રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-33

Chapter 33 · પ્રકરણ ૩૩

ખર અને તેની સેનાનો સર્વનાશ

રામે વિષ્ણુનું ધનુષ્ય લીધું અને ખરના રથને ભાંગ્યો
રામે વિષ્ણુનું ધનુષ્ય લીધું અને ખરના રથને ભાંગ્યો

ખરના ચૌદ સેનાપતિઓ સાથે શૂર્પણખા રામના આશ્રમે પાછી આવી. તેનો નિર્ધાર બંને રાજકુમારોનું રુધિરપાન કરવાનો અને વ્યક્તિગત વેર લેવાનો હતો. બંને યુવકો તરફ પોતાના અંગરક્ષકોનું ધ્યાન દોરતાં તે બોલી, "જુઓ, મારું અપમાન કરીને મને કુરૂપ કરનારા માણસો ત્યાં ઊભા છે. તાત્કાલિક તેમનો વધ કરો."

પરિસ્થિતિનો તાગ મેળવતાં રામે તરત જ લક્ષ્મણને કહ્યું, "થોડો સમય સીતાનું બરોબર ધ્યાન રાખજે; હું આ લોકોનો નિકાલ કરું છું." આમ કહીને તેમણે પોતાનું ધનુષ્ય ઉપાડ્યું.

તે સમયના યુદ્ધ અંગેના પ્રચલિત નિયમો અનુસાર, રામે ખરના સેનાપતિઓને સંબોધીને કહ્યું, "તમે અહીં શા માટે આવ્યા છો, તે જણાવો. એટલું પણ જાણી લ્યો કે અમે આ વનમાં ઋષિઓના નિર્દેશથી આવ્યા છીએ. અમારો હેતુ ઋષિઓના દુશ્મનોનો નાશ કરવાનો છે. તમે જો જીવતા પાછા જવા માગતા હો, તો અમને એકલા છોડી દ્યો."

પણ રાક્ષસોને તો શાંતિ નહીં, પણ યુદ્ધ જોઈતું હતું. અને યુદ્ધ શરૂ થયું. રામનાં તીરને રાક્ષસસેનાના સેનાપતિઓનો વધ કરવામાં જરા પણ લાંબો સમય ન લાગ્યો.

પાછી કરુણ આક્રંદ કરતી શૂર્પણખા ખર પાસે ગઈ. સેનાનું શક્તિશાળી અંગ સર્વનાશ પામ્યું, તે હકીકત વિચારી ન શકાય તેવી હતી. ખર તે વાત માની શક્યો નહીં. પોતાની વ્યથિત બહેનને સાંત્વના આપવા તેણે હળવા શબ્દોમાં કહ્યું:

"મેં અજેય યોદ્ધાઓને મોકલ્યા છે. તે એકેએક યમ જેવા છે. અત્યાર સુધીમાં તેમણે સોંપવામાં આવેલું લક્ષ્ય સિદ્ધ કરી લીધું જ હશે. તું શા માટે આટલું બધું રડે છે? હું હજી અહીંયાં છું, ત્યાં તારે આવું આક્રંદ કરવાની શી જરૂર છે?"

શૂર્પણખા ઊભી થઈ અને આંખોનાં આંસુ લૂછતી બોલી, "એ સાચું, કે તમે તમારા ચૌદ મહાન યોદ્ધાઓને મારી સાથે મોકલેલા. પણ એ ચૌદેચૌદ અત્યારે રામ દ્વારા વધ થયેલા જડ અને ઉષ્માહીન હાલતમાં પડ્યા છે. રામનું શસ્ત્રકૌશલ્ય તો અવર્ણનીય છે. તમારામાં ગૌરવનો છાંટો પણ જો હોય, તો તરત ચાલો, રામ સાથે યુદ્ધ કરો અને રાક્ષસવંશનું રક્ષણ કરો. જો એમ નહીં કરો તો આપણા સમુદાયનો નાશ નિશ્ચિત છે. પણ તમને ભય લાગતો હોય, તો મને કહી દો એટલે હું સમજી જઈશ. આ બે યુવકો, જે તમારી જાળમાં પ્રવેશી ચૂક્યા છે, તેમનો નિર્ધાર તમારા વંશનું નિકંદન કાઢવાનો છે, સિવાય કે તમે જ તેમનો સામનો કરો અને તેમનો ખાત્મો કરો."

પોતાના બધા હજૂરિયાઓની હાજરીમાં પોતાની બહેને ઊંચા અવાજમાં કહેલા આ શબ્દોથી ખરનું હૃદય ભેદાયું.

"આવા વામણા માનવોથી આટલી બધી ગભરાઈને તું આ બધું શું બોલે છે? તું એક ક્ષણ પૂરતી જ ધીરજ ધર અને તેનું રુધિરપાન તું કરી શકીશ." આમ કહેતો ખર ઊભો થયો.

"એકલા ન જતા!" શૂર્પણખાએ કહ્યું. "તમારા સૈન્યને સાથે રાખો."

ખરે તે મુજબ આદેશો કર્યા. દૂષણની આગેવાની નીચે શસ્ત્રસજ્જ વિશાળ સૈન્ય મોખરે રહ્યું. સૈન્ય પાછળ રથના ઠાઠમાઠ સાથે ખર પણ ઊપડ્યો. રસ્તામાં એને કેટલાંક અપશુકન થયાં. ખરના જુસ્સામાં તેની થોડી અસર થઈ, પણ તે હસ્યો અને સૈન્યનો જુસ્સો વધારવા તે બોલ્યો:

"અત્યાર સુધીમાં હું ક્યારેય પણ કોઈ યુદ્ધમાં હાર્યો નથી. આવાં શુકનોની ચિંતા ન કરવી. આપણે હમણાં જ આ બે વામનોનો સંહાર કરીને વિજેતા તરીકે પાછા ફરીશું."

સૈન્યનો જુસ્સો તેમના નેતાના બહાદુરીભર્યા શબ્દોથી વધ્યો.

નજીક આવતા જતા સેનાના તુમુલ ઘોંઘાટને સાંભળીને રામ અને લક્ષ્મણે યુદ્ધની તૈયારી કરી. રામે લક્ષ્મણને કહ્યું, "આ એંધાણ તને સમજાય છે? એટલું ચોક્કસ કે જનસ્થાનના રાક્ષસો અહીં મરવા આવી રહ્યા છે! તારા ચહેરા ઉપર હું ભાવિ વિજયની ચમક જોઈ રહ્યો છું. તું આયુધો સાથે રાખીને સીતાને ટેકરીની ગુફામાં લઈ જા અને તેની સંભાળ રાખ. હું આ રાક્ષસોનાં ટોળાંનો સામનો કરી તેમનો વિનાશ કરીશ. તું જલદી જા. મને કોઈ મદદની જરૂર નથી." આમ કહીને રામે તેમનું બખ્તર ધારણ કર્યું અને ધનુષ્યટંકાર કર્યો.

લક્ષ્મણ રામની આજ્ઞા મુજબ સીતાજીને ટેકરીની ગુફામાં લઈ ગયા.

એક મહાન યુદ્ધ શરૂ થવાનું હતું. એટલે તેને નિહાળવા દેવો અને ગંધર્વો સ્વર્ગની અટારીએ આવીને ઊભા. તેમણે આશીર્વાદ આપ્યા અને રામના વિજયની પ્રાર્થના કરી. ઋષિઓમાં એક મોટી મૂંઝવણ હતી. એકલા રામ ઊભા ઊભા આ વિશાળ સેનાનો કેવી રીતે સામનો કરી તેનો નાશ કરી શકશે? રામે ઊભા ઊભા જ્યારે ધનુષ્યટંકાર કર્યો, ત્યારે તેમના ચહેરાની આભા, રુદ્રે જ્યારે નીચા વળીને તેમના પિનાકનો ટંકાર કર્યો હતો ત્યારની તેમની આભા જેવી હતી.

રાક્ષસસેના પ્રભાવક યુદ્ધકૂટનીતિ મુજબ, ઢોલ, ત્રાંસાં અને દુંદુભિના યુદ્ધધ્વનિ સાથે ચોમેર વાતાવરણને ભરી દેતી આગળ વધતી હતી. તેને લીધે વનવાસીઓ ભાગદોડ કરીને ચારે બાજુ દોડતા હતા. પણછ ઉપર મજબૂત પકડ રાખીને રામ ધનુષ્ય સાથે ઊભા હતા. સૂર્યને ઘેરી વળતાં કાળાં વાદળોની જેમ રાક્ષસોનાં ટોળાંએ રામને ઘેર્યા.

યુદ્ધ શરૂ થયું. પણ દેવોને પણ આશ્ચર્ય થાય એવી રીતે, ત્રાડો પાડતાં અને પોતાના તરફ ધસી આવતાં રાક્ષસોનાં ટોળાંને, ઘાતક તીરોના સતત મારાથી રામે — અગ્નિ સામે મોતને ભેટતા આગિયાની જેમ — આખેઆખી હરોળ ભસ્મીભૂત કરી નાખી.

હવે રામનો સામનો કરવા દૂષણ પોતે જ સામે આવી ગયો. રામે ધનુષ્યની પણછ ખેંચીને તીરોને ચક્રાકાર દિશામાં ચારેય બાજુ છોડ્યાં. સૂર્યનાં કિરણોની જેમ પ્રકાશની ગતિથી, રામ જે જગ્યાએ ઊભા હતા ત્યાંથી બધી દિશામાં ફેલાયેલાં તીરોએ યોદ્ધાઓ, રથો, હાથીઓ અને અશ્વોનો કચ્ચરઘાણ કાઢ્યો.

રાક્ષસોનાં અંગોને છેદીને, અગ્નિ જેમ ચમકતાં, લોહીથી લથબથ તીરો તેમના શરીરમાંથી બહાર નીકળી જતાં હતાં. સેનાનો પૂરેપૂરો નાશ કરીને, કાળના અંતે શિવની જેમ, રામ શાંતિથી ઊભા રહ્યા.

દૂષણ પાછો બીજી મોટી સેના સાથે આવ્યો. થોડોક સમય તે અજેય હોય એવું લાગ્યું. પણ તરત જ રામનાં બાણોએ તેના રથ, સારથિઓ અને અશ્વોને ભોંયભેગા કર્યા. કૂદકો મારીને તે જમીન પર આવ્યો અને રામ તરફ ધસ્યો. જોકે રામનાં તીરોએ તેના બંને હાથને ખભાથી કાપી નાખ્યા હતા. એટલે તે રાક્ષસ મોટા હાથીની જેમ જમીન ઉપર મરેલી હાલતમાં પડ્યો. દૂષણના પતનને જોઈને બીજા રાક્ષસો રામ સામે ધસ્યા, પણ કોદંડપાણિનાં તીરોથી વધેરાઈ ગયા.

આ રીતે ખરનું આખું સૈન્ય નાશ પામ્યું. આવ્યું ત્યારે તે ઘૂઘવતા સાગર જેમ આવ્યું હતું, પણ હવે તે કપાયેલાં ગાત્રો, ભાંગેલા રથો, તૂટેલાં શસ્ત્રો અને શબના ઢગલાઓમાં શાંત થઈ ગયું હતું.

હવે માત્ર ખર અને ત્રિશિરા બચ્યા હતા. રામનો સામનો કરવા ખર આગળ વધતો હતો, ત્યાં ત્રિશિરાએ તેને અટકાવ્યો અને કહ્યું, "પહેલો હું જઈશ અને રામને મારીશ, અથવા તો હું મરીશ. ત્યાર પછી જ તમે તેનો સામનો કરજો."

ત્રણ માથાંવાળો રાક્ષસ તેના રથ ઉપર સવાર થયો અને રામ ઉપર તીર છોડવા માંડ્યો. રામે તેના ઉપર ઝેરીલા નાગ જેવા ફૂંફાડા મારતાં તીરો છોડ્યાં. અંતે ત્રિશિરા લોહી ઓકતો ધરાશાયી થયો. તેના સાથીઓ હરણનાં ટોળાંની જેમ ભાગ્યા.

આ જોઈને ખરે ભાગતા સૈનિકોને થંભી જવાનો આદેશ આપ્યો અને પોતાનો રથ રામ સામે લીધો. તેનો અભિમાની આત્મવિશ્વાસ તો નાશ પામ્યો હતો, પણ તે બહાદુરીથી લડ્યો. બંને યોદ્ધાઓએ સામસામાં છોડેલાં તીરથી આખું આકાશ ભરાઈ ગયું હતું. પોતાના રથ ઉપર ખર યમની જેમ ઊભો હતો અને તીરોની હારમાળા છોડ્યા કરતો હતો. એક ક્ષણ માટે રામ ધનુષ્ય માટે નીચે વળ્યા. બરોબર તે જ ક્ષણે રામનું બખ્તર ખરના બાણથી ભેદાયું. તેમાંથી સૂર્ય જેમ પ્રકાશિત રામનું શરીર દેખાતું હતું.

હવે રામે વિષ્ણુનું ધનુષ્ય લીધું અને ખરના રથને ભાંગ્યો. તેમાં ખરના ધનુષ્યના પણ બે ટુકડા થઈ ગયા. એટલે ખરે તેની ગદા ઉપાડી અને રામ સામે આવ્યો. આ યુદ્ધને જોનારા દેવો અને ઋષિઓ એકદમ ઉત્કંઠિત બની ગયા અને ફરી આશીર્વાદ આપવા લાગ્યા.

"તું માનવજાત માટે ભયંકર ત્રાસરૂપ મહામારી છો," રામે પડકાર કર્યો. "કોઈ દુષ્ટ માટે શારીરિક બળ રક્ષણ બની શકતું નથી. તેં ઋષિઓ ઉપર અત્યાચારો કર્યા છે અને વનમાં તપશ્ચર્યા કરતા આવા ઋષિઓને માર્યા છે. તારાં આ પાપની સજા હવે તને મળશે. જે ઋષિઓના માંસનું તેં ભક્ષણ કર્યું છે, તેમના આત્મા સ્વર્ગના રથમાંથી અત્યારે તને મળતી સજાના સાક્ષી બની રહ્યા છે. દંડકારણ્યમાં હું રાક્ષસોનો વિનાશ કરવા માટે આવ્યો છું. મારાં તીરો તારા પૂરા સમુદાયનાં શરીર ભેદીને તેમનો નાશ કરશે. તારું માથું પાકેલા ફળની જેમ જમીન ઉપર ગબડી જાશે."

"માનવ મગતરાં!" ખર ગર્જ્યો. "દશરથપુત્ર! બણગાં ફૂંકવાં રહેવા દે. તેં થોડા રાક્ષસોને માર્યા છે, એટલે તને અભિમાન ચડી ગયું છે. કોઈ શૂરવીર યોદ્ધો તારી જેમ ડંફાસ મારે નહીં. આવી ડંફાસ તો લોકોએ જેને દેશવટો આપ્યો હોય, એવો ક્ષત્રિય જ મારી શકે. તેં ખાલી તારી ડંફાસ જ બતાવી છે. હવે તું યુદ્ધ કરી શકે છે કે નહીં, તે જોવાનું છે. તારા શબ્દો તો સળગતાં તણખલાંની જેમ હવામાં ઊડે છે. તેમાં અગ્નિ પણ નથી અને જીવન પણ નથી. હું અહીં મારા હાથમાં યમની જેમ ગદા રાખીને તારું જીવન હણવા ઊભો છું. સાંજ ઢળવામાં છે. જીવન ખોવાની તૈયારી કર. મારા જે સાથીદારોને તેં માર્યા છે, તેમના મૃત્યુનું વેર વાળવા હું અહીં આવ્યો છું."

આ સાથે જ ખરે ગદાને ઘુમાવી અને રામ તરફ ફેંકી. રામનાં બાણોએ ગદાના ટુકડેટુકડા કર્યા. આ ટુકડા કોઈને પણ હાનિ કર્યા વગર જમીન ઉપર પડ્યા.

"રાક્ષસ! તેં બોલવાનું બંધ કર્યું? હવે તું મરવાનો થયો છો. હવેથી આ વન સુરક્ષિત થઈ જશે અને ઋષિઓ શાંતિથી જીવશે," રામે કહ્યું.

રામ બોલતા હતા તે દરમ્યાન ખરે એક તોતિંગ વૃક્ષને મૂળસોતું ઉખેડ્યું અને દાંત કચકચાવીને રામ તરફ ફેંક્યું. પણ રામનાં તીરોએ તેના પણ ટુકડા કર્યા. હવે વધુ વિલંબ ભયજનક લાગવાથી રામે ઝેરી બાણ ખર તરફ છોડ્યાં. ઘવાયેલો રાક્ષસ રામ ઉપર હુમલો કરવા કૂદ્યો. રામે એક ડગલું પાછું જઈને તેનો સંપર્ક ટાળ્યો અને એક તીર સીધું તેની છાતીમાં તાક્યું; તે મરેલી હાલતમાં જમીન પર ઢળી પડ્યો.

આકાશમાંથી હર્ષનાદ કરતા દેવોએ પુષ્પવૃષ્ટિ કરી. "દુષ્ટ રાક્ષસનો રામે વધ કર્યો છે. દંડકારણ્યમાં હવેથી લોકો શાંતિથી રહી શકશે. એક જ કલાકમાં રામે ખર, દૂષણ, ત્રિશિરા અને તેમની આખી સેનાનો નાશ કર્યો છે. ખરેખર તે મહાપ્રતાપી શૂરવીર છે."

સીતાજી અને લક્ષ્મણ ગુફામાંથી પાછાં આવ્યાં. લક્ષ્મણે રામને આલિંગન આપ્યું અને એકલે હાથે ઋષિઓને સુરક્ષા આપવાનું જે વચન તેમણે આપ્યું હતું, તેને પરિપૂર્ણ કરવા માટે હર્ષ અનુભવ્યો.

રામ એકલા આ બધાં પરાક્રમ કઈ રીતે કરી શક્યા? જો કોઈ એક ગાયને પોતાના વાછરડાને બચાવવા માણસોનાં આખાં ટોળાંને ભગાડી દેતું જુએ, તો તેને પ્રેમની શક્તિનો પરચો મળે. પ્રેમ એક સર્વોચ્ચ શક્તિ છે અને તે પરિસ્થિતિ અનુસાર શક્તિ અને સમર્પણનાં વિવિધ સ્વરૂપો દ્વારા અકલ્પ્ય પરાક્રમો બતાવી શકે છે. જેમ સોનું, ચાંદી કે બીજી કોઈ મૂલ્યવાન વસ્તુ વિનિમય માટે ઉપયોગમાં આવે છે, તેમ ઈશ્વર જ્યારે માનવસ્વરૂપે અવતરે છે અને પોતે આપેલાં વચનોને પરિપૂર્ણ કરવામાં પ્રવૃત્ત થાય છે, ત્યારે નિઃસહાય લોકોને બચાવવા તે પોતાની અસીમ શક્તિને કામે લગાડે છે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.