સાંજ ઢળતી હતી. ફરી એકવાર સુગ્રીવે કિષ્કિંધાના નગરદ્વાર પાસે ગર્જના કરી અને વાલીને યુદ્ધ માટે પડકાર કર્યો.
વાલી ત્યારે સુખેથી આરામ કરી રહ્યો હતો. એક ક્ષણ તે આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે ગૂંચવણભરી મૂંઝવણ અનુભવી, પણ તરત તે આક્રોશથી અભિભૂત થઈ ગયો અને ધરતી ફાટી પડે એટલી શક્તિથી કૂદી પડ્યો.
તેની રાણી તારાના હૃદયમાં પ્રેમયુક્ત ભય છવાઈ ગયો. તેણે પોતાના બાહુથી વાલીને દૃઢ આલિંગન આપ્યું અને પોતાની લાગણીશીલ સલાહથી તેની આક્રમકતાને નિયંત્રણમાં રાખવાનો પ્રયત્ન કર્યો.
"પ્રાણનાથ, જેમ કોઈ વપરાયેલા હારને ઉતારી નાખે, તેમ આપના આક્રોશને દૂર કરો, કારણ કે આજે આપે બહુ યુદ્ધ કર્યું છે. હવેની લડાઈ માટે આવતીકાલ પણ એવી જ સારી જશે, કેમ કે આપને દુશ્મનોની કે શૌર્યની ખોટ નથી. ક્ષણિકતાના આવેગ સાથે અત્યારે આપ ધસી ન જાઓ, તેવી મારી પ્રાર્થના છે. મને એમ લાગે છે કે અત્યારે જ આપના ભાઈનો ભેટો કરતાં પહેલાં આપે શાંતિથી વિચારણા કરવી જોઈએ. મને એમ ભય છે કે આમાં કંઈક ઊંડી ચાલ છે. આપનો ભાઈ નાલેશીપૂર્વક હાર્યો, અને પોતાનું વહાલું જીવન બચાવવા ભાગ્યો, અને સુરક્ષામાં પોતાની જાતને સંતાડી દીધી. હવે તે પાછો આવે છે અને શોરબકોર કરે છે. આપે તેને આપેલી સજા પછી પાછો આટલો વહેલો તમને ફરી પડકારવા આવે, એવો તમારો ભાઈ મૂર્ખ નથી — સિવાય કે કોઈ માન્યતાપ્રાપ્ત સામર્થ્યવાળા અજેય સાથીદાર તરફથી તેને મદદ અને સુરક્ષાની ખાતરી મળી હોય! તમે એ ન જોયું, કે આજના તેના પડકારની ગર્જનામાં આત્મવિશ્વાસનો એક નવો સૂર દેખાતો હતો?
"અંગદ પાસેથી મેં જે જાણ્યું છે, તે હું તમને કહું છું. અંગદને, વનોમાં ફરતા સુરક્ષા-ચોકીદારો તરફથી આવું જાણવા મળ્યું છે: અયોધ્યાથી આવેલા રામ અને લક્ષ્મણ નામના અપ્રતિમ મહાવીરો પાસેથી સુગ્રીવે પૂરતી સહાયતાનું વચન મેળવી લીધું છે. આમ જોઈએ તો, સ્વામીનાથ, આપનો ભાઈ પણ શૂરવીર અને સદ્ગુણી છે. આપે તેને શા માટે ધિક્કારવો જોઈએ? આખી દુનિયામાં આપણી સૌની નિકટ બીજું કોણ છે? એ તમારો વિશ્વાસુ સેવક અને મજબૂત સહાયક થઈ શકે એમ છે. ભૂતકાળને ભૂલીને તેની સાથે સમજૂતી કરી લેવી, એ જ શ્રેષ્ઠ રસ્તો છે. પ્રાણનાથ! મારા આ શબ્દો આપના ધ્યાનમાં લેજો!"
વાલીને આ સૂચન રુચિકર ન લાગ્યું. તેની બુદ્ધિ ઉપર ગુસ્સાનું વાદળ છવાયેલું હતું. મૃત્યુના ફાંસલામાં જકડાયેલા અને ઢસડાતા વાલીને બૌદ્ધિકતાની અસર ન થઈ. તે તો પોતાના નિશ્ચય ઉપર વધુ અડગ હતો.
તારા નામનો અર્થ જ આકાશનો 'તારો' એવો થાય છે. આ તારા પણ તેજસ્વી અને સુંદર હતી. જોકે તેનું બોલવું વ્યર્થ ગયું હતું.
"તું કેવી વાત કરે છે?" વાલી બોલ્યો. "મારા આ દુશ્મન ભાઈની ગાજતી હાકલ હું શાંતિથી સાંભળ્યા કરું? કોઈ દુશ્મન યુદ્ધની હાકલ કરે તો યોદ્ધાએ પાછીપાની કરવી? આવી નામર્દાઈ કરતાં તો મૃત્યુ વધુ સારું ગણાય. રામ અંગે તું ચિંતા ન કર. એ ધર્મના જાણકાર છે. તેમના ઉછેરમાં જ પાપનો ભય સમાયેલો છે. અરે, તું હવે મને મારા ઉપર જ છોડી દે. સમજી ને! હું તને એટલું કહીશ કે હું સુગ્રીવને મારી નહીં નાખું. એટલું જ, કે હું તે મહત્ત્વાકાંક્ષી માણસને એવો પાઠ ભણાવીશ કે જેને તે ભૂલી શકશે નહીં. પછી હું તેને જવા દઈશ. તને પાછું કહું છું, મને જવા દે. મારા માટેના તારા સંપૂર્ણ પ્રેમને લીધે તેં મને જે કહ્યું, તે ઠીક છે. પણ હું સુગ્રીવને સીધો કરીશ અને પાછો મોકલી દઈશ. અને હમણાં જ વિજયી થઈને પાછો આવીશ. મારી ચિંતા ન કરતી."
આમ વાલ્મીકિ વાલીમાં તેનું શૌર્ય, નિર્ભય અને ઉત્કંઠિત બહાદુરી તથા ઋજુતા ચિત્રિત કરે છે. એ ખરું કે વાલ્મીકિના નાયકે વાનરોના રાજાનો વધ કરવો પડે છે, પણ તે તો મહાકાવ્યની એક જરૂરિયાત છે. અલબત્ત, વધ થયેલો યોદ્ધો એક ઉદાત્ત રાજવી હતો અને વાચકોની પ્રશંસા તેમજ અશ્રુઓનો હક્કદાર હતો.
અશ્રુભીની આંખે તારાએ વાલીની પ્રદક્ષિણા કરી, અને તેના વિજયની પ્રાર્થના સાથે પોતાના રાણીવાસમાં પાછી ફરી. તેના મનમાં બહુ ગંભીર ભયાનકતા છવાયેલી હતી. તારા અને તેની દાસીઓને છોડીને વાલી તેના ગઢમાંથી ફૂંફાડા મારતા નાગની જેમ બહાર નીકળ્યો અને સુગ્રીવ તરફ ગયો.
સુગ્રીવને એણે ત્યાં ખૂંખાર અને જોશભરી હાલતમાં ઊભેલો જોયો. વાલીએ કમર કસી અને સુગ્રીવ ઉપર ધસ્યો. સુગ્રીવ પણ વાલી તરફ ધસ્યો.
વાલીએ ચેતવ્યો: "તને જો જીવતર વહાલું હોય તો ભાગી જાજે. મારા આ મુષ્ટિપ્રહારનો ભોગ ન બનતો!"
સુગ્રીવે સિંહગર્જના કરી અને યુદ્ધ શરૂ થયું. પોતાને થયેલા અન્યાયની યાદના આક્રોશને લીધે, અને રામની સહાયની નિશ્ચિતતાને લીધે પોતાને મુઠ્ઠી ઊંચેરો માનતો હોવાથી, સુગ્રીવે લાંબા સમય સુધી વાલી સામે ઝીક ઝીલી. પણ ધીમે ધીમે વાલીનું સામર્થ્ય પ્રભાવક દેખાવા લાગ્યું અને સુગ્રીવની હાલત એટલી જોખમકારક થતી ગઈ, કે હાથમાં તૈયાર ધનુષ્ય રાખીને નિહાળતા રામને પણ લાગ્યું કે હવે બહુ લાંબું ખેંચી શકાય એમ નથી. પરિસ્થિતિ 'અત્યારે નહીં તો ક્યારેય નહીં' એવી થઈ ગઈ હતી. એટલે રામે એમના ઘાતક બાણને ધનુષ્યની પણછ ઉપર ચડાવ્યું અને પણછને કાન સુધી ખેંચી. રામે બાણને વાલીની પ્રતાપી છાતી ઉપર તાક્યું. આ અપ્રતિકાર્ય બાણથી વીંધાઈને વાલી, કોઈ મોટું ઝાડ કઠિયારાની કુહાડીથી કપાઈને જમીન ઉપર પડે તેમ, ધરાશાયી થયો — અને જમીન ઉપર ચત્તોપાટ, લોહીથી ખરડાયેલા શરીર સાથે, જેમ કોઈ ઉત્સવ પૂરો થયા પછી ઉત્સવનો ધ્વજદંડ જમીન ઉપર પડે તેમ પડ્યો.
તેમ છતાં વાલી જાજરમાન અને સુંદર લાગતો હતો. તેનું પ્રભાવશાળી શરીર, અસ્ત થતા સૂરજે પેટાવેલા કોઈ વાદળાની જેમ ચમકતું હતું. ઇન્દ્રે તેને આપેલો દિવ્ય હાર તેની છાતી ઉપર પ્રકાશતો હતો. આ હારે વાલીના જીવન અને સમૃદ્ધિને સુરક્ષિત કર્યાં હતાં. રામના બાણનો લોહિયાળ ઘાવ કોઈ હીરાની જેમ તેના પ્રતાપી શરીરને વિશિષ્ટ ચમક આપી રહ્યો હતો.
ધરાશાયી મહાનાયકના ભવ્ય દેખાવનું વાલ્મીકિ બહુ સરસ રીતે વર્ણન કરે છે. કોઈ સાચો યોદ્ધો, સમરાંગણમાં મૃત હાલતમાં જેવો સૌંદર્યમંડિત લાગે, તેવો તે ક્યારેય લાગતો નથી.
કોઈ ત્રીજા પક્ષ તરફથી હુમલો થવાની જરા પણ આશંકા ન હોય એ પરિસ્થિતિમાં ઘવાયેલો અને ધરાશાયી થયેલો વાલી, આશ્ચર્યચકિત થઈને આજુબાજુ અસ્પષ્ટ કુતૂહલથી જોવા માંડ્યો; અને એણે રામ અને લક્ષ્મણને હાથમાં ધનુષ્ય ધારણ કરીને તેની તરફ આવતા જોયા. ગુસ્સાના પ્રકોપને લીધે આંખમાં આંસુ સાથે, અને નજીક સરકતા વિનાશને લીધે ક્ષીણ અવાજમાં, બીજા સાથે દ્વંદ્વયુદ્ધમાં પ્રવૃત્ત એવા માણસનું વિનાકારણ મૃત્યુ ઉપજાવવાની તેમની દુર્બળ છેતરપિંડી માટે તેણે તે બંને ઉપર આક્ષેપ કર્યો.
તેણે કહ્યું, "રામ, તમે તો સમ્રાટ દશરથના પુત્ર છો. ઉત્તમ કુળમાં જન્મ અને આપનાં પરાક્રમોથી જગજાહેર છો. તો પછી તમે આવા કામ માટે હાજર કઈ રીતે રહી શક્યા? આખી દુનિયા તમારા સદ્ગુણો અને સામર્થ્યની પ્રશંસાથી છવાયેલી છે. આમ છતાં, હું જ્યારે બીજા સાથે દ્વંદ્વયુદ્ધમાં રોકાયેલો હતો, ત્યારે તમે અદૃશ્ય રીતે આવ્યા અને મારી પીઠ પાછળથી મારા તરફ જીવલેણ બાણ તાક્યું. મર્દાનગી, સત્ય અને ક્ષમા અંગેની તમારી ખ્યાતિ કેટલી પોકળ અને અપાત્ર ઠરી છે! હવે દુનિયા તમારા વિશે શું વિચારશે? મેં ક્યારેય તમારું શું બગાડ્યું છે? મેં તમને મારી સાથે યુદ્ધ કરવાનો પડકાર ફેંક્યો હતો? તમે તો વૃક્ષોની પાછળ પોતાની જાતને સંતાડીને, કોઈ ખૂનીની માફક મને માર્યો છે. કોઈ વિખ્યાત રાજકુમાર માટે આ રીતે એક નિર્દોષ માણસનો વધ કરવો, એ તો સૌથી દુઃખદ પાપ છે. તમે રાજા થવાને લાયક નથી. પૃથ્વીદેવી તમને તેમના વરરાજા તરીકે ક્યારેય પણ સંમતિ નહીં આપે. મને સૌથી મોટું દુઃખ તો એ છે, કે એક પાપી અને હીન કક્ષાના નપાવટે મારો વધ કર્યો છે. તમારે જો મારી સાથે યુદ્ધ કરવું જ હોત, તો મેં જરૂર તે સ્વીકાર્યું હોત; અને યોગ્ય દ્વંદ્વયુદ્ધના ફળરૂપે, અત્યારે હું જેમ ધૂળમાં પટકાયેલો છું, તેમ તમારો પણ વધ થયો હોત.
"અથવા તો, તમારી સીતાને પાછાં મેળવવા માટે તમને મદદ કરવા માટે જો આ થયું હોય, તો મેં તો તેમને એક જ દિવસમાં પાછાં મેળવી શક્યાં હોત. રાવણને મારીને, તેના ગળા ફરતું દોરડું બાંધીને, તેના શરીરને ઢસડીને તમારા પગમાં મૂક્યું હોત. સીતાજીને ભલે તેણે ગમે ત્યાં સંતાડ્યાં હોય, તો પણ હું તેમને શોધી શક્યો હોત અને તમને સોંપી દીધાં હોત.
"જે જન્મ લે છે, તેનું મૃત્યુ નિશ્ચિત છે. આ જ નિયમ છે. એટલે મારા મૃત્યુનો મને કોઈ રંજ નથી. તો પણ આ કપટથી મને મારી નાખવાનું તમારું પાપ બહુ મોટું છે."
આ રીતે ઇન્દ્રના પુત્ર વાલીએ તેના છેલ્લા શ્વાસો દરમ્યાન રામને ઠપકો આપ્યો. અને આ બધું દિવ્ય કવિ વાલ્મીકિ અને કંબને પૂરી સ્પષ્ટતા સાથે જણાવ્યું છે. આ આરોપ સામે રામ શો બચાવ કરી શકે? વાલ્મીકિ જણાવે છે કે રામે કંઈક સ્પષ્ટતા કરી, જેનાથી વાલીને સંતોષ થયો. જોકે હું આ બધું જતું કરું છું, કારણ કે તે સાવ નિરર્થક છે. વિદ્વાનો મને ક્ષમા આપે તેવી વિનંતી કરું છું. હું માનું છું કે અવતાર એ અવતાર જ છે; અને જે યાતના ભગવાને અને તેમનાં પત્નીએ તેમના પૃથ્વી ઉપરના અવતાર તરીકે ભોગવવી પડી હોય, તેના ભાગરૂપે જ, દુન્યવી ત્રાજવે તેમનાં કર્મોની જવાબદારી પણ તેમની જ હોય.
સુગ્રીવ સાથેના યુદ્ધના ઘાવથી, લોહી નીંગળતી હાલતમાં અનેક જખ્મોથી પીડાતો વાલી મૃત્યુસન્મુખ પડ્યો હતો. વાલી પોતાની રાણી અને પોતાના લાડકા પુત્ર અંગદને જોઈ શકે, તેટલા સમય પૂરતો જ જીવંત રહ્યો. અંગદ ડઘાયેલી દયનીય હાલત ભોગવતો તરુણ લાગતો હતો. તેના પિતા જે લાંબામાં લાંબી મુસાફરીએ જઈ રહ્યા હતા, તેમના ચરણોમાં પ્રણામ કરવાનું તેની માતાએ જણાવ્યું હતું. તે મુજબ અંગદે શાંતિથી સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કર્યા. તે એટલો બધો હતપ્રભ થઈ ગયો હતો, કે તેને પડેલી ખોટનો વ્યાપ તેને સમજાય એમ નહોતો. આ અંગે વધુ વર્ણન પછીથી કરીશું.
રામને સંબોધીને વાલીએ કહ્યું:
"બધું પૂરું થઈ ગયું છે. હવે હું તમને વધુ દોષ નહીં દઉં. મારો બહુ લાડકો પુત્ર અંગદ હવે અનાથ થયો છે. તમારે અને સુગ્રીવે તેની સંભાળ લેવી જોઈએ. તેને હું તમારે હવાલે સોંપું છું. તેનું ધ્યાન રાખજો. સુકાયેલા તળાવમાં કરમાયેલા કમળના છોડની જેમ તે દુઃખી ન થાય, તે જોવાની તમારી જવાબદારી બને છે. સુગ્રીવને કહેજો કે તારાએ મને તેની વિરુદ્ધમાં ભંભેર્યો હતો, એવી કલ્પના ન કરે. સુગ્રીવને સલાહ આપજો કે તે અંગદને પ્રેમ અને માન સાથે રાજકુમારની જેમ જાળવે. મારે માટે આટલું કરજો. મારે બીજું કંઈ જોઈતું નથી. વીરોનું સ્વર્ગ મને બોલાવે છે!"
આમ, વાલીના જીવનનો અંત આવ્યો.
ઇન્દ્રના હારના રક્ષણાત્મક પાસાને લીધે, રામ વાલીને સામસામા જઈને તેનો વધ કરી શકે તેવું શક્ય નહોતું. આ જ રીતે, દેવો રાવણ ઉપર વિજય મેળવી શકે એવું પણ શક્ય નહોતું. રામ માત્ર છુપાયેલી હાલતમાં જ વાલીનો વધ કરી શકે, એવું જ શક્ય હતું. તો પણ પ્રશ્ન તો છે જ, કે વાલીનો વધ કરવાની એવી શી જરૂર હતી?
કદાચ તેનો ઉત્તર, રામે કબંધને પોતાની ઉપરના શ્રાપમાંથી મુક્તિ આપી તેની કૃતજ્ઞતામાં કબંધે જે જણાવ્યું હતું, તેમાં પડેલો છે: "સુગ્રીવની મૈત્રીથી તમે સીતાજીને પાછાં મેળવી શકશો" — સુગ્રીવની મદદ, વાલીની નહીં. એટલે જ રામ સુગ્રીવની શોધમાં નીકળ્યા, તેને મળ્યા અને અગ્નિની પાવક સાક્ષીમાં મૈત્રીના સોગંદ લીધા. સુગ્રીવે વાલી સામે એવો કોઈ અક્ષમ્ય અપરાધ કર્યો નહોતો. છતાં, પોતાના આધિભૌતિક સામર્થ્યને લીધે વાલીએ તેના ભાઈ ઉપર અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો. સુગ્રીવની ફરિયાદને સાંભળીને રામે, વાલીનો વધ કરવાના અને સુગ્રીવને પોતાની પત્ની પાછી અપાવવાના તેમજ તેને રાજા બનાવવાના સોગંદ, તેમની મૈત્રીના કરારના ભાગરૂપે લીધા હતા. પછી તો રામ પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. છુપાયેલી હાલતમાં વાલીનો વધ કરવાની અનિવાર્ય જરૂરિયાત ઊભી થઈ હતી.
પત્નીને રાજી રાખવા માટે જાદુઈ સુવર્ણમૃગનો પીછો કરવાની રામે ભૂલ કરી હતી. તેના પરિપાકરૂપે મુશ્કેલીઓ, યાતનાઓ અને નૈતિક સંઘર્ષોએ રામનો પીછો પકડ્યો હતો. આપણે જો એટલું સમજીએ કે ભગવાન પોતાની યોજના મુજબ નિમ્નલોકમાં મર્યાદિત સ્વરૂપે અવતરે, તો મર્યાદાઓ તો તેમનામાં પણ આવશે — તેનાથી આપણે કોઈ મૂંઝવણ ભોગવવાની જરૂર ઊભી થતી નથી. વિદ્વાનોએ પ્રસ્થાપિત કરેલી ટીકાઓની સામે આટલો નમ્ર અભિપ્રાય છે.
