ચિત્રકૂટથી બહુ દૂર નહીં એવા અંતરે જનસ્થાન નામનું રાક્ષસોનું થાણું હતું. ખર નામનો એક પ્રખ્યાત યોદ્ધો તેનો વડો હતો. તે રાવણનો એક ભાઈ હતો. આ થાણામાંથી વિકરાળ રાક્ષસો આજુબાજુના વનપ્રદેશને ધમરોળતા હતા અને છૂટાછવાયા આશ્રમોના ઋષિઓને ત્રાસ આપતા હતા. આ રાક્ષસોએ ઋષિઓનું જીવન એટલું બધું અસુરક્ષિત કરી નાખ્યું હતું, કે રામે તેમને એવું ન કરવા ઘણા સમજાવ્યા હોવા છતાં, તેઓ ચિત્રકૂટ પ્રદેશ છોડીને બીજે જવા લાગ્યા હતા.
ભરતે પ્રસ્થાન કર્યા પછી રામ ચિત્રકૂટમાં પહેલાં જેવો આનંદ અનુભવતા નહોતા. નિરાશાથી અશ્રુભીનો તે લાડકા ભાઈનો ચહેરો અને દુઃખથી નીચી નમી ગયેલી તેમની વિધવા માતા તેમના મનશ્ચક્ષુમાં સતત દેખાતાં હતાં, અને હવે ઋષિઓના ચાલ્યા જવાથી તેમની સાથેના સત્સંગવિહીન થઈ ગયા હતા. આ એકાકી કુટીરમાં એવી દુઃખદાયક સ્મૃતિઓ આવતી હતી, કે તેમણે દંડકવનમાં બીજી કોઈ જગ્યાએ વિશ્રામસ્થાન શોધવાનું નક્કી કર્યું.
આમ તેમણે ચિત્રકૂટમાંથી વિદાય લીધી અને અત્રિ ઋષિના આશ્રમ તરફ પ્રયાણ કર્યું. આ ઋષિ આ પ્રદેશના જાણકાર હતા; તેમની સલાહ મેળવીને પોતે ક્યાં સ્થાયી થાય, એ હેતુથી તેઓ ત્યાં ગયા. અત્રિ ઋષિએ તેમનું બહુ પ્રેમપૂર્વક સ્વાગત કર્યું. સીતાએ તો અત્રિ ઋષિનાં પત્ની અનસૂયાનું હૃદય જીતી લીધું. સતી અનસૂયાને સીતામાં પત્ની તરીકેના આદર્શોના બધા સદ્ગુણો પૂર્ણતયા મૂર્તિમંત થયા હોય તેમ જણાતાં, તેમણે સીતાજીને શુભાશિષ આપ્યા અને સુંદર વસ્ત્રો અને મંગલ પ્રસાધનો ભેટ આપ્યાં, જેથી યુવા પત્નીના સૌંદર્યનો નિખાર વધુ પ્રગટે.
અનસૂયા પોતે પરિશુદ્ધ નારીત્વનું મૂર્તિમંત સ્વરૂપ હતાં અને એમના ઉપહારોએ સીતાના સૌંદર્ય અને આંતરિક શક્તિમાં ઉમેરો કર્યો. ઉપહારોનો સ્વીકાર કરતાં તેમણે કહ્યું, "મારા પતિદેવ મને માતા અને પિતાનો પ્રેમ પણ પૂરો પાડે છે. હું ખરેખર ધન્ય છું."
પછી તેમણે હવે પછીના આગળ જનારા માર્ગો વિષે માહિતી મેળવી.
વિરાટ દંડકારણ્યમાં આગળ વધતાં રામ, સીતા અને લક્ષ્મણ એક એવી જગ્યાએ પહોંચ્યાં, જ્યાં ઘણા ઋષિઓ નિવાસ કરતા હતા. ત્યાં નજીક પહોંચતાં જ તેમણે યજ્ઞમાં આહુતિ આપવા માટેના સમિધનો સંચય, અને સૂકવવા માટે પાથરેલાં વલ્કલ વસ્ત્રો અને મૃગચર્મ જોયાં, એટલે તેમને ખ્યાલ આવ્યો કે આ જગ્યા તપસ્વીઓના નિવાસની છે.
જોતાં જ ગમી જાય તેવી આ જગ્યા હતી. પક્ષીઓ અને પશુઓ નિર્ભયપણે ત્યાં ફરી રહ્યાં હતાં. આ નિર્ભયતા માટે ત્યાં વસનારા માનવ પડોશીઓની તેમને માટેની પ્રેમાળ પારિવારિકતા જવાબદાર હતી. પાકાં ફળો વૃક્ષો ઉપર ઝૂમી રહ્યાં હતાં અને વેદમંત્રોના પવિત્ર ગાન કાનમાં ગુંજતાં હતાં.
તેઓ સાવ નજીક પહોંચ્યાં, ત્યારે તેમણે ઋષિઓના દેદીપ્યમાન ચહેરાઓ જોયા. તેમણે રામને આવકાર્યા. "અહો મહારાજ! આપ તો અમારા રક્ષક છો," તેમણે કહ્યું, "પછી ભલે આપ નગરમાં હો કે વનમાં, અમારા તો આપ રાજા છો." આ સાથે તેમણે આગંતુકોને વિશ્રામ માટેની જગ્યા અને તેમને જરૂરી સામગ્રી પૂરી પાડી.
વળતી સવારે તે ત્રણેય જણાંએ ઋષિઓની વિદાય લીધી અને વનમાં પુનઃપ્રવેશ કર્યો. હવેનું વન એકદમ ગીચ હતું અને વાઘ તેમજ અન્ય જંગલી પશુઓ ત્યાં દેખાતાં હતાં. એટલે તેમણે ધીમેથી અને સજાગ રીતે આગળ વધવાનું રાખ્યું.
એટલામાં કોઈ ભાંગેલી ટેકરીના ભાગ જેવો વિકૃત રાક્ષસી આકાર લોહીને થીજવી દે એવા ભયંકર અવાજ કરતો તેમના તરફ ધસી આવતો હતો. તે માણસખાઉ રાક્ષસ હતો. તેની ગર્જના વાવાઝોડા જેવી હતી. તે ચિતરી ચડે એટલો કદરૂપો હતો. તેના શરીર ઉપરની વાઘની ચામડી તાજા લોહી, અને તેણે જેમનો તાજેતરમાં જ શિકાર કર્યો હોય એવાં પ્રાણીઓનાં માંસના લોચાથી હજી ભરેલી હતી. તાજેતરમાં તેણે જેમનો વધ કર્યો હતો એવા ત્રણ સિંહોના મૃત અવશેષ અને એક હાથીનું મસ્તક તેના ભાલામાં પરોવાયેલાં હતાં. આ ભાલું તે રામની સામે ભયજનક રીતે હલાવતો હતો. રાક્ષસે પોતાનું હથિયાર ઉઠાવ્યું, ભયાનક ગર્જના કરી અને ઠેકડો મારીને તેણે સીતાજીને ઉપાડ્યાં. તે સાથે તેણે રાજકુમારોને ધમકાવ્યા:
"તમે કોણ છો? નાનકડા જીવો! આ વનમાં તમે કઈ રીતે આવવાની હિંમત કરી? તમે યુવાન દેખાવો છો, પણ જટાધારી છો અને વલ્કલો પહેર્યાં છે! તમે તમારી જાતને તપસ્વીઓ તરીકે છુપાવો છો; તો પણ તમે ધનુષ્યબાણ સાથે રાખીને ફરો છો. પાછી આ સ્ત્રી પણ તમારી સાથે છે. તમે કોને છેતરવા આવ્યા છો? તમને તમારી જાતની શરમ નથી લાગતી? પાખંડીઓ! તમારી રીતભાતથી તો તમે ઋષિઓની આબરૂને બટ્ટો લગાડો છો! મને બરોબર ઓળખી લ્યો, હું પોતે વિરાધ છું. ઋષિઓનું માંસ મારો રોજિંદો ખોરાક છે. હવે આ રૂપાળી કન્યા મારી પત્ની થશે. સમજાયું કાંઈ? અને દુષ્ટો! હવે હું તમારું લોહી પીશ."
તેની પકડમાં સપડાયેલાં સીતાજી ભયથી ધ્રૂજતાં હતાં. રામે પોતાની જાત ઉપરનો સામાન્ય અંકુશ ગુમાવ્યો અને બોલ્યા, "લક્ષ્મણ, આ તો તદ્દન અસહ્ય છે. કૈકેયીએ આ બધું જાણીને જ આપણને આ વનવાસે મોકલ્યા હશે!"
રામ બેબાકળા થઈ ગયા હતા. રાક્ષસનો સામનો કેમ કરવો તે તેમને સૂઝતું નહોતું, પણ લક્ષ્મણે ગુસ્સામાં સાપના ફૂંફાડાની જેમ રામને કહ્યું, "રામ, આપ તો ઇન્દ્ર જેવા છો અને, હું જ્યારે આપની સાથે છું, ત્યારે આપે હતોત્સાહની વાતો ન કરવી જોઈએ. મારું ધનુષ્ય અને બાણ શું કરી શકે છે, એ હવે તમે જોજો. આ ભૂમિ અત્યારે જ આ રાક્ષસના લોહીનું પાન કરશે. અયોધ્યામાં મારા મન્યુને (ન્યાયી ગુસ્સો) પ્રગટ થવાનો કોઈ અવકાશ મળ્યો નહોતો. હવે હું તેને આ રાક્ષસ ઉપર કેન્દ્રિત કરીશ અને, જેમ ઇન્દ્રે પુરાતન કાળના ઊડતા પર્વતોને જમીનદોસ્ત કર્યા હતા, તેમ આને પણ હું એમ જ કરીશ. આ પ્રાણી ઉપર હું હુમલો કરીશ અને તેનો વધ કરીશ."
વિરાધ પાછો ગર્જ્યો, "તમે કોણ છો? તરત જ મને જણાવો." રામનું મન હવે વધુ સ્પષ્ટ થયું હતું. તેમના ચહેરા ઉપર શૌર્ય ઝળકતું હતું. તેમણે શાંતિથી કહ્યું, "અમે ઇક્ષ્વાકુ વંશના રાજકુમારો છીએ. અમે આ વનમાં રહેવા આવ્યા છીએ. પણ તમે કોણ છો, તે જાણી શકીએ?"
રાક્ષસે ઉત્તર આપ્યો, "એટલે તો તમે દશરથના પુત્રો છો, એમ ને? મારા પિતાનું નામ જય છે. રાક્ષસોમાં હું વિરાધ તરીકે જાણીતો છું. પણ તમે વેંતિયા ક્ષત્રિયો અને તમારાં હાસ્યાસ્પદ આયુધો મને શું કરી શકશે? મેં બ્રહ્મા પાસેથી વરદાન મેળવ્યું છે કે કોઈ પણ આયુધ મને ઈજા પહોંચાડી શકે નહીં. આ છોકરીને અહીંયાં મૂકી જાઓ અને, તમારે જો જીવ બચાવવો હોય, તો ભાગી જાઓ."
રામની આંખો ગુસ્સાથી લાલ થઈ ગઈ. "સમય તો હવે તારે યમ પાસે જવાનો આવ્યો છે," તેમણે કહ્યું અને તેમના ધનુષ્યને ઉઠાવીને એક ધારદાર તીર રાક્ષસ ઉપર છોડ્યું. આ તીર અગ્નિ જેવા ચળકતા રાક્ષસના લોહી સાથે તેના શરીરની આરપાર નીકળી ગયું અને આઘે જમીન પર પડ્યું. પણ રાક્ષસ મરાયો નહોતો. પીડાથી ગુસ્સે થઈને તેણે સીતાજીને જમીન ઉપર મૂક્યાં અને તેનું ભાલું ઉઠાવી, તેના મુખને વધુ પહોળું કરીને તે રામ અને લક્ષ્મણ તરફ ધસ્યો. રાજકુમારોએ તેના ઉપર બાણોનો વરસાદ વરસાવ્યો. બધાં તીર તેના શરીર ઉપર એટલાં ઊંડાં ચોંટી ગયાં, કે કોઈ રાક્ષસી શાહુડીની જેમ તે ચારે બાજુથી ચળકવા લાગ્યો. જોકે તે હસ્યો અને તેના શરીરને ધ્રુજાવ્યું, એટલે બધાં તીર ખરી પડ્યાં. તે બેઠો થયો અને પાછું પોતાનું ભાલું ઉપાડ્યું. રામ અને લક્ષ્મણનાં બે બાણે ભાલાને તોડ્યું. અને બંને ઉઘાડી તલવારે વિરાધ સામે ધસ્યા. પણ તેણે આ બંનેને પોતાના હાથમાં પકડી લીધા અને પોતાના ખભા ઉપર મૂકીને વનમાં ચાલ્યો ગયો. સીતાજીએ તેમને વનના અંધકારમાં અદૃશ્ય થતા જોયા અને ઊંચા અવાજે રડવા લાગ્યાં.
વિરાધના એકએક ખભે બેઠેલા રામ અને લક્ષ્મણને સમજાયું કે આયુધોથી તેનો નાશ કરી શકાશે નહીં. એટલે તેમણે તેના બંને બાહુને ખેંચી કાઢ્યા અને નીચે ફેંક્યા. પછી તે બંને પોતાના હાથ અને પગથી તેના ઉપર પ્રહાર કરવા લાગ્યા. તો પણ બ્રહ્માના વરદાનને લીધે તે વિરાધનો અંત લાવી શક્યા નહીં. પણ તેના શરીર ઉપરના ઘાવની વેદના એટલી બધી તીવ્ર હતી, કે તે બૂમબરાડા પાડવા માંડ્યો. તેના દુર્ભાગ્યે તેણે પોતાના વધ સામે મુક્તિ મેળવી હતી, પણ વેદના સામે નહીં.
થાકેલા રાક્ષસને બંને ભાઈઓએ નીચે પછાડ્યો અને તે પાછો બેઠો ન થઈ શકે, તે માટે રામે પોતાનો પગ તેના ગળા ઉપર રાખ્યો.
રામના પગના સ્પર્શથી, તેના આગલા જન્મમાં મળેલા શ્રાપથી તેની સમજણશક્તિ જે ધુમ્મસના આવરણમાં ઢંકાઈ ગઈ હતી, તે દૂર થઈ અને ઓચિંતી સ્મૃતિના પ્રકાશમાં તેણે હાથ જોડ્યા અને નમ્રતાથી કહ્યું, "પ્રભુ! આપના પગનો મને સ્પર્શ થયો છે અને મારી આંખો ખૂલી ગઈ છે. આપ કોણ છો, તે હું જાણી ગયો છું. હું તો અત્યારે એક શ્રાપના ભારણ નીચે છું, પણ આપ મને બચાવી શકો તેમ છો. હું જન્મે રાક્ષસ નથી, પણ ગંધર્વ છું.
"મેં જે વરદાન પ્રાપ્ત કર્યું છે, તે મારી મુક્તિને અવરોધે છે. આપ જો ગમે તેમ કરીને પણ મારો સંહાર કરો, તો હું મારું મૂળ સ્વરૂપ ધારણ કરીને સ્વર્ગમાં જઈ શકીશ."
તે મુજબ રામ અને લક્ષ્મણે આયુધો વગર તેને કચડી નાખ્યો અને નજીકમાં ખાડો ખોદીને તેને દફનાવ્યો. અને આ રીતે રાક્ષસ ગંધર્વલોકમાં પાછો ફર્યો.
પછી તરત જ રાજકુમારો જે જગ્યાએ સીતાજી ભયભીત હાલતમાં હતાં, તે જગ્યાએ ગયા અને સીતાજીને બનેલી ઘટનાની જાણ કરી.
ત્યાંથી તેઓ શરભંગ ઋષિના આશ્રમે પહોંચ્યાં. ઋષિની સાથે ત્યારે ઇન્દ્ર અને બીજા દેવતાઓ વાતો કરતા હતા. રામ ત્યાં આવે છે એમ જાણીને ઇન્દ્રે વાત ટૂંકાવી અને વિદાય લીધી. પછી રામ, તેમના ભાઈ અને પત્નીની સાથે ઋષિને મળ્યા અને વિનમ્રતાથી પ્રણામ કર્યા.
વૃદ્ધ મુનિ બોલ્યા, "હું આપના આવવાની રાહ જ જોતો હતો. મારો દેહત્યાગ કરવાનો સમય આવી ગયો છે, પણ મારી ઇચ્છા હતી કે તે પહેલાં હું આપને જોઉં. એટલે હું રાહ જોતો બેઠો છું. હવે મારી ઇચ્છા પરિપૂર્ણ થઈ છે, એટલે મારી બધી તપસ્યાનાં ફળ હું આપને આપવા ઇચ્છું છું."
રામે ઉત્તર આપ્યો, "ગુરુવર્ય! મારાં ફળ મારે પોતે જ પ્રાપ્ત કરવાનાં ન હોય? આપની જે કોઈ પ્રાપ્તિ હોય, તે હું કેવી રીતે લઈ શકું? વનવાસમાં જીવન પસાર કરવા મેં બધી વસ્તુનો પરિત્યાગ કર્યો છે. આ વનમાં આપની દૃષ્ટિએ નિવાસ કરવા માટેની શ્રેષ્ઠ જગ્યા કઈ, તે અંગેની આપ મને સલાહ આપો અને આપના આશીર્વાદ સાથે મને આપ આગળનું પ્રયાણ કરાવો."
ઋષિ રામાવતારનું રહસ્ય જાણતા હતા. એટલે તેમણે કહ્યું, "વનમાં આપે ક્યાં નિવાસ કરવો તે આપ સુતીક્ષ્ણ મુનિ પાસેથી વધુ જાણી શકશો."
પછી શરભંગ ઋષિએ અગ્નિ પેટાવ્યો અને તેમાં પ્રવેશ કર્યો. તેમનું સ્થૂળ શરીર ભસ્મીભૂત થયું અને ચિતામાંથી રમણીય અવકાશી શરીર ઉપર આવ્યું અને ઊંચે ને ઊંચે અંતરિક્ષ તરફ ઊડવા માંડ્યું.
વનના બીજા બધા ઋષિઓએ વિરાધના મૃત્યુના સમાચાર સાંભળ્યા, તેથી તેઓ રામ પાસે આવ્યા અને તેમને વીંટળાઈ વળ્યા. "મહારાજ! અમારું સૌભાગ્ય છે," તેઓ બોલ્યા, "કે આપ આ પ્રદેશમાં વસવાટ કરવા આવ્યા છો. હવેથી અમારી તપસ્યા અમે રાક્ષસોના કોઈ પણ જાતના ત્રાસ વગર કરી શકીશું. અહીં આજુબાજુમાં બધે વેરાયેલાં પેલાં હાડકાં જુઓ. તે બધાં રાક્ષસોએ મારેલા અને ખાધેલા તપસ્વીઓના અવશેષો છે. પંપા અને મંદાકિનીના કાંઠે વસેલા મુનિઓ આ માનવભક્ષી રાક્ષસોના ભય વચ્ચે સતત જીવન જીવી રહ્યા છે.
"રાજાનો ધર્મ તેના પ્રજાજનોની રક્ષા કરવાનો છે. તેમાં જો તે ચૂકી જાય, તો તે પાપમાં પરિણમે છે. જેમ ગૃહસ્થો કર ચૂકવે છે, તેમ અમારી તપસ્યાના પુણ્યનો અમુક ભાગ રાજાના હિતમાં જમા થાય છે. આપ તો દેવોના રાજા ઇન્દ્ર જેવા દેદીપ્યમાન છો. આ રાક્ષસોના ત્રાસમાંથી અમારું રક્ષણ કરવાની આપ કૃપા કરો. આપ અમારા એકમાત્ર આશ્રય છો."
રામે ઉત્તરમાં કહ્યું, "હે મહાત્માઓ! આપના આદેશને તાબે થવા હું બંધાયેલો છું. મારા પિતાજીની ઇચ્છાને વશ થઈને હું રાજગાદી છોડીને વનમાં આવ્યો છું. એક પુત્ર તરીકે મારા પિતાજી પ્રત્યેની મારી ફરજ બજાવવામાં, જો હું આપનું પણ કલ્યાણ થાય એવું કંઈ કરી શકું, તો હું મારી ધન્યતા બેવડાઈ છે એવું માનીશ.
"હું વનમાં રહીશ અને રાક્ષસોનો નાશ કરીને આપ સૌને કષ્ટમુક્ત કરીશ. ભયની લાગણીને આપ કાઢી નાખો."
રામના મદદરૂપ થવાના વચનથી ઋષિઓએ ધરપત અને આનંદની લાગણી અનુભવી. રામ, લક્ષ્મણ અને સીતાજી ત્યાંથી સુતીક્ષ્ણના આશ્રમે ગયાં. ગીચ વનથી ઘેરાયેલી એક મોટી ટેકરી હતી. તે ગીચ વનમાં તેઓ પ્રવેશ્યાં. ત્યાં તેમણે વલ્કલ વસ્ત્રો સૂર્યપ્રકાશમાં સૂકવવા પાથરેલાં જોયાં. ત્યાં તો તેમને વૃદ્ધ ઋષિ પોતે જ દેખાયા.
તેમને પ્રણામ કરીને રામે કહ્યું, "હે ઋષિવર્ય, મારું નામ રામ છે. હું આપના દર્શને આવ્યો છું. આપના આશિષની હું પ્રાર્થના કરું છું."
ઋષિ ઊભા થયા અને રામને આલિંગન આપ્યું. "પધારો, ધર્મરક્ષક, પધારો! આપની હાજરીથી મારો આશ્રમ ઉજમાળો થયો છે. તે હવે આપનો છે. મેં જ્યારે સાંભળ્યું કે આપ અયોધ્યાથી વિદાય થયા છો અને ચિત્રકૂટમાં નિવાસ કરો છો, ત્યારથી મને હતું જ કે આપ અહીં આવશો. આપને જોવાની ઇચ્છા માત્રથી જ હું જીવતો રહ્યો છું. એ સિવાય તો લાંબા સમય પહેલાં મેં દેહત્યાગ કર્યો હોત.
"હું જે પુણ્ય કમાયો છું, તે હું આપને પ્રદાન કરવા ઇચ્છું છું. તેનો આપ આપના માટે, આપના ભાઈ માટે અને આ રાજકન્યા માટે સ્વીકાર કરો." ઋષિનો ચહેરો લાંબા સમયના ધાર્મિક જીવનની ઊર્જાથી પ્રદીપ્ત થયેલો હતો.
પોતાને ત્યાં આવતા અતિથિઓને, પોતે સંચિત કરેલ પુણ્યનું પ્રદાન કરવાનો ઋષિઓમાં આ જાતનો શિરસ્તો હતો. રામે આપેલા ઉત્તર ઉપરથી આપણને ખ્યાલ આવે છે કે આવી શિષ્ટ પ્રણાલીનો સ્વીકાર કેવી રીતે થઈ શકે.
"ઋષિવર્ય, મારે મારાં સત્કર્મોથી જ મારું પુણ્ય કમાવવું પડે. અને આપના આશીર્વાદથી હું હજી એમ કરી શકવા માટે પૂરો આશાવાદી છું. હું વનમાં વસવાટ કરવા ઇચ્છું છું. શરભંગ ઋષિએ મને સૂચવ્યું છે, કે આપના આશીર્વાદ પ્રાપ્ત કરીને, વનવાસના મારા બાકીના સમયગાળામાં હું મારો કાયમી વસવાટ ક્યાં કરી શકું તેનું માર્ગદર્શન આપની પાસેથી મેળવું."
ઋષિનો ચહેરો પ્રફુલ્લિત થયો અને તેમણે અર્થપૂર્ણ રીતે જણાવ્યું, "આપ આ આશ્રમમાં રહી શકો છો. આજુબાજુમાં પણ બીજા ઘણાબધા ઋષિઓ રહે છે. આ વન ફળો અને કંદમૂળથી ભરપૂર છે. પણ દુષ્ટ હેવાનો નિરંકુશ થઈને ઋષિઓને બહુ ત્રાસ આપે છે, અને તેમની તપશ્ચર્યામાં બહુ સંકટો ઊભાં કરે છે. આ મહાત્માઓ આ ત્રાસ સહન કરી શકતા નથી. આટલા સિવાય, આ સ્થળ સારું છે."
મુનિના કથનનો ગર્ભિત અર્થ રામ સમજી ગયા. તેમણે ધનુષ્ય પર ટંકાર કર્યો અને કહ્યું, "ઋષિવર્ય! હું આ દુષ્કર્મીઓનો નાશ કરીશ. મારું ધનુષ્ય દૃઢ છે અને મારાં બાણો ધારદાર છે. અમે આ આશ્રમમાં રહીએ તે મને યોગ્ય નથી લાગતું. તેમ કરવું આપની તપશ્ચર્યામાં આડખીલીરૂપ થઈ શકે. અમારા માટેની જગ્યા અમે આજુબાજુમાં જ શોધી કાઢીશું. અમને એમ કરવાની આપ અનુમતિ આપો."
તે રાત્રીએ તેઓ ઋષિના આશ્રમમાં અતિથિઓ તરીકે રહ્યાં. વળતી સવારે તે બધાંએ ઊઠીને પુષ્પોની સુગંધથી ભરેલા ઠંડા પાણીમાં સ્નાન કર્યું, યજ્ઞનો અગ્નિ પ્રગટાવ્યો, નિયત પૂજા-અર્ચના કરી અને ચરણસ્પર્શ કરીને મુનિને પ્રણામ કર્યા.
"આપની કૃપાથી અમે રાત્રી આનંદથી પસાર કરી છે. અમે આ પ્રદેશના બીજા ઋષિઓને પણ મળવા અને તેમના આશીર્વાદ મેળવવા ઇચ્છીએ છીએ. તડકો વધે તે પહેલાં અમારું પ્રસ્થાન કરવું વધુ યોગ્ય લાગે છે. તે માટેની આપની અનુમતિની હું પ્રાર્થના કરું છું."
ઋષિએ રાજકુમારોને આલિંગન આપ્યું અને આશીર્વાદનાં વચનો કહ્યાં: "દંડકવનના કલ્યાણકારી ઋષિઓને આપ જરૂર મળજો. તે બધાએ ઘણી તપસ્યા કરી છે અને દૈવી શક્તિઓ પ્રાપ્ત કરી છે. આખું વન ખરેખર હરણો, પક્ષીઓ, કમળસરોવરો, જળપ્રપાત કરતી ટેકરીઓ અને મોરના સૌંદર્યથી ભરેલું છે. લક્ષ્મણ, તમે તમારા ભાઈ અને સીતાજી સાથે હવે ત્યાં જાઓ. જ્યારે જરૂર પડે ત્યારે અહીં અવશ્ય આવજો."
ત્રણેય જણાંએ પ્રણાલિકા મુજબ ઋષિની પ્રદક્ષિણા કરી અને તેમની વિદાય લીધી. સીતાજીએ તેમને તેમનાં ધનુષ્યબાણો અને તલવારો સોંપ્યાં અને પ્રસ્થાન કર્યું. હવે ઋષિના આશીર્વાદથી તેઓ પહેલાં કરતાં પણ વધુ તેજસ્વી લાગતા હતા.
