી રામે પોતાનો જીવનત્યાગ કર્યો હોય? આવું પણ બની શકે. બાકી તે મારા પ્રત્યે બેદરકારી રાખીને આટલો બધો સમય મને એકલી મૂકી શકે? અલબત્ત, તે અત્યારે દેવોની સાથે સુખ વિતાવતા હશે.

"આટલું બધું સહન કરવા માટે હું અનેક પાપોની દોષિત ચોક્કસ હોઈશ. મારું હૃદય પથ્થરનું બનેલું હોવું જોઈએ; તે સિવાય, આ બધું ભોગવ્યા પછી પણ હું કઈ રીતે ટકી શકું છું? તો પણ મને એવા ભણકારા આવે છે કે રામ હજી જીવે છે — બાકી હું મૃત જ હોઈ શકું!"

વળી પાછો એક બીજો વિચાર સીતાજીને આવ્યો: "કદાચ તેમણે પોતાનું જીવન તપશ્ચર્યામાં ગાળવાનો નિશ્ચય કર્યો હોય, અને મારા અંગેના બધા વિચારો તેમણે છોડી દીધા હોય. ના, ના — કોઈ મહાવીર પોતાની ફરજનો ત્યાગ કરીને, પોતાની પત્નીને તેના દુશ્મનના હાથમાં સોંપીને, સંન્યાસનું જીવન કેવી રીતે ઇચ્છી શકે? આ પ્રકારનો વિચાર કરવો, એ પણ મારી કેવી મોટી મૂર્ખાઈ છે! હકીકત તો એ છે કે હું ક્યાં છું, તેની તેમને જાણ નથી."

આમ સીતાજીનું મન દુઃખી વિચારોના વમળમાં સપડાઈને યાતનાના દરિયાના ઊંડાણમાં ડૂબવા લાગ્યું. તેમણે નક્કી કર્યું કે પોતાની જાતને કોઈ જગ્યાએથી ટીંગાડી દેવાનો શ્રેષ્ઠ રસ્તો હતો. તે પોતાના લાંબા ચોટલાને પોતાના ગળાની આસપાસ વીંટીને, નજીકના શિંશપા વૃક્ષની ડાળી ઉપરથી નીચે કૂદી શકે તેમ હતું.

સીતાજીને સમજાવવાનું સફળ ન રહેતાં, રાક્ષસીઓ હવે શું કરવું તે નક્કી કરી શકતી ન હતી. કેટલીક રાવણને પોતાની નિષ્ફળતાની માહિતી આપવા ગઈ; બીજી અમુક સીતાજીની દેખભાળ માટે ત્યાં જ રોકાણી.

એમાંની એક રાક્ષસી, ત્રિજટા, તેમને ઠપકો આપવા લાગી: "અરે મૂર્ખીઓ, તમે લોકો નિરર્થક જ બોલો છો! બધી મને સાંભળો. મને એક સપનું આવેલું, તેની વાત હું તમને કરું છું. હવે સમય પાકી ગયો છે, જ્યારે લંકાનો નાશ થશે."

પછી તેણે, તેને જે ભયાનક સ્વપ્ન આવ્યું હતું તેની વિગતવાર વાત કરવા માંડી:

"મેં મારા સ્વપ્નમાં સૂર્ય સમાન તેજસ્વી રામને, સીતાજીને શોધવા લંકા આવતા જોયા. રાવણને યમલોકમાં પ્રવેશતો મેં જોયો. સીતાજીને પોતાના હાથી ઉપર આરૂઢ કરીને તેમને સ્વગૃહે લઈ જતા જોયા. મેં રાવણ અને બધા રાક્ષસોને મેલાંઘેલાં વસ્ત્રોમાં ઢસડીને લઈ જતા યમરાજાને જોયા."

આ સ્વપ્નના અનુસંધાનમાં ત્રિજટાએ રાક્ષસીઓને કડક સૂચના આપી: "આ દૈવી સ્ત્રીને હેરાન ન કરતાં. તમારા પોતાના જ વિનાશને ન વરતાં. તેમને પગે પડીને તેમની કૃપાની યાચના કરજો."

ત્રિજટા જ્યારે પોતાની સખીઓને આ વાત કરતી હતી, ત્યારે — સીતાજીએ પોતાની આત્મહત્યાનો નિર્ધાર કર્યો હતો તે બાબતમાં — અચાનક જ સીતાજીને ઘણાં શુભ શુકનો અનુભવાયાં. તેમની ડાબી આંખની પાંપણ, હાથ અને પગ વિચિત્ર રીતે થડકવા લાગ્યાં. ફરી પછી તેમના હૃદયમાં એક અસ્પષ્ટ હિંમત જાગી; આત્મસમર્પણના બધા વિચારો દૂર થઈ ગયા.

તે જ વૃક્ષની ઉપર સંતાઈને બેઠેલા હનુમાનજી, વાટિકામાં જે કંઈ બનતું હતું તેનું નિરીક્ષણ કર્યા પછી, વિચારવા લાગ્યા કે તેમણે પોતે હવે શું કરવું.

કોઈ એમ ધારે કે લંકા પહોંચ્યા પછી અને સીતાજીને જોયાં પછી, હનુમાને હવે બીજું કાંઈ કરવાનું રહ્યું નહોતું. પણ તેમને તેવો સહેલો સંતોષ થાય એમ નહોતું. તેમણે મનોમન વિચાર કર્યા:

"બીજું કોઈ ન કરી શકે એવું મેં કંઈક કર્યું છે. મેં સમુદ્રને ઓળંગ્યો છે અને સીતાજીને શોધ્યાં છે. રાક્ષસોના નગરને મેં જોઈ લીધું છે અને તેના રક્ષણાત્મક મોરચાઓનો અંદાજ મેળવ્યો છે. જે કોઈ જાસૂસ, દુશ્મન પાસે જાતને છતી કર્યા વગર કરી શકે, તે બધું મેં કર્યું છે. પણ અહીંની પરિસ્થિતિ જોખમોથી ભરપૂર છે. હવે હું, અહીંયાં મેં જે જોયું તે રામ અને મારા રાજાને પહોંચાડવા જાઉં, તો વચગાળાના સમયમાં અહીં શું બનશે તેની કોને ખબર છે? રામ, લક્ષ્મણ અને વાનરસેના અહીં પહોંચે તે દરમ્યાન, પોતાની યાતનાઓને સહન કરવામાં નિષ્ફળ સીતાજી પોતાના જીવનનો અંત પણ લાવી શકે. તો પછી મારી બધી મહેનત નિષ્ફળ જાય. સીતાજીને માત્ર જોવાં એ પૂરતું નથી. મારે તેમની સાથે વાત કરવી જોઈએ, રામના સમાચાર આપવા જોઈએ, અને બધી તકલીફો વચ્ચે પણ તે જીવનને ટકાવી શકે તેવી આશા અને વિશ્વાસ તેમના હૃદયમાં પ્રગટાવવાં જોઈએ.

"જો હું સીતાજી સાથે વાત કર્યા વગર પાછો ફરું, તો રામને મળવાનું મને કેવું લાગે? મારે સીતાજી સાથે વાતો કરવા કોઈ રસ્તો શોધી કાઢવો પડે."

હનુમાનચાલીસાની માળામાં શીર્ષકમાં જ આવે છે — 'બુદ્ધિમતાં વરિષ્ઠમ્', એટલે કે 'બુદ્ધિમાનોમાં અગ્રણી.' આ વર્ણન એકદમ સાચું છે.

"સીતાજી આગળ મારે કયા સ્વરૂપમાં સામે જવું જોઈએ? તેમની સાથે કઈ ભાષામાં બોલવું જોઈએ? ઓચિંતો જ કોઈ વાંદરો અશોકવાટિકામાં આવે અને તેમની સાથે વાત કરે, તો સીતાજીને કોઈ છળકપટની જ શંકા જાય — કે રાવણ તેમની સાથે કોઈ નવી છેતરપિંડી કરી રહ્યો છે. હું ઓચિંતો તેમની સામે પ્રગટ થાઉં, તો તે ભયનાં માર્યાં ચીસાચીસ કરી મૂકે. તેમની અત્યારની પરિસ્થિતિમાં આવું બનવું એકદમ સામાન્ય છે. તેમની રક્ષક રાક્ષસીઓ હવે અત્યારે સૂઈ ગઈ છે, તો પણ તેઓ આશ્ચર્યચકિત થઈને જાગી જશે અને મને શોધી કાઢશે. તેઓ જાણી જશે કે હું છૂપા વેશમાં તેમના દુશ્મન તરીકે આવ્યો છું, અને મારા ઉપર હુમલો કરવા તેઓ રાક્ષસોને લઈ આવશે. પછી તો મોટો સંગ્રામ જામશે. અલબત્ત, હું મોટા ભાગનાંનો વધ કરી નાખીશ. પણ હું જો બંદીવાન થાઉં અને જેલમાં જાઉં, તો સીતાજીને સધિયારો આપવાનું અને તેમના સમાચાર રામ સુધી લઈ જવાનું — એ બંનેમાં મોટી દુવિધા ઊભી થાય. આવું તો ન કરી શકાય. હું ગિરફ્તાર થાઉં તે પહેલાં તેમની સાથેના સંઘર્ષમાં સફળ થઈને છટકી શકું, તો પણ હું જખ્મી થઈ જાઉં અને મારી શક્તિ ગુમાવું; તેમજ સમુદ્ર ઓળંગવાનું શક્ય ન બને. તો પછી સીતાજીને મળ્યાનો મને ફાયદો શો થાય? કોઈ માણસે કંઈ પણ ઉતાવળમાં ન કરવું જોઈએ. દરેકના મનમાં તેનું મુખ્ય કર્મ જડાયેલું હોવું જોઈએ. રાજા સુગ્રીવ અને રામ અચૂકપણે મારા પાછા વળવાની રાહ જોઈ રહ્યા હશે. મારા પક્ષે ગમે તેવી નાની ક્ષતિ પણ મોટી હોનારત સર્જી શકે.

"સૌથી પહેલું તો, મારે સીતાજી સાથે સંવાદ રચવો પડશે અને તેમના હૃદયમાં આનંદ અને આશાની લાગણી ઉત્તેજિત કરવી પડશે. મારે તેમની સામે એવી રીતે રજૂ થવું પડશે, કે મારી શુભનિષ્ઠામાં એક ક્ષણ માટે પણ તેમના મનમાં શંકા પેદા ન થાય.

"ભલે — માત્ર તેઓ જ સાંભળી શકે તેવા મીઠા અને ધીમા લયમાં હું રામની કથા અને સદ્ગુણોનું ગાન કરીશ. આમ થવાથી તેમનું હૃદય આનંદ અને શ્રદ્ધાના ભાવથી ભરાઈ જશે, એટલે કોઈ પ્રકારની શંકાને સ્થાન નહીં રહે. બસ, આ રીતે જ હું આગળ વધી શકીશ."

આમ વિચારીને, હજી વૃક્ષની ડાળીઓમાં છુપાયેલા રહીને, તેમણે ધીમા અવાજે "રામ… રામ…"ના મધુર શબ્દોનું ગાન કરવા માંડ્યું.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.