ક્રોધ અને ગ્લાનિથી લાલચોળ આંખો સીતાજીએ ખોલી અને રાવણ સામે તાડૂક્યાં: "નરાધમ! તું તારી કીર્તિ, તારા મહાન ઉદ્ભવ અને શૌર્યની બડાઈ મારતો હતો, પણ તારો વર્તાવ શૂરવીર યોદ્ધા જેવો છે? તને તારી શરમ નથી આવતી? કોઈ પતિની ગેરહાજરીની પ્રતીક્ષા કરવી, પછી તેની પત્નીનું અપહરણ કરવું, અને એકાકી સ્ત્રીને — નજીકમાં તારો પ્રતિકાર કરવાવાળું કોઈ ન હોય ત્યારે — ઉઠાવી જવી: તારી આ બહાદુરી કોણ જાણે કેવા પ્રકારની છે?
"જે વૃદ્ધ પક્ષીએ મને બચાવવાનો પ્રયત્ન કર્યો, તેને મારી નાખવાની તારી બહાદુરીનું તો શું કહેવું? આશ્રમમાં તેં કરેલી વાતો કેવી વીરતાની હતી! દુનિયા જરૂર એ મહાનાયકને યાદ રાખશે, જેનામાં યુદ્ધ કરવાની હિંમત નહોતી, પણ ચોરી કરવાની તૈયારી હતી! જો તું ખરેખર કોઈ ઉદાત્ત કુટુંબમાંથી આવ્યો હો, તો તેના ઉપર તેં કેવું મોટું લાંછન લગાડ્યું છે!
"અને આમ મને ઉપાડી જઈને તું શું કરવાની આશા રાખે છે? હજી કેટલું લાંબું તું જીવવા માગે છે? ટૂંક સમયમાં જ રામનાં બાણો તને શોધી કાઢશે અને તારા જીવનનો અંત લાવશે. સમજી લે કે જે ક્ષણે રામની આંખો તારા ઉપર પડશે, તે સાથે જ તારું મૃત્યુ આવશે. છટકવાની આશા જ ન રાખતો. તેમના હાથે તારું મોત થવાનું નિશ્ચિત થઈ ગયું છે. તો પછી આવી છેતરપિંડી કરીને તને શું મળશે? હું કોઈ દિવસ તારી થવાની નથી. તારે તાબે થતાં પહેલાં હું મારો અંત આણીશ. અને તું મારા સ્વામીથી છટકી શકવાનો નથી, કારણ કે તેં તારા પર તેમનો પુણ્યપ્રકોપ વહોર્યો છે. જોતજોતામાં તું નર્કની વૈતરણી જોવાનો છો. ત્યાં તારી રાહ જોતી, અગ્નિથી લાલઘૂમ થયેલી મૂર્તિ તને આલિંગન આપશે. લોખંડની શૂળો ભરેલા વૃક્ષનું પણ એમ જ થશે. રામે એક કલાકમાં જ તારા સૈન્ય અને જનસ્થાનના અગણિત રાક્ષસોને વાઢી નાખ્યા હતા. તે તને છટકવા દેશે? તરત જ તે તને યમ પાસે મોકલી દેશે."
સીતાજીના આ ધૃણા અને ચેતવણીભર્યા શબ્દો વચ્ચે, રથ વગરનો રાવણ આકાશમાં તીરની ગતિથી લંકા તરફ જતો હતો. તેઓ ઘણા પર્વતો અને નદીઓ ઉપરથી પસાર થતા હતા, ત્યારે સીતાજીએ નીચે કેટલાક લોકોને પર્વતની ટોચ ઉપર ઊભેલા જોયા. તેમણે પોતાનો દુપટ્ટો કાઢ્યો અને પોતાનાં હીરાજડિત આભૂષણો તેમાં બાંધીને તેની પોટલી નીચે નાખી.
આમ કરવાનું કારણ એ હતું કે આ રીતે પડેલાં આભૂષણો રામ જુએ અને તેના ઉપરથી તેમને સંકેત મળે કે પોતાને કઈ દિશામાં લઈ જવામાં આવ્યાં હતાં.
પંપા સરોવર અને પછી સમુદ્ર પસાર કરીને રાવણ લંકાનગરમાં પ્રવેશ્યો. શોકમાં ડૂબેલાં સીતાજીને સાથે રાખીને તે પોતાના મહેલમાં ગયો. એ મૂર્ખ માનતો હતો કે કોઈ બહુ મોટી ભેટ લઈને આવ્યો હતો, પણ તે એક સ્ત્રીના સ્વરૂપમાં પોતાના મૃત્યુને જ સાથે લઈ આવ્યો હતો. પછી કેટલીક ભયાનક રાક્ષસીઓને બોલાવીને તેમને સીતાજી ઉપર પૂરતો જાપ્તો રાખવાનો આદેશ આપ્યો. ખાસ કરીને પોતાની રજા વગર કોઈ પણ તેમને ન મળે તેવો હુકમ પણ તેણે કર્યો.
"તેને જે જોઈતું હોય, તે બધું આપજો — કપડાં, સોનાના દાગીના, હીરા-મોતીનાં આભૂષણ, આ બધું આપજો. તમે મને જે સન્માન અને સેવા આપો છો, તેવી જ રીતે તેને પણ આપજો," તેણે ખાસ સૂચના આપી.
વળી તેણે ચેતવણી પણ આપી: "તેની લાગણી દુભાય એવો એક શબ્દ પણ જે કોઈ બોલશે, તેને મૃત્યુની સજા મળશે. કોઈએ જાણતાં કે અજાણતાં તેનાં દુઃખ કે ક્રોધ વધવાનું કારણ આપવાનું નથી."
આ રીતે સીતાજીને રાણીવાસમાં સ્થાયી કર્યા પછી, હવે શું કરવું તેના વિષે તેણે વિચાર્યું. રાવણે કેટલાક હોશિયાર જાસૂસોને બોલાવ્યા અને કડક આદેશ આપ્યો:
"તમે તાબડતોબ, ખરનું જે નિવાસસ્થાન હતું તે જનસ્થાનમાં જાઓ. ત્યાં કાળજીપૂર્વક તપાસ કરો કે રામ ત્યાં શું કરે છે. રામના જીવતાં હું સૂઈ શકું એમ નથી. તે મારો સૌથી મહાન દુશ્મન છે. તેનો કોઈ ને કોઈ રીતે વધ કરવો જોઈએ. જલદી જાઓ, બહાદુરીથી તમારું કામ કરો અને પાછા આવો."
સમુદ્રથી ઘેરાયેલા એક ટાપુના કિલ્લામાં કેદ થયેલાં સીતાજી જાણતાં નહોતાં કે પોતે ક્યાં છે, કે રામથી કેટલાં દૂર છે. જોકે તેમને અપેક્ષા હતી કે તેમના સ્વામી ગમે તે રીતે આવશે, રાવણને મારશે અને પોતાને મુક્ત કરશે.
દુઃખની ઘેરી લાગણી હોવા છતાં, પોતાના સ્વામીની શક્તિ અને પહોંચ વિશે જાણતાં હોવાથી તે માનસિક રીતે સ્થિર અને બહાદુર થઈ ગયાં હતાં. એક આશ્વાસન એ પણ હતું કે રાક્ષસોનો રાજા તેમની સાથે પાશવી વર્તણૂક કરતો નહોતો.
પોતાના જાસૂસોને જનસ્થાન મોકલ્યા પછી રાવણ પાછો સીતાજી પાસે આવ્યો. સીતાજીને દુઃખની ગર્તામાં ડૂબેલાં અને અશ્રુપાત કરતાં તેણે જોયાં. રાક્ષસીઓ સીતાજીનું કાળજીપૂર્વક ધ્યાન રાખતી હતી.
રાવણે વિચાર્યું કે જો સીતા તેની સમૃદ્ધિ અને શક્તિને જુએ, તો તેને શરણે આવે. એટલે તેમને ભવ્ય રાજમહેલમાં લઈ જવામાં આવ્યાં અને સમૃદ્ધિ અને ભવ્યતાની ઝાંખી કરાવવામાં આવી. પૃથ્વી ઉપરના કોઈ પણ રાજા પાસે આટલી બધી સમૃદ્ધિ અને મોજશોખનાં સાધનો નહોતાં.
સોનું, ઝવેરાત, અઢળક રેશમી વસ્ત્રો, અદ્ભુત રીતે સજાવેલા મંચ, વાહનો, મિનારાઓ, હજારો દાસીઓ અને રાજ્યશક્તિ તેમજ વૈભવનું એકેએક પ્રતીક — આ બધું સીતાજીને દેખાડવામાં આવ્યું. પણ સીતાજીના વિચારો તો બીજે કેન્દ્રિત થયા હતા.
રાવણે પોતાના સૈન્યની વિશાળતાનો દબદબો ઊભો કરવાનો પણ પ્રયત્ન કર્યો. પણ આમ હોવા છતાં સીતાજીએ તો પોતાના મનમાં રાવણ માટેનો પૂરેપૂરો અભિપ્રાય પહેલેથી જ ઘડી રાખેલો હતો; અને રાવણના પૂરા સામર્થ્યને સીતાજીએ બહુ આક્રમક શબ્દોમાં ધુત્કારી કાઢ્યું હતું.
તો પણ રાવણે ચાલુ રાખ્યું: "આ બધું જ તારે ભોગવવા માટે છે, એવું તારે માની લેવાનું જ છે. તું મારી રાણી થવાની જ છો. વળી તું મારે માટે મારા જીવનથી પણ વધુ પ્રિય થવાની છો. મારી ઘણી પત્નીઓ છે, પણ તું તે બધીની સ્વામિની બનીશ. હવેથી મારો પ્રેમ તારા માટે — માત્ર તારા માટે જ — હશે. મને ધ્યાનથી સાંભળ. મારી ઇચ્છાને પાર પાડ. મારો આ ટાપુ ચારેય તરફ સેંકડો માઈલો સુધી સમુદ્રથી ઘેરાયેલો છે અને હજારો સૈનિકો તેનું રક્ષણ કરી રહ્યા છે. આ નગરમાં કોઈ પણ પ્રવેશી શકે તેમ નથી. મારા સામર્થ્યની દેવો કે અસુરો બરાબરી કરી શકે એમ નથી. આની તે બધાને ખબર પણ છે. એટલે જ, વનોમાં ભટક્યા કરતા, પોતાના રાજ્યમાંથી હકાલપટ્ટી થયેલા એક ક્ષુદ્ર માનવજંતુને વળગી રહેવામાં તારું કયું સુખ કે આત્મગૌરવ રહેલું છે? અને તારા સૌંદર્યની સાથે તો તને મારી વૈભવી સમૃદ્ધિ જ શોભી ઊઠે. તારા યૌવનનાં વર્ષોને વેડફી ન નાખ. તારી આંખોથી હવે તું ક્યારેય પણ રામને જોઈ શકવાની નથી. આનો તારે સ્વીકાર કરવાનો જ છે. રામ આ નગર સુધી પહોંચી શકવાનો નથી. આ આખું સામ્રાજ્ય તારું જ છે એમ માની લે. મને અને બધા આજ્ઞાંકિત દેવોને તું તારા ગુલામ સમજી લે. અત્યાર સુધી, તારા પૂર્વભવના પાપને લીધે, તેં ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. હવે પછીથી તું મારી સાથે તારાં પુણ્યોનાં ફળનો આનંદ લઈશ. તું લંકાની રાણી અને કુબેર ઉપર વિજય મેળવનાર લંકાના સમ્રાટની પત્ની થઈશ. પુષ્પક વિમાનમાંથી ચાલ, આપણે પૃથ્વી ઉપરની પ્રદક્ષિણાનો આનંદ મેળવીએ. વેદનાનું વાદળ તારા ચહેરા ઉપરથી વિખેરાવા દે અને આનંદનો ચંદ્ર ઊગવા દે."
રાવણ આમ બોલતો હતો, ત્યારે સીતાજીની આંખમાંથી આંસુ વહેતાં હતાં. તેમણે સાડીના છેડાથી પોતાનો ચહેરો છુપાવ્યો, કારણ કે પોતે ભયભીત છે એવું પોતાના દુશ્મનને ન લાગે તેવું તે ઇચ્છતાં હતાં.
રાવણે આજીજી કરતાં સમજાવવાનું ચાલુ રાખ્યું: "શરમાવાની કોઈ જરૂર નથી. મારો સ્વીકાર કરવામાં કંઈ ખોટું નથી, શરમાવા જેવું કાંઈ નથી. હે સુંદરી! દૈવી ઉપહારનો તો સ્વીકાર જ કરવો જોઈએ, એ તો એક સ્થાપિત સત્ય છે. હું મારા મસ્તકને તારાં ચરણોમાં ઝુકાવું છું અને તારી કૃપાની ભીખ માંગું છું. હું તારો ગુલામ છું. મારી મહત્તા અને સામર્થ્યને ભૂલી જઈને હું આ જાતની કાકલૂદી તારી સંમતિ મેળવવા કરું છું. મારા જીવનમાં અગાઉ ક્યારેય પણ હું કોઈની પાસે આવો ઝૂક્યો નથી."
રાવણ ખરેખર માનવા લાગ્યો હતો કે તે સીતાની સ્વીકૃતિ અને પ્રીતિ મેળવી શકશે.
જેની માનસિકતા બહુ સ્પષ્ટ હોય, તે ગમે તે પરિસ્થિતિનો હિંમતપૂર્વક સામનો કરી શકે છે. એટલે જ, પોતાની દુઃખદ પરિસ્થિતિ છતાં, સીતાજી રાવણ સામે નીડરતાથી બોલ્યાં. બોલતાં પહેલાં તેમણે ઘાસનું એક તણખલું રાવણ અને પોતાની વચ્ચે મૂક્યું.
પંચવટી ખાતે સીતાજીએ આપેલાં ફળો સામે બેઠેલા, સંન્યાસીના વેશવાળા રાવણે આત્મશ્લાઘાભર્યા શબ્દો પોતાના વિશે કહ્યા હતા. કેદ થયેલાં સીતાજી, જાણે કે, અત્યારે એ શબ્દોનો પડઘો પાડતાં હતાં:
"હું કોણ છું, તે તું જાણી લે. દશરથ રાજાની પ્રખ્યાતિ ત્રિભુવનમાં પ્રસરેલી હતી. લાંબા કાળખંડમાં તેમનું શાસન વિસ્તર્યું હતું, અને સત્ય અને ધર્મના સંરક્ષણના તેઓ અડગ આધારસ્તંભ સમાન હતા. દેવો જેવી પ્રતિભા અને સિંહ જેવું સામર્થ્ય ધરાવનાર તેમના પુત્ર રામ મારા પતિ છે. તે અને તેમના ભાઈ લક્ષ્મણ ચોક્કસ તારું જીવન હરી લેશે. મારા સ્વામીએ ખર અને તેના સૈન્યનો જનસ્થાન ખાતે કેવો કચ્ચરઘાણ વાળ્યો હતો, તે તું જાણે છે. કોઈ ગરુડ ઝેરી સાપને જે ઝડપથી ગ્રસી લે, તેમ મારા સ્વામીએ જનસ્થાનમાં તારા પ્રચંડ સૈન્યને નામશેષ કરી નાખેલું. તને કોઈ દેવ કે અસુર મારી શકે નહીં એવું વરદાન તેં પ્રાપ્ત કરેલ હોવાથી, રામને તારા દુશ્મન બનાવવાની તેં ધૃષ્ટતા કરી છે. તું માને છે કે તારું વરદાન તને બચાવશે. પણ હું સ્પષ્ટ કરું છું કે હવે તું છટકી શકવાનો નથી. તેમના હાથે તારું મૃત્યુ અચૂકપણે થવાનું છે. હવે તારી દશા યજ્ઞવેદીના બલિસ્તંભ સાથે બાંધેલા બકરાની જેમ વધેરાવવામાં જ રહેલી છે. રામની આંખો જેવી તારા ઉપર કેન્દ્રિત થશે, તે ભેગો જ તું તારા મૃત્યુને પામીશ. તને મારવા અને મને પુનઃપ્રાપ્ત કરવા જરૂર લાગશે તો મારા સ્વામી સમુદ્રને સૂકવી નાખશે, કે ચંદ્રને નીચે લાવશે. હવે નિશ્ચિત છે કે તારાં પાપો તારો નાશ અને તારા રાજ્યનો સત્યાનાશ નોતરશે. મારા ઉદાત્ત સ્વામી રાક્ષસોની વચ્ચે વનોમાં નિર્ભયતાથી વિચર્યા છે. જે રાક્ષસોએ તેમનો સામનો કર્યો, તેમનો એક મહાનાયકની જેમ તેમણે યુદ્ધ કરીને વિનાશ કર્યો છે. તેં તો એક ચોરની જેમ તેમની ગેરહાજરીમાં મારું અપહરણ કર્યું છે. પણ હવે તું છટકી શકીશ નહીં. તારી નિયતિએ તને આ ઘોર પાપ કરવા પ્રેર્યો છે, કારણ કે તારો નાશ અને તારી જાતિનો સર્વનાશ હવે હાથવેંતમાં છે.
"તું મને તારો સ્વીકાર કરવાનું કહે છે. કેટલી મૂર્ખાઈ! કોઈ કાગડો હંસની સામે જઈ શકે? કોઈ જઘન્ય પાપીને યજ્ઞની પવિત્ર વેદી પાસે જવા દેવાય? મારે માટે શરીર કે જીવનનું કોઈ મહત્ત્વ નથી. તું એવું ધારે છે, કે દુનિયા મારી ધૃણા કરે એવું જીવન જીવવા હું માગતી હોઈશ? તું સ્વપ્નમાં પણ એવું ન ધારતો કે ભયને લીધે અથવા તો મારી જિંદગી બચાવવા હું તને તાબે થાઉં."
આટલું બોલ્યા પછી સીતાજીએ મૌન ધારણ કર્યું.
"ઓહો, તો એમ છે?" રાવણ બોલ્યો. "તો ઠીક છે. હું તને બાર મહિનાની મુદત આપું છું. જો મારો સ્વીકાર કરવામાં તું સંમત થા, તો ચાલશે. પણ આ મુદતને અંતે પણ તું જો મારો અસ્વીકાર કરીશ, તો મારા રસોઇયાઓ તારા શરીરના માંસનો ઉપયોગ મારા નાસ્તા માટે કરશે."
સીતાજીને આવી આગ્રહ આપ્યા પછી રાવણે દાસી રાક્ષસીઓને આદેશ આપ્યો: "તમારે આના જક્કી ઘમંડને એક યા બીજી રીતે તોડવાનો છે. તેને અશોકવનમાં એકલી મૂકી દ્યો, અને ભય તેમજ પ્રલોભનનો કુનેહપૂર્વક ઉપયોગ કરીને તેની સાન ઠેકાણે લાવી દ્યો. આપણે જેમ ગાંડી હાથણીને કાબૂમાં લઈએ, એમ તમારે આ કાબૂમાં આવે એ રીતે તાલીમ આપવાની છે." આમ કહીને રાવણ ક્રોધથી પોતાના રાજમહેલમાં ગયો.
રાક્ષસીઓ સીતાજીને અશોકવનમાં લઈ ગઈ. રાણીઓના મહેલ સાથે જોડાયેલો આ બાગ બહુ સુંદર હતો. બધાં વૃક્ષો ફૂલો અને ફળોથી લચકતાં હતાં. રૂપાળાં પક્ષીઓ તેમાં ક્રીડા કરતાં હતાં. આ જગ્યાએ, ભયંકર કદરૂપી રાક્ષસીઓથી ઘેરાયેલી હાલતમાં કેદી તરીકે, તેમની ચોકી વચ્ચે સીતાજીએ રહેવાનું હતું.
દુઃખથી ઘેરાયેલાં હોવા છતાં સીતાજીને વિશ્વાસ હતો, કે રામ અને લક્ષ્મણ ગમે તેમ કરીને પોતે ક્યાં છે તેની ભાળ મેળવી લેશે, પોતાનો છુટકારો કરાવશે, પોતાના સ્વામી રાવણનો નાશ કરશે અને પોતાની સાથે સુખી જીવન જીવવા તેમને પાછાં લઈ જશે.
આ મક્કમ વિશ્વાસના ટેકાને લીધે તે હવે ધમકીઓથી ડરતાં નહોતાં, તેમજ પ્રલોભનોથી છેતરાતાં નહોતાં. ફક્ત એક-બે દિવસ માટે નહીં, પણ મહિનાઓ સુધી અશોકવનની આ બંદિની દુઃખ ભોગવ્યા કરતી હતી.
હજી એ દિવસ બહુ દૂર હતો, જ્યારે મહાન હનુમાન સમુદ્રને પાર કરીને દુઃખી સીતામાતાની મુલાકાત લે, અને તેમને આશાભરેલો પ્રેમ અને મુક્તિની ખાતરી આપતો સંદેશ આપે: "રામનો તમારે માટેનો પ્રેમ અનંત છે. બસ, હવે તેઓ ટૂંક સમયમાં જ આવશે. તમારે જરાપણ ડરવાની જરૂર નથી."
આપણા દેશની ઘણી બધી સ્ત્રીઓ, જે કોઈ પણ યાતનાથી ઘેરાયેલી હોય, તે બધી સીતાજીની નાની પ્રતિકૃતિ જ હોય છે. આપણા બધા પુરુષો પણ જો આ દુઃખી સ્ત્રીઓ માટે હનુમાન જેવા પવિત્ર અને પરાક્રમી સહાયકો થાય, તો કેવું સારું!
હવે આપણે રામ અને લક્ષ્મણ પાસે જઈશું.
