રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-52

Chapter 52 · પ્રકરણ ૫૨

સીતાજીને રાહત

ડાળીઓમાં છુપાયેલા હનુમાને રામની કથા મીઠા અને ધીમા અવાજમાં ગાઈ. આ ગાન સીતાજીના કાને પડ્યું:

"રાજા દશરથ પોતાના સામ્રાજ્યનું શાસન બહુ સારી રીતે કરતા. તેમનું સૈન્ય બહુ પ્રભાવશાળી હતું; તેમાં રથનું દળ, હાથી અને અશ્વોના વિભાગો હતા. તે પોતે એકદમ સદ્ગુણી અને મહાન કાર્યોના કરનારા હતા. તેમનું વચનપાલન અફર હતું, અને આખી દુનિયાના પ્રખ્યાત રાજાઓમાં તે અગ્રણી હતા. સદ્ગુણોમાં તે ઋષિઓના બરોબરિયા હતા અને રાજ્યશાસ્ત્રમાં ઇન્દ્રની બરાબરી કરતા. તેમને કોઈને માટે તિરસ્કાર નહોતો, અને કોઈને પણ તેમણે હાનિ પહોંચાડી નહોતી. તેમની આ ખાસ વિશેષતાને લીધે સફળતાનો મુગટ તેમને વરેલો હતો. એટલે જ લોકો તેમને 'સત્યપરાક્રમી' — એટલે કે એકદમ શ્રેષ્ઠ મહાવીર — કહેતા હતા. ઇક્ષ્વાકુ વંશના શ્રેષ્ઠ, રાજાઓના રાજા, પૃથ્વીપતિ તરીકે તે પંકાતા હતા અને આનંદ ફેલાવ્યા કરતા હતા.

"તેમના ચાર પુત્રોમાંહેના જ્યેષ્ઠ પુત્ર રામચંદ્રનો ચહેરો ખીલેલી પૂર્ણિમા જેવો હતો. શાણા, સદ્ગુણી અને ધનુર્વિદ્યાના નિષ્ણાત એવા રામ સૌથી વધુ લોકપ્રિય હતા. તેઓ રાજ્યના બધા નગરજનો માટે દયાના ભંડાર સમા હતા. તેઓ ધર્મને વરેલા મહાબલી હતા. તેઓ રાજસિંહાસનના વારસ હતા; તો પણ, તેમના પિતાજીના સન્માનને સાચવી રાખવા માટે તેમણે સિંહાસનનો ત્યાગ કરીને, પત્ની સીતાજી અને ભાઈ લક્ષ્મણ સાથે વનવાસ માટે પ્રસ્થાન કર્યું.

"વનમાં તેમણે રાક્ષસોનો સર્વનાશ કર્યો અને ઋષિઓનું સંરક્ષણ કર્યું. તેમણે ખર અને દૂષણ તથા તેમના સૈન્યનો નાશ કર્યો. આ બધું સાંભળીને, વેર વાળવા ઉત્કંઠિત રાવણે એક રાક્ષસને હરણનું સ્વરૂપ લેવાનો આગ્રહ કર્યો; રાજકુમારોને તેનો પીછો પકડવાનું તરકટ ઉપજાવ્યું; અને તેમની ગેરહાજરીનો ગેરલાભ લઈને સીતાજીનું બળજબરીથી અપહરણ કર્યું.

"દુઃખથી ઘેરાયેલા રામ સીતાજીની શોધમાં ગયા. તે વાનરરાજ સુગ્રીવને મળ્યા અને તેમની સાથે મૈત્રી કેળવી. રામે વાનરરાજ વાલીનો વધ કર્યો અને તેના ભાઈ સુગ્રીવ માટે તેમણે વાનર રાજ્ય પ્રાપ્ત કરાવ્યું. અને આમ સુગ્રીવે તેમના વાનર મહાયોદ્ધાઓને, પૃથ્વીના ચારેય ખૂણે સીતાજીની શોધમાં મોકલ્યા.

"આ વાનર યોદ્ધાઓ ગમે તે સ્વરૂપ અને આકાર ધારણ કરી શકતા. તે બધાએ આખી પૃથ્વી ઉપર ખોવાયેલાં સીતાજીની શોધ કરી. સંપાતિએ આપેલી એક માહિતી મેળવીને મેં સો યોજન પહોળો દરિયો ઓળંગ્યો, અને અત્યારે અહીંયાં આવ્યો છું. અને સીતાજીના આકાર, સદ્ગુણો અને બાહ્ય દેખાવનું જે વર્ણન રામે પોતે, પોતાની ખાનદાની પટરાણી માટે મને કર્યું હતું — તેવું જ આ લાગે છે."

આટલું કહ્યા પછી હનુમાનજી થોડીવાર અટક્યા.

કોઈ અજાણ વ્યક્તિથી, કોઈ અજાણી જગ્યાએથી બોલાયેલા આ મીઠા શબ્દોએ સીતાજીને આશ્ચર્ય અને પ્રસન્નતાથી ભરી મૂક્યાં. તેમણે ચારે બાજુ, બધી દિશાઓમાં દૃષ્ટિપાત કર્યો. આટલી પ્રેમમય માહિતી, આવા મીઠા અવાજમાં અને આવી ઉત્કૃષ્ટ ભાષામાં કોણ રજૂ કરી રહ્યું હતું, તે સીતાજીને જાણવું હતું.

તેમણે આજુબાજુ જોયું, ઉપર અને નીચે જોયું; પણ આવા સચોટ વક્તવ્ય સાથે મેળ પડે એવું કોઈ માનવશરીર તેમને જોવા ન મળ્યું. તેમણે માત્ર, પોતે બેઠાં હતાં તેની જ ઉપરની ડાળી ઉપર બેઠેલા એક મજાના નાનકડા વાંદરાને જોયો.

આમ સીતાજીએ વાયુપુત્ર અને વાનરરાજના વિચક્ષણ મંત્રીને, એક નાનકડા વાંદરાના સ્વરૂપે જોયા. તેમનું દેદીપ્યમાન તેજ ઊગતા સૂરજ જેવું હતું.

વાચકે પોતે પોતાની રીતે જ કલ્પના કરવી જોઈએ, કે રામના દૂતને જોઈને સીતાજી કેવાં પ્રસન્ન થઈ ગયાં હશે. જે વાચક આ આનંદનો અનુભવ કરે, તે પોતાના હૃદયમાં ભગવાનનો વાસ થયાનું અનુભવી શકે. આપણે જ્યારે આપણી જાતના પાપી વિચારોને પરિશુદ્ધ કરીએ, ત્યારે જે નરનારાયણ ભગવાન ઉત્કટતાથી આપણા હૃદયનો કબજો મેળવવા આતુર થયા હોય, તે મહાન અને નિઃસીમ ક્ષીરસાગરને છોડીને આપણામાં નિવાસ કરવા આવે છે.

હનુમાનને જોઈને સીતાજીએ આત્મમંથન કર્યું: "જે શબ્દો મેં સાંભળ્યા અને જે સ્વરૂપ મેં જોયું, તે બંને વાસ્તવિક લાગતાં નથી. હું માત્ર સ્વપ્નમાં જ લાગું છું. સ્વપ્નમાં, તે જોનાર વ્યક્તિ પોતે જે વિચારોમાં સતત ડૂબી ગયેલી હોય, તે જ જોતી હોય છે. કેટલી બધીવાર મારું મન મારા સ્વામીની કથાને વળગેલું રહ્યું હોય છે! તો પછી આ કોઈ મોટું આશ્ચર્ય છે, કે અત્યારે હું કોઈના દ્વારા કહેલી કથા સાંભળી રહી હોઉં? આ વાસ્તવિક નથી — માત્ર એક સ્વપ્ન જ છે."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.