# પ્રકરણ – ૩૬ ## જટાયુ — પરોપકારી પક્ષી
"અરે રે, અરે રે! ઓહ સીતા! ઓહ લક્ષ્મણ!" રામના અવાજમાં મારીચે આવી બૂમ પાડી હતી. અને સીતાજી ભ્રમિત થયાં હતાં. વાવાઝોડામાં કાંપતાં કેળનાં ઝાડની જેમ ધ્રૂજતાં ધ્રૂજતાં સીતાજીએ બૂમ પાડી, "લક્ષ્મણ, તમે તમારા ભાઈનો અવાજ ન સાંભળ્યો? દોડો, દોડો, જલદી તેમની મદદે જાઓ."
ભયના આવેશમાં અને લક્ષ્મણની જવાની અનિચ્છા દેખાતાં, વેદના અને આતુરતા અનુભવતાં સીતાજીએ ફરી ફરીને લક્ષ્મણને અનુરોધ કર્યો, "મારા સ્વામી સંકટમાં હોય, તેવો તેમનો અવાજ મેં સાંભળ્યો. એટલે જલદી જાઓ. વાર ન કરો! તેમના ઉપર કોઈ મુશ્કેલી આવી લાગે છે. આપણી મદદની માગણી કરતો તેમનો અવાજ તમે ન સાંભળ્યો? હજી અહીંયાં કેમ ઊભા છો? તમારા ભાઈ રાક્ષસોથી ઘેરાઈ ગયા લાગે છે અને તમારી મદદ માગે છે, એમાં કોઈ શંકા નથી. તેમની મદદે દોડી જવાને બદલે, તમે હજી અહીંથી કેમ હલતા નથી!"
રાક્ષસોના કપટને લક્ષ્મણ જાણતા હતા અને તેમના ભાઈનો આદેશ તેમને યાદ હતો. અહીંથી તે ડગી શકે તેમ શક્ય નહોતું.
ભય અને શંકાથી ઘેરાયેલી વેદનાને લીધે સીતાજીનો ગુસ્સો પ્રબળ થયો. પોતાના બંને હાથથી છાતી કૂટીને તે અનિયંત્રિત ક્રોધમાં બોલવા લાગ્યાં: "સુમિત્રાના પુત્ર! તું પણ શત્રુ બની ગયો છો? અત્યાર સુધીનાં બધાં વર્ષો દરમ્યાન તું છદ્મવેશી જ હતો? આ બધાં વર્ષો તું રામના મૃત્યુની જ રાહ જોયા કરતો હતો? તેમના સખા હોવાનો દેખાવ કરીને તું તેમના મૃત્યુની અને પછી મને પ્રાપ્ત કરવાની આશા જ રાખ્યા કરતો હતો? કારણ કે બાકી તું આમ દુષ્ટ અને નિર્માલ્ય રીતે, જ્યારે રામ પોતાને બચાવવા તારી મદદ માગતા હોય ત્યારે, આમ અસ્વીકાર કરતો ઊભો ન રહ્યો હોત. ઠગારા! ઢોંગી!"
સીતાજીના આ કઠોર શબ્દોએ લક્ષ્મણના હૃદયને ઝેરી તીરની જેમ વીંધ્યું. સીતાજીના ક્રોધનાં આંસુ વચ્ચે તે પૂરી નમ્રતાથી બોલ્યા, "વૈદેહી! રામ દુનિયાના કોઈ પણ દુશ્મનનો સામનો કરીને તેનો નાશ કરી શકે છે. ગભરાવાની કોઈ જરૂર નથી. ઓ માતૃતુલ્ય ભાભી, તમે શાંત થાઓ. આખા વિશ્વમાં રામને સ્પર્શી શકે, કે તેમને હાનિ પહોંચાડી શકે એવું સક્ષમ કોઈ નથી. હે માતા! આપે હમણાં જે કાંઈ કહ્યું તે આપને શોભતું નથી. ભય કે દુઃખ પામવાની કોઈ જરૂર નથી. તમને જે ગમ્યું તે મૃગના શરીર સાથે રામને પાછા આવતા તમે હમણાં જ જોશો.
"આપણે જે અવાજ સાંભળ્યો, તે રામનો નહોતો. તે રાક્ષસનું તરકટ હતું. એટલે તેનાથી છેતરાવાની કે દુઃખી થવાની કોઈ વાત જ નથી. મારા ભાઈએ મને અહીંયાં જ તમારી સુરક્ષા માટે રોક્યો છે. એટલે તમને એકલાં મૂકીને મારા જવાની વાત મૂકી દ્યો. હું મારા ભાઈની અવજ્ઞા નહીં કરું. આપણે જનસ્થાનના રાક્ષસોનો વધ કર્યો, ત્યારથી તેમના લોકો જુદી જુદી રીતે બદલો લેવાની હરકતો કરી રહ્યા છે. એટલે આપણે તેમનાં કૃત્રિમ સ્વરૂપ અને અવાજથી ભરમાવું ન જોઈએ. એ મદદ માગતો અવાજ રામનો નહોતો. તમારે જરા પણ ભયભીત થવાની જરૂર નથી."
પણ સીતાજીનો ગુસ્સો કકળાટમાં ફેરવાઈ ગયો. અને ગુસ્સાવાળી લાલ આંખોથી તેમણે ભયાનક શબ્દો ઉમેર્યા: "ભાઈની આજ્ઞાને નામે તું જેનો લાભ લેવા માગે છે, અને તેમની યાતના અને ચીસ સાંભળ્યાં છતાં અહીંથી હજી સુધી હાલતો નથી — એટલે તું તેમનો અંત આવવાની રાહ જુએ છે? અરે રે! આ બધાં વર્ષો પૂરી સફળતાથી તું અમને બંનેને — રામને અને મને — છેતરતો જ રહ્યો ને? ભાઈ કહેવાતો હલકટ, દુષ્ટ, સ્વાર્થી નરાધમ! અરે, જૂઠા પરિજન, રામ કારમા સંકટમાં સપડાયા છે, તેનો તને આનંદ થાય છે? તું વનમાં અમારી સાથે શું કામ આવ્યો, તેનો હવે મને ખ્યાલ આવે છે. તું ભરત સાથેની કોઈ સમજૂતીમાં હતો? તમે બધા મારા સ્વામીના દુશ્મનો બની ગયા છો? તમે બધા ભેગા થઈને કોઈ દુષ્ટ કાવતરું રચ્યું છે? હું જે રામની સદાની અર્ધાંગિની રહી છું, તે ક્યારેય પણ તારા કે તે બીજા તરફ જોઈશ પણ ખરી? રામ જ્યારે મૃત્યુ પામશે, ત્યારે હું પણ તેમની સાથે મૃત્યુ પામીશ. આ વાત તું અચૂક સમજી લે."
સીતાજીના ગુસ્સાભર્યા આ પ્રલાપથી લક્ષ્મણ સાવ ભાંગી પડ્યા. ઝેરી બાણ જેવા સીતાજીના શબ્દોએ લક્ષ્મણને વીંધી નાખ્યા. તેમના વાળ ઊભા થઈ ગયા. તેમણે બંને હાથ વિનમ્રતાથી જોડ્યા અને કહ્યું, "હે મા! હે દેવી! તમારા મુખેથી આવા શબ્દો કઈ રીતે પ્રગટ થઈ શકે છે? મારા કાનને તે ધગધગતા લોખંડની જેમ ડામ દે છે. તમારા આ બધા વિચારો ક્રૂર અને અન્યાયી છે. બધા દેવોને સાક્ષીરૂપ માનીને હું સોગંદપૂર્વક કહું છું, કે તમારી શંકા નિરર્થક છે. હવે મને ખ્યાલ આવે છે કે અંતે તો તમે પણ, બીજા લોકોને ઝડપથી દૂષિત માની લેવાવાળી બીજી સામાન્ય સ્ત્રીઓ જેવાં જ છો. મને તો ખરેખર એવો ભય લાગે છે કે તમારા ઉપર કોઈ કારમું સંકટ તોળાય છે. તે સિવાય તમે મારા વિષે આવું ખરાબ વિચારી કે બોલી શક્યાં ન હોત."
આ સાથે નિર્દોષ લક્ષ્મણ, તે બધાં ઉપર મંડરાતી કોઈ કારમી આપત્તિના ભયથી ધ્રૂજવા માંડ્યા.
પણ સીતાજીએ કહ્યું, "હવે જાણી લે. આટલામાં પૂરતા પ્રમાણમાં ઈંધણ પડ્યું છે. તેમાં આગ ચાંપીને હું કૂદી પડીશ. અથવા તો હું ગોદાવરીમાં ડૂબી મરીશ. અથવા તો, તું જો તાબડતોબ રામની મદદે નહીં જા, તો હું લટકીને મરી જઈશ. એટલે, ફરી એકવાર હું તને પૂછું છું કે તું જઈશ, કે હું જાઉં?"
સીતાજીએ છાતી કૂટી અને કલ્પાંત કર્યું. લક્ષ્મણથી હવે વધુ સહન થઈ શક્યું નહીં. પ્રણામ કરતા હોય તેમ બંને હાથ ઊંચા કરીને તે બોલ્યા, "ભલે, ભલે, ભાભી! હું તમારી આજ્ઞા પાળીશ અને મારા ભાઈના આદેશને ઉથાપીશ. હું તમને એકલાં મૂકીને જઈશ. ઈશ્વર તમને એકલાં સુરક્ષિત અને હેમખેમ રાખે! વનદેવતાઓ તમારી રક્ષા કરે. હું તમારા આદેશ મુજબ હવે જાઉં છું. મને અપશુકનો દેખાય છે. હું ભયથી ઘેરાઈ ગયો છું. ફરી પાછો હું તમને રામની સાથે ક્યારે જોઈ શકીશ, તેનો મને ભય છે. તો પણ હું જરૂર જઈશ!"
આમ, અનિચ્છાએ, અવારનવાર પાછળ જોતાં જોતાં લક્ષ્મણે વિદાય લીધી.
ભારે હૃદય સાથે, ગુસ્સા અને દુઃખના ભારણ સાથે લક્ષ્મણ આગળ વધ્યા. સીતાજીના નિર્દય શબ્દો સાંભળવાનું તે કઈ રીતે સહન કરી શકે? તે એમને કઈ રીતે ભૂલી પણ શકે? પોતાના ભાઈ સાથે રહેવા માટે જે રાજકુમારે પોતાનું સર્વસ્વ હોમી દીધું હતું, તેમનું હૃદય બહુ વેદનાપૂર્વક ઘવાઈ ગયું હતું.
રામે જે દિશા પકડી હતી, તે દિશામાં લક્ષ્મણ પણ આગળ વધ્યા. આ ક્ષણની રાહ જોઈને ઊભેલો રાવણ હવે રામના આશ્રમ તરફ આગળ વધ્યો. તેણે કોઈ તપસ્વી સાધુનો સ્વાંગ ધારણ કર્યો. સ્વચ્છ ભગવાં વસ્ત્રોમાં અને મુખેથી વેદની સુંદર ઋચાઓ બોલતા આ તપસ્વીના હૃદયમાં તો જઘન્ય પાપ ભરેલું હતું.
સીતાજી આશ્રમના પ્રવેશદ્વાર પાસે ઊભાં હતાં. રામના આવવાની ઉત્કટ રાહ જોતી તેમની આંખો વનની દિશામાં કેન્દ્રિત થઈ હતી. રાવણે સીતાને જોયાં.
તે સાથે જ શૂર્પણખાએ તેના હૃદયમાં રોપેલી કામનાનાં મૂળ ઊંડાં ગયાં અને તત્કાળ અનિયંત્રિત બની ગયાં. હવે સીતાને મેળવવાનો તેનો નિર્ધાર દૃઢ થયો.
આ પરિવ્રાજક તપસ્વીને ભગવાં વસ્ત્રોમાં અને કમંડળ તેમજ દંડ સાથે જોઈને સીતાજીએ આદરપૂર્વક તેનું અભિવાદન કર્યું. સંન્યાસીઓ સાથેનો આ પ્રકારનો આદરભાવ પરંપરા મુજબનો હતો. રાવણે સરભરાની યાચના કરી. ફરજના ભાન સાથે સીતાજીએ તેને આસન આપ્યું અને તેની સામે રિવાજ મુજબ ફળો અને કેટલાંક કંદ ધર્યાં.
સાધુએ આસન લીધું અને ફરીથી સીતાજી સામે જોયું. તેની મનોકામના વધુ પ્રબળ બની. રાક્ષસ અને પાપી હોવા છતાં તેને એવી લાગણી પેદા થઈ કે તેણે સીતાનું હૃદય જીતવું. સીતા ઉપર આક્રમણ કરીને નહીં, પણ પોતાની પત્ની તરીકે સીતાની સંમતિ મેળવીને તેને પ્રાપ્ત કરવાની રાવણની ઇચ્છા હતી. લંકાધિપતિ સીતાને મનાવવાની ઇચ્છા અને અપેક્ષા રાખતો હતો. તે વિચારતો હતો કે તેની સંપત્તિ અને શક્તિને વશ થઈને સીતા દરિદ્ર એવા રામને છોડી પોતાને સ્વીકારે. તેને એમ પણ લાગ્યું કે રામને કલંકિત કરવાનો અને પાઠ ભણાવવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો. તેની ધારણા હતી કે સીતા પણ બીજી કેટલીક પરિચિત સ્ત્રીઓની જેમ માની જશે.
સીતાજીએ ધરેલાં કંદ અને ફળોની સામે બેઠાં બેઠાં આ તપસ્વીએ, સાચા તપસ્વીને ન શોભે તેવી રીતે, સીતાના સૌંદર્યની પ્રશંસા કરવાની શરૂઆત કરી. તેણે તેમના શારીરિક સૌંદર્ય ઉપર ભાર મૂકતાં કહ્યું: "તું કોણ છે? રાક્ષસો અને જંગલી પશુઓવાળા આ વનમાં તું એકલી કેમ છો?"
સીતાજીને બહુ આશ્ચર્ય થયું, પણ તેમણે પ્રશ્નોના ઉત્તર આપ્યા. તેમની અપેક્ષા હતી કે રામ તાત્કાલિક પાછા ફરશે. એટલે તેમની આંખો બારણાં સામેની કેડી ઉપર મંડાયેલી હતી.
ધીમે ધીમે આગંતુકે પોતાની ઓળખાણ છતી કરી. અને જન્મથી જ તેની મહાનતા, તેનો પરિવાર તેમજ સંપત્તિ અને સત્તાનો પરિચય આપ્યો. પોતાની મહાનતાની વાત કર્યા પછી તેણે રામની તુચ્છતા ઉપર ભાર મૂક્યો અને સમાપનમાં જણાવ્યું:
"તું મારી પત્ની થા અને મારી સાથે લંકામાં વૈભવી જીવન પસાર કર. ચાલ, આપણે જઈએ!"
આવી અણધારી પરિસ્થિતિમાં સીતાજીની પવિત્રતાએ આ શક્તિશાળી દૈત્યનો સામનો કરવાની હિંમત આપી. તે કોણ હતો તેની સીતાજીને હવે જાણ થઈ ગઈ હતી.
"નાલાયક, દુષ્ટ! તારો નાશ હવે હાથવેંતમાં છે. તું જો જીવતો રહેવા માગતો હો, તો તાત્કાલિક આશ્રમ છોડીને ચાલ્યો જા!" ગુસ્સે થયેલા કાળા નાગના ફૂંફાડાની જેમ સીતાજીએ કહ્યું.
રાક્ષસનો ક્રોધ બેકાબૂ બન્યો. તરત જ પોતાના છદ્મવેશ અને નમ્રતાના ઢોંગને તેણે ફગાવ્યો અને પોતાની સાચી ઘમંડી ધૃષ્ટતાને ધારણ કરી. એક હાથે તેણે સીતાજીનો ચોટલો પકડ્યો અને બીજા હાથે તેમને ઉઠાવીને, વૃક્ષો પાછળ રાખેલા તેના રથમાં લઈ જઈને બળજબરીથી બેસાડ્યાં. તરત જ સીતાજી સાથેનો તેનો રથ અધ્ધર ઊડવા માંડ્યો.
સીતાજીએ જોરથી બૂમ પાડી: "ઓ મારા સ્વામી! મારા રામ! અરે અમારા સૌથી વફાદાર સખા લક્ષ્મણ! મારી હઠીલી ભૂલથી મેં તને શા માટે વનમાં દોડાવ્યો?"
રાક્ષસે બળથી સીતાજીને અંદર બેસાડ્યાં અને ઊડતા રથને નિયંત્રણમાં લીધો. સીતાજીએ નીચે પસાર થતાં વૃક્ષો અને વનસ્પતિને પ્રાર્થના કરી કે તેઓ રામને પોતાની દુર્દશાની વાત કરે.
ત્યાં એવું બન્યું કે, એક વૃક્ષ ઉપર તંદ્રાવસ્થામાં સૂતેલા વૃદ્ધ જટાયુનું ધ્યાન ઊડતા રથ ઉપર પડ્યું. કોઈ સ્ત્રીની દુઃખી ચીસ સાંભળીને તે આશ્ચર્યચકિત થયો અને એક જ ક્ષણમાં પૂર્ણ સભાનતામાં આવ્યો. સીતાજીના અવાજને તેણે પારખ્યો. સીતાજીએ પણ તેને જોયો અને પોતાને બચાવવા માટેની આજીજી કરી.
સીતાજીની આ દયનીય હાલત જોઈને જટાયુનું લોહી ઊકળ્યું અને પોતે રથને અવરોધવા સામે ધસ્યો. તેણે બૂમ પાડી: "ઊભા રહો! ઊભા રહો! આ બધું શું છે?"
સીતાજીએ રડતા અવાજમાં કહ્યું, "લંકાનો રાજા મને બળપૂર્વક લઈ જાય છે. પણ અમારા વૃદ્ધ મિત્ર! આ અટકાવવા તમે તો શું કરી શકો? પણ હા! ઊડીને રામ અને લક્ષ્મણ પાસે જાઓ અને મારી આ નિઃસહાય દશાની વાત કરો!"
પણ જટાયુના લોહીમાં લડાયકતા હતી. તેના ભવ્ય પૂર્વજોની પેઢીઓથી લોહીમાં વણાયેલી આક્રમકતા વહેતી હતી. આકાશ ઉપર તેમનો પૂરતો કાબૂ હતો. તેઓ તદ્દન નિર્ભય હતા. જટાયુનું આ લોહી ધગી ઊઠ્યું. રાવણ કે તેના સામર્થ્યની તેને દરકાર નહોતી. અત્યારે તો તેણે એક રાજકુમારીને મુશ્કેલ હાલતમાં જોઈ. તેના મિત્ર દશરથની તેને યાદ તાજી થઈ. તેણે રામને આપેલું વચન પણ યાદ આવ્યું. એટલે તેણે નિર્ધાર કર્યો, કે આ અત્યાચાર પોતે જીવે છે ત્યાં સુધી તો તેણે અટકાવવો જ પડશે.
તેણે હવે રાવણને સીધો પડકાર્યો: "એય રાજા, હું ગૃધ્રરાજ જટાયુ છું. તારી જેમ જ રાજા છું. એટલે બંધુ! મને ધ્યાનથી સાંભળ. આ દુષ્ટ કર્મ કરવું છોડી દે. આવું શરમજનક પાપ કરનારો તું, તારી જાતને રાજા કેવી રીતે કહી શકે છે? સ્ત્રીઓના સન્માનનું રક્ષણ કરવાની તો રાજાની ફરજ નથી? અને સીતાજી તો રાજકુમારી છે. હું તને ચેતવી દઉં છું, કે જો તું તેમને મુક્ત કરીને જવા નહીં દે, તો તારો ચોક્કસ વિનાશ થશે. તેમની માત્ર એક નજર તને બાળીને ભસ્મ કરી નાખશે. તું તારા હૃદયમાં ઝેરી નાગ સંઘરીને ફરે છે. યમનો પાશ તારી ડોકને ફરી વળ્યો છે અને તને તારા સત્યાનાશ તરફ ઢસડી રહ્યો છે.
"હું વૃદ્ધ છું, નિઃશસ્ત્ર છું. તું હજી નાનો છો, શસ્ત્રસજ્જ છો અને રથમાં આરૂઢ થયેલો છો. તો પણ તું સીતાજીને ઉપાડી જતો હો, તે હું જોઈ શકીશ નહીં. રામની પીઠ પાછળ આવું નિર્માલ્ય કામ તું શા માટે કરે છે? રામની સામે તારે કોઈ અદાવત હોય, તો સામસામો થઈ જા ને! ઠીક છે, તું મારાથી દૂર ઊડી જઈશ, કેમ ને? હું જીવતો છું, ત્યાં સુધી તું કોઈ પણ હિસાબે છટકી નહીં શકે! મને તારા રથ, તારાં દસ મસ્તક કે તારાં ઝબકતાં શસ્ત્રોની જરાપણ પડી નથી! તારાં મસ્તકો, જે ધરતીને તેં તારી હાજરીથી પ્રદૂષિત કરી છે, તેના ઉપર ગબડી જાશે. તારા રથમાંથી હેઠો ઊતર, અને જો તું ચોર અને બાયલો ન હો તો યુદ્ધ કર!"
રાવણનો ક્રોધ ભભૂક્યો. તેણે જટાયુ ઉપર આક્રમણ કર્યું. પ્રચંડ વાયુ અને ભીમકાય વરસાદી વાદળાં વચ્ચેના ઘર્ષણ જેવો આ સંઘર્ષ હતો. વન ઉપરના આકાશમાં આ લડાઈ જામી હતી. જટાયુ કોઈ ઊડતા પર્વતની જેમ લડતો હતો.
રાવણે જીવલેણ બાણોથી તેના ઉપર મારો કર્યો. પણ ગૃધ્રરાજે તે બધાંને અટકાવ્યાં અને પોતાના પંજાથી રાવણનું માંસ ફાડી ખાધું. રાક્ષસે ક્રોધ સાથે સાપ જેવાં ઊડતાં અસ્ત્રો પક્ષી ઉપર ફેંક્યાં.
આ પક્ષીવીર બહુ ગંભીર રીતે ઘવાયો હતો, છતાં નિર્ભય રીતે લડતો હતો. સીતાજી આ અસંતુલિત સંઘર્ષને અશ્રુભીની આંખે અને ધબકતા હૃદયે જોઈ રહ્યાં હતાં. તેમની હાલત જોઈને જટાયુ વધુ ખુન્નસ સાથે રાવણ ઉપર આક્રમણ કરતો હતો. પણ તેની ઉંમર હવે તેનામાં દેખાતી હતી, અને તેને લાગ્યું કે હવે પોતાની બધી શક્તિને કેન્દ્રિત કરીને જીત માટેનો અંતિમ પ્રયત્ન તેણે કરવો જોઈએ. પોતાને થયેલી ઈજાને અવગણીને તેણે પોતાની પાંખોથી રાવણ ઉપર જબરજસ્ત હુમલો કર્યો — રાવણના રત્નજડિત મુગટને જમીન ઉપર પટકાવ્યો તેમજ રાવણનું ધનુષ્ય તોડ્યું. રથ ઉપર હુમલો કરીને તેનાં રાક્ષસી મુખવાળાં ખચ્ચરોનો અંત આણ્યો, સારથિ માર્યો અને રથના સેંકડો ટુકડા કર્યા. રાવણ જમીન ઉપર પડ્યો, તો પણ સીતાજી તેની પકડમાં જ હતાં. પ્રાકૃતિક તત્ત્વોએ રાવણના આ પતનને વધાવ્યું.
આ શૂરવીર વૃદ્ધ પક્ષીએ રાવણની પીઠ ઉપર તરાપ મારી અને માંસના લોચા કાઢી નાખ્યા. રાવણે જે હાથથી સીતાજીને પકડ્યાં હતાં, તે હાથને ઝપટ મારીને કાપી નાખ્યો. પણ રાવણને વીસ હાથ હતા, એટલે એક હાથ કપાય એટલે તરત જ બીજો હાથ તેની જગ્યા લઈ લેતો, અને સીતાજી તેની પાશવી પકડમાં નિઃસહાયતા અનુભવતાં.
અંતે રાવણે સીતાજીને છોડ્યાં અને મ્યાનમાંથી તલવાર કાઢીને પક્ષીની પાંખો અને પંજા કાપી નાખ્યા. હવે આ વૃદ્ધ પક્ષી સાવ લાચાર બન્યું અને જમીન ઉપર નિશ્ચેતન અવસ્થામાં પડ્યું.
જાનકીએ દોડીને જટાયુને આલિંગન આપ્યું. વિલાપ કરતાં તેમણે કહ્યું, "હે પિતાતુલ્ય! મારે માટે તમે તમારા જીવનની આહુતિ આપી છે. તમે મારા સ્વામીના બીજા પિતા સમાન છો! અને હવે તમે નથી. અરેરે, અમારા શૂરવીર અને નિષ્ઠાવાન સખા!"
પછી રાવણ સીતાજી તરફ ફર્યો અને તેમને ઊંચકી લીધાં. લાચારીથી તે આમતેમ ભાગ્યાં, રુદન સાથે નજીકનાં વૃક્ષોને વળગ્યાં અને બોલ્યાં, "ઓ રામ, તમે ક્યાં છો? ઓ લક્ષ્મણ, ક્યાં છો? મારા બચાવમાં તમે નહીં આવો?" અંતે રાક્ષસે તેમને પકડ્યાં અને આકાશમાં ઊંચે ઊડવા લાગ્યો.
કાળા ભીમકાય શરીરવાળો રાવણ સીતાજીને જકડી રાખીને આકાશમાં ઊડવા લાગ્યો. તેની પકડમાંથી છૂટવા માગતાં સીતાજી કોઈ વિશાળ કાળા વાદળમાં ઝબકતી વીજળી જેવાં લાગતાં હતાં. રાક્ષસ, જંગલમાં આગ પ્રસરી ગઈ હોય તેવા પર્વત જેવો લાગતો હતો. સીતાજીના તેજથી ઝબકતો રાવણ, જાણે કોઈ વિનાશક ધૂમકેતુ આકાશમાં જતો હોય તેવું લાગતું હતું. રાક્ષસ સીતાજીને લઈને આ રીતે જતો હતો. સૂર્યનું તેજ ઝંખવાયું અને પૃથ્વી ઉપર કમળાનું અંધારું વ્યાપી ગયું.
બધા જીવો દુઃખી થયા: "ધર્મનો નાશ થયો છે. સત્ય અને ન્યાય અદૃશ્ય થયાં છે. સદ્ગુણ અને દયા જેવું હવે કાંઈ રહ્યું નથી."
પૃથ્વી ઉપરના મૂંગા જીવો આકાશ તરફ જોઈને આંસુ સારવા મંડ્યા.
રાજકુમારીને પકડમાં રાખતો રાવણ જાણે કે પોતાના વિનાશ તરફ આગળ વધી રહ્યો હતો. તે સમયે સીતાજીએ જે પુષ્પો શરીર ઉપર ધારણ કર્યાં હતાં, તેની પાંખડીઓ જમીન ઉપર વેરણછેરણ થતી પડ્યા કરતી હતી — જાણે કે આ વેરણછેરણ પાંખડીઓ રાવણનું ભાવિ અને પ્રભુત્વ છિન્નભિન્ન થવાનો ઇશારો આપતી હોય!
