રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-50

Chapter 50 · પ્રકરણ ૫૦

રાવણનો અનુરોધ

દુઃખના દરિયામાં ડૂબેલાં, ધર્મને વળગી રહેલાં તેમજ પોતાના સ્વામી પ્રત્યેની નિષ્ઠામાં મગ્ન એવાં સીતાજીને અનુલક્ષીને રાવણે આ શબ્દો કહ્યા:

"હે સુંદરી! તું મારાથી શા માટે ભડકે છે? તું જોતી નથી કે હું તારી કેટલી બધી કાળજી રાખું છું? જોકે રાક્ષસ માટે બીજાની પત્નીનું અપહરણ કરીને તેને બળજબરીથી તાબે કરવાનું નિયમસંગત છે, તો પણ હું તારા પ્રેમનો ભિખારી છું. મારો ભય રાખવાની કોઈ જરૂર નથી. જ્યાં સુધી તારું હૃદય મારી તરફ ન વળે, ત્યાં સુધી હું તને ક્યારેય પણ સ્પર્શ નહીં કરું. એટલે તારે ગભરાવાની જરૂર નથી. હા, મારી એક ઇચ્છા છે — કે હું તારે માટે જેટલી કાળજી ધરાવું છું, તેટલી જ કાળજી તારા મનમાં પણ મારા માટે હોવી જોઈએ. તારે પૂરતી લાગણી સાથે મારો સ્વીકાર કરવો જોઈએ. તારા શરીરને તારે બિનજરૂરી દુઃખનો શિકાર શા માટે બનાવવું જોઈએ?

"હે સૌંદર્યવતી! સૌંદર્યમાં તારા જેવી બીજી કોઈ સ્ત્રી નથી — આખી દુનિયામાં નહીં! તારે માટે સુંદર આભૂષણો અને વસ્ત્રોનો અસ્વીકાર કરીને, ખુલ્લી જમીન ઉપર શયન કરીને, કેશકલાપને અસ્તવ્યસ્ત રાખવાનું બરોબર નથી. હે શ્રેષ્ઠ નારી! આ રીતે તારાં સૌંદર્ય અને યૌવનને વેડફી ન નાખ. હવે જ્યારે તું મારા સંરક્ષણમાં આવી છો, ત્યારે તને કોઈ વાતે ઊણપ નહીં આવે. બધા ભોગવિલાસ તારી ઇચ્છાના ઓશિયાળા છે.

"પૂર્ણ કળાના ચંદ્ર જેવા તારા ચહેરાના પ્રકાશ ઉપરથી હું મારી આંખોને વિખૂટી કરી શકતો નથી. તારા શરીર ઉપર હું જ્યારે મારી આંખો માંડું છું, ત્યારે તે સ્થગિત અને અચલ થઈ જાય છે. આટલું બધું સૌંદર્ય ધરાવનાર, આટલા બધા દુઃખથી શા માટે પીડિત રહી શકે? મારો સ્વીકાર કર અને દુનિયાના બધા ભોગવિલાસની મજા માણ. હું આખી પૃથ્વી જીતીશ અને તારે ખાતર જનકને હવાલે સોંપીશ. હું તારે માટે શું ન કરી શકું? તું મારી સર્વોચ્ચ પ્રિયતમા બનીશ. બધી રાણીઓ અને દાસીઓ રાજમહેલમાં તારા આદેશ મુજબ કામ કરશે. મારી સંપત્તિ, મારું રાજ્ય — આ બધું તારા ઉપભોગ માટે હશે. લંકા અને હું પોતે, અરે આખી પૃથ્વી — તારી માલિકીની બનશે. મારું સામર્થ્ય અને હિંમત દેવો અને અસુરોથી અજાણ્યાં નથી; મેં ખતમ કરેલા તે બધા અત્યારે નીચી મૂંડીએ ઊભા છે.

"તારે માટેનાં સુયોગ્ય આભૂષણો અને વસ્ત્રો સાથે મારી દાસીઓ તારી સજાવટ કરશે. મારી ઉત્કંઠા તને ભવ્ય રીતે સજેલી જોવાની રહી છે. વળી ઉદાર ઉપહારો દાનમાં આપવા માટે તું હંમેશાં મુક્ત રહીશ. તારી સત્તાના વ્યાપમાં સમગ્ર માનવજાત સમાઈ જશે. મારી પ્રજા અને મારાં પરિજનો તારી સેવા કરવાનો લહાવો લેશે.

"વનોમાં ભટકતા દુઃખિયા રામ માટે તું તારા વિચારોને શા માટે વેડફે છે? પોતાના અધિકારો છીનવાઈ ગયા હોય અને જેને દેશનિકાલ થવું પડ્યું હોય, એવા વલ્કલધારી માટે તારામાં પ્રેમ કે વિશ્વાસ કઈ રીતે હોઈ શકે? આવો નિઃસહાય માણસ શું કરી શકવાનો? સમૃદ્ધિની દેવી — જેની સત્તામાં જ શક્તિ અને સફળતા કામ કરે છે — તે બધાંએ તેને ત્યજી દીધો છે, અને તું આ બરોબર જાણે છે. અરે, અત્યારે તે જીવંત હશે કે નહીં, તે પણ શંકાશીલ છે. તું ભલે ગમે તે માનતી હો, પણ તે ફરીવાર તારી સામે આંખ માંડી નહીં શકે, કે તારી નજીક તો નહીં જ આવી શકે.

"ગરુડે કોઈ સાપને ઝડપ્યો હોય તેમ, તેં મારા હૃદયને બંદીવાન બનાવ્યું છે; આમાંથી હું છટકી શકું તેમ નથી. તારી અત્યારની દશામાં, આભૂષણો અને સારાં વસ્ત્રો વગર પણ, તેં મારી જાતને મારી બીજી પત્નીઓથી અળગો કરી નાખ્યો છે. હવે હું શું કરી શકું? મારા રાણીવાસમાં અસંખ્ય સુંદર સ્ત્રીઓ છે, પણ તને જોયા પછી મારી આંખ બીજી કોઈ ઉપર ઠરતી નથી. તે બધામાં સર્વોચ્ચ રાણી તો તું જ થઈશ અને તેમની નમ્ર સેવાચાકરી મેળવીશ.

"કઈ રીતે રામ મારી બરોબરી કરી શકે? તું નથી જાણતી, કે મારી તપશ્ચર્યાની ભીષણ સફળતા પછી સામર્થ્ય, સંપત્તિ અને કીર્તિ સ્થાપિત થયા પછી, હું દરેક બાબતમાં તેનાથી ચડિયાતો છું? તારો ભય દૂર કરી દે. આપણે આખી પૃથ્વી પર એકબીજાના સંગમાં ફર્યા કરીશું. મારી સાથે તું અસીમિત સંપત્તિ અને ઐશ્વર્ય ભોગવીશ. જીવન આખું અનંત આનંદથી ભરેલું હશે. હે સુંદરી! મારી ઉપર કરુણા કર. સમુદ્રકાંઠે આવેલાં વનો અને ઉપવનોમાં આપણે ક્રીડા કરીશું. માત્ર તું એકવાર 'હા' પાડી દે."

આ રીતે રાવણે પોતાની પ્રેમ અને કરુણાની ભાવભરી અરજ કરી.

રાવણે જ્યારે સંબોધન કરવાનું પૂરું કર્યું, ત્યારે સીતાજીએ એક ઘાસનું તણખલું ઉપાડ્યું અને તેમની બંનેની વચ્ચે ગોઠવ્યું. તે કટાક્ષમાં હસ્યાં અને કોમળતાથી બોલ્યાં:

"રાવણ, મારા સંદર્ભના આ બધા વ્યર્થ વિચારો છોડી દે. તારે માટે મારી લાલસા સેવવી તે તદ્દન અયોગ્ય છે. તારા હૃદયને તારી પત્નીઓ તરફ ફેરવી દે. તું જે કહે છે તેની સાથે હું ક્યારેય પણ સહમત થઈ શકું નહીં. જે પરિવારમાં મારો જન્મ થયો તેનો વિચાર કર; જે પરિવારમાં મારાં લગ્ન થયાં તે પરિવારનો વિચાર કર. તું કઈ રીતે ક્યારેય પણ મને તે પ્રમાણે કરવાનું સમજાવી શકે? આવી બુદ્ધિહીન અને અશક્ય ઇચ્છાને અવકાશ આપ્યા વગર, દુઃખી થવાનું રહેવા દે!"

પછી તેમણે પોતાનો ચહેરો બીજી બાજુ ફેરવ્યો અને ચાલુ રાખ્યું:

"હું જ્યારે બીજા કોઈની પત્ની હોઉં, ત્યારે હું તારી પત્ની કઈ રીતે થઈ શકું? ધર્મનું ઉલ્લંઘન ન કર. પાપને રસ્તે જવાનું છોડી દે. મારી વાત ધ્યાનથી સાંભળ. વિચાર કર, કે બીજા પુરુષોના સ્પર્શથી તારી પત્નીઓને સુરક્ષિત રાખવા તું તેમના ઉપર કેટલી કાળજીથી નિરીક્ષણ કર્યા કરે છે. તો બીજા પતિઓ પણ પોતાની પત્નીઓ માટે આમ જ ન કરે? યાદ રાખ કે બીજા માણસો પણ તારા જેવા જ હોય છે. બીજાની પત્ની ઉપર તારી દૃષ્ટિ બગાડવાનું છોડી દે. પોતાની જ પત્ની સાથે સુખી રહેવું, તે જ સાચા સુખનો માર્ગ છે. પણ તું જો તારું મન બીજાની પત્નીમાં પરોવીશ, તો તારે ફાળે દુઃખ અને નાલેશી આવશે.

"તને સાચી સમજણ આપવા માટે દુનિયામાં બીજું કોઈ નથી? દૂષણના માર્ગે ચાલીને તારી જાત ઉપર અને તારી પ્રજા ઉપર તું શા માટે વિનાશ નોતરે છે? રાજા જ્યારે પોતાના ઉપરનું નિયંત્રણ ગુમાવે છે, ત્યારે તેનું રાજ્ય અને સંપત્તિ — એ બધું નાશ પામે છે. ખાતરી રાખજે, કે લંકા અને તેનું ભવ્ય સામર્થ્ય, તું જો તારા પાપી માર્ગે ચાલીશ તો સંપૂર્ણ રીતે નાશ પામશે. અને ત્યારે તેં જે દુશ્મનોને પરાજિત કરીને ઉપહાસરૂપ કર્યા છે, તેઓ આનંદમાં આવી જશે.

"તારી સંપત્તિ અને ભોગવિલાસનું તું જે વચન આપે છે, તેનો મારે માટે કોઈ અર્થ નથી; તે બધાં મને આકર્ષિત કરી શકે તેમ નથી. હું રામને પરણી છું અને મારાં મન અને હૃદયને તેમનાથી જરા પણ દૂર કરી શકું નહીં. મેં જ્યારે તેમનો હાથ પકડ્યો છે, ત્યારે ક્યારેય બીજા હાથને સ્પર્શી શકું નહીં — ક્યારેય પણ નહીં. હું તેમની, રાજકુમારની, સમગ્રતયા અને શાશ્વત રહેવાની છું. જે રીતે વેદ ઉપરનો કાબૂ જેણે પૂરી આસ્થાથી સિદ્ધ કર્યો હોય તેની તે માલિકીના બને છે, તેમ હું તેમની માલિકીની છું. મારા તરફ કામુક આંખોથી જોવું પણ, બીજા કોઈને માટે યોગ્ય નથી.

"તારા ભલાની આ વાત હું જે તને કહું છું, તે ધ્યાનથી સાંભળ. નમ્રતાપૂર્વક રામની માફી માગ અને તેમના ગુસ્સામાંથી મુક્તિ મેળવ. તારા જ વિનાશની શોધમાં ભટક્યા ન કર. રામ બહુ ઉદાર છે, અને તું જો તેમની કૃપાની યાચના કરીશ તો તે તને માફી આપી દેશે. સલામતી અને ક્ષમાની શોધમાં જા, અને મૃત્યુ તથા વિનાશ પામવાનું છોડી દે.

"જો, અત્યારે જ હું રામના ધનુષ્યનો ટંકાર સાંભળી રહી છું. તું છટકી શકવાનો નથી. યમરાજા સાવ પાસે જ ઊભા છે અને તને ઉપાડી જવા તૈયાર જ છે. રામ અને લક્ષ્મણનાં બાણ હમણાં જ લંકા પહોંચશે અને તારું નગર ભડકે બળશે. રામે જનસ્થાનના રાક્ષસોનો જડમૂળથી વિનાશ કર્યો નહોતો? તું પોતે, તેમના સામર્થ્યને જાણીને, જ્યારે રામ અને લક્ષ્મણ દૂર હતા ત્યારે મને ઉપાડી જવા અમારી કુટીરમાં ચોરની જેમ આવ્યો નહોતો? એક ક્ષણ માટે પણ તું તેમની આગળ સામસામે ઊભો રહી શકે ખરો? કોઈ કૂતરો વાઘ સામે જાય ખરો? તે વાઘની ગંધથી ભાગી ન જાય? પૃથ્વીની ભીની માટીની ભીનાશને સૂર્ય જેમ ચૂસી લે છે, તેમ રામ અને લક્ષ્મણ તારું જીવન પી જશે. તારી જાતને સંતાડવા તું ભાગી જઈને પર્વતોમાં જઈશ? કે પછી દરિયાના પેટાળમાં છુપાઈ જઈશ? એમ થાય તો પણ, નિશ્ચિત સમયે કોઈ વૃક્ષ જેમ વીજળીના પ્રવાહમાં નાશ પામે, તેમ તું તેઓના હાથે નાશ પામીશ. તું છટકી શકે એમ નથી."

આ રીતે સીતાજીએ પોતાની કડક ચેતવણીથી પોતાની વાત પૂરી કરી. રાવણે પોતાનો ગુસ્સો કાબૂમાં રાખ્યો અને બોલ્યો:

"હે સીતા, આ બનાવટી તપસ્વી રામ ઉપર વારી જઈને તું બુદ્ધિહીન વાતો કરે છે અને મારા પ્રેમાળ શબ્દોનો અપમાન અને ઘૃણા સાથે ઉત્તર આપે છે. તારા તરફના મારા પ્રેમને લીધે અત્યાર સુધી હું આત્મસંયમમાં રહ્યો છું, બાકી તું અત્યારે મૃત હાલતમાં હોત. તને મેં આપેલા સમયગાળામાં હવે બે માસ બાકી રહ્યા છે. તે પસાર થાય તે પહેલાં તારા વિચારો બદલાવ. મારી પત્ની થઈ જા અને મારા શયનખંડમાં આવ. તું જો અસ્વીકાર કરીશ, તો તને મારા રસોડામાં મોકલાવી દેવામાં આવશે અને મારા ભોજન માટે તૈયાર કરવામાં આવશે. સાવધાન!"

એ બહુ જાણીતું હતું કે રાક્ષસોના ખોરાકમાં માનવમાંસનો સમાવેશ થતો. એટલે રાવણની આ ધમકી અતિશયોક્તિવાળી નહોતી, પણ એક બહુ સ્પષ્ટ શક્યતાનો નિર્દેશ કરતી હતી. તો પણ સીતાજી અડગ હતાં, અને તેમણે ઉત્તર આપ્યો:

"અફસોસ! અફસોસ! તને સારી સલાહ આપે એવું કોઈ રહ્યું નથી? તારે એવો કોઈ મિત્ર નથી, જે આ પાપકર્મમાંથી તને બચાવે અને સદ્ગુણના માર્ગે આગળ વધારે? રામની સજામાંથી તું બચી શકવાનો નથી. કોઈ જંગલી હાથીની દુશ્મનાવટ વહોરનાર સસલાની જેમ, તેં રામનો મહાક્રોધ આવકાર્યો છે. તેમની ગેરહાજરીમાં તેં — દુષ્ટે — મારો કબજો મેળવ્યો, તેની તને શરમ નથી આવતી? તારો વિનાશ નિશ્ચિત છે. તારા દુર્ભાગ્યે તને આ કામ કરવા દોર્યો છે. અને તો પણ તું કુબેરનો ભાઈ છો; તું એક પ્રખ્યાત મહાયોદ્ધા તરીકે જાણીતો છો; પૂરેપૂરા ચાર વિભાગોમાં પથરાયેલા સૈન્યનો તું સર્વેસર્વા છે. તો આવું દુષ્ટ કામ, આવી દુષ્ટ રીતે તારે શા માટે કરવું જોઈએ?"

રાવણની આંખો ગુસ્સામાં ઝબકવા લાગી, અને સાપની જેમ ફૂંફાડા મારતો રાવણ સીતાજી તરફ ભયંકર ગુસ્સાથી જોવા લાગ્યો. તેના વધતા જતા આક્રોશ વચ્ચે તેની યુવાન પત્નીઓમાંની એક, ધાન્યમાલી તેની પાસે ગઈ અને તેને આલિંગન આપીને કહ્યું:

"મહારાજ! આ સાવ તુચ્છ માનવપ્રાણી બાબતમાં તમે શા માટે ગુસ્સો કરો છો? તે તો તમારી જરા પણ દરકાર લેતી હોય એવું તો લાગતું નથી. તમારી પત્ની થવાનું તેના સદ્ભાગ્યમાં લાગતું નથી — બસ, આટલું જ. અને તેનામાં એવું કોઈ આકર્ષણ છે જ ક્યાં? આ વામણી સ્ત્રી માટે આપ આપના વિચારો શા માટે વેડફો છો? પાછા ચાલો, આપણે આનંદ ભોગવીએ."

રાણી રાવણને પ્રેમપૂર્વક પાછો દોરી ગઈ, અને રાક્ષસ તેની સાથે હાસ્ય કરતો ગયો.

તેના ગયા પહેલાં રાવણે, સીતાજીની સુરક્ષામાં જે રાક્ષસીઓ ફરજ પર હતી તેમને, સીતાજીને ગમે તેમ પ્રયત્ન કરીને સમજાવવાનો આદેશ આપ્યો. અને ધરતીને ધમરોળે એવાં પગલાં પાડતો તે અશોકવાટિકામાંથી નીકળી ગયો; તેની પાછળ તેનો રસાલો હતો. જેવી રાવણની પીઠ ફરી, તે તરત જ રાક્ષસીઓ સીતાજીને ઘેરી વળી.

અત્યાર સુધી જે રાજકુમારી બહુ જ ધીરજ અને હિંમત ધરાવતાં હતાં, તે હવે આ બધાં વિકૃત સ્વરૂપોને જોઈને ધ્રૂજવા લાગ્યાં.

"શ્રેષ્ઠ અને ખાનદાન પરિવારનો વારસ રાવણ — પૃથ્વી પરનો શ્રેષ્ઠ યોદ્ધો — તારે માટે લાગણી રાખતો હોય, ત્યારે તું તેનો અસ્વીકાર કઈ રીતે કરી શકે? બુદ્ધિહીન છોકરી! રાવણને તું શું માની બેઠી છો? જાણી લે કે તે બ્રહ્માનો સીધો વારસ છે. તે બ્રહ્માના પુત્ર પુલસ્ત્ય પ્રજાપતિનો પૌત્ર છે. યુદ્ધોમાં મહાનાયક છે. તેણે ઘણાં યુદ્ધો જીત્યાં છે અને ઘણા શત્રુઓને પરાસ્ત કર્યા છે. તેનું આવું અપમાન કેટલું બુદ્ધિહીન લાગે છે!"

બીજી રાક્ષસીએ કહ્યું, "તારા અહંકારને તારા વિનાશનું કારણ ન બનવા દે. રાવણ વિશ્રવા ઋષિનો પુત્ર છે. તેને સાવ બિનજરૂરી ન માન. તેનો સ્વીકાર કર અને સુખી થા."

વળી ત્રીજી રાક્ષસી બોલી, "રાક્ષસોના મહાનાયક, જેમણે યુદ્ધમાં સ્વર્ગના દેવોને હરાવીને ભગાડી મૂક્યા હતા, તે જ તને પત્ની બનવાનું નિમંત્રણ આપે છે. તારે તાબે થવું જોઈએ; એ સિવાય, ક્ષુલ્લક છોકરી, તારે મૃત્યુ પામવું જ પડશે."

એક બીજી રાક્ષસીએ સમજાવ્યું: "પોતાની બધી ખાનદાન પત્નીઓનું અપમાન થાય તો પણ, તારા સૌંદર્યના મોહપાશમાં રાજા રાવણ તારા પ્રેમની યાચના કરે છે અને બધી પત્નીઓમાં તને પ્રથમ સ્થાન આપવા માગે છે. તો પછી તારું આ હઠીલું વલણ આટલું મૂર્ખાઈભર્યું કેમ છે?"

વળી બીજીએ ઉમેર્યું, "આખી દુનિયામાં કોઈ રાજા રાવણની બરાબરી કરી શકે તેમ નથી. સદ્ભાગ્યે તને આ સામેથી આવ્યું છે, અને તું તેને જવા દે છે. કેવી મૂર્ખામી!"

"સૂર્ય અને વાયુના પુત્રો રાક્ષસના રાજાથી ભયભીત છે. અને એ જ રાક્ષસરાજ તને શોધીને તેની સૌથી શ્રેષ્ઠ પત્ની બનાવવા માગે છે. તારો અહંકાર તને મુશ્કેલીમાં ન મૂકે તે જોજે. જેને શોધ્યા વગર ભાગ્ય તારા હાથમાં આવી પડ્યું હોય, તેનો અનાદર ન કર."

પાછી બીજી રાક્ષસીએ પૂર્ણાહુતિ કરતાં કહ્યું: "અમે તને ઘણી સારી સલાહ આપી છે. અમે અમારાથી જે બધું થાય તે શ્રેષ્ઠ રીતે કર્યું છે. હવે બીજું બધું અમે તારા ઉપર છોડીએ છીએ. આ અમારા અનુરોધનો તું જો અસ્વીકાર કરીશ, તો તારે જરૂર મૃત્યુવશ થવું પડશે."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.