કિષ્કિંધામાં એક બાણાવળીએ વાલીનો વધ કર્યાના સમાચાર આવ્યા, ત્યારે ત્યાં અફડાતફડીનો માહોલ સર્જાયો અને વાનરો નિઃસહાય અંધાધૂંધીમાં ચારે બાજુ ભાગવા માંડ્યા. આ જોઈને તારાએ પોતાના વિષાદને કાબૂમાં રાખીને, એક રાણીની હેસિયતથી તેના પતિના પ્રજાજનોમાં હિંમત પ્રેરતાં કહ્યું: "આજ સુધી યુદ્ધમાં તમે તમારા રાજાની આગળ કૂચ કરતા હતા. તો હવે તમે ભયથી શા માટે ભાગાભાગી કરો છો? તમારા ઉપર કોઈ જોખમ નથી. રામે વાલીનો વધ માત્ર સુગ્રીવને રાજા બનાવવા માટે જ કર્યો છે. તમારા જીવનમાં કોઈ ભય નથી; તમારે તો માત્ર નવા રાજા જ આવશે — બસ, આટલું જ. તમારે ભાગવાની કે ભયભીત થવાની કોઈ જરૂર નથી."
વાલીનો મૃતદેહ જ્યાં પડ્યો હતો તે જગ્યાએ જવાની તારાએ કોશિશ કરી, ત્યારે વાનરોએ તેમને અટકાવતાં કહ્યું, "અમે અંગદને રાજા બનાવીશું અને આપણા નગરકોટને સુરક્ષિત રાખીશું. સુગ્રીવ અને તેના સાથીઓ સામે અમે નગરનું સંરક્ષણ કરીશું."
પણ રાણીએ કહ્યું: "હવે મારા સ્વામી મૃત્યુ પામ્યા છે. હવે કોઈ વસ્તુનું મહત્ત્વ નથી." આમ કહીને તે મક્કમતાથી સીધી, રામ અને લક્ષ્મણ જ્યાં ઊભા હતા ત્યાં પહોંચી.
પોતાના પતિને જીવલેણ જખ્મોથી મૃત્યુ પામેલા જોઈને તે જાત ઉપરનો કાબૂ ગુમાવી બેઠી અને દુઃખી હાલતમાં ડૂસકાં ભરતી કલ્પાંત કરવા લાગી.
"અરે, મારા શૂરવીર!" જખ્મી વાલીને આલિંગન આપતાં અશ્રુ સારતી તે બોલી. "કેટલા બધા શૂરવીરોને તમે ભોંયભેગા કર્યા છે! અને હવે તમે પોતે ધરાશાયી થયા છો! અને મને અહીં એકલી છોડી ગયા છો!"
એટલામાં તરત જ વાલીનો પુત્ર અંગદ ત્યાં આવ્યો. આ દૃશ્ય જોઈને સુગ્રીવનું મન પશ્ચાત્તાપના વિચારોથી ઊભરાયું. તેને લાગ્યું કે આ હોનારત માટે તે પોતે જ જવાબદાર હતો. તેનો પસ્તાવો હૃદયસ્પર્શી હતો, તેમાં કોઈ શંકા નથી; કારણ કે પ્રતિશોધ — ખાસ કરીને ભૂતકાળમાં જેની સાથે મૈત્રીપૂર્વકના સંબંધો હોય તેમના ઉપરનો પ્રતિશોધ — કટુતા અને દુઃખ સિવાય બીજા કશામાં પરિણમતો નથી. અને વિજય મેળવ્યાની ક્ષણિક લાગણી, જીવનની રુચિને ભસ્મસાત્ કરી દે છે. લાલસા અને ક્રોધથી સર્જાયેલી આવી દ્વિધાને આપણામાંના કેટલા લોકો આત્મસાત્ કરી શકે છે!
તારા જમીન ઉપર પડી ગઈ અને કલ્પાંત કરવા લાગી: "આપણા લાડકા અંગદને અનાથ, અને મને એક નિઃસહાય ગરીબ નારીરૂપે એકલા મૂકીને, તમે તો — જ્યાંથી કોઈ પાછું ફરી શકે નહીં એવી — યાત્રાએ ઊપડી ગયા છો. મારા નાથ! મારા ભડવીર!"
હનુમાને તેને આશ્વાસન આપતાં કહ્યું: "મૃતાત્માઓ સ્વર્ગમાં તેમના નિયત સ્થાને પહોંચતા હોય છે. તો વાલી માટે શોક શા માટે કરો છો? યોગ્ય સમયે અંગદનો રાજ્યાભિષેક થશે અને પછી આપણે બધા સુખના દિવસો પામીશું. અંગદની કાળજી લેવી એ આપણી ફરજ છે. હવે અત્યારે તો આપણે વાલીની અંત્યેષ્ટિ ક્રિયાઓનો વિચાર કરવો જોઈએ."
"મને કોઈની પડી નથી," તારા બોલી. "અંત્યેષ્ટિ ક્રિયા અને અંગદના ઉછેરની જવાબદારી સુગ્રીવની છે. મારે હવે અહીં શું કરવાનું છે? મારી આંખોમાં મારા પતિની બરોબરી કરી શકે એવા એક હજાર અંગદો થઈ શકવાના છે? હું તો તેમની સાથે જ યમસદનમાં પ્રવેશ કરીશ. તો જ મને સંતોષ થશે."
અત્યાર સુધી બેશુદ્ધ વાલીએ છેલ્લી વાર તેની આંખો ઉઘાડી અને સુગ્રીવને સંબોધીને કહ્યું: "ભાઈ, આપણે બંને મિત્રો બનીને રાજ્ય ઉપર આનંદથી શાસન કરી શક્યા હોત; પણ શાણા અને સુખી થવાનું આપણા ભાગ્યમાં નહોતું. તેને માટે તારા કરતાં મારો દોષ વધુ હતો, પણ હવે અત્યારે એ વાત કરવાનો શો અર્થ છે? હવે પછીથી તું રાજ્ય ઉપર શાસન કરીશ. મારા અને તારા માટે અમારા જીવથી પણ વહાલા એવા અમારા પુત્ર અંગદને હું તારે શરણે સોંપું છું. યોદ્ધા તરીકે તે કૌશલ્યમાં તારા જેવો જ કાબેલ છે. તું તેનો પિતાતુલ્ય બનીને પ્રેમપૂર્વક તેનું ધ્યાન રાખજે. મારી ફક્ત આ એક જ વિનંતી તને કરું છું.
"અને તારાની પણ સંભાળ લેજે. તે મારી પ્રેમાળ અને નિષ્કલંક પત્ની હતી એટલું જ નહીં, પણ તે મારી બહુ જ શાણી અને દૂરંદેશી સલાહકાર પણ છે. તે જે કાંઈ આગાહી કરે છે, તે અચૂક રીતે બને છે. તું પણ, કોઈ પણ બાબતમાં તેની સલાહની ઉપેક્ષા કરતો નહીં. અને ઇન્દ્રે મને આપેલો હાર પણ લે. તેની સાથે હારની બધી ગુપ્ત શક્તિઓ પણ તને મળશે. મારું જીવન પૂરું થયું છે. તેની સાથે મારો અણગમો પણ પૂરો થાય છે. ભગવાન તને સુખી રાખે!" આ રીતે ઉદારમતવાળા વાલીએ તેના ભાઈ સુગ્રીવને આશીર્વાદ આપ્યા.
તેણે અંગદને પણ સારી સલાહ આપી: "હવે સુગ્રીવ તારો નવો રાજા છે. તેને વફાદાર રહેજે અને તેને ધીરજ રાખીને પ્રેમાળ સેવા આપજે."
પુષ્પગુચ્છોવાળી કોઈ વેલી, વનનાં વૃક્ષને વળગેલી હાલતમાં કુહાડીના ઘાથી જમીનદોસ્ત થાય, તેમ તારા વાલીને વળગીને ધરાશાયી થઈ.
લક્ષ્મણે બને એટલી કોમળતાથી વાલીની છાતીમાં ઘૂસેલું તીર બહાર કાઢ્યું.
તે ઘાવમાંથી નીકળતા લોહીનું ખાબોચિયું બની ગયું. વાલીના શરીરમાંથી જીવે વિદાય લીધી. તારા કરુણ કલ્પાંત કરવા લાગી. "હવે અંતિમ સમયે તારા પિતાને પ્રણામ કરી લે," તેણે અંગદને ભાંગેલા હૃદયના શબ્દોમાં સલાહ આપી. "અરે મારા નાથ! તમારો લાડકો પુત્ર તમને પ્રણામ કરે છે. તમે એને એક શબ્દ પણ નહીં કહો? અરેરે! હું તો હવે વિધવા છું અને તે અનાથ છે."
આ બધું જોઈને સુગ્રીવનું હૃદય ભરાઈ આવ્યું. તેણે પોતાની જાતને કહ્યું: "લાલસાના સકંજામાં મેં ગુફાનો પ્રવેશ બંધ કર્યો અને વાલીને ત્યાં એકલો મૂક્યો. મેં તેની સંપત્તિ ઝૂંટવી અને આનંદથી ભોગવી. હું કેવો મોટો પાપી છું!"
એમ હોઈ શકે કે પસ્તાવાના ભરાવાથી સુગ્રીવે પોતાની જાતને ખોટી રીતે અપરાધી માની હોય; પણ એ પણ એટલું જ સાચું છે, કે આપણી સભાનતા ન હોય ત્યારે લાલસા આપણા મનને ભ્રષ્ટ કરે છે અને આપણને ખોટાં કૃત્યો તરફ દોરી જઈને પાપમાં સંડોવી નાખે છે. સુગ્રીવને લાગતું હતું કે કામનાએ અજાણપણે તેને અંધ કરી દીધો હતો અને તેને છેતર્યો હતો.
સંસ્કૃતમાં 'કામ'નો અર્થ લાલસા, લોભ અને દરેક પ્રકારની ઇચ્છા એવો થાય છે. કામ માણસનો આંતરિક શત્રુ છે. તેનો નાશ તેણે કરવો જ જોઈએ. ગીતાના ત્રીજા અધ્યાયના છેલ્લા સાત શ્લોકોમાં આની જ શિક્ષા આપી છે. શ્રીકૃષ્ણ તેમની વિશદ ચર્ચાનું સમાપન આ શબ્દોથી કરે છે:
જહિ શત્રું કામરૂપં દુરાસદમ્ ।
લાલસાએ જો સુગ્રીવના મનને ભ્રષ્ટ કર્યું હતું, તો ક્રોધે વાલીનું મન ભ્રષ્ટ કર્યું હતું. વાલીએ જ્યારે જોયું કે સુગ્રીવે ગુફાના પ્રવેશદ્વારને બંધ કરી દીધું હતું અને તેને પોતાને ગુફામાં પૂરી દીધો હતો, ત્યારે તેને ખાતરી થઈ ગયેલી કે રાક્ષસનો પીછો કરવામાં તેની સાથે આવેલો સુગ્રીવ, સાચા ભાઈ તરીકે નહીં પણ કોઈ વિશ્વાસઘાતી હેતુથી જ આવ્યો હતો. તે એવા નિષ્કર્ષ ઉપર હતો કે સુગ્રીવે રાક્ષસને પોતાનો ભોગ આપીને તેની સત્તા છીનવી લેવાનું આયોજન કર્યું હતું.
વાલી પોતાના જ નિરંકુશ ક્રોધનો ભોગ બન્યો હતો. તેણે પોતાના સગા ભાઈને જ કલંકિત કરીને હાંકી કાઢ્યો હતો અને પોતાના ગુસ્સાને છાવર્યો હતો. સંસ્કૃતમાં જેને ક્રોધ કહે છે, તેણે વાલીને પાપ કરવા ઉશ્કેર્યો હતો.
ખરેખર કામ અને ક્રોધ, બધાં પાપનાં અંતિમ કારણો છે. જો આપણે આ બે દુશ્મનો સામે આપણા હૃદયને સુરક્ષિત રાખી શકીએ અને તેમને પ્રવેશવા ન દઈએ, તો આપણે પાપ કરવામાંથી મુક્ત રહી શકીએ.
સુગ્રીવે પસ્તાવો કર્યો: "મારું પાપ ઘણું મોટું હતું, તો પણ તેણે મારી હત્યા ન કરી. તેણે મને ભગાડી મૂક્યો અને જીવતો રાખ્યો — બસ, આટલું જ. જ્યારે મેં તો તેની હત્યા કરવાનું કાવતરું કર્યું અને સફળ થયો. મારા જેવો જગતમાં બીજો કોઈ પાપી નહીં હોય. આમ છતાં તેણે તેના આખરી શ્વાસોમાં તેનું રાજ્ય શાસન કરવા મને આપ્યું; વળી ઇન્દ્રની ભેટ — શક્તિશાળી હાર — પણ મને આપ્યો. ખરેખર તે ઘણો ખાનદાન સ્વભાવનો હતો. હજી હું આ પાશવી જીવનને શા માટે વળગી રહ્યો છું! હું જ મારા શૂરવીર ભાઈના મૃત્યુનું કારણ છું!"
જે લોકો આપણી પ્રાચીન ધાર્મિક પ્રણાલિકા પાળતા હોય છે તેઓ — ભલે વર્ષમાં એકાદ વાર — પ્રાર્થનાના આ શબ્દોનો પાઠ કરતા હોય છે: 'કામોકાર્ષીત્ મન્યુરકાર્ષીત્.' એટલે કે, "કામનાએ મને પાપ કરવા આકર્ષ્યો; ક્રોધે મને પાપ કરવા આકર્ષ્યો." નમ્રતા અને ધીરજ સાથે આ પાઠ અવારનવાર કરતાં રહીને તે લોકો પોતાના હૃદયનું શુદ્ધીકરણ કરતા હોય છે. આ ક્રિયા બધાએ અનુસરવી જોઈએ, જેથી પશ્ચાત્તાપ દ્વારા હૃદય શુદ્ધ થાય અને તેને પરમાત્માને અર્પણ કરી શકાય.
કામોકાર્ષીત્ મન્યુરકાર્ષીત્ નારાયણાય નમઃ ।
ભય અને સંકોચ સાથે રામ ધીમેથી કલ્પાંત કરતી તારા પાસે ગયા. પણ તેના ચહેરા ઉપર ગુસ્સાનો કોઈ અણસાર નહોતો. જે શબ્દો તેણે પોતાના પતિના હત્યારાને સંબોધીને કહ્યા, તે એક શૂરવીરની પત્નીને ગૌરવ આપે તેવા હતા: "હે યોદ્ધા! જે હથિયારથી તમે મારા પતિની હત્યા કરી, તેનાથી જ મારી પણ હત્યા કરો, જેથી હું તેમને સંગાથ આપી શકું. સ્વર્ગમાં પણ તે મારા વગર સુખ નહીં પામે. આમ કરવું પાપ છે એવો ભય ન રાખતા. આમ કરવું તો, એક પતિ અને પત્નીને સંલગ્ન રાખવાનું મોટી ગુણવત્તા ધરાવતું કૃત્ય છે. તેમ કરવાથી મારા પતિની જઘન્ય હત્યાનું તમારું પાપ ધોવાઈ જશે."
આ તબક્કે વાલ્મીકિ કહે છે કે રામના અવતારનું સત્ય તારા જાણતી હતી અને તેમાં વિષ્ણુને જોતી હતી. પરંપરાગત માન્યતા એવી છે કે લક્ષ્મણનાં માતા સુમિત્રાની જેમ, વાલીની પત્ની તારા પણ જ્ઞાની અને સત્યને જાણનારી હતી. એમ કહેવાય છે કે ભલે શરૂઆતમાં રામનાં છળકપટને લીધે તે તેમને ધિક્કારતી હતી, છતાં તેણે જ્યારે તેમને સામે જ ઊભેલા જોયા, ત્યારે તેમની દિવ્યતા જોઈ.
જે લોકો રામાયણને એકમાત્ર કથા તરીકે જ વાંચતા હોય, તેમને આવું બધું ક્ષુલ્લક લાગે. પણ ભક્તિમાર્ગના ઉપાસકોને આવું બધું અસંભવિત નહીં લાગે. આ તકે તુલસીદાસ ગાય છે કે શિવજી પાર્વતીને સમજાવતાં કહે છે: "ઉમા! જુઓ, પરમ પુરુષ રામ બધાં પ્રાણીઓને દોરીથી બંધાયેલાં પૂતળાંની જેમ ફેરવ્યા કરે છે!" આપણાં પૌરાણિક શાસ્ત્રોના યથાર્થને પૂરી રીતે પ્રાપ્ત કરવા માટે ભક્તિની બહુ મોટી જરૂર છે.
બૌદ્ધિક કક્ષાએ પણ તારા એક રાજનીતિજ્ઞ અને કુશળ પ્રશાસક તરીકે ઊભરે છે. ભાવિમાં આવનારા પ્રસંગોનું પૂરું સંજ્ઞાન તેને હતું. પણ જે બન્યું તે બનવાનું જ હતું. સુગ્રીવના સદ્ભાગ્યે અને તેની પરિસ્થિતિએ, રામ સાથેની તેની મૈત્રી સુદૃઢ કરી હતી. વાલી તો હવે નહોતો. હવે તો તારા માટે અંગદનું યોગક્ષેમ મહત્ત્વનું હોવાથી, તેના ભવિષ્યની સંભાળ લેવાનું જ તેનું લક્ષ્ય હતું. રામ અને લક્ષ્મણ હાથમાં ધનુષ્ય સાથે સુગ્રીવને સહાય કરવાની પરિસ્થિતિમાં હોય, ત્યારે અંગદ માટે સુગ્રીવ સાથે દુશ્મની કરવાનું પરવડે એમ હતું? આનો એકમાત્ર સંકેત યુદ્ધનો નહીં, પણ શાંતિનો હતો.
એટલે જ, પોતાના ગુસ્સાને રામથી છુપાવીને અને નિયતિનિર્મિત પ્રસંગોને શરણે થવાનો ધીરજભર્યો દેખાવ કરવામાં, તારા અંગદ માટે શ્રેષ્ઠ હેતુ પ્રાપ્ત કરવાનો અને તેને માટે બધાની કરુણા અને સહાનુભૂતિ જીતવાનો જ પ્રયત્ન કરતી હતી.
વાલીની અંત્યેષ્ટિ પૂરા સન્માન અને વિધિપૂર્વક કરવામાં આવી. મંગલસ્નાન કરાવ્યા પછી સુગ્રીવને રાજા તરીકે અને અંગદને યુવરાજ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.
