રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-41

Chapter 41 · પ્રકરણ ૪૧

સીતાજીનાં ઘરેણાં

પછી રઘુકુળના રાજકુમારો ઉપર પંચવટીમાં જે ઘોર વિપત્તિ આવી પડેલી, તેની વાત સુગ્રીવે સાંભળી. સીતાજીના વિયોગથી રામનું હૃદય કેવી રીતે હતોત્સાહ થયેલું અને સીતાજીના ભાવિ અંગેની આતુરતાથી તે દુઃખી થયેલા, તે અંગે પણ સુગ્રીવે જાણ્યું. આ વાત સુગ્રીવના હૃદયને સ્પર્શી ગઈ. તેણે રામને સાંત્વન આપતાં કહ્યું, "મેં લક્ષ્મણ પાસેથી આ બધું જાણ્યું છે. હવે તમે બધી આશંકા અને ભય છોડી દ્યો. સીતાજીને ભલે ગમે ત્યાં છુપાવવામાં આવ્યાં હોય, આપણે તેમને અચૂકપણે શોધી કાઢીશું — અને તે પણ ઝડપથી.

"મારા સાથીદારોએ અને મેં એક રાક્ષસને, એક રડતી સ્ત્રીને આકાશમાં બહુ ઝડપથી ઉપાડી જતો જોયો હતો. તે ચિત્કારતાં હતાં, 'ઓહ રામ! ઓહ લક્ષ્મણ!'

"તેમણે પણ અમને જોયેલા, અને પોતાનો દુપટ્ટો કાઢીને તેમાં પોતાનાં ઘરેણાંની પોટલી બાંધીને તે નાની પોટલી તેમણે જમીન ઉપર ફેંકેલી. અમે તે ઉપાડીને સાચવી રાખી છે. તે દાગીના સીતાજીના જ છે કે નહીં, તે આપ તપાસો."

આ સાંભળીને રામ આવેગમાં બૂમ પાડી ઊઠ્યા, "તો એ પોટલી લાવો, લઈ આવો."

તેઓ ગુફામાંથી પોટલી લઈ આવ્યા, અને રામે દુપટ્ટો જોતાં જ પોતાની વેદના ઉપરનો કાબૂ ગુમાવ્યો. તેમની આંખો સામે લવાયેલી આ નાની પોટલીએ, રાક્ષસના હાથે સીતાજીને પહોંચેલી યાતના તાદૃશ કરાવી.

તેમણે આંખો મીંચી, અને પોટલીને ખોલવાનું અને દાગીના તપાસવાનું લક્ષ્મણને જણાવ્યું, કારણ કે તેઓ પોતે તો તેમને જોવાની હિંમત પણ કરી શકે તેમ નહોતું.

લક્ષ્મણે તે મુજબ કર્યું. તેમણે કહ્યું, "આ તો સીતાજીનાં ઝાંઝર છે. આ બાબતમાં કોઈ શંકા નથી. મેં આને જોયાં છે, કારણ કે અવારનવાર જ્યારે હું સીતાજીના ચરણોમાં પૂજ્યભાવે માથું ઝુકાવીને પ્રણામ કરું છું, ત્યારે હું આ ઝાંઝરને જોઈ શકું છું. બીજા દાગીનાનો મને પરિચય નથી, કારણ કે મેં તેમને નજીકથી જોવાનું ક્યારેય વિચાર્યું પણ નથી."

વાલ્મીકિજીએ લક્ષ્મણના મુખમાં મૂકેલો આ સંવાદ કેવા પ્રેમાળ પૂજ્યભાવથી ભરપૂર છે! અને તેની સાથોસાથ — તે દુર્ભાગી દિવસે, જ્યારે સીતાજીએ લક્ષ્મણને પોતાનાથી દૂર હાંકી કાઢ્યા હતા, ત્યારે તેમના અન્યાયી શબ્દોની ક્રૂરતાએ લક્ષ્મણના હૃદયને કેટલું વીંધી નાખ્યું હશે!

રામે બધા દાગીના પોતાના હાથમાં લઈને, દરેક દાગીનાને એક પછી એક પોતાની આંખો ઉપર ચાંપ્યા. તેમણે કહ્યું: "જરૂર આ બધાં કુમળા ઘાસ ઉપર પડ્યાં હશે. એટલે જ તે બધાં અકબંધ છે."

પછી વેદનાને સ્થાને આક્રોશ ઠાલવતાં તેમણે કહ્યું, "રાક્ષસને પ્રવેશ આપવા યમના દરવાજા હવે પૂરેપૂરા ખૂલી ગયા છે. હવે ટૂંક સમયમાં જ તે રાક્ષસ અને તેનું સામ્રાજ્ય વિનાશ પામશે."

રામની વેદના અને આક્રોશને જોઈને સુગ્રીવ થોડો વધુ ચિંતાતુર થયો. ભલે તેમની પારસ્પરિક મૈત્રી અને સહાયની પ્રતિજ્ઞા પવિત્ર અગ્નિની સાક્ષીએ લેવામાં આવી હતી, તો પણ સુગ્રીવની મૂળ નિસબત પ્રશ્નોના અગ્રતાક્રમમાં હતી.

રામની વેદના માટે સુગ્રીવને પૂરી સહાનુભૂતિ હતી. હકીકતે, તે પોતે જ અનુભવતો હતો કે રાજ્ય અને પત્ની — બંનેને ગુમાવી દેવું એટલે શું? પણ તોય પહેલી અગ્રતા તો પહેલી જ હોવી જોઈએ. તેણે આ વિષયના અભિગમને બહુ જ જોઈવિચારીને ચર્ચવાની જરૂર હતી. એમ કરવામાં તે પોતાના સંદર્ભને રામના સંદર્ભ પહેલાં મૂકતો હોય એવું ન લાગવું જોઈએ; એમ કરવાથી તો તેમની નવજાત મૈત્રી ખોરંભાઈ જાય. જોકે તે પોતે છદ્મવેશી ભાગેડુ તરીકે સંલગ્ન સાથી બનીને રામને જેટલા મદદરૂપ થઈ શકે, તેના કરતાં કિષ્કિંધાના રાજા અને તેની પ્રજાના સ્વામી તરીકે અનેકગણા વધુ મદદગાર થઈ શકે — તેમ કહેવું પણ જરા પણ સ્વાર્થી કથન નહોતું. વળી, વાલી જ્યારે હજી વાનરોનો રાજા હતો, ત્યારે સીતાજીને પાછાં મેળવવાનું અભિયાન તે જો શરૂ કરે, તો વાલીનો અભિગમ કેવો હોય તેનો અંદાજ બાંધવો સહેલો નહોતો. ના, કોઈ પણ ભોગે નહીં! એક વાત નિઃશંક હતી, કે પહેલું અભિયાન તો વાલીનો વધ કરીને અને પોતાને રાજગાદી ઉપર સ્થાપિત કરીને વાનર રાજ્યનાં બધાં સંસાધનો ઉપર કબજો મેળવવાનું અનિવાર્ય હતું.

આમ કરવાથી જ રામને માટે અને પોતાને માટે પણ સફળતા મેળવવાનું શક્ય હતું. પણ રામની મનોવ્યથાને અનુલક્ષીને સુગ્રીવે બહુ જ સાવધાનીપૂર્વક આગળ વધવાનું નક્કી કર્યું.

તેણે કહ્યું: "હું આ દુષ્ટ રાક્ષસના રહેઠાણ કે સામર્થ્ય વિશે જાણતો નથી. તે સીતાજીને ક્યાં લઈ ગયો અને તેણે તેમને ક્યાં છુપાવી રાખ્યાં છે, તેની આપણને ખબર નથી. આમ છતાં સીતાજી ગમે ત્યાં હોય, તો પણ તેમને અને તેમના અપહરણકર્તાને શોધીને, તેનો નાશ કરવાનું અને સીતાજીને પાછાં મેળવવાનું હું આપને સોગંદપૂર્વક વચન આપું છું. આપ જરૂર તે દુષ્ટ રાક્ષસનો વધ કરીને ભવ્યતા પ્રાપ્ત કરી શકશો. આપની આંતરદૃષ્ટિને નબળી કરે તેવી હતાશા કે ગ્લાનિથી દૂર રહેવું જોઈએ. આ મને જ જુઓ ને. આપની જેમ મેં પણ મારી પત્નીને ગુમાવી છે. મને પણ નાલેશીપૂર્વક મારા રાજ્યમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે. આમ છતાં હું મારા દુઃખને કાબૂમાં રાખું છું અને મારી હિંમતને ટકાવી રાખું છું. હું, એક વાનર, આમ કરી શકું, તો આપને માટે તો એમ કરવું ઘણું સરળ બની શકે. દુઃખ જો જીવનને હચમચાવે, તો માણસ એકદમ નિઃસહાય થઈ જાય અને કંઈ કરી શકે નહીં. એટલે, મિત્ર, હું આપને આપના દુઃખને નિયંત્રણમાં રાખવાની ખાસ વિનંતી કરું છું."

સુગ્રીવના આ શબ્દોએ રામના હૃદય ઉપર ઊંડી અસર પેદા કરી. તેમણે તેમનાં આંસુ લૂછી નાખ્યાં અને સુગ્રીવને આલિંગન આપ્યું. સીતાજીનાં આભૂષણોને જોઈને જે નિરાશાએ તેમના ઉપર કબજો જમાવ્યો હતો, તેનાથી રામ મુક્ત થયા. તેમનું ધૈર્ય અને સ્વનિયંત્રણ પુનઃપ્રાપ્ત થયાં.

"સુગ્રીવ, તમારી મૈત્રી મને બહુ પ્રિય લાગે છે," રામે કહ્યું. "તમારી સલાહને હું અનુસરીશ. તમે વિચારો કે આપણે સીતાની શોધની શરૂઆત ક્યારથી અને કેવી રીતે કરવી જોઈએ. તમારી પણ વિપત્તિને હું મારી જ ગણીશ, અને કિષ્કિંધાના સિંહાસને આપને સ્થાપિત કરીશ. અને એક ખાતરી રાખજો, કે આવું કહેનારા મેં મારી જિંદગીમાં ક્યારેય એક પણ ખોટો કે ખોખલો શબ્દ ઉચ્ચાર્યો નથી અને ક્યારેય ઉચ્ચારીશ પણ નહીં. તમે નિખાલસતાથી મને કહો, કે હું આપના જીવનમાં ફરીથી નિરાંત કેવી રીતે લાવી શકું."

રામના આ શબ્દોથી સુગ્રીવ અને તેના મંત્રીઓ બહુ રાજી થયા. તેમને ખાતરી થઈ ગઈ હતી કે તેમની મુશ્કેલીઓનો અંત હવે હાથવેંતમાં હતો, અને સુગ્રીવ ફરીથી વાનર રાજ્યના રાજા બને તે નિશ્ચિત લાગતું હતું.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.