ઊંચા ગઢની રાંગ ઉપર હનુમાન ઊભા હતા, ત્યારે તેમને સમજાતું નહોતું કે શા માટે આનંદનો એક હર્ષાવેશ તેમના પૂરા શરીરમાંથી પસાર થતો હતો. કદાચ એટલા માટે હોઈ શકે, કે કોઈ ધર્મકાર્ય જે ફળીભૂત થવા જઈ રહ્યું હોય, તેને કોઈ અદૃશ્ય વાતાવરણ વીંટળાઈ વળ્યું હોય અને એક ભક્તહૃદયને તે સૂક્ષ્મ રીતે અસર કરી રહ્યું હોય. અંતે જ્યારે તે સીતાજી જ્યાં હતાં તે સ્થળે પહોંચ્યા, ત્યારે તેમનું સમગ્ર અસ્તિત્વ અત્યાનંદી મહત્ત્વાકાંક્ષાથી — કોઈ પણ દેખીતા કારણ વગર — ધડકવા લાગ્યું હતું.
વસંતઋતુના પ્રારંભની આ રાત્રી હતી. વૃક્ષો અને છોડવાઓ પુષ્પમય હતાં. હનુમાન ઠેકડો મારીને વૃક્ષોના એક ગીચ ઝૂમખા ઉપર પહોંચ્યા. તે વૃક્ષો ઉપર જે પક્ષીઓ આરામ કરતાં હતાં તેમને ખલેલ પહોંચી, અને તે બધાં મધુર ગાન કરતાં ઊડીને બીજે ગયાં. હરણ અને એવાં બીજાં પ્રાણીઓ પણ હલનચલન કરવા માંડ્યાં. ડાળીઓ ઉપરથી ફૂલો નીચે પડ્યાં અને હનુમાનના શરીરને વીંટળાઈ વળ્યાં. વાટિકાનાં પ્રાણીઓ, હનુમાનના આકર્ષક શરીરને ફૂલોથી ઘેરાયેલું જોઈને વિચારવા લાગ્યાં, કે વસંતના પરોઢમાં વસંતના દેવતા આ વનરાજીની મુલાકાતે આવ્યા હતા.
ઉદ્યાન મંત્રમુગ્ધ કરે એવું સૌંદર્ય ધરાવતું હતું. મજાની તલાવડીઓ; સોનું, ચાંદી, હાથીદાંત, મોતી અને પરવાળાંથી સુશોભિત કાંઠાનો વિસ્તાર; સ્ફટિકનાં પગથિયાં; કૃત્રિમ ટેકરીઓ અને પાણીના ધોધ — આ દૃશ્યે હનુમાનનું હૃદય પ્રસન્નતાથી ભરી દીધું. કેટલાંક વૃક્ષોને ફરતા ઓટલા સોના અને ચાંદીથી જડેલા હતા. ઝાડ ઉપરથી લટકતી ઘંટડીઓ પવનમાં સંગીત ભરતી હતી.
હનુમાન ઉપર ચડ્યા અને એક ઊંચા તથા થડની આજુબાજુ સોનેરી ઓટલાવાળા ઝાડનાં પાંદડાંઓમાં સંતાઈને બેઠા.
હનુમાને સ્વગત કહ્યું: "જો તેઓ જીવંત હોય અને લંકામાં હોય, તો સીતાજી અચૂક આ વાટિકાની મુલાકાતે આવતાં હોય. એકાંત અને રામના ચિંતન માટે બીજાં બધાં સ્થાનો કરતાં તેઓ આ જ સ્થાન ઇચ્છે. બીજાઓ કહેતા હતા ને, કે તેમને વૃક્ષો અને વનરાજી માટે પ્રેમ હતો? પરોઢના સમયે તેઓ ચોક્કસ વૈશ્વિક જનનીને ભક્તિ અર્પણ કરવા અહીં આવે."
તેમણે ચારેય બાજુ અવલોકન કર્યું. પાંદડાંની પાછળ પોતે છુપાયેલા હતા. તે એક ડાળી ઉપર બેઠા અને નીચે જોયું. એક મહિલા-આકૃતિ તે ઓટલા ઉપર બેઠી હતી. તેમનું સૌંદર્ય આંખોને આંજી દે તેવું અને દૈવી પવિત્રતાવાળું હતું.
તેમની દૂબળી અને ફિક્કી કાયા શુક્લપક્ષની શરૂઆતના ચંદ્રના કિરણની જેમ ચમકતી હતી. ધુમાડાથી છવાયેલી જ્યોતની જેમ તેમનું સૌંદર્ય, હતાશા વચ્ચે અનિયંત્રિત રીતે પ્રકાશી રહ્યું હતું. મેલું ઉપવસ્ત્ર ઓઢેલાં તે સ્ત્રી, કાદવવાળી લીલથી છવાયેલા સુંદર કમળ જેવાં લાગતાં હતાં. તેમનો ચહેરો આંસુથી ઊભરાતો હતો, અને ખોરાકના અભાવે તે ફિક્કાં અને દૂબળાં દેખાતાં હતાં. દુઃખ સિવાય તેમને કોઈ વિચાર નહોતા; કોઈ આશા કે કોઈ મિત્રની ઝાંખી પણ નહોતી. તેમની આંખો જે બાજુ ફેરવે, ત્યાં બધેય માત્ર રાક્ષસીઓ હતી. પોતાના સમૂહમાંથી વિખૂટી પડી ગયેલી અને જંગલી કૂતરાંઓનાં જૂથ વચ્ચે સલવાયેલી સસલી જેવી તેમની મનોદશા હતી. તેમનો સર્પાકાર ચોટલો બેધ્યાનપણે તેમની કમર સુધી પહોંચતો હતો.
કોઈ નાસ્તિકે કોઈ પવિત્ર ધાર્મિક શબ્દને તેના સંદર્ભમાંથી ઉખેડી નાખ્યો હોય; કોઈ સમૃદ્ધિ અણછાજતા વિનાશમાં ડૂબી ગઈ હોય; વિશ્વાસઘાત કે ભગ્ન આશા છવાયેલાં હોય; મૂંઝવણભરી પરિપૂર્તિ મળી હોય; શાણપણના અભાવથી ગંદી બુદ્ધિ હોય; અને ખોટી અપકીર્તિથી પ્રદૂષિત નિર્દોષ પવિત્રતા હોય — તેમ તે સ્ત્રી હનુમાનને સન્માનનીય અને દયનીય લાગ્યાં.
હનુમાને પૂરતી ખાતરીથી પોતાની જાતને કહ્યું: "સુંદર હતાશાની મૂર્તિરૂપ ચોક્કસ આ સીતાજી છે. તેના પુરાવારૂપ જુઓ — ઝાડની ડાળી ઉપરથી ઉપેક્ષિત રીતે લટકતા આ હીરા, રામે વર્ણવેલા તે જ હીરા છે, જે રાવણે તેમનું અપહરણ કર્યું ત્યારે સીતાજીના શરીર ઉપર હતા; સિવાય કે આકાશમાંથી પસાર થતાં જે હીરાઓ તેમણે નીચે ફેંકી દીધા હતા અને અમે પર્વત ઉપરથી તેમને મેળવી કાઢ્યા હતા. અને જુઓ — જે અંગવસ્ત્ર, ભલે ચોળાયેલું અને કરચલીવાળું, તેમણે પહેર્યું છે, તે આપણને જે મળ્યું તેની જ જોડીનું હોય તેવું છે. અચૂકપણે આ દૈવી સૌંદર્યવાળાં માનુની, જાણે કોઈ સાચા પ્રેમમાં અડગ હોય અને મુશ્કેલીઓના મહાસાગરના વાવાઝોડામાં ફસાયેલાં હોય, તેવાં લાગે છે. તે ચોક્કસ રામનાં પ્રિય રાણી છે. તેમના કારણે જ રામ ત્રિવિધ વિપત્તિમાં સપડાયા છે — સીતાજીની યાતનાનું દુઃખ, તેમના અપમાન માટેનો મહાક્રોધ, અને તેમનાથી વિખૂટા પડવાનો હૃદયભેદક વિષાદ. ચોક્કસ રામ સીતાજીના હૃદયમાં અને સીતાજી તેમના હૃદયમાં હંમેશાં વસેલાં જ છે. હકીકત તો એટલી જ છે કે તેઓ વિખૂટાં પડ્યાં નથી — બાકી તેઓ જીવી જ ન શકે."
અને આમ, સીતાજીને જોવાનું ચાલુ હતું, ત્યાં તો તેમનું હૃદય કૂદકો મારીને સમુદ્રની સામે પાર પહોંચી ગયું અને રામના ચરણોમાં ઢળી પડ્યું. પાછું તેમણે સીતાજીને જોયાં અને આત્મસંબોધન કર્યું:
"આ દૈવી સન્નારીને કારણે જ, સામર્થ્યમાં રાવણના સમોવડિયા મહાન વાલીનો વધ થયો; તેમને લીધે જ કબંધ અને વિરાધ મરણ પામ્યા; અને ખર, દૂષણ તથા ત્રિશિરાના ચૌદ હજાર ભયાનક રાક્ષસોએ જનસ્થાનની ભૂમિ રક્તવર્ણી કરી. તેમના કારણે જ વાનરોનું ભવ્ય રાજ્ય બહાદુર વાલી પાસેથી છીનવીને સુગ્રીવને અપાયેલું. તેમના કારણે જ મેં નદીઓના નાથ એવા સમુદ્રને પસાર કર્યો, અને અત્યારે હું અહીં લંકામાં છું. આ બધું વધુ પડતું લાગે છે — પણ નિશ્ચિત છે કે સીતાજીને માટે જો રામ વિશ્વમાં પરિવર્તન કરે કે તેનો નાશ પણ કરે, તો હું મારા અંતરથી બોલી ઊઠું: ધન્ય! બરોબર છે. તેમની પાત્રતા તો આ બધા કરતાં પણ ઘણી વધુ છે!"
પાછું હનુમાનનું હૃદય દરિયો પસાર કરીને દૂર દૂર રામના ચિંતનમાં મગ્ન થયું.
ત્યારે જ, જાણે કે કોઈ સરોવરની સપાટી ઉપર હંસ સરકતો હોય તેવી રીતે, ભૂરા આકાશમાં ચંદ્ર સરકતો આવ્યો; અને તેનો પ્રકાશ ફેલાતાં એવું લાગ્યું, કે તેનો હેતુ વાયુપુત્રને મદદ કરવાનો હતો.
પાંદડાં વચ્ચેથી ડોકિયું કાઢતાં અને શું કરવું તેની જાણ ન હોતાં, હનુમાને ફરીવાર સીતાજીના ચહેરાને ધ્યાનથી નિહાળ્યો. ભરપૂર માલ ભરેલા અને વાવાઝોડામાં સપડાયેલા કોઈ વહાણ સામે મૂંઝવતી દરિયાઈ આફતને વ્યક્ત કરનારી ચિંતા, સીતાજીના ચહેરા ઉપર વ્યક્ત થતી હતી.
તેમની ચોકી કરતી રાક્ષસીઓ અસહ્ય વિરૂપ હતી. એકને માત્ર એક જ આંખ હતી; બીજીને ફક્ત એક કાન જ હતો. કેટલીકને કાન જ નહોતા અને કેટલીકને નાક નહોતાં. કેટલીકનાં નાક સીધાં ઉપર જતાં હતાં. કેટલીકને વાળ જ નહોતા, જ્યારે કેટલીકના વાળ ઘૃણા ઉપજાવે તેમ બાંધેલા હતા. કેટલીકને ફૂલેલાં પેટ હતાં અને કેટલીકના હોઠ ઊંટ જેવા હતા. કેટલીક ખૂંધવાળી હતી. કેટલીક ઠીંગણી હતી અને કેટલીક તાડના ઝાડ જેવી લાંબી હતી. ડુક્કર જેવા, વાઘ જેવા, ભેંસ જેવા, બકરી જેવા — આવા બધા ચહેરાઓ જોવા મળતા હતા. આવાં વિકૃત પ્રાણીઓના હાથમાં ભાલા અને બીજાં હથિયારો હતાં.
અને આ પરિસ્થિતિમાં, તેમની વચ્ચે ફિક્કાં પડી ગયેલાં રાજકુમારી ધ્રૂજતાં બેઠાં હતાં. તેમની મૈત્રી માત્ર તેમના સદ્ગુણો સાથે જ હતી. કોઈ આધારવિહીન સુંદર વેલો જમીન ઉપર પડી ગયો હોય, તેવાં તે લાગતાં હતાં.
હજી અંધારું છવાયેલું હતું અને હજી પરોઢ થયું નહોતું. રાજદરબારના કવિઓ દ્વારા થતા વેદમંત્રોના ઉચ્ચાર અને પ્રભાતિયાંઓથી રાવણ તેની ઘોર નિદ્રામાંથી જાગૃત થયો. તેના જાગ્યાની ક્ષણે જ તેણે સીતાનો વિચાર કર્યો, અને જે વાટિકામાં તે બંદિની હતાં તે તરફ જવા લાગ્યો.
તેના પૂરા રસાલા સાથે તે રાજમહેલની વાટિકામાં પ્રવેશ્યો. સ્વચ્છ સફેદ પોશાકમાં સજ્જ, ફૂલસુગંધી મશાલો અને રજવાડી છત્ર સાથે, દેદીપ્યમાન અલંકારોવાળી નર્તકીઓ રસાલામાં હતી. રાવણ જાણે બીજા મન્મથ (કામદેવ) જેવો સુંદર લાગતો હતો.
આ રસાલો પ્રવેશદ્વારમાં આવ્યો, ત્યારે હનુમાને ટોળાંનો ઘોંઘાટ અને સ્ત્રીઓનાં ઝાંઝરનો ઝણકાર સાંભળ્યો. તરત જ તેમણે રાક્ષસોના રાજાને આવતો જોયો. તરત જ હનુમાને ડાળી ઉપરનાં ઘટાટોપ પાંદડાંની વચ્ચે પોતાની જાતને, પહેલાં કરતાં પણ વધુ અસરકારક રીતે છુપાવી.
રાવણ સીતાજી તરફ આવ્યો, ત્યારે તેની શક્તિ અને ભવ્યતા જોનારને આશ્ચર્યચકિત કરે તેવાં હતાં. તેને જોઈને જ સીતાજીનું શરીર સંકોચાયું અને તોફાનમાં કેળના ઝાડની જેમ ડોલવા લાગ્યું.
આ ધર્મકથાને જ્યારે કોઈ વાંચે કે સાંભળે, ત્યારે વાંચનારે સીતાજીની વર્તમાન પરિસ્થિતિની ભાવુક છબીને પોતે આત્મસાત્ કરવી જોઈએ. દુઃખ અને હતાશાથી પીડિત કોઈ પણ સન્નારી, પોતાના દુર્ભાગ્યે કોઈ લંપટ પુરુષના તાબામાં હોય, તેની કલ્પના સહેલાઈથી થઈ શકે. જનક રાજાનાં પુત્રી અને રાજા રામચંદ્રનાં પત્ની સીતાજીની આ દુર્દશામાં કેવી સ્થિતિ ઊભી થઈ હશે? વાલ્મીકિનાં રૂપકો અને ઉપમાઓને આ સંદર્ભમાં આત્મસાત્ કરવા, વાચકે પોતાના હૃદયનું શુદ્ધીકરણ કરીને તેને પવિત્રતાથી પ્રજ્વલિત કરવું જોઈએ.
વાલ્મીકિ સીતાજીની પરિસ્થિતિને જે સુંદર ઉપમાઓથી દૃશ્યાત્મક કરે છે, તેને બીજી ભાષામાં વર્ણવવા માટે દરેકનો પ્રયત્ન વામણો જ લાગે. તેમાંનાં બહુ જ થોડાં દૃષ્ટાંતો, તેમનું મહત્ત્વ સમજાવવા અહીં ઉલ્લેખાયાં છે.
રાવણ અત્યારે પણ સીતાજીની સંમતિ મેળવવાની આશા સાથે તેમની પાસે ગયો હતો. સીતાજીનું શરીર ધૂળવાળું હતું અને તેમના અંગ પર કોઈ અલંકારો પહેર્યા નહોતા; તેમ છતાં, રાજકુમારીઓ જેવાં આભૂષણો સામાન્ય રીતે પહેરતી હોય તેવી રીતે તે પ્રકાશમાન હતાં. કપાયેલું કોઈ સુંદર ઝાડ નીચું વળી ગયું હોય તેવાં તે લાગતાં હતાં. કાદવથી ખરડાયેલા કોઈ કમળના ફૂલ જેવો તેમનો ચહેરો ધૂપછાંવ મિશ્રિત હતો. જાદુની મોહિનીને વશ થઈને કોઈ અજગર ડોલે તેમ તે ડોલતાં હતાં. સીતાજીની હાલત ચારેય બાજુથી ભભૂકેલા દાવાનળમાં સપડાયેલી હોય તેવી હતી. પોતાના અગ્રણી યોદ્ધાઓને ગુમાવી ચૂકેલા સૈન્ય જેવી; સુકાઈ ગયેલી નદી જેવી; પ્રદૂષિત થયેલા યજ્ઞકુંડના પવિત્ર અગ્નિપાત્ર જેવી; સુંદર કમળફૂલોની તલાવડીને હાથીઓએ ધ્વસ્ત કરી નાખી હોય એવી; સુંદર પુષ્પોની વેલને જડમૂળથી ઉખેડીને ફેંકી દીધેલી હોય તેવી; અને હાથીઓના ટોળાંનો નાયક હાથી કેદ કરાયો હોય, તેની વિખૂટી પડેલી હાથણી જેવી — સીતાજીની દશા હતી.
વિષાદ અને ભયના અતિરેકમાં ફફડતાં સીતાજી બેઠાં હતાં. રાવણને આવતો જોયો તે સાથે જ સીતાજીનું હૃદય પવનવેગી અશ્વોના રથમાં આરૂઢ થઈને રામ પાસે પહોંચી ગયું. ઊતરેલા ચહેરે અને ગુમાવેલા સ્વરૂપ સાથે તેમને, તેમના દૂર દૂરના રક્ષકોનો વિચાર આવ્યો. "તેઓ ક્યારે આવશે? ક્યારેય પણ આવશે તો ખરા ને?" તેમણે જાતને પૂછ્યું અને ઈશ્વરચિંતનમાં મગ્ન બન્યાં.
રાવણે આવીને તેમની સાથે વાત કરી. ઝાડની ડાળીઓમાં સંતાયેલા હનુમાને નીચેનું દૃશ્ય ધ્યાનથી જોયું.
