વર્ષાઋતુ શરૂ થઈ. કિષ્કિંધામાં સુગ્રીવ અને તેના સાથીઓએ આનંદપ્રમોદમાં સમય વિતાવ્યો, પણ રામ અને લક્ષ્મણે આ કંટાળાજનક દિવસો નજીકની ગુફામાં રાહ જોવામાં ગાળ્યા. વનની કેડીઓ પૂરથી છલકાઈ અને ધસમસતી વહેવા લાગી. હવે તેને ઓળંગવું અશક્ય હતું. આને લીધે સીતાજીની શોધ મોકૂફ રાખવી પડી. રામ સીતાજીની દુર્દશાની ચિંતામાં દુઃખ અનુભવતા હતા. લક્ષ્મણ તેમને, વર્ષાઋતુ પૂરી થાય ત્યાં સુધી આ મોકૂફીને સહન કરવાની સલાહ આપતા હતા. આથી રામ પોતાને હૈયે ધીરજ ધારીને બેઠા હતા.
તીવ્રતમ દુઃખની ધાર પણ સમય જતાં બુઠ્ઠી થાય છે. કદાચ દિવસ દરમ્યાનની દૈનિક મુશ્કેલીઓનું મારણ ઊંઘ છે; એ જ રીતે હૃદયના ઘાતક જખ્મોનું મારણ વિસ્મૃતિ છે. કદાચ પરમાત્માની માનવજાત ઉપરની આ બંને કરુણાપૂર્વકની ભેટ છે. કિષ્કિંધાએ તેના વાલીનો શોક થોડો સમય કર્યો, અને પછી સુગ્રીવ અને બીજા જીવંત સમર્થકો સાથે જીવન આનંદિત બન્યું. સુગ્રીવ તેના દેશવટાની તકલીફો અને પોતાના ભાઈના મૃત્યુનું દુઃખ ભૂલી ગયો હતો. તેની વર્તમાન સમૃદ્ધિને તે ભરપૂર રીતે ભોગવતો હતો. તારાએ પણ સમજૂતીપૂર્વક સંજોગો સાથે સુમેળ સાધીને, બદલાયેલા સંજોગોમાં તેના પુત્રના હિતમાં પોતાની જાતમાં પરિવર્તન સ્વીકાર્યું હતું. કિષ્કિંધાનો રાજમહેલ આનંદપ્રમોદ અને મદ્યપાનની મહેફિલથી છલકતો હતો. ચોમાસાના કપરા દિવસો જ્યારે રઘુકુળના ભાઈઓ લોખંડી નિષ્ક્રિયતામાં પસાર કરતા હતા, ત્યારે સુગ્રીવ અને તેના દરબારમાં સોનેરી પાંખો ઉપર સમય દોડતો હતો. એકમાત્ર હનુમાન ઉત્કંઠિત હતા. રામના કામને તે ભૂલી શકતા નહોતા. રાજા સુગ્રીવને તેમણે રામને આપેલું વચન યાદ અપાવવાની હનુમાન તક શોધી રહ્યા હતા.
અંતે ચોમાસું પૂરું થયું અને આકાશમાંથી વાદળાં અને વીજળીએ વિદાય લીધી. હવામાં નવી મધુરપ હતી. તેમાં ફૂલોની સુગંધ અને પક્ષીઓના કલરવની મીઠાશ ભળતાં વન જાણે સજીવન થયું હતું. હવે બુદ્ધિમંત અને સદ્ગુણોથી ભરેલા હનુમાન રાજા પાસે ગયા. સુગ્રીવે મંત્રીઓને જુદી જુદી જવાબદારીઓ સોંપી દીધી હતી અને તે તો ભોગવિલાસમાં રચ્યોપચ્યો રહેતો હતો. હનુમાન જાણતા હતા કે ખૂબ ડાહ્યા અને શ્રેષ્ઠ કક્ષાના માણસો પણ આવા સંજોગોમાં તેમણે આપેલાં વચનોની ઉપેક્ષા કરતા હોય છે. તેમણે પૂરતા વિનયથી રાજાને સંબોધન કર્યું:
"આપના પૂર્વજોનું રાજ્ય આપે પાછું મેળવી લીધું છે અને તેના ઉપર પૂરો કાબૂ પ્રાપ્ત કર્યો છે. તેનો આનંદ આપ મેળવી રહ્યા છો. પણ હજી આપે કંઈક કરવાનું બાકી છે. તમારે તમારા સંલગ્ન સાથીઓને આપેલાં વચનો પૂરાં કરવાં જ પડશે. તેમ કરવાથી તમારી કીર્તિ વધુ ફેલાશે અને તમારું સામર્થ્ય વધુ મજબૂત થશે. પોતાના વ્યક્તિગત હેતુઓ અને સુખના ભોગે પણ, દરેક વ્યક્તિએ મિત્રોને આપેલાં વચન પૂરાં કરવાની જવાબદારી ઉઠાવવી જ જોઈએ. તો જ તે રાજાની સત્તા અને પ્રતિષ્ઠામાં વધારો કરે.
"આમ તો, આપેલા વચનની પરિપૂર્તિ નિર્ણીત સમયમર્યાદા પહેલાં થાય તે શ્રેષ્ઠ ગણાય. કોઈ પણ સંજોગોમાં તેનો વિલંબ ટાળવો જ જોઈએ. નિશ્ચિત સમયમર્યાદા વીત્યા પછી થયેલું વચનપાલન તો વ્યર્થ કરતાં પણ બદતર છે. વચન આપનારે, જે મિત્રોને વચન આપ્યાં હોય તેમણે જ તે વચનોની યાદ અપાવવી પડે — ત્યાં સુધી વચનપાલન કરવા માટે રાહ જોવાની કોઈ જરૂર હોતી નથી. મારા કહ્યા સિવાય પણ આપ આ બધું જાણો જ છો. રામે આપણે માટે શું કર્યું છે તે યાદ કરીને, આપણે પણ તેમને આપેલાં વચન પૂરાં કરવા જરૂરી પગલાં લેવાં જોઈએ. આમ કરવા માટે તેઓ આપણને આપણાં વચન યાદ અપાવે, ત્યાં સુધી રાહ જોવાની જરૂર નથી. વર્ષાઋતુ હવે પૂરી થઈ છે. હવે વધુ વિલંબ માટે કોઈ કારણ રહેતું નથી. સીતાજીની શોધની આપણી જવાબદારી હવે આપણે જરાપણ પાછી ઠેલી શકીએ નહીં. રામ ભલે અખૂટ ધૈર્ય ધરાવતા હોય, પણ તે હકીકત આપણા હવે પછીના કોઈ પણ વિલંબને ન્યાયી ઠરાવી શકે તેમ નથી. શું રામે આપના દુશ્મનનો તત્કાળ વધ નહોતો કર્યો? તેમ કરવામાં તેમણે સંકળાયેલાં જોખમ અને સંબંધિત દોષારોપણની દરકાર પણ કરી હતી? આપણે પણ આપણું વચનપાલન તેટલી જ ત્વરાથી કરવું જોઈએ."
આ રીતે મારુતિએ સુગ્રીવને સલાહ આપી. તેણે સલાહ સ્વીકારી અને હનુમાનનો આભાર માન્યો. સુગ્રીવે નીલને વાનરસેના સંગઠિત કરવાનો આદેશ આપ્યો. તેણે કહ્યું, "આખી દુનિયામાં ફરી વળો અને સીતાજીને અચૂકપણે શોધી કાઢો. આને માટે સૌથી શક્તિશાળી વાનરોને તાત્કાલિક આવીને વાનરસેનામાં જોડાવાનો આદેશ આપો. જે આમ નહીં કરી શકે, તેને તાત્કાલિક સજા આપો." આટલું કહીને સુગ્રીવ તરત પાછો રાણીવાસમાં જતો રહ્યો.
રામ અને લક્ષ્મણે ચોમાસું પૂરું થવાની અને સુગ્રીવે આપેલા વચનની પરિપૂર્તિની પ્રતીક્ષામાં તેમની ગુફામાં સમય ગાળ્યો. પણ જ્યારે વરસાદે વિદાય લીધી અને જંગલ તથા તેની સજીવસૃષ્ટિ નવાં સૌંદર્યથી ઝળકવા લાગી, ત્યારે રાક્ષસોના કબજામાં દુઃખ સહન કરતાં સીતાજીના વિચારથી રામ એકદમ શોકાતુર થઈ ગયા.
તે બોલ્યા, "દુનિયા જીવન અને આનંદથી ભરપૂર છે. પણ સીતા કોઈક જગ્યાએ દુઃખી છે. અને હું હજી સુધી કૃતઘ્ની વાનરરાજાની કૃપાની રાહ જોતો બેઠો છું. અફસોસ છે કે દંડકારણ્યમાં, તે જાણે મહેલનું ઉદ્યાન હોય તેવા આનંદથી સીતા ચાલ્યા કરતી હતી. પથરાળ જમીન કે રસ્તા ઉપરના કાંટાની સીતાને કોઈ ચિંતા નહોતી. અત્યારે તેની ઉપર કેવી યાતના વીતતી હશે? પણ આ રાજા દારૂના નશામાં અને તેની સ્ત્રીઓ સાથેના ભોગવિલાસમાં મને આપેલું વચન ભૂલી ગયો છે.
"લક્ષ્મણ! તરત કિષ્કિંધા જા અને આ નપાવટ રાજાને કહે: 'યાદ રાખજે! વધ કરાયેલો વાલી વિનાશના જે માર્ગે ગયો છે, તે માર્ગ હજી એકદમ ખુલ્લો છે. તેની પાછળ ન જા, પણ મને આપેલું તારું વચન પૂરું કર. જે કોઈ પોતાના ઉપર બીજાએ કરેલી કરુણાને ભૂલી જાય છે અને મિત્રોની ઉપેક્ષા કરે છે, તેનો વિનાશ રાહ જોઈને જ બેઠો હોય છે. રામનાં તીરથી ચેતી જજે. વર્ષાઋતુના ચાર મહિના પૂરા થઈ ગયા છે. રામને માટે આ ચાર મહિના ચાર યુગોની જેમ પસાર થયા છે, પણ ભોગવિલાસમાં ડૂબેલા તારે માટે તો તે ચાર ક્ષણોની જેમ પસાર થઈ ગયા છે! હવે વિલંબ કરીને તું રામનો રોષ અને તારો વિનાશ નોતરી રહ્યો છે.' જા લક્ષ્મણ, અને તેને આટલું કહી આવ."
રામનો, લક્ષ્મણ સાથે સુગ્રીવને પહોંચાડવાનો અધીરો અને ક્રોધિત સંદેશો આવો હતો.
પોતાના ભાઈની વેદના અને આક્રોશના ભારને વહન કરીને લક્ષ્મણ જવાની તૈયારીમાં હતા. ત્યાં વળી રામે વિચાર્યું. લક્ષ્મણના સ્વભાવને તેઓ જાણતા હતા, અને તેની ઉગ્રતાના જોખમનો રામને ભય હતો. એટલે એમણે લક્ષ્મણને પાછા બોલાવીને કહ્યું, "સુગ્રીવને મારી આ ફરિયાદ પહોંચાડવામાં તું ઉગ્ર થતો નહીં. તેના ગમે તેટલા દોષ હોય, તો પણ તે આપણો મિત્ર છે. તેના દોષ પ્રત્યે તેનું ધ્યાન દોરજે, પણ જરા પણ ઉગ્ર ન થતો."
લક્ષ્મણે સંમતિ આપી; પણ જેવા તે કિષ્કિંધાના નગરદ્વાર પાસે પહોંચ્યા, ત્યારે તેમને લાગ્યું કે પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવાનું અઘરું હતું.
પૂરેપૂરા શસ્ત્રસજ્જ લક્ષ્મણના ચહેરા ઉપરની ભયાનકતા જોઈને વાનર ચોકીદાર સાવચેત થઈ ગયો અને ગઢની સુરક્ષા કરવા તૈયાર થઈ ગયો. આને લીધે લક્ષ્મણનો ગુસ્સો વધુ તીવ્ર બન્યો.
કેટલાક વાનરો રાજમહેલમાં દોડી ગયા અને સુગ્રીવને માહિતી આપી: "આક્રોશથી ભરેલા લક્ષ્મણ અત્યારે અહીં આવી રહ્યા છે. અમે તેમને રોકી શક્યા નથી."
પણ વાનરરાજા તો નશામાં મહિલાઓથી ઘેરાયેલો હતો, અને એણે આ સંદેશાને ધ્યાનમાં લીધો નહીં. રાજાના સેવકોએ નગરદ્વારના પહેરેદારને, મક્કમ બની કોઈને પણ પ્રવેશ કરવા ન દેવાનો આદેશ આપ્યો. લક્ષ્મણનો ગુસ્સો હવે ખરેખર બેકાબૂ બનતો જતો હતો. તે તો બળજબરીથી પ્રવેશ કરી ગયા. ત્યાં તેમણે અંગદને જોયો. અંગદનું યૌવન અને દુર્ભાગ્યનો વિચાર આવતાં લક્ષ્મણનો પુણ્યપ્રકોપ થોડોક ઢીલો પડ્યો. તેમણે કહ્યું, "બેટા, જા અને વાનરરાજાને કહે કે રાજમહેલના દરવાજે લક્ષ્મણ, તેમના દુઃખી ભાઈ વતી એમની મુલાકાત માટે રાહ જોઈ રહ્યા છે."
તદનુસાર અંગદ રાજાના મહેલમાં ગયો અને તેમને લક્ષ્મણની મુલાકાતની વાત કરી. પણ સુગ્રીવ કંઈ પણ સમજવાની પરિસ્થિતિમાં ન હતો. અંગદે આ જોયું અને મંત્રીઓ સાથે મંત્રણા કરી કે હવે શું કરવું જોઈએ. હનુમાન અને બીજા કેટલાક સાથી મંત્રીઓએ સલૂકાઈથી સુગ્રીવને, જે બન્યું હતું તેની વિગત સમજાવી; એટલે અંતે તે ઘેનના નશામાંથી જાગૃત થયો.
સુગ્રીવે કહ્યું, "મારો કોઈ વાંક નથી. છે? મારા મિત્રો રામ અને લક્ષ્મણ મારા ઉપર શા માટે ગુસ્સે થયા હોય? કોક દુશ્મને જ વાતો ફેલાવીને તેમને મારી સામે ઉશ્કેર્યા લાગે છે."
હનુમાને ઉત્તર આપ્યો: "મહારાજ, આ વાતો મારે કહેવી જોઈએ, એટલે હું કહું છું. એમ કરવું મારી ફરજ છે. મારા ઉપર ગુસ્સે ન થતા. રામને આપેલાં આપણાં વચન પૂરાં કરવામાં આપણે ઢીલ કરી છે. રામની વેદનાને આપણે ભૂલી ગયા છીએ. મોડું થયું છે, તો પણ એટલું બધું નહીં. એટલે જ હવે પૂરી ઝડપથી આપણે જે કરવું જોઈએ તે કરીએ. આપણે લક્ષ્મણ પાસેથી ક્ષમા માગીએ, અને હવે કોઈ વિલંબ વગર રામને આપેલાં વચન પૂરાં કરવાનાં પગલાં લઈએ."
પછી સુગ્રીવે લક્ષ્મણને મળવાની સંમતિ આપી.
વાનરનગરમાં પ્રવેશ્યા પછી લક્ષ્મણને નગરના સૌંદર્ય અને કિષ્કિંધાની સંસ્કૃતિથી આશ્ચર્ય થયું. સુંદર શેરીઓમાંથી પસાર થયા પછી તે રાજાના મહેલની બહાર આવ્યા. અંદરથી આવતા નૃત્ય અને ગીતોના ઉન્માદને સાંભળીને તેમને ખ્યાલ આવ્યો કે વાનરો તેમનું વચન ભૂલી ગયા છે અને મોજશોખમાં ડૂબેલા છે. લક્ષ્મણે તેમના ગુસ્સાને માંડ માંડ કાબૂમાં રાખ્યો. તો પણ રાણીવાસમાં પ્રવેશતાં તે અચકાયા. બહારના એક ખૂણામાં ઊભીને તેમણે ધનુષ્યનો ટંકાર કર્યો. તેના નાદથી આખી કિષ્કિંધા ભયથી ધ્રૂજી ઊઠી. આ સાંભળીને સુગ્રીવને લાગ્યું કે રાજકુમાર ખરેખર ગુસ્સામાં લાગે છે. જોખમને પારખીને તેણે તારાને જવાનું અને રાજકુમારને શાંત પાડવાનું જણાવ્યું. "લક્ષ્મણ જેવા શૂરવીર જ્યારે કોઈ સન્નારી સાથે વાત કરે, ત્યારે એમના ગુસ્સામાં સ્વાભાવિક ઓટ આવી શકે, અને તેમને માટે ગુસ્સો કરવાનું અશક્ય બની જાય," કેફની અસર નીચે પણ વ્યવહારુ બુદ્ધિ ધરાવતા રાજાએ કહ્યું.
તારા લક્ષ્મણને મળવા ગયાં. પોતાની પ્રતિભા, દુન્યવી સમજણ અને વાક્ચાતુર્યમાં તારા અજોડ હતી. તેણે લક્ષ્મણને કહ્યું: "લાંબા સમય સુધી ગરીબી અને ત્રાસદાયક ભાગદોડ સહન કર્યા પછી, આપે તેમને અપાવેલ આનંદ અને સમૃદ્ધિને સુગ્રીવ ભોગવી રહ્યા છે. આ ભોગવિલાસે તેમની બુદ્ધિ ઉપર પકડ જમાવી છે અને તેઓ ભાન ભૂલી ગયા છે. તેમની ત્રુટિ હું જાણું છું, પણ આપ તેમને ક્ષમા આપજો. અતિ ઉચ્ચ આત્માવાળા મહાપુરુષો સામાન્ય સ્વભાવની અપૂર્ણતા અને ક્ષતિઓ જાણતા હોય છે; એટલે જ તેમણે તેમના ધિક્કારને કરુણાપૂર્વક ઓછો કરવો જોઈએ. એટલે રાજા સુગ્રીવના શારીરિક પ્રલોભનોને શરણે થવા અંગે આપ બહુ કઠોર નિષ્કર્ષ પર ન આવતા — ખાસ તો એટલા માટે, કે તેમણે બહુ મુશ્કેલીઓ અને વેદના સહન કરેલ છે. પણ હું તમને ખાતરી આપું છું કે આપની કૃતજ્ઞતા અને આપનું ઋણ ચૂકવવાના પોતાના ધર્મને તે જરાય ભૂલ્યા નથી. વાનરસેનાના શૂરવીરોને બધી દિશાઓમાંથી એકત્ર કરવાનો આદેશ તેમણે આપી દીધેલ જ છે. એક-બે દિવસમાં તેઓ બધા અહીં એકત્ર થશે. ત્યાર પછી સીતાજીની શોધ અને રાવણ સામેનું યુદ્ધ શરૂ થશે. કોઈ શંકા આપ રાખતા નહીં. હવે આપને અંદર આવીને રાજાને મળવાની વિનંતી કરું છું."
હવે લક્ષ્મણનો ગુસ્સો ઓગળી ગયો હતો. તેમણે આવાસમાં પ્રવેશ કર્યો. પોતાના આસન ઉપરથી ઊભા થઈને સુગ્રીવે લક્ષ્મણનું સ્વાગત કર્યું.
તેણે કહ્યું, "મારી ઊણપોને માફ કરજો. રામની મૈત્રીથી અને સહાયથી આજે હું રાજા છું. મહાપ્રતાપી અને પુણ્યપુરુષ એવા રામનો હું કેવો ઋણી છું, તે હું ક્યારેય કેવી રીતે ભૂલી શકું? મારી કોઈ પણ મદદ વગર તેઓ તેમના દુશ્મનોનો નાશ કરી શકે તેમ છે. હું તો મારી સેના સાથે ફક્ત તેમને અનુસરી શકું, એવું જ છે. બસ, આટલું પૂરતું છે. રાવણનો નાશ ચોક્કસ થવાનો છે. સીતાજીની શોધ હવે તરત જ શરૂ થશે. આટલા વિલંબ માટે ક્ષમા કરજો. હું તેનો અપરાધી છું."
લક્ષ્મણ રાજી થયા. તેમણે કહ્યું, "સન્માન અને પ્રભુત્વની બાબતમાં રામ આપના સમકક્ષ છે, બીજું કોઈ નહીં. આપ મારી સાથે ઋષ્યમૂક આવો અને તેમના દુઃખમાં સધિયારો આપતા શબ્દો કહો."
સુગ્રીવ અને લક્ષ્મણ પાલખીમાં બેસીને રામ પાસે ગયા, અને જે તૈયારી થઈ ચૂકી હતી તેની રામને સમજૂતી આપી. રામને તેનો સંતોષ થયો.
રામે આનંદપૂર્વક કહ્યું: "તમે ખરેખર સાચા મિત્ર છો. વરસાદ આપતાં વાદળાંની જેમ, અંધકારનો નાશ કરતા સૂર્યની જેમ, અને માનવહૃદયોને પ્રફુલ્લિત કરનાર ચંદ્રની જેમ, કોઈ સાચો મિત્ર સ્વયંસ્ફૂરિત થઈને જ બીજાની મદદમાં આવતો હોય છે. મારી મૈત્રીનો મને ઘણો આનંદ છે. હવે રાવણ અને તેની જાતિનો વિનાશ નિશ્ચિત છે."
રામ હજી પોતાનો આનંદ અને આભાર વ્યક્ત કરતા હતા, ત્યાં તો પોતપોતાના નિશ્ચિત નેતાઓની રાહબરીમાં વાનરોનો મહેરામણ આવ્યો અને ગોઠવાઈ ગયો. તે બધા જુદાં જુદાં વનો, પર્વતો અને દરિયાકાંઠાના વિસ્તારમાંથી આવતા હતા. તેમણે ઉડાડેલી ધૂળથી આકાશ છવાઈ ગયું હતું. લાખો વાંદરાઓ અને રીંછોના અનેકવિધ આકારો અને રંગો તેમનામાં સમાયેલા હતા.
સુગ્રીવે આ વિશાળ સેનાને સંબોધન કર્યું અને તેમને પોતપોતાના નિશ્ચિત પડાવ અંગેની માહિતી આપી. પછીથી તેમણે આ સેનાને આઠ વિભાગમાં વહેંચી, અને દરેકને તેના નિયામક સેનાનીની નીચે સીતાજીની સચોટ શોધ કરવા આઠેય દિશામાં મોકલી.
એક મુદ્દો અહીં નોંધવા જેવો છે. તમિલ કવિ કંબન તારાને શિસ્ત અને કઠોર જીવનશૈલી પાળતી પવિત્ર વિધવા તરીકે વર્ણવે છે. વાલ્મીકિમાં આ જુદું છે. તે તારાને પણ બીજી સ્ત્રીઓ સાથે — ખાસ તો સિંહાસનના અધિકારના ભાગરૂપે સુગ્રીવને પ્રાપ્ત થયેલા વારસાના અંગરૂપ — માને છે. સુગ્રીવ જ્યારે કામવાસનામાં ડૂબી જઈને રામ પ્રત્યેની એની ફરજ ભૂલી ગયેલો, ત્યારે તારા પણ આ ભોગવિલાસમાં સહભાગી હતી; અને પોતાના સ્વામીના આદેશરૂપે જ્યારે લક્ષ્મણના ગુસ્સાને કાબૂમાં લેવા તે બહાર આવી, ત્યારે દારૂની અસર નીચે તે પોતે પણ અસ્થિર અને અનિયંત્રિત હોવાનું વર્ણન થયું છે.
પૌરાણિક કાળમાં જ્યારે મોટો ભાઈ પત્નીને એકલી મૂકીને અવસાન પામતો, ત્યારે રાજકુટુંબોમાં અને બીજાં ખાનદાન કુટુંબોમાં નાના ભાઈને, તે વિધવાને પત્ની તરીકે સ્વીકારવાની અને તેની રક્ષા કરવાની જવાબદારી સોંપાતી. એક યુગના લોકો માટે બીજા યુગની પ્રણાલિકાઓને ચકાસવાનું અઘરું છે. આપણે જેનાથી પરિચિત ન હોઈએ તેવી પ્રણાલીઓની ગુણવત્તા કે ત્રુટિઓનું સાચું આકલન કરવા માટે, કલ્પનાશક્તિ અને મનની પૂરી લવચીકતા ખૂબ જરૂરી છે.
