સુગ્રીવ પોતાનાં રાજ્ય અને પરિવારને પાછાં મેળવવા માટે બહુ જ આતુર હતો, પણ તે કઈ રીતે થઈ શકે તે અંગે તે અસ્પષ્ટ હતો. વાલીનું સામર્થ્ય, તેની પોતાની અને તેની આકાંક્ષાની પરિપૂર્તિ વચ્ચેનો એક અશક્ય અવરોધ હતું.
તેના મંત્રી હનુમાને તેને સમજાવવા પ્રયત્ન કર્યો કે રામની મદદથી તે જરૂર સફળ થશે, પણ સુગ્રીવની શંકાઓ દૃઢ હતી. રામની શક્તિ વાલીને હંફાવી શકે ખરી? આમ થવું તો એકદમ અશક્ય લાગતું હતું. વાલીનું શરીર જ લોખંડી હતું. રામ તેનો વધ કઈ રીતે કરી શકે?
રામ અંગે સુગ્રીવને આવી શંકા હતી. પણ તેની પોતાની મદદમાં બીજું તો કોઈ હતું નહીં, અને તે પોતાની આકાંક્ષા છોડી દેવા તૈયાર નહોતો. તેણે રામની શક્તિનો પરચો મેળવવાનું નક્કી કર્યું.
પણ, પોતાની શંકાઓને અવિવેકી રીતે છતી કર્યા સિવાય, મિત્રની કસોટી લેવાનું મિત્રને જ કઈ રીતે કહી શકાય? રામે તો તેને લક્ષ્ય પાર પાડવાનું વચન આપ્યું હતું. તો પછી મિત્રની આવડતને માપવાનો કોઈ અવસર કેવી રીતે પેદા કરી શકાય? સુગ્રીવે લાંબો વિચાર કરીને એક યોજના ઘડી.
તેણે બહુ હળવાશથી રામને કહ્યું: "મારા સ્વામી રામ! આપના શબ્દોએ મારા હૃદયનો વિષાદ દૂર કર્યો છે. હું આપનું સામર્થ્ય પિછાણું છું. આપના ધનુષ્યમાંથી છૂટેલું એક તીર ત્રણેય લોકનો નાશ કરી શકે તેમ છે. તેની સામે વાલીની હેસિયતની શી વિસાત છે? આમ છતાં વાલીની શક્તિ વિશે આપને પૂરી જાણકારી આપવાની મારી ફરજ છે. વાલી ચારે મહાસાગરોનાં ચક્કર લગાવીને, તેમના પાણીને પોતાની હથેળીમાં રાખીને, સવારની પ્રાર્થના વખતે તેની અંજલિ પી શકે છે. તે કોઈ બહુ ભીમકાય ભેખડને ઉછાળીને દડાની જેમ તેની સાથે રમી શકે છે. વનનાં તોતિંગ વૃક્ષોને જાણે ઘાસનાં તણખલાંની જેમ મૂળસોતાં ઉખાડીને ફેંકી શકે છે.
"એકવાર દુંદુભિ નામના, પાડાના શરીરવાળા અને એક હજાર હાથીના બળવાળા એક અસુરે એક મહાસાગરને યુદ્ધ કરવા પડકાર્યો. મહાસાગરે તેને અવગણતાં કહ્યું: 'તારે તો તારા કોઈ સમોવડિયા સાથે યુદ્ધ કરવું જોઈએ. દૂર દૂર ઉત્તરમાં એક હિમવાન ઊભો છે. જઈને તેને પડકાર. મારા જેવા પામરને છોડી દે.' દુંદુભિ માની ગયો અને ઉત્તર દિશામાં ધસમસ્યો. ત્યાં તે હિમવાનને મળ્યો અને પડકાર્યો. શિંગડાંવાળી એની ભીમકાય આકૃતિ હિમવાન સામે હતી. હિમવાને પોતાનો મિજાજ કાબૂમાં રાખતાં તેને કહ્યું, 'તારે મારા ઉપર શા માટે આક્રમણ કરવું છે? હું કાંઈ યોદ્ધો નથી. હું તો મારી જિંદગી, મારી સાથે રહેવાની ઇચ્છાવાળા સંતોની સોબતમાં વિતાવું છું.' દુંદુભિએ ઉત્તર આપ્યો, 'ઠીક છે, પણ તો તું મને, મારી સાથે યુદ્ધ કરી શકે એવા કોઈ યોદ્ધાનું નામ આપ. આજે હું મારા સમોવડિયા દુશ્મનની શોધમાં છું.'
"હિમવાને કહ્યું: 'દક્ષિણમાં એવો એક છે. તે તારો સમોવડિયો થઈ શકે તેમ છે. તેનું નામ વાલી છે. તે વાનરોનો રાજા છે. તેનું સામર્થ્ય તેના પિતા ઇન્દ્ર જેટલું છે. તારી ઇચ્છા હોય, તો તું એની પાસે જા અને યુદ્ધનો પડકાર ફેંક.'
"દુંદુભિ સીધો વાલીના નિવાસસ્થાને પહોંચ્યો, અને કિષ્કિંધાના પ્રવેશદ્વાર પાસે ભયંકર શોરબકોર મચાવ્યો. તેણે વૃક્ષો ઉખેડ્યાં અને પ્રવેશદ્વારને તોડી પાડ્યું. તેણે ગર્જના કરી, 'બહાર આવ અને મારી સાથેના યુદ્ધમાં તારી શક્તિ સિદ્ધ કરી બતાવ.'
"વાલી ત્યારે તેની રાણી સાથે આરામ કરતો હતો. આ પડકાર સાંભળીને તે રાજમહેલની મહિલાઓ સાથે બહાર આવ્યો. 'અરે દુંદુભિ, તું મારા નગરદ્વાર પાસે આ શોરબકોર શેનો કરી રહ્યો છે? તું જીવનથી કંટાળ્યો છો?'
"વાલીના આક્રોશક ઉદ્બોધનથી અસુર વધુ છંછેડાયો અને બોલ્યો: 'તારી સગલીઓની હાજરીમાં તારી શક્તિની ડંફાસ મારવાનું બંધ કર. હું અહીંયાં તારી સાથે યુદ્ધ કરવા આવ્યો છું. તારામાં જરા પણ મર્દાનગી હોય તો બહાર આવ અને બધાને દેખાડ. કદાચ તું એમ કહે કે તું એટલા બધા નશામાં છો કે તું યુદ્ધ કરી શકે એમ નથી, તો તું પાછો સામાન્ય થઈ જા ત્યાં સુધી હું રાહ જોવા તૈયાર છું. તારે આ રાત્રિ મોજશોખમાં ગાળવી હોય અને તારી સગલીઓની અશ્રુપૂર્ણ વિદાય લેવી હોય, તો સવારે મારી પાસે તારો વધ કરાવવા આવજે.'
"દુંદુભિનાં વચનોથી વાલી હસી પડ્યો અને બોલ્યો: 'પ્રિય મહિલાઓ, તમે હવે પાછાં જાઓ. અને એલા અસુર! નશો મને કોઈ અસર કરી શકતો નથી; અને તારે લડવું જ હોય તો, વર્તમાન જેવો બીજો કોઈ સમય નથી — એટલે હાલ, તુંયે જોઈ લે!' આમ કહેતાં જ અટ્ટહાસ્ય સાથે તેણે અસુરને પૂંછડીથી પકડ્યો, તેને ગોળગોળ ઘુમાવ્યો અને દૂર ફંગોળ્યો. દુંદુભિએ લોહીની ઊલટી કરી અને જમીન ઉપર પડ્યો.
"પણ થોડા જ સમયમાં અસુર પાછો ઊભો થયો અને ભીષણ યુદ્ધ શરૂ થયું. ઇન્દ્રના પુત્ર વાલીએ અસુરને પટકી પટકીને મારી નાખ્યો, અને તે મૃત પાડાને એટલો જોરથી ફંગોળ્યો કે તે એક યોજન દૂર પડ્યો.
"અસુરના શરીરના લોહીનાં થોડાં ટીપાં મતંગ ઋષિના આશ્રમમાં પડ્યાં. ઋષિને ક્રોધ ચડ્યો, અને તેમણે તરત જાણ્યું કે આ પ્રદૂષણ માટે કોણ જવાબદાર છે. તેમને તરત ખ્યાલ આવી ગયો કે વાલીએ તેના ઘમંડમાં કોઈ લોહીલુહાણ શરીરને ફેંકીને આ પવિત્ર ભૂમિને ભ્રષ્ટ કરી હતી. ઋષિએ શ્રાપ આપ્યો: 'આ વાલી જો આશ્રમના પ્રાંગણમાં પ્રવેશ કરશે, તો તે નાશ પામશે.'
"અરે રામ, એટલે જ તો, મારા મિત્રો સાથે હું અહીં સલામતીપૂર્વક રહું છું. શ્રાપના ભયને લીધે વાલી આ જગ્યાએ આવવાની ધૃષ્ટતા કરી શકે નહીં. અહીંનાં આ સાલનાં વૃક્ષો જુઓ. જેમ કોઈ બંડીને ઝાટકીને ધૂળ ખંખેરી નાખે, તેમ તે ગમે તે વૃક્ષને ઉખેડીને, ઝાટકીને તેનાં પાંદડાં ખંખેરી નાખે એવો છે. તેની શક્તિ આ પ્રકારની છે. આવા ભયાનક ભાઈની દુશ્મની વહોરનાર હું, કઈ રીતે સલામતી નિભાવી શકું?"
લક્ષ્મણ સમજી ગયા કે રામના સામર્થ્યનો પરચો જોવાની સુગ્રીવની ઇચ્છા હતી, જેથી તેને ભરોસો બેસે. તેમણે પૂછ્યું: "રામ વાલીને હરાવવાનો આત્મવિશ્વાસ શું કરીને દેખાડે, તેવું તમે ઇચ્છો છો?"
સુગ્રીવે ઉત્તર આપ્યો: "ખરેખર તો મને કોઈ શંકા નથી. રામનાં સામર્થ્યને હું પિછાણું છું, જોકે અત્યારે તે રાખ નીચે છુપાયેલા અગ્નિ જેવું છે. મેં તો રામનું શરણું સ્વીકાર્યું છે. તો પણ, હું જ્યારે વાલીનાં પ્રચંડ પરાક્રમોને યાદ કરું છું, ત્યારે હું ધ્રૂજી ઊઠું છું. બસ, આટલું જ."
પોતાને માટે સુગ્રીવનો ભરોસો અને વાલી માટેનો તેનો કારમો ભય જોઈને, રામે તેની શંકાઓને નિર્મૂળ કરવા નિશ્ચય કર્યો. જાણે ગમ્મત કરતા હોય તેમ, તેમણે નજીક જ પડેલા દુંદુભિના વિશાળ હાડપિંજરને પોતાના પગના અંગૂઠેથી ઠેસ મારીને આકાશમાં છેક દસ યોજનના અંતર સુધી ફંગોળ્યું. જોકે સુગ્રીવ પ્રભાવિત તો થયો, પણ પૂરતા ભરોસા વગર. "મારા ભાઈએ જ્યારે દુંદુભિના મૃતદેહને આકાશમાં ફંગોળ્યો હતો, ત્યારે તો તેમાં માંસ અને લોહી બંને ભરેલાં હતાં, અને હવાથી સુકાઈ ગયેલા હાડપિંજર કરતાં તે ઘણું ભારે હતું," સુગ્રીવે કહ્યું.
ત્યાં જ રામે તેમનું ધનુષ્ય નીચે ઝુકાવ્યું, પણછને કાન સુધી ખેંચી અને એક તીર છોડ્યું. તે તીરે સુગ્રીવે બતાવેલા સાલવૃક્ષને, અને તેની પાછળ આવેલાં બીજાં છ વૃક્ષોને વીંધી નાખ્યાં. આમ સાત વૃક્ષોને વીંધ્યા પછી, તે મજાનું તીર પૃથ્વી ઉપર ટકરાઈને રામના ભાથામાં પાછું આવ્યું.
આ જોઈને સુગ્રીવનો આનંદ બેકાબૂ બન્યો. હવે તેને ભરોસો બેઠો કે રામનું તીર વાલીના અભેદ્ય શરીરને પણ વીંધી નાખી શકે. તેણે રામને દંડવત્ પ્રણામ કર્યા અને કહ્યું: "મેં મારી સગી આંખે આપનું સામર્થ્ય જોયું છે. ઇન્દ્રની આગેવાની નીચે કદાચ બધા દેવો મળીને આવે અને આપનો વિરોધ કરે, તો પણ તમારો વિજય નક્કી જ છે. તો પછી વાલીની તો વાત જ શી કરવી? મેં આપની મૈત્રી સિદ્ધ કરી છે અને મારે હવે કોઈ ભય કે દુઃખ રાખવાની જરૂર નથી. વાલીનો વધ કરીને મને બચાવો. ચાલો, આપણે આજે જ કિષ્કિંધા જઈએ."
રામ અને લક્ષ્મણ બંને સંમત થયા. હવે કેવી રીતે આગળની યોજના કરવી તેની તેમણે ચર્ચા કરી, અને અંતે એવું નક્કી કર્યું કે સુગ્રીવ કિષ્કિંધામાં પ્રવેશ કરે અને વાલીને દ્વંદ્વયુદ્ધ કરવાનો પડકાર ફેંકે. વાલી બહાર આવે તે નિશ્ચિત હતું, અને તે બંને ભાઈઓ યુદ્ધ કરતા હોય તે દરમ્યાન રામ તીર મારીને વાલીનો વધ કરે. તેઓ કિષ્કિંધા પહોંચ્યા. સુગ્રીવ આગળથી ગયો. રામ તેની પાછળ હતા અને ગીચ જંગલમાં એક ઝાડની પાછળ સંતાઈને ઊભા હતા.
સુગ્રીવે પડકાર કર્યો. વાલીએ તે સાંભળ્યો અને કિલ્લામાંથી ધુવાંફુવાં થતો બહાર ધસ્યો. તે સવારના સૂર્ય જેવો રતુમડો લાગતો હતો.
બંને ભાઈઓ વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું.
ઝાડની પાછળ હાથમાં ધનુષ્ય લઈને ઊભેલા રામને એક દ્વિધા થઈ. એકબીજા સાથે લડતા બે ભાઈઓનાં શરીર, દેખાવ, આયુધો અને યુદ્ધકળા એટલાં સરખાં હતાં, કે રામને વાલી અને સુગ્રીવ વચ્ચે કોઈ તફાવત દેખાતો નહોતો. તેમને ભય લાગતો હતો કે તેમનું તીર ખોટા યોદ્ધાને ન વીંધે.
એટલામાં યુદ્ધમાં નિષ્ફળ જવાના ભયથી સુગ્રીવે મરણિયો પ્રયત્ન કરીને પોતાની જાતને તેના ભાઈની પકડમાંથી છોડાવી, અને ઈજાગ્રસ્ત હાલતમાં નિરાશા, થાક અને નિઃસહાયતા સાથે તે જીવ બચાવવા ઋષ્યમૂક વન તરફ ભાગ્યો.
જોકે આટલું પણ તે કરી શક્યો, તેનું કારણ હતું કે વાલી તેને મારી નાખવાનું નહોતો ઇચ્છતો, અને તેનો ભાઈ વધુ જીવે તેની વિરુદ્ધ નહોતો.
રામ અને લક્ષ્મણ પાછા દુખિયા સુગ્રીવને મળ્યા. સુગ્રીવ આંખો ઊંચી કર્યા વગર ધરતી તરફ જોઈ રહ્યો હતો. રામે પોતાના વચનનો ભંગ કર્યો હતો અને પોતાને મદદ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા, તે બાબતનો તેને ગુસ્સો હતો.
"જો તમારે વાલીને મારવો નહોતો," સુગ્રીવે કહ્યું, "તો તમે પહેલેથી જ મને તે કહી શક્યા હોત. તે પરિસ્થિતિમાં, વાલીની શક્તિને જાણતો હોવાથી, મેં તેને દ્વંદ્વયુદ્ધ માટે ક્યારેય પણ પડકાર્યો ન હોત. ઊલટાનું તમે મને તમારા ઉપર ભરોસો કરવા ઉશ્કેર્યો, અને હું એટલો બધો પિટાઈ ગયો કે હું જીવતો છું તે પણ એક આશ્ચર્ય છે."
રામ બોલ્યા, "સુગ્રીવ, ગુસ્સે ન થાઓ, પણ સાંભળો. મારું ઘાતક તીર હું છોડી ન શક્યો, તેનું એક મજબૂત કારણ હતું. તમે અને વાલી બંને ઊંચાઈ અને પહોળાઈમાં, અંગભંગી અને પડકારોમાં, પોશાક અને આભૂષણોમાં સરખા જ લાગતા હતા. યુદ્ધ શરૂ થયા પછી હું તમને અને વાલીને ઓળખી શકતો નહોતો. એટલે હું આશ્ચર્યચકિત થઈને નિરાશ થઈ ગયો હતો. વાલીને મારવાને બદલે જો હું તમને મારું, તો કેવી ભયાનકતા થાય! ગુસ્સે ન થાઓ. વાલીને પાછો પડકાર ફેંકો. આ વખતે હું તેને જરૂર મારી શકીશ. લક્ષ્મણ, જો તો! પેલો ફૂલોવાળો વેલો લઈ આવ, અને સુગ્રીવના ગળા ફરતો તેનો હાર પહેરાવ. એમ કરવાથી તેઓ જ્યારે લડતા હશે, ત્યારે મને ખબર પડશે કે આપણો મિત્ર કોણ છે અને વાલી કોણ છે. સુગ્રીવ, હવે તમે વાલીને ભોંય ઉપર ગબડતો જોશો."
સુગ્રીવને સંતોષ થયો. તેનો જુસ્સો પાછો પ્રબળ થયો. લક્ષ્મણે વેલાને તેના ગળા ફરતો મજબૂત રીતે બાંધ્યો. ફરી પાછો, અપૂર્વ આભા સાથે, સુગ્રીવ કિષ્કિંધા પહોંચ્યો. અને રામ અને લક્ષ્મણ પહેલાંની જેમ તેની પાછળ ગયા.
