રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-28

Chapter 28 · પ્રકરણ ૨૮

ભરત — રામનો ઉત્તરાધિકારી

પાદુકા ભરતને સોંપી
પાદુકા ભરતને સોંપી

જ્યારે બધાને જાણ થઈ કે ચારેય રાજકુમારો અને ત્રણ રાણીઓનું પુનર્મિલન સંતોષપૂર્વક થઈ ગયું છે અને તે સૌ બધાને હવે એક નિશ્ચિત સ્થળે મળશે, ત્યારે સૈન્ય અને સાથેના રસાલામાંથી હર્ષધ્વનિ ફેલાવા લાગ્યો અને બધા બહુ ઝડપથી આ ધન્ય દૃશ્યના સાક્ષી થવા ત્યાં આવી ગયા. હવે બધાંયને ખાતરી થઈ કે રામ પાછા અયોધ્યા આવશે. તેના આનંદમાં લોકો એકબીજાને આલિંગન આપવા લાગ્યા.

વશિષ્ઠ મુનિ ત્રણેય રાણીઓને કુટીર તરફ લઈ આવતા હતા. ત્યાં રસ્તામાં તેમણે મંદાકિની નદી જોઈ. મુનિએ બે રાજકુમારો જે જગ્યાએથી રોજિંદા વપરાશ માટેનું પાણી લઈ આવતા હતા, તે જગ્યા રાણીઓને બતાવી. કૌશલ્યા અને સુમિત્રા ગદ્ગદિત થઈને રોઈ પડ્યાં અને હીબકાં ભરવા લાગ્યાં.

કૌશલ્યાએ કહ્યું, "સુમિત્રા, નદીના આ ઘૂનામાંથી તારો પુત્ર આશ્રમ માટે રોજ પાણી લઈ જાય છે. પોતાના ભાઈ માટે તે ગમે તેવું નજીવું કામ પણ હસતે મુખે કરવા માટે તૈયાર હોય છે. તેના રાજવી ખભા ઉપર પાણીના ઘડાનો ભાર જરા પણ અણગમતો લાગતો નથી."

રામ અને લક્ષ્મણે જે જગ્યાએ તેમના પિતાના આત્માને અર્ઘ્ય અર્પણ કર્યા હતા, તે જગ્યા તેમણે જોઈ. થીજેલા ઘી પાસે દક્ષિણ દિશા તરફ બંને છેડા વળેલા હોય તેવું દર્ભ ઘાસ ત્યાં પડ્યું હતું.

કૌશલ્યા સુમિત્રાને વળગી પડ્યાં અને બોલ્યાં, "બહેન, જો! મૃત્યુ પછી મહાન રાજાધિરાજે પણ આ ખોરાકથી સંતોષ પામવો પડે છે."

તેઓ કુટીરે પહોંચ્યાં. ત્યાં તેમણે સૂકા ઘાસની છત નીચે દુઃખના ઓછાયાવાળા ચહેરામાં બેઠેલા રાજકુમારોને જોયા. આ દૃશ્ય સહન ન કરી શકવાથી માતાઓ જમીન ઉપર ફસકી પડી.

રામે કૌશલ્યાને જ્યારે ઊભાં કર્યાં, ત્યારે તેમના ફૂલ જેવા કોમળ હાથ વડે તેમણે રામને પંપાળ્યા અને એકીસાથે સુખ અને દુઃખની લાગણી અનુભવી. કૌશલ્યા સીતાને ભેટ્યાં અને કહ્યું, "બેટા! તું જનકસુતા, અયોધ્યાના મહારાજાની પુત્રવધૂ — વનમાં આ ઝૂંપડીમાં રહે છે? હે મુરઝાયેલી કમલિની! ધૂળથી ખરડાયેલી સુવર્ણમૂર્તિ! તને જોતાં જ મારું હૃદય પીગળી જાય છે."

પૃથ્વી ઉપર પધારેલા દેવોના ગુરુ બૃહસ્પતિ જેવા લાગતા વશિષ્ઠ મુનિના રામે પૂજ્યભાવે ચરણસ્પર્શ કર્યા અને માતા કૌશલ્યા પાસે બેઠા. ભરતે નમ્રભાવે રામની સામે બીજાથી અલગ આસન ગ્રહણ કર્યું. બધાં વડીલો આજુબાજુ ગોઠવાયાં. ભરત શું કહેશે અને રામ કેવો પ્રત્યુત્તર આપશે, તેની બધાને આતુરતાપૂર્વકની અપેક્ષા હતી. "ભરત, તારા રાજવી ધર્મને છોડીને તું અહીંયાં જટા ધારણ કરીને, મૃગચર્મ પહેરીને શા માટે આવ્યો છો?" રામે પૂછ્યું.

ઉત્તર આપવાનો નિષ્ફળ પ્રયત્ન કરતાં શરૂઆતમાં તો ભરત માત્ર 'ભાઈ' એટલું જ બોલી શક્યો. પછી તરત જ પોતાની જાત ઉપર તેણે મહેનતપૂર્વક કાબૂ મેળવ્યો અને બોલ્યો:

"આપને વનવાસે મોકલ્યા પછી દુઃખ સહન ન થવાથી આપણા પિતાજીનો આત્મા સ્વર્ગે સિધાવ્યો. પોતાના દુષ્ટ કાવતરાના ફળસ્વરૂપે મારી માતાને તો પાપીણી ગણાવવાનો અને દુઃખની ગર્તામાં વિધવા થવાનો જ બદલો મળ્યો. આખી દુનિયાથી તિરસ્કૃત હાલતમાં તે પૃથ્વી ઉપર નરક ભોગવે છે. માત્ર આપ જ અમને બચાવી શકશો. આપે ભોગવેલી બધી યાતનાનો હવે આપ અંત લાવો અને રાજમુગટ ધારણ કરવાની સંમતિ આપીને આપ અમારાં આંસુ લૂછી નાખો. આ માટે આપને મનાવવા માટે જ અમે, નગરજનો અને વિધવા રાણીઓ અહીંયાં આવ્યાં છીએ અને આપના પ્રત્યુત્તરની રાહ જોઈ રહ્યાં છીએ. અમારી પ્રાર્થનાને આપ સ્વીકારો. માત્ર એમ કરવાથી જ અમારી વેદનાનો અંત આવશે અને આપણી કુળપરંપરામાં ધર્મની પુનઃપ્રતિષ્ઠા થશે. હક્કદાર રાજા સિવાય ભૂમિ પણ અનાથ અને નિઃસહાય વિધવા જેવી થઈ જાય છે. આપે આવવું જ જોઈએ અને તેને સમૃદ્ધ અને સુરક્ષિત કરવી જોઈએ. પૂર્ણ પ્રકાશિત ચંદ્રોદયની જેમ આપ અમારો અંધકાર દૂર કરો. અમારા મંત્રીઓ અને હું આપને સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરીએ છીએ અને આજીજી કરીએ છીએ. આપ અસ્વીકાર ન કરતા, ભાઈ!" આમ કહીને ભરતે અશ્રુભીની આંખે રામચંદ્રના પગ પકડી લીધા.

રામે ભરતને જમીન ઉપરથી ઉપાડ્યો અને આલિંગન આપતાં કહ્યું: "અરે ભઈલા, આપણે એક મહાન અને કીર્તિવાન કુળમાં જન્મ્યા છીએ અને બહુ યોગ્ય રીતે ઊછર્યા છીએ. હું કે તું કંઈ પણ ખોટું કરી શકીએ જ નહીં. મારા નિર્દોષ વીર! તું જરા પણ દુઃખી ન થા અને તારી માતા વિશે નિર્દય શબ્દોનો ઉપયોગ ન કર. આપણે તેમને દોષિત ઠરાવીએ તે પણ યોગ્ય નથી. આપણા પિતાજીને આપણે શું કરવું તે આપણને કહેવાનો પૂરતો અધિકાર હતો. હા, રાજ્યાભિષેકનો પણ અને દેશવટાના આદેશનો પણ! આપણો ધર્મ તો આપણા પિતાજી અને માતાજીનો યોગ્ય આદર કરવાનો જ છે. તેમના આદેશનો અનાદર કરીને તેની સામે હું કોઈ પ્રશ્ન કેવી રીતે ઉઠાવી શકું? મારે વનવાસે જવું જોઈએ એવા પિતાજીના આદેશનો હું અનાદર કરું એ શું મારા માટે યોગ્ય હતું? "

"તેમણે તને સિંહાસન આપ્યું અને મને વનજીવનનો આદેશ આપ્યો. આપણી જીવનપ્રણાલીને નિશ્ચિત કરવાનો તેમનો પૂરતો અધિકાર હતો. તેમના આયોજનનો અસ્વીકાર કે ફેરબદલ કરવાનો આપણો શો અધિકાર છે? રાજ્ય ઉપર શાસન કરવું તારો અધર્મ નહીં, પણ ખરો ધર્મ છે. અને હું પણ ચૌદ વરસ દંડકારણ્યમાં રહીને આપણા પિતાજીના અંતિમ આદેશનું પાલન કરવાની મારી ફરજ બજાવીશ. તેઓની ઇચ્છાનો અનાદર કરીને આખી દુનિયા મારા કબજામાં આવે તો પણ મને સંતોષ મળે ખરો?"

ભરતે વારંવાર યાચના અને આજીજી ચાલુ રાખી. રામને સમજાયું કે ભરતની મૂળ વેદના એ હતી કે અન્યાય તેને પોતાને લીધે જ કરવામાં આવ્યો હતો અને તે લાંછન દૂર કરવા માટે જ તે પ્રયત્નશીલ હતો.

"તારી જાતને તું દોષિત ન માન," રામે કહ્યું. "આ જે કાંઈ બન્યું, તે તારે લીધે જ બન્યું છે, એવું વિચારવાનું છોડી દે. નિયતિ બધું સંચાલિત કરે છે, એટલે તારા વિષાદનો ત્યાગ કર. અયોધ્યા પાછો જા અને રાજ્યાસન સંભાળ. આપણને જેમને માટે બહુ પ્રેમ છે અને પૂજ્યભાવ છે, એવા આપણા પિતાજીએ આપણને સોંપેલી ફરજો આપણે બંને પોતપોતાની રીતે બજાવીએ એ જ સાચું છે."

આ વાતચીતના જે બધા સાક્ષી હતા તે સમજી શક્યા કે યુવરાજ બહુ દૃઢનિશ્ચયવાળા હતા. એટલે બધાંના મનમાં હર્ષ અને શોકની મિશ્રિત લાગણી અનુભવાતી હતી. ભરતનો પ્રેમ અને પવિત્રતા તેમને ગૌરવ અને પ્રસન્નતા આપતાં હતાં. રામે તેમનો અફર નિર્ધાર ભરતને જણાવ્યો. "મારે માટે પિતાજીના શબ્દોનો અનાદર કરવો એકદમ અસંભવિત છે. તું પણ મને સતત સમજાવ્યા કરવાનો તારો પ્રયત્ન છોડી દઈશ, તો મને આનંદ થશે. શાસનના વહીવટમાં તને મદદરૂપ થવા શત્રુઘ્ન છે જ. એમ જ અહીં વનમાં મને મદદ કરવા લક્ષ્મણ પણ છે જ. મારી ભેગો લક્ષ્મણ છે, એટલે મારે કાંઈ ખૂટતું નથી. એટલે જ આપણે ચારે ભાઈઓ પિતાજીની ઇચ્છા પૂરી કરવા લાગીએ."

ભરતની સાથે આવેલા એક રાજપુરોહિત, જાબાલી, મોટા વિદ્વાન હતા. તેમણે ચાલુ ચર્ચામાં રામના હિતમાં વહેવારુ શાણપણનો પાઠ ભણાવવા ઝંપલાવ્યું. "આપ ફરીફરીને પિતાજીના આદેશની વાત કરો છો. પણ દશરથનું એક ભૌતિક શરીર હતું. તે હવે પંચમહાભૂતમાં વિલીન થઈ ગયું છે. આપ એવી વાત કરો છો કે જાણે અત્યારે જે અસ્તિત્વમાં નથી તે વ્યક્તિ અને આપની વચ્ચે કોઈ સાતત્યપૂર્વકનો સંબંધ હોય. આ તો ચોખ્ખી ભ્રમણા જ છે. ધર્મથી વિખૂટા પડવાની પોપટિયા વાતો તમને કેમ ગમે છે? અને તેને લીધે તમે જે સમૃદ્ધિ ભોગવવા જન્મેલા છો, તેનો ત્યાગ કરવા ઇચ્છો છો? અસ્તવ્યસ્ત કેશકલાપમાં દુઃખથી ઝૂરતી કોઈ સ્ત્રીની જેમ અયોધ્યા નગરી અત્યારે લાગણીવશ થઈને આપના પાછા આવવાની રાહ જોઈ રહી છે. એટલે પાછા આવો. સિંહાસન સ્વીકારો. જીવનનું સુખ ભોગવો અને ભરતને માન આપો. આપના સુયોગ્ય ધર્મ બજાવવામાં પાછીપાની ન કરો."

આ સંભાષણથી રામ ગુસ્સે થયા. બહુ તીવ્રતાથી તે બોલ્યા, "મહાશય, આપ સત્ય અને આત્મસુધારણાને જરા પણ મહત્ત્વનું ગણતા લાગતા નથી. આપની ભૌતિકવાદી વાતથી મને એટલી બધી ઘૃણા થાય છે, કે નવાઈની વાત છે કે તમારા જેવા નાસ્તિકને આપણી રાજ્યસભા સહન કરે છે."

જાબાલીએ તરત જ સ્પષ્ટીકરણ કરતાં જણાવ્યું કે નાસ્તિકતા તો બહુ દૂરની વાત રહી, કારણ કે જીવનપર્યંત તેમણે શાસ્ત્રોનું અધ્યાપન કરાવેલું હતું. તેમણે જે કાંઈ કહ્યું હતું, તેનો એકમાત્ર ઉદ્દેશ રામને પાછા ફરવા માટે સમજાવવાની હાર્દિક લાગણીનો જ હતો. વશિષ્ઠે પણ જાબાલીના પક્ષે દખલગીરી કરતાં આ કમનસીબ સંદર્ભનો અંત આણ્યો. પછી વશિષ્ઠે રામના પરત ફરવાના મુદ્દાને આ રીતે રજૂ કર્યો: "એકંદરે, મારો અભિપ્રાય છે કે આપે અયોધ્યા પાછા આવવું જોઈએ અને સિંહાસનનો સ્વીકાર કરવો જોઈએ. અલબત્ત આપના પિતાજીના આદેશને પણ ધ્યાનમાં રાખીને આ પગલાં સાથે સુસંગત બનાવવો જોઈએ. આપે તે આદેશનું જરા પણ ખચકાટ અનુભવ્યા સિવાય તરત જ પાલન કર્યું છે, પણ હવે નવી પરિસ્થિતિ પેદા થઈ છે. ભરતે નિઃસહાય થઈને, અપકીર્તિના ભારમાં આપના ચરણમાં શરણ લીધું છે. હવે તમે તેમને કઈ રીતે અવગણી શકો? અમે બધા જાણીએ છીએ કે આપ તેને આપની જાત કરતાં પણ વધુ પ્રેમ કરો છો. વળી આપની પાસે મદદ માંગવા આવનારને આપ પાછો વાળતા નથી. તો ભરત સાથે આપ આમ કેવી રીતે કરી શકશો? આપના ચરણોમાં શરણે આવેલાને મદદ કરવાનો આપનો આજીવન સિદ્ધાંત નથી?"

પણ રામે ઢીલા પડવાનાં કોઈ લક્ષણો દર્શાવ્યાં નહીં. પછી ભરત સુમંત્ર તરફ ફર્યા અને કહ્યું, "મારા ભાઈને મારે માટે જરા પણ દયા નથી. કૃપા કરીને દર્ભના ઘાસની પથારી અહીં મારે માટે કરો. હું મૃત્યુપર્યંત ઉપવાસનું વ્રત અહીં જાહેર કરીશ."

સુમંત્રએ અચકાટ અનુભવ્યો અને રામ સામે જોયું. ત્યાં તો ભરતે પોતે જ દર્ભ ઘાસ ખેંચ્યું અને તેના ઉપર બેસી ગયા. "અરે ભાઈલા, આ જરા પણ સાચું થતું નથી," રામે મક્કમતાથી કહ્યું. "ઊભો થા. અયોધ્યા જા અને તારો ધર્મ બજાવ. ક્ષત્રિય ધર્મની વિરુદ્ધ તારે જવાનું નથી."

ભરત ઊભો થયો અને તરણોપાય તરીકે સાથે આવેલા અયોધ્યાના સૈન્ય અને પ્રજાના પ્રતિનિધિરૂપ લોકોને ઉદ્દેશીને કહ્યું: "હે અયોધ્યાના નગરજનો, તમે આ બધું મૂંગા થઈને શા માટે જોઈ રહ્યા છો? રામ પાછા આવે એવું તમે ઇચ્છતા નથી? તો પછી તમે શાંત કેમ છો?"

લોકોએ ઉત્તર આપ્યો: "રામ સત્યમાંથી એક તસુભર પણ નહીં ખસે. તેઓ પિતાના આદેશને અડીખમ રીતે વળગી રહેશે. તે અયોધ્યા પાછા નહીં ફરે. તેમને વધુ આગ્રહ કરવાનો હવે શો અર્થ છે?"

રામે કહ્યું, "જો ભાઈ, તેમને સાંભળ. તેઓ બધા આપણા બંનેનું ભલું ઇચ્છે છે. તેમના હૃદયમાં સદ્ગુણનો નિવાસ છે." ભરતે કહ્યું, "જો એમ જોઈએ તો હું પણ રામ જેટલો જ નિર્દોષ છું અને તેમનો યોગ્ય વિકલ્પ પણ છું. મહારાજાના શબ્દોનું પાલન જ કરવાનું હોય, તો રામની જગ્યાએ વનવાસમાં હું રોકાઈ જાઉં અને રામ મારી જગ્યાએ અયોધ્યામાં રાજ કરે."

રામને હસવું આવ્યું અને બોલ્યા, "અદલાબદલીની આ પ્રથા અહીંયાં લાગુ થઈ શકે નહીં. આ કોઈ સાટાપદ્ધતિનો કરાર નથી, જે વેપાર અને ધંધામાં કામ લાગે. એ સાચું છે કે કેટલીકવાર જ્યારે કોઈ વ્યક્તિ કોઈ કામ માટે બહુ દુર્બળ અને ગેરલાયક હોય, તો કોઈ અન્ય વ્યક્તિ પેલાને બદલે એ કામ સંભાળી લે. પણ તે આપણી પરિસ્થિતિમાં કઈ રીતે બંધબેસતું આવે છે? તમારામાંથી કોઈ પણ એવું કહી શકે એમ છે, કે વનમાં જીવન જીવવાની મારામાં શક્તિ નથી અને માત્ર ભરતમાં જ છે?"

આ દરમ્યાન બે ન્યાયિકતા વચ્ચે — બંનેમાં વધુ ન્યાયિક કોણ — એની ટક્કરના કોયડાનો ઉકેલ જ્ઞાની વશિષ્ઠને મળ્યો. "જો, ભરત! રામની સત્તા નીચે તું તેના ઉત્તરાધિકારી તરીકે રાજ્ય સંભાળ. તો તને કોઈ દોષ નહીં લાગે અને વચનપાલનનું પ્રણ પણ સચવાઈ જાશે."

રામે ભરતને પોતાના ખોળામાં લીધો અને કહ્યું, "રાજ્યને તું મેં આપેલી ભેટ તરીકે સ્વીકાર અને આપણા પિતાશ્રીની ઇચ્છા પ્રમાણે તેના ઉપર શાસન કર."

આ ક્ષણે બે સૂર્યના પ્રકાશની આભા રામ અને ભરત ઉપર ઊતરી રહી હતી.

ભરત બોલ્યો, "ભાઈ! આપ મારા પિતા અને પ્રભુ છો. આપની નાનામાં નાની ઇચ્છા મારો ધર્મ છે. મને આપ આપની પાદુકા આપો. તે સ્મૃતિચિહ્ન અયોધ્યા ઉપર આપ પાછા આવો ત્યાં સુધી રાજ્ય કરશે. અને ચૌદ વર્ષ સુધી હું નગરની બહાર રહીશ અને આપની પાદુકાને પૂજનીય સન્માન આપતો આપને બદલે રાજ્યકારભાર સંભાળીશ. તે સમયગાળાની સમાપ્તિ પછી આપ પાછા પધારશો અને રાજ્યધુરા સ્વીકારશો."

"તથાસ્તુ," રામે ઉત્તર આપ્યો.

રામે પોતાના પગ પાદુકા ઉપર મૂક્યા અને પાદુકા ભરતને સોંપી. ભરતે જમીન ઉપર નમીને તેનો સ્વીકાર કર્યો અને પોતાના મસ્તક ઉપર ધારણ કરી.

ભરત અને તેનો રસાલો અયોધ્યા જવા પાછો વળ્યો. રસ્તામાં તેઓ ભારદ્વાજ ઋષિને મળ્યા અને જે બન્યું હતું, તેનો અહેવાલ આપ્યો. ઋષિએ ભરતને આશીર્વચન આપતાં કહ્યું:

"તારી કીર્તિ અજર-અમર રહેશે. આખરે તું સૂર્યવંશનો વારસ છો ને? જેમ પાણી ઉપરથી નીચે વહેતું હોય, તેમ તારા કુળની કીર્તિ અનિવાર્યપણે તારામાં વહે છે. તારા પિતાજી ખરેખર પ્રસન્ન થતા હશે. તે ગયા નથી, પણ પાછા તારામાં શાશ્વત બનીને રહેશે."

પાછા વળતાં વચ્ચે તેઓ ગુહને મળ્યા, ગંગા પસાર કરી અને અયોધ્યા પહોંચ્યા. રાજા વગરની અને રામ વગરની અયોધ્યા ભરતને વેરાન લાગતી હતી. અમાસના ઘોર અંધકારથી છવાયેલી હોય તેવી તે નગરી ભાસતી હતી. જ્યારે ભરત મારતી ઝડપે કેકયથી પાછો ફર્યો હતો, ત્યારે થાક, અજ્ઞાત ભય અને રહસ્ય વચ્ચે ભરત સપડાયેલો હતો; પણ આજે તેણે ફરીવાર પ્રવેશ કર્યો ત્યારે બનેલી આખી કરુણાંતિકાથી તે પૂરતો વાકેફ હતો. તેને ભૂતકાળ યાદ આવ્યો અને વર્તમાનનું ચિંતન કરતાં તેનું દુઃખ તાજું થયું. તે મહેલમાં પ્રવેશ્યો અને રાણીઓને તેમના નિર્જીવ આવાસોમાં લઈ ગયો. તે રાજ્યસભામાં ગયો અને સભાને કહ્યું, "મારો વિષાદ ઘણો ઘેરો છે. પણ તે તો હું ભોગવી લઈશ. હું નંદીગ્રામમાં રહીશ અને રામને મેં વચન આપ્યું છે એ રીતે મારી ફરજો નિભાવીશ. આ અંગેની બધી વ્યવસ્થા કરો." આ પ્રમાણેની બધી કાર્યવાહી પૂરી થઈ ત્યારે રાજ્યસભામાં તેણે ગંભીરતાથી જાહેરાત કરી, "આ રાજ્ય રામનું છે. જરૂરી સમય પૂરતો તેમણે મને કાર્યભાર સંભાળવાનું કહ્યું છે. મારા ભાઈની જગ્યાએ મેં તેમની પાદુકાને પ્રતિષ્ઠિત કરી છે. તેના તરફથી આવતી સત્તાની રૂએ હું રાજા તરીકે મારું કામ કરીશ."

તે મુજબ ભરતે નંદીગ્રામમાં નિવાસ કર્યો અને મંત્રીઓની મદદથી રાજ્યનો ભાર ધાર્મિક ફરજ તરીકે, રામ વનવાસ પૂરો કરીને પાછા ફરે ત્યાં સુધી નિભાવ્યો. અને ખરેખર શાસ્ત્રોએ સ્થાપિત કરેલો એ નિયમ નથી કે માણસે નિઃસ્વાર્થ ભાવે, નિષ્કામ બનીને પોતાનાં કર્મના ફળો પ્રભુના ચરણે સમર્પિત કરીને દુનિયાની સેવા કરવી જોઈએ? રામે ચૌદ વર્ષ સુધી વનમાં તપશ્ચર્યા કરી અને તે આખા સમયગાળા દરમ્યાન અયોધ્યા પાસેના નંદીગ્રામમાં ભરતે પણ તેવી જ તપશ્ચર્યા કરી હતી.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.