રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-31

Chapter 31 · પ્રકરણ ૩૧

શૂર્પણખા-ઘટના

શૂર્પણખા
શૂર્પણખા

અગસ્ત્ય ઋષિની સૂચના પછી બંને રાજકુમારો અને સીતાજી પંચવટીના રસ્તે આગળ વધ્યાં.

રસ્તામાં એક મોટા ઝાડ ઉપર કોઈ ભીમકાય આકૃતિ તેમને જોવા મળી.

રામે ગુસ્સેથી તેને પૂછ્યું, "તું કોણ છો?" જોકે તે ગીધે એકદમ નમ્રતાથી અને લાગણીપૂર્વક ઉત્તર આપ્યો: "બેટા! હું તારા પિતાજીનો વૃદ્ધ મિત્ર છું." પછી તેણે પોતાની વાત કરી.

જટાયુ વિષ્ણુના વાહનરૂપ ગરુડના ભાઈ, પ્રભાતના દેવતા અરુણના દીકરા સંપાતિનો ભાઈ હતો.

તેણે કહ્યું, "જ્યારે તમે સીતાજીને એકલાં મૂકીને વનમાં શિકાર કરવા જાઓ, ત્યારે હું તેમની રક્ષા કરીશ."

રામે રાજી થઈને આ પક્ષીરાજની સ્વૈચ્છિક તૈયારીનો કૃતજ્ઞતાપૂર્વક સ્વીકાર કર્યો. પાછાં તેઓ તેમના રસ્તે આગળ વધ્યાં.

રામ પંચવટીનું સૌંદર્ય જોઈને બહુ પ્રભાવિત થયા અને અગસ્ત્ય ઋષિએ તેમને આવી જગ્યાની ભલામણ કરી તે યાદ કરીને તેમનો મનોમન આભાર માન્યો. તેમણે લક્ષ્મણને કહ્યું, "આ જગ્યાએ આપણો આશ્રમ બનાવીને આપણે અહીંયાં તો ગમે તેટલો લાંબો સમય આનંદથી રહી શકીએ. પેલી ટેકરીઓ નજીક છે, છતાં પણ એટલી બધી નજીક નથી. પેલાં હરણનાં ટોળાં પણ જો. ફૂલોથી લચકતાં વૃક્ષો, પક્ષીઓનો મધુર કલરવ, આ નદી, આ ચોખ્ખી રેતી — આ બધું બહુ મનગમતું છે. આપણે માટે કોઈ સારી જગ્યા શોધી કાઢ અને આપણી કુટીર બનાવ."

લક્ષ્મણે આદેશ મુજબ બધું કર્યું અને તેમનો આશ્રમ બનાવ્યો.

વાલ્મીકિ અહીંયાં લક્ષ્મણનું કૌશલ્ય અને ઝડપી કામગીરી સમજાવવા થોડોક સમય આપે છે. ગારાની દીવાલો અને ઉપર છાંદેલી છત સૌમિત્રિએ કેવી રીતે તૈયાર કરી તેનું વિગતવાર વર્ણન કરે છે. રામ ખૂબ હોંશભેર લક્ષ્મણને વખાણે છે.

"મારે માટે તું પિતા કરતાં પણ વધુ મૂલ્યવાન છો," પ્રેમ અને પ્રસન્નતાનાં આંસુ સારતા રાઘવે આમ કહેલું.

આપણે પણ થોડોક વખત વિચારીએ કે રાજકુમાર લક્ષ્મણે આ કૌશલ્ય કેવી રીતે પ્રાપ્ત કર્યું હશે. આપણે અનુમાન કરી શકીએ કે તે યુગમાં રાજકુમારોના શિક્ષણમાં પણ જીવનની વાસ્તવિકતાઓ અને તેને પહોંચી વળવા શારીરિક શ્રમના શિક્ષણનો સમાવેશ થતો હતો. વનમાં પણ હાથવગી વસ્તુઓ ભેગી કરીને પોતાને રહેવા માટેની સ્વચ્છ કુટીર બનાવવા માટેનું કૌશલ્ય તેનું જ એક ઉદાહરણ હોઈ શકે.

પંચવટીના આશ્રમમાં રામ અને સીતાજી લક્ષ્મણની પ્રેમાળ સેવા મેળવીને સુખેથી રહેતાં હતાં.

એકવાર શિયાળાના શરૂઆતના દિવસોમાં એક સવારે તે ત્રણેય રાબેતા મુજબ ગોદાવરીમાં સ્નાન કરવા, પ્રાતઃસંધ્યા પૂજા કરવા અને તે દિવસની પાણીની જરૂરિયાત પૂરી કરવા પાણી લઈ આવવા ગયાં. ચાલતાં ચાલતાં તેઓ ઋતુના સૌંદર્યની ચર્ચા કરતાં હતાં. લક્ષ્મણ ભરતના વિચારમાં હતા. તે વિચારતા હતા કે ભરત અત્યારે ચાલુ મહિનાને અનુરૂપ ધાર્મિક વિધિઓ કરવામાં વ્યસ્ત હશે.

લક્ષ્મણે કહ્યું, "ભરતને તો આરામભરેલી જિંદગી જીવવાનો અધિકાર મળ્યો છે, પણ આપણે વનમાં મુશ્કેલીભર્યું જીવન પસાર કરીએ છીએ તેને લીધે તેણે પણ પોતાના ઉપર આવી મુશ્કેલીભરી જિંદગી સ્વીકારી લીધી છે. આ બાબતનું મારા મનમાં બહુ દુઃખ છે. આવી કડકડતી ઠંડીમાં પણ બિચારો ભરત ચોક્કસ બહુ ઓછો આહાર લેતો હશે અને ઉઘાડી છો ઉપર સૂતો હશે. આજની આ કડકડતી ઠંડી સવારે પણ આપણી જેમ એ પણ ચાલીને સરયૂ નદીએ ગયો હશે. આવો ઉમદા પ્રકૃતિનો ભાઈ આપણને મળ્યો છે, તે આપણું મોટું સૌભાગ્ય છે! વિચાર, વાણી અને વ્યવહાર — આ બધામાં અણીશુદ્ધ એવો ભરત બધાં સુખનો ત્યાગ કરીને આપણે માટે તપસ્વીનું જીવન જીવી રહ્યો છે. તે આબાદ આપણા પૂજ્ય પિતાશ્રી જેવો છે અને માતાથી તદ્દન વિરુદ્ધ છે. કૈકેયી જેવી ક્રૂર સ્ત્રી આવા પુત્રને કઈ રીતે જન્મ આપી શકી હશે?"

રામે તેને બોલતો અટકાવીને કહ્યું, "ભરત અને આપણા પિતાજી વિષે તારે જેટલું કહેવું હોય તે કહે, પણ કૈકેયીને ધુત્કારવાનું બંધ કર. ભરત અંગે તું જે કંઈ કહે છે, તે સાચું છે અને હું પણ પ્રેમપૂર્વક તેને યાદ કર્યા કરું છું. તેનો મેળાપ થતાં હજી કોણ જાણે કેટલો સમય જશે? લક્ષ્મણ, તેનો આનંદ આપણને ક્યારે મળશે? ફરી પાછા આપણે ચારેય ભાઈઓ ક્યારે સાથે રહી શકીશું? ભરતનાં પ્રેમાળ વચનો મારા કાનમાં હજી ગુંજ્યા કરે છે."

આમ ભરતને મળવાની અને ઘેર પાછા જવાની ઉત્કંઠા સાથે તે શિયાળાની ઠંડી સવારે તેમણે ગોદાવરીમાં સ્નાન કર્યું.

પિતૃઓને અર્ઘ્ય અને સૂર્યને પ્રાર્થના અર્પણ કર્યા પછી રામ જાણે કે ભગવાન શિવની પ્રતિમૂર્તિ હોય તેમ બહાર આવ્યા અને સીતાજી તથા લક્ષ્મણ સાથે આશ્રમ જવા પાછા ફર્યા.

સવારની તેમની રોજિંદી પ્રવૃત્તિઓ કર્યા પછી તેઓ વીતેલા સમયની લાગણીશીલ વાતો અને લાંબા સમય પહેલાંની વાતો કરવામાં તેમનો સમય પસાર કરતાં હતાં.

એકબીજાના મધુર સહચર્યમાં તેઓ ભૂતકાળને વાગોળતાં બેઠાં હતાં, ત્યાં ઓચિંતી એક રાક્ષસીએ તેમને જોયાં. તે રાવણની બહેન શૂર્પણખા હતી. કોઈ માલેતુજારના બગડેલા સંતાનની જેમ તે બુદ્ધિહીન હાલતમાં આખા વનમાં રઝળ્યા કરતી હતી. તેની કદરૂપતા ભયજનક હતી, પણ તેની માયાવી શક્તિથી તે ધારે ત્યારે ગમે તેવું સુંદર રૂપ ધારણ કરી શકતી હતી. રામનું દેવ જેવું સ્વરૂપ તેણે જોયું, તે સાથે જ રામને પ્રાપ્ત કરવાની તેની કામના નિરંકુશ રીતે ઉછળવા લાગી. તેણે રામનો સંપર્ક સાધ્યો.

"તમે કોણ છો? તપસ્વીનો પોશાક છે, પણ એક સ્ત્રીનો સંગાથ છે. વળી યુદ્ધનાં આયુધો અને ધનુષ્યબાણ રાખો છો. આ વન તો રાક્ષસોની માલિકીનું છે, એટલે તમે અહીંયાં વનમાં કેમ છો? સાચું કહેજો."

આવા પ્રસંગોએ તે જમાનામાં એવો શિષ્ટાચાર હતો કે જેનો સંપર્ક કરવામાં આવ્યો હોય, તે વ્યક્તિ પોતાનું નામ, ઓળખાણ, ગામ અને જરૂરી માહિતી આપે અને આગંતુકને પોતાની અને કુટુંબની માહિતી તેમજ તેના આવવાનું પ્રયોજન પૂછે.

રામે કહ્યું, "મહાન દશરથ રાજાનો હું પાટવી પુત્ર છું. મારું નામ રામ છે. આ મારો નાનો ભાઈ લક્ષ્મણ છે. અને આ મારી પત્ની સીતા છે. મારા પિતા અને માતાના આદેશને અનુસરીને અને ધર્મના પાલન માટે અત્યારે હું વનમાં આવ્યો છું. અને હવે તમે પણ કોણ છો, તેની જાણ કરવા તમને પણ વિનંતી છે. તમે કયા કુટુંબમાંથી આવો છો? આમ તો તમે રાક્ષસકુળની સ્ત્રી જેવાં લાગો છો. અહીં આવવાનો તમારો હેતુ શો છે?"

તેણે ઉત્તરમાં કહ્યું, "તમે વિશ્રવાના પ્રતાપી પુત્ર અને રાક્ષસોના રાજા રાવણ વિષે કંઈ જાણો છો? હું તેની બહેન છું. મારું નામ શૂર્પણખા છે. મારા ભાઈઓ, કુંભકર્ણ અને વિભીષણ પણ વિખ્યાત યોદ્ધાઓ છે. આ પ્રદેશના સત્તાધીશ એવા ખર અને દૂષણ પણ મારા ભાઈઓ છે. તેઓ પણ પ્રતાપી યોદ્ધાઓ છે અને આ પ્રદેશમાં એકાધિકાર ભોગવે છે. પણ મારા ઉપર તેઓનો કોઈ કાબૂ નથી. હું સંપૂર્ણપણે મુક્તિ ભોગવું છું. મને જે ગમે તે કરવાની અને મારી જાતને સંતોષવાની મને પૂરેપૂરી છૂટ છે. શબ્દશઃ કહું તો આ વનમાં બધાં મારાથી ભયભીત છે." પોતાની લાલસાને વધુ બળવત્તર કરવા માટે તેણે આમ કહ્યું.

"મારી આંખો તમારા ઉપર પડી, ત્યારથી હું તમારા પ્રેમમાં પડી ગઈ છું. હવેથી તમે મારા પતિ છો. આ ઠીંગણી બાઈ સાથે તમે અહીં કેમ ભટક્યા કરો છો? તમારે લાયક સંગિની તો હું છું. મારી સાથે ચાલો. આ વનમાં આપણે મુક્ત રીતે ભ્રમણ કરીશું. હું મને ગમતું ગમે તે સ્વરૂપ ધારણ કરી શકું છું. તમારી આ છોકરીની તમારે ચિંતા કરવાની જરૂર નથી. હું ચપટીમાં તેને ખાઈ જઈશ અને તેનો નાશ કરીશ. એમાં તમારે જરા પણ ક્ષોભ રાખવાની જરૂર નથી."

કામલોલુપતાની અસર નીચે, તેના રાક્ષસકુળને અનુરૂપ તેણે આવો બફાટ કર્યો.

આ બધું સાંભળીને રામને આશ્ચર્ય અને મનોરંજન બંનેનો અનુભવ થયો. તેમણે સસ્મિત જણાવ્યું, "હે સુંદરી! મને પ્રાપ્ત કરવાની તારી ઇચ્છા તારે માટે મુશ્કેલી ઊભી કરશે. આ મારી પત્ની અત્યારે મારી સાથે જ છે. અને બે પત્નીવાળા પુરુષ બનવાનો મને કોઈ જાતનો અભરખો નથી. જોકે મારો આ સશક્ત ભાઈ પત્નીની ધૂંસરી વગરનો છે અને મારા જેવો જ રૂપાળો છે. તારે માટે તો તે જ લાયક પતિ છે. તું તારો હાથ એને સોંપી દે અને મને છોડ."

રામે આમ કહ્યું, કારણ કે તેમને વિશ્વાસ હતો કે લક્ષ્મણ શૂર્પણખાને યોગ્ય ન્યાય આપશે.

રાક્ષસીએ રામની સલાહ ગંભીરતાથી લીધી અને તે લક્ષ્મણની પાસે ગઈ અને બોલી, "ઓહ મારા શૂરવીર! મારી સાથે ચાલ. આખા દંડકારણ્યમાં આપણે બંને સાથે સ્વૈચ્છિક વિહારનો આનંદ લૂંટીએ."

પરિસ્થિતિની ટીખળને પામી જઈને લક્ષ્મણે જણાવ્યું, "મૂર્ખી થા મા. એ તો તારી મશ્કરી કરે છે. તારી ઓકાત ક્યાં અને મારી ક્યાં! હું તો અહીં મારા ભાઈનો ગુલામ છું, જ્યારે તું તો રાજકુમારી છો. મારી પત્ની બનીને એક ગુલામના પણ ગુલામની પત્ની તું કેવી રીતે બની શકે? રામ જ તને બીજી પત્ની તરીકે સ્વીકારે એવો જ આગ્રહ તું રાખ. સીતાની તું ચિંતા ન કરતી. તને સ્વીકાર્યા પછી તરત જ રામ સીતાને બદલે તને જ વધુ ઇચ્છશે અને તેની સાથે તું સુખી થઈશ."

કેટલાક ટીકાકારો કદાચ એમ પૂછે કે પ્રેમથી પીડાતી એવી કોઈ સ્ત્રીને આ રીતે ત્રાસ આપવો શું યોગ્ય છે? પણ જો આપણે આપણી કલ્પનાશીલતાને ઉપયોગમાં લઈને કોઈ કદરૂપી રાક્ષસીની કલ્પના કરીએ, તો આપણે આ પરિસ્થિતિ સમજી શકીએ. એ ખરું કે તે સ્વૈચ્છિક રીતે આકર્ષક સ્ત્રીનું સૌંદર્ય ધારણ કરી શકતી હતી, પણ કામલોલુપતાના કેફમાં તે આ આકર્ષણનો ઉપયોગ કરવાનું પણ ભૂલી ગઈ હોય એવું લાગે છે.

વાલ્મીકિ વર્ણવે છે, "આ વિકૃત, અદોદળી અને ભદ્દી રાક્ષસી, તેની લોલુપ લાલચોળ આંખો સાથે, વિખરાયેલા લાલ કેશકલાપમાં અને કામાવેશમાં ખરડાયેલા ઘોઘરા અવાજ સાથે સુંદર શરીરસૌષ્ઠવ ધરાવતા મનોહારી અને હસમુખા રામ પાસે ગઈ." તમિલ કવિ કંબન આ પરિસ્થિતિમાં એટલો ફેરફાર કરે છે કે શૂર્પણખાએ તે સમયે સુંદર રૂપ પહેલેથી જ અપનાવી લીધું હતું.

નિર્બંધ વાસનાથી પ્રેરાઈને રાક્ષસી, લક્ષ્મણે જેમ કહ્યું હતું તેમ કરવા તૈયાર થઈ અને પાછી રામ પાસે ગઈ. તે રાક્ષસી હોવાથી વિચાર અને વર્તનમાં બીજી કોઈ રીતે જીવન જીવી શકતી નહોતી.

સીતાજીને જોઈને તેને ગુસ્સો આવ્યો. "આ તુચ્છ મગતરું જ તમને અને મને નડે છે. કમર વગરની આ છોકરીને તમે પ્રેમ કેવી રીતે કરી શકો છો? જુઓ, આ ક્ષણે જ હું તેને ખતમ કરી નાખું છું. હું તમારા વગર રહી શકું એમ નથી. એકવાર હું તેને આપણા રસ્તામાંથી દૂર કરું, પછી તમે અને હું એકબીજા સાથે આનંદથી રહીશું." આમ કહેતાં જ તે સીતાજી ઉપર કૂદી.

રામે સમયસર દરમ્યાનગીરી કરી અને સીતાજીને બચાવ્યાં. આ ફારસ હવે બહુ લંબાયું હતું અને કરુણાંતિકામાં પરિવર્તિત થવાનો ભય હતો. રામે લક્ષ્મણને બૂમ પાડી, "જો, સીતાને હું હમણાં જ આનાથી બચાવી શક્યો છું. હવે તો આ રાક્ષસીને તું યોગ્ય પાઠ ભણાવ."

લક્ષ્મણે તરત જ તેની તલવાર કાઢી અને શૂર્પણખાનું નાક કાપી નાખ્યું અને તેને દૂર ભગાડી. અપમાનિત અને નાકકટ્ટી થઈ જવાથી શૂર્પણખાએ જોરથી આક્રંદ કર્યું અને વનમાં અદૃશ્ય થઈ ગઈ.

લોહીભીની હાલતમાં અને પીડાથી ગુસ્સે થયેલી શૂર્પણખા, પોતાના સેવકો સાથે દરબાર ભરીને જે મેદાનમાં ખર બેઠો હતો, ત્યાં આવીને જમીન ઉપર ફસકી પડી. દુઃખ સાથે ચીસો પાડતાં તેને થયેલા અપમાનની વાત તેણે ખરને કરી. તેને થયેલી શારીરિક હાનિ અને અસહ્ય અપમાન આખા રાક્ષસકુળનું અપમાન હતું અને તે દુશ્મનનું લોહી વહાવવાથી જ સરભર થઈ શકે એમ હતું.

તે બોલી, "આ મારી દશા જુઓ. રામ અને લક્ષ્મણે આ બધું કર્યું છે અને હજી તેઓ તમારી જાગીરમાં જીવતા ભટકે છે. અને તમે અહીં કંઈ કર્યા વગર બેઠા છો."

ખર ઊભો થઈ ગયો અને બોલ્યો, "અરે મારી લાડકી બહેના, આ બધું શું છે? મને કાંઈ સમજાતું નથી. જરા શાંત થા અને શું બન્યું છે, તે મને કહે. તને આવું કરવાની હિંમત કોણે કરી? અને તે માણસ આ વનમાં છે? કાગડા અને ગીધના ખોરાક બનવાની ઇચ્છા વળી કોની થઈ છે? કાળા નાગને કોણે છંછેડ્યો છે? એ મૂરખ છે કોણ અને ક્યાં છે? મને વાત કર, એટલે તરત એ મોતને ઘાટ ઊતરી જશે. આ ધરતી એના લોહીની તરસી છે. ઊભી થા અને જે કાંઈ બન્યું તે બધું મને જણાવ."

"બે રૂપાળા યુવકો," શૂર્પણખા બોલી, "આ વનમાં આવ્યા છે. તેઓ સાધુના વેશમાં છે અને તેમની સાથે એક છોકરી છે. તેઓ કહે છે કે તે બંને દશરથના પુત્રો છે. તેમની છોકરીનું બહાનું બનાવીને તે બંનેએ મારા ઉપર હુમલો કર્યો અને આવી શરમજનક હાલતની મને ઈજા પહોંચાડી. હવે હું આ બંને દુષ્ટોના લોહીની તરસી થઈ છું. પહેલાં એ બંનેનો વધ કરો. બીજું બધું પછીથી જોઈ લેવાશે."

ખરે તેના સેનાપતિઓને હુકમ કર્યો: "જલદી જાઓ, આ માણસોનો વધ કરી અને તેમનાં નિર્જીવ શરીરને અહીં લઈ આવો. પેલી સ્ત્રીને પણ અહીંયાં ઢસડીને લઈ આવો. ઝડપ કરો."

ચૌદ સેનાપતિઓ ખરના હુકમનું પાલન કરવા ઊપડ્યા.*

---

\* કેટલાક લોકો આપણાં ધાર્મિક પુસ્તકો અને પ્રણાલિકાઓના ટીકાકાર હોવાનો દાવો કરે છે. તેઓ કહે છે, "આ શૂરવીરે એક સ્ત્રીની હત્યા કરી. તેને પોતાનો પ્રેમ અર્પણ કરનાર સ્ત્રીનું એણે અપમાન કર્યું અને કાયમી શારીરિક ઈજા પહોંચાડી. તેણે સામી છાતીએ યુદ્ધ કરીને અને પરાજયને સન્માનપૂર્વક સ્વીકારવાને બદલે, વાલીનો છુપાઈને વધ કર્યો. તેણે અન્યાયી રીતે, વનવાસ પૂરો થઈ ગયા પછી સીતાજીને વનવાસ આપ્યો. સીતાજીનો દેશવટો જો અન્યાયી નહોતો અને સીતાજીની તેમના પ્રત્યેની નિષ્ઠામાં જો તે ન્યાયી રીતે શંકાશીલ હતા, તો પછી આપણે પણ સીતાજીની નિષ્ઠામાં શંકા સેવવી જોઈએ."

આવી બધી ટીકાઓના મૂળમાં ધિક્કારની મનોવૃત્તિ કામ કરતી હોય છે. દુર્ભાગ્યે આપણામાં શુષ્ક અને નિર્દયી હોશિયારી હોય છે અને સાચી સમજણ જરા પણ હોતી નથી. રામની ક્ષતિઓ શોધનારાઓ ભલે રામનું દોષદર્શન કરે. અને આવા વિવેચકો પોતાના જીવનમાં અણીશુદ્ધ રીતે ધર્મનું પાલન કરે અને રામના પાત્રમાં જે ક્ષતિઓ તેમને દેખાઈ, તેનાથી દૂર રહે, તો શ્રીરામના ભક્તો જરૂર આનંદથી તેમને સ્વીકારશે. રામના સદ્ગુણો જો તેઓ પોતાના જીવનમાં પણ પ્રદર્શિત કરે અને ક્ષતિહીન સદ્ગુણો ફેલાવે, તો પછી બીજા કોઈને ફરિયાદ કરવાનું કારણ જ ક્યાંથી હોય?

કંબનના રામાયણમાં શૂર્પણખાને એક યુવાન માનવ સુંદરીના રૂપમાં આવેલી પહેલેથી જ દર્શાવાઈ છે. તે રામને લલચાવવા પ્રયત્ન કરે છે. આ પ્રસંગમાં કંબન વાલ્મીકિથી ઘણા જુદા પડે છે અને આ પ્રસંગને તે બહુ રોચક બનાવે છે. હવે પછીના પ્રકરણમાં આ જોઈ શકાશે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.