રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-48

Chapter 48 · પ્રકરણ ૪૮

લંકામાં શોધ

આશાથી ભરપૂર એવા હનુમાનજીએ ઉતરાણ કર્યું અને લંકામાં પગ મૂક્યો. પણ તરત જ આકાશયાત્રા પાર પાડવાના વિજયના ઉત્સાહનું સ્થાન ગંભીર વિચારણાએ લીધું.

"એ ખરું કે મેં સમુદ્ર પસાર કર્યો, પણ તે તો મારા ધર્મકાર્યની શરૂઆત જ થઈ. પેલા ત્રિકૂટ પર્વત ઉપર રાવણની ભવ્ય નગરી, જાણે કે આકાશમાં ટીંગાતી હોય તેમ ઊભી છે. કેટલી સુંદર, કેટલી ભવ્ય અને કેટલી બધી સુરક્ષિત છે! આ નગર અને એનો કોટ અમરાવતી અથવા ભોગવતીથી જરા પણ ઊતરતાં નથી. મનોહર વનરાજી, શોભાયમાન ઇમારતો, રક્ષણાત્મક પ્રયુક્તિઓ, ચારે બાજુ ઊંડી નહેરો — આ બધું મારામાં પ્રશંસા જન્માવે છે, પણ તેનાથી પણ વધુ ચિંતા પેદા કરે છે.

"આ રાવણ ઉપર કોણ આક્રમણ કરી શકે અને તેને હરાવી શકે? મેં જે દરિયો હમણાં જ પસાર કર્યો, તેને કોઈ પણ સૈન્ય કેવી રીતે પસાર કરી શકે? ધારો કે સૈન્ય દરિયો પસાર કરે અને આ કાંઠે પહોંચે, તો પણ આક્રમણ કરીને તે આ કિલ્લાને કેવી રીતે ધ્વસ્ત કરી શકે? તેની તોતિંગ બાંધણીનું રક્ષણ પૂરતા શસ્ત્રસજ્જ યોદ્ધાઓ કરી રહ્યા છે! કોઈ ષડ્યંત્ર કે પ્રચંડ શક્તિ તેને તોડી શકે એમ નથી.

"જોકે સૌથી પહેલાં તો મારે જાણવું જોઈએ, કે સીતાજી જીવંત છે કે નહીં. બીજા પ્રશ્નો માટે તો પૂરતો સમય છે. આ સંપૂર્ણ સુરક્ષિત નગરીમાં મારે ક્યારે અને કેવી રીતે સલામતીપૂર્વક પ્રવેશ કરવો? મારે જો સીતાજીને જે જગ્યાએ રાખવામાં આવ્યાં હોય તે શોધવું હોય, તો મારે બધી તપાસ પૂરેપૂરી કરવી જોઈએ. જો અવિચારી રીતે હું કંઈ પણ ખોટું અત્યારે કરું, તો એ ભૂલ પાછી સુધારી શકાય એવી નહીં હોય; અને તો, મારી ઉતાવળ અને બેદરકારીને લીધે મહાન હેતુ પાર પાડવામાં મોટી ક્ષતિ પહોંચશે. જો દિવસના હું નગરમાં પ્રવેશ કરું, તો રાક્ષસો તેની નોંધ લેશે. હું રાત્રે પ્રવેશ કરું, તે જ સારામાં સારો રસ્તો છે. પણ મારે કયા આકારમાં જવું? કોઈને શંકા ન જાય એટલા માટે, મારે એકદમ સામાન્ય અને ધ્યાન ન દોરાય તેવા વાનરના સ્વરૂપમાં જ જવું જોઈએ."

તે મુજબ હનુમાન નાના વાનરના કદમાં સંકોચાઈ ગયા — બિલાડીથી જરા પણ મોટા નહીં! પ્રવેશ કરીને આ વિશાળ નગરના મહેલો અને ઉદ્યાનોમાં શોધ કરવા માટે આમ કરવાનું બહુ સુવિધાપૂર્ણ હતું. તેમના સામાન્ય કદથી અત્યારનું કદ ખૂબ નાનું હતું. દરિયો પાર કરવા માટે જે કદ તેમણે પ્રાપ્ત કર્યું હતું, તેની સરખામણીમાં તેમનું સામાન્ય કદ પણ તેમના અત્યારના કદ જેવડું જ નાનું લાગતું હતું.

હવે સૂર્યાસ્ત થઈ રહ્યો હતો. નાના વાનરે કિલ્લાના દરવાજા તરફ ચાલવાનું શરૂ કર્યું. ચંદ્ર ભરપૂર પ્રકાશ વેરતો હતો. સીતાજીની શોધમાં ચંદ્રની આ સહાય મેળવવાનો હનુમાનને ઘણો આનંદ થયો; તેઓ ચંદ્રના આભારવશ થયા. ઘણે દૂરથી જોયાં હોવા છતાં, હનુમાનને રાવણની પાટનગરીની સમૃદ્ધિ અને સૌંદર્ય જોઈને આશ્ચર્ય થયું. શેરીઓ અને મહાલયો સોના અને મૂલ્યવાન હીરાઓ જડેલી ધજા-પતાકાઓથી પ્રકાશી રહ્યાં હતાં. દરિયા તરફથી વાતો પવન ધીમે ધીમે વહેતો હતો. ઇન્દ્રની અમરાવતી અને કુબેરની અલકાપુરી જેવી રાવણની પાટનગરીએ સમૃદ્ધિનું શિખર પ્રાપ્ત કર્યું હતું. રામના દૂત આશ્ચર્ય અને આતુરતાથી ભરાઈ ગયા હતા, કે આવી સમૃદ્ધિ અને સમર્થ સૈન્યના સ્વામીને કેવી રીતે પરાસ્ત કરી શકાય.

આ મનોદશામાં તે ચાલતા હતા, ત્યાં વિકરાળ સ્વરૂપની નગરની હિતરક્ષક દેવીએ તેમને તોછડાઈપૂર્વક પડકાર્યા:

"નાના વાનર, તું કોણ છે? અહીં આવવાની પેરવી તેં કેવી રીતે કરી? અને ખરેખર તો, તું અહીં આવ્યો છો જ શા માટે? સાચું બોલજે."

"સાચું — હું ખરેખર એક નાનકડો વાનર છું, અને હું અહીં આ સુંદર નગરીને જોવા માટે જ આવ્યો છું. હું નગરીમાં એક ચક્કર મારી લઉં, બધું જોઈ લઉં અને મારી જિજ્ઞાસા સંતોષી લઉં, પછી પાછો ચાલ્યો જઈશ."

ખિજાયેલી નગરદેવીએ વાનરને એક જોરદાર તમાચો માર્યો.

હનુમાને જરાપણ દરકાર વગર, ડાબા હાથથી નગરદેવીને તમાચો પાછો આપ્યો. તે બેવડી વળીને જમીન ઉપર દુઃખી થઈને પડી. પણ તરત તે ઊભી થઈ, અને તેને એક ભવિષ્યવાણી યાદ આવી: કે જ્યારે એક વાનર તેના ઉપર પ્રહાર કરીને તેને જમીન ઉપર પાડી દે, ત્યારે તે જે નગરની રક્ષા કરતી હતી તેનો નાશ થશે.

તેણે આત્મમંથન કર્યું: "રાવણનાં પાપ ઘણાં છે અને ઘણાં દુઃખદ છે. લંકાનો અંત હવે આવવામાં છે. દેવોનાં વચન સિદ્ધ થવાની તૈયારીમાં છે." અને તે બાજુમાં ખસી ગઈ. લંકાની દેવી રાવણની નોકરાણી નહોતી; તે તો નગરનું હાર્દ હતી.

હનુમાન કોટની રાંગે ચડી ગયા અને નગરમાં કૂદકો માર્યો. આમ કરવું પૌરાણિક યુદ્ધનીતિના નિયમ મુજબ હતું. નિયમ હતો કે દુશ્મનના કિલ્લામાં નિયત પ્રવેશદ્વારમાંથી અંદર જવું ન જોઈએ, પણ કોઈ અસામાન્ય રીત અજમાવીને તેમાં પ્રવેશ કરવો જોઈએ.

રાક્ષસોનો નાશ કરવાનું પ્રણ લઈને, હનુમાને નગરમાં પ્રવેશ પોતાના ડાબા પગથી કર્યો. એમ કરવાનો અર્થ દુશ્મનને હાર આપવાનો હતો.

હનુમાન રાજમાર્ગ ઉપર આગળ વધ્યા. માર્ગ ઉપર સુંદર ફૂલો છવાયેલાં હતાં. વાદળાંઓમાંથી ઝબૂકતી વીજળીની જેમ મહાલયો આકાશમાં પ્રકાશ વેરતા હતા. મહાલયોની ટોચ ઉપરથી અને અગાસીઓ ઠેકતાં ઠેકતાં તેમને નગરનું સૌંદર્ય ગમી ગયું. રાક્ષસોના ભવ્ય આવાસો, શેરીઓ અને સુશોભનો અદ્ભુત સૌંદર્યથી ઝળકતાં હતાં. સંગીત સંભળાતું હતું; તેનો નાદ કેળવાયેલા અને શાસ્ત્રીય સંગીતનો હતો. રૂપાળી સ્ત્રીઓ સંગીતના સાજ સાથે અને ઝાંઝરના ઝણકાર સાથે નૃત્ય કરી રહી હતી. આખું નગર સુખી અને આનંદી જીવનના અવાજથી પડઘાતું હતું.

કેટલાક નિવાસોમાં મંત્રોનો પાઠ ચાલતો હતો; વળી કેટલાક બીજામાં વૈદિક મંત્રોનું ગાન થતું હતું. કેટલીક જગ્યાએ રાવણનાં સમર્થ પરાક્રમોની ભવ્યતાનાં યશોગાન ગવાતાં હતાં. બધી જગ્યાએ સૈનિકો અને સંત્રીઓ હાજર હતા. શેરીઓમાં અમુક વિશિષ્ટ પ્રકારની ધાર્મિક ક્રિયાઓ અને વ્રતોને સમર્પિત ભક્તો હતા. બીજા કેટલાક દેખાવમાં ક્રૂર અને વિકૃત લોકો દેખાતા હતા. સંત્રીઓ તીરકામઠાં, તલવારો, ખંજરો, ગોફણો અને બીજાં હથિયારોથી સજ્જ હતા. બધા યોદ્ધાઓ બખ્તરમાં સજ્જ હતા. કેટલાક દેખાવડા, કેટલાક કદરૂપા; અને ઘણાબધા ધોળા, ગૌરવર્ણા અને કાળા — એવા ચામડીના રંગવાળા હતા. કેટલાક બહુ ઊંચા, તો કેટલાક બહુ ઠીંગણા હતા. આ રીતે હનુમાને જોયું, કે પ્રજાજનોનું બંધારણ બહુ વિશાળ ભૂમિની જુદીજુદી આબોહવાવાળા દેશોમાંથી સૈન્ય માટે પસંદ કરેલા સૈનિકોને લીધે, બહુદેશીય પ્રજાનું બનેલું હતું.

તે એક પછી એક મહાલયમાં શોધ કરતા રહ્યા. અદ્ભુત સૌંદર્યવાળી સ્ત્રીઓને તેમણે જોઈ. કેટલીક તેમના પતિ સાથે અને બીજી સ્ત્રીઓ એકલી હતી. ઘણી યુવાન નર્તકીઓ પણ તેમણે જોઈ. તે બધી સોનાના થીજેલા પ્રવાહીમાંથી બનેલી મૂર્તિઓ જેવી સુંદર અને જાજરમાન લાગતી હતી. કેટલીક અગાસીઓ ઉપર બેઠેલી હતી, બીજી ઘણી તેમના શયનકક્ષમાં સૂતી હતી, કેટલીક ક્રીડા કરતી હતી, કેટલીક ગાતી હતી.

અગણિત સૌંદર્યવાન સ્ત્રીઓને હનુમાને જોઈ, પણ રામને માટે તડપતાં સીતાજી ક્યાંય દેખાયાં નહીં. આટલાં બધાં સૌંદર્યવાળી સ્ત્રીઓનું દૃશ્ય જોઈને હનુમાનના હૃદયમાં નિરાશા અને દુઃખ ઊભરી આવ્યાં.

તેમણે ઘણા રાક્ષસોના નિવાસોમાં પણ પ્રવેશ કરીને તપાસ કરી. તેમના આવાસોમાં યુદ્ધના હાથીઓ, શુદ્ધ ઓલાદના અશ્વો, રથો અને યુદ્ધનો સરંજામ તેમને જોવા મળ્યો. અહીં પણ સૈનિકો પૂરતા શસ્ત્રસજ્જ હાલતમાં તૈયાર ઊભા હતા.

આવા ઘણા આવાસોમાંથી અને સંગીત તથા વિલાસથી ભરપૂર ઉદ્યાનોમાંથી પસાર થયા પછી, હનુમાન એક ભવ્યતમ રાજમહેલ પાસે આવ્યા. તેની ભવ્યતા અને અદ્વિતીય વિશિષ્ટતા આજુબાજુના બીજા બધા મહાલયોથી અનેક રીતે ચડિયાતી હતી.

હાથીઓ, અશ્વો અને પાયદળના સૈનિકોને પ્રવેશ આગળ જ હાજર થયેલા જોઈને, તેને ફરતી ઊંચી કોટની રાંગ, સુંદર સ્થાપત્ય અને તેની સજાવટની ભવ્યતા જોઈને, હનુમાને તારવણી કરી કે આ જ અદ્ભુત લંકાનું કેન્દ્રબિંદુ એવો રાવણનો મહાલય હોવો જોઈએ. તેમણે તેમાં પ્રવેશ કર્યો. ખરેખર, દરેક દૃષ્ટિથી રાવણની મહત્તા અને અજોડ સામર્થ્યને અનુરૂપ, આ મહાલય પૃથ્વી ઉપરના સ્વર્ગ જેવો હતો. ઉદ્યાનો, ક્રીડા કરતાં પક્ષીઓ અને આમતેમ છૂટાંછવાયાં મંદિરોથી હનુમાન અભિભૂત થઈ ગયા.

તેમણે સ્વગતોક્તિ કરી: "શી સમૃદ્ધિ, કેવું સૌંદર્ય અને કેવી કૃપા!"

થોડો વખત હનુમાન આશ્ચર્યચકિત થઈને ભાન ગુમાવી બેઠા. પણ તરત જ તેમણે યાદ કર્યું કે સીતાજીની તેમની શોધ હજી પૂરી થઈ નહોતી. અહોભાવની લાગણીએ ચિંતા જન્માવી. પોતે જે મૂળ હેતુથી અહીં આવ્યા હતા, તે તો હજી સિદ્ધ થયો નહોતો.

ઘણી રજવાડી ઇમારતોમાંથી પસાર થઈને હનુમાન સૌથી અંદરના, રાવણના અંગત વિભાગમાં પ્રવેશ્યા. તરત જ આ વિભાગની ભવ્યતા અને સમૃદ્ધિ જોઈને તે મંત્રમુગ્ધ થઈ ગયા. આ જાણે કે દેવોનો આબેહૂબ નિવાસ હોય તેવું લાગતું હતું. બધી જગ્યાએ સોનું અને ચાંદી, હાથીદાંત અને હીરા તેમજ રત્નો, મનમોહક ગાલીચા અને રાચરચીલું; અને બરોબર તેની વચોવચ તેમણે પુષ્પક વિમાન જોયું. બ્રહ્મા પાસેથી કુબેરે મેળવેલો આ એક ચમત્કારી રથ હતો. કુબેરને હરાવીને રાવણ આ રથને લૂંટેલા માલની જેમ લંકા લઈ આવ્યો હતો. વશિષ્ઠની ગાયની જેમ, પુષ્પક વિમાન પાસેથી જે કોઈ જે મેળવવાની ઇચ્છા કરે, તે મળી રહેતું હતું.

હનુમાને હવે જેમાં પ્રવેશ કર્યો તે રાવણનો શયનખંડ હતો — જાણે કે આનંદનો મહાસાગર! અગણિત રૂપાળી સ્ત્રીઓ આ વિશાળ કક્ષમાં નિદ્રાધીન હતી. કેટલીક એકબીજીનાં બાવડાં પકડીને, નિષ્ક્રિય હાલતમાં અને નિદ્રાવસ્થાની નિશ્ચિંત વર્તણૂકમાં પડી હતી. આ સ્થાન જાણે કે ફૂલોથી લદાયેલી વેલીઓથી શોભતા ઉદ્યાન જેવું લાગતું હતું.

ધર્મથી નિયંત્રિત અંતઃપ્રેરણા સાથે આ બધી નિદ્રાધીન સ્ત્રીઓને તેમણે જોઈ. દરેક સ્ત્રી બીજીથી વધુ સુંદર હતી અને પ્રેમ તથા આનંદથી ભરપૂર હતી. તેમણે જોયું કે આમાંનાં કોઈ સીતાજી તો નથી ને? રાવણની — ધારે તેવું સ્વરૂપ અપનાવવાની શક્તિ, અને બધી સ્ત્રીઓને રાજી કરવાની તેની શક્તિ — આ સુંદર સ્ત્રીઓના દૃશ્યથી મુખરિત થતી હતી.

હનુમાને જાત ઉપરનો કાબૂ મેળવવા પોતાની જાતને આ ભૂલ અંગે ઠપકો આપ્યો. ભલે એક ક્ષણ માટે, પણ તેમણે એમ માની લીધું કે આ કામુક સ્વર્ગની વિલાસી નર્તકીઓમાં સીતાજી પણ એક હોઈ શકે. એ તો નિશ્ચિત જ હોય કે સીતાજી આ ટોળામાં હોઈ જ ન શકે. "હું પણ કેવો મૂર્ખ છું, કે તેમની શોધ આવી સોબતમાં કરી રહ્યો છું! આ તેમનું સ્થાન હોઈ જ ન શકે."

પછી તેઓ આગળ વધ્યા. બીજા શયનકક્ષમાં તેમણે ઘણા પલંગો જોયા. એમાંનો એક પલંગ બીજા બધાથી ભવ્ય હતો — સોના અને મોતીઓથી સજેલો તે પલંગ હતો. જાણે બીજા મેરુ પર્વતની જેમ રાવણ તેના ઉપર પડ્યો હતો. તેનું સ્વરૂપ અને શાહી ભવ્યતા જોઈને હનુમાન પણ એક ક્ષણ માટે ધ્રૂજી ઊઠ્યા.

તે એક બાજુ ઊભા રહ્યા અને સૂતેલી આકૃતિનો અંદાજ પામવા પ્રયત્ન કરવા લાગ્યા. થોડોક વખત, આ સમર્થ આકૃતિનું ભવ્ય અને આકર્ષક સૌંદર્ય, આરામ ભોગવતા તેના જબરદસ્ત સ્નાયુઓ અને પ્રમાણસરનાં શારીરિક અંગોની સુડોળ બનાવટને લીધે, હનુમાન માટે પોતાની આંખો હટાવવાનું અશક્ય હતું. આ બધી વિશિષ્ટતાઓને લીધે જ આ રાક્ષસોનો રાજા સુંદર પણ લાગતો હતો અને ભયાનક પણ લાગતો હતો.

પછી હનુમાને પથારીમાં આજુબાજુ સૂતેલી સ્ત્રીઓ તરફ જોયું. કેટલીક ગાલીચા ઉપર સૂતી હતી. કેટલીક સ્ત્રીઓ ગાતાં ગાતાં જ સૂઈ ગયેલી હતી; તેમણે તેમનાં વાજિંત્રોને તેમનાં પડખાંમાં દબાવી રાખેલાં હતાં.

અંતે તેમનું ધ્યાન દૈવી સૌંદર્યવાળા એક પલંગ ઉપર સૂતેલી આકૃતિ તરફ ગયું. તેની સુડોળ શરીરબાંધણી અને તેનાં લક્ષણોનાં સૌંદર્યને જોઈને હનુમાને કલ્પના કરી કે તે સીતાજી હોઈ શકે. તે આનંદથી ઊછળી ઊઠ્યા.

બીજી જ ક્ષણે તેમણે તેમની ભૂલ બદલ પોતાની જાતને કોસી. "શરમા, શરમા," તેમણે પોતાની જાતને કહ્યું, "હું કેવો મૂર્ખ છું! આવી બેદરકારીથી, આભૂષણોથી સજ્જ, એક અજાણ્યાના શયનકક્ષમાં સીતાજી કેવી રીતે સૂઈ શકે? આવો વિચાર પણ એક પાપ છે." પોતાની ભૂલની શરમ અને વિષાદથી હનુમાન ધ્રૂજી ઊઠ્યા.

પછી એમણે પોતાની જાતને કહ્યું: "તે રાવણને તાબે ન થયાં હોય, એટલે આ રાક્ષસે તેમનો વધ જ કરી નાખ્યો હશે. હવે તેમની શોધ ચાલુ રાખવાનો શો અર્થ છે?"

હવે તેમણે રાવણના અંતઃપુરના બીજા ભાગોમાં તપાસ કરી. શયનકક્ષ, ભોજનકક્ષ, મદિરાલય, સંગીતનો ખંડ — આ બધી જગ્યાએ તેમણે તપાસ કરી, પણ સીતાજી કોઈ જગ્યાએ જોવા ન મળ્યાં. "હું ખૂણેખાંચરે — એમ બધી જગ્યાએ — જોઈ વળ્યો છું. યોગ્યાયોગ્યતાના બધા નિયમોની વિરુદ્ધ, સ્ત્રીઓના વાસમાં દરેક સ્ત્રીને જોઈ વળ્યો છું. પણ બધું નિરર્થક છે.

"હું આખી લંકા જોઈ વળ્યો છું," કાબૂ બહારની વેદના સાથે તે વિચાર કરવા લાગ્યા. "રાવણના રાજમહેલની ઇંચેઇંચ મેં જોઈ લીધી છે. હવે અહીંયાં હું બીજું વધુ શું કરી શકું? સીતાજીને જોયા વગર મારે પાછા ફરવું પડશે? ના. તેને બદલે તો હું અહીં મારું જીવન સમાપ્ત કરીશ. હા, મારે હવે કરવા જેવું આ એક જ કામ રહ્યું છે."

પણ પાછું તેમણે જાતને સંબોધન કર્યું: "આવા અણછાજતા અને માનહીન હતોત્સાહને તાબે થવા માટે મને લાનત છે!"

તે પાછા કૂદ્યા અને ફરી એકવાર, જે જગ્યાઓએ અગાઉ તપાસ કરી હતી તેની ઇંચેઇંચની તપાસ કરી. તેમણે એકેએક બારણું અને બારી ખોલીને અંદર જોયું. ત્યાં કદરૂપી સ્ત્રીઓ, સૌંદર્યવાન માનવો અને નાગકન્યાઓને જોયાં. તે બધાં રાક્ષસનાં બંદી હતાં, પણ સીતાજી નહોતાં.

પાછું તેમનું હૃદય નિરાશ થઈ ગયું. શું કરવું તેની તેમને સમજ પડતી નહોતી. તેમણે જાતને સંબોધન કર્યું: "હું જો મારા ધર્મકાર્યમાં નિષ્ફળ થઈને કિષ્કિંધા પાછો જાઉં, તો કયા મોઢે હું મારા મિત્રોને મળી શકીશ? સીતાજીને પાછાં મેળવવાની બધી આશા જો રામ ગુમાવે, તો તેમનું શું થાય? તે ચોક્કસ મરણ પામે. અને પછી બીજા લોકોનું શું થાય? સુગ્રીવ પાસે પાછા જઈને 'મારી બધી મહેનત વ્યર્થ ગઈ છે' તેવું કહેવા કરતાં તો, અહીં જ રહેવું અને મારી શેષ જિંદગી લંકાના દરિયાકિનારે અને વનોમાં પસાર કરું, તે ઘણું સારું કહેવાય. પણ હવે જીવવું જ શા માટે? મારા જીવનનો અંત લાવવો, એ જ સૌથી સારો માર્ગ નથી?

"પણ તો, સીતાજી લંકામાં છે એમ કહેવામાં સંપાતિ ખોટા હતા? કે પછી સંપાતિએ સીતાજીને આ ટાપુ ઉપર જોયાં, ત્યાર પછી રાક્ષસે તેમનો વધ કર્યો હશે? તેમને તો રાક્ષસીઓ હડપ કરી ગઈ હશે. કંઈ સ્પષ્ટ થતું નથી; બધું શંકાથી ઢંકાયેલું છે. હું હવે શું કરું?"

આ જાતની આતુરતા અને વિચારોમાં હનુમાન ગરકાવ થઈ ગયા હતા. બરોબર ત્યારે જ તેમની આંખોમાં ચમક આવી. હજી સુધી તેમણે ત્યાં જવાનું સાહસ ખેડ્યું નહોતું — એક મંદિર સાથે જોડાયેલો અને ઊંચી દીવાલોથી સુરક્ષિત એક ઉદ્યાન. "અરે, અહીં એક બાગ છે! હજી સુધી મેં તે જોયો નથી, કે તેમાં તપાસ કરી નથી. અહીંયાં મને ચોક્કસ સીતાજી મળશે."

આ શબ્દો સાથે વાયુપુત્રે રામનું ધ્યાન ધર્યું. તેમના હૃદયમાં નવી આશાનો સંચાર થયો. બીજા બધા બાગોથી સાવ વિખૂટો એવો આ બાગ ઊંચી દીવાલોથી સુરક્ષિત હતો. "હા, સીતાજી અહીં જ હોવાં જોઈએ," તેમણે પોતાની જાતને કહ્યું. ફરી તેમણે દેવોને પ્રણામ કર્યા. તેમણે કૂદકો માર્યો, અને અશોકવાટિકાની દીવાલ ઉપરથી આ સુંદર ઉદ્યાનનો અંદાજ મેળવવા લાગ્યા.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.