રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-47

Chapter 47 · પ્રકરણ ૪૭

પવનપુત્ર

વાયુપુત્ર
વાયુપુત્ર

સંપાતિ પાસેથી વાનરોએ, રાક્ષસોના દેશમાં સીતાજીને જે સ્થળે કેદી તરીકે રાખવામાં આવ્યાં હતાં તેની ભાળ મેળવી. રાક્ષસોનો આ દેશ દરિયામાં સો યોજન દૂર હતો. જોકે આ સાંભળેલી માહિતી સાથે જ સુગ્રીવ પાસે પહોંચી જવાનું યોગ્ય નહોતું. આપેલી નિશ્ચિત સમયમર્યાદાને તેઓ વટાવી ચૂક્યા હતા, એટલે કોઈ જોરદાર સફળતા તેમને મળી હોય તો જ તેઓ સજામાંથી મુક્તિ મેળવી શકે. સંપાતિએ વર્ણવેલું સ્થળ જ્યાં સુધી તેઓ પોતાની આંખે જોઈ ન શકે, ત્યાં સુધી સીતાજીની શોધ ચાલુ જ રાખવી પડે. તો જ રામનું કામ તેમણે પાર પાડ્યું છે તેમ માની શકાય.

જોકે તેને માટે તો તેમણે દરિયો પસાર કરવો પડે.

તેઓ પાણીના કિનારા સુધી ગયા અને ચર્ચા કરવા લાગ્યા. "આપણે દરિયો પસાર કરીએ, લંકામાં પ્રવેશ કરીએ, સીતાજીને મળીએ અને પાછા ફરીએ — આ બધું કઈ રીતે બની શકે?" ભય અને આતુરતાથી તે બધા દિગ્મૂઢ બની ગયા.

અંગદે કહ્યું: "આપણું અભિયાન ભલે ગમે તેટલું અઘરું હોય, તો પણ કોઈએ હિંમત ક્યારેય પણ ગુમાવવી જોઈએ નહીં. હિંમત તો સફળતાની ચાવી છે. હિંમત ગુમાવવી એટલે તો બધુંય ગુમાવવા સમાન છે."

પછી તેણે પોતાના દરેક સાથીદારને એક પછી એક પૂછ્યું, કે તે એક કૂદકામાં લાંબામાં લાંબું કેટલું અંતર કાપી શકે.

"હે વાનર યોદ્ધાઓ!" તેણે કહ્યું, "તમારાં સામર્થ્ય વિષે સુગ્રીવ પાસેથી મેં ઘણું સાંભળ્યું છે. તમારી શક્તિ અને સાહસવૃત્તિ બાબતમાં કોઈ બે મત નથી. આપણે આપણું અભિયાન પરિપૂર્ણ કરવું જ પડશે. સીતાજીને મળ્યા વગર આપણે પાછા કિષ્કિંધા પહોંચી શકીશું નહીં — આ બાબત નિશ્ચિત છે. આપણે માટે કલંકિત દશામાં રાજા આપણો વધ કરે, તેના કરતાં આપણા જીવનનો અંત અહીં આવે તે વધુ ઇચ્છનીય છે. એટલે એક પછી એક તમે બધા, સૌથી લાંબામાં લાંબો કૂદકો મારવાની શક્તિ અને હિંમત કેટલી ધરાવો છો તે મને કહો."

ગજ વાનરે નમ્રતાથી જણાવ્યું, "હું દસ યોજન ઠેકી શકું." ગવાક્ષે ઉમેર્યું, "હું વીસ યોજન." બીજા એક વાનર નાયકે ત્રીસ યોજન ઠેકી શકવાનો દાવો કર્યો.

આમ, એક પછી એક આંકડામાં વધારો થતો ગયો. છેલ્લે યોદ્ધાઓમાં સૌથી વૃદ્ધ નાયક જાંબવાન બોલ્યા:

"હું હવે વૃદ્ધ અને અશક્ત થયો છું. તેમ છતાં આપણા રાજાના આદેશને પરિપૂર્ણ કરવામાં મદદરૂપ થવાનો મને જરૂર આનંદ થશે. પણ જરૂરી શક્તિના અભાવવાળી નિષ્ઠાનો શો અર્થ છે? મને લાગે છે કે હું નેવું યોજન કૂદી શકું ખરો, પણ સમુદ્રને પસાર કરીને લંકા પહોંચવા માટે આટલું પૂરતું નથી. હું માત્ર મારા ગુમાવેલા યૌવનનો અફસોસ જ કરી શકું."

યુવરાજે પોતે કહ્યું: "હું સો યોજન પૂરાં કરી શકું અને લંકા પહોંચી શકું, એમાં કોઈ શંકા નથી. પણ પાછા વળતાંનો સો યોજનનો કૂદકો મારવાની શક્તિ મારામાં છે કે નહીં, તે વિશે હું સ્પષ્ટ નથી."

જાંબવાને ઉત્તર આપ્યો: "હે યુવરાજ, તમારે તમારી શક્તિમાં આશંકા રાખવાની જરૂર નથી. તમારું સામર્થ્ય વાલીના જેટલું જ મહાન છે. તો પણ, જ્યારે સૈન્યમાં તેમના આદેશથી બીજા યોદ્ધાઓ એ ફરજ નિભાવી શકે તેવા હોય, ત્યારે યુવરાજે પોતે જ એ જવાબદારી પાર પાડવાનું યોગ્ય નથી. રાજાએ પોતે જ આવી જવાબદારી નિભાવવાનું સલામત પણ નથી અને રાજનીતિને અનુકૂળ પણ નથી."

પછી જાંબવાને પોતાની મૂલ્યાંકનશક્તિવાળી પ્રોત્સાહક નજર હનુમાન તરફ ફેરવી. તે બધાથી થોડા દૂર બેઠા હતા, બધી વાતો સાંભળતા હતા, પણ કંઈ બોલતા નહોતા.

"મને લાગે છે કે ત્યાં મૌન બેસી રહેલા વાયુપુત્ર, આ પરાક્રમ કરવા માટે શક્તિ અને કૌશલ્ય ધરાવનાર સૌથી યોગ્ય અને શ્રેષ્ઠ વ્યક્તિ છે," આમ કહેતાં વૃદ્ધ વાનર હનુમાન પાસે ગયા અને તેમને બધાની વચ્ચે લઈ આવ્યા. સંખ્યાબંધ દુઃખી વાનરો સાંભળી શકે તેવી રીતે જાંબવાને હનુમાનને ઉદ્‌બોધન કર્યું:

"હે મહાવીર, જ્ઞાનની બધી શાખાના જ્ઞાની! તમે કેમ દૂર મૂંગા બેઠા છો? તમે તો રાજા સુગ્રીવના સમોવડિયા છો, સાચું કે નહીં? શક્તિ અને ભવ્યતામાં તમે અમને બધાને મહાત કરી શકો તેમ છો કે નહીં? અરે, તમે રામ અને લક્ષ્મણના પણ બરોબરિયા છો કે નહીં? મેં પક્ષીઓના રાજા ગરુડને દરિયો પાર કરતાં જોયેલ છે. તમારા ખભાની તાકાત ગરુડની પાંખોથી જરા પણ ઓછી નથી. વિનતપુત્ર કરતાં શક્તિ અને ગતિમાં તમે જરા પણ ઊતરતા નથી; પણ તમે તમારા સામર્થ્ય અને બુદ્ધિથી અજાણ છો. આખી દુનિયામાં તમારો કોઈ સમોવડિયો નથી.

"તમારાં માતા અંજના સ્વર્ગલોકની દેવીઓ વચ્ચે એક કુમારિકા હતાં. એક ઋષિના શ્રાપરૂપે તે એક વાનરી રૂપે જન્મ્યાં. એકવાર તે પર્વતના ઢોળાવ ઉપર મુક્તપણે ફરતાં હતાં, ત્યારે વાયુ તેમના સૌંદર્ય પર મોહી ગયા અને તેમને આલિંગન આપ્યું. તે આને લાયક હતાં. 'હે દુષ્ટ! તમે કોણ છો?' તેમણે પૂછ્યું, 'મારું અપમાન કરવાની હિંમત કોણ કરી શકે?' વાયુદેવે ઉત્તર આપ્યો, 'ગુસ્સે ન થાઓ. મારા સ્પર્શથી તમારું અંગ પ્રદૂષિત થયું નથી, અને તમારું પવિત્ર કૌમાર્ય ખંડિત થયું નથી. શરીર દ્વારા નહીં, પણ મારા હૃદયની ઇચ્છાથી આલિંગન અપાયેલું છે; અને તે અલૌકિક ઘટનાથી તમને એક બાળક જન્મશે, જે સામર્થ્ય અને શૌર્યમાં મારા જેવો બનશે. વાનરોની જાતિમાં તે સૌથી વધુ પરાક્રમી અને બુદ્ધિશાળી બનશે.' આ રીતે વાયુદેવે અંજનાને સાંત્વન આપ્યું.

"તમે જ્યારે હજી નાનું બાળક હતા, ત્યારે — હે હનુમાન — ઊગતા સૂરજને ફળ માનવાની તમે કલ્પના કરી અને તેને તોડવા આકાશમાં ઊડ્યા. તમારા સ્વાભાવિક અને ભયહીન ઉડ્ડયનને જોઈને દેવાધિદેવ ઇન્દ્રને સૂર્યની સલામતીની ચિંતા થઈ, અને તેમનું વજ્ર તેમણે તમારા ઉપર ફેંક્યું. આ પ્રહારથી ઈજાગ્રસ્ત થઈને તમે એક પર્વત ઉપર પડ્યા અને તમારું જમણું જડબું ભાંગી ગયું. આનાથી ગુસ્સે થઈને તમારા પિતા વાયુદેવે પોતાનું હલનચલન બંધ કર્યું અને સ્થિર થઈ ગયા. બધાં જીવંત પ્રાણીઓ શ્વાસ ન લઈ શકવાને લીધે સ્થિરતામાં ઝડપાઈ ગયાં. દેવોએ વાયુને તેમનો ગુસ્સો દૂર કરવા આજીજી કરી અને તમારા ઉપર આશીર્વાદો વરસાવ્યા. બ્રહ્મા અને ઇન્દ્રે તમને વરદાનો આપ્યાં: કોઈ હથિયાર તમારો વધ કરી શકે નહીં; મૃત્યુ પણ તમે જ્યારે માગો ત્યારે જ આવે, તે સિવાય નહીં. તમે અમર છો. વાયુદેવની પારલૌકિક શક્તિથી અંજનાને જન્મેલા તમે, ભવ્યતા, બુદ્ધિ અને સામર્થ્યમાં વાયુદેવના સમોવડિયા છો.

"પણ તમારાં આ બધાં સામર્થ્ય હોવા છતાં આપ બહુ ગુણવાન અને નમ્ર છો. રામના કામમાં માત્ર તમે એક જ અમને મદદરૂપ થઈ શકો તેમ છો. દરિયો ઓળંગવો તમારે માટે કોઈ અઘરું કામ નથી. મુશ્કેલીઓના પારાવારમાં અથડાતા વાનરોના આ મહાસૈન્યને તમારે બચાવવું જોઈએ. દરિયો ઓળંગવાની તમારી શક્તિ ઉપયોગ કર્યા વગરની ન રહેવી જોઈએ.

"તમારી ભવ્યતાના સ્વરૂપમાં વધારો કરો. તમે ગરુડના સમકક્ષ છો. એક સમયે હું પોતે પણ તમારા જેવો જ શક્તિશાળી હતો, અને પૃથ્વીની એકવીસ પ્રદક્ષિણા મેં કરેલી છે. ક્ષીરસાગરના સમુદ્રમંથન વખતે, દેવોના આદેશથી હું પૃથ્વીના ચારેય ભાગમાંથી જડીબુટ્ટીઓ લઈ આવ્યો હતો. પણ અત્યારે હું વૃદ્ધ અને અશક્ત છું. તમે જ વાનરોના એકમાત્ર આધારસ્તંભ છો.

"હે અંજનાપુત્ર, ઉમદા શૂરવીર! અમે તમારી પાસે યાચના કરીએ છીએ. તમારી દૈવી શક્તિના વારસામાં હવે જરાપણ ઢીલ ન કરો. તમારાં સાચાં સામર્થ્યને આત્મસાત્ કરો અને આગળ કૂદી પડો. ત્રિવિક્રમની જેમ તમે દરિયાને એક જ કૂદકે ઓળંગી શકશો. તે મુજબ કરો અને આપણી વિપદાઓનો અંત લાવો."

આ રીતે વૃદ્ધ જાંબવાને હનુમાનને બિરદાવ્યા, તેમની શક્તિને યાદ કરાવી અને તેમની સુષુપ્ત હિંમતને ઢંઢોળી. તરત જ હનુમાનનું સ્વરૂપ ઊંચી ભરતીવાળા દરિયાની જેમ વધવા લાગ્યું. વાનરો જોતા ગયા તેમ તેમ વાયુપુત્રનું કદ વધતું ગયું. તેમના શરીરની લાલી ભરાતી જોઈને અંગદ અને એના સાથીદારો આશ્ચર્ય અને આનંદથી ભરાઈ ગયા.

હવે અહીંથી હનુમાન રામાયણના મહાનાયક બને છે. વિષ્ણુના ભક્તો તેમને પ્રેમપૂર્વક 'હરિના ગૌણ સેવક' કહે છે. ગરુડ વરિષ્ઠ સેવક છે; વિષ્ણુની વ્યક્તિગત સેવામાં તે હંમેશાં રોકાયેલા હોય છે.

શ્રીહરિના આ ગૌણ સેવકે સીતાજીના દુઃખનો કેવી રીતે અંત આણ્યો, રાવણના નગરને અગ્નિથી ભસ્મીભૂત કર્યું, અને સ્વામી પાસે પાછા આવીને રામને કહ્યું: "સીતાજીને મેં શોધી કાઢ્યાં છે" — આ બધાનું વર્ણન આપણે હવે કરી શકીશું.

જાંબવાને પોતાની શક્તિની યાદ અપાવ્યા પછી, હનુમાને રામનું કામ પાર પાડવાનો દૃઢ સંકલ્પ કર્યો. તેમણે પોતાનો દૃઢ વિશ્વાસ નવી ઊર્જાથી વ્યક્ત કર્યો:

"તમારા શબ્દો સાચા પડે તેવી મારી પ્રાર્થના છે. આકાશમાં ઊડીને, લંકામાં ઉતરાણ કરીને હું જાનકીજીને મળીશ — એમાં કોઈ શંકા નથી. હું પાછો આવીશ અને સારા સમાચાર લાવીશ. કૂદકો મારવા માટે મારે મારો પગ જમીન ઉપર મજબૂત રીતે ટેકવવો પડશે. આ ટેકરી કદાચ તે જીરવી શકશે," તેમણે કહ્યું, અને મહેન્દ્ર પર્વત ઉપર ચડ્યા.

ત્યાં થોડો સમય તેમણે પોતાની પૂરી શક્તિ તેમના પગમાં એકત્રિત કરી અને થોડાં પગલાં ચાલ્યા. પર્વત ઉપર વસતાં પ્રાણીઓ આ સહન કરી શક્યાં નહીં અને બહાર આવી ગયાં.

પર્વત ઉપર ઊભા રહીને હનુમાને દરિયા તરફ જોયું અને તેમનું યોગકેન્દ્રિત મન લંકા તરફ દોર્યું. તેમણે પોતાની જાતને કહ્યું: "હું શોધ કરીશ અને સીતાજીને મેળવીશ. હું આકાશમાં ઊડીશ અને દરિયો ઓળંગીશ."

આ દૃઢ નિર્ધાર સાથે તેમણે સૂર્ય, ઇન્દ્ર, વાયુ, બ્રહ્મા અને સકળ સૃષ્ટિની પૂજા અને પ્રાર્થના કરી. પછી પૂર્વ તરફ ફરીને તેમણે પોતાના પિતા વાયુને અર્ઘ્ય આપ્યો, અને પોતાના કદને વધુ વિસ્તારીને દક્ષિણ તરફ ફર્યા.

તેમણે પોતાના પગથી પર્વતને દબાવ્યો અને હાથથી તેના ઉપર પ્રહાર કર્યો. આની અસરથી વૃક્ષોનાં ફૂલો પડ્યાં અને પર્વત ઉપર છવાઈ ગયાં. તેમના પગના દબાણનો સામનો ન થઈ શકવાથી પર્વતની સપાટી સંકોચાઈ ગઈ અને પાણીનાં ઝરણાં વહેવા મંડ્યાં. આ દૃશ્ય, હાથીના ગાલમાંથી પાણીની નિક નીકળતી હોય તેવું લાગતું હતું. ખડકની ઉપલી સપાટીમાંથી જુદાજુદા રંગની નસો ઊપસી આવી. ગુફાઓમાંથી પ્રાણીઓ રઘવાયાં થઈને કોલાહલ કરતાં બહાર નીકળી પડ્યાં. ફેણ ચડાવેલા સર્પો ઝેર ઓકીને ખડકને કરડવા લાગ્યા. તેના તણખા આજુબાજુ ફરી વળ્યા.

હનુમાનના શરીરના વાળ ઊભા થઈ ગયા, અને ગર્જના કરીને પોતાની પૂંછડી જમીન ઉપર પછાડી. તેમણે શરીરનાં પાછળનાં અંગોને સંકોચ્યાં, શ્વાસ રોક્યો, પગને જમીન ઉપર દબાવ્યા, કાનને સંકોચ્યા અને સ્નાયુઓને ખેંચ્યા. પછી વિજયઘોષ કરતાં તે આકાશમાં ઊંચકાયા અને ગરુડની જેમ, રામના તીરની ઝડપથી ઊડવા માંડ્યા.

તેમની ઝડપની આક્રમકતાથી ઘણાં વૃક્ષો મૂળસોતાં ઊખડીને તેમની દિશા તરફ ફેંકાયાં. વિદાય લેતા અતિથિના મિત્રો જેમ થોડેક સુધી સાથે જાય, તેમ આ વૃક્ષો થોડેક સુધી તેમની પાછળ ફૂલોની વર્ષા કરતાં ધરાશાયી થયાં. એક જમાનામાં પાંખોવાળા ઊડતા પર્વતોનો પીછો કરતા ઇન્દ્રે જેમ તેમની પાંખો કાપી નાખી હતી, તેમ હનુમાન પાછળ જતાં વૃક્ષો એક પછી એક દરિયામાં પડીને ડૂબી ગયાં. તેમનાં રંગબેરંગી ફૂલોથી દરિયો, તારા સાથે ચમકતા આકાશ જેવો શોભવા લાગ્યો.

આકાશમાં ઊડતા હનુમાનના બાહુઓના બહાર ફેલાતા હાથ, પાંચ પાંચ ફેણવાળા બે શેષનાગ જેવા લાગતા હતા. આકાશમાં આગળ વધતાં હનુમાન જાણે આકાશને હડપ કરવા માગતા હોય તેવું લાગતું હતું. તેમની આંખો, પર્વત ઉપરના વનમાં આગ ભભૂકી હોય તેવી લાગતી હતી. તેમનું નાક સાંજના સૂરજની જેમ ચમકતું હતું. તેમનું પડછંદ શરીર કોઈ જબરજસ્ત ધૂમકેતુની જેમ આકાશમાં ફેલાઈ ગયું હતું. તેમની ઝડપને લીધે હવા સૂસવાટાની ગર્જના કરતી હતી. તેમની નીચે તેમનો પડછાયો, દરિયા ઉપર પસાર થતા વહાણ જેવો લાગતો હતો. એવું લાગતું હતું કે કોઈ વિશાળ પર્વત પોતાની પાંખોથી આકાશમાં ઊડતો હોય. ક્યારેક વાદળાંમાં છુપાયેલા અને પાછા તેમાંથી બહાર નીકળતા હનુમાન, જાણે કે આકાશમાં સરતા ચંદ્ર જેવા લાગતા હતા. ગંધર્વોએ ત્યારે પુષ્પવૃષ્ટિ કરી અને દેવર્ષિઓએ આશીર્વાદ પાઠવ્યા.

દરેક પરિસ્થિતિ માટેની જરૂરી હિંમત, દૂરંદેશીપણું, કૌશલ્ય અને દૃઢ નિર્ધાર સાથે હનુમાને વચ્ચે આવતાં બધાં વિઘ્નોનો સામનો કર્યો અને તેમને દૂર કર્યાં.

ઓચિંતો જ એક મોટો પર્વત સમુદ્રમાંથી ઉપર આવ્યો અને હનુમાનનો માર્ગ અવરોધ્યો. હનુમાને તેને પોતાની છાતીથી ઠોક્યો. એટલે તરત જ, પવનના જોરથી જેમ વાદળું શરણે થાય, તેમ મૈનાક પર્વત શરણે થયો.

પર્વતે કહ્યું: "હે પુત્ર, હું મૈનાક પર્વત છું. દરિયાના દેવે, સગરવંશના અનુજ શ્રીરામને મદદ કરવાનો મને આદેશ આપ્યો છે. સમુદ્ર તે વંશના જૂના મિત્ર છે. તે પુરાતન સંબંધને માન આપીને તમે મારા ઉપર થોડોક સમય પસાર કરો. અહીંના આરામને લીધે તમે રામના હેતુને વધુ સારો પાર પાડી શકશો. જ્યારે ઇન્દ્રે બધા પર્વતો ઉપર તેના વજ્રનો પ્રહાર કર્યો, ત્યારે તેના અત્યાચારથી હું છટકી ગયો અને સમુદ્રમાં સંતાયો, એટલે બચી શક્યો. જે સમુદ્રે મને આશ્રય આપ્યો, તેણે જ તમને મદદ કરવાનો મને આદેશ આપ્યો છે. સગરપુત્રોએ સમુદ્રને ખોદીને વધુ ઊંડો બનાવ્યો છે. તમારા પિતા વાયુએ જ ઇન્દ્રના વજ્રથી મને બચાવ્યો હતો અને સમુદ્રમાં શરણાગતિ અપાવી હતી. આ જાણો છો? જો તમે મારી આગતાસ્વાગતા સ્વીકારીને અહીં મારા ઉપર જરૂરી આરામ લેશો, તો સમુદ્ર અને હું — એમ બંને — ખૂબ ખુશી થઈશું."

પણ હનુમાન મૈનાકની આ વિનંતીને સ્વીકારી શક્યા નહીં. તેમણે વિનયપૂર્વક ઉત્તર આપ્યો: "મિત્ર, હું અટકી શકું એમ નથી. મારી પાસે આરામનો સમય નથી. રામના હેતુને પાર પાડવાનું મારું વચન જરાપણ વિલંબ વેઠી શકે એવું નથી. આપના માયાળુ શબ્દોએ મને ઘણો આનંદ આપ્યો છે."

તેમણે પર્વતને પ્રેમપૂર્વક પોતાના હાથથી થાબડ્યો અને તેની રજા લીધી.

પછીથી એક વિકરાળ અને વિશાળ આકૃતિ તેમના રસ્તે આવી અને તેણે કહ્યું: "મારા મુખમાં આવી જા. ઘણા લાંબા સમયથી હું ખોરાક વગર રહી છું અને ઘણી આતુરતાથી તારી રાહ જોઉં છું." એમ કહેતાં જ તેણે પોતાનું મોઢું મોટી ગુફા જેટલું પહોળું કર્યું.

હનુમાને ઉત્તર આપ્યો: "હું રામનું કામ કરવા કટિબદ્ધ છું. મને રોક નહીં."

તેણે કહ્યું: "અશક્ય! તારે મારા મુખમાં પ્રવેશ કરવો જ પડશે."

હનુમાને ઝડપથી વિચાર કર્યો અને શું કરવું તે નક્કી કર્યું. ક્રમિક રીતે તેમણે પોતાના શરીરનું કદ વધારે રાખ્યું. સુરસા નામની નાગકન્યાએ રાક્ષસી આકાર ધારણ કર્યો હતો. તેણે પોતાનું મોઢું હનુમાનના કદની સાથે પહોળું કરે રાખ્યું.

આમ, તેનું મોઢું જ્યારે એકદમ વિશાળ થઈ ગયું, ત્યારે ઓચિંતા જ હનુમાને પોતાના શરીરને તણખલા જેટલું સંકોચી લીધું; અને તેના મોઢામાં પ્રવેશીને હનુમાન તરત પાછા બહાર આવી ગયા અને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું.

પછી તે હસ્યા અને કહ્યું: "માતા, આપની ઇચ્છા પૂરી થઈ છે. હું આપના મુખમાં પ્રવેશી ગયો છું. હવે બીજું વધુ શું જોઈએ છે?"

અને નાગદેવીએ તેમને આશીર્વાદ આપ્યા: "તમારો પ્રયત્ન સફળતાનું સર્વોચ્ચ શિખર પ્રાપ્ત કરશે. દેવો તમારી કસોટી કરવા માગતા હતા; તેમની આજ્ઞાથી મેં આમ કર્યું હતું. તમે રામનું જે કામ પાર પાડવા માગો છો, તે અચૂકપણે વિજયી થશે."

હનુમાનજીની કસોટીઓમાં આ છેલ્લી કસોટી નહોતી. આકાશમાં ઊડતી વખતે વગર કારણે — તે ન સમજી શકે તે રીતે — તેમની ઝડપ અવરોધાતી હતી, અને સામેથી આવતા પવનમાં જેમ કોઈ વહાણ સપડાય તેવો અનુભવ તેમને થતો હતો. તેમને લાગ્યું કે કોઈ પ્રચંડ શક્તિ તેમનો કબજો લઈને તેમને નીચે ખેંચી રહી હતી.

તેમણે ઉપર, નીચે અને ચારેય બાજુ જોયું. તરત તેમને કારણ સમજાઈ ગયું. દરિયામાં એક વિશાળ રાક્ષસી તેમના પડછાયાને પકડીને નીચે ખેંચી રહી હતી. તેને લીધે તેમની ઝડપ અટકી ગઈ હતી અને તે નીચે ખેંચાતા હતા.

તેમના પડછાયાને પકડી રાખેલી રાક્ષસીએ તેમને કહ્યું: "આવ, આવ! ઘણા સમયથી હું તારી વાટ જોતી બેઠી છું. હવે મારાથી જરાપણ લાંબો સમય ભૂખ વેઠી શકાશે નહીં." અને તેણે પોતાનું મોઢું ગુફાની જેમ ખોલ્યું.

તરત જ હનુમાન તેના મુખમાં પ્રવેશ્યા, અને તેનાં આંતરડાંને ફાડીને આગળ રસ્તો કરી બહાર નીકળી ગયા. રાક્ષસી મૃત્યુ પામી અને પાણીમાં નીચે ડૂબી ગઈ. ગ્રહણમાંથી નીકળેલા પૂર્ણચંદ્રની જેમ હનુમાન પાછા આકાશમાં પ્રકાશવા લાગ્યા અને મુસાફરી ચાલુ રાખી.

આ પ્રમાણે ઘણી કસોટીઓ પોતાની કુશાગ્ર બુદ્ધિ, હિંમત અને શક્તિથી પાર પાડીને તે દરિયાના સામે કાંઠે લંકાના તટે પહોંચ્યા. લંકાને કાંઠે કેળ અને નાળિયેરીનાં વૃક્ષો ફેલાયેલાં હતાં. ટાપુના તટે તેમણે વન, પર્વતો અને વૃક્ષોની વનરાજી તથા નદીઓના સંગમને જોયા.

રાવણના રાજ્યની સમૃદ્ધિ અને કિલ્લાથી સુરક્ષિત નગર તેમણે જોયું.

"હું ગંતવ્ય સ્થાને આવી ગયો છું," હનુમાને મનોમન વાત કરી. "હવે હું કોણ છું કે હું શું છું, એ રાક્ષસો જાણી જાય તે પહેલાં મારે બધી જગ્યાએ તપાસ કરીને, સીતાજીને ક્યાં રાખવામાં આવ્યાં છે તે શોધી કાઢવું જોઈએ."

તેમણે ધારણ કરેલું વિશાળ સ્વરૂપ સામાન્ય વાનરના કદનું કરી નાખ્યું, અને લંકાની એક ટેકરીની ટોચ ઉપર તેમણે ઉતરાણ કર્યું.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.