"રામ, જુઓ આ વાનરસેનાને," સુગ્રીવે કહ્યું. "આશ્ચર્યચકિત કરે તેવી શક્તિવાળો આ આખો મહેરામણ આપના તાબામાં છે. આપ તેમની જે સેવા ઇચ્છતા હશો, તે બધી પૂરી કરવા માટે તેઓ સક્ષમ અને તત્પર છે. આ વિશાળ સેના આપની જ છે તેમ સમજીને, આપ જે ઇચ્છો તે આદેશ આપો."
આનંદની લાગણીથી ચલાયમાન થઈ ગયેલા રામે સુગ્રીવને આલિંગન આપ્યું. તેમણે કહ્યું: "સૌ પ્રથમ તો સીતા જીવંત છે કે નહીં, અને જો હોય તો તે ક્યાં છે, તે આપણે પહેલાં જાણી લેવું જોઈએ. બીજું, આપણે રાવણના ખબરઅંતર મેળવી લેવા જોઈએ. ત્યાર પછી જ આપણે જે કરવું જરૂરી છે, તે કરી શકીએ. પણ આ સેનાના અધિપતિ તમે જ છો — હું કે લક્ષ્મણ નહીં. તમે તેમના રાજા છો. વળી શું કરવું જોઈએ અને કઈ રીતે કરવું જોઈએ, તે તમે જ સારામાં સારી રીતે જાણતા હશો. હું તો મારી જાતને, તમારા જેવો મિત્ર અને લક્ષ્મણ જેવો ભાઈ મળ્યાથી ધન્ય થઈ ગયો છું!"
પછી સુગ્રીવે તરત જ તેના સેનાનાયકોને હુકમ આપીને, સેનાના વિભાગોને પૃથ્વીના ચારેય ભાગમાં સીતાજીની તલસ્પર્શી શોધ કરવા રવાના કર્યા.
બીજા મહારથીઓને મોકલી દીધા પછી સુગ્રીવ હનુમાનને એક બાજુ લઈ ગયા અને કહ્યું, "તમારા પિતાની ભવ્યતા અને સામર્થ્ય ધરાવતા વાયુપુત્ર! માત્ર તમે જ આ જવાબદારીમાં સફળ થઈ શકશો. તમે શક્તિ, શૌર્ય અને વિચારશક્તિ ધરાવો છો. એટલે સીતાજીને શોધવાની જવાબદારી અદા કરવા માટે હું તમારા ઉપર જ વિશ્વાસ રાખું છું."
રામ પણ એમ જ માનતા હતા કે હનુમાનના પ્રયત્નો જ સફળતાના તાજ સુધી લઈ જઈ શકશે. તેમને ભરોસો હતો કે ગમે તેવાં વિઘ્નો આવી પડે, તો પણ હનુમાન તેમને પરાજિત કરીને આગળ વધી શકે તેમ છે. તેમણે તેમની વીંટી નિશાની તરીકે હનુમાનને આપી અને કહ્યું: "આ વીંટી રાખો. મને પૂરેપૂરી આશા છે કે તમે સીતાને શોધી શકશો. આ વીંટી સીતાને જાણ કરશે કે તમે મારા સંદેશવાહક છો. પ્રિય હનુમાન, સીતાને અને મને પોતાને ફરી એક કરવામાં આપ સફળ થાઓ!"
આ દૃશ્યની પવિત્રતા અને કરુણા વાચકોએ આત્મસાત્ કરવી જોઈએ. એક પક્ષે — વીંટી આપતી વખતે જાણે કે પોતાનું ક્ષુધિત હૃદય સેવકના હાથમાં સોંપતા હોય તેમ — હનુમાનની નિષ્ઠાવાન વફાદારી અને શૌર્ય માટે રામનો અતૂટ વિશ્વાસ; અને સામે પક્ષે, એક આદર્શ સેવકની પવિત્ર શ્રદ્ધા અને અમાપ પૂજ્યભાવ સાથેનો અડગ નિર્ધાર, કે પોતાના સ્વામીને ક્યારેય પણ નિષ્ફળતા ન સાંપડે!
સુગ્રીવે તેની સેનાને હુકમ કર્યો: "કોઈ પણ ભોગે સીતાજીની ભાળ મળવી જ જોઈએ. ભલે તેમને ગમે તે જગ્યાએ સંતાડ્યાં હોય, તમે તેમને શોધી શકો એમ છો અને તમારે તે કરવાનું જ છે. એક મહિનામાં તમારે તેમની બાતમી સાથે પાછા આવી જવું જ પડશે." અને આમ, રાફડામાંથી જેમ કીડીઓનાં ટોળાં ચારેય દિશામાં ફેલાઈ જાય, તેમ આ સૈન્ય ફેલાઈ ગયું.
શતબલિ અને તેનું સૈન્ય ઉત્તર દિશામાં ગયું; વિનતનું સૈન્ય પૂર્વ દિશામાં ગયું; સુષેણનું પશ્ચિમ દિશામાં; અને હનુમાન, અંગદ તથા સેનાધિપતિ તાર દક્ષિણ દિશામાં ગયા.
બધામાં રાવણને પકડીને તેનો વધ કરવાનો અને સીતાજીને મુક્ત કરવાનો ઉત્સાહ અને અભીપ્સા એકસરખાં હતાં. સેનાના દરેક વિભાગને, સફળ થઈને સૌથી પહેલાં પાછા ફરવાની તાલાવેલી હતી. તેમની પ્રતિસ્પર્ધા કોલાહલથી ભરપૂર હતી.
રામે સુગ્રીવને પ્રશ્ન કર્યો: "તમે પૃથ્વીના ચાર ભાગ અને તેના પ્રદેશોનું વર્ણન એવી રીતે કરો છો, જાણે કે કોઈ માણસે પોતાની સગી આંખે આખી પૃથ્વીને જોઈ હોય. તમે આ બધું ક્યારે અને કેવી રીતે જોયું?"
સુગ્રીવે કહ્યું, "સ્વામી, આપને યાદ હશે કે વાલીએ બધી દિશામાં મારો કેવો પીછો પકડ્યો હતો. હું ગમે ત્યાં જાઉં, તે ત્યાં આવી જતો. એટલે જ મારે આખી દુનિયાના પટ ઉપર રખડ્યા કરવું પડતું હતું. આને લીધે આપણા ગ્રહના દરેક ભાગ જોવાનો મને મોકો મળતો હતો. આમ કરતાં કરતાં, ઋષિ મતંગનો આશ્રમ જ્યાં હતો તેની માહિતી મને મળી. વાલી જો તે પ્રદેશમાં પ્રવેશે, તો ઋષિના શ્રાપને લીધે તેના મસ્તકનો ફુરચો નીકળી જાય. મને ખ્યાલ હતો કે તે જગ્યાએ વાલી નહીં આવી શકે, અને આવે તો પણ મને કોઈ તકલીફ નહીં આપી શકે. એટલે હું ત્યાં સુરક્ષિત રહ્યો."
જે સૈન્ય પૂર્વ, પશ્ચિમ અને ઉત્તર દિશામાં ગયેલું, તે એક મહિનામાં પાછું ફર્યું અને બાતમી આપી કે સીતાજીની શોધ કોઈ જગ્યાએ થઈ શકી નથી. "પૂરતી કાળજીપૂર્વક અમે જંગલો, પર્વતો, નદીઓ અને નગરો શોધી વળ્યાં, પણ કોઈ જગ્યાએ અમે સીતાજીની ભાળ મેળવી શક્યા નહીં. દક્ષિણ દિશામાં જનાર હનુમાન ભાગ્યશાળી લાગે છે. સીતાજીને લઈ જનારો રાક્ષસ પણ દક્ષિણ તરફ જ જતો હતો ને? અને હનુમાન હજી સુધી પાછા ફર્યા નથી."
આ સાંભળીને રામને સંતોષ થયો કે વાનરો કરવાનું બધું કરી છૂટ્યા છે.
હનુમાન અને અંગદે વિંધ્યાચળનાં જંગલો અને ગુફાઓમાં શોધ શરૂ કરેલી. પછીથી તે એક રણમાં પહોંચ્યા. અહીં એક ઋષિ તપશ્ચર્યા કરતા હતા. તેમના શ્રાપને લીધે આ જગ્યા વૃક્ષો, છોડવાંઓ, પક્ષીઓ અને પશુઓ વગરની હતી. દક્ષિણમાં વધુ આગળ જતાં તેમણે એક વિરાટ અસુર જોયો. વાનરટોળાંને પોતાનો મનગમતો ખોરાક માનીને, તે ક્રૂર અસુરે તેમને ઝડપવા કૂદકો માર્યો. તેમણે શરૂઆતમાં માન્યું કે આ જ રાવણ હતો. અંગદ તેની તરફ ધસી ગયો અને તેના ઉપર પ્રચંડ પ્રહાર કર્યો. આ સહન ન થઈ શકવાથી અસુરે લોહીની ઊલટી કરી, તે ધરતી ઉપર ફેંકાઈ ગયો અને કોઈ મોટી ટેકરીની જેમ મૃત હાલતમાં પડ્યો. રાવણ મૃત્યુ પામ્યો છે એવા વિચારથી વાનરસેના વિજયના આનંદ સાથે વનોમાં સીતાજીની શોધ કરવા લાગી. પણ ત્યાં તેમની કોઈ નિશાની મળી નહીં. એટલે તેમણે બીજી જગ્યાએ શોધ ચાલુ રાખી.
ઘણીવાર તેમની નિષ્ફળ શોધનો તેમને થાક લાગતો અને તે ઘોર નિરાશામાં પટકાઈ જતા. આવે વખતે અંગદ, ગંધમાદન કે એવા કોઈ બીજા નેતા તેમને પ્રોત્સાહિત કરતા અને શોધ આગળ વધારવા ઉત્તેજન આપતા. આ રીતે ઘણા દિવસો પસાર થયા. તો પણ સીતાજીની હજી કોઈ ભાળ મળતી નહોતી. વળી સુગ્રીવની નાખુશીનો તેમને ભય લાગતો હતો.
સીતાજીની શોધમાં તેઓ દક્ષિણમાં બહુ દૂર પહોંચી ગયા.
એક રણમાંથી પસાર થતાં બધા ભૂખ અને તરસથી બેભાન હાલતમાં આવી ગયા હતા. ત્યાં એમણે એક ગુફા જોઈ. ગુફામાંથી અનેક પ્રકારનાં પક્ષીઓ, જીવનના આનંદને વ્યક્ત કરતાં બહાર ઊડી રહ્યાં હતાં. ગુફામાંથી બહાર આવતી પવનની હળવી લહેરખી પોતાની સાથે કમળના પરાગને લઈને નીકળતી હતી અને તેની સુવાસથી ભરપૂર હતી. વાનરો એ નિષ્કર્ષ ઉપર આવ્યા કે "જે જગ્યાએથી પક્ષીઓ અને મધુર સુવાસ નીકળે છે, ત્યાં અચૂકપણે પાણી હોવું જ જોઈએ." એટલે વાનરોએ એકબીજાના હાથ પકડીને લાંબી સાંકળ બનાવી અને ગુફાના ગાઢ અંધકારમાં બહુ જ સાવચેતીપૂર્વક પ્રવેશ કર્યો. ભૂખ અને તરસથી તેઓ અવાજ કાઢી ન શકે તેવા બની ગયા, છતાં તેમનાં હૃદય આશાથી ભરપૂર હતાં.
અંતે, લાંબા સમય પછી, તેમને ઓચિંતો પ્રકાશ દેખાયો અને એક બહુ જ સુંદર વૃક્ષોનું વન જોયું. ત્યાં ચોખ્ખા પાણીના ઝરા હતા અને ફળોના ભારથી નીચાં નમેલાં વૃક્ષો પણ હતાં. તેટલામાં તો એક નગર દેખાયું. આ નગરની શેરીઓ રત્નજડિત સોનામાં મઢેલી હતી અને મહાન રાજમહેલો સ્વપ્નવત્ સુંદર લાગતા હતા. આગળ જતાં તેમણે એક વૃદ્ધ તપસ્વિનીને, સાધુના વેશમાં કાળા ચામડાના આસન ઉપર બેઠેલી જોઈ. આ તપસ્વિનીના ચહેરા ઉપરની દિવ્ય આભા જોતાં જ વાનરો ધ્રૂજવા માંડ્યા.
હનુમાને તેની પાસે જવાની હિંમત કરી. તેમની આગળ ઝૂકીને તેમણે કહ્યું: "માતાજી, પ્રણામ. અમે જાણી શકીએ કે આપ કોણ છો? તરસ્યા અને થાકેલા, અને અંધારી ગુફામાં થોડુંક પાણી પીવા મળશે એમ માનીને અમે પ્રવેશ કરેલો. પણ અત્યારે આ નિર્જન સોનેરી શહેર અને તળાવો તેમજ વૃક્ષો જોઈને અમને ભય લાગે છે, કે અમે ભોગવેલી ભીષણ યાતનાઓને લીધે આવેલા ગાંડપણના પરિણામરૂપે અમારી આ વ્યર્થ ભ્રમણા તો નથી ને? કૃપા કરીને અમને આ બધું સમજાવો અને અમારો ભય દૂર કરો."
તપસ્વિનીએ ઉત્તર આપ્યો: "આ ગુફામાં પ્રવેશ કરવાનો રસ્તો તમને ક્યાંથી મળ્યો? અહીં તમને પૂરતાં ફળો અને પાણી મળી રહેશે. આ રાજમહેલ દાનવોના સ્થપતિ મયે બાંધેલો છે. આ કલા તે શુક્રાચાર્ય પાસેથી શીખેલો.
"તેણે ઇન્દ્રની દુશ્મનાવટ વહોરી અને ઇન્દ્રે તેનો વધ કર્યો — ત્યાં સુધી લાંબો સમય મય અહીંયાં સુખેથી રહેલો. પછીથી ઇન્દ્રે આ સોનેરી રાજમહેલ મારી સખી હેમાને આપેલો. આ બધી મિલકત અને ઉદ્યાનો તેનાં છે. અત્યારે તે દેવોના સ્વર્ગમાં ગયેલી છે. પણ તમારું અહીં આવવાનું પ્રયોજન શું છે? વનોમાં ફરીફરીને તમે કેમ થાકી ગયેલા જણાઓ છો? પહેલાં ખાઓ, પીઓ અને તાજામાજા થાઓ; પછી તમારા વિષે મને બધી વાત કરો."
તે બધા ખાઈપીને તાજામાજા થઈ બહુ રાજી થયા. પછી હનુમાને તપસ્વિનીને તેમના ભ્રમણનું કારણ જણાવ્યું:
"મહારાજા દશરથના પુત્ર રામ કોઈ કારણથી તેમનું રાજ્ય છોડીને, પોતાની પત્ની અને ભાઈ સાથે વનવાસે આવ્યા છે. વનમાં એક રાક્ષસ રામનાં પત્નીનું અપહરણ કરી ગયો છે. તેથી બંને ભાઈ તેમની શોધમાં નીકળ્યા છે. વાનરરાજા સુગ્રીવનો સંપર્ક થતાં તે બંને મિત્રો બની ગયા છે. રાજા સુગ્રીવે સીતાજીની શોધ કરીને તેમને રામને પાછાં સોંપવાના ધર્મકાર્ય માટે અમને મોકલ્યા છે. અમારા રાજાએ સીતાજીની ચોક્કસ બાતમી સાથે નિશ્ચિત સમયમર્યાદામાં પાછા ફરવાનું અમને ફરમાન કરેલું છે. આ ગુફાના અંધકારમાં અમે અમારો રસ્તો ભૂલી ગયા છીએ અને આપેલી સમયમર્યાદા હવે પૂરી થઈ ગઈ છે. હવે શું કરવું તે અંગે અમે મૂંઝાયા છીએ. સુગ્રીવ એકદમ કઠોર સ્વામી છે. તેમણે સોંપેલી કામગીરી સમયમર્યાદામાં પૂરી ન કરી શકવા માટે તે ચોક્કસ અમને મૃત્યુદંડની સજા ફરમાવશે."
તપસ્વિનીનું નામ સ્વયંપ્રભા હતું. તેમણે કહ્યું: "અફસોસ! તમે તમારી મેળે આ ગુફાની બહાર નીકળી નહીં શકો. જે કોઈ અજાણ્યું તેમાં પ્રવેશ કરે છે, તે જીવતું બહાર નીકળી શકતું નથી. પણ તમે તો એક મહાન અભિયાન માટે નીકળ્યા છો. એટલે મારી તપસ્યાથી મારે તમને બહાર પહોંચાડવા જ પડશે. તમારી આંખો બંધ કરો."
તે મુજબ બધાએ આંખો બંધ કરી. અને ઓચિંતા જ તે બધા દરિયાકિનારે પહોંચી ગયા.
દરિયાકિનારે આજુબાજુ નિરીક્ષણ કરતાં તેમને આશ્ચર્ય થયું, કે વસંતઋતુની શરૂઆત થઈ ચૂકી હતી. અંગદે દિલગીરી સાથે કહ્યું: "અરેરે! સમયમર્યાદા પૂરી થઈ ગઈ છે. હવે જો આપણે સીતાજીની શોધની કોઈ કડી મેળવ્યા વગર કિષ્કિંધા પાછા જઈશું, તો રાજા આપણને જરૂર દેહાંતદંડ આપશે. તે મને ધિક્કારે છે. મને યુવરાજ બનાવવાનો નિર્ણય પણ તેણે રામના દબાણ હેઠળ લીધેલો, મારા માટેના તેના પ્રેમને લીધે નહીં. ત્યાં જઈને આપણું જીવન ગુમાવવાને બદલે, આપણે અહીંયાં જ ઉપવાસ કરીને મૃત્યુને અત્યારે જ વરીએ." અંગદના ઘણા સાથીદારો તેની સાથે સહમત થયા.
વાનર સેનાપતિ તારે કહ્યું, "હું સહમત થતો નથી. આપણે શા માટે જીવનનો અંત લાવવો જોઈએ? આપણે પાછા તપસ્વિની સ્વયંપ્રભાની ગુફામાં જઈએ અને ત્યાં સુખેથી રહીએ. ત્યાં બધું જ પુષ્કળ પ્રમાણમાં છે. આ જગ્યાએ સુગ્રીવ કે બીજું કોઈ પહોંચી શકે એમ નથી. આપણે આપણું બાકીનું જીવન અહીં નિરાંતે ગાળીશું."
પણ હનુમાન બોલ્યા: "આ બધી વાતો કેવી ક્ષુલ્લક છે! આપણા પરિવારને દૂર દૂર આવેલા કિષ્કિંધામાં મૂકીને, આ ગુફામાં ખાઈપીને પડ્યા રહેવામાં કયું સુખ સમાયેલું છે? સુગ્રીવ સારા રાજા છે. આપણે તેમનો ભય રાખવાની જરૂર નથી. અને જો સુગ્રીવ આપણા ઉપર ગુસ્સે થઈને આપણને સજા કરવામાં કૃતનિશ્ચયી હોય, તો આ ગુફા આપણને સલામતી કેવી રીતે આપી શકે? તે લક્ષ્મણના પુણ્યપ્રકોપ સામે ટકી શકે ખરી? તે આના ભુક્કા કાઢીને આપણો વધ નહીં કરી શકે? તારની સલાહમાં મને કોઈ લાભ દેખાતો નથી. આપણે પાછા જઈએ અને સુગ્રીવને સંપૂર્ણ સત્ય જણાવીને તેમની માફીની યાચના કરીએ. સલામતીનો આ એક જ રસ્તો છે."
અંગદે કહ્યું, "હું હનુમાન સાથે સહમત થતો નથી. સુગ્રીવને મારા માટે તો કોઈ લાગણી કે દયા નથી. મને તો તે જરૂર મારી નાખશે. તેનો સ્વભાવ ક્રૂર છે. તેણે મારા પિતાને કેવી રીતે મારી નાખ્યા, તે યાદ કરો. મને જીવતો રાખવાનું તે ઇચ્છતો નથી. મને મારી નાખવા માટે તે એક યા બીજું બહાનું ગોતી કાઢશે. મને તે, તેના અને તેના વારસોના માર્ગનો કાંટો ગણે છે — મારા વગર જ તેઓ કિષ્કિંધાના વારસ બની શકે તેમ છે. વચનભંગ કરવું તેને માટે કોઈ મહત્ત્વ ધરાવતું નથી. સીતાજીને શોધી કાઢવાના અને પાછાં મેળવવાના, રામને આપેલા પવિત્ર સોગંદને તે ભૂલી ગયો નહોતો? આપણને આ અભિયાનમાં મોકલવામાં પણ લક્ષ્મણ અને તેમના ધનુષ્યનો ભય જ જવાબદાર નથી? મારી બિચારી શોકસંતપ્ત માતાએ પણ તેના ભયને વશ થઈને સુગ્રીવનો આશ્રય સ્વીકાર્યો છે. માત્ર મારે લીધે જ તે જીવનને વળગી રહી છે. મારું મૃત્યુ સાંભળીને તે ચોક્કસ જીવનત્યાગ કરી દેશે. અરેરે! હું દુઃખી છું અને શું કરવું તે સમજાતું નથી."
આમરણાંત વ્રત માટે નિશ્ચિત થયેલી વિધિ મુજબ, અંગદે જમીન ઉપર કુશ નામના ઘાસને પાથર્યું, દેવો અને પિતૃઓને પ્રણામ કર્યા, અને મૃત્યુ માટેના નિશ્ચય સાથે પૂર્વ દિશા તરફ મુખ રાખીને આસન લીધું.
નજીકની ટેકરી પરથી ગીધ પક્ષીઓના રાજા સંપાતિએ, વાનરોના આ ટોળાંને નિયતિને તાબે થતાં જોયું. પોતાની પાંખો ગુમાવી દીધેલી હોવાથી તે હલચલ કરી શકતો નહોતો. એટલે લાંબા સમયથી તે ભૂખ્યો હતો. હવે તે રાજી થઈ ગયો. તેણે પોતાની જાતને કહ્યું, "ઘણા બધા વાંદરાઓ હવે આ જગ્યાએ મૃત્યુ પામશે. કોઈ પણ પ્રયત્ન વગર હવે મને પૂરતો ખોરાક મળી રહેશે."
આ દરમ્યાન મૃત્યુવ્રત કરનારા વાનરો, એકબીજા સાથે ભૂતકાળની વાતો મોટા અવાજમાં કહેવા લાગ્યા અને જે કંઈ બન્યું હતું તેની દિલગીરી વ્યક્ત કરવા લાગ્યા: "કૈકેયીને લીધે દશરથ રાજા મૃત્યુ પામ્યા. દશરથને લીધે રામે વનમાં વાસ કરવો પડ્યો. રાવણ સીતાજીને ઉપાડી ગયો. શૂરવીર જટાયુએ સીતાજીને બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી. આ મહાન પક્ષીમાં જો થોડોક વધુ સમય સંઘર્ષ કરવા પૂરતી શક્તિ હોત, તો રામ અને લક્ષ્મણ તે જગ્યાએ પહોંચી ગયા હોત અને સીતાજીને બચાવી લીધાં હોત. આ બધી ઘટનાઓ માત્ર નિયતિને લીધે જ બની. અને આ બધાનો એટલો જ સાર છે, કે આપણે પણ બધા અહીંયાં મરવાને આવ્યા છીએ. નિયતિની લીલા કેવી અકળ છે!"
આ દુઃખદ વર્ણન સાંભળતાં, જ્યારે પોતાના મોટા ભાઈ જટાયુનો ઉલ્લેખ તેણે સાંભળ્યો, ત્યારે સંપાતિનું ધ્યાન ખેંચાયું. જટાયુના મૃત્યુની વાત સાંભળીને તેની ઇચ્છા સ્વાભાવિક રીતે પૂરી વાત સાંભળવાની થઈ.
સંપાતિ ઘણો વૃદ્ધ હતો. તે અને જટાયુ, પ્રભાતના દેવતા અરુણ અને શ્રીહરિના વાહન ગરુડનાં સંતાનો હતા. નાના હતા ત્યારે જટાયુ અને સંપાતિ, આકાશમાં કોણ વધુ ઊંચાઈ ઉપર ઊડી શકે છે તેની હરીફાઈ કરતા. એમ કરતાં કરતાં જ્યારે તે સૂર્યની નજીક પહોંચતા, ત્યારે ગરમી એટલી અસહ્ય હતી કે જટાયુ તો લગભગ બળી જવાની અણી ઉપર આવ્યો હતો. પણ સંપાતિએ પોતાની પાંખો પહોળી કરીને પોતાના ભાઈને સૂર્યની ગરમી સામે રક્ષણ આપ્યું હતું. જટાયુ બચી ગયો હતો, પણ સંપાતિની પાંખો ભસ્મીભૂત થઈ ગઈ હતી. ઊડવાની શક્તિ ન હોવાથી તે એક ટેકરી ઉપર પટકાઈ પડ્યો હતો. ત્યારથી તે હલનચલન કરી શકતો નહોતો, અને તે જ જગ્યાએ ભૂખનો માર્યો પડ્યો રહ્યો હતો.
"મારા વહાલા ભાઈ જટાયુના દુઃખદ સમાચાર કોણે કહ્યા?" તે આક્રંદપૂર્વક બરાડી ઊઠ્યો. "અરે વાનરો! મારો લાડકો જટાયુ ખરેખર મૃત્યુ પામ્યો છે? દશરથ રાજાના પુત્ર રામ શા માટે વનમાં ગયા? તેમણે તેમનાં પત્ની શી રીતે ગુમાવ્યાં? શું રાવણે જટાયુનો વધ કર્યો હતો? આ બધું મને કહો."
વાનરો આત્મસમર્પણનો નિશ્ચય કરીને બેઠા હતા. પાંખહીન વૃદ્ધ ગીધે તેમની બધાની ભોજન માટે ઉપયોગ કરવાની ઇચ્છા રાખી હતી. પણ હવે પરિસ્થિતિ સાવ વિપરીત થઈ ગઈ હતી. બધા વાનરો ઊભા થઈને સંપાતિ પાસે ગયા અને ધીમે ધીમે તેને લઈને ટેકરીની નીચે આવ્યા. પછી તેમણે માહિતીની આપલે કરી. સંપાતિએ પોતાની વાતની યાદ અપાવી. અંગદે કિષ્કિંધામાં જે કંઈ બન્યું હતું તેની વાત કરી, અને રામને કેવી રીતે મદદ કરી શકાય એમ સંપાતિને પૂછ્યું.
સંપાતિ વૃદ્ધ અને નબળો હતો, પણ તેની આંખોની તીવ્રતા તેણે હજી ગુમાવી નહોતી. તે બહુ દૂર દૂરનું જોઈ શકતો હતો. તેણે સીતાજીને લંકામાં કેદ થયેલાં જોયાં, અને રાવણના રાજ્યમાં છવાયેલી સમૃદ્ધિનું તેણે વર્ણન કર્યું. તેણે સીતાજીને લંકામાં રાક્ષસીઓથી વીંટળાયેલી હાલતમાં બેઠેલાં જોયાં અને તેનું વર્ણન કર્યું.
વાનરો આનંદથી બેફામ બની ગયા. કૂદકા મારતા મારતા તેઓ એકબીજાને કહેવા લાગ્યા, "હવે આપણે સીતાજી વિશે બધું જાણી લીધું છે. હવે આપણે મરવાની જરૂર નથી. રામનું કામ ચોક્કસ પાર પડશે."
સંપાતિની મુશ્કેલીઓ હવે પૂરી થઈ હતી. તેણે વરદાન પ્રાપ્ત કર્યું હતું કે જ્યારે તે રામને મદદ કરશે, ત્યારે તેને પાંખો ફરી પ્રાપ્ત થશે. આ વરદાન સાચું પડી રહ્યું હતું; અને તે બધા હજી વાતો કરી રહ્યા હતા ત્યારે જ, નવી કુમળી પાંખો ઊગી નીકળી અને તેની બંને બાજુ પુખ્ત પાંખોની જેમ લાગી ગઈ. સંપાતિ હવે નવપ્રાપ્ત સૌંદર્યથી ઝળહળવા લાગ્યો. જટાયુની અંત્યેષ્ટિ પૂરી કરી શકવાનો તેને સંતોષ થયો.
