રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-34

Chapter 34 · પ્રકરણ ૩૪

વિનાશનો માર્ગ

વિશાળ અંગોવાળો રાવણ
વિશાળ અંગોવાળો રાવણ

પંચવટીના મહાસંહારમાંથી બચી ગયેલા થોડા રાક્ષસોમાંથી એક, અકંપન, લંકા ભાગી ગયો અને રાવણ સામે હાજર થયો. તેણે કહ્યું, "જનસ્થાન ખાતેના આપણા સમુદાયના લગભગ મોટા ભાગના હાલ મૃત્યુ પામ્યા છે અને અત્યારે જનસ્થાન નિર્જીવ ખંડેર થઈ ગયું છે. એકલો હું જ જીવતો ભાગીને આવવામાં સફળ થયો છું."

રાવણનો ગુસ્સો ભભૂકી ઊઠ્યો. ડોળા કાઢતો, આક્રમક બરાડા પાડીને તે બોલ્યો, "મારા સુંદર જનસ્થાનનો કોણે વિનાશ કર્યો? તે યમ, કે અગ્નિ, કે વિષ્ણુ હતા? મૃત્યુના દેવતાને હું મરણશરણ કરીશ. અગ્નિના દેવ અને સૂર્યને હું ભસ્મીભૂત કરીશ. વાયુના દેવતાનું ગળું દબાવીને ગૂંગળાવી દઈશ. જલદી બોલ, મારા જનસ્થાનના સમુદાયનો નાશ કરનાર એ કોણ હતું? હું અહીંયાં તેનું વેર લેવાવાળો બેઠો છું, તેની એને ખબર નથી? જલદી કહે."

જુલમી શાસકને અણગમતા સમાચાર આપવાનું કામ પહેલેથી જ ત્રાસદાયક રહ્યું છે. રાજાના ક્રોધનો અકંપનને ભય હતો. છતાં તે બોલ્યો, "આપને કહીશ, પણ મારું રક્ષણ કરજો." પછી તેણે વાત કરી: "દશરથના પુત્ર રામ યુવાન યોદ્ધા છે. સિંહની જેમ તેમની શક્તિ બહુ ભયજનક છે. માનવલોકમાં તેમની ખ્યાતિ બધી જગ્યાએ ફેલાયેલી છે. તેમણે ખર અને દૂષણ સાથે યુદ્ધ કરીને પંચવટીમાં સર્વનાશ કર્યો છે."

રાક્ષસોના રાજાએ નાગની જેમ ફૂંફાડો માર્યો અને બોલ્યો, "તું શું બોલે છે? આ કઈ રીતે બન્યું? શું ઇન્દ્ર અને બીજાં દૈવી તત્ત્વો પૃથ્વી ઉપર આવીને રામના પક્ષે લડ્યાં?"

અકંપને ઉત્તર આપ્યો, "મહારાજ! આવું કંઈ બન્યું નથી. રામ એકલા જ આખી સેના અને તેના સેનાપતિઓ સામે લડતા હતા અને તેમણે જ એ બધાનો — અરે! ખર અને દૂષણનો પણ — સંહાર કર્યો. રામના ધનુષ્યમાંથી છૂટતાં ઘાતક બાણોએ પાંચ ફેણવાળા સાપની જેમ, રાક્ષસો જ્યાં જાય ત્યાં જઈને તેમનો સંહાર કર્યો." આ સાથે તેણે રામની શસ્ત્રો વાપરવાની ઝડપ અને કૌશલ્યનું વિગતવાર વર્ણન કર્યું.

આ રીતે રાવણે જાણ્યું કે દશરથના પુત્ર રામ તેમના નાના ભાઈ લક્ષ્મણ સાથે પંચવટીમાં છે, અને પોતાના ભાઈની મદદ લીધા વગર તથા કોઈ દેવતાઓના સાથ વગર એકલે હાથે રામે આ બધું કર્યું હતું.

"ભલે, આ બધું મને કંઈ સમજાતું નથી, પણ હું અત્યારે જ જાઉં છું. હું તાત્કાલિક આ માનવ જંતુડાંનો નાશ કરીને પાછો આવું છું," રાવણે કહ્યું અને તે ઊભો થયો.

"મહારાજ! તમે જાઓ તે પહેલાં મને પૂરો સાંભળો," અકંપને કહ્યું અને ફરી એકવાર રામની શક્તિ અને બહાદુરીની સ્પષ્ટતા કરી.

"મને ધ્યાનથી સાંભળો. રામની સાથે યુદ્ધ કરીને કોઈ પણ તેમને જીતી શકે એમ નથી. હું જ્યારે 'કોઈ પણ' કહું છું, ત્યારે પૂરતું સમજીને કહું છું. તમે પણ એમ નહીં કરી શકો. આપે મને સુરક્ષાનું વચન આપ્યું છે, એટલે આ નગ્નસત્ય આપને કહેવાની હું હિંમત કરી શક્યો છું. તેમને મારવાનો માત્ર એક રસ્તો લાગે છે. તેમની પત્ની તેમની સાથે છે. તેના સૌંદર્ય સાથે બરાબરી કરી શકે એવું આખી પૃથ્વી પર કોઈ નથી. આપ તેનું અપહરણ કરવાની યોજના કરી શકો, તો તેનો વિયોગ રામને મારશે. તેને માટેનો રામનો પ્રેમ એટલો ઉદાત્ત છે. આ આપ કેવી રીતે કરી શકો, તે આપે વિચારવાનું છે. તેમની સાથે યુદ્ધ કરવાનો વિચાર કરવા જેવો નથી."

રાવણે જ્યારે સીતાના સૌંદર્ય વિશે જાણ્યું, તે સાથે જ રાક્ષસની કામવાસના સળવળી. તેને વિચાર આવ્યો કે ખર અને તેની સેનાનો પરાજય ખરેખર શુકનિયાળ બનાવ હતો, કારણ કે તેને લીધે પોતાને માટે એક વધુ રૂપાળી રાણી અને પત્ની પ્રાપ્ત કરવાની તક મળી હતી. અકંપનની સલાહને તેણે આવકારી અને કહ્યું, "કાલે સવારે હું જઈશ. તારી યોજના મને ગમી છે."

તે મુજબ રાવણ ખચ્ચરથી ચાલતા ઊડતા રથમાં નીકળ્યો. તેનો રથ, વાદળાં વચ્ચે જેમ ચંદ્ર ઝબૂકતો હોય તેમ, આકાશમાં ઝડપથી ઊડતો હતો. રાવણ સીધો મારીચના રહેઠાણે પહોંચ્યો.

મારીચે રાજાનું પરંપરાગત સ્વાગત કર્યું અને કઈ તાત્કાલિક જરૂરિયાતને લીધે તેમણે આવવું પડ્યું, તેની પૂછપરછ કરી. રાવણે જણાવ્યું:

"મારીચ! મને સાંભળ. તું, અને માત્ર તું જ, મને મદદ કરી શકે એમ છો. જનસ્થાન અને તેની સેનાનો પણ સંપૂર્ણ નાશ થયો છે. આ બધું દશરથના પુત્ર રામનું કામ છે. તે એકદમ આશ્ચર્યચકિત કરે એવું નથી લાગતું? તેનો બદલો લેવા મેં તેની પત્નીનું અપહરણ કરવાનો નિર્ધાર કર્યો છે. અને તેમાં મને તારી સલાહ અને મદદની જરૂર છે."

રામની અપ્રતિમ શક્તિના અનુભવે મારીચના આત્માને ચીરી નાખ્યો હતો અને તે ડઘાઈ ગયો હતો. તેણે રાવણને આ ગાંડું સાહસ ન કરવા સમજાવ્યો.

"આ તે કેવું સાહસ છે? તમારો મિત્ર હોવાનો દેખાવ કરતો, પણ તમારો નાશ કરવા નિશ્ચય કર્યો હોય, એવા કોઈએ સીતાના અપહરણની યોજના તમને આપી લાગે છે. જેણે તમને આ સલાહ આપી હોય, તે આખા રાક્ષસકુળનું નિકંદન ઇચ્છતો લાગે છે. કોઈ સૂતેલા નાગના મોઢામાં તમારો હાથ નાખીને તેની ફેણ ખેંચી નાખવા જેવી આ સલાહ છે. તમારી પાસે સુખી ઘર અને તમને સમર્પિત પત્નીઓ નથી? તેમની પાસે પાછા જાઓ અને સમૃદ્ધિ સાથેનું સુખી જીવન જીવો. રામની પત્ની પાછળ ગાંડા થવું તે કલંક, વિનાશ અને રાક્ષસકુળના નિકંદનનો રાજમાર્ગ છે."

દશાનન રાવણ લંકા પાછો ગયો, કેમ કે તેને મારીચની સલાહ સાચી લાગી. રાવણને ત્યારે યાદ આવ્યું હશે કે તેણે પ્રાપ્ત કરેલાં બધાં વરદાનોની શૃંખલામાં એક વિકલ્પ રહી ગયો હતો. તેણે માનવ સિવાયના બીજા બધા જીવાત્માઓથી થતા હુમલા સામે મુક્તિ પ્રાપ્ત કરી હતી. રામનાં બાણોએ ખર, ત્રિશિરા અને દૂષણ તેમજ બીજા મહાન યોદ્ધાઓવાળી આખી સેના ઉપર વિજય મેળવ્યો હતો અને બધાનો નાશ કર્યો હતો. આ બધાનો વિચાર કરવાથી રાવણે મારીચની સલાહ સ્વીકારી હતી.

પણ નિયતિએ તેને ન છોડ્યો.

તેના સલાહકારોથી ઘેરાયેલો રાવણ તેના સિંહાસન ઉપર બિરાજતો હતો. તેના ચહેરા ઉપરની આભા, યજ્ઞની વેદીમાં હોમાતા ઘીને લીધે વધુ પ્રદીપ્ત થતા અગ્નિની જેમ ઝબકતી હતી. તેના પ્રતાપી શરીર ઉપર દેવો, અસુરો અને બીજાં સામેનાં વિજયી યુદ્ધોમાં પડેલા ઘણા ઘાવ નજરે પડતા હતા. તેની શક્તિ અને બહાદુરી અમાપ હતાં. તેનો અધર્મ પણ એટલો જ હતો. દેવોનો પીછો પકડવામાં, યજ્ઞોનો સંહાર કરવામાં અને સ્ત્રીઓનું અપહરણ કરવામાં તેનો કોઈ સમોવડિયો ન હતો. દેવોના સમૂહો અને બધા અસુરો તેના ઘાતક ત્રાસથી ફફડતા હતા. બધાં પ્રાણીઓ માટે તે આતંકરૂપ હતો. અખૂટ સંપત્તિ અને બધા પ્રકારનાં વિષયસુખ ભોગવતો, મૃત્યુના ભયથી મુક્ત આ લંકાધિપતિથી કોઈ મોટો બળિયો કે સમોવડિયો ન હતો. તેને દેવ કે પાપનો ભય ન હતો.

દસ માથાંવાળો, લાંબીપહોળી આંખોવાળો, વિશાળ અંગોવાળો રાવણ બહુ ભયજનક દેખાતો હતો. પણ તેનામાં પ્રતાપી રાજવીનાં લક્ષણો પણ હતાં. ભભકાદાર પોશાકમાં સજ્જ અને બહુમૂલ્ય આભૂષણોથી પ્રભાવક રાવણ તેના સિંહાસન ઉપર રુઆબદાર લાગતો હતો. તેના મંત્રીઓ અને સલાહકારો આજુબાજુ ગોઠવાયેલા હતા. દુનિયાના નાશને ભોગે એકઠી કરેલી વૈભવી સંપત્તિનો ઠઠારો પ્રદર્શિત થતો હતો. આ બધા વચ્ચે ઓચિંતી જ તેની બહેન શૂર્પણખા — કોઈ ભાવિ વિનાશની ઝાંખીરૂપે — પ્રવેશી. લોહી નીતરતી હાલતમાં વિરૂપ બનેલી, યાતના અને દુઃખ અને લાંછનની પ્રતિકૃતિ જેવી તે લાગતી હતી. ભયમિશ્રિત આંખોથી બધા તેને જોઈ રહ્યા અને અવાચક શાંતિમાં સરી પડ્યા. શૂર્પણખાનો રોષ સળગતા શબ્દોમાં પ્રગટ થયો:

"તમે કેટલા બધા મૂર્ખ છો! શારીરિક વિષયસુખમાં ડૂબેલા અને સાર્વભૌમત્વની સુરક્ષા બાબતમાં ઘમંડી આત્મવિશ્વાસ ધરાવતા તમે, તમારા અસ્તિત્વને પડકારસમો જે વિકરાળ આફતરૂપ ભય તમારે બારણે જ આવી ઊભો છે, તે માટેની સજગતા ધરાવતા નથી! ખરેખર, જે રાજા પોતાના વિશેના ઘમંડમાં ચકચૂર હોય અને જે લક્ષણો તેના રાજ્યને પડકારરૂપ હોય તેના પ્રત્યે તદ્દન નિષ્કાળજી ધરાવતો હોય, તે કલંકિત વિનાશ નોતરે છે! જે રાજા પોતાની જ ક્ષતિઓમાં ગળાડૂબ હોય, તેના જેવું ક્ષુલ્લક અથવા તો વધુ ધિક્કારપાત્ર બીજું કંઈ નથી.

"તમે જાણતા નથી કે તમારા ભાઈઓ ખર, દૂષણ અને ત્રિશિરા તથા ચૌદ હજાર વિકરાળ રાક્ષસોની સેનાનો રામ નામના એક સામાન્ય મનુષ્યે એકલે હાથે કચ્ચરઘાણ વાળ્યો છે, વળી જનસ્થાનનું તમારું અગ્રિમ મથક તેણે નષ્ટ કર્યું છે! એક ક્ષણે મેં જોયું કે આપણો એકેએક શૂરવીર યોદ્ધો યુદ્ધના દમામદાર પોશાકમાં ગર્વપૂર્વક ઊભો છે, અને બીજી જ ક્ષણે તે બધા પેલા માણસનાં તીરોથી મરેલી હાલતમાં પડ્યા છે. આ દૃશ્ય, તોફાની વાવાઝોડામાં કરાના વરસાદથી નાશ પામેલા ઊભા મોલના વ્યાપક પતન જેવું લાગતું હતું. અને તમે મને, તમારી જ બહેનને જુઓ — હૃદયભંગ, વિરૂપતાવાળી અને અપમાનિત! તમને, એક મહાન યોદ્ધાને, એક ભાઈને, એક રાજાને, બદલો લેવાનો કોઈ વિચાર નથી આવતો?"

શૂર્પણખાના તિરસ્કાર અને હતાશાથી વીંધાયેલો અને બહેનની વેદના તથા દુઃખથી દ્રવિત થયેલો રાવણ બોલ્યો, "તું ખાતરી રાખ કે બદલો જરૂર લેવાશે. પણ આ રામ… એ કોણ છે? તે કઈ જાતનો માણસ છે? તેનાં આયુધો ક્યાં છે? તે કેવી રીતે યુદ્ધ કરે છે? દંડકારણ્યમાં તેને શું મેળવવું છે? અને તું આવી ક્રૂર રીતે ઈજા પામી, તે કેવી રીતે બન્યું?"

શૂર્પણખાએ બે ભાઈઓ અને સીતાનું વર્ણન કર્યું. સીતાના અપાર્થિવ સૌંદર્ય અને ભાઈઓની પ્રચંડ શક્તિ ઉપર તેણે ભાર મૂક્યો. તેનો હેતુ રાક્ષસમાં ઈર્ષ્યાની લાગણીને ઉત્તેજિત કરવાનો હતો. તેથી જ સીતાની સર્વોત્તમ સુંદરતાનું વર્ણન કરવામાં તે ઉત્સાહિત અને વાચાળ બની.

"તે સ્ત્રીની અખિલાઈનું વર્ણન કરવા માટે મારી પાસે કોઈ શબ્દો નથી. આવું સ્વર્ગીય સૌંદર્ય મેં કોઈ પાર્થિવ સર્જનમાં જોયું નથી — પછી એ ગંધર્વ હોય, કિન્નર હોય, કે મનુષ્યની પુત્રી હોય! અને હવે હું તમને જણાવું કે મારા ઉપર આવો ઘાતકી આક્રોશ શા માટે કરવામાં આવ્યો. આ સીતાને જોયા સાથે જ મને એમ લાગ્યું કે તેને માટે તો તમારા સિવાય બીજું કોઈ જ લાયક નથી. અને તમારી શૈયામાં સહભાગી થવા તે પૂરી હક્કદાર છે. એટલે તમારા માટેના મારા પ્રેમને લીધે મેં તેનું અપહરણ કરવાનો પ્રયત્ન કર્યો. લક્ષ્મણ નજીકમાં જ ઊભો હતો. તેણે મને અટકાવી અને, મારા ઉપર કૂદકો મારીને, મને આવી વિરૂપ અને તિરસ્કૃત કરી. આ બધું મેં તમારે લીધે સહન કર્યું. તમે જો આ અપમાનનો બદલો લેવા માગતા હો, અને આપણી જાતિનું ગૌરવ સાચવવા ઇચ્છતા હો, તો ઊભા થાવ અને જલદી જાઓ.

"મેં સહન કરેલા અપમાનનો બદલો લેવા ઉપરાંત, આપને માટે લાયક પત્નીને પ્રાપ્ત કરવાનો મોકો ઝડપી લ્યો. જો તમે તેને બંદી બનાવો અને રામને લાંછન લગાડો, તો દંડકારણ્યમાં હોમાઈ ગયેલા આપણા પ્રતાપી યોદ્ધાઓના મૃતાત્માને સંતોષ પ્રાપ્ત થશે. મને પોતાને પણ મારી કદરૂપતાના બદલામાં કંઈક મેળવ્યું હોવાનો આનંદ થશે.

"તમને તમારી પોતાની શક્તિનો પરિચય નથી. તમે બહુ સરળતાથી સીતાને પામી શકશો અને પોતાની બનાવી શકશો. વળી તમારી જાતિ ઉપરના લાંછનને તમે અવગણી શકશો ખરા? ખર અને દૂષણે જનસ્થાનમાં પોતાની આહુતિ આપી, કારણ કે રામને પડકારવાની તેમણે હિંમત બતાવી. આ બધાનો વિચાર કરો અને જે સાચું લાગે તે મુજબ કરો. આપણા કુળ અને જાતિના ગૌરવની રક્ષા કરો."

પોતાની બહેનના આ શબ્દો અને સીતાના સૌંદર્યનાં વખાણ સાંભળીને રાવણે રાજસભા બરખાસ્ત કરી અને એકલો વિચારણા કરવા અંતઃપુરમાં ગયો. તેને પુનર્વિચારણા કરવાનું જરૂરી લાગ્યું, કારણ કે મારીચે તેને જે કહેલું તે તેને યાદ આવ્યું. મનમાં તેણે અનુકૂળ અને પ્રતિકૂળ મુદ્દાઓનું મંથન કર્યું અને અંતે એક નિર્ણય ઉપર આવ્યો. એક રથને તૈયાર રાખવાનો ગુપ્ત આદેશ તેણે આપ્યો.

તૈયાર હતો, તેનો સોનેરી રથ. રાક્ષસના મહોરાવાળાં ખચ્ચરો જોડાયેલાં હતાં. રાવણ રથમાં સવાર થયો અને રથ દરિયો, વનરાજી અને નગરો ઉપરથી પસાર થતો હતો. તેના જાદુઈ રથ ઉપરથી તે ઉનાળુ ઋતુનું નીચે અવલોકન કરતો હતો, તે સાથે જ તેની વાસના વધુ તીવ્ર બની.

તે મારીચના આશ્રમે પહોંચ્યો અને તેને મળ્યો. મારીચ ત્યાં જટા ધારણ કરીને વલ્કલવેશે તપસ્વીનું જીવન પસાર કરતો હતો. પોતાના રાજા અને કુટુંબીને જોઈને મારીચે તેનું વિધિવત્ સ્વાગત કર્યું. તેણે પૂછ્યું, "પાછા બીજી વાર ઓચિંતા તમે શું આવ્યા છો?"

વાક્પટુ રાવણે વાત શરૂ કરી: "હું મોટી મુશ્કેલીમાં છું, અને એકમાત્ર તું જ મને ઉગારી શકે એમ છો. તારી મદદની હું યાચના કરું છું. તને ખબર છે કે મારા આદેશ નીચે મારા ભાઈઓ જનસ્થાનનું શાસન કરતા હતા. તેમણે અને તેમના શૂરવીર સૈનિકોએ આટલાં વર્ષોમાં ક્યારેય પણ કોઈ વિરોધનો સામનો કરવો પડ્યો નથી. પણ આ રામ નામના માનવે તેમનો અને તેમના સૈન્યનો સંહાર કર્યો છે. રથ વગર, જમીન પર ઊભા ઊભા તેનાં બાણોએ આપણા બધા કુળજનોનો વિનાશ કર્યો છે. અત્યારે દંડકારણ્યમાં રાક્ષસોનું નિકંદન થઈ ગયું હોવાથી બધા ઋષિઓ નિર્ભય જીવન જીવે છે. આ રામ એક ફાલતુ રાજકુમાર છે. તેના બાપે તેનો દેશનિકાલ કર્યો છે. અને આવું ચોક્કસ તેના કોઈ અપરાધને લીધે જ થયું હશે. અત્યારે આ વનમાં તે એકલો તેની પત્ની સીતા સાથે ભટક્યા કરે છે. આ માણસ તપસ્વીના વેશમાં છે, પણ શારીરિક સુખ ભોગવે છે. અને આમ કરવું ધર્મનો ભંગ કરવા બરોબર છે. પોતાની સમર્થ શક્તિના ગુમાનમાં તેણે મારી બહેનનો ચહેરો વિકૃત કરી નાખ્યો છે અને આપણી જાતિનું અપમાન કર્યું છે. યાતનાથી પીડાતી અને શરમથી ઘેરાયેલી મારી બહેને મને આની ફરિયાદ કરી. હવે, આ બધું બનવા છતાં, હું શાંત બેસું અને કાંઈ ન કરું, તો પછી હું રાજા કહેવાઉં ખરો?

"તેનો બદલો લેવા માટે રામની પત્નીને દંડકારણ્યમાંથી ઉઠાવી જવાનો મેં નિશ્ચય કર્યો છે. આ રામને હલકો પાડવાની અને સજા આપવાની મારી ફરજથી, મારી જાતિ પ્રત્યે, હું બંધાયેલો છું. અને આમાં મને તારી જરૂર છે. તું મદદ કરશે, તો પછી મને કોઈ ભય લાગતો નથી. હિંમત, શક્તિ, કૌશલ્ય અને જાદુઈ ચમત્કારોમાં આખી પૃથ્વી પર તારી બરોબરીમાં આવે એવું કોઈ નથી. એટલે જ હું તારી પાસે આવ્યો છું. તું આમ કરવાનો અસ્વીકાર નહીં કરી શકે. તું મને કેવી રીતે મદદ કરી શકે, તે હું તને કહું.

"તારે સુવર્ણમૃગનું સ્વરૂપ ધારણ કરવાનું છે. શરીર ઉપર ચાંદીનાં ટપકાંવાળું અને બધાની આંખોમાં જાદુઈ આકર્ષણ કરનારું સુવર્ણમૃગ! તે સ્વરૂપમાં રામના આશ્રમ પાસે સીતાની સામે તારે ચક્કર મારવાનાં છે. સ્ત્રીસહજ વૃત્તિથી તે રામ અને લક્ષ્મણ પાસે સુવર્ણમૃગનો પીછો કરવાની અને તેને કબજે કરવાની જીદ કરશે. આવું કરવામાં તેઓ જ્યારે રોકાયેલા હશે અને સીતા એકલી પડી હશે, ત્યારે હું તેને સહેલાઈથી ઉઠાવી જઈ શકીશ.

"સીતા સૌંદર્યમાં શ્રેષ્ઠ છે. આવી પત્નીને ગુમાવીને રામ દુઃખની ગર્તામાં પડી જશે અને સમર્થ પૌરુષ ગુમાવી દેશે. ત્યાર પછી તેનો વધ કરવો સહેલું થઈ જશે અને આપણા વેરની વસૂલાત થઈ જશે."

મારીચ રાવણને એકીટશે જોઈ રહ્યો. તેનો ચહેરો ફિક્કો પડી ગયો અને તેનું મોઢું સુકાઈ ગયું. રાવણની યોજનાથી તે ડઘાઈ ગયો હતો. રામના સામર્થ્યનો અનુભવ હોવાથી, અને પોતાની તપશ્ચર્યાથી તેને પ્રાપ્ત થયેલી કોઠાસૂઝથી, મારીચને ભાવિમાં શું બનશે તેનો ખ્યાલ હતો.

તે જાણતો હતો કે રાવણનો આ પાપી હેતુ સફળ થવાની લેશમાત્ર શક્યતા નહોતી. તેને બહુ સ્પષ્ટ દેખાતું હતું, કે નિયતિનો ફાંસલો રાવણના ગળાને તેના અનિવાર્ય અંત તરફ ઢસડી રહ્યો હતો. અલબત્ત રાવણ રાક્ષસોના આત્મગૌરવ, રાજપદના ધર્મ અને શૂર્પણખાના અપમાનની વાતો કરતો હતો; પણ હકીકતે સીતાને પ્રાપ્ત કરવાની તેની કામવાસના તેના ઉપર હાવી થઈ ગઈ હતી. આ બધું મારીચને સ્પષ્ટ દેખાતું હતું.

આપણે શૂર્પણખાના હેતુઓનું પણ પૃથક્કરણ કરવું જોઈએ. તે તો પોતાની અનિયંત્રિત દૈહિક લાલસાનો જ ભોગ બની હતી. ભલે તેને વિકૃત તો લક્ષ્મણે કરી હતી, તો પણ તેનો ગુસ્સો લક્ષ્મણ ઉપર હતો તેના કરતાં સીતા ઉપર વધુ હતો. કારણ હતું — પોતાની અને તેની વાસના વચ્ચે સીતા અવરોધરૂપે હતાં. આથી જ સીતાનાં સૌંદર્ય અને સદ્ગુણને તે — જેમ અંધકાર પ્રકાશને ધિક્કારે તેમ — ધિક્કારતી હતી.

હવેની તેની મૂળ લાલસા, સીતાને કલંકિત હાલતમાં મૂકીને પોતાના બળતા હૃદયને શાંત કરવાની હતી. આ હેતુ સિદ્ધ કરવા રાવણની મદદ જરૂરી હતી. એટલે જ તેણે સીતાનું વર્ણન એવા પ્રભાવી શબ્દોમાં કર્યું, કે જેથી રાવણની અનિયંત્રિત લાલસા પ્રદીપ્ત થાય. બાકીના મુદ્દાઓની રજૂઆત તેણે રાવણ પાસે કરી, તે તો પોતાના મુખ્ય હેતુને સમર્થન આપે તેવી જ હતી. કુળ અને રાક્ષસજાતિનું ગૌરવ, સામ્રાજ્યની સુરક્ષા અને પરિવારના સભ્યોનું નિકંદન વગેરે તો માત્ર પોતાના મૂળ હેતુને પુષ્ટિ આપવા માટે જ હતાં. મૂળ મુદ્દો તો રાવણની કામવાસના પ્રદીપ્ત કરીને સીતાને પ્રાપ્ત કરવાની પ્રબળ લાલસા પેદા કરવાનો જ હતો. અને રાવણ આ જાળમાં બરોબર ફસાયો હતો.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.