મારીચે રાવણને કહ્યું, "મહારાજ! આપે જે કાંઈ કહ્યું, તે બધું જ મેં બરોબર ધ્યાનથી સાંભળ્યું છે અને હું ઘેરા દુઃખની લાગણીથી પીડાઉં છું. ખુશામત કરવી સહેલી છે. વળી ખુશામત સાંભળવી કાનને હંમેશા આનંદિત કરે તેવી હોય છે. જે અણગમતી પણ કલ્યાણકારક સલાહ આપે તેવા લોકો બહુ ઓછા હોય છે. અને જે લોકો આ પ્રકારની સલાહને સ્વીકારે છે, તેવા તો તેનાથી પણ ઓછા હોય છે. આમ છતાં આપને નગ્નસત્ય જણાવવાની મારી ફરજ છે. મીઠા શબ્દો કદાચ અત્યારે તમને સાંભળવા ગમે, પણ તે નિઃશંકપણે આપને ભય અને વિનાશ તરફ દોરી જશે.
"તમારા બાતમીદારોએ તમને રામ અંગેની સાચી હકીકત જણાવી નથી. બીજાઓ પાસેથી રામ વિશે તમે જે સાંભળ્યું હોય, તેનાથી છેતરાતા નહીં. રામ કોઈ અપરાધી પણ નથી અને ઉપદ્રવી પણ નથી. તે તો પિતાની આજ્ઞાનું પાલન કરવા વનમાં આવેલો એક આજ્ઞાંકિત પુત્ર છે. કોઈ કાયર કે નબળો હોવાનું તો બાજુએ રાખો, પણ તે એક પ્રચંડ યોદ્ધો છે. તેના જેવો શસ્ત્રવીર સમોવડિયો બીજો કોઈ નથી.
"તેને પોતાનો કટ્ટર શત્રુ બનાવીને તમારી પ્રજા અને તમારા રાજ્યનો વિનાશ વહોરવાનું રહેવા દ્યો. તમે જે કામ કરવા માટે તલપાપડ થયા છો, એના ઉપરથી તો એવું લાગે છે કે સીતાનો જન્મ તમારા વિનાશના આયોજનથી જ થયો છે. તમારે લીધે લંકા પણ જોતજોતામાં નાશ પામશે.
"કયા દુશ્મને તમારા મનમાં આ વિનાશક વિચાર ઘુસાડ્યો છે? તમારી પોતાની, તમારા રાજ્યની અને તમારી જાતિ ઉપરની આ ભયંકર અને વિનાશક સલાહ તમને કોણે આપી છે?
"તમને કોણે કહ્યું કે રામને મોજશોખ અને જુઠ્ઠાણાં માટે બહુ પ્રેમ હતો? રામ તો ધર્મનું ચરિતાર્થ સ્વરૂપ છે. પોતાની શક્તિ અને શૌર્યનો ઉપયોગ તે ધર્મ બજાવવામાં કરે છે. જેમ ઇન્દ્ર દેવોમાં સૌથી પહેલા છે, તેમ નાશવંત માનવજાતિમાં રામ અચૂકપણે પહેલા છે.
"તમારી કામલોલુપ આંખો તમે સીતા ઉપર રાખવાની હિંમત કઈ રીતે કરી શકો છો? શું સીતા ક્યારે પણ તમારે શરણે થશે? તેને રામ પાસેથી લઈ તો જુઓ! તમે સૂર્યને છેતરીને તેની પાસેથી તેનો પ્રકાશ છીનવી શકો? તેની પાસે જાઓ તે સાથે જ જનકપુત્રીના પ્રદીપ્ત અગ્નિમાં બળીને રાખ થઈ જશો. રામનાં તીરોનો શિકાર બનવાનું રહેવા દ્યો. તમારા મોતને નોતરવાનું મૂકી દ્યો. રામથી રક્ષિત અગ્નિને છંછેડવાનું મૂકી દ્યો.
"કોઈએ પણ પૂરતી વિચારણા કર્યા વગર કામગીરીમાં આગળ વધવાનો નિર્ણય ન કરવો જોઈએ. તમે યુદ્ધમાં રામને ક્યારેય પણ હરાવી શકશો નહીં. હે રાક્ષસોના અધિપતિ! મારા શબ્દોને અવગણશો નહીં. તમને યાદ છે, કે ઘણાં વર્ષો પહેલાં મારી શક્તિના ઘમંડમાં વિશ્વામિત્ર ઋષિના યજ્ઞો અને ધાર્મિક કર્મકાંડોમાં મેં કેવી વિટંબણાઓ ઊભી કરેલી? તે સમયે તો રામ માત્ર કિશોરાવસ્થામાં જ હતા. તો પણ વિશ્વામિત્રે દશરથની પરવાનગીથી રામને યજ્ઞક્રિયાની સુરક્ષાનું કામ સોંપ્યું હતું. તે ઋષિને રામની પ્રચંડ શક્તિની પરખ હતી. તે સમયે હું યજ્ઞની વેદીને લોહી અને માંસનો વરસાદ કરીને ભ્રષ્ટ અને પ્રદૂષિત કરવા ગયેલો. અને ત્યારે રામ નામનો આ કિશોર મારી સામે આવ્યો. પછી શું બન્યું, તે જાણો છો? સુબાહુ ઉપર એક તીર તાકીને તેનો ત્યારે જ વધ કર્યો, અને બીજા તીરથી રામે મને જમીન ઉપરથી ફગાવીને છેક દરિયામાં ફેંકી દીધો. અત્યારે એ રામ નામનો કિશોર ભરયૌવનમાં છે, અસીમ સામર્થ્ય અને અમાપ શસ્ત્રકૌશલ્ય ધરાવે છે!
"તેમનો પુણ્યપ્રકોપ ટાળો. આ ષડ્યંત્રના રસ્તે મને પણ ઢસડવાનું ટાળો. પાછા જાઓ અને તમારી અનેક રાણીઓ સાથે આનંદ કરો; તમારા રાજ્ય અને રાક્ષસકુળમાં યમને નોતરવું રહેવા દ્યો!"
આ રીતે મારીચે નિષ્ઠાપૂર્વક રાવણના કલ્યાણ માટેની દલીલો કરી, પણ રાવણ તો તેનાથી રાજી થવાથી કે આશ્વસ્ત થવાથી બહુ દૂર હતો. લાલસાના ભોગ બનેલા ઉપર સાચી શિખામણ કેવી રીતે અસર કરી શકે? કોઈ બીમાર માણસ દવાનો અસ્વીકાર કરે, તેમ રાવણે મારીચની શિખામણને ફગાવી.
તેણે કહ્યું, "જો કોઈ રાજાએ જાણવું હોય કે શું કરવું અને શું ન કરવું, તો તેના સલાહકારને માટે ફાયદા અને ગેરફાયદાની ચકાસણી કરવી યોગ્ય છે. પણ હું તારી પાસે આવી કોઈ સલાહ લેવા આવ્યો નથી. હું રાજા છું અને તને કહેવા આવ્યો છું, કે મેં આમ કરવું તેવો નિશ્ચય કર્યો છે. તેમ કરવામાં તું મને મદદરૂપ થાય એવી મારી અપેક્ષા છે. તારી પાસેથી જે વફાદારી અપેક્ષિત છે, તે ભૂલી જઈને, મેં જે કરવાનું ધાર્યું છે તે ખોટું છે એવું કહેવાની તેં હિંમત કરી છે. પણ આ બાબતમાં મેં બધી બાજુનો પૂરતો વિચાર કર્યો છે અને હું આ નિર્ણય ઉપર આવ્યો છું. આ મગતરા જેવો માણસ, જેને તેં હુલાવ્યો-ફુલાવ્યો છે, તે તો — હું તેને મારી સાથે યુદ્ધ કરવાનો સાદો પડકાર ફેંકું — તેવા ગૌરવનો પણ હક્કદાર નથી. પોતાના દેશમાંથી જ દેશનિકાલ થયેલો, જેણે પોતાની જાતને એક નારી દ્વારા છેતરાવા દીધી હોય, અને જેના અધિકારો છીનવાઈ ગયા હોય, એવા મૂર્ખ સિવાય એ બીજું શું છે? આવા માણસને પદાર્થપાઠ આપવાની એકમાત્ર રીત તો તેની પત્નીને ઉઠાવી જઈને તેને કલંકિત કરવામાં જ છે. આ બાબતની પૂરેપૂરી વિચારણા, નિર્ણય અને નિષ્કર્ષ થઈ ચૂક્યાં છે. એટલે તારી બધી ટિપ્પણી અસંબદ્ધ છે.
"હું તને જે કરવાનું કહું તે તારે કરવાનું છે, અને તે કાંઈ મોટું કામ નથી. તારે તારી જાતને એક વિચિત્ર અને સુંદર હરણના સ્વરૂપે સીતા સામે પ્રગટ કરવાની છે અને તેનું ધ્યાન તારા તરફ દોરવાનું છે. સીતા રામને તારો પીછો કરવા અને તને પકડવા મોકલશે. તારે રામને થોડે દૂર સુધી દોરી જઈને, રામના અવાજમાં 'ઓહ સીતે! ઓહ લક્ષ્મણ!' એવી બૂમ પાડવાની છે. આ સાંભળીને સીતાને અણસારો મળી જશે કે રામ કોઈ મુશ્કેલીમાં મુકાયા છે. અને તે રામની મદદે પહોંચી જવા લક્ષ્મણ ઉપર દબાણ કરશે. આ રીતે તે જ્યારે એકલી હશે, ત્યારે હું તેને ઉઠાવીને લંકા જતો રહીશ. એકવાર તું મને આ બાબતમાં મદદ કરીશ, તો પછી તને જે ગમતું હોય તેવું કરવા તને પૂરેપૂરી સ્વતંત્રતા મળશે. પણ તું જો અત્યારે મને મદદ નહીં કરે, તો તું સમજી લેજે કે તારું જીવન છીનવાઈ જશે."
મારીચે ઊંડો વિચાર કર્યો: "આ ધૂની રાવણ વિનાશના ઓછાયામાં અત્યારે સપડાયેલો જ છે. તે કોઈ શિખામણ સાંભળવાનો નથી. તેની પાપી લાલસા તેને યમ તરફ દોરી જતી લાગે છે. મારા માટે રાવણ દ્વારા અપાતા મૃત્યુ કરતાં રામ દ્વારા અપાતું મૃત્યુ વધુ સારું રહેશે. તેમ કરવાથી એક દુશ્મનના હાથે મૃત્યુ પામવાનો મોકો તો મળશે!"
આથી તેણે એમ કરવાનું સ્વીકાર્યું.
તે બોલ્યો, "મેં તમને સાચી સલાહ આપી છે, પણ તમે તે સાંભળો એવું લાગતું નથી. હું જો તમારી ઇચ્છા પાર પાડું, તો હું તો મરવાનો જ છું; પણ તમારું ઇચ્છિત બધું પાર પડે, ત્યાર પછીના ટૂંકા સમયગાળામાં તમારો પણ નાશ થાય — એવો મને મારા મૃત્યુથી પણ મોટો ભય છે. આપણી રાક્ષસજાતિનું પણ એવું જ થઈ શકે. આપણી જાતિનો વિનાશ ઇચ્છતા એવા કોઈ ઈર્ષ્યાળુ દુશ્મને તમને આ રવાડે ચડાવ્યા છે. તમારા દ્વારા મારો વધ થાય, તેના કરતાં મને જેના માટે ભરપૂર માન હોય એવા દુશ્મન દ્વારા મારો વધ થાય એવું હું વધુ ઇચ્છું છું. ચાલો, દંડકારણ્ય જઈએ."
રાવણને ખૂબ આનંદ થયો. મારીચને ભેટતાં તે બોલ્યો, "હવે તું પાછો મારો લાડકો અસલ મારીચ બની ગયો છો."
બંને રથમાં બેઠા અને દંડકારણ્ય તરફ ગયા. તેમનો રથ નગરો, પર્વતો, નદીઓ અને રાજ્યો ઉપરથી પસાર થતો હતો. દંડકારણ્ય પહોંચીને તેમણે કેળના ઉદ્યાનમાં રામનો આશ્રમ શોધી કાઢ્યો.
રથમાંથી ઊતરીને રાવણે મારીચનો હાથ પકડીને રામના આશ્રમ તરફ ઇશારો કર્યો અને તેમના આયોજન મુજબ મારીચને પોતાનો ભાગ ભજવવા સૂચના આપી.
તરત જ મારીચે એક અદ્ભુત મૃગનું સ્વરૂપ ધારણ કર્યું. તેના શરીરના દરેક અંગમાં એક અનોખી ઝાંય અને અદ્વિતીય સૌંદર્ય પ્રગટ થતાં હતાં. આકાશના મેઘધનુષની જેમ દરેક જોનારની આંખ ઉપર જાદુઈ આકર્ષણ કરે એવું તેનું રૂપ હતું. તેની ચામડી ઉપર એક પછી એક સોનું, રૂપું, હીરા, મોતી અને સુંદર ફૂલોની શોભા ઝળકતી હતી. તે જાણે કે અદ્ભુત સુવર્ણના અંગમાં જીવંત હીરા-મોતી વહેતાં હોય એવું લાગતું હતું.
આવા અનુપમ સૌંદર્યવાળું જાદુઈ મૃગ આજુબાજુ ફરતાં, ક્યારેક ક્યાંક થોભીને, વળી પાછું કમનીય ઠેકડા મારતું ક્રીડા કરતું હતું. ક્યારેક તે વળી નીચું નમીને જમીન ઉપરનું ઘાસ ખાતું હતું; પાછું માથું ઊંચકીને નજીકના છોડવાઓ ઉપરનાં કુમળાં પાન પણ ખાતું હતું. ક્યારેક તે ધીમી ચાલે આશ્રમની નજીક પહોંચી જતું હતું અને પાછું કૂદકા મારીને દૂર અદૃશ્ય થઈ જતું હતું અને થોડા અંતરે પાછું દેખાતું હતું. કોઈવાર તે બીજાં મૃગનાં ટોળાંમાં ભળી જતું હતું. પણ પછી વળી પાછું તે એકલું ફર્યા કરતું હતું. બીજાં હરણ તેની વાસથી ઓચિંતાં ભય પામીને તેનાથી દૂર જતાં રહેતાં હતાં.
સીતાજી તે સમયે વનનાં ફૂલો વીણતાં હતાં. તેમણે આ મૃગને જોયું અને તેની અદ્ભુત શોભા જોઈને મંત્રમુગ્ધ થઈ ગયાં. મૃગે પણ તેમના તરફ જોયું અને તેમની સામે આમતેમ દોડવા લાગ્યું. તેનાથી જાણે કે તે ભૂમિ પર નવું જ સૌંદર્ય વેરાઈ ગયું.
"એય, બહાર આવીને જુઓ! જલદી જુઓ!" રામ અને લક્ષ્મણે પણ આ અદ્ભુત મૃગ જોવા જેવું છે એવું લાગવાથી સીતાજીએ બૂમ પાડી.
"જલદી આવો, જલદી!" તેમણે હાકલ કરી. રામ અને લક્ષ્મણ કુટીરમાંથી બહાર આવ્યા અને આ અદ્ભુત પ્રાણીના સૌંદર્યને જોઈને આશ્ચર્યમુગ્ધ થયા.
લક્ષ્મણને શંકા થઈ. તેમને લાગ્યું કે આ કોઈ સાધારણ મૃગ નથી, પણ છદ્મવેશમાં કોઈ રાક્ષસ છે. રામે અને લક્ષ્મણે મારીચ વિશે સાંભળ્યું હતું કે તે હરણનું રૂપ ધારણ કરીને ઘણીવાર હરણનો શિકાર કરવા આવનારાઓને પોતાના વેશમાં છેતરીને તેમને ખતમ કરી દેતો હતો.
લક્ષ્મણ બોલ્યા, "આ કોઈ સાધારણ પ્રાણી નથી. આ તો કોઈ રાક્ષસની યુક્તિ લાગે છે."
પણ સીતાજી બોલ્યાં, "મારા માટે તમે અચૂક આ મૃગને પકડો. આશ્રમમાં આપણે તેને પાળીને મોટું કરીશું. આ વનમાં આવું કોઈ સુંદર પ્રાણી હજી સુધી મેં જોયું નથી. જુઓ! જુઓ તો ખરા! કેવું રંગીન છે! કેવું ચંચળ છે!"
આ રીતે મૃગની વાત કરતાં અને તેને પામવાની ઇચ્છા દેખાડતાં સીતાજીએ ફરીને અનુરોધ કર્યો, "ગમે તેમ કરીને મારા માટે તમે તેને પકડી લાવો."
તેમણે રામને આજીજી કરી, "હવે ટૂંક સમયમાં જ આપણે નગરમાં પાછા જવાનું થશે. તો વનની કોઈ અદ્ભુત વસ્તુ આપણે અયોધ્યા લઈ જવી નહીં જોઈએ? આપણા મહેલના પ્રાંગણમાં આ અપ્રતિમ પ્રાણી ટહેલતું હોય, એ કેવું સરસ લાગશે? ભરત પણ ખુશ થશે. આ મૃગ ભરતને આપવાનું મને બહુ ગમશે. એટલે હે નાથ, તેને મારા માટે પકડો. ગમે તેમ કરીને તેને લઈ આવો."
સીતાજીને ખ્યાલ આવી ગયો કે લક્ષ્મણને તેમનો આ આગ્રહ ગમ્યો નહોતો. તેને લીધે જ સીધા રામને જ મૃગ પકડી લાવવા સમજાવવાનો સીતાજીએ નિશ્ચય કર્યો. આપણા હૃદયમાં જો કોઈ પ્રબળ આકાંક્ષા ઊઠી હોય અને જો કોઈ તેને રોકતું હોય, તો આપણે તેના ઉપર ગુસ્સે થઈએ છીએ — પછી ભલે એ વ્યક્તિ આપણને ગમે તેટલી પ્રિય હોય!
માનવમનમાં લાલસા કઈ રીતે પ્રવૃત્ત થાય છે, તેનું દુર્ભાગી સત્ય ગીતામાં શ્રીકૃષ્ણે બહુ જ સ્પષ્ટતાથી સમજાવ્યું છે. સીતાજીના હૃદયમાં અત્યારે જે ચાલી રહ્યું હતું તે, આ સત્યને પ્રદર્શિત કરતું હતું.
"જુઓ!" તેમણે આશ્ચર્યપૂર્વક કહ્યું. "આ આખું સોનાનું છે! હવે જુઓ! આ પાછું રૂપેરી રંગનું પણ છે! તમે જો આ પ્રાણીને જીવતું લાવી ન શકો, તો છેલ્લે તેને તીર મારીને પૂરું કરો, તો આપણે તેની ચામડી ઘેર લઈ જઈ શકીએ. આપણે આવી સુંદર ચામડી પછી ક્યારેય પણ જોઈ શકીશું નહીં. તેના ઉપર આસન લેવાની બહુ મજા આવશે. જુઓ, હવે તે આઘું જાય છે. જલદી જાઓ અને પકડીને લાવો. એમ ન થાય તો કમસેકમ તેની ચામડી લઈ આવો."
પાછું સીતાજીએ કહ્યું, "જુઓ, હજી જુઓ. અત્યાર સુધીનાં બધાં વનોમાં આવી સુંદર વસ્તુ મેં ક્યારેય પણ જોઈ નથી. ચમકતા તારાઓનાં ઝૂમખાં જેવું લાગે છે ને!"
સીતાજીની યાચનાને રામ હવે લાંબો સમય અવગણી શક્યા નહીં.
રામે મનોમંથન કર્યું: "કદાચ લક્ષ્મણ સાચો હોય અને આ પ્રાણી કોઈ રાક્ષસ હોય, તો પણ તેને મારી નાખવાનું વધુ સારું કારણ મળશે. આમાં ગભરાવવા જેવું શું છે? હું જો તેને જીવતું ન પકડી શકું, તો બાણથી તેને વીંધી નાખીશ અને તેની ચામડી સીતાને આપીશ. તેને મેળવવાની સીતાને આવી તીવ્ર ઇચ્છા હોય, ત્યારે તેને માટે એ લાવવાની મારી પણ ફરજ બને છે ને?"
રામે લક્ષ્મણને તેમનાં ધનુષ્ય અને બાણ લાવવાની સૂચના આપી. તેમ કરવા માટે લક્ષ્મણનું મન માનતું નહોતું, પણ તેમણે આજ્ઞાનો આદર કર્યો.
બહાર જતી વખતે રામે જણાવ્યું, "લક્ષ્મણ, ધ્યાન રાખજે. સીતા પાસે જ રહેજે અને સતર્કતાથી સીતાનું ધ્યાન રાખજે. હું હમણાં જ આ મૃગને જીવતું કે હણાયેલું લઈને પાછો આવું છું. ચિંતા ન કરતો. કદાચ એ રાક્ષસ હોય, તો પણ શું? એ પણ વાતાપીની જેમ જ હણાશે. જે રીતે વાતાપી અગસ્ત્ય ઋષિને છેતરવા ગયો હતો, તેમ આ પણ મને છેતરવા અહીં આવ્યો હોય, તો એ પણ એની મેલી મુરાદનો ભોગ બનશે, બીજું શું? આ પ્રાણી મારું શું બગાડી લેવાનું છે? પછી મૃગ હોય કે રાક્ષસ, બધું સરખું જ છે."
પાછું એમણે કહ્યું, "સાવધાની રાખજે. સીતાનું ધ્યાન રાખજે. ગમે ત્યારે ગમે તે થઈ શકે છે. બહુ સતર્ક રહેજે."
નિયતિએ દુર્ભાગ્યની જાળ બિછાવવાનું શરૂ કરી દીધું હતું. સ્વભાવથી ઉતાવળિયો અને ઝડપથી કામ કરવાવાળો લક્ષ્મણ, કોણ જાણે ઓચિંતો જ આ પ્રસંગે શંકાશીલ થઈ ગયો હતો; અને સામાન્ય રીતે પૂરતો વિચાર કર્યા પછી જ કામ કરતા રામે આજે સીતાજીની આ મૂર્ખ માગણીને તાબે થવાનું નક્કી કર્યું — અને લક્ષ્મણની ચેતવણીને ઠુકરાવીને આ મારીચ-મૃગનો પીછો કરવાનું શરૂ કર્યું.
રાવણને પૂરતો સમય અને તક આપવા માટે મારીચ રામની નજરમાં રહેતો હતો, પણ તેમની પહોંચથી આગળ નીકળી જતો હતો. આમ નિયતિના જોરથી તે રામને વધુ ને વધુ આઘે સુધી દોરી ગયો. મૃગ થોડાં ડગલાં આગળ ચાલે, પછી રોકાઈ જાય, પાછળ જુએ અને તેનો પીછો કરનારને ધ્યાનથી જુએ. પછી ઓચિંતો એ પાછો, ભયભીત થયો હોય તેમ, આગળ દોડે. કાનને બરોબર સાવધાન કરીને તે ઊછળતો-કૂદતો, બધાં પીંછાંને છાતી સુધી ઊંચાં કરીને ઝડપ વધારે. કોકવાર તે વૃક્ષો વચ્ચે અદૃશ્ય થઈ જાય. પાછો કોક ઊંચા ઢગલા ઉપર તરત જ પ્રગટ થાય. એ વખતે પોતાના અંગના આકર્ષક વળોટને, જાણે કે પાછળથી પસાર થતાં કોઈ વાદળાંની ઓથમાં, પ્રદર્શિત કરે. ક્યારેક તે જાણે થાકી ગયો હોય એમ રામને નજીક આવવા દે અને તેને પકડવાનું સહેલું બનાવી દે. પણ વળી પાછો ઊંચો ઠેકડો મારી બહુ આઘે નીકળી જાય.
મારીચે રામને જેટલે દૂર સુધી લઈ જવા ધાર્યું હતું, ત્યાં સુધી આમ જ ચાલ્યું. પછી અંતે રાક્ષસને ખ્યાલ આવ્યો કે આ રમત કાંઈ હંમેશ તો ચાલવાની નથી અને હવે તેનો અંત નજીક હતો. રામ પણ હવે પીછો કરીને થાકી ગયા હતા. તેમણે ધનુષ્ય ઝુકાવીને એક બાણ છોડ્યું. તેનાથી મૃગ વીંધાઈ ગયું. મારીચ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો અને રામના અવાજની નકલ કરીને બૂમ પાડીને બોલ્યો, "ઓહ સીતા! ઓહ લક્ષ્મણ!" અને મૃત હાલતમાં જમીન પર પડ્યો.
રામે વિચાર્યું, "લક્ષ્મણ સાચો હતો. આ મૃગ ખરેખર રાક્ષસ જ હતું."
તેમને વિચાર આવ્યો, "તેની છેલ્લી ચીસ સાંભળીને કદાચ સીતા ભરમાઈ ગઈ હશે. કદાચ તે ભયના આવેશમાં મૂંઝાતી હશે."
પાછું એમને લાગ્યું, "જોકે સીતાને ભ્રામક ભય લાગતો હોય, તોય પણ શું? લક્ષ્મણ તેની સાથે જ છે ને!"
તરત જ રામનું હૃદય ગૌરવ અને ખુશીથી ભરાઈ આવ્યું — તેમને લક્ષ્મણ જેવો પ્રેમાળ અને મક્કમ મનોબળવાળો ભાઈ હતો! જોકે આ જ ક્ષણે આશ્રમમાં અત્યારે શું થઈ રહ્યું હશે, તેની કલ્પના તો રામને ક્યાંથી હોય? વળી તેને લીધે જ લક્ષ્મણે સીતાજીનાં કેવાં કટુવચનો સાંભળવાં પડ્યાં હતાં! ખરેખર, નિયતિના રંગઢંગ બહુ ક્રૂર હોય છે.
