ઇન્દ્ર જેમ બ્રહ્માજીનું સ્વાગત કરે તેમ દશરથ રાજાએ ચરણસ્પર્શ કરીને વિશ્વામિત્રનું સ્વાગત કર્યું અને બોલ્યા, "માનવજાતિમાં આજે હું ખરેખર ધન્ય બની ગયો છું. મારા પૂર્વજોના પુણ્યને લીધે જ આજે આપનું આગમન થયું લાગે છે. ઊગતો સૂરજ જેમ અંધકાર હટાવે છે, તેમ આપનો ચહેરો મારી દૃષ્ટિને આનંદિત કરે છે. મારું હૃદય છલોછલ ભરાઈ ગયું છે. રાજા તરીકે જન્મેલા આપ તપશ્ચર્યાથી બ્રહ્મર્ષિ થઈ ગયા છો અને આપ પોતે શોધ કરતા મારા રહેણાંકે પધાર્યા છો. શું મારી શક્તિમાં એવું કંઈ છે જે હું આપને માટે કરી શકું? જો એમ હોય તો આદેશ આપો અને હું પાલન કરીશ."
દશરથના આ શબ્દો સાંભળીને વિશ્વામિત્રને આનંદ થયો અને એમનો ચહેરો ચમકી ઊઠ્યો. એમણે કહ્યું, "હે રાજા! આપના શબ્દો આપની મહાનતાને પાત્ર છે. ઇક્ષ્વાકુ કુળમાં જન્મેલા અને વશિષ્ઠ જેવા ગુરુ ધરાવનાર આપ આનાથી બીજું તો શું કહો? મેં કંઈ પૂછ્યા પહેલાં જ આપે હકારમાં ઉત્તર આપ્યો છે તેનાથી મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે." અને તેમણે સીધો જ તેમના આવવાનો મુખ્ય હેતુ જણાવ્યો.
તેમણે કહ્યું, "હું અત્યારે એક યજ્ઞમાં પ્રવૃત્ત છું. અત્યારે યજ્ઞની પૂર્ણાહુતિના તબક્કે મારીચ અને સુબાહુ નામના બે શક્તિશાળી રાક્ષસો યજ્ઞને અપવિત્ર કરે છે. પવિત્ર અગ્નિમાં તેઓ મેલાં માંસ અને લોહી વરસાવે છે. બીજા ઋષિઓની જેમ અમે શ્રાપથી તેમનો નાશ કરી શકીએ, પણ તેમ કરવાથી અમારી તપસ્યાનો અપવ્યય થાય. "જો આપ આપના વીર યોદ્ધા જેવા પુત્રોમાંથી સૌથી મોટા પુત્ર રામને મારી સાથે મોકલો તો અમારી બધી મુશ્કેલીઓનો અંત આવી જશે. મારા માર્ગદર્શનમાં તે રાજકુમારના સ્તરમાં વિકાસ કરશે. તે ચોક્કસ રાક્ષસોને પરાજિત કરશે અને કીર્તિ પ્રાપ્ત કરશે. રામને તમે બહુ થોડા દિવસો માટે જ મારે હવાલે સોંપો. મારી વિનંતીનો અનાદર ન કરશો. મારી આ માગણી પહેલાં જ તમે આપેલું વચન નિભાવજો. રામની સલામતીની જરા પણ ચિંતા કરવાની જરૂર નથી. વશિષ્ઠ અને બીજા મંત્રીઓ મારા કહેવા સાથે સંમત થશે."
દશરથ ભય અને આતુરતાથી કંપી રહ્યા હતા. તેમની સામેનો વિકલ્પ બહુ કઠોર હતો; કાં તો પોતાના અતિ પ્રિય એવા પુત્રને રાક્ષસોના હાથે મરવા દેવો, અથવા તો વિશ્વામિત્રના પુણ્યપ્રકોપને પોતાના ઉપર ઝીલવો.
થોડીક ક્ષણો દશરથ અવાચક થઈને ઊભા રહ્યા. તેઓ ડઘાઈ ગયા હતા અને ભયભીત થઈ ગયા હતા. પણ તેઓ આંચકામાંથી સ્વસ્થ થયા અને દેવર્ષિને પોતાની માગણી વિશે વધુ દબાણ ન કરવા આજીજી કરી અને કહ્યું, "રામ હજી પૂરા સોળ વર્ષના પણ થયા નથી. તે રાક્ષસો સાથે કઈ રીતે યુદ્ધ કરી શકે? આપની સાથે તેને મોકલવાનો શો અર્થ છે? રાક્ષસોની વિકરાળતાને તે શું જાણે?
"હું માત્ર એક છોકરાને તેમની સાથે લડવા મોકલું, તે યોગ્ય નથી લાગતું. હું બેઠો છું ને! અને મારું સૈન્ય કૂચ કરવા તૈયાર છે. તમને અને તમારા યજ્ઞને માત્ર એક છોકરો કેવી રીતે રક્ષણ આપી શકે? મને આપના બધા શત્રુઓ વિશેની જાણ કરો. આપની સાથે હું મારા સૈન્યનું નેતૃત્વ લઈને આવીશ અને આપના આદેશનું પાલન કરીશ અને આપની જરૂરિયાતને સંતોષીશ. આ બધા વિઘ્નસંતોષીઓની મને વાત કરો."
વિશ્વામિત્રે મારીચ અને સુબાહુ તેમજ તેમના સ્વામી એવા રાવણની વાત કરી. તેમણે ફરીવાર માગણી કરી કે રામને તેમની સાથે મોકલવામાં આવે.
દશરથે અસ્વીકાર કરવાનું ચાલુ રાખ્યું. "રામથી વિખૂટા પડવું મારે માટે મૃત્યુ સમાન છે. હું આપની સાથે આવીશ. મારું સૈન્ય પણ સાથે હશે. અરે! મને એમ લાગે છે કે આપ જે કામનો પ્રસ્તાવ કરો છો એ મારા માટે પણ ઘણું અઘરું છે. તો પછી મારો પુત્ર એને કેવી રીતે પાર પાડી શકે? ખરેખર હું તેને મોકલી શકું એમ નથી. આપની કૃપા હોય તો હું મારા સૈન્ય સાથે આવવા તૈયાર છું."
દશરથના ઉતાવળમાં બોલેલા શબ્દોએ અગ્નિમાં તેલ રેડવાનું કામ કર્યું. "આવો વર્તાવ તમારા કુળને શોભે એવો નથી," ઋષિ બોલ્યા. "તમારો આ અંતિમ ઉત્તર છે? મને સ્પષ્ટ કહો. આવ્યો એવી રીતે પાછો ચાલ્યો જઈશ. સત્યના માર્ગેથી વિચલિત એવા તમે તમારાં સગાં-વહાલાંઓ સાથે લાંબું જીવન ભોગવો તેવી શુભેચ્છા!"
આ સાથે ધરતી ધ્રૂજી ઊઠી અને દેવર્ષિના ક્રોધના શક્ય પરિણામોનો દેવતાઓને ભય લાગ્યો. વશિષ્ઠ ઋષિ ધીમેથી દશરથ તરફ ગયા અને સૌજન્યથી બોલ્યા, "મહારાજ, આપેલા વચનને ઉથાપવું આપને શોભા દેનારું નથી. ઇક્ષ્વાકુ વંશના રાજા આપ આવું કરી શકો નહિ. 'હું કરીશ' એવું એકવાર કહેવાયું પછી એ કરવા સિવાય આપની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. આવી નિષ્ફળતાથી અત્યાર સુધી આપે પ્રાપ્ત કરેલી કીર્તિ અને સિદ્ધિઓ આપ ગુમાવશો.
"રામને ઋષિ સાથે મોકલો અને લક્ષ્મણને પણ સાથે મોકલો. તે બંનેની સુરક્ષાની કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની આપે જરૂર નથી. વિશ્વામિત્ર જ્યારે તેમનું સંરક્ષણ કરતા હોય, ત્યારે કોઈ રાક્ષસ તેમને હાનિ પહોંચાડી શકે નહિ. "જેવી રીતે દેવોના અમૃતને ફરતું અગ્નિનું કવચ છે, તેમ રામને વિશ્વામિત્રનું કવચ હશે. તેઓની સિદ્ધિઓની આપને પૂરી ખબર નથી. તેઓ પોતે તપશ્ચર્યાનું મૂર્તિમંત સ્વરૂપ છે.
"બધા શૂરવીરોના શૂરવીર અને જ્ઞાનીઓના જ્ઞાની એવા વિશ્વામિત્ર બધાં આયુધોના સમર્થ સ્વામી છે. ત્રણેય ભુવનમાં એમની યુદ્ધકીય અને આધ્યાત્મિક સમર્થતાની બરાબરી કરી શકે એવો સમોવડિયો ભૂતકાળમાં કોઈ થયો નથી અને ભવિષ્યમાં થશે નહીં. તે જ્યારે રાજવી હતા ત્યારે તેમણે દેવતાઓ પાસેથી બધાં શસ્ત્રો પરનું પ્રભુત્વ મેળવી લીધું હતું. તેઓ ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યના દ્રષ્ટા છે. આપને લાગશે કે તો પછી તેમને રાજકુમારની શા માટે જરૂર છે. પોતાના યજ્ઞની યોગ્ય કાળજી તે પોતે જ લઈ શકે; પણ આપના પુત્રોના ભલા માટે તેઓ અહીં પધાર્યા છે અને આપની મદદ લેવાનો દેખાવ કરે છે. જરાય સંશય ના કરો અને આપના પુત્રોને તેમની સાથે મોકલો."
જ્ઞાની વશિષ્ઠને ધ્યાનપૂર્વક સાંભળ્યા પછી દશરથ રાજાની સમજણ વધુ સ્પષ્ટ થઈ અને તેમણે રામ અને લક્ષ્મણને મોકલવાનો નિર્ણય કર્યો.
પછી બંને રાજકુમારોને વિશ્વામિત્ર પાસે લઈ આવ્યા. દશરથ રાજા, ત્રણેય માતાઓ અને વશિષ્ઠ ઋષિએ તેમને આશીર્વાદ આપ્યા અને તેમને વિશ્વામિત્ર સાથે મોકલ્યા.
એ વખતે સુગંધી પવન વાઈ રહ્યો હતો અને સ્વર્ગમાંથી દેવતાઓ પુષ્પવર્ષા કરી રહ્યા હતા. શુકનવંતા નાદ સંભળાતા હતા. બંને ધનુર્ધારી રાજકિશોરો વિશ્વામિત્રની બંને બાજુ ગૌરવપૂર્વક ચાલતા હતા.
વાલ્મીકિ અને તમિલ કવિ કંબન આ પ્રસંગનું બહુ આનંદપૂર્વક વર્ણન કરે છે. મહાન ઋષિના વડપણ હેઠળ આ બંને મનોહર રાજકુમારો તેમના જીવનના પહેલા સૌથી મહાન સાહસ તરફ આનંદપૂર્વક પ્રયાણ કરી રહ્યા છે અને ગુરુ પણ કેવા? તેઓ પોતે પણ અતિ પ્રસિદ્ધ યોદ્ધા, એક નવી દુનિયાનું સર્જન કરવા સમર્થ બ્રહ્મર્ષિ! અને એમની બંને બાજુ રાક્ષસ જાતિનું નિકંદન કાઢવા જેમનો જન્મ થયેલો એવા ઉન્નત મસ્તકે સાથ આપનાર બે રાજકુમાર-શિષ્યો! કમર ઉપર શોભતી વિજયી તલવાર અને ખભા ઉપર શોભતાં ધનુષ્ય અને ભાથાંનાં બાણ સાથે બંને રાજકુમારો ઊંચી ફેણવાળા શેષનાગ જેવા લાગતા હતા.
