રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-30

Chapter 30 · પ્રકરણ ૩૦

વનવાસનાં દસ વર્ષ

અરણ્યકાંડ
અરણ્યકાંડ

અહીંથી હવે અરણ્યકાંડ શરૂ થાય છે. સીતાજી ઉપર આવનારી ભાવિ વિપત્તિ માટે આપણને તૈયાર કરતા હોય, તેવા એક પ્રસંગથી કવિ આની શરૂઆત કરે છે. રામ ઉપર એક નવી જવાબદારી આવી પડી છે — દંડકારણ્યના ઋષિઓને ત્રાસ આપતા રાક્ષસોનો નાશ કરવાની આ જવાબદારી છે. આને લીધે ભવિષ્યની ઘટનાઓ જાણે કે તેમનો પડછાયો પાડતી હોય, તેમ સીતાજીના હૃદયમાં નવા ભયની લાગણી પેદા થાય છે.

"ખરેખર તો આપે વનમાં માત્ર તપસ્વી જ બનવાનું છે. તો પછી આ રક્ષણ પૂરું પાડવાનું કઠિન કર્મ આપે અને લક્ષ્મણે પોતાના ઉપર શા માટે લઈ લેવું જોઈએ? આપ તો અહીં ફક્ત સદ્ગત પિતાજીને આપેલું વચન પૂરું કરવા જ આવ્યા છો. ઋષિઓને રક્ષણ આપવાની ફરજ તો અત્યારે જે શાસન ચલાવે છે, તે રાજાની જ છે. તપશ્ચર્યામાં પ્રવૃત્ત એવા આપની, ઋષિઓને રક્ષણ આપવાની ફરજ નથી. આત્મરક્ષણની પરિસ્થિતિ સિવાય કોઈનો વધ કરવો, એ તો તપસ્વી જીવનના પ્રણથી વિરુદ્ધ છે. પણ આપે તો ઋષિઓનું રક્ષણ કરવાનું અવિચારી વચન આપી દીધું છે. કોણ જાણે આ આપણને કઈ તરફ દોરી જાય!"

સુતીક્ષ્ણ ઋષિના આશ્રમેથી તેઓ દંડકારણ્યના કોઈ અન્ય ઋષિના આશ્રમે જતાં હતાં, ત્યારે રસ્તામાં જાનકીએ તેમની કોમળ અને લાગણીશીલ વાણીમાં આવી દલીલ કરી.

"આપને હું સલાહ આપતી હોઉં એવું લાગે, તો નાથ! મને ક્ષમા કરજો. આપને માટેના મારા અસીમ પ્રેમને લીધે એક અબળા તરીકે હું આપને આ કહું છું. ધર્મ શું છે, તે આપ જાણો છો. પણ એમ કહેવાય છે, કે કામનાના દબાણ હેઠળ પુરુષો ત્રણ પ્રકારનાં પાપ કરવા પ્રેરાય છે: અસત્ય, કામવાસના અને હિંસા. સત્યને ખાતર જેમણે સિંહાસનનો ત્યાગ કર્યો અને વનવાસ સ્વીકાર્યો, એવા આપને માટે અસત્ય તો અકલ્પનીય છે. વળી કામવાસના માટે — શું હું એ નથી જાણતી, કે આપના મનમાં કોઈ અન્ય સ્ત્રીનો વિચાર પણ આપ પ્રવેશવા દયો એવા નથી? પણ મને ત્રીજા પ્રકારના પાપનો ભય છે. આપણા ઉપર જે આક્રમણ ન કરે, તેનો પણ શું આપણે વધ કરવો જોઈએ? પછી ભલે તે રાક્ષસ હોય, કે ગમે તે હોય, પણ જે આપણને નડતો ન હોય, તેનો વધ આપણે શા માટે કરવો જોઈએ? મને લાગે છે કે ઋષિઓને વચન આપવાની આપને ઉતાવળ હતી. એ વાત નિઃશંક છે કે આતતાયીનો નાશ કરવો એ ક્ષત્રિયનો ધર્મ છે, પણ તે ધર્મની સાથે સંકળાયેલા વિશેષાધિકારોનો આપે જ્યારે ત્યાગ કર્યો છે અને વનના એક તપસ્વીનું જીવન સ્વીકાર્યું છે, ત્યારે પણ એ ધર્મ હજી આપને વળગેલો રહી શકે ખરો?

"રાજાનો ધર્મ તેના વાસ્તવિક સન્માન સાથે સંકળાયેલ છે. વલ્કલ વસ્ત્રોમાં સજ્જ અને જટાધારી અવસ્થામાં આપ અત્યારે માત્ર તપસ્વી છો, તે વાત સીધીસટ છે. અલબત્ત, આમ તો આપ જ આ બધું વધુ જાણતા હો. હું તો માત્ર આપને એટલું જ કહું છું, કે કોઈ પણ સાહસ કરતાં પહેલાં આપે પૂરતો વિચાર કરવો જોઈએ."

જાનકીના મનની શંકાઓને લીધે રાઘવનો તેમને માટેનો પ્રેમ અને પ્રશંસા ઊભરાઈ આવ્યાં. તેમણે કહ્યું, "પ્રિયે! ખરેખર તમે જનક રાજાની પુત્રીની જેમ જ વદો છો. પણ સીતા, તમે પોતે જ એકવાર નહોતું કહ્યું, કે ક્ષત્રિયોએ ધારણ કરેલાં શસ્ત્રો બીજા લોકોના રક્ષણ માટે હોય છે? નિઃસહાય લોકો જ્યારે અત્યાચારથી પીડાતા હોય, ત્યારે ક્ષત્રિય છાનોમાનો કેવી રીતે બેસી શકે? આપણે જ્યારે અહીં આવ્યાં, ત્યારે ઋષિઓએ તેમની વ્યથાઓની ફરિયાદ કરી, અને આપણા દ્વારા તેમના રક્ષણની યાચના કરી. રાક્ષસો તો તેમને માત્ર ખાદ્ય માંસ તરીકે જ જોતા હતા અને તેમના આશ્રમોને ખેદાનમેદાન કરતા હતા. રાક્ષસોના આ અત્યાચારને ઋષિઓ સહન કરી શકતા નહોતા. રાક્ષસોના ત્રાસરૂપે હાડકાંના ઢગલા તેમણે આપણને નહોતા બતાવ્યા? તેમણે કહેલું, 'આપ રાજાના પુત્ર છો. ઊગતા સૂરજ સાથે જેમ અંધકાર વિલીન થાય, તેમ અમારી યાતનાઓનો હવે અંત આવશે. આપ જ અમારો એકમાત્ર આશ્રય છો.' અમે રાજકુમારો તેમની દયનીય આજીજી સાંભળીને તેમને મદદ કર્યા વગર રહી શકીએ? દરેક ક્ષત્રિયે — માત્ર રાજા જ નહીં, પણ દરેક ક્ષત્રિયે — પોતાનો ધર્મ બજાવવાનો હોય છે. અલબત્ત, તમને મારી સલામતી ગૂંચવતી લાગે છે. તેમ હોય તો પણ તમે જે કહો છો, તે સાચું છે. તો પણ મેં મારું વચન આપી દીધું છે અને તેને હું પાછું ન લઈ શકું. તેમણે કહ્યું છે, 'આપ અમારા આશ્રય છો,' અને મેં તેમનું રક્ષણ કરવાનું મારું વચન આપ્યું છે. આ રીતે આપેલું વચન પાછું લઈ શકાય નહીં. મેં જે કહ્યું છે, તે વણકહ્યું થઈ શકે નહીં. મારે અને તમારે સાથે જ ધર્મના માર્ગે આગળ વધવું પડશે. આપણા બે વચ્ચે અસંમતિ કેવી રીતે થઈ શકે?"

આમ વાતો કરતાં તેઓ વનના માર્ગે આગળ વધ્યાં.

મહાકાવ્યમાં આ સંવાદ, તોફાન પહેલાંની કોઈ વાદળી જેમ રજૂ કરવામાં આવ્યો છે. બદલાતા પર્યાવરણનો આ કલાત્મક ઈશારો છે — સુંદર કાવ્યકૃતિમાં છૂટાછવાયા શબ્દોની સંરચના નહીં.

દસ વર્ષ સુધી રામ, લક્ષ્મણ અને સીતાજી ઋષિઓ વચ્ચે શાંતિથી રહ્યાં. આ વિખ્યાત દંડકારણ્યમાં ઘણા આશ્રમોમાં તપશ્ચર્યા કરતા અને પરિત્યાગી ઋષિઓ રહેતા હતા. રાજકુમારો એક મહિનો એક આશ્રમમાં, ત્રણેક મહિના બીજા આશ્રમમાં અને વળી એકાદું વર્ષ કોઈ ત્રીજા આશ્રમમાં સન્માનિત અને સંતુષ્ટ અતિથિઓ તરીકે રહેતા હતા.

હરણ અને જંગલી ભેંસ, રીંછ, હાથીવાળા આ કાનનનું સૌંદર્ય અવર્ણનીય હતું. પક્ષીઓ, વૃક્ષો, વેલીઓ અને વાદળી જળકમળોનું સૌંદર્ય વાલ્મીકિની કાવ્યકૃતિમાં સજીવન થાય છે.

આ દસ વર્ષ રામ માટે બહુ સુખી જીવનનો સમયગાળો હતો. લક્ષ્મણ અને સીતાજી સાથેના શાંત સાહચર્યના આનંદમાં મહાન અને પવિત્ર મહાપુરુષો સાથેનો લગાવ આના કારણરૂપ હતાં. આ દસ વર્ષોને એક નાના પ્રકરણમાં જ સમાવ્યાં છે. સુખમાં પસાર કરેલો સમય બહુ ટૂંકો જ લાગે છે અને તેની બહુ લાંબી નોંધ રાખવાની જરૂર પડતી નથી.

દસ વર્ષ આ રીતે પસાર થયાં, ત્યારે વનવાસનો અંત નજીક આવતો હતો. ત્યારે દક્ષિણમાં રહેતા અગસ્ત્ય ઋષિનાં દર્શન કરવાની રઘુનંદનને ઇચ્છા થઈ. તેઓ પણ, વિશ્વામિત્રની જેમ, 'ત્રણેય ભુવનમાં' પ્રખ્યાત હતા. એવું કહેવાતું કે હિમાલય અને વિંધ્યાચલ વચ્ચેના આધ્યાત્મિક અને શાસ્ત્રોક્ત જ્ઞાનને એક પલ્લામાં મૂકો અને બીજા પલ્લામાં અગસ્ત્ય ઋષિને બેસાડો, તો દક્ષિણનું પલ્લું તેમના ભારથી નીચું જાય.

શિવ અને પાર્વતીના લગ્ન સમયની અગસ્ત્ય ઋષિની વિશિષ્ટ સેવા અંગેની પણ એક જાણીતી કથા છે. બધા ઋષિઓ આ પ્રસંગે કૈલાસ પર્વત ઉપર ગયેલા. એકમાત્ર અગસ્ત્ય ઋષિ જ દક્ષિણમાં રહીને પૃથ્વીનું સંતુલન જાળવતા હતા.

એકવાર વિંધ્ય પર્વત ક્રમિક રીતે સ્વર્ગ તરફ ઊંચો વધવા લાગ્યો. આને લીધે સૂર્યનો માર્ગ ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વચ્ચે અવરોધાય એવો ભય ઊભો થયો. દેવો ગભરાયા અને અગસ્ત્ય પાસે મદદની માગણી કરી. એટલે અગસ્ત્ય ઋષિ પર્વત સામે ઊભા રહ્યા અને પર્વત તેમને પ્રણામ કરવા વાંકો વળ્યો. પછી તેમણે આમ કહીને આશિષ આપ્યા, "તું હંમેશાં આવો જ રહેજે." અને એટલે જ અત્યારે પણ આ પર્વત એકદમ લાંબો અને નીચો જણાય છે. આવી જાણીતી કથા છે.

વાતાપી અને ઇલ્વલ નામના બે રાક્ષસો ઋષિઓને બહુ ત્રાસ આપતા હતા. વાતાપીએ એવું વરદાન મેળવ્યું હતું, કે ભલે તેનું શરીર ગમે તેટલા ટુકડાઓમાં કપાઈ ગયું હોય, તો પણ તે બધા ટુકડાઓ પાછા ફરીથી જોડાઈ જાય અને તેનું શરીર પહેલાં જેવું જ સુગ્રથિત અને મજબૂત થઈ જાય. ઇલ્વલ બ્રાહ્મણના છૂપા વેશમાં જુદાજુદા ઋષિઓના આશ્રમે જતો અને કહેતો, "હે ગુરુવર્ય! મારી દરિદ્ર કુટીરમાં આપ પધારો અને મારા પિતાના શ્રાદ્ધની પૂજનવિધિના પ્રસાદનો સ્વીકાર કરીને મારા ઉપર કૃપા કરો."

પ્રાચીન પરંપરા મુજબ કોઈ પણ વ્યક્તિ આવા આમંત્રણનો અસ્વીકાર, કોઈ પણ કારણસર ન કરી શકે. આમ ઋષિઓએ તેનું આમંત્રણ સ્વીકારવું જ પડતું હતું. તેમને પ્રસાદ તરીકે તે પોતાના ભાઈ વાતાપીનું કપાયેલું શરીર સ્વાદિષ્ટ ભોજન તરીકે પીરસતો હતો અને નિર્દોષ અતિથિઓ તે માંસ આરોગે પછી યજમાન તરીકે સામાન્ય પ્રણાલીના ભાગરૂપે તે પૂછતો, "આપ પૂરા સંતુષ્ટ છો?" અને સામાન્ય ઉત્તર મળતો, "હા, પૂરતા સંતુષ્ટ છીએ." પછી ઇલ્વલ બૂમ પાડતો, "વાતાપી! બહાર નીકળ!" અને ઇલ્વલના આ શબ્દો સાથે પુનર્જીવિત થયેલો વાતાપી અતિથિઓનું જઠર ફાડીને બહાર નીકળતો. ઘણા ઋષિઓ તો આ રીતે જ મૃત્યુ પામતા.

એકવાર ઇલ્વલે આ ટીખળનો ઉપયોગ અગસ્ત્ય ઉપર કરવાનું નક્કી કર્યું. રાબેતા મુજબ વાતાપી અગસ્ત્યનાં આંતરડાંમાં માંસ તરીકે પહોંચી ગયો. જોકે અગસ્ત્યને આની જાણ હતી. વળી મુનિ ગણપતિના ભક્ત હતા અને રાક્ષસને પણ પચાવવાની શક્તિ તેમણે મેળવેલી હતી.

"આપ સંતુષ્ટ છો?" ઇલ્વલે પૂછ્યું.

"હા, હું સંતુષ્ટ છું," અગસ્ત્યે ઉત્તર આપ્યો.

ઇલ્વલે બૂમ પાડી, "વાતાપી, બહાર આવ!"

અગસ્ત્યે હસતાં હસતાં કહ્યું, "અરે મારા યજમાન! વાતાપી તો પચી ગયો છે."

"હેં?" ઇલ્વલે રાડ પાડી. "તમે મારા ભાઈને મારી નાખ્યો?" અને તે અગસ્ત્ય ઉપર ધસ્યો.

ઋષિએ પુણ્યપ્રકોપમાં તેમની બંધ આંખો ખોલી અને રાક્ષસ ભસ્મીભૂત થયો. ત્યાર પછી કોઈ રાક્ષસ અગસ્ત્ય પાસે જવાની હિંમત કરી શકતો નહોતો. આમ અગસ્ત્ય ઋષિએ બીજા ઋષિઓનું પણ રક્ષણ કર્યું.

રામ પહેલાં અગસ્ત્ય ઋષિના નાના ભાઈના આશ્રમમાં ગયા અને અગસ્ત્ય ઋષિ પહેલાં તેમના નાના ભાઈના આશીર્વાદ મેળવ્યા. દક્ષિણ દિશામાં અગસ્ત્યના આશ્રમ તરફ આગળ વધતાં રાઘવે સમગ્ર વિસ્તારની આગવી આભાને નોંધી. પશુઓ અને પક્ષીઓ નિર્ભયતાથી ક્રીડા કરતાં હતાં અને બ્રાહ્મણો પૂજા માટેનાં પુષ્પો ચૂંટતા હતા.

તેમણે લક્ષ્મણને પોતાની પહેલાં આગળ જઈને ઋષિને પોતાના આગમનની જાણ કરવાનું કહ્યું. સૌમિત્રિને એક શિષ્ય મળી ગયો અને તેની સાથે સંદેશો મોકલાવ્યો: "દશરથનંદન રામચંદ્ર, તેમના ભાઈ અને પત્ની સાથે મહાન ઋષિવર્યના આશીર્વાદ લેવા આવ્યા છે."

અગસ્ત્યે રાજકુમારોને ઉમળકાભેર વધાવ્યા. તેમણે કહ્યું, "તમે ચિત્રકૂટમાં વસવાટ કરવા આવ્યા છો, એ જાણ્યા પછી હું તમારી મુલાકાતની રાહ જોતો હતો. તમારા વનવાસનો અંત હવે નજીક છે, એટલે હવેનો બાકીનો સમય તમે અહીં શાંતિથી રહો. આ સ્થળ રાક્ષસોના ભયથી મુક્ત છે."

રામે ઉત્તરમાં કહ્યું, "આપના આશીર્વાદ પ્રાપ્ત કરીને હું બહુ પ્રસન્ન થયો છું અને આપના સૌજન્યશીલ સત્કાર માટે હું આપનો ઋણી છું. પણ દંડકારણ્યના ઋષિઓની સુરક્ષા કરવાનું મેં વચન આપ્યું છે. એટલે આપના આશીર્વાદ મળી જવાથી હવે મારે વનમાં પાછું ફરવું જોઈએ."

અગસ્ત્ય ઋષિએ જણાવ્યું, "તમારી વાત સાચી છે." ત્યાર પછી ઋષિએ, વિશ્વકર્માએ વિષ્ણુ ભગવાન માટે બનાવેલું ધનુષ્ય, અક્ષયપાત્ર જેવું બાણનું ભાથું અને એક તલવાર રામને આપ્યાં. કોદંડપાણિને આશિષ આપતાં તેમણે કહ્યું, "રામ, ભૂતકાળમાં વિષ્ણુએ મને આપેલાં આ આયુધોથી રાક્ષસોનો વિનાશ કરો."

ઋષિએ રામને વનવાસના બાકીના સમયમાં પંચવટીમાં સ્થાયી થવાની સલાહ આપી.

તેમણે કહ્યું, "હે રાજપુરુષ, ભગવાનના આશીર્વાદ તમારા ઉપર વરસતા રહે! સીતાજીની બરોબર સંભાળ લેજો, કારણ કે તમારે માટેના તેમના પ્રેમને લીધે જ તે બધાં કષ્ટ હસતે મુખે સહન કરી રહ્યાં છે. આવાં કષ્ટ સહન કરવા તે જન્મ્યાં પણ નથી અને ટેવાયેલાં પણ નથી. સ્ત્રીઓને સ્વભાવગત રીતે સુવિધાઓ ગમતી હોય છે અને મુશ્કેલીઓ માટે અણગમો હોય છે. પણ સીતાજીમાં આવી કોઈ નિર્બળતા દેખાતી નથી. તે અરુંધતી જેવાં છે. તમે ગમે ત્યાં હો, પણ રામચંદ્ર સાથે લક્ષ્મણ અને સીતાજી હશે, તે સ્થળ સૌંદર્યથી ભરપૂર થઈ જશે. જોકે પંચવટી તો પોતે જ એક બહુ જ સુંદર સ્થળ છે અને સીતાજીને ત્યાં રહેવાનું ગમશે. વળી તમારું અને લક્ષ્મણનું સુરક્ષાકવચ પણ હશે. કંદમૂળ અને ફળ તો ત્યાં અઢળક છે. ત્યાં ગોદાવરી નદીને કાંઠે નિવાસ કરજો. વનવાસનો અંત પણ નજીક આવતો જાય છે. તમારા પિતાજીનાં શ્રાપિત વચન તમે જોતજોતામાં પૂરાં કરી શકશો. પુરુની જેમ, દશરથના જ્યેષ્ઠ પુત્રે તેમની સાચી સેવા કરી છે."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.