કોઈ બગીચામાં રખડતાં ગધેડાંને જેમ લાકડી મારીને કોઈ હાંકી કાઢે, તેમ રામ અને લક્ષ્મણે શૂર્પણખાને ભગાડી. વાલ્મીકિએ આ પ્રસંગને આવી સાવ ટૂંકી અને સાદી રીતે મૂલવ્યો છે.
જોકે તમિલ કવિ કંબન આ પ્રસંગને વધુ લંબાવે છે. તેમણે આ કથાનકમાં ઘણા ફેરફારો પણ કર્યા છે.
નદીકાંઠે બેઠેલા રામ એક હંસને ચાલતો નિહાળે છે. પછી ત્યારે જ તે સીતાજીને પણ ચાલતાં જુએ છે. આ બંનેની ચાલના સામ્યને પારખીને રાઘવ પ્રસન્ન થાય છે અને સ્મિત કરે છે. પોતાના પક્ષે, સીતાજી એક હાથીને નદીમાંથી આવતો નિહાળે છે અને તેને રામની પણ આવી જ ચાલ યાદ આવતાં, તે પણ હસે છે.
આમ પંચવટીમાં, ગોદાવરી નદીને કાંઠે, જાણે કે ધર્મના બે છેડા વચ્ચે પ્રેમનો શાંત પ્રવાહ વહ્યા કરે છે. બરોબર ત્યારે જ નિયતિ કામલોલુપ શૂર્પણખાને રામ પાસે લઈ આવવાનું ષડ્યંત્ર રચે છે.
ભગવાન વિષ્ણુએ ક્ષીરસમુદ્ર છોડીને, દેવોના શત્રુઓને પૃથ્વી ઉપરથી નિર્મૂળ કરવા માટે દશરથપુત્ર તરીકે જન્મ લીધો હોય છે. પણ શૂર્પણખાને આ સમજ કઈ રીતે પડે?
આ વ્યક્તિવિશેષનું સૌંદર્ય જોઈને તેને બહુ જ આશ્ચર્ય થયું: "આ તે મન્મથ (કામદેવ) છે, કે ઇન્દ્ર છે, કે શિવ છે, કે વિષ્ણુ છે? પણ મન્મથ તો અનંગ છે. ઇન્દ્રને તો એક હજાર આંખો હોય છે. શિવને કપાળમાં ત્રીજું નેત્ર હોય છે અને વિષ્ણુને ચાર ભુજાઓ હોય છે. એટલે આ માણસ ઇન્દ્ર, શિવ કે વિષ્ણુ હોઈ શકે નહીં.
"જોકે, કદાચ, શિવના પુણ્યપ્રકોપથી ભસ્મીભૂત થઈ ગયેલું તેનું શરીર તપસ્યા કરીને ફરી પાછું મેળવી લીધા પછીનો આ મન્મથ જ લાગે છે.
"જોકે આ મન્મથ હોય, તો આ સૌંદર્યવાન નાયક હજી સુધી તપસ્યા શું કામ કરતો હશે? આ કમલાક્ષ યુવક તેનો સમય તપશ્ચર્યામાં શા માટે વેડફતો હશે?"
આમ, તે ત્યાં આશ્ચર્યચકિત થઈને, પોતાની આંખોને ફેરવ્યા વગર તેનું નિરીક્ષણ કરતી ઊભી રહી. તેને વિચાર આવ્યો, "મારું આ સ્વરૂપ જોઈને તો તેને ઘૃણા આવશે. એટલે હું મારું સ્વરૂપ બદલાવીને તેની પાસે જાઉં."
તે સુંદર સ્ત્રીના સ્વાંગમાં બદલાઈ ગઈ અને રામની સામે પૂર્ણિમાના ચંદ્રની જેમ રજૂ થઈ. તેનું કોમળ અંગ જાણે કે સ્વર્ગના કલ્પવૃક્ષને વીંટળાયેલી કોઈ સોનેરી વેલી જેવું લાગતું હતું. તેના સુંદર હોઠ અને દાંત તેની બાળહરણ જેવી ગભરુ આંખ સાથે બંધબેસતા લાગતા હતા.
તેની ચાલ મોર જેવી હતી. તે નજીક આવી ત્યારે તેનાં ઝાંઝર ઝણક્યાં. રામે ઊંચું જોયું અને તેમની આંખોએ, મંત્રમુગ્ધ કરી નાખે એવી સૌંદર્યની મૂર્તિ જોઈ. તેણે નીચે વળીને રામને વંદન કર્યાં અને તેમનો ચરણસ્પર્શ કર્યો. પછી તે થોડી પાછી ગઈ અને આંખો ઢાળી.
રામે કલ્પના કરી કે આ સ્ત્રી કોઈ દૂરના પ્રદેશની લાગે છે અને અહીંની મુલાકાતે આવેલ છે, તેથી રામે તેનું સ્વાગત કર્યું અને પૂછ્યું, "તમારો દેશ કયો? તમારું નામ શું છે? તમારાં કુટુંબીઓ કોણ છે?"
શૂર્પણખાએ ઉત્તર આપ્યો, "બ્રહ્માના પૌત્રની હું પુત્રી છું. કુબેર મારા ભાઈ છે. કૈલાસના વિજેતા રાવણ મારા બીજા ભાઈ છે. હું કુંવારી કન્યા છું અને મારું નામ કામવલ્લી છે."
"અને અહીં આવવાનું તમારું પ્રયોજન શું છે?"
"કોઈ સ્ત્રી માટે પોતાના મનની મુશ્કેલીની વાત કરવી યોગ્ય નથી. તો પણ મને એમ લાગે છે કે મારે તમને એ કહેવી જ પડશે. પ્રેમના દેવતાએ મારા હૃદયને ઘેરી લીધું છે. તમારે મને તેમાંથી બચાવવી પડશે, અને તમે એમ કરી પણ શકશો."
તેણે થોડો વિલંબ લીધો. રામ શાંત રહ્યા. અને તેણે ચાલુ રાખ્યું:
"તમે ગાંધર્વ વિધિથી મારી સાથે લગ્ન કરી શકો. તમે જાણતા હશો કે પ્રેમીઓ માટે આ રીતે સંલગ્ન થવું માન્ય પણ છે. એકવાર આપણે આ રીતનું સાયુજ્ય સ્વીકારીએ પછી, આપણું જીવન સુખમય બની જશે એટલું જ નહીં, પણ તમારી અને મારા ભાઈ — મહાન રાવણ — ની મૈત્રી પણ પ્રાપ્ત થશે. આ જંગલમાં તમે એકલા જ છો અને રાક્ષસો તમારી બહુ જ પજવણી કરશે. તમે તેમને ઉત્તેજિત નહીં કરો, તો પણ તેઓ તમને હેરાન કરશે, કારણ કે તમે એક તપસ્વીના વેશમાં છો. તમે જો મારી સાથે લગ્ન કરશો, તો તમે આ બધી મુશ્કેલીઓથી મુક્ત થઈ જશો. એટલું જ નહીં, પણ મારા સત્તારૂઢ સગાઓ તમારી બધી રીતની સેવા કરવા તત્પર રહેશે. આ બધાંની જરૂરી વિચારણા કરો."
આ રીતે તેણે પોતાની આકાંક્ષાને સંતોષવા દલીલ કરી. એમ કરવામાં તેણે પોતાની સત્તા અને રામના અંગત સ્વાર્થનો પણ ઉલ્લેખ કર્યો. રામે પોતાના મોતી જેવા દાંત દેખાય એવી રીતે હાસ્ય કર્યું. બરોબર ત્યારે જ સીતાજી વનસ્પતિ અને વેલીઓમાંથી માર્ગ કરતાં તેમની તરફ આવતાં હતાં. તે પોતે જ વેલી જેવાં લાગતાં હતાં. શૂર્પણખા તેમનું સૌંદર્ય જોઈને અભિભૂત થઈ ગઈ.
તેનાથી અજાણ હોવાથી, કામવૃત્તિના ગુસ્સાને લીધે શૂર્પણખાએ રામને કહ્યું, "આ છોકરી માનવસ્વરૂપે આવેલી રાક્ષસી છે. તે તમને છેતરવા માટે આવી છે. તેનાથી ચેતતા રહેજો. અત્યારનું તેનું સ્વરૂપ વાસ્તવિક નથી. તે તો કાચું માંસ ખાનારી રાક્ષસી છે. તેને બહાર કાઢી મૂકો. તેની સાથે કોઈ સંપર્ક ન રાખવો."
રામ પાછા હસ્યા. "તમે ખરેખર બહુ ચતુર છો," રામે કહ્યું. "તમે તેના અંગેનું સત્ય પારખી ગયાં છો."
તે દરમ્યાન સીતાજી આવી ગયાં અને રામ પાસે ઊભાં. રામ શા માટે હસતા હતા, તે શૂર્પણખા સમજી ન શકી. તેની લોલુપતામાં તેણે સમજશક્તિ ગુમાવી દીધી હતી. તેણે સીતાજી સામે ફૂંફાડો માર્યો: "મારા આ શૂરવીર નાયક પાસે તું શા માટે આવી છો? રાક્ષસી, અહીંથી ચાલી જા!"
ભય અને અસુરક્ષાથી સીતાજી રામના ખભાને વળગી પડ્યાં. આ દૃશ્ય પાણી ભરેલાં વાદળાંને વીજળીનો ચમકારો વળગી પડે તેવું હતું.
રામને હવે સમજાયું કે તેમની ટીખળ હવે બહુ લંબાઈ હતી. તેમણે કહ્યું, "સન્નારી, જરાક થોભો. બાકી મારો ભાઈ તમને સાંભળી જશે. એ બહુ તુંડમિજાજી છે અને તેનો ગુસ્સો બહુ ભયાનક છે. મારી તમને સલાહ છે કે જલદી તમે જે રસ્તે આવ્યાં, તે રસ્તે પાછાં વળો." આમ કહીને રામે સીતાજીને સાથે લીધાં અને આશ્રમમાં ગયા.
કામનાનો અગ્નિ તૃપ્ત ન થવાથી રાક્ષસીએ તે રાત્રી ગમે ત્યાં ગમે તેમ પસાર કરી. સવારે તેણે વિચાર્યું, "જો હું આ માણસને મેળવી ન શકું, તો હું જીવી નહીં શકું. અને જ્યાં સુધી આ છોકરી તેની સાથે છે, ત્યાં સુધી તે મારી નજીક પણ ક્યારેય નહીં આવે. મારે તે છોકરીને ઉપાડી જવાની પેરવી કરવી પડશે. પછી હું તેને કોઈ જગ્યાએ સાચવી રાખીશ અને મારા પ્રેમને સુરક્ષિત કરીશ." આવું નક્કી કરીને તે પાછી આશ્રમે આવી.
ત્યારે રામ સવારની સંધ્યાપૂજા માટે નદીએ ગયા હતા અને સીતાજી આશ્રમમાં એકલાં હતાં. શૂર્પણખાએ નિશ્ચય કર્યો કે સીતાજીને ઉપાડી જવા માટેનો આ બહુ સારો મોકો હતો. તેને ખ્યાલ ન આવ્યો કે લક્ષ્મણ નજીકની ઝાડીમાં જ હતા. શૂર્પણખા સીતાજી તરફ ધસી. લક્ષ્મણે બૂમ પાડી અને રાક્ષસી ઉપર હુમલો કર્યો. તેના વાળ પકડીને તેને ઢસડી અને પોતાની તલવાર ઉગામી.
જેવો પોતાના ઉપર હુમલો થયો, તે સાથે જ શૂર્પણખા પોતાના મૂળ સ્વરૂપમાં આવી અને લક્ષ્મણ ઉપર ધસી ગઈ. સૌમિત્રિએ સહેલાઈથી તેના ઉપર કાબૂ મેળવ્યો, તેનું નાક કાપ્યું અને ભગાડી મૂકી.
નીતરતા લોહી સાથે શૂર્પણખા વનમાં દોડી ગઈ અને પોતાના ભાઈઓને ઊંચા અવાજે સંભળાવવા લાગી: "અરે, મારા વીરા ખર! એ ભાઈ રાવણ! અરે, ઇન્દ્રજિત! અરે, રાક્ષસકુળના રાજાઓ! તમે બધા સૂતા છો? એક મામૂલી માણસે મારું અપમાન કર્યું છે અને મારું નાક કાપી નાખ્યું છે. મારી આ યાતના તમે સાંભળી શકતા નથી?"
આ પ્રસંગનું કંબનનું રૂપાંતર આ રીતનું છે. શૂર્પણખા રામ પાસે જાય છે અને તેમને આકર્ષિત કરવા પ્રયત્ન કરે છે. ત્યારે તે પોતાનું મૂળ સ્વરૂપ છુપાવે છે અને રૂપાળી સ્ત્રી જેવી દેખાય છે. એક રીતે આ ફેરફારને, વાલ્મીકિના વર્ણનમાં શૂર્પણખાને 'કામરૂપિણી' કહી છે, તેનું અનુમોદન પણ મળે છે. કામરૂપિણી એટલે પોતાને ઇચ્છિત હોય તેવા સ્વરૂપને ધારણ કરનારી.
તમિલ કવિને વાલ્મીકિના કથનમાં કંઈક ખૂટતું અથવા તો અયોગ્ય લાગ્યું હોવાથી, પશુવૃત્તિ કઈ રીતે પ્રગટ થાય છે તે દર્શાવવા આ પ્રસંગની ગૂંથણી કરી છે.
