રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-3

Chapter 3 · પ્રકરણ ૩

ત્રિશંકુ

સૂર્યવંશના પ્રતાપી રાજા ત્રિશંકુના રાજ્યકાળનો એ સમયગાળો હતો. પોતાના શારીરિક સૌંદર્યનો તેને એટલો બધો મોહ હતો કે મૃત્યુ સમયે તેના આવા સૌંદર્યવાન શરીરનો ત્યાગ કરવાનો તે વિચાર પણ કરી શકતો ન હતો અને સ્વર્ગમાં પણ આ જ શરીર સાથે જવાની તેને મહેચ્છા હતી.

વશિષ્ઠ ઋષિ તેના ગુરુ હતા. પોતાની આ મહેચ્છા કઈ રીતે પાર પડે એ બાબતના માર્ગદર્શન માટે તેણે ગુરુ વશિષ્ઠનો સંપર્ક કર્યો, ત્યારે વશિષ્ઠ ઋષિએ આવી અશક્ય મહેચ્છાનો ત્યાગ કરવાની સલાહ આપી. ગુરુના આ પ્રતિભાવથી નિરાશ થઈને રાજાએ તેને મદદરૂપ થવા ગુરુના પુત્રોનો સંપર્ક કર્યો. જે મહેચ્છાપૂર્તિને તેઓના પિતાશ્રીએ અશક્ય જાહેર કરી હતી, તેને પાર પાડવા માટે રાજાએ તેઓની મદદ માંગી. આથી ઋષિપુત્રો ખૂબ ક્રોધે ભરાયા! તેમણે રાજાના આ મિથ્યા અહંકારને હાસ્યાસ્પદ ગણાવીને અપમાનપૂર્વક તેને ત્યાંથી ચાલ્યા જવાનું સૂચન કર્યું.

ત્રિશંકુ તેનું મિથ્યાભિમાન છોડી શકે તેમ ન હતો. એટલે તેણે ઋષિપુત્રોને પરખાવ્યું કે તેઓ બધા અને તેમના પિતાશ્રી તેને મદદ કરી શકે એવી ગુરુપ્રતિભા વગરના હતા, એટલે પોતે હવે કોઈ વધુ પ્રતાપી ગુરુઓનું માર્ગદર્શન મેળવશે. આ જાણીને વશિષ્ઠના પુત્રો અસહ્ય રીતે ઉત્તેજિત થયા અને તેને શ્રાપ આપ્યો, "તું ચાંડાલ થઈ જા." શ્રાપની અસર તરત દેખાવા લાગી અને બીજી સવારે જ્યારે રાજા જાગ્યો ત્યારે તે તદ્દન જુદી વ્યક્તિ થઈ ગયો હતો — અસ્પૃશ્ય, કુરૂપ અને મેલાંઘેલાં કપડાં પહેરેલો.

તેના મંત્રીઓ અને પ્રજાજનો તેને ઓળખી શક્યા નહીં. પોતાના જ રાજ્યમાંથી તેને હાંકી કાઢવામાં આવ્યો. ભૂખ અને તરસથી ભટકતા ભટકતા લગભગ અધમૂઆ જેવા તે રાજાને તેનું પ્રારબ્ધ વિશ્વામિત્રના આશ્રમમાં લઈ આવ્યું. રાજાના દેખાવને જોઈને વિશ્વામિત્ર ઋષિનું હૃદય દ્રવી ઊઠ્યું. તેમણે પૂછ્યું, "તમે રાજા ત્રિશંકુ તો નહીં ને? તમારી આવી દુર્દશા કોણે કરી? કોના શ્રાપની આ અસર છે?" ગુરુ વિશ્વામિત્રને સાષ્ટાંગ પ્રણામ કરીને તેણે જે ઘટનાઓ બની હતી તેની જાણ કરી અને કહ્યું, "હું એક સારા રાજા તરીકે પંકાયેલો છું અને ધર્મના માર્ગે હું એક પણ પગલું ચૂક્યો નથી. મેં કોઈ પાપકર્મ કર્યું નથી અને કોઈનું અઘટિત કર્યું નથી. મારા ગુરુ અને તેના પુત્રોએ મારી હકાલપટ્ટી કરી છે, મને શ્રાપ આપ્યો છે, એટલે આપ મને આ દુર્દશામાં જોઈ રહ્યા છો."

ઋષિના શ્રાપથી ચાંડાલ બની ગયેલ રાજા ઉપર વિશ્વામિત્રને દયા આવી. આ તેમની મોટી નબળાઈ હતી. તે બહુ લાગણીશીલ હતા અને ગુસ્સો, સહાનુભૂતિ અને પ્રેમ જેવી લાગણીઓને સહેલાઈથી વશ થઈ જતા. મીઠા શબ્દોથી તેમણે રાજાને આનંદિત કર્યા: "હે રાજા, મેં તમારા ન્યાયી રાજ્ય-શાસન વિષે સાંભળ્યું છે. ગભરાઓ નહિ, હું તમને આશ્રય આપું છું. હું એક એવા યજ્ઞનું આયોજન કરું છું, જેથી તમે સ્વર્ગમાં તમારા શરીર સાથે પ્રવેશ કરી શકશો, અને આ ચાંડાલના શરીરમાં જ તમે સ્વર્ગમાં પહોંચી જશો. તમારા ગુરુએ ભલે તમને શ્રાપ આપ્યો, આ બાબતમાં તમે હવે નિશ્ચિંત બની જાઓ."

અને આમ વિશ્વામિત્ર ઋષિએ એક મહાન અને અપ્રતિમ યજ્ઞની શરૂઆત કરી. બીજા ઘણા બધા ઋષિઓને તેમના શિષ્યો સહિત આ આયોજિત યજ્ઞમાં પધારવા માટે નિમંત્રિત કરવાની તેમણે તેમના શિષ્યોને સૂચના આપી. આ આમંત્રણનો અસ્વીકાર કરવાની કોઈનામાં હિંમત નહોતી. આ નિમંત્રણ અંતે તો આદેશ સમાન હતું, એટલે બધા ઋષિઓએ નિમંત્રણ સ્વીકાર્યું.

પણ વશિષ્ઠ ઋષિના પુત્રોએ તેનો અસ્વીકાર કર્યો અને યજ્ઞની મશ્કરી કરી, કારણ કે આ યજ્ઞના પુરોહિત પોતે મૂળ ક્ષત્રિય હતા અને યજમાન એક ગંધાતો ચાંડાલ હતો.

વિશ્વામિત્રને આ અંગેની જ્યારે જાણ કરવામાં આવી ત્યારે તે એકદમ ક્રોધિત થયા અને વશિષ્ઠના પુત્રો મૃત્યુ પામીને સાત જન્મો સુધી એવી જાતિમાં જન્મ પામે જેમાં કૂતરાંનું માંસ સામાન્ય ખોરાક હોય એવો ભયંકર શ્રાપ આપ્યો. અંતે યજ્ઞનો આરંભ થયો. ત્રિશંકુના મહાન સદ્ગુણોની પ્રશંસા કરતાં વિશ્વામિત્રે તેના શરીર સહિત સ્વર્ગપ્રવેશની ઇચ્છાને ફળીભૂત કરવામાં સહાયરૂપ થવાની નિમંત્રિત ઋષિઓને વિનંતી કરી.

બધા નિમંત્રિત ઋષિઓ વિશ્વામિત્રની પ્રભાવી શક્તિ અને સ્ફોટક મિજાજથી પરિચિત હતા, એટલે તેમણે ટેકો આપ્યો અને આમ યજ્ઞ આગળ ચાલ્યો. એક તબક્કે દેવોને યજ્ઞમાં અવતરણ કરવા અને યજ્ઞનો ભોગ સ્વીકારવાનું આવાહન કરવામાં આવ્યું. પણ કોઈ દેવ પ્રગટ ના થયા. આનાથી સ્પષ્ટ થયું કે વિશ્વામિત્રનો યજ્ઞ નિષ્ફળ થયો હતો. આમ થતાં નિમંત્રિત ઋષિઓ અંદરોઅંદર હસી રહ્યા હતા અને તેને લીધે વિશ્વામિત્રની હતાશા સ્પષ્ટ થતી હતી. આક્રોશથી ભભૂકેલા વિશ્વામિત્રે ઘીની આહુતિનું લાકડાનું પાત્ર જ્વાળાઓ ઉપર ધર્યું અને બોલ્યા, "હે ત્રિશંકુ! હવે તું જો મારા સામર્થ્યનો પરચો! અત્યાર સુધીમાં મેં પ્રાપ્ત કરેલી મારી બધી શક્તિ હું તારા ભલા માટે તારામાં સંક્રમિત કરું છું. જો મારી તપસાધના અને સિદ્ધિનું કંઈ પણ મૂલ્ય હશે, તો તે તારા આ ભૌતિક શરીરને અહીંથી ઉઠાવીને સ્વર્ગમાં પહોંચાડશે. દેવો મારા યજ્ઞભોગનો અસ્વીકાર કરે તો તેની હું દરકાર કરતો નથી. હે રાજા ત્રિશંકુ! તું ઊર્ધ્વગમન કર!"

અને એક ચમત્કાર થયો. બધા નિમંત્રિતોના આશ્ચર્ય વચ્ચે ત્રિશંકુનું ચાંડાલ શરીર આકાશ તરફ જવા માંડ્યું અને દુનિયાએ વિશ્વામિત્રના તપની શક્તિનો પરચો મેળવ્યો. ત્રિશંકુ સ્વર્ગમાં પહોંચ્યો, પણ ઇન્દ્રે તરત જ તેને નીચે હડસેલ્યો અને કહ્યું, "આ ચાંડાલ શરીરમાં સ્વર્ગમાં પ્રવેશ કરનારો તું કોણ છો? તારા ગુરુ દ્વારા શ્રાપિત મૂર્ખ! તું પાછો નીચે જ જા."

ત્રિશંકુ સ્વર્ગમાંથી ઊંધા માથે પડતાં પડતાં ચીસ પાડી ઊઠ્યો, "હે ગુરુ વિશ્વામિત્ર, મને બચાવો!" આ જોઈને વિશ્વામિત્રે પોતાની સ્વસ્થતા ગુમાવી અને ગુસ્સે થયા. દેવતાઓને પાઠ ભણાવવાના પાકા ઇરાદાથી તેમણે ત્રિશંકુને હાકલ કરી, "ત્યાં જ અટકી જા! ત્યાં જ અટકી જા!" અને બધાના આશ્ચર્ય વચ્ચે ત્રિશંકુનું પૃથ્વી તરફનું પતન અટકી ગયું અને તે અધવચ્ચે ચમકતા તારાની જેમ અટકી ગયો.

ગુસ્સે ભરાયેલા વિશ્વામિત્રે જાણે બીજા બ્રહ્માનો અવતાર ધારણ કર્યો હોય એમ દક્ષિણ દિશામાં નવી તારામંડિત ક્ષિતિજ રચવાની શરૂઆત કરી. વધારામાં નવા ઇન્દ્ર અને નવા દેવો રચવાની પણ શરૂઆત કરી. પોતાની સર્વોપરિતા જોખમમાં લાગતાં દેવતાઓએ સમાધાન કરવાનું વિચાર્યું અને વિશ્વામિત્રને આવું ના કરવાની નમ્ર વિનંતી કરી. તેમણે કહ્યું, "ત્રિશંકુ અત્યારે છે ત્યાં ભલે રહે. તમારી કીર્તિ અને સન્માનની જેમ તમે સર્જેલા બધા તારાઓ હંમેશ માટે ભલે પ્રકાશ્યા કરે. તમારા ગુસ્સાને કાબૂમાં રાખો અને આપણી મૈત્રી ચાલુ રાખો."

દેવોના આવા અનુરોધથી વિશ્વામિત્રે તેમની સર્જનાત્મક પ્રક્રિયા અટકાવી. આમ પણ તેઓ જેટલી સહેલાઈથી ઉગ્ર થઈ જતા, તેટલી જ ઝડપથી શાંત પણ થઈ જતા. પણ આ અતિમહાન પ્રક્રિયાઓને કારણે તેમણે અત્યાર સુધીમાં તપસાધનાથી પ્રાપ્ત કરેલી સિદ્ધિઓનું બધું સામર્થ્ય ગુમાવી દીધું હતું. તેમને સમજાયું કે તેમણે ફરીથી સાધના શરૂ કરવી પડશે.

વિશ્વામિત્ર હવે પશ્ચિમ દિશામાં પુષ્કર પહોંચ્યા અને તપસાધના શરૂ કરી. વર્ષો સુધી કઠોર તપ ચાલુ રહ્યું, પણ ફરી એકવાર તેમની સાધના ફળીભૂત થવાની અણીએ હતી, ત્યારે કંઈક એવું બન્યું જેથી એમનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. તેમણે સંતુલન ગુમાવ્યું અને પોતાના પુત્રોને જ શ્રાપ આપ્યો. જોકે તરત જ તેમણે આત્મસંયમ જાળવ્યો અને દૃઢ નિશ્ચય કર્યો કે હવેથી કોઈ વાર ગુસ્સાને તાબે ના થવું. પાછું એમણે તપ શરૂ કર્યું.

ઘણાં વર્ષો પછી બ્રહ્મા અને બીજા દેવો તેમની પાસે પ્રગટ થયા અને કહ્યું, "હે કૌશિક! તમારી તપસાધના સફળ થઈ છે. તમે હવે માત્ર મહારાજાઓની કક્ષામાં નથી; તમે હવે સાચા ઋષિ થઈ ગયા છો." આમ આશીર્વાદ આપીને બ્રહ્મા અંતર્ધ્યાન થયા.

જોકે આ તો પાછું નિરાશાજનક હતું. વિશ્વામિત્રે તો બ્રહ્મર્ષિ થઈને વશિષ્ઠના સમોવડિયા થવું હતું અને એમનો માત્ર સાદા ઋષિ તરીકે જ સ્વીકાર થયો હતો. આ સ્વીકારનું કોઈ મહત્ત્વ જ નહોતું, કારણ કે બ્રહ્માંડના સર્જનમાં વિશ્વામિત્રે પોતાની બધી તપસિદ્ધિ ગુમાવી દીધી હતી.

આમ હોવાથી તેમણે ફરીથી એકવાર અગાઉ કરતાં પણ વધુ કઠોર તપ કરવાનો નિશ્ચય કર્યો. દેવોને આ ગમ્યું નહીં. તેમણે સ્વર્ગની અપ્સરા મેનકાને પોતાનાં સ્વર્ગીય રૂપ અને આકર્ષણથી વિશ્વામિત્રને પ્રલોભિત કરવા મોકલી. વિશ્વામિત્ર જ્યાં તપશ્ચર્યા કરતા હતા તે પુષ્કરધામમાં મેનકા આવી અને તેનાં રૂપ અને આકર્ષણ વિશ્વામિત્ર ઉપર અજમાવવા અનેક ચેષ્ટાઓ કરવા લાગી, જેથી ઋષિની આંખ તેના ઉપર કેન્દ્રિત થાય. વિશ્વામિત્રે તેને જોઈ અને તેના સૌંદર્યથી મંત્રમુગ્ધ થઈ ગયા. તેમની પ્રતિજ્ઞાનો ભંગ થયો અને પોતાનો દૃઢ નિશ્ચય ભૂલી જઈને દસ વરસ આનંદનાં સ્વપ્નમાં વીતાવ્યાં.

અંતે સ્વપ્નભંગ થયો અને તેમણે ધ્રૂજતી મેનકાને વિષાદિત નજરે જોઈ અને કહ્યું કે તેઓ મેનકાને શ્રાપ નહીં આપે, કારણ કે ભૂલ એમની પોતાની જ હતી; મેનકાનો વાંક નહોતો. તેમને આકર્ષિત કરવામાં મેનકા તો માત્ર તેના સ્વામીના આદેશોનું પાલન જ કરતી હતી. આમ દુઃખી હાલતમાં તેમણે હિમાલય તરફ ફરીથી ઉગ્ર તપશ્ચર્યા કરવા પ્રયાણ કર્યું.

ત્યાં એક હજાર વર્ષ સુધી પોતાની બધી વૃત્તિઓનું દમન કરીને કઠોર તપશ્ચર્યા કરી. દેવોની વિનંતીથી બ્રહ્મા પાછા વિશ્વામિત્ર આગળ પ્રગટ થયા અને મધુર ભાષામાં તેમણે કહ્યું, "હે પુત્ર, હું તમને મહર્ષિ તરીકે આવકારું છું. તમારી આત્મનિષ્ઠ તપશ્ચર્યાથી હું પ્રસન્ન થયો છું, તેથી હું તમને મહર્ષિની પદવી અને તેની સાથે સંકળાયેલી પ્રતિષ્ઠા પ્રદાન કરું છું." આનંદ કે અસંતોષ જેવી લાગણીથી જરાય ચલાયમાન થયા વગર વિશ્વામિત્રે તેમના બંને હાથ આદરપૂર્વક જોડ્યા અને વિધિપિતાને પૂછ્યું, "શું આ વરદાનનો અર્થ — બધી વૃત્તિઓ ઉપરનો વિજય — એવો થાય છે?"

"ના, જરા પણ નહીં," સર્જનહારે કહ્યું, "પણ મુનિઓમાં વાઘ સમાન હે ઋષિ! વૃત્તિઓને સંપૂર્ણ રીતે કાબૂમાં રાખવાના બધા જ પ્રયત્નો કરજો."

હવે સર્વોચ્ચ સિદ્ધિ પ્રાપ્ત કરવાના અડગ નિશ્ચય સાથે વિશ્વામિત્રે અતિ કઠોર તપશ્ચર્યા કરવા એક હજાર વર્ષ સુધી સાધના કરી. દેવો ફરી પાછા મોટી વિટંબણામાં મુકાયા.

ઇન્દ્રે સ્વર્ગીય અપ્સરા રંભાને બોલાવી અને દેવો પ્રત્યેની તેની મહત્ત્વની સેવાના ભાગરૂપે વિશ્વામિત્રને તેના આકર્ષણમાં મોહિત કરવા અને ધ્યાનભંગ કરવા માટે તેના પૂરા કૌશલ્યનો ઉપયોગ કરવાનો આદેશ આપ્યો. આ માટે અપ્સરા ભયભીત બની, પણ ઇન્દ્રે તેને વચન આપ્યું કે તે એકલી નહિ હોય; તેની સાથે કામદેવ અને વસંતઋતુ પણ તેની સહાયમાં હશે.

અનિચ્છાએ રંભા વિશ્વામિત્રના આશ્રમે ગઈ અને જેવી તે આશ્રમના પ્રાંગણમાં પ્રવેશી, વનનું સૌંદર્ય ખીલી ઊઠ્યું; દક્ષિણ દિશાનો પવન ફૂલોની સુગંધથી ભરેલો હતો અને કોયલનો ટહુકાર ગુંજી રહ્યો હતો. સૌંદર્યની સહાયમાં પ્રેમ અને વસંતઋતુ હાજર હતાં. વાતાવરણની આ પ્રકારની હલચલથી વિશ્વામિત્ર ઋષિ અજાણ હતા. આ ખલેલ પહોંચવાથી ઋષિએ આંખો ખોલી અને અપ્રતિમ સૌંદર્યવાળી હાસ્ય વેરતી અપ્સરાને જોઈ.

જાણે કે ફૂલોની સુગંધની સાથે અને મધુર કેકારવ સાથે તે વસંતનું મૂર્તિમંત સ્વરૂપ લાગતી હતી. કોમળ કામુકતાના દર્શન સાથે ઋષિનો પ્રચંડ ક્રોધ તેમના આખા શરીરમાં વ્યાપી ગયો. તે સમજી ગયા કે ઈર્ષ્યાળુ દેવોનો — તેમના સાધનાપથમાં નાખવામાં આવેલો — આ આકર્ષક અવરોધ હતો. તેમને લલચાવનારી આ સ્ત્રીને તેમણે શ્રાપ આપતાં કહ્યું, "ગુસ્સો અને ઇચ્છાને પરાસ્ત કરવામાં તપોનિષ્ઠ એવા મને લલચાવનાર હે રંભા! તું દસ હજાર વર્ષ સુધી પથ્થરની મૂર્તિમાં થીજી જા!"

પણ પ્રચંડ ગુસ્સાના આ પ્રકોપ પછી તેમને ખ્યાલ આવ્યો કે હજી તેઓ તેમના મુખ્ય હેતુથી અને સાધનાની સિદ્ધિથી કેટલા વધુ દૂર થઈ ગયા હતા. આમ થવાથી વિષાદમય રીતે તેમણે હિમાલયનાં અરણ્યો છોડ્યાં અને પૂર્વ દિશાના શાંત પ્રદેશોનું શરણું લીધું. અહીં તેમણે શ્વાસોચ્છ્વાસ ઉપર કાબૂ મેળવ્યો, દુન્યવી વસ્તુઓ અને વિચારોનો ત્યાગ કર્યો અને એવી ઉગ્ર તપશ્ચર્યા કરી કે તેમના શરીરમાંથી નીકળતી જ્વાળાઓ અને ધુમાડાથી આખું વિશ્વ વ્યાપ્ત થઈ ગયું.

ભયગ્રસ્ત દેવતાઓની પ્રાર્થનાથી બ્રહ્માજી ફરીથી પ્રગટ થયા અને વિશ્વામિત્રને "બ્રહ્મર્ષિ" કહીને નવાજ્યા, "જય હો બ્રહ્મર્ષિ! હું તમારાથી ખૂબ પ્રસન્ન થયો છું. તમારું જીવન આશિષમય થાઓ." વિશ્વામિત્રને આનંદ થયો. પણ તેમણે નમ્રતાપૂર્વક કહ્યું, "વશિષ્ઠ ઋષિના મુખે હું બ્રહ્મર્ષિ થયો છું એવું ન સાંભળું, ત્યાં સુધી હું કઈ રીતે આનંદ પામી શકું?"

વશિષ્ઠને વિશ્વામિત્ર સાથેના સંઘર્ષની યાદ આવતાં તેમને હાસ્ય ઉપજ્યું અને તેમણે વિશ્વામિત્રને કહ્યું, "તમારી ઉગ્ર તપશ્ચર્યાનું ફળ તમે પામી ચૂક્યા છો. બંધુ! તમે સાચે જ બ્રહ્મર્ષિ છો." સર્વત્ર આનંદ છવાઈ ગયો. ઓચિંતા જ દશરથ રાજાના દરબારમાં આવેલા ઋષિની આવી કથા છે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.