રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-2

Chapter 2 · પ્રકરણ ૨

વિશ્વામિત્ર ઋષિ

યથાસમયે દશરથ રાજાને ત્યાં પુત્રોનો જન્મ થયો. કૌશલ્યાએ રામને અને કૈકેયીએ ભરતને જન્મ આપ્યો. સુમિત્રાએ જોડિયા પુત્રો લક્ષ્મણ અને શત્રુઘ્નને જન્મ આપ્યો. સુમિત્રાએ દૈવી પાયસમ બે વખત પીધું હતું. રાણીઓએ ગ્રહણ કરેલા પાયસમના પ્રમાણ અનુસાર પ્રણાલિકાગત રીતે એવું માનવામાં આવે છે કે તે પુત્રો તે પ્રમાણ મુજબ ભગવાન વિષ્ણુના અંશો હતા. આ રીતે જોતાં રામ વિષ્ણુના અડધા અવતાર ગણી શકાય.

પણ આવી ગણતરીઓનો કોઈ અર્થ જ નથી, કારણ કે અનંત તત્ત્વને ગણિતની રીતે મૂલવવું સાવ અશક્ય છે. શ્રુતિનું વચન છે કે પરમ અને પૂર્ણ તત્ત્વનો ગમે તેવો નાનો હિસ્સો પણ પૂર્ણ છે અને સ્વયં પરમ તત્ત્વ છે.

ૐ પૂર્ણમદઃ પૂર્ણમિદમ્ પૂર્ણાત્પૂર્ણમુદચ્યતે । પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે ।।

તે પૂર્ણ છે; આ (પણ) પૂર્ણ છે; પૂર્ણમાંથી જે કંઈ બહાર આવ્યું છે તે પણ પૂર્ણ છે. પૂર્ણમાંથી જ્યારે પૂર્ણ લઈ લેવામાં આવે, ત્યારે પણ પૂર્ણ જ રહે છે.

દશરથ રાજાના ચાર પુત્રોને તે સમયે રાજકુમારોને અપાતી બધી તાલીમ આપવામાં આવી. રામ અને લક્ષ્મણ વચ્ચે એક વિશિષ્ટ પ્રકારનો પ્રેમસંબંધ હતો; આવું જ ભરત અને શત્રુઘ્ન વચ્ચે પણ હતું. સહેલાઈથી સમજી શકાય તેવું છે કે આમ હોવાનું કારણ રાણીઓએ ગ્રહણ કરેલા પાયસમ ઉપર આધારિત છે. પોતાના ચાર પુત્રોના ઇચ્છિત ઉછેરથી દશરથ રાજા બહુ પ્રસન્ન હતા. બધા રાજકુમારો સશક્ત, ગુણવાન, બહાદુર અને પ્રેમાકર્ષક હતા. તેઓ રાજપુત્રો તરીકેનાં બધાં લક્ષણોથી શોભતા હતા.

એકવાર દશરથ રાજા તેમના પુત્રોના લગ્ન સંબંધિત વિચારમાં હતા ત્યારે ધસી આવેલા એક દ્વારપાળે તેમને કહ્યું કે મહાન ઋષિ વિશ્વામિત્ર તેમને મળવા માટે આવી રહ્યા છે. વિશ્વામિત્રના ઋષિ તરીકેના પ્રભાવથી બધા પરિચિત હતા. ઋષિઓમાં તેઓ સૌથી વધુ શક્તિશાળી માનવામાં આવતા હતા.

અયોધ્યામાં વિશ્વામિત્રનું આગમન સાવ અણધાર્યું હતું. દશરથ રાજા તરત જ પોતાના સિંહાસનથી ઊતરી આવી વિશ્વામિત્ર ઋષિનું વિનયપૂર્વક સ્વાગત કરવા થોડાંક ડગલાં આગળ વધ્યા.

આમ તો વિશ્વામિત્ર એક રાજા હતા. તેમણે આચરેલી પ્રબળ તપસાધનાને લીધે ઋષિપણું પ્રાપ્ત કર્યું હતું. લાંબા સમય પહેલાં એમણે પોતાની સાધનાની સિદ્ધિના પ્રદર્શનરૂપ આધ્યાત્મિક શક્તિ દ્વારા એક નવું જ બ્રહ્માંડ અને પ્રતિસ્પર્ધી વિશ્વ સર્જવાની શરૂઆત કરી હતી. નવાં નક્ષત્રોનું સર્જન પણ એમણે શરૂ કર્યું હતું, જોકે ગભરાયેલા દેવતાઓએ તેમને આમ કરતાં રોક્યા હતા.

વિશ્વામિત્ર જ્યારે રાજા હતા ત્યારે એકવાર પોતાના સૈન્ય સાથે મૃગયા કરવા નીકળ્યા હતા અને આકસ્મિક રીતે વશિષ્ઠ ઋષિના આશ્રમે આવ્યા હતા. વશિષ્ઠ ઋષિએ તેમના રાજવી અતિથિનું હાર્દિક સ્વાગત કર્યું અને વિશ્વામિત્ર તથા સાથે આવેલા સૈન્યને માન-સન્માનથી સત્કારીને યજમાનપદ શોભાવ્યું. આવા પ્રભાવી સ્વાગતથી વિશ્વામિત્ર રાજાને નવાઈ લાગી કે જંગલમાં એક આશ્રમમાં આવો પ્રભાવક વૈભવ કઈ રીતે હોઈ શકે. આ અંગે તેમણે વશિષ્ઠ ઋષિને પૂછ્યું. વશિષ્ઠ ઋષિએ તેમની ગાય 'સબલા'ને બોલાવી અને સમજાવ્યું કે આ ગાય અમાપ સમૃદ્ધિનો મુખ્ય સ્રોત છે.

વશિષ્ઠ ઋષિ પ્રત્યે આભારવશ થતા વિશ્વામિત્રે માગણી મૂકી કે "આ ગાય તમારે મને આપવી જ પડશે, કારણ કે તમારા કરતાં મને તેની વધુ જરૂર છે. આમ પણ આ પ્રકારની શક્તિ અને સમૃદ્ધિ ઉપર રાજાનો અધિકાર બને છે." જોકે વશિષ્ઠ આ દૈવી ગાયથી વિખૂટા પડી શકે એવું શક્ય ન હતું. એમણે વિશ્વામિત્ર રાજાને આમ ન કરી શકવાનાં ઘણાં બધાં કારણો આપ્યાં અને આ અંગે વધુ દબાણ ન કરવા વિનંતી કરી. પણ વશિષ્ઠ ઋષિએ જેમ જેમ પોતાની અનિચ્છા વ્યક્ત કરી, તેમ તેમ વિશ્વામિત્ર રાજા તે ગાયને પ્રાપ્ત કરવા વધુ ને વધુ દૃઢ બનતા ગયા. પોતાને ગાય સોંપી દેવા માટે બધી સમજાવટ અને પ્રલોભન નિષ્ફળ જતાં વિશ્વામિત્ર ખૂબ ગુસ્સે થયા અને તેમના સૈનિકોને બળપૂર્વક ગાય કબજે કરવાનો હુકમ આપ્યો.

ગાય સબલાને સમજાયું નહિ કે એની સાથે આવો બળપૂર્વકનો વર્તાવ શું કામ કરવામાં આવે છે. વળી તે વશિષ્ઠના આશ્રમથી જરા પણ દૂર જવા માગતી ન હતી. આંખમાં આંસુ સાથે તે વિચારવા લાગી કે ગુરુ વશિષ્ઠનો એણે એવો શો અપરાધ કર્યો છે કે તેઓ ઊભા ઊભા જોયા કરે છે અને બીજા એને ઢસડીને લઈ જાય છે?! ગાયે કુદરતી રીતે જ એવો જોરદાર પ્રતિકાર કર્યો કે સૈનિકો વેરવિખેર થઈ ગયા, અને તે ઋષિને શરણે ગઈ. પોતાની આ પ્રિય ગાય, જેને તે નાની બહેન સમજતા, તેની હૃદયદ્રાવક યાચનાથી ગુરુ વશિષ્ઠ પ્રભાવિત થયા અને તેમણે કહ્યું, "વિશ્વામિત્રના સેવકોનો સામનો કરવા સૈનિકો પેદા કરો."

તે જ ક્ષણે સબલાએ ગુરુના આદેશનું પાલન કર્યું અને આક્રમક યોદ્ધાઓ પરાસ્ત થયા. બેકાબૂ ગુસ્સામાં વિશ્વામિત્ર પોતાના રથમાં સવાર થયા અને ધનુષ્ય ઉઠાવીને ગાયે પેદા કરેલા સૈનિકો ઉપર બાણવર્ષા કરવા લાગ્યા. પણ તે યોદ્ધાઓનું સામર્થ્ય અખૂટ હતું અને રાજવી સૈનિકોને સંપૂર્ણ પરાજય વેઠવો પડ્યો. પછી વિશ્વામિત્રના પુત્રોનું લક્ષ્ય માત્ર વશિષ્ઠ મુનિ બન્યા, જોકે તેમનો પણ કચ્ચરઘાણ વળી ગયો. પરાજય અને નામોશી સહન ન થતાં વિશ્વામિત્રે ત્યારે અને ત્યાં જ એમનું રાજ્ય એમના એક પુત્રને સોંપ્યું અને પોતે તપ અને સાધના કરવા હિમાલયની દિશામાં ગયા. તેમની ભક્તિ અને નિષ્ઠા ભગવાન શિવમાં સમર્પિત હતી અને ઉદ્દેશ વશિષ્ઠને પણ હંફાવે તેવી શક્તિ પ્રાપ્ત કરવાનો હતો. એમની ભક્તિ અને સાધનામાં વિશ્વામિત્ર એટલા અડગ અને નિષ્ઠાવાન હતા કે ભગવાન શિવ તેમનાથી પ્રસન્ન થયા અને તેમની આગળ પ્રગટ થયા. તેમણે રાજાને પૂછ્યું કે આટલી કઠોર તપસ્યાનું કારણ શું છે. વિશ્વામિત્રે ઉત્તર આપ્યો, "હે ઉમાપતિ, આપ જો મારાથી પ્રસન્ન થયા હો તો મને દૈવી શસ્ત્રો અને દરેક શસ્ત્રના ઉપયોગમાં અપ્રતિમ કૌશલ્યનું પ્રદાન કરો."

"તથાસ્તુ," શિવે કહ્યું, અને જે શસ્ત્રો દેવો, ગંધર્વો, ઋષિઓ, યક્ષો અને દાનવોને પ્રાપ્ત હતાં તે તેમણે વિશ્વામિત્રને પણ આપ્યાં.

ઉછળતા સમુદ્ર જેવા દર્પથી છલકાતા વિશ્વામિત્રે વશિષ્ઠ ઉપરની જીત નક્કી જ માની લીધી. તે સીધા જ વશિષ્ઠના આશ્રમે ગયા. તેમની ધસમસતી ભયજનક મુદ્રાથી વશિષ્ઠ ઋષિના શિષ્યો અને આશ્રમનાં પશુઓ એકદમ ભયભીત થઈને વેરવિખેર દોડવા લાગ્યાં.

વિશ્વામિત્રના આગ્નેયાસ્ત્રે વશિષ્ઠનો આશ્રમ ભસ્મીભૂત કરી નાખ્યો. આશ્રમમાં અચાનક આવેલા ઉત્પાતની વશિષ્ઠને ખૂબ જ દિલગીરી થઈ, પણ એક વખતના આ રાજાના ઘમંડને પૂરો કરવાનું તેમણે નક્કી કર્યું, અને તેનો મક્કમ સામનો શાંતિપૂર્વક કરવા બ્રહ્મદંડ હાથમાં લીધો. બેકાબૂ ગુસ્સામાં વિશ્વામિત્રે તેમને મળેલાં બધાં આયુધોનો પ્રહાર કર્યો. પણ જેવાં આયુધો બ્રહ્મદંડ પાસે પહોંચતાં તેવાં જ તે નિઃસહાય થઈ જતાં અને બ્રહ્મદંડમાં સમાઈ જતાં.

વિશ્વામિત્રના ભાથામાં હજી પણ એક અમોઘ શસ્ત્ર — બ્રહ્માસ્ત્ર — હતું. જેવું બ્રહ્માસ્ત્ર તેમણે વશિષ્ઠ ઉપર ફંગોળ્યું તે સાથે જ આખી પૃથ્વીમાં વિષાદમય અંધકાર છવાઈ ગયો, જાણે કે ગ્રહણનો અંધકાર છવાઈ ગયો. અમરત્વ પામેલાં તત્ત્વો પણ ભયભીત થઈ ગયાં. આમ છતાં આ ભયાનક અસ્ત્ર પણ બ્રહ્મદંડમાં સમાઈ ગયું. ઊલટાનું આમ થવાને લીધે બ્રહ્મદંડ અને વશિષ્ઠ ઋષિની આભા વધુ દેદીપ્યમાન થઈ ગઈ.

વિશ્વામિત્ર આશ્ચર્યચકિત થઈ ગયા. પોતાની હારનો જાણે કે સ્વીકાર કરતા હોય તેમ તેમણે ઉચ્ચાર્યું, "ક્ષત્રિયોની શસ્ત્રસમૃદ્ધિનો શો અર્થ છે? હાથમાં માત્ર એક દંડ રાખીને પણ વશિષ્ઠે મારાં બધાં આયુધો નષ્ટપ્રાય કરી નાખ્યાં. ભગવાન શિવે મારી મશ્કરી જ કરી. હવે મારે પણ વશિષ્ઠ જેવા બ્રહ્મર્ષિ બન્યા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી." આમ વિચારતાં એમણે સંગ્રામભૂમિ છોડી અને વધુ કઠોર તપ કરવા દક્ષિણ દિશા તરફ ગમન કર્યું.

વર્ષોનાં વર્ષો વિશ્વામિત્રે કઠોર તપ કર્યું. વિશ્વામિત્રના ઉત્કૃષ્ટ ખંતથી પ્રસન્ન થઈને બ્રહ્માજી તેમની સામે પ્રગટ થયા અને સલાહરૂપ સૂચના આપી કે વિશ્વામિત્રની આકરી તપશ્ચર્યાના પરિણામરૂપે વિશ્વામિત્રની હવે પદોન્નતિ થઈ છે અને તેઓ હવે રાજાઓમાં ઋષિ એટલે કે રાજર્ષિ બન્યા છે. આમ કહીને બ્રહ્માજી અંતર્ધ્યાન થઈ ગયા.

જોકે વિશ્વામિત્રને પોતાની આટલી બધી આકરી તપસ્યા નિરાશાજનક લાગી, કારણ કે એનાથી પોતાને માત્ર રાજર્ષિનું જ પદ મળ્યું. બ્રહ્મર્ષિના સર્વોચ્ચ પદ સિવાય બીજા કશાથી સંતોષ ન હતો, એટલે વશિષ્ઠના સમોવડિયા બનવા અને બ્રહ્મર્ષિ પદ પ્રાપ્ત કરવા વિશ્વામિત્રે ફરીથી કઠોર તપશ્ચર્યા શરૂ કરી.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.