રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-39

Chapter 39 · પ્રકરણ ૩૯

પિતાતુલ્ય વડીલની વિદાય

બંને ભાઈઓ ઊંચા અવાજે સીતાજીને બોલાવતા નજીકની બધી ટેકરીઓ, વન અને નદીકાંઠે ફરી વળ્યા, પણ તેમની શોધ નિષ્ફળ નીવડી. અરે, મદદરૂપ થાય એવી કોઈ નિશાની કે કડી પણ તેમને મળી નહીં. મૂંઝાયેલા અને દુઃખથી ઘેરાયેલા રામ ગોદાવરી નદી, દેવતાઓ અને પંચમહાભૂતો વિરુદ્ધ આક્રંદ અને આક્રોશ ઠાલવતા રહ્યા.

રામાયણના ઋષિ-કવિએ નદીઓ, દેવતાઓ અને પંચમહાભૂતોના મૌન માટે, રાક્ષસોના સમર્થ રાજા માટેના તેમના ભયને કારણરૂપ ગણાવ્યો છે. જોકે તે સમયે દક્ષિણ દિશા તરફ આગળ વધતાં એક હરણનાં ટોળાંએ રામ અને લક્ષ્મણને પણ તેમની જ દિશામાં આગળ વધવાનું સૂચિત કર્યું હોય એમ, તે બંને પણ ટોળાંને અનુસર્યા. થોડેક આગળ વધતાં તેમણે રસ્તા ઉપર થોડાં વેરવિખેર ફૂલોને જોયાં.

રામ તરત જ તે ફૂલોને ઓળખી ગયા અને આવેશથી બોલી ઊઠ્યા: "મેં આ જ ફૂલો તેને આપ્યાં હતાં. જરૂર એ તેના વાળમાંથી સરી પડ્યાં હશે."

તેમની આતુરતા અને વેદના વધુ તીવ્ર બની, અને સીતાજી સાથે સૌથી ખરાબ અનિષ્ટ બન્યું હોવાના ભયથી રામ આક્રંદિત થયા.

તેમને જ્યાં ફૂલો મળ્યાં તેની આજુબાજુના વિસ્તારમાં તેમણે ઝીણવટભરી તપાસ કરી. તેમના ધ્યાનમાં રાક્ષસના પગનાં મોટાં ચિહ્નો અને બીજાં નાના પગનાં ચિહ્નો આવ્યાં. નાનાં પગલાં સીતાજીનાં જ હોવાનું તેઓ ઓળખી ગયા.

સીતાજીના સોનામાં જડેલા હીરામાંથી છૂટા પડી ગયેલા સોનાના નંગ તેમને મળ્યા. રામે ફરી બૂમ પાડી: "જો! જંગલી જાનવરની જેમ રાક્ષસ તેના કોમળ માંસને ફાડી ખાવા તેની પાછળ પડ્યો હોય એમ લાગે છે."

પછી તેમણે એક ભાંગેલા રથના કેટલાક ટુકડા, જામી ગયેલા લોહીનો મોટો જથ્થો, એક રાજમુગટ અને જમીન ઉપર વેરણછેરણ હીરા જોયા. તેઓ આશ્ચર્યચકિત થઈને, આ બધાનો અર્થ શું કરવો એ વિચારવા લાગ્યા.

તરત જ તેમનું ધ્યાન એક ભાંગેલા પહોળા ધનુષ્ય, ફાટેલા ધ્વજ અને તૂટેલા બખ્તર ઉપર પડ્યું. સાથોસાથ તેમણે એક રથના સારથિ અને ઘોડાઓના મૃતદેહો જોયા. એટલું ચોક્કસ કે આ જગ્યાએ કોઈ ઝનૂની લડાઈ થઈ હશે.

રામે કણસતાં કહ્યું, "બે જોરાવર રાક્ષસોએ અહીં ચોક્કસ સંઘર્ષ કર્યો હશે. સીતાને પોતે જ એકલા હડપ કરવા બંને ઝઘડ્યા હશે."

આ જાતનો અડસટ્ટો કરીને દુઃખી હાલતમાં રામ બોલ્યા, "ધર્મ સીતાને બચાવી શક્યો નથી. કોઈ દેવ તેને બચાવી શક્યા નથી! એટલે જ આ દુષ્ટ દુનિયાનો નાશ કરવો જ યોગ્ય ગણાશે." રામે પોતાની ઉપરનો કાબૂ ગુમાવ્યો હતો અને આવી જંગલી ભાષા બોલતા હતા.

સંતુલન ગુમાવેલા રામને શાંત પાડવા લક્ષ્મણે થાય તેટલો પ્રયત્ન કર્યો. "ઘોર વિપત્તિનું દુઃખ ભલભલા સમર્થ લોકોના મનને પણ ભ્રમિત કરી નાખે છે," તેમણે કહ્યું. "તેમ ન હોય તો તમે પોતે આ રીતે આત્મનિયંત્રણ ગુમાવો ખરા? એક વ્યક્તિના દુષ્કર્મ માટે તમારે આખી દુનિયા માટે ધૃણા અને દુર્ભાવ શા માટે રાખવો જોઈએ? ભાઈ, તમે પોતે જ કેટલીવાર મારા ગુસ્સાને શાંત પાડીને મને સાચે રસ્તે દોર્યો છે! પણ અત્યારે એક મોટી આફતે તમારા મનને વિચલિત કર્યું છે, અને હવે મોટાભાઈને ધીરજ ધરવાની સલાહ આપવાનું, હિંમત આપવાનું અને તેમને તેમની સ્વાભાવિક વીરતા ફરીથી પ્રાપ્ત કરવાનું કહેવાનો વારો સંયોગોએ નાના ભાઈને આપ્યો છે. ચાલો, આપણો દુશ્મન કોણ છે તે આપણે શોધી લઈએ અને તેનો હિસાબ પૂરો કરીએ."

આવાં પ્રેમાળ વચનોથી લક્ષ્મણે રામને હિંમત અને આશ્વાસન આપવાનો પ્રયત્ન કર્યો, અને બંને આગળ ચાલતા રહ્યા. જરા પણ દૂર ગયા પહેલાં જ તેમણે લોહીલુહાણ હાલતમાં, કપાયેલાં અંગોવાળા, ઓળખી ન શકાય એવા જટાયુને જમીન ઉપર પડેલા જોયા.

શરૂઆતમાં રામને વિચાર આવ્યો કે તેમને છેતરવા માટે પક્ષીના રૂપમાં પડેલો આ પણ કોઈ રાક્ષસ હોવો જોઈએ. અત્યંત આક્રોશ સાથે રામ બોલ્યા, "જો! આ રાક્ષસ સીતાને હડપ કરી ગયો છે!" અને ધનુષ્યબાણ સાથે તે તેના ઉપર ધસી પડ્યા.

ત્યાં તો પોતાનું વીંખાયેલું અને લોહીલુહાણ માથું સખત પીડા વચ્ચે ઊંચું કરીને, જટાયુ જાણે કે મૃત્યુ સામે ઝઝૂમતો હોય એવા પીડિત અવાજમાં બોલ્યો: "મને મારતા નહીં, પ્રિય રામ! મારે હવે જીવનની બહુ થોડી ક્ષણો જ બચી છે! તમે જે પ્રિય રાજકુમારીની શોધ કરી રહ્યા છો, તેમને તો રાવણ ઉઠાવી ગયો છે. અને આમ તે મારા જીવના ભોગે જ કરી શક્યો છે!

"સીતાજીને તેના ઊડતા રથમાં આકાશમાં જોઈને મેં તેને આંતર્યો અને તેની સાથે યુદ્ધ કર્યું. મેં તેનું ધનુષ્ય ભાંગ્યું અને તેના રથને તોડ્યો. તેના સારથિને મારી નાખ્યો. મારા આ અંતિમ સંઘર્ષની નિશાનીઓ તમે અહીં આજુબાજુમાં જોઈ શકો છો. મેં મારાથી બનતું બધું કર્યું. મને એટલો જ અફસોસ છે કે તમારે માટે એ અપૂરતું રહ્યું! છેક છેલ્લે સુધી, થાકેલી હાલતમાં પણ, હું યૌવન સામે વૃદ્ધત્વની આશાહીન લડાઈ લડતો રહ્યો. તેનાં આયુધો અને લોખંડના બખ્તર સામે મારી ચાંચ અને પાંખો લડતી રહી. પણ તેણે મારા પગ અને પાંખો કાપ્યાં, ને હું ઘવાઈને મૃતવત્ પડ્યો છું. તેણે સીતાજીને ઊંચક્યાં અને તેમની સાથે આકાશમાં ઊડીને દક્ષિણ દિશામાં ગયો છે. મૃત્યુની પકડમાં પણ, તમારા માટેના પ્રેમને લીધે હું જે જાણું છું તે તમને કહેવા જીવનને વળગી રહ્યો છું. હવે જ્યારે મેં આ પૂરું કર્યું છે, ત્યારે મને આશીર્વાદ આપો અને મૃત્યુને શરણ થવા દ્યો."

જટાયુની વાત સાંભળીને રામની આંખો આંસુથી વહેવા લાગી. તેમણે પોતાનું ધનુષ્ય નીચે ફેંક્યું અને પક્ષીને આલિંગન આપ્યું. બંને રાજકુમારોનું દુઃખ અસીમ થઈ ગયું. તે બંને પણ ધરાશાયી થઈ ગયા અને આક્રંદ કરવા લાગ્યા.

"લક્ષ્મણ, હું સૌથી વધુ દુઃખી જીવંત માણસ બની ગયો છું," રામ બોલ્યા. "રાજ્યનો ત્યાગ કરીને હું વનમાં આવ્યો, અને અહીં મેં સીતાને ગુમાવી. આપણે માટે પિતાતુલ્ય આ જટાયુએ પોતાના જીવનનું બલિદાન આપ્યું.

"કોણ જાણે કેમ, પણ જો હું અગ્નિમાં પ્રવેશું, તો મને ભય છે કે મારા દુર્ભાગ્યે અગ્નિ પણ ઠરી જાય. હું જો દરિયામાં ઝંપલાવું, તો તે સુકાઈ જાય. લક્ષ્મણ, હું તો કેવો ભયાનક પાપી છું! કોને ખબર છે, પણ કોકવાર હું તને પણ ગુમાવી બેસું, લક્ષ્મણ!"

જટાયુને ભેટતાં તે બોલ્યા, "ઓહ, બાપુ! ખરેખર તમે સીતાને જોયેલાં?" પણ જટાયુ જમીન ઉપર નિઃશબ્દ થઈને પડ્યા હતા.

થોડીક વારમાં જટાયુએ ફરી ધીમા અવાજમાં કહ્યું, "રામ, તમે ગભરાઓ નહીં. તમે સીતાજીને જરૂર પાછાં મેળવી શકશો. સીતાજીને કોઈ તકલીફ નહીં પડે. તમે ગુમાવેલા ખજાનાને પાછો મેળવીને ખૂબ જ સુખ પ્રાપ્ત કરશો." આમ બોલતાં જ તેના મુખમાંથી લોહીની ઊલટી થઈ અને તેણે પ્રાણ છોડ્યા.

રામ અને લક્ષ્મણના પક્ષે વિહિત કર્મ ન કરવાની અને અવિહિત કર્મ કરવાની મૂર્ખાઈને લીધે તેમણે સીતાજીને ગુમાવ્યાં હતાં. તેમની બેકાળજીને લીધે સીતાજી ઉપર આવી પડેલી વિપત્તિમાંથી તેમને બચાવવા વૃદ્ધ અને નિઃશસ્ત્ર જટાયુએ પોતાની પાંખ, ચાંચ અને પંજાથી સંઘર્ષ કર્યો અને પોતાના જીવનનું બલિદાન આપ્યું. દશરથ રાજાના મૃત્યુ પછી તેમની અંત્યેષ્ટિ ક્રિયા ભરત અને શત્રુઘ્ને કરેલી. રામ અને લક્ષ્મણ તો આ વિશેષાધિકારથી વંચિત રહી ગયા હતા, કારણ કે તેઓ તો વનમાં હતા. તેમણે જટાયુને તેમના પિતા તરીકે સન્માન આપ્યું અને તેની અંત્યેષ્ટિ ક્રિયા સંપન્ન કરી. આને લીધે દશરથ રાજાની અંતિમ ક્રિયાઓમાં તેમની ગેરહાજરીનું આશ્વાસન તેમને મળ્યું. આ સમર્થ જટાયુને તેઓ બીજી કઈ રીતે સન્માન આપીને નવાજી શકે?

ભક્તો જટાયુને શ્રેષ્ઠ ભક્ત તરીકે પૂજે છે. આપણે પણ કલ્પનાની પાંખે ચડીને, આ બિચારા વૃદ્ધ પક્ષીના રાક્ષસોના રાજા સાથેના સંઘર્ષને, સાક્ષીરૂપે જોઈ રહેલાં સીતાજીની આંખો દ્વારા જોવો જોઈએ. તો જ જટાયુની યાતનાને જોતી વખતે સીતાજીના હૃદયમાં તે સમયે પ્રેમ, કૃતજ્ઞતા અને વેદનાની જે ભરતી આવી હશે તેનો ખ્યાલ આવે. આમ કરવાથી આપણે સીતામાતાની કૃપાથી પવિત્ર બની શકીએ. ભક્તોના સમાજમાં જટાયુને જે અગ્રિમ માન અપાયું છે, એમાં કોઈ નવાઈ જેવું કાંઈ નથી.

પછીથી રામ જ્યારે લંકાના યુદ્ધમાં વિજય મેળવે છે, ત્યારે સીતાજી તે યુદ્ધ જોઈ શકતાં નથી, કારણ કે તે તો અશોકવનમાં નજરકેદમાં છે. તેમણે તો લંકાના યુદ્ધની બાતમી સાંભળીને અને પોતાના સ્વામીના સામર્થ્યને જાણીને જ સંતોષ મેળવવાનો હોય છે. પણ દંડકારણ્યમાં તો જટાયુની નિષ્ઠા અને બહાદુરી સીતાજીએ પોતાની આંખોથી જ જોયેલી છે. શસ્ત્રહીન જટાયુએ પૂરતાં આયુધોવાળા અને બખ્તર પહેરેલા રાવણ સાથે સંઘર્ષ કર્યો, અને પોતાની જિંદગીના ભોગે રાવણનું અભિમાન તોડ્યું.

જટાયુનું રાવણ સાથેનું યુદ્ધ લંકાના યુદ્ધ કરતાં વિશેષ મહત્ત્વનું છે. એટલે જ ધાર્મિક લોકો ભરતની સાથે જ જટાયુને પણ પૂજે છે, અને તેને પણ ધર્મના પંથે સાચા માર્ગદર્શક તરીકે અવતારી પુરુષ માને છે.

રામે કહ્યું, "લક્ષ્મણ, સૂકાં કરગઠિયાં ભેગાં કર. હું તેમાં અગ્નિ પેટાવીશ. આપણા પિતાશ્રીની અંત્યેષ્ટિ તો આપણે કરી શક્યા નહીં. એટલે જેણે આપણે માટે પોતાનું જીવન અર્પી દીધું, એવા આ ગૃધ્ર-પિતા માટે આપણી ફરજ બજાવીએ."

રાજકુમારોએ વૈદિક મંત્રોના પાઠ કર્યા અને સદ્ગત આત્માને અર્ઘ્ય અર્પણ કર્યો: "હે પક્ષીરાજ, ગુણવાન લોકો મહાન બલિદાન આપીને જે દૈવી કરુણા પ્રાપ્ત કરે છે, તે તમને પણ પ્રાપ્ત થાઓ! જે વાનપ્રસ્થોએ મહાન તપશ્ચર્યાથી પ્રાપ્ત થતો દિવ્ય આનંદ મેળવ્યો છે, તે તમને પણ પ્રાપ્ત થાઓ! જે મહાનુભાવોએ પોતાની વિશાળ ભૂમિના દાનનું ફળ મેળવ્યું છે, તે તમને પણ પ્રાપ્ત થાઓ! જે લોકો યુદ્ધક્ષેત્રમાં બહાદુરીથી લડ્યા છે, તેમનું શ્રેય પણ તમને પ્રાપ્ત થાઓ! બધા સદ્ગુણી લોકોનું પુણ્ય પણ તમને પ્રાપ્ત થાઓ!" આ ધર્મકાર્ય પછી રામે વધુ સ્થિરતા અને મક્કમતા પ્રાપ્ત કર્યાં.

ભારતમાં કરોડો પુરુષો, સ્ત્રીઓ અને બાળકો માટે રામાયણ એ માત્ર એક વાર્તા નથી. વ્યક્તિની પોતાની જીવાતી જિંદગી કરતાં પણ રામાયણમાં વધુ સત્ય અને અર્થ સમાયેલાં છે. જેમ વનસ્પતિ સૂર્યની અસર નીચે વૃદ્ધિ પામે છે, તે રીતે ભારતના લોકો રામાયણની પ્રજ્વલિત પ્રેરણાને આત્મસાત્ કરીને માનસિક શક્તિ અને સંસ્કારમાં વિકાસ પામે છે.

આપણે કોઈ નિઃસહાય માણસને ભય કે મુશ્કેલીમાં જોઈએ, તો આપણે પણ જટાયુનું સ્મરણ કરીને, મક્કમ મનથી, ગમે તેવા સંજોગો હોય તો પણ મદદ કરવી જોઈએ.

રામની દુર્બળ માનસિકતા અને વિષાદયુક્ત આક્રંદને એક બીજા ધર્મના અવતારી પુરુષની વર્તણૂક સાથે સરખાવી શકાય. બાઇબલમાં એમ કહેવાયું છે, કે ક્રૉસ ઉપર ઈશુના બાંધેલા શરીર ઉપર ખીલા ખોડાયા અને જ્યારે તેમના દેહત્યાગનો સમય આવ્યો, ત્યારે ઈશુએ ઊંચા અવાજે કહેલું: "એલોઈ! એલોઈ! લમા સબખ્તાની!" અરામી ભાષાના આ શબ્દોનો અર્થ થાય, "મારા પ્રભુ, મારા પ્રભુ, તમે મને કેમ ત્યજી દીધો?"

અવતારોની પ્રક્રિયાનાં રહસ્યો હંમેશાં એકસરખાં જ હોય છે. તેમણે જે શરીર ગ્રહણ કર્યું હોય તેની ધૂળ અને આંસુ પ્રમાણે જ તેમનું મૂલ્યાંકન થાય છે, અને તેઓ પણ નાશવંત પ્રજાતિની જેમ બધું સહન કરે છે અને શોક પણ વ્યક્ત કરે છે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.