રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-40

Chapter 40 · પ્રકરણ ૪૦

ડાબી આંખો ફરકે છે

એક પછી એક અણધારી વિપત્તિઓનો સામનો કરતાં રામ અને લક્ષ્મણ અવારનવાર હતાશ થઈ જતા હતા. તેમનું ધૈર્ય ઘણીવાર નિરાશામાં પરિણમતું હતું. પણ તે બંને એકબીજાને પ્રોત્સાહિત કર્યા કરતા હતા અને તેમના પંથે આગળ વધતા જતા હતા.

એક વનમાંથી પસાર થતાં બંને રાજકુમારોનું ધ્યાન ઓચિંતું જ એક ભયાનક અને તોતિંગ રાક્ષસ ઉપર પડ્યું. તે બહુ વિકૃત હતો અને તેને માથું અને પગ ન હતાં. તેનું મોઢું તેના વિશાળ પેટમાં હતું. તેના બે હાથ બહુ મોટા અને લાંબા હતા. પોતાની જગ્યાએથી ઊઠ્યા વગર તે હાથ લાંબા કરીને વાઘ, રીંછ કે પોતાની પહોંચમાં આવતું બીજું કોઈ પ્રાણી ઝડપી લેતો હતો અને તેને હડપ કરી જતો હતો.

તેને ફક્ત એક જ આંખ હતી, જે તેની છાતીમાં હતી. તેની આ આંખ જોવામાં જ બહુ ભયાનક લાગતી હતી.

આ રાક્ષસને જોતાવેંત બંને રાજકુમારો થોડોક વખત આશ્ચર્યમુગ્ધ થઈ ગયા. હવે શું કરવું તે સમજાતું નહોતું.

ત્યાં રામે લક્ષ્મણને કહ્યું: "આપણે મૂંઝાવાની જરૂર નથી. તું એનો એક હાથ કાપી નાખ. હું બીજો કાપી નાખું છું."

તેમણે એ પ્રમાણે કર્યું. રાક્ષસનું નામ કબંધ હતું. એનો અર્થ 'કોઠી-આકારનો' એવો થાય. એકવાર એના હાથ કપાઈ ગયા, પછી તે નિઃસહાય થઈ ગયો અને સમજાવવા માંડ્યો:

"મારાં પાપી કર્મોને લીધે ઇન્દ્રે મને આ સ્વરૂપ અને આ નામ ભોગવવાનો શ્રાપ આપેલો છે. હું માનું છું કે તમે રામ અને લક્ષ્મણ છો. ઇન્દ્રે મને વચન આપ્યું છે કે તમે બંને જ્યારે આવો અને મારા બંને હાથ કાપો, ત્યારે હું શ્રાપમુક્ત થઈ જઈશ. હવે મારા આ શરીરને અગ્નિને સમર્પિત કરો."

રાજકુમારોએ દુર્ભાગી દૈત્યની ઇચ્છા મુજબ તેના શરીરને અગ્નિને સમર્પિત કર્યું. અગ્નિની જ્વાળાઓમાંથી એક મનોહર સ્વરૂપ પ્રગટ થયું. એક સ્વર્ગીય રથમાં પ્રવેશ કરીને તેણે અવકાશી ભૂમિ તરફ પ્રયાણ કર્યું.

જતાં પહેલાં તેણે રામને કહ્યું: "તમે ખાતરીપૂર્વક સીતાજીને પાછાં મેળવી શકશો. પંપા નદીના રમણીય તટ તરફ જાઓ અને સુગ્રીવની મદદ મેળવો. તે ત્યાં ઋષ્યમૂક પર્વત ઉપર રહે છે. તેના ભાઈ વાલીએ તેને રાજ્યમાંથી હાંકી કાઢ્યો છે. તેથી તે સતત ભય અને જોખમ સાથે જીવે છે. તેને મિત્ર બનાવજો અને તમે પ્રયત્નમાં સફળ થશો." આમ કહીને કબંધ અદૃશ્ય થઈ ગયો.

હવે રામ અને લક્ષ્મણ પંપા નદી તરફ આગળ વધ્યા. આ રમણીય પ્રદેશમાં તે વૃદ્ધ સંન્યાસિની શબરીના આશ્રમે પહોંચ્યા. શબરી મતંગ ઋષિની શિષ્યા હતી. રામ અને લક્ષ્મણે તેની મહેમાનગત સ્વીકારી.

શબરી વનવાસી એક જાતિની સ્ત્રી હતી અને વૃદ્ધ મતંગ ઋષિના આશ્રમની નિષ્ઠાવાન સેવિકા હતી. ઋષિએ જ્યારે દેહત્યાગ કર્યો, ત્યારે શબરીને પણ જીવન સમાપ્ત કરવાની ઇચ્છા હતી; પણ ઋષિએ તેને જણાવેલું કે તેને માટે જીવન સમાપ્ત કરવાનો સમય હજી પાક્યો નહોતો. તેણે રામના આગમનની રાહ જોવી પડશે. રામ ભગવાન વિષ્ણુના અવતાર હતા. તેમના દર્શનનું પુણ્ય મેળવવાનું શબરીના ભાગ્યમાં હતું. એટલે કરચલીવાળી તે વૃદ્ધા આશ્રમમાં સંન્યાસિની તરીકે રહેતી હતી. પહેલાંની જેમ જ તે આશ્રમની સંભાળ રાખતી હતી અને પૂર્વનિશ્ચિત મહેમાનનું સ્વાગત કરવા રમણીય આશ્રમને સજ્જ રાખતી હતી.

રાજકુમારો આવ્યા ત્યારે શબરીએ ફળો ભેગાં કરીને તેમને માટે તૈયાર રાખ્યાં અને મતંગ આશ્રમની વિશિષ્ટતાઓની જાણ કરી. પછી તેમની આજ્ઞા મેળવીને તેણે અગ્નિ પેટાવ્યો અને તેમાં પ્રવેશ કરીને સ્વર્ગારોહણ કર્યું.

આ તપસ્વિની સાથેની મુલાકાતે અને પંપા નદીના પાણીએ રાજકુમારોના મનને વધુ બળવાન કર્યું. તે બંને 'હવે શું કરવું' તેની વિચારણા કરવા લાગ્યા.

રામે કહ્યું: "લક્ષ્મણ, મને એવું લાગવા માંડ્યું છે કે આપણે સફળ થઈશું. ચાલ, હવે આપણે સુગ્રીવ માટે વનમાં ફરી વળીએ. આપણે તેની મદદ લેવાની છે."

પંપા નદીના વિસ્તારમાં તેમણે શોધ આદરી. આ જગ્યા બહુ સુંદર હતી, પણ તેનું આ સૌંદર્ય અને પ્રાણીઓ, પક્ષીઓ, વૃક્ષો અને વેલીઓ જાણે કે રામની વેદના વધારતાં હતાં.

દરેક સુંદર વસ્તુ રામના હૃદયને ચોટ પહોંચાડતી હતી અને તે વિચારતા હતા, "સીતા આ બધું જોઈને કેટલી ખુશ થતી હોત?" તે ગમે તેટલો પ્રયત્ન કરે તો પણ, પોતાના અવતાર દ્વારા તેમણે પોતે જ જે સહન કરવાનું સ્વીકાર્યું હતું, તે માનવીય વિષાદને તે કાબૂમાં લઈ શકતા નહોતા.

લક્ષ્મણ તેમના જુસ્સાને પુનર્જીવિત કરવા પ્રયત્ન કરતા હતા. તેમણે કહ્યું, "અરે, ધારો કે સીતાજીને દેવોનાં માતા અદિતિના ગર્ભમાં છુપાવાયાં હોય, તો પણ આપણે તેમને શોધી કાઢીશું. રાવણ બચી શકવાનો નથી. આપણે તેનો વધ કરીશું અને સીતાજીને મુક્ત કરીશું, તે નિશ્ચિત છે. તમે આમ હતાશ થઈ જાઓ તે યોગ્ય નથી. તમારા ઉપર તમે નિર્બળતા અને અજંપાને હાવી કઈ રીતે થવા દઈ શકો? આપણે જો કોઈ મૂલ્યવાન વસ્તુ ખોઈ નાખી હોય, તો તે પાછી મેળવવા આપણે મંડ્યા રહેવું જોઈએ. કેટલીકવાર આપણી લાગણી જ આપણી શત્રુ બને છે. વધુ પડતી લાગણી વિષાદ જન્માવે છે અને વધુ પડતો વિષાદ આપણા પ્રયત્નને ઢીલો પાડે છે. આ બધું મારે તમને કહેવાની કોઈ જરૂર છે ખરી? તમે આ બધું જાણો જ છો. આપણે આશા ગુમાવવાની નથી. વળી લાગણીનિર્મિત વિષાદને ભૂલી જવાનો છે અને આપણાં મન અને શરીરને પરિશ્રમમાં વ્યસ્ત રાખવાનાં છે. હિંમત રાખો. આશા રાખો. આપણે સફળ થઈશું. ભાઈ! તમે વિષાદમુક્ત થાઓ."

નાના ભાઈએ રામને આમ આશ્વસ્ત કર્યા. વિવેચકો લક્ષ્મણને આદિશેષ માને છે. આદિશેષ સર્પસ્વરૂપે વિષ્ણુત્વના રક્ષક તરીકે હંમેશાં જાણીતા છે. તેથી લક્ષ્મણ હંમેશાં રામને નવી ચેતના અને ઉત્સાહ પૂરો પાડતા આવ્યા છે.

ભાગેડુ વાનર રાજકુમાર સુગ્રીવ અને તેને સમર્પિત સેવકો, પોતાની પ્રવૃત્ત તકેદારીના ભય સાથે રામ અને લક્ષ્મણને વનમાં ફરતા જોઈ રહ્યા હતા અને શંકાશીલ મુશ્કેલીના ભયથી ડરતા હતા. વાલીના રાજ્યમાંથી નિષ્કાસિત થયેલા સુગ્રીવે પર્વતમાળામાં રહેવાનું પસંદ કર્યું હતું. એનું કારણ હતું કે આ પર્વતમાળા એક ઋષિના શ્રાપથી સુરક્ષિત જગ્યા હતી. ઋષિના શ્રાપ મુજબ વાલી આ સ્થાને આવી જ ન શકે એમ હતું. પણ હવે તેને ભય પેદા થયો હતો કે વાલી છૂપા વેશમાં અહીં પણ તેને મારવા શોધતો હતો.

અથવા તો, એવું પણ બની શકે કે કોઈ ક્ષત્રિય યોદ્ધાઓ વાલીની પડખે ચડી ગયા હોય અને તેને પોતાને મારવા આવ્યા હોય. આવા ભયથી બધા વાનરો વેરવિખેર થઈ ગયા હતા.

હનુમાન સુગ્રીવના મુખ્ય મંત્રી હતા. સુગ્રીવને સધિયારો આપતાં તેમણે કહ્યું: "આ વાલી નથી, કે વાલીના કોઈ મિત્રો પણ નથી. મને આવું લાગે છે. તેમનાથી ભય પામવાની મને કોઈ જરૂર લાગતી નથી. હું તેમની પાસે જઈશ, વાતચીત કરીશ અને સત્ય ગોતી કાઢીશ."

સુગ્રીવને રાહત થઈ. તેણે કહ્યું: "હા, બસ! પણ બહુ ધ્યાન રાખજો. ત્યાં જઈ, સત્ય જાણી અને પાછા આવો. તમારાં બધાં કૌશલ્યનો પૂરતો ઉપયોગ કરજો. હું તો ખરેખર શંકાઓથી ઘેરાયેલો છું. તેમની વર્તણૂક તો મને એવી લાગે છે, કે જાણે તેઓ કોઈને શોધતા હોય. તેઓ ખરેખર મને તો નહીં જ શોધતા હોય ને?"

બ્રાહ્મણનું સ્વરૂપ ધારણ કરીને હનુમાન રામ અને લક્ષ્મણ પાસે ગયા. તેમની બરોબર સન્મુખ થવા સાથે જ હનુમાનના હૃદયમાં આત્મવિશ્વાસ છલકાયો. તરત જ પૂરી નિખાલસતાથી તેમણે સંવાદ સ્થાપિત કર્યો.

પોતાની મૂળ ઓળખને છતી કર્યા વગર હનુમાન સત્ય જાણવા આગળ વધ્યા હતા. પણ જેમ જેમ તે વધુ બોલતા ગયા, તેમ તેમ તેમનું આત્મનિયંત્રણ ઢીલું પડતું ગયું અને પોતાની તથા વાનર રાજાની બધી વિગતો આપી દીધી.

રામ અને લક્ષ્મણની સામે જોતાં જ, કોઈ ભક્ત પોતાના ભગવાનનાં પ્રત્યક્ષ દર્શન કરે અને પોતાના ઉપરનો કાબૂ ગુમાવે તેમ, તે તેમની સ્તુતિ કરવા લાગ્યા. તેમણે જણાવ્યું કે પોતે એક વાનર હતા અને પોતાના રાજાના આદેશ મુજબ અત્યારે છૂપા વેશમાં આવ્યા હતા.

તેમણે કહ્યું, "હે મહાસંતો! તમારી અહીંની હાજરીને લીધે મારું હૃદય આનંદથી ભરાઈ ગયું છે. આપ જાણે ભગવાન હો, તેવી આભા આપની ચારેય બાજુ દેખાય છે. હું માનું છું કે આપ અહીં વનમાં તપશ્ચર્યા કરવા પધાર્યા છો. પણ આપ આવા દુર્ગમ સ્થળે શા માટે આવ્યા છો? કૃપા કરીને આપ કોણ છો તે મને જણાવો. આ નદી અને આ વન આપની નિશ્રામાં બહુ પ્રફુલ્લિત થઈ ગયાં છે. આપનાં અંગો અને ચહેરાઓ દેદીપ્યમાન તેજનું સૌંદર્ય પ્રગટ કરે છે. વનનાં પ્રાણીઓ આપને પૂજ્યભાવ અને સ્તબ્ધતાથી જોઈ રહ્યાં છે. આપનું સામર્થ્ય અને હિંમત તો સ્વતઃસિદ્ધ લાગે છે. આપ કોણ છો? કયા દેશથી આવ્યા છો? એક વસ્તુ તો બહુ સ્પષ્ટ દેખાય છે, કે આપ જન્મથી કોઈ મહાન રાજ્યનું શાસન કરવા હક્કદાર છો. તેમ છતાં આપ સાધુવેશે ફરો છો. બાંધેલી જટા, વલ્કલ વસ્ત્રો — અને એમાં પણ તીરકામઠાં! આ બધું શું છે?

"આપ શાંત કેમ છો? આ જગ્યાએ વાનરોના રાજા સુગ્રીવ, તેમના ભાઈ વાલીએ તેમને રાજ્યમાંથી હદપાર કરી દેતાં, નિરાશ્રિત હાલતમાં રહે છે. તેઓ બહુ દુઃખી છે. હું તેમનો મંત્રી છું. મારું નામ હનુમાન છે. હું વાયુનો પુત્ર છું. મારા રાજાના આદેશ મુજબ મેં આ બ્રહ્મચારીનો સ્વાંગ અત્યારે લીધો છે અને એ રીતે આપની પાસે આવ્યો છું."

હનુમાનના આ વિનયપૂર્વકના શબ્દો સાંભળીને રામે લક્ષ્મણને કહ્યું: "ભાઈ! હનુમાનની આ વાતને લીધે મારામાં આત્મવિશ્વાસ પ્રગટ્યો છે. હું તેમનામાં પૂર્ણપણે વિશ્વાસ મૂકતો થયો છું. તને પણ ખ્યાલ આવ્યો ને, કે તેમની ભાષા કેટલી બધી મનોહર હતી? તેમની રજૂઆત કેટલી યોગ્ય અને લયબદ્ધ હતી? તેમની વાત સાંભળતી વખતે જાણે કે એવું લાગે છે, કે તે વેદોમાં પારંગત હોય અને વ્યાકરણશાસ્ત્રના પંડિત હોય. ખરેખર તે એક આદર્શ સંદેશવાહક છે. જે રાજા પાસે આવો સંદેશવાહક હોય, તે તો ખરેખર ધન્ય છે! આપણે જેમને શોધીએ છીએ, તે પોતે જ આપણી શોધમાં પણ છે. આપણે અહીં સુગ્રીવને મળવા આવ્યા, અને તેમણે તેમના સંદેશવાહકને આપણને મળવા મોકલ્યા. ચાલો, આપણે તેમનું સ્વાગત કરીએ."

પછી તો તે બધા એકબીજા સાથે મોકળાશથી વાતો કરવા લાગ્યા. એક બાજુ રામ અને લક્ષ્મણે, અને બીજી બાજુ હનુમાને, પોતપોતાનો ભૂતકાળ, સુખ, દુઃખ, અપેક્ષાઓ અને ભય અંગેની વાતો કરી.

આ વાતચીત પછી લક્ષ્મણને હનુમાન પ્રત્યે ખૂબ લાગણી પેદા થઈ.

તેમણે હનુમાનને કહ્યું: "હે બંધુ! અખૂટ સંપત્તિમાં ઊછરેલા, સમ્રાટના જ્યેષ્ઠ પુત્ર, રાજ્યનો ત્યાગ કરીને વનવાસમાં આવ્યા છે. વનમાં તેમની પ્રાણ કરતાં પણ વધુ પ્રિય એવી પત્નીનું રાવણે અપહરણ કર્યું છે. આમ કરવા માટે રાવણે તેની માયાશક્તિનો ઉપયોગ કરીને અમને બંનેને આશ્રમથી એકદમ દૂર રાખ્યા. ત્યારે તેઓ એકલાં જ આશ્રમમાં હતાં. અમે સુગ્રીવની મદદ મેળવવા આવ્યા છીએ. તેમની મદદથી અમે તેમને બચાવીને પાછાં મેળવી શકીશું. આનું કારણ એ છે કે એક શ્રાપિત દૈત્ય, જેણે રાક્ષસનું સ્વરૂપ શ્રાપના ભાગરૂપે સ્વીકારવું પડેલું, તેણે અમને કહેલું: 'તમે જો વાનર રાજા સુગ્રીવની મદદ મેળવી શકશો, તો તમે રાક્ષસે અપહરણ કરેલી રાજકુમારીને પાછી મેળવી શકશો.' અમે આ કારણથી અહીં આવ્યા છીએ. તમારા રાજાની મૈત્રી અમને જોઈએ છે."

હનુમાને ઉત્તર આપ્યો: "સુગ્રીવ પણ વાલીના ત્રાસથી બહુ જ પીડાય છે. વાલીએ તેમનું રાજ્ય અને પત્ની — એમ બંને ઉપર કબજો જમાવ્યો છે. હવે લગભગ નિશ્ચિત લાગે છે કે તે બંનેને પાછાં જીતી શકશે. મારા રાજાને આપની મૈત્રીથી ઘણો લાભ થશે, અને તેમની સહાયથી આપ પણ આપના પ્રયત્નોમાં સફળ થશો."

પછી તે ત્રણેય સુગ્રીવને મળવા ઊપડ્યા. રસ્તો એટલો બધો દુર્ગમ હતો કે માત્ર વાનરો જ તેને પસાર કરી શકે. હનુમાને પોતાનું મૂળ સ્વરૂપ ધારણ કર્યું અને બંને રાજકુમારોને પોતાની પીઠ ઉપર બેસાડ્યા.

સજ્જનોનાં હૃદય એકબીજાનો મેળાપ થતાં જ, તે જ ક્ષણે એક થઈ જાય છે. કુરાલ કહે છે તેમ, લાંબી ઓળખાણ નહીં, પણ અંતઃસ્ફુરિત પારસ્પરિક આકર્ષણ જ મૈત્રી જન્માવે છે. અને આમની મૈત્રી તો એક દૈવી નિયમનના ભાગરૂપે હતી. એ તો પૂર્વનિર્ધારિત હતું, કે રામાવતારના મુખ્ય હેતુની પરિપૂર્તિ માટે રામની સેવા માટે હનુમાનની પરમ શ્રદ્ધા પ્રગટવી જોઈએ. એટલે જ આ પ્રથમ મિલનથી જ તે સ્વીકૃત થઈ હતી.

બંને રાજકુમારોને પોતાના ખભા ઉપર બેસાડીને લઈ જવાની ક્રિયા તેમના આંતરિક સુમેળનું બાહ્ય પ્રક્ષેપણ હતું. મિત્રો અને સ્નેહીઓ જેમ એકબીજાને ભેટે છે, તેમ હનુમાન એક પ્રેમાળ સેવક તરીકે તેમના સ્વામીને પોતાના ખભા ઉપર ઉપાડીને લઈ જવાનો આનંદ મેળવતા હતા.

મલય પર્વત ઉપર પહોંચ્યા પછી હનુમાન રામ અને લક્ષ્મણના આગમનની સુગ્રીવને જાણ કરવા આગળથી પહોંચી ગયા અને કહ્યું:

"રામ શાણપણ અને સદ્ગુણથી સભર એવા એક રાજકુમાર છે. વિખ્યાત સમ્રાટ દશરથના તેઓ જ્યેષ્ઠ પુત્ર છે. તેમના પિતાને આપેલા વચનની પરિપૂર્તિ માટે તેઓ તેમના ભાઈ અને પત્ની સાથે અયોધ્યાથી નીકળી વનમાં આવ્યા છે. દશરથ રાજા તેમનાં નાનાં રાણીને લાંબા સમય પહેલાં આપેલા એક અસ્પષ્ટ વરદાનથી બંધાયેલા હતા. તે વરદાનની પરિપૂર્તિ માટે તેમણે રામના દેશનિકાલની માગણી કરી હતી. વનમાં રાજકુમારોની ગેરહાજરીનો લાભ લઈને રાવણે રામનાં પત્નીનું અપહરણ કર્યું હતું. તેમની શોધ કરવામાં આપની સહાયતાની માગણી કરવા રામ અહીં આવ્યા છે. રાજકુમારોમાં આપની મૈત્રીની પૂરી પાત્રતા છે. આવા મહાનાયકોની મૈત્રીથી આપને પણ ઘણો લાભ થશે."

સુગ્રીવે સોહામણા પુરુષનું રૂપ ધારણ કર્યું અને રાજકુમારો સાથે લાંબી હાર્દિક વાતો કરી. રામ તરફ હાથ લંબાવીને સુગ્રીવે કહ્યું:

"રાજકુમાર, તમે એક વાનરની મૈત્રી ઇચ્છતા હો, તો આ મારો હાથ — તેનો સ્વીકાર કરો. હનુમાને આપની મહાનતા અને સદ્ગુણો અંગે મને બધી જાણ કરી છે."

રામે તેમનો હાથ પકડ્યો અને આલિંગન આપ્યું.

ત્યારે જ હનુમાને થોડાં કરગઠિયાં ગોઠવીને અગ્નિ પ્રગટાવ્યો. જ્વાળાઓની પ્રદક્ષિણા કરતાં રામ અને સુગ્રીવે પરસ્પર મૈત્રીના સોગંદ લીધા: "આપણે આપણાં સુખદુઃખમાં સહભાગી થઈએ." તેમણે પ્રતિજ્ઞા લીધી: "ચાલો, આપણી મૈત્રીને શાશ્વત બનાવીએ."

તેમણે એક ઝાડની ડાળ કાપી અને તેના ઉપર બેસીને રામ અને સુગ્રીવ ખુશીથી વાતો કરવા લાગ્યા. એ જ રીતે હનુમાન અને લક્ષ્મણ પણ બીજી ડાળ ઉપર બેઠા.

સુગ્રીવે પોતાના જીવનની વાત કરી. તે પોતે અને તેના મોટા ભાઈ, પરાક્રમી વાલી, એક સમયે એકબીજા સાથે ખૂબ ઘનિષ્ઠ સંબંધ ધરાવતા હતા. પણ ત્યાં તો પ્રાણઘાતક પ્રારબ્ધે, સુગ્રીવના કોઈ દોષ વગર, તેમને એકબીજાના કટ્ટર દુશ્મનો બનાવી દીધા હતા. આમ બનવાનું કારણ આવું હતું.

એકવાર માયાવી નામનો રાક્ષસ મધરાતે તેમના પાટનગર કિષ્કિંધાના પ્રવેશદ્વાર પાસે આવ્યો, અને વાલી સાથેના તેના એક જૂના ઝઘડાના સંદર્ભે વાલીને તત્કાળ દ્વંદ્વયુદ્ધ કરવાની તેણે આક્રમક હાકલ કરી. યુદ્ધનો અસ્વીકાર કરવાનું વાલીના સ્વભાવમાં નહોતું. એટલે તે સફાળો ધસી ગયો. તેની સાથે સુગ્રીવ પણ હતો. તેમને જોઈને રાક્ષસ ભાગી છૂટ્યો. તેનો પીછો પકડતાં તેમણે રાક્ષસને એક મોટી ગુફામાં અદૃશ્ય થઈ જતો જોયો. ગુફાનું દ્વાર ગીચ ઝાડીથી ઘેરાયેલું હતું. વાલીએ સુગ્રીવને સોગંદપૂર્વક ગુફાના દ્વાર પાસે તેની રાહ જોવાનું કહ્યું, અને પોતે દુશ્મનની પાછળ અંધારી ગુફામાં કૂદ્યો.

સુગ્રીવે ખૂબ રાહ જોઈ, પણ વાલી બહાર ન આવ્યો. સુગ્રીવ શંકાના વમળોમાં ગૂંચવાઈ ગયો. ત્યાં તેને અસ્પષ્ટ બૂમરાણ અને પીડાના નિસાસા સંભળાયા. તેના ભયપીડિત કાનમાં આ અવાજ તેના ભાઈનો જ લાગ્યો. ત્યાં તો ગુફામાંથી ફળફળતા લોહીની ધારાઓ બહાર નીકળવા લાગી. આથી સુગ્રીવને ખાતરી થઈ કે વાલી યુદ્ધમાં હણાઈ ગયો છે. વિજયી રાક્ષસ પાછો, વિજયના ઉન્માદમાં બહાર આવીને કિષ્કિંધાનો નાશ કરવા આગળ ન વધે તે પાકું કરવા, સુગ્રીવે ગુફાના દ્વારને એક બહુ મોટા ખડકથી બંધ કર્યું અને વાલીના મૃત્યુની કથની સાથે કિષ્કિંધા પાછો ફર્યો.

રાજા વગરનું રાજ્ય વિનાશને નોતરે છે, એટલે મંત્રીઓ અને માર્ગદર્શકોએ તેને ખાલી સિંહાસન ઉપર આરૂઢ થવા સમજાવ્યો. આવી રીતે સત્તાનાં મીઠાં ફળ તે ભોગવવાનો આનંદ માણતો હતો, ત્યાં કોઈ આકાશી આફતની જેમ વાલી ત્રાટક્યો. તે ઘવાયેલી હાલતમાં ગુસ્સાથી હાંફળોફાંફળો થઈ ગયો હતો. તે રાજદ્રોહ અને અકુદરતી વર્તણૂક માટે સુગ્રીવને અપરાધી ગણતો હતો — તે પણ એવો અપરાધ, જે સુગ્રીવે તેના ભાઈ અને તેના રાજા વિરુદ્ધ કર્યો હતો. ભયંકર ગુસ્સા અને અવહેલનાથી તેણે નક્કી કર્યું કે આ દુષ્ટ હવે જીવવાને લાયક નથી. જોકે તેણે સુગ્રીવનો વધ કરવાનું મોકૂફ રાખ્યું, કારણ કે તે તેનો પોતાનો ભાઈ પણ હતો.

આમ ક્રૂર વિધાતાએ સુગ્રીવને પોતાના ઘર, સિંહાસન, બધી સંપત્તિ — અરે! પોતાની પત્નીથી પણ — વિમુખ કર્યો. સુગ્રીવે તેના કેટલાક વફાદાર સાથીઓ સાથે આ વનમાં આશ્રય લેવો પડ્યો. જોકે અહીં તે સલામત હતો, કારણ કે એક ઋષિએ વાલીને એવો શ્રાપ આપ્યો હતો, કે જો તે આ વનમાં પ્રવેશ કરે તો તેનું તત્કાળ મોત થાય.

વાલી અને સુગ્રીવ વચ્ચેનો આ પ્રસંગ આપણાં પુરાણોએ આપેલા નૈતિક ઉપદેશનું એક સારું ઉદાહરણ છે. વાલી કે સુગ્રીવની આ પ્રકારની વર્તણૂકમાં કોઈ ખાસ ભયાનક અસત્ય લાગતું નથી. ગુસ્સો મનને ક્ષુબ્ધ કરે છે. જે ગુસ્સાને તાબે જાય છે, તે સત્યને પારખવાની શક્તિ ગુમાવી દે છે. અને આ રસ્તે જ વિનાશ સર્જાય છે. વાલીનો ગુસ્સો તેને તેના વિનાશ તરફ દોરી જાય છે. સુગ્રીવે નમ્રતાપૂર્વક સત્યનો સ્વીકાર કર્યો, પણ વાલીએ તેને ધ્યાન આપ્યું નહીં. આક્રોશને લીધે તેણે પોતાની જાત ઉપર કાબૂ ગુમાવ્યો હતો.

સુગ્રીવ પણ અવિચારી ઉતાવળ કરવા માટે અપરાધી હતો. પોતાનો ભાઈ મૃત્યુ પામ્યો છે એવું તેણે બહુ ઝડપથી અનુમાન કરી લીધું. તેને ભય હતો કે વિજયી અસુર બહાર આવીને તેને પણ મારી નાખી શકે. એટલે તેણે ગુફાનું પ્રવેશદ્વાર બંધ કર્યું અને ઘેર પાછો ફર્યો. શરૂઆતમાં રાજા બનવામાં તેને રસ નહોતો. તો પણ લોકોની સમજાવટને સ્વીકારવાનું તેણે ઇચ્છ્યું. આમ તે પોતાની સુષુપ્ત ઇચ્છાને, પૂરતો વિચાર કર્યા વગર, તાબે થયો. એટલે તેના ઉપર મુશ્કેલીઓ આવી પડી. વિચારહીન કાર્ય દુઃખને નોતરે છે. સુગ્રીવની કથા ઉપરથી આપણને આ જાણવા મળે છે.

બીજાની માલિકીનું જે કંઈ હોય, તેને મેળવવાની કોઈએ ઇચ્છા ન રાખવી જોઈએ. ઇચ્છાઓ ઉપરનો કાબૂ બહુ કાળજીપૂર્વક હાંસલ કરવો જોઈએ. સુગ્રીવના ઉદાહરણથી વિરુદ્ધ, જ્યારે મંત્રીઓએ અને પ્રજાએ ભરતને અયોધ્યાની ગાદી સ્વીકારવા દબાણ કર્યું, ત્યારે ભરત પોતાના અસ્વીકારમાં બહુ જ મક્કમ હતા. ભરતના ચારિત્ર્યની શક્તિ મહાન હતી. પણ સુગ્રીવ સાવ અલગ હતો. તેનું ચારિત્ર્ય નબળું હતું, તેથી એણે પરિણામ ભોગવવું પડ્યું. ભરતમાં અસ્વીકાર કરવાની હિંમત હતી, અને તેમનું નામ સદાકાળ જીવંત રહ્યું છે.

રામાયણના દરેક પ્રસંગમાં બોધપાઠ સમાયેલો છે. તે આપણને આપણા જીવનમાં તેને અનુસરવાનું શીખવે છે. કેટલાક સંદર્ભે આ બોધપાઠ સમજવામાં બહુ સરળ હોય છે; કેટલાકમાં તે બહુ ગર્ભિત હોય છે. આપણે જો સાચી ધાર્મિકતાથી વાંચીએ અને ઊંડું ચિંતન કરીએ, તો આપણે જે તે બોધપાઠને હંમેશાં સમજી શકીએ.

રામને બહુ જ દયનીય રીતે વિનંતી કરતાં સુગ્રીવે પોતાની વાતનો અંત લાવતાં કહ્યું: "વાલીના ભયથી પીડાતો હું આ વનમાં ભટકું છું. અહીં મેં મારી જાતને છુપાવી રાખી છે. તમે વાલીને મારી શકશો? અને મારાં રાજ્ય અને મારી પત્નીને પુનઃપ્રાપ્ત કરાવી શકશો?"

રામે ઉત્તર આપ્યો: "હું ચોક્કસ એમ કરીશ. વાલી આ બાણથી છટકી નહીં શકે. આટલી ખાતરી રાખજો."

સુગ્રીવ અને રામ આ વાતચીત કરતા હતા, ત્યારે એકદમ દૂર અશોકવનમાં સીતાજીની ડાબી આંખ ફરકી. સ્ત્રી માટે આ શુભ શુકન મનાય છે. તે જ સમયે રાક્ષસોના રાજાની પણ ડાબી આંખો ફરકી. તેને માટે આ અશુભ શુકન હતાં.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.