જ્યારે રામના બાણથી મારીચ વીંધાયો અને મરણોન્મુખ થયો, ત્યારે તેણે પોતાનું રાક્ષસનું રૂપ ધારણ કર્યું અને રામના અવાજની આબેહૂબ નકલ કરીને તેણે બૂમ પાડી, "હે લક્ષ્મણ, હે સીતા!"
રામને હવે ખ્યાલ આવી ગયો હતો કે રાક્ષસે તેમને છેતર્યા હતા. તરકટી મારીચે લાંબા સમય સુધી રામને તેની પાછળ દોડતા રાખ્યા હતા. હવે આ બધાનો શો હેતુ હોઈ શકે તે અંગે રામની આતુરતા વધવા લાગી.
"અરેરે, અમે બહુ ખરાબ રીતે છેતરાઈ ગયા છીએ. લક્ષ્મણ પણ જો આ તરકટી બૂમથી છેતરાઈ જશે અને મારી મદદમાં આવવા સીતાને એકલી મૂકી દેશે, તો એ પરિસ્થિતિ બહુ ભયાનક હશે. એવું લાગે છે કે રાક્ષસોએ સીતાને ઉપાડી જવાનું અને પછી તેને હડપ કરી જવાનું આ કાવતરું રચ્યું છે. સીતા જ્યારે મારા અવાજની બૂમને સંકટ સમયનો સાદ માની લેશે, ત્યારે ચોક્કસ તે લક્ષ્મણને, પોતાને એકલી મૂકીને મારી મદદે દોડી જવાની ફરજ પાડશે. શિયાળવાંની લાળી અને પક્ષીઓની વિચિત્ર હલચલ કોઈ આફતને ઇંગિત કરે છે. મારા હૃદયના ધડકારા પોતે જ સૂચવે છે કે કોઈ આપત્તિ બહુ હાથવેંતમાં જ છે."
પોતાની જાતને આમ ચેતવ્યા પછી રામ ઝડપથી આશ્રમ તરફ દોડી ગયા. રસ્તામાં તેમને લક્ષ્મણ સામો દોડી આવતો દેખાયો. "અરેરે, જે અનિષ્ટનો મને ડર હતો, તે સાચો પડ્યો લાગે છે," રામે નિઃસાસો મૂક્યો.
તેમણે લક્ષ્મણના હાથ પકડી લીધા. તે દુઃખી હાલતમાં રડી પડ્યા. "લક્ષ્મણ, તેં સીતાને એકલાં કેમ મૂક્યાં? હવે તો એવું ચોક્કસ લાગે છે કે રાક્ષસોએ તેનો વધ કરીને તેને આરોગી લીધી હોય. તેને એકલી મૂકીને આમ ચાલ્યા આવવાનું તારે માટે જરાપણ યોગ્ય નથી. સીતાનું તો હવે સાવ આવી બન્યું જ હશે!"
નિરર્થક પીછો કરવાની દોડધામથી થાકેલા અને તરસ્યા, અને હવે ગુસ્સો અને અસહ્ય આતુરતાથી પીડાતા રામે વેદના ઠાલવી: "આપણે પાછા આશ્રમે જઈએ, અને જો સીતા જોવા ન મળે તો, લક્ષ્મણ! હું જરૂર મૃત્યુ પામીશ. તું એકલો, આપણા ત્રણમાંથી જીવંત હાલતમાં અયોધ્યા પાછો વળજે, અને ત્યાં બધાને અહીં બનેલી ઘટનાની જાણ કરજે. અરે, માતા કૌશલ્યા આ આઘાતને કેવી રીતે જીરવી શકશે? લક્ષ્મણ, તું તો કૈકેયીની ઇચ્છાની પરિપૂર્તિને પણ અતિક્રમી ગયો છો. અત્યાર સુધીમાં રાક્ષસો સીતા પાસે… બિચારી અરક્ષિત સીતા પાસે, આપણા માટે તેમના મનમાં ખદબદતા ગુસ્સા સાથે પહોંચી ગયા હશે. તેમણે જરૂર તેનો વધ કરીને તેના શરીરની મિજબાની ઉડાવી હશે. તેને એકલી મૂકીને તું કેવી રીતે અહીં દોડી આવ્યો? મારીચની નકલી બૂમથી તું કઈ રીતે છેતરાઈ ગયો? હવે મારે શું કરવું? હું તો હવે સીતાને જોઈ જ નહીં શકું. રાક્ષસોનું ષડ્યંત્ર સફળ થયું છે. મેં તારા ઉપર મૂકેલો ભરોસો ખોટો ઠર્યો છે, એટલે હું હવે સીતાને ક્યારેય પણ જોઈ શકીશ નહીં. લક્ષ્મણ, તું એને એકલી મૂકીને શા માટે દોડી આવ્યો, શા માટે?"
લક્ષ્મણે આંખમાં આંસુ સાથે ઉત્તર આપ્યો: "ભાઈ, આમ કર્યા વગર બીજું હું શું કરી શકું? સીતાજીએ જ્યારે 'હે સીતા, હે લક્ષ્મણ'ની બૂમ સાંભળી ત્યારે તેઓ બહુ ગભરાઈ ગયેલાં હતાં. ભયથી થરથરતાં તેમણે મને હાર્દિક વિનંતી કરી કે હું તરત જ આપની પાસે દોડી આવું. આમ કરવામાં સમયની કોઈ ઢીલાશ તેઓ સહન કરી શકે એમ નહોતું. તેની વિરુદ્ધમાં મેં ઘણું કહ્યું, પણ એમનો મક્કમ આગ્રહ ચાલુ જ રહ્યો. મેં તેમને ફરી ફરીને ખાતરી આપી કે તેમને ડરવાની કોઈ જરૂર નહોતી. મેં તેમને પૂરતી ખાતરી આપી કે 'તમારો કોઈ પણ દુશ્મન તમને જરાપણ હાનિ પહોંચાડી શકે એમ નથી. વળી મુશ્કેલીમાં પડેલી આ બૂમમાં ખરેખર તમારો અવાજ નહોતો.' પણ તેઓ કંઈ સાંભળવા જ તૈયાર નહોતાં. તેમણે મારા પર તમારી વિરુદ્ધ દ્રોહ કરનાર તરીકેનો આરોપ મૂક્યો, અને હું વનમાં સાથે આવ્યો તેના કારણમાં પણ મારી આ વિદ્રોહી ઇચ્છા જ હોવી જોઈએ, એમ કહ્યું. અને, ભાઈ! તેમની વિષાદગ્રસ્ત હાલતમાં તેમને એવું માનવું પણ શક્ય લાગ્યું, કે મારી તેમના પ્રત્યેની કુટિલ આકાંક્ષાને લીધે હું આપના મૃત્યુથી રાજી થયો હોઉં! તેમના આવા ભયાનક શબ્દો સાંભળીને હું લગભગ અધમૂઆ જેવો થઈ ગયો હતો. ત્યાં તેમણે જાહેર કર્યું, કે જો હું તે જ ક્ષણે બહાર ન નીકળી જાઉં, તો તે આપઘાત કરશે. તેમના આવા ગાંડપણે અને આક્રોશના આકરા શબ્દોએ મને પણ ગાંડો કરી નાખ્યો હતો. એટલે હવે બીજું શું કરવું તે ન સૂઝતાં, હું આપની તરફ દોડી આવ્યો."
પણ રામને હજી સંતોષ થયો નહોતો. "ગભરાયેલી હોવાને લીધે કોઈ અણસમજુ મહિલા ગમે તેમ બોલે, તો પણ તારે ત્યાં ટકી રહેવાની જરૂર હતી. તેને અરક્ષિત હાલતમાં એકલી છોડી દેવાનું જરા પણ યોગ્ય નથી. તું આવી મૂર્ખાઈ કેવી રીતે કરી શક્યો? તેં મારા ઉપર એક બહુ મોટી આપત્તિ ઊભી કરી છે. હું હવે સીતાને ક્યારેય જોઈ શકીશ નહીં."
બંને જણા આશ્રમ તરફ દોડ્યા. રસ્તામાં તેમને કેટલાંક અપશુકનો થયાં. એક પછી એક અપશુકનો જોતાં રામે ફરીથી કહ્યું, "મને ભય છે — ચોક્કસ એવું લાગે છે કે આપણે બંને પાછા સીતાને કદાપિ જોઈ શકીશું નહીં."
આશ્રમે પહોંચતાં જ, જે ભય હતો એ જ હાલતમાં આશ્રમ હતો — સાવ ખાલી. સીતાજી ત્યાં નહોતાં. મૃગચર્મ, કુશ ઘાસ, બેઠક આગળની સાદડી — આ બધું જમીન ઉપર વેરણછેરણ પડેલું હતું. કુટીરની આજુબાજુ આવેલી વનરાઈમાં રડતી હાલતમાં રામ ફરી વળ્યા. વૃક્ષો ઉપરનાં પાન અને ફૂલો કરમાઈ ગયાં હતાં. સીતાજી કોઈ જગ્યાએ દેખાતાં નહોતાં.
રામ આમતેમ પાગલ માણસની જેમ ફરતા હતા. તેમની આંખો લાલચોળ થઈ ગઈ હતી. તેમણે ક્રંદન કરતાં કહ્યું, "અરેરે, તેઓ એને હડપ કરી ગયા હશે? અહીંથી ઉપાડી ગયા હશે? ઓહ! એ ભયાનક ત્રાસ વચ્ચે તે કેટલી તરફડી હશે! આ અંગેનો વિચાર કરવો પણ મારે માટે અસહ્ય છે. એમ તો નહીં હોય કે તે નદીએ પાણી ભરવા ગઈ હોય? કે પછી ફૂલો ચૂંટવા ગઈ હોય? આપણે જોઈ લઈએ."
આવી તપાસ કરવા તેઓ નજીકનાં વૃક્ષોમાં ગયા. તેમને એવો આશાસ્પદ વિચાર પણ આવ્યો, કે કદાચ સીતા તેમની સાથે સંતાકૂકડી રમીને તેમની મજાક ઉડાવતી હોય.
તેમની વેદનામાં દરિયાની ભરતી જેવો ઉછાળો આવ્યો, અને જાણે કે તેમની સમજશક્તિ ડૂબી ગઈ હોય એમ રામ એક પછી એક દરેક ઝાડને તેમના નામ સાથે બોલાવીને તેમની મદદની આજીજી કરવા લાગ્યા.
"અરે, અશોકવૃક્ષ! તારા નામને યથાર્થ કર અને મારી વેદનાને વીંખી નાખ. તને સત્યની જાણ હોવી જ જોઈએ. સીતા અત્યારે ક્યાં છે, એ મને બતાવ. અરે ઊંચી નાળિયેરી! તું તો સીતા ક્યાં છે, તે જોઈ શકતી જ હોઈશ. બોલ, એ ક્યાં છે?"
પ્રાણીઓને પણ એમણે પૂછવા માંડ્યું, "અરે વાઘ! હાથી અને હરણ તો મને સાચું કહેતાં ડરે છે. પણ તું તો એકદમ નીડર છો. શું બન્યું છે, એ તું તો મને કહી શકે એમ છો. તું બધું જાણે છે. એટલે મને સાચું કહે."
તેમણે બૂમ પાડી, "ઓહ, સીતા! તું ક્યાંક સંતાઈ ગઈ છો. હા, જો! જો ત્યાં! હું તને ત્યાં જોઉં છું! આવી બનાવટ કરવાનું છોડી દે. મારાથી તે જરા પણ સહન થાય એવું નથી."
લાંબા સમય સુધી આમ ભટક્યા કરીને, અને વ્યર્થ રુદન કરતાં કરતાં નિઃસાસા નાખતા રામ જમીન ઉપર પડ્યા. "હે લક્ષ્મણ! હે સીતા!" કોઈ ઊંડા ખાડામાં સપડાયેલા હાથીની જેમ રામે રાડ પાડી.
"લક્ષ્મણ, સીતા તો ક્યાંય નથી. રાક્ષસોએ તેને પકડી પાડીને, તેના ટુકડેટુકડા કરીને તેને હડપ કરી લીધી હોય એવું લાગે છે. હવે હું જરાપણ કઈ રીતે જીવી શકું? મારો અંત હવે હાથવેંતમાં છે. પણ ઉપરના લોકમાં આપણા પિતાજી મને જોશે તો તેઓ પૂછશે, 'અરે, બેટા! મારા આદેશનું પૂરેપૂરું પાલન કર્યા વગર તું અહીંયાં કેમ આવ્યો?' હું નિષ્ફળ ગયો છું. એકેએક બાબતમાં હું નિષ્ફળ ગયો છું."
લક્ષ્મણથી આ પરિસ્થિતિ સહન કરવી હવે જરા પણ શક્ય નહોતી. "ભાઈ, તમે આવી રીતે રડ્યા કરો તે યોગ્ય નથી," લક્ષ્મણે કહ્યું. "ચાલો, આપણે આખા જંગલમાં તપાસ કરીએ. તમે જાણો છો કે ભાભીને ગુફાઓ અને ઝાંખરાંઓમાં ફરવાનું બહુ ગમે છે. તે કદાચ નદીમાં સ્નાન કરતાં હોય, કે ફૂલો ચૂંટતાં હોય, કે કોઈ જગ્યાએ રમત રમતાં હોય. ચાલો, એકવાર ફરીથી આપણે બધે ફરી વળીએ. તે આપણી કસોટી કરતાં લાગે છે. ચાલો, ફરીથી શોધી વળીએ. રડવાનું બંધ કરો."
બંને ભાઈઓ ફરીવાર ટેકરીઓમાં, નદીકાંઠે અને પાણીનાં તળાવડાંઓમાં ફરી વળ્યા, પણ સીતાજીની ભાળ ન મળી.
"લક્ષ્મણ, સીતા તો દેખાતી નથી," રામે કહ્યું. "હવે હું શું કરું?"
લક્ષ્મણે વચનો દ્વારા રામને પ્રોત્સાહિત કરીને આશા બંધાવવાનો પ્રયત્ન કર્યો, પણ રામ તો અનાશ્વસ્ત હતા. "નહીં, નહીં, મારા ભાઈ! કોઈ આશા જણાતી નથી. કોઈ જગ્યાએ સીતા નથી. મેં તેને કાયમને માટે ખોઈ નાખી છે. હું હવે વધુ જીવી શકીશ નહીં."
થોડો સમય રામ અભાન અવસ્થામાં પડ્યા રહ્યા. પછી તેમણે સભાનતા પ્રાપ્ત કરી અને જોરથી રડવા માંડ્યા. લક્ષ્મણે જે કાંઈ કર્યું, તેનાથી રામને સધિયારો મળી શકે તેમ નહોતો.
"લક્ષ્મણ, હું અયોધ્યા કેવી રીતે પરત થાઉં? સીતાનો રાક્ષસો દ્વારા વધ થવા દઈને, અને તેનું શરીર તેમને હડપ કરવા દીધા પછી, હું એકલો પાછો જઈશ તો હું બધાનો હાંસીપાત્ર નહીં બનું? સીતાને સાથે વનમાં લાવ્યા પછી તેની સુરક્ષામાં નિષ્ફળ ગયેલો હું, જનક રાજાને શો ઉત્તર આપીશ?
"નહિ, તું એકલો જ અયોધ્યા પાછો જા. ત્યાં જઈને આપણી માતાઓના યોગક્ષેમનું ધ્યાન રાખજે. ભરતને મારાં અભિવંદન પહોંચાડજે અને તેને કહેજે કે રાજા તરીકે શાસન કરવાનું તે ચાલુ રાખે, એવી મારી અંતિમ ઇચ્છા છે."
તેમને આશ્વાસન આપવાના લક્ષ્મણના બધા પ્રયત્નો વ્યર્થ હતા. રામને તો જાણે કે પૂરેપૂરી ખાતરી થઈ હતી, કે રાક્ષસો સીતાનું અપહરણ કરી ગયા હતા, તેના શારીરિક ટુકડા કરી નાખ્યા હતા અને તેઓ તેને ખાઈ ગયા હતા. આ સમય દરમ્યાનની સીતાના મનની ભયાનકતાની લાગણી રામે પૂરેપૂરી વિગતથી આત્મસાત્ કરી હતી. એટલે ફરી અશ્રુ સારતાં તેમણે દુઃખ વ્યક્ત કર્યું: "મેં જરૂર ભયાનક પાપો કર્યાં હશે. એ સિવાય આવી વેદના મારા ઉપર શા માટે આવી પડે?
"હું તેની પૂરતી રક્ષા કરીશ એવું માનીને સીતા મારી સાથે આવી, ત્યારે તે રાક્ષસોનો શિકાર બની ગઈ, અને હું એ અંગે કંઈ કરી શકતો નથી! આ દુનિયામાં મારા જેવો બીજો કોઈ પાપી હશે ખરો?"
લક્ષ્મણ બોલ્યા, "તમે આમ હતાશ ન થાઓ. તમારે તો વધુ હિંમતવાન અને શક્તિશાળી થવાનું છે. દૃઢ મનોબળ નિયતિને મહાત કરી શકે છે. પણ તેને માટે તમારે સૌથી પહેલાં તમારી દુર્બળતાને મહાત કરવાની છે. ચાલો, આખા વનમાં ફરી પાછા આપણે તલસ્પર્શી તપાસ કરીએ. અનિવાર્ય આપત્તિને તાબે થવાને બદલે ચાલો, આપણે વધુ હિંમતવાન અને પ્રવૃત્ત બનીએ." રામ તો જાણે કે કંઈ સાંભળવા તૈયાર ન હતા.
અહીં રામની વર્તણૂક એક મનુષ્ય તરીકેની છે, વિષ્ણુના અવતાર તરીકેની નહીં. ભલે અન્ય સંદર્ભે તેમના શબ્દો અને કાર્યો જુદા દૃષ્ટિકોણને પુષ્ટિ આપે છે, તો પણ અહીંયાં તો વાલ્મીકિ રામને, એક પરમ દુર્ભાગ્યની દુઃખી છાયામાં વીંટળાયેલા એક સામાન્ય માણસ તરીકે જ રજૂ કરે છે.
તેમની લાગણી અને વર્તાવ અદ્દલ કોઈ ખાનદાન અને સદ્ગુણી માણસ — જેણે પ્રાણથી પણ પ્યારી પત્નીને રાક્ષસોથી ખદબદતા વનમાં ગુમાવી દીધી હોય — તેવી લાગણી અને વર્તણૂક જેવાં દર્શાવ્યાં છે. આપણે જોયું છે કે લક્ષ્મણના, રામને આશ્વાસન આપવાના બધા પ્રયત્નો નિષ્ફળ ગયા હતા.
રામના વિષાદ દ્વારા આપણો સામાન્ય માનવધર્મ પ્રતિપાદિત થયો છે. અહીં આપણને એક સદ્ગુણી પુરુષ અને સ્ત્રી વચ્ચેના સાચા અને સમાન પ્રેમની, અને તેના વિલોપનની ઝાંખી થાય છે.
આ પ્રસંગને રૂપકાત્મક રીતે પણ મૂલવી શકાય. રામ જ્યારે સીતાને ગુમાવે છે ત્યારની તેમની યાતના, જ્યારે જ્યારે કોઈ માનવ આત્મા પાપ દ્વારા વિલીન થાય છે ત્યારે ભગવાનના મનમાં થતી ગ્લાનિનું પ્રમાણ અને તેની છબીને પ્રગટ કરે છે.
કોઈ એમ પૂછી શકે કે ભગવાનને કંઈ ગુમાવવાનું હોય ખરું? ભગવાનને કોઈ માનસિક પીડા હોય ખરી? જો આપણને બરોબર આત્મસાત્ થાય કે સમગ્ર જીવન એ ભગવાનની લીલા છે, તો પછી બીજા કોઈ સ્પષ્ટીકરણની જરૂર રહેતી નથી. પાપ, પુણ્ય, નિષ્ઠા — આ બધાં તે દિવ્ય લીલાનાં જ પાસાં છે.
આપણામાંની એકેએક વ્યક્તિ પરમેશ્વરની લાડકી છે. આપણામાંનું કોઈ પણ ગમે તે કારણસર ધર્મના રસ્તા ઉપરથી બહાર ફેંકાઈ જાય ત્યારે, કોઈ પ્રેમીને પોતાની પ્રિયતમા ગુમાવવાની જે યાતના થાય, તે જ ઈશ્વરને પણ થાય છે. અને ઈશ્વરને થતી ગ્લાનિ પણ તેમની દિવ્ય લીલાનો જ એક ભાગ છે.
