આમ, ભરત જ્યારે બીજા લોકોએ ગૂંચવેલાં કોકડાંને અને તેની ગંભીર હાલતને ઉકેલવા મથી રહ્યો હતો, ત્યારે ચિત્રકૂટની વનકુટીરમાં જીવન પૂરતી પ્રસન્નતાથી વહી રહ્યું હતું. લક્ષ્મણ અને સીતાની સંગાથે રામને કોઈ જાતની ઊણપ નહોતી. પર્વતની ભવ્ય શોભા, વનની રમ્ય પશ્ચાદ્ભૂમિકા અને પક્ષીઓનો કેકારવ અને ક્રીડા રામના હૃદયને સંતોષ અને આનંદ આપતાં હતાં. પોતાના નગર અને પરિવારથી દેશવટાની ગ્લાનિને તે ભૂલી ગયા હતા. "સીતા, જો પેલાં પક્ષીઓ ક્રીડા કરે છે," તે કહેતા. "ટેકરી ઉપરનો પેલો વાદળી, પીળી અને રતુમડી ધારવાળો ખડક કેવો ચમકે છે! આ છોડવાઓ અને વેલીઓનાં ફૂલોને જો. વનનું જીવન આવું આનંદદાયક હોય, તે જાણ્યા વગર આપણે તેનાથી ગભરાતાં હતાં. હું તો અહીંયાં બહુ ખુશ છું. અને તેની સાથે મેં મારા પિતાજીના આદેશનું પાલન કર્યાની વધારાની ખુશી ભળે છે. આમ, કૃતકૃત્ય થયા હોવાનો આનંદ અને સુખી જીવન — એમ બંનેનો આનંદ છે. વળી સૌથી વધુ તો એ આનંદ છે કે ભરત રાજ્ય ઉપર શાસન કરે છે."
આમ, રામ પોતે ગ્લાનિમુક્ત થવા સાથે સીતાને પણ સુખી કરવા માગતા હતા. ટેકરી ઉપરથી ઊતરતાં કેટલીકવાર તેઓ મંદાકિનીના કાંઠે જતા હતા. ત્યારે પણ રામ કહેતા, "પેલા રેતીના ટીલા જો. કમળનાં ફૂલો વચ્ચે હંસ કેવા રમે છે! અને પ્રિયે, પેલું ઝરણું તો તારા જેવું જ સુંદર છે! પેલા નવી લાલ માટીવાળા પાણીના ઘૂના, જ્યાં પ્રાણીઓ પાણી પીવા આવે છે, તે પણ બહુ સરસ દેખાય છે. કુબેરના રાજની નદી પણ આવી સુંદર નહીં લાગતી હોય. જો ત્યાં સ્નાન કરતા, મંત્રપાઠ કરતા અને ઊભા ઊભા સૂર્યને અર્ઘ્ય આપતા ઋષિઓ દેખાય છે. પાણી ઉપર લટકતી ઝાડની ડાળીઓમાંથી ફૂલો પાણીમાં પડતાં દેખાય છે. જો, પેલું ઉપરથી પડતું પાણી ટીપાંનાં મોતી વેરે છે. ભરચક-ધમાલિયા નગર કરતાં આપણે આ વનમાં છીએ તે આપણું ખરેખર સૌભાગ્ય છે. અહીં આપણે ઋષિઓ અને મહાત્માઓને રોજ સ્નાન કરતા જોઈએ છીએ, તેમ ત્યાં જોઈ ન શકીએ. આ ટેકરી જ આપણી અયોધ્યા છે. અહીંનાં પશુઓ અને પક્ષીઓ આપણી પ્રજા છે. આ મંદાકિની આપણી સરયૂ છે.
"તું અને લક્ષ્મણ મારી સાથે છો એટલે મને પૂરતું સુખ અને સંતોષ છે. પાણીના પ્રવાહમાં કોઈ જાતના ભય વગર પાણી પીતાં આ પશુઓને જોવાની કેવી મજા આવે છે! આ પાણીમાં ધુબાકા મારવા, કંદ-મૂળ-અને-ફળ ખાવાં, વનમાં ફર્યા કરવા અને ટેકરીઓ ચડ્યા કરવા — આ બધામાં મને રાજ્ય અને સત્તાનો વિચાર પણ શું કામ આવે?" આ રીતે સીતા અને લક્ષ્મણની સાથે રામ સુખી દિવસો પસાર કરતા હતા.
એક દિવસ ટેકરીના ઢોળાવ ઉપર તે બધા નીરવ શાંતિમાં કાયમ મુજબ બેઠાં હતાં, ત્યાં ઓચિંતું થોડે દૂર રેતીનું એક વાદળું આકાશમાં ઊઠતું તેમણે જોયું. આ વાદળું તેમની તરફ આવી રહ્યું હતું. તેની સાથે કોઈ મોટા ટોળાનો ઘોંઘાટ પણ તેમણે સાંભળ્યો. વનનાં પ્રાણીઓ આ ભયને લીધે આમતેમ ભાગદોડ કરતાં રામે જોયાં. એમ લાગ્યું કે કોઈ સૈન્ય વનમાં પ્રવેશતું હતું.
"તેં આ અવાજ સાંભળ્યો?" રામે લક્ષ્મણને પૂછ્યું. "હાથીઓ, બરાસિંગાઓ અને હરણાં વેરવિખેર થઈને દોડે છે. આ શું લાગે છે? એવું હશે કે કોઈ રાજા અહીંયાં શિકારે આવતો હોય? કે પછી કોઈ વાઘ કે બીજું જંગલી પ્રાણી આવી ચડ્યું નથી ને? તું તપાસ કર અને મને જણાવ."
લક્ષ્મણ એક ઊંચા ઝાડ ઉપર ચડ્યા અને આજુબાજુ નિરીક્ષણ કર્યું. તેણે જોયું કે એક વિશાળ સૈન્ય ઉત્તર દિશામાંથી આવતું હતું. સૈન્યનાં બધાં ઘટકો — રથો, હાથીઓ, અશ્વો અને પાયદળ — તેમાં સામેલ હતાં. તેણે રામને સાવધ કરવા ઊંચે અવાજે કહ્યું: "ભાઈ, સાંભળો! એક મોટું સૈન્ય ધજા ફરકાવતું તેની સંપૂર્ણ રીતરસમ પ્રમાણે આપણા તરફ આવે છે. આપણે ચેતી જવું જોઈએ. સીતાજીને સુરક્ષા માટે ગુફામાં લઈ જાઓ. અને આપણે બખ્તર પહેરીને લડાઈ માટે તૈયાર રહીએ."
રામે કહ્યું, "એટલો બધો ઉતાવળો ન થા. ફરી એકવાર રથ ઉપરના ધ્વજને જોઈ લે અને કયા રાજા તેના સૈન્ય સાથે આવે છે, તે મને કહે."
લક્ષ્મણે બરાબર જોયું અને એકદમ ગુસ્સે થયો. "અરે, મોટાભાઈ! આ તો ભરત છે. રાજ મેળવીને હજી ધરાયો નથી, એટલે આપણો પીછો કરે છે. પવનમાં ફરકતા ધ્વજ ઉપરનું વૃક્ષનું ચિહ્ન હું જોઈ શકું છું. તે આપણને મારી નાખવા આવ્યો છે, પણ કૈકેયીનો એ દીકરો આજે મારી પાસેથી જીવતો પાછો નહીં જઈ શકે. ધર્મના આવા વિનાશકને મારવામાં કયું પાપ હોઈ શકે? હવે પ્રશ્ન માત્ર એટલો જ છે કે આપણે અહીં તેમની રાહ જોઈશું, કે ટેકરીની ટોચ ઉપરથી જ તેમને પડકારતું યુદ્ધ કરીશું? તેણે આપણને જે કોઈ હાનિ પહોંચાડી છે, તે બધી તેની પાસેથી વસૂલ કરીશું. આપણને મારવા આવનારનો વધ કરવામાં ચોક્કસ કોઈ પાપ નથી. એની સાથે એની માનો લોભ પણ ખતમ થઈ જશે. ટૂંક સમયમાં જ તમે આ વનના રસ્તાઓને લોહી વહેવડાવતા જોઈ શકશો. કોઈ હાથીએ જડમૂળથી ઉખાડી નાખેલા વૃક્ષની જેમ, ભરતને હું જમીન ઉપર નેસ્તનાબૂત કરી નાખીશ. આપણે તેના સૈન્યનો પણ સંહાર કરીશું. વનનાં રાની પશુઓને આપણે માંસ પૂરું પાડીશું."
આ પ્રમાણે જાત ઉપરના કાબૂને ગુમાવીને લક્ષ્મણે આક્રોશ ઠાલવ્યો.
રામે તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. "હું જાણું છું કે જો તું નિર્ધાર કરે તો સાતેસાત લોકનો સંહાર કરી શકે એવો છો. જો, સાંભળ. તું ભરત અને તેના સૈન્યનો સહેલાઈથી સંહાર કરી શકે એમ છો, પણ તું તે શરૂ કરે તે પહેલાં એક મુદ્દાની વિચારણા કરવાની છે.
"આપણા પિતાની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને, તેમને નામોશી પહોંચાડીને, આપણા ભાઈનો વધ કરીને અને આપણને અનંતકાળનું લાંછન લગાડીને આપણે યુદ્ધ કરીને રાજ્ય મેળવવામાં ખરેખર શું પ્રાપ્ત કરીશું? આપણા કુટુંબીઓને મારી નાખીને આપણે જે મેળવીશું, તે ખરેખર તો ઝેરમિશ્રિત ખોરાક જ હશે. આપણે શા માટે અને કોના માટે સમૃદ્ધિ અને રાજ્યની ઇચ્છા રાખીએ છીએ? એ બધું બીજા એવા લોકો માટે નથી, કે જેમનો આનંદ આપણો જ આનંદ હોય?
"ખોટાં સાધનોથી રાજ્ય પ્રાપ્ત કરવાનું કોને ગમે? અને તમને જેના માટે પ્રેમ હોય, તેમની સાથે તમારો આનંદ વહેંચી ન શકો, તેવા રાજ્યને મેળવવામાં કયું સુખ સમાયું છે? હું તને સાચેસાચું કહું છું કે જે સંપત્તિ અને સત્તા હું તારી, ભરતની અને શત્રુઘ્નની સાથે ભોગવી ન શકું, તેના તરફ હું જોઉં પણ નહીં.
"અને જો, હું તને કહી દઉં કે ભરત અહીં શું કામ આવે છે, તે હું જાણું છું. ભરત ધર્મના માર્ગને જાણનારો છે. તે અહીં મને રાજ્ય પાછું સોંપવા આવે છે. તે જો બહુ દૂર તેના મોસાળમાં હોવાને બદલે અયોધ્યામાં હોત, તો તેણે ચોક્કસ કૈકેયીને એમ ન કરવા સમજાવી હોત અને આપણા પિતાજી ઉપર જે ઘોર વિપત્તિ આવી પડી તેનાથી બચાવ્યા હોત. મને ખાતરી છે કે અત્યારે તે મને અયોધ્યા પાછો લઈ જવા આવે છે. તારે માટે ભરત અંગે ખોટું વિચારવું અને તેના વિશે બહુ જ કટુ શબ્દપ્રયોગો કરવા તે યોગ્ય નથી. રાજ્ય પ્રાપ્ત કરવાની ઇચ્છાએ તને આવો શંકાશીલ અને ક્રૂર બનાવ્યો હોય, તો મને કહી દે; મારે તો માત્ર ભરતને 'રાજ્યાસન તને સોંપી દે' એટલું જ કહેવાનું છે. અને મને જરાપણ શંકા નથી કે આમ તે જરૂર આનંદપૂર્વક કરે."
રામે આમ છેલ્લે વિનોદ કર્યો અને લક્ષ્મણ શરમથી વામણો બની ગયો.
"કદાચ આપણા પિતાજી, મહારાજા પોતે," લક્ષ્મણે કહ્યું, "આપણી પાસે આવે છે."
રામને ધ્યાનથી સાંભળ્યા પછી લક્ષ્મણને ખાતરી થઈ કે તેનો ભય અયોગ્ય હતો. જોકે તો પણ એને નવાઈ લાગતી હતી કે સૈન્ય કૂચ કરીને શું કામ આવતું હતું. તેણે વિચાર્યું કે કદાચ દશરથ રાજા પોતે જ વનમાં તેમની મુલાકાત લેવા આવતા હતા અને રાજાનો મોટો રસાલો તેની પાછળ આવતો હતો. અહીં વિવેચકો ઉમેરે છે કે ભરત વિષેનાં કટુવચનો બોલવાની તેની ભૂલ સમજીને લક્ષ્મણ પોતાની શરમને ઢાંકવા કોઈ વ્યાજબીપણું શોધતો હતો. રામે લક્ષ્મણને ઉત્સાહિત કરવા કહ્યું, "હા, તું કહે છે તેમ પણ હોઈ શકે. વનનું જીવન મુશ્કેલીઓથી ભરેલું હોય છે, તે જાણીને કદાચ મહારાજા, ખાસ તો સીતાને, પણ એટલે આપણને પાછા લઈ જવા આવતા હોય. જોકે, આપણે રાજાનું સફેદ, વિશાળ છત્ર જોઈ શકતા નથી. પણ ભલે ને ગમે તે હોય, તું શાંત રહેજે."
લક્ષ્મણ નમ્રતાપૂર્વક અદબ વાળીને રામ પાસે ઊભા રહ્યા.
સૈન્યને થોડે દૂર ઊભું રાખીને ભરતે, જે જગ્યાએથી ધુમાડાના ગોટા ઉપર ઊઠતા હતા, તે જગ્યાએ નિરીક્ષણ કરવા અને બાતમી લઈ આવવા થોડાક અનુચરોને આગળ મોકલ્યા. તેઓ સમાચાર લઈ આવ્યા કે ભારદ્વાજ ઋષિએ ચીંધેલું સ્થળ આ જ હતું અને તે કુટીર સંભવતઃ રામનો વનનો આવાસ હતી.
ભરત, શત્રુઘ્ન, વશિષ્ઠ અને સુમંત્ર સાથે આગળ વધ્યા. તરત જ ત્યાંની વસ્તુઓ ઉપરથી તેમને ખ્યાલ આવ્યો કે આ આશ્રમ કોઈના રહીરાસવાળો હતો. ત્યાંથી એક રસ્તો નદી તરફ જતો હતો અને બંને બાજુ ઊગેલાં ઝાડો વચ્ચેથી આવતો પ્રકાશ સંધ્યાકાળે પણ તેને શોધવામાં મદદરૂપ થતો હતો. તેઓ પાંદડાંથી ઢંકાયેલ દીવાલો અને છતવાળી એક કુટીર પાસે આવ્યા. તેની બહાર નજીકમાં જ શિયાળામાં ઉપયોગી થાય તે માટે બળતણનાં લાકડાં, હરણનાં સૂકાં છાણ અને જંગલી ભેંસોના છાણના ઢગલા દેખાતા હતા. કુટીરમાં દીવાલો ઉપર મોટાં તીરકામઠાં, ઘાતક તીરોનાં ભાથાં, તલવારો અને બીજાં હથિયારો જાણે કે સર્વોચ્ચ શૌર્ય અને વિજયની પતાકા ફેરવતાં હતાં. બહાર વૃક્ષોની ડાળીઓ ઉપર વલ્કલનાં વસ્ત્રો સુકાતાં હતાં. ભરતે મોટાભાઈ આ જ આશ્રમમાં વસતા હોવાની અચૂક નિશાનીઓ ધડકતાં હૈયે જોઈ. કુટીરની અંદરથી દૈનિક પૂજાની વેદીનો ધુમાડો ફેલાતો હતો. ત્યાં પ્રવેશતાં જ વેદીનો પ્રજ્વલિત અગ્નિ અને તેની બાજુમાં મૃગચર્મ અને વલ્કલમાં જટાધારી હોવા છતાં વિશાળ છાતી અને પ્રભાવક હાથવાળા પ્રતાપી રાજવી જેવા રામને બેઠેલા ભરતે જોયા. તેમના મુખની શોભા બીજાના પ્રેમ અને આજ્ઞાંકિતતા સ્વાભાવિક રીતે મેળવતી હતી. સીતા અને લક્ષ્મણ તેમની બાજુમાં હતાં.
આ પૂરા સમય દરમ્યાન ભરતને તો સતત પોતાને શિરે જે નાલેશી આવી પડી હતી, તેનો જ વિચાર આવ્યા કરતો હતો. અને તેમને સમજ પડતી નહોતી કે તે જ્યારે રામને મળે ત્યારે શું કહેવું અને શું કરવું. પણ અત્યારે તેણે રામને જોયા, તે સાથે જ તેનું મન ઉદાત્ત પ્રેમથી ઉછળવા લાગ્યું અને બીજા બધા વિચારો તેમજ ભય અને શંકાની લાગણી વિલીન થઈ ગયાં. રામ જ્યાં બેઠા હતા તે જગ્યાએ ભરત કૂદી પડ્યો. "ભાઈ!" એ શબ્દ સિવાય તે કાંઈ બોલી શક્યો નહીં અને ડૂસકાંના અવાજ વચ્ચે રામના પગ પાસે તે સાષ્ટાંગ દંડવત્ પડી ગયો. સુમંત્ર અને ગુહે પણ ભરતને સાથ આપ્યો.
રામે પોતાની સામે જ જટાધારી અને વલ્કલધારી ભરતને બંને હાથે પ્રાર્થનાની મુદ્રામાં પડેલો જોયો. દુઃખ અને અનશનને લીધે તે દૂબળો પડી ગયો હતો અને થાક અને તડકામાં કરેલી દડમજલને લીધે શામળો પડી ગયો હતો. રામ તેને ભેટ્યા, તેના મસ્તક ઉપર ચુંબન કર્યું અને બોલ્યા, "અરે, લાડકા ભાઈ! તું આપણા પિતાજીને છોડીને આટલે દૂર વનમાં શા માટે આવ્યો છે? અને આટલો બધો નબળો કેમ પડી ગયો છે?"
ભરત સાવ મૌન હતો. રાજપરિવારના સભ્યો લાંબા સમય પછી એકબીજાને મળે, ત્યારે જેવા વહેવારુ પ્રશ્નો પૂછે તેવા પ્રશ્નો રામે ભરતને કર્યા.
થોડીવાર પછી સ્વસ્થ થઈને ભરતે ઉત્તર આપ્યો, "ભાઈ, હું જાણે રાજા હોઉં એ રીતે રાજ્ય અંગેના પ્રશ્નો તમે મને શા માટે પૂછો છો? રાજ્ય અને મારી વચ્ચે શો સંબંધ છે? આપ જ્યારે પોતે જ તેના નિર્ધારિત રાજા હો, ત્યારે હું મારી જાતને રાજા કેવી રીતે કહી શકું, કે તેના ઉપર શાસન કરી શકું? મારો ધર્મ તો તમારી નમ્રભાવે સેવા કરવાનો છે. શાસન કરવાનો અધિકાર મને આપવામાં આવ્યો જ નથી. એ ભાર તો યુવરાજના ખભા ઉપર જ મૂકવામાં આવ્યો છે. આ નિયમ પણ છે અને પરંપરા પણ છે. આપ મારી સાથે અયોધ્યા પાછા આવો, રાજમુગટ ધારણ કરો અને રાજપરિવાર તેમજ પ્રજા ઉપર તમારી કૃપા વરસાવો. આપણા મહારાજાનું જીવનકાર્ય પૂરું થયું છે અને તેઓ સ્વર્ગે સિધાવ્યા છે. આપ અયોધ્યાથી વનવાસ માટે નીકળ્યા અને હું કેકયથી પાછો ફર્યો, તે વચ્ચેના સમયગાળામાં મહારાજાએ આપના વિયોગના વિષાદમાં ઘવાઈને પ્રાણ છોડ્યો હતો. હવે આપે દુઃખને વધુ ઘેરું કરવાની જરૂર નથી. આપણા પિતાજીની મરણોત્તર ક્રિયાઓ અહીં જ કરવાની છે. આપનો વિચાર કરતાં જ પિતાજીએ પ્રાણ છોડેલા. એટલે જ આપ મરણોત્તર ક્રિયાઓ કરો, તો જ તેમનો આત્મા સંતોષ પામશે." આમ ભરતે પોતાની જાતને નિયંત્રિત કરી અને વાત કરી.
રામે જ્યારે સાંભળ્યું કે તેમના પિતાજીએ અંતિમ વિદાય લીધી છે, ત્યારે કુહાડીના ઘાથી પડી ભાંગેલા વૃક્ષની જેમ તે પણ જમીન ઉપર ઢળી પડ્યા. ભરતને હવે કૌશલ્યા, ગુહ અને ભારદ્વાજ મુનિને જે સ્પષ્ટીકરણ અને ક્ષમાયાચના કરવાં પડેલાં, તે રામની પાસે કરવાની જરૂર નહોતી. રામની આંખો જ્યારે ભરતના દુઃખપીડિત શરીર અને રઘવાયા ચહેરાને પામી ગઈ હતી, ત્યારે એવા સ્પષ્ટીકરણની જરૂર જ ક્યાં હતી? ભરતનો એકમાત્ર ઉદ્દેશ રામને પાછા અયોધ્યા લઈ જવાનો હતો. એટલે જ તેણે માત્ર સંલગ્ન મુદ્દાની જ વાત કરી અને પોતાના અંગે કંઈ જણાવ્યું નહીં. રાજકુમારો, સીતા અને સુમંત્ર સાથે નદીએ ગયા અને સદ્ગત મહારાજાના આત્માની શાંતિ માટે વિધિવિધાન સંપન્ન કર્યાં. બીજી પરંપરાગત ધાર્મિક ક્રિયાઓ પૂરી કરીને રાજકુમારો કુટીરમાં પાછા ફર્યા. બધાએ એકબીજાના હાથ પકડીને દુઃખને હળવું કરવા કલ્પાંત કર્યું.
(ભરત અને રામના મિલાપના આ પ્રસંગમાં વાલ્મીકિ રામાયણમાં રામ પોતાના ભાઈને રાજવહીવટની કલા ઉપર એક લાંબું પ્રવચન આપતા દર્શાવાયા છે. આપણાં મહાકાવ્યોમાં ઘણીવાર રાજકારણ અને નૈતિકતા અંગેની લાંબી ટીકાટીપ્પણી આપણે જોઈ શકતા હોઈએ છીએ. પણ અર્વાચીન સાહિત્ય વર્ણનાત્મક કૌશલ્ય, નાટકીય રહસ્ય અને આશ્ચર્યના તત્ત્વોને અગ્રિમ પ્રાથમિકતા આપે છે. પ્રાચીન ગ્રંથોમાં પણ આ તત્ત્વો ભરપૂર માત્રામાં હોવા છતાં, તેઓમાં ઉપદેશાત્મકતાનો અતિરેક હતો. અહીં આપણે એ પણ ધ્યાનમાં લેવું જોઈએ કે પ્રાચીન ટીકાકારોએ પણ નોંધ્યું છે, કે આ પ્રસંગનાં પ્રકરણો વાલ્મીકિ રામાયણમાં અયોગ્ય રીતે ભેળસેળ થઈ ગયાં હોય તેમ લાગે છે. અલબત્ત કંબને તેની કથનશૈલીમાં તેમને નિયંત્રિત, આધુનિક રીતે મૂક્યાં છે. તુલસીદાસમાં તો રામ અને ભરતમિલન ભક્તિરસમાં જ ઝબોળાયેલાં છે અને તેથી કોઈ પ્રકારની ક્લિષ્ટતાનો અવકાશ જ મળતો નથી.)
