રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-26

Chapter 26 · પ્રકરણ ૨૬

ભરત તરફ — શંકાની સોય

ગંગા નદીની સામેપાર નજર માંડતાં શિકારી-મુખિયા ગુહને સામેના કાંઠે અસામાન્ય હલચલ અને કોલાહલ ધ્યાનમાં આવ્યાં. એક બહુ મોટા સૈન્યે ત્યાં પડાવ નાખ્યો હતો. તેની બાજુમાં ઊભેલા તેના સંબંધીઓનું તેણે ધ્યાન દોર્યું અને કહ્યું:

"આ કોણ છે અને આવડા મોટા સૈન્ય સાથે તે કેમ આવે છે? તેણે નદી પાર કરવી છે કે શું? તેનો ધ્વજ સૂચવે છે કે આ કૈકેયીનો પુત્ર ભરત અને તેનું સૈન્ય છે. હા, રથ ઉપર ફરકતો તેનો ધ્વજ જોઈ શકાય છે અને તેની ઉપર દોરવામાં આવેલ વૃક્ષના ચિત્રને હું ઓળખી શકું છું. આ અયોધ્યાના રાજાનો ધ્વજ છે.

"રામનો શત્રુ, ભરત, અયોધ્યાનો રાજા જ છે ને? તેની માતા કૈકેયી દ્વારા અન્યાયી રીતે રાજ્ય મેળવી લીધા પછી, એમ લાગે છે કે રામની હત્યા કરવા તે તેનો પીછો કરતો અહીં આવ્યો છે. આપણા યોદ્ધાઓ અને આપણા સંબંધીઓ તેમજ મિત્રોને એકઠા કરો. નદીકાંઠે તેઓ સજ્જ થઈને તૈયાર રહે. બધી નૌકાઓ યુદ્ધ માટે સશસ્ત્ર યોદ્ધાઓથી તૈયાર કરો. આપણે રાહ જોઈશું અને નિરીક્ષણ કરીશું. જો આગંતુકો રામ પ્રત્યેની શુભનિષ્ઠાથી આવ્યા હશે, તો આપણે તેમને નદી પસાર કરવામાં અને આપણી બાજુ આવવામાં મદદ કરીશું. પણ તેમની નેમ વિપરીત હશે, તો આપણે તેમને ગંગા પાર કરતાં રોકીશું."

અને આમ બધી તૈયારીઓ કર્યા પછી, શિષ્ટાચારના નિયમો પ્રમાણે ગુહ કેટલીક ભેટસોગાદો લઈને ભરતને મળવા નૌકામાં ગયો.

તે જ સમયે સામે કાંઠે સુમંત્ર ભરતને કહેતા હતા:

"જુઓ! શિકારીના મુખિયા અને રામના સમર્પિત મિત્ર, તેમના લોકો સાથે આપણું સ્વાગત કરવા આવે છે. આ પ્રદેશનો તે શાસક છે. તે અને તેમના સંબંધીઓ આ વનના એકેએક ખૂણાખાચરાથી માહિતગાર છે. રામને ક્યાં શોધવા તે આ લોકો આપણને જણાવી શકશે અને આપણને ઝડપથી તેમજ સલામતીપૂર્વક ત્યાં લઈ જશે."

થોડા સમયમાં જ ગુહે નદી પસાર કરી અને ભરતનો ભેટો થતાં તેને પ્રણામ કર્યા અને કહ્યું, "આપના અનપેક્ષિત આગમનથી અમને આશ્ચર્ય જરૂર થયું છે, તો પણ અહીં જે કંઈ પણ મારું છે, તેને આપ જરૂર આપનું માનજો અને મને આદેશ આપજો. આપને અને આપના સૈન્યને આવકારતાં અને બધાની પરોણાગત કરતાં હું મારી જાતને માટે ધન્યતા અનુભવીશ."

ભરતે ઉત્તર આપ્યો: "આપનો ઘણો આભાર. મારા ભાઈના હે મિત્ર! આવડા મોટા સૈન્યની આગતાસ્વાગતા કરવાની આપ તૈયારી બતાવો છો! મારે ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચવું છે. અમને ત્યાંના રસ્તાની ખબર નથી. વળી અમારે આ મહાન નદી પણ પસાર કરવાની છે."

ગુહે ફરીથી ઝૂકીને વંદન કર્યાં અને વિનયપૂર્વક કહ્યું, "મહારાજ, મારા સેવકો આપની સાથે આવવા અને માર્ગદર્શન કરવા તૈયાર છે. પણ આપની ક્ષમાયાચના સાથે મારા મનની એક આશંકાનું નિવારણ કરવા માગું છું. આપની સાથે આપ આ મોટું સૈન્ય લાવ્યા છો, તેથી આ આશંકા થાય છે. રામની વિરુદ્ધમાં તો આપનો કોઈ ઇરાદો ચોક્કસપણે નથી ને?"

આ શબ્દોથી દુઃખી થઈને ઉનાળુ આકાશ જેવો સ્વચ્છ અને સ્પષ્ટ ભરત બોલી ઊઠ્યો, "અરેરે! આના કરતાં વધુ મોટું લાંછન મને કયું લાગી શકે, કે રામના જે પ્રેમી હોય, તે મારા પ્રત્યે શંકા અને ડર રાખે? ગુહ, કોઈ જાતની ગેરસમજણ ન થાય. રામ હવે મારા પિતા છે, કારણ કે મારા મૃત પિતાનું સ્થાન હવે તેમણે લીધું છે. હું અહીં તેમને પાછા અયોધ્યા આવવાની આજીજી કરવા આવ્યો છું. હું સોગંદપૂર્વક કહું છું કે મારા મનમાં આ સિવાય બીજો કોઈ ઇરાદો નથી."

ભરતના ચહેરા ઉપર રામ માટેના ઉત્કટ પ્રેમ અને જે બન્યું તેને માટેની વેદના જોઈને ગુહને આનંદ થયો. તેણે કહ્યું, "મહારાજ, આ પરિત્યાગની બરોબરી આખી દુનિયામાં કોણ કરી શકે? આપના સિવાય, પોતે ન ઇચ્છી હોય એવી સંપત્તિ અને પ્રભુતા બીજું કોણ ત્યાગી શકે? આપની કીર્તિ સદાએ પ્રકાશતી રહેશે."

શિકારીના આ મુખિયાએ ભરતના સૈન્યને બધી જરૂરિયાતો પૂરી પાડી. અતિથિઓ અને યજમાનો રાત્રીવિરામ કરવા તૈયાર થયા.

ગુહ સાથેના મિલને ભરતની વેદનામાં ઊલટાનો વધારો કર્યો. ભરતને સંપૂર્ણ નિર્દોષ હૃદયનું વરદાન મળેલું. નિઃસાસા નાખતો તે બોલતો, "અરેરે! મારી પણ કેવી દશા થઈ છે!" આમ બોલતો તે જમીન ઉપર આળોટ્યા કરતો. પિતાના મૃત્યુ અને રામના વિયોગને લીધે તેના ઉપર લાંછનરૂપી જે વાદળું છવાઈ ગયું હતું, તેની વેદનાથી ભરતનું આખું શરીર દાઝતું હતું. ગુહે આશ્વાસનો આપીને તેને સ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો. ભરત અને ગુહના આ મિલન અને જે રીતે તે બંને એકસરખા દુઃખના સહભાગી થયા હતા, તે પ્રસંગ વૈષ્ણવ આળવારો અને બીજા સાચા ભક્તોને બહુ જ પ્રિય છે.

ભરતે પ્રશ્નો કર્યા, "અહીંયાં હતા તે દરમ્યાન રામે શું ખોરાક લીધો હતો? અહીં તે ક્યાં બેઠેલા? કઈ જગ્યાએ તેમણે રાત્રીવિશ્રામ કર્યો હતો? તેઓ શું કહેતા હતા, અને શું કરતા હતા?"

ગુહે દરેક પ્રશ્નનો પ્રેમથી ઉત્તર આપ્યો અને રામ જે જગ્યાએ સૂતા હતા, તે જગ્યા દેખાડી. તેને જ્યારે પૂછવામાં આવ્યું કે "લક્ષ્મણ ક્યાં સૂતા હતા?" ત્યારે તેણે ઉત્તર આપ્યો, "લક્ષ્મણે કહેલું, 'જ્યારે રામ અને સીતાજીએ ખુલ્લી જમીન ઉપર લંબાવ્યું હોય, ત્યારે હું કઈ રીતે સૂઈ શકું?' અને તેમનાં આંસુ સરી પડ્યાં હતાં. પછી તો, મારી જેમ, આખી રાત હાથમાં ધનુષ્યબાણ રાખીને ચોકીપહેરો ભર્યો હતો."

ભરતે જ્યારે આ ચિત્ર આત્મસાત્ કર્યું, ત્યારે તેની વેદના અસહ્ય થઈ ગઈ. રામ ને સીતા તે રાત્રીએ જે જગ્યાએ સૂતાં હતાં, તે જગ્યા ભરતે રુદન કરતી રાણીઓને બતાવી.

રામના ભોજન વિશે ગુહનો ઉત્તર હતો, "મહારાજ, તે રાત્રીએ તેમણે અનશન કર્યું હતું. લક્ષ્મણ થોડુંક પાણી લઈ આવ્યા હતા, જે પીને તે પાછું લક્ષ્મણને આપ્યું હતું અને લક્ષ્મણે પીધું હતું. હું જે ખોરાક લઈ આવ્યો હતો, તેને લીધા વગર જ મને પાછો આપ્યો હતો. વળતી સવારે તો તેમણે તેમના કેશને જટામાં ગૂંથ્યા અને વનમાં પ્રવેશ કર્યો."

રામની શોધ કરવાના અને તેમને સમજાવટથી પાછા લાવવાના પોતાના દૃઢ નિશ્ચયથી ભરતના દુઃખમાં થોડું સાંત્વન તેને મળ્યું હતું, પણ ગુહ સાથેની વાતોથી અને જોયેલી જગ્યાથી તેની વેદના પાછી તીવ્ર બની ગઈ.

"રામ! મારે ખાતર તમે ઘાસ ઉપર સૂતા. મેં તે જગ્યા જોઈ અને તો પણ હું હજી જીવું છું! અને આ બધાંની ઉપરવટ જઈને આ લોકો મને રાજમુગટ ધારણ કરાવવાનું ઇચ્છે છે!" આવું તેનું કલ્પાંત નિરંકુશ બની ગયું.

પછી તેણે સ્વગતોક્તિ કરી: "હું ગમે તે કરીને રામને પાછા લઈ જઈશ અને સિંહાસન ઉપર બેસાડીશ. જો પોતાના વચનને તેમણે પાળવું હશે, તો ચૌદ વર્ષ સુધી તેમને બદલે હું વનમાં રહીશ. મારા આ સમાધાનને તેમની સંમતિ મળશે, કારણ કે તે જ માત્ર યોગ્ય અને ન્યાયી છે." આ રીતે એમણે પોતે પોતાની જાતને સાંત્વના આપી.

તે વહેલી સવારે ભરતે શત્રુઘ્નને જગાડ્યો: "અરે! તું હજી ઊંઘે છે? પરોઢ થઈ ગયું છે. સૈન્યે નદી પસાર કરવાની છે. આપણે ઝડપથી ગુહને બોલાવીને તેને માટે તૈયારી કરવી જોઈએ."

શત્રુઘ્ને ઉત્તર આપ્યો, "ભાઈ, હું સૂતો નથી. તમારી જેમ મેં પણ આખી રાત રામનો વિચાર કરવામાં જ ગાળી છે."

તેમની આ વાતચીત ચાલુ હતી, ત્યાં જ ગુહે પ્રવેશ કર્યો અને શિષ્ટાચાર મુજબ તેમનું અભિવાદન કરીને તેમને જણાવ્યું કે ઘણી બધી નૌકાઓનો કાફલો તૈયાર હતો. નૌકાઓમાં આખું સૈન્ય અને બધી સાધનસામગ્રી ગોઠવાઈ ગયાં હતાં. બધી ચિક્કાર નૌકાઓ આ મહાનદીને પસાર કરતી હતી. આ નૌકાયાત્રા કોઈ મોટા ઉત્સવ જેમ આનંદની કિકિયારી ફેલાવતી હતી.

લોકો ભરતના હૃદયની વેદનાને પામી શકતા નહોતા, કારણ કે ભરતના વનગમનની શરૂઆતથી જ તેઓ એ નિષ્કર્ષ પર આવ્યા હતા કે રામ જરૂર પાછા ફરશે. તેમની યાત્રાનો આનંદ એ જ હતો કે રામ તરત જ તેમની વચ્ચે હશે, રાજા તરીકે અભિષિક્ત થશે અને તેમની બધી આપદાઓ દુઃસ્વપ્નની જેમ નષ્ટ થઈ જશે.

ગંગાકાંઠાના આ દૃશ્યનું વાલ્મીકિનું આ વર્ણન આપણને કોઈ લોકપ્રિય મહોત્સવ વખતે માનવમહેરામણથી ઊભરાતાં રેલવે સ્ટેશનની યાદ અપાવે છે. આખા સૈન્યે નદી પસાર કરી લીધા પછી એક ખાસ સજાવેલી નૌકામાં ભરતે છેલ્લે નદી પસાર કરી.

તે બધા ભારદ્વાજ ઋષિના આશ્રમે પહોંચ્યા.

અજોડ પવિત્રતા અને દૈવી નિઃસ્વાર્થતાવાળા ભરતના પાત્રની રામાયણની આ કથા કોઈ એકમાત્ર પ્રસંગની કક્ષાએથી ઘણી ઊંચાઈ ઉપર જાય છે અને આખા મહાકાવ્યમાં, ગંગાકાંઠા ઉપરના પવિત્ર આશ્રમો અને મંદિરોની જેમ, પોતાનું એક અલગ સ્થાન જમાવે છે. તે હૃદયને ઉપર ઉઠાવે છે અને પ્રેમ અને નિષ્ઠાથી પરિશુદ્ધ બનેલ માનવસ્વભાવ કેવી ઊંચાઈ પ્રાપ્ત કરે છે તેની આપણને ઝાંખી કરાવે છે. રામ અને ભરત કોઈ દૈવી હસ્તીના માનવ અવતાર હતા કે કોઈ રાષ્ટ્રની કલ્પનાશીલતાનું સર્વોચ્ચ સર્જન હતા, એ ગમે તે હોય, પણ તેમનો આ સંદર્ભ વિશ્વસાહિત્યની સર્વશ્રેષ્ઠ કૃતિઓમાં જરૂર પોતાનું નિશ્ચિત સ્થાન બનાવે છે.

ભરતના ચરિત્રનું ચિંતન કરતાં જ્ઞાન અને ભક્તિ સ્વાભાવિક રીતે વિકસિત થતાં જાય છે. આ પ્રસંગ અને વ્યક્તિત્વને પોતાના આંતર્મનમાં પુનર્જીવિત કરવા હોય તો વાચકે પોતાની આસ્તિક કલ્પનાશીલતાને કામમાં લેવી જોઈએ. આપણે આપણી સાથે આપણાં જીવનમાં જન્મજાત ઉપહાર તરીકે શાણપણ અને આસ્તિકતા લઈ આવતા હોઈએ છીએ. આ ઉપહાર આપણામાં હંમેશા રહ્યો હોય છે, ભલે કેટલીકવાર પૂર્વગ્રહ અને કામનાની લોલુપતાને લીધે તે ઢંકાઈ જતો હોય. આમ છતાં આ જન્મજાત ઉપહારો માણસમાં દૈવી પ્રકૃતિને જીવંત રાખે છે અને તેને પશુપ્રકૃતિમાં ગબડી પડતાં અટકાવે છે.

ભરત અને તેનો કાફલો ભારદ્વાજ આશ્રમના રસ્તે આગળ વધ્યો. તે લોકો જ્યારે પ્રયાગ વનમાં પહોંચ્યા, ત્યારે તેમણે થોડે અંતરે સુંદર વૃક્ષોના ઝુંડ વચ્ચે એક કુટીર જોઈ. આ જ ભારદ્વાજ આશ્રમ છે, તેમ જાણીને ભરતે તેના કાફલાને પાછળ છોડીને, વશિષ્ઠ ઋષિ અને અન્ય ગુરુજનોને સાથે રાખીને પારંપરિક નમ્રતાથી કુટીર તરફ જવાનું ચાલુ રાખ્યું. રેશમી વસ્ત્રોનો અને આયુધોનો ત્યાગ કરીને ગુરુજનોની સાથે તેણે ગુરુ વશિષ્ઠની પાછળ ચાલવાનું રાખ્યું. થોડે આગળ જઈને તેણે ગુરુજનોને પણ પાછળ રાખ્યા અને વશિષ્ઠ અને પોતે એમ માત્ર બે જ જણ આગળ રહ્યા.

ભારદ્વાજ ઋષિએ વશિષ્ઠને જોયા કે તરત જ તે પોતાના આસનેથી ઊભા થયા અને ઉદાહરણીય મુલાકાતીને મળવા આગળ વધ્યા. તેમણે તેમના શિષ્યોને મુલાકાતીઓના પાદપ્રક્ષાલન માટેનું પવિત્ર જળ લાવવાનો આદેશ આપ્યો.

ભરતે ઋષિને વિનમ્ર પ્રણામ કર્યા. તે કોણ છે તે જાણ્યા પછી, ઋષિએ રાજા માટેની ઉચિત સ્વાગતપ્રણાલીથી ભરતનું સ્વાગત કર્યું અને તેના યોગક્ષેમની પૂછપરછ કરી. દશરથ રાજાની દુઃખી નિયતિ અંગે કોઈ પણ ઉલ્લેખ કરવાનું ભારદ્વાજ ઋષિએ વિચારપૂર્વક ટાળ્યું.

હવે પછીનું જે વર્ણન છે, તે વાલ્મીકિના મહાકાવ્ય પ્રમાણેનું છે. આ સંદર્ભે થોડીક સ્પષ્ટતા કરી લેવાની જરૂર લાગે છે. અગાઉ જેમ ગુહે કર્યું હતું તેમ ભારદ્વાજે પણ શંકા સેવીને ભરતને પ્રશ્નો પૂછ્યા છે. હવે તુલસી રામાયણમાં આ સંદર્ભ મુકાયો જ નથી. તુલસી રામાયણ પરમ 'ભક્તિ' કાવ્ય છે. ઋષિઓના જ્ઞાનના વ્યાપની બહાર હોય એવું કંઈ હોતું જ નથી. તો પછી તુલસી રામાયણના ભારદ્વાજ ઋષિ ભરત અંગે કોઈ પણ શંકા કેવી રીતે કરી શકે?

તમિલ કવિ કંબન તેમના 'રામાયણ'માં માત્ર આ સંદર્ભમાં જ નહીં, પણ બીજા અનેક સંદર્ભોએ વાલ્મીકિને એકદમ અનુસરે છે, જ્યારે તુલસી જુદા પડે છે. અલબત્ત કંબન વાલ્મીકિને કાળજીપૂર્વક અનુસરતા હોવા છતાં તેઓ પોતાની કલ્પનાશક્તિથી ચિત્રાત્મક વર્ણનો ઉમેરે છે. તેમની સર્જનાત્મકતાના લસરકા આમતેમ ઉમેરીને કંબન કેટલીક ગૂંચવણોને પણ પોતાના કૌશલ્યથી ઉકેલી શકે છે. કંબને કરેલા ફેરફારો બહુ ઓછા છે, જ્યારે તુલસી મૂળ કથાનક સાથે મુક્ત રીતે વર્તે છે. વાર્તા સાથેના આવા ફેરફારોની મુક્તિ તુલસી પોતાને ફાવે તેમ લઈ લે છે. પોતાના ભગવાનની સંપૂર્ણ અને બિનશરતી શરણાગતિ સ્વીકારી લીધી હોવાથી, મહાન ભક્તો કદાચ આમ કરી શકતા હશે.

વાલ્મીકિની જેમ જ કંબન પણ ભારદ્વાજ અને ભરતની વાતચીતને વર્ણવે છે અને ભરતના મન્યુને બહુ સુંદર રીતે રજૂ કરે છે.

આજે આપણે આ બધું વાંચીએ, ત્યારે નિર્દોષ ભરત સામેની ભારદ્વાજ ઋષિની શંકાને યોગ્ય રીતે મૂલવી શકીએ નહીં. ગુહ માટે આ પ્રકારની શંકા એકદમ સ્વાભાવિક હતી, પણ આવા સમજુ ઋષિ માટે તેમ લાગતું નથી. જોકે વાલ્મીકિ ભારદ્વાજ ઋષિને પોતાને ન્યાયી ઠરાવતા હોય તેમ તેમની પાસે બોલાવે છે: "જુવાન રાજકુમાર, શું હું તમને જાણતો નથી? આ પ્રશ્નો તમને કરીને હું માત્ર તમારા નિર્દોષપણાને પ્રગટ કરવા માગું છું." ઋષિઓનાં ચરિત્રોને વાલ્મીકિએ સર્વજ્ઞ સંતપુરુષો તરીકે નહીં, પણ માનવીય સંદર્ભમાં સત્ય, પ્રેમ અને — અમુક અંશે બીજા માનવોની જેમ — ભયના પાશથી બંધાયેલા વર્ણવ્યા છે. જેવી રીતે વાલ્મીકિ રામને એક અવતાર તરીકે નહીં પણ એક સમર્થ લોકનાયક તરીકે રજૂ કરે છે, તેવી જ રીતે તે ભારદ્વાજ ઋષિને રામ પ્રત્યેની તેમની પ્રેમાળ લાગણીઓને લીધે ભરત ઉપર શંકા કરતા રજૂ કરે છે. રામ પ્રત્યેના તેમના હાર્દિક લગાવને લીધે તે ભરતને દુઃખ પહોંચાડે છે. જોકે ભરતની વેદના અનુભવીને તે તરત જ ભરતને આશ્વાસન આપતી સ્પષ્ટતા કરે છે.

વાલ્મીકિનાં બધાં પાત્રો મનુષ્યો જ છે, પણ તેમની માનવીય લાક્ષણિકતાઓ ઘણી ઉચ્ચ કક્ષાની છે. એટલું ખરું કે ફક્ત કોઈ જબરા આઘાત નીચે અથવા તો અપવાદરૂપ પરિસ્થિતિમાં તેમના મનુષ્યસ્વભાવ વચ્ચે દિવ્યતાની જ્યોત ઝંખવાય છે. તુલસીદાસના સમયમાં ભક્તિયુગ તેના મધ્યાહ્ને હતો. તેની આભા બીજાં તત્ત્વોને ઝાંખાં પાડતી હતી. ભલે કંબનના ચિત્રમાં પણ ભક્તિનું પ્રાધાન્ય હતું, તો પણ તે વાલ્મીકિનાં પાત્રોની માનવતાને જાળવી રાખવા પ્રયત્ન કરે છે અને કેટલીકવાર તેમને વધુ મનોરમ બનાવે છે.

ભારદ્વાજ ઋષિએ સામાન્ય ક્ષેમકુશળ પૂછતાં ભરતને કહ્યું, "તમે તમારી શાસનની જવાબદારી છોડીને ત્યાં શા માટે જાઓ છો? તમારે અયોધ્યામાં જ ન રહેવું જોઈએ? દશરથે પોતાની યુવાન પત્નીની વાત ઉપર ધ્યાન આપીને રામને ચૌદ વરસનો વનવાસ આપ્યો અને તેને અનુસરીને યુવરાજ તેમના ભાઈ અને સીતાજી સાથે અયોધ્યા છોડીને ગયા. તમને એવું લાગે છે કે હજી તમારા રાજ્યારોહણનો રસ્તો સાફ થયો નથી? દશરથે જે શરૂ કર્યું તેને યોગ્ય રીતે પૂરું કરીને તમારી ખાતરીને તમે પાકી કરવા માગો છો?"

આ શબ્દો સાંભળીને ભરત રડી પડ્યા. આંસુઓનો પ્રવાહ વહેવા લાગ્યો અને માંડ માંડ તે બોલ્યા, "આવા જીવન કરતાં તો મૃત્યુ વધુ સારું હોઈ શકે.

"ગુરુવર્ય, આપને મારા ઉપર શંકા છે? મારી માતાએ મારી ગેરહાજરીમાં અને મારી સંમતિ કે જાણ વગર જે કાંઈ કર્યું, તેનો દોષ મારા ઉપર ન નાખો. અત્યારે હું મારાથી બનતું બધું કરી છૂટવાની તૈયારી સાથે રામને સમજાવીને મારી સાથે અયોધ્યા પાછા લઈ જવા આવ્યો છું. અને ત્યાં મારે તેમને રાજમુગટ ધારણ કરાવવો છે. મારો હેતુ મારું આખું જીવન તેમના નમ્ર સેવક બની રહેવાનો છે. હું અહીં રામ ક્યાં રહે છે તે જાણવા, અને ત્યાં જઈને તેમને વતન પાછા ફરવાની આજીજી કરવા આવ્યો છું. અને આપ મારામાં શંકા સેવો છો!"

ભારદ્વાજે કહ્યું, "ભરત, હું તારા મૂળ સ્વભાવને જાણું છું. તું રઘુકુળનો વંશજ છો. મેં તને પ્રશ્ન એટલે કર્યો કે મારી ઇચ્છા તારી ઉત્કટ લાગણી અને વફાદારીને ઉજાગર કરીને તારા ગૌરવને પ્રસ્થાપિત અને પ્રવાહિત કરવાની છે. તું શોક ન કર. યુવરાજ ચિત્રકૂટની ટેકરી ઉપર રહે છે. આજે તું અહીં રહી જા. આવતીકાલે તું અને તારા મંત્રીઓ ત્યાં જજો. આ આશ્રમમાં એક દિવસ પૂરતી તારી પરોણાગત મને કરવા દઈશ, તો તેનો મને ઘણો આનંદ થશે."

ભરતે કહ્યું, "ગુરુવર્ય, આપની કૃપાળુ લાગણી અને શુભેચ્છા જ મારા માટે છપ્પન ભોગ તુલ્ય છે. બીજું શું જોઈએ?"

ભારદ્વાજે સ્મિત વેર્યું, કારણ કે એક દરિદ્ર મુનિ ઉપર તેના આખા સૈન્યને ભોજન કરાવવાનો ભાર મૂકવાની ભરતની ઇચ્છા નહોતી, તેમ તે કળી શકતા હતા. મુનિએ કહ્યું, "તારી સારપ અને તારા હોદ્દાને સુસંગત સરભરા કરવા હું બંધાયેલો છું. તારા સૈન્ય અને રસાલાને તેં પાછળ કેમ છોડી દીધાં છે?"

ભરતે ઉત્તર આપ્યો, "કોઈ ઋષિના નિવાસસ્થાને રસાલા સાથે જવું ન જોઈએ, એવા સ્થાપિત નિયમને હું અનુસર્યો છું. એ મોટો સમૂહ મારી પાછળ છે. જો એ અહીંયાં આવશે, તો આપને ઘણી અડચણ ઊભી થશે."

ઋષિએ કહ્યું, "ના, એવું કંઈ નથી. તે બધાને અહીં આવવાનો આદેશ આપ."

અંતે ભરતે આદેશ આપવો પડ્યો.

ભારદ્વાજ ઋષિ યજ્ઞની વેદી પાસે ગયા અને મંત્રોચ્ચાર કરતાં ત્રણ વખત પાણીનું આચમન લઈ વિશ્વકર્મા, માયા, યમ, વરુણ, કુબેર, અગ્નિ અને બીજાં દૈવી તત્ત્વોનું આહ્વાહન કર્યું. તેમણે તેમને ભરત અને તેના અનુચરો માટે ભવ્ય ભોજન તૈયાર કરવાનો આદેશ આપ્યો.

ત્યાં તો ચમત્કાર થયો. વશિષ્ઠ ઋષિએ વિશ્વામિત્ર ઋષિને પુરાતન કાળમાં જેવું ભવ્ય ભોજન પીરસ્યું હતું, તેવું જ ભારદ્વાજ ઋષિના આશ્રમમાં ભોજન તૈયાર થઈ ગયું હતું. માત્ર એટલો ફેર હતો કે અહીં કોઈ ઝઘડો કે કોલાહલ નહોતો. દરેકને માટે બધી જ જાતની પૂરતી વ્યવસ્થા હતી. ચંદનનો લેપ, ફૂલો, ખાણીપીણી, સંગીત અને ગાંધર્વોનાં નૃત્ય — આ બધાંનું આયોજન થયું હતું. ભારદ્વાજની આ મિજબાની, સમૃદ્ધ રાજવીઓ એકબીજાને આપતા તેના કરતાં પણ વૈભવી અને વૈવિધ્યપૂર્ણ હતી. નિવાસસ્થાનો, વાહનો, સેવકો ઓચિંતા જ ટપકી પડ્યાં હતાં. મહેમાનો આ વૈભવી ભોજનમાં જાત ઉપરનો કાબૂ ખોઈ બેઠા. અહીંના વાતાવરણના હર્ષાવેશમાં ભરતના સૈનિકો એકબીજાને કહેવા મંડ્યા, "આપણે દંડકારણ્ય જવું નથી. આપણે પાછા અયોધ્યા પણ જવું નથી. આપણે તો હંમેશાં અહીંયાં જ રહેવું છે."

આ બધાને તો કેવી રીતે ખબર પડે કે જે રાજવી ભોગવી હતી, તે તો માત્ર એક દિવસ પૂરતી જ હતી, અને ગામડાંમાં ભવાઈનો વેશ પૂરો થાય પછી લોકોનું ટોળું અને રંગમંચ જેમ ગુમ થઈ જાય, તેમ આ રાજવી પણ ગુમ થવાની હતી?

અતિથિઓ બધા ભરપેટ જમ્યા અને તરત જ ગાઢ નિદ્રામાં પોઢી ગયા.

વળતી સવારે ભારદ્વાજે ભરતને કહ્યું, "અહીંથી અઢી જોજનના અંતરે મંદાકિની નદી વહે છે. તેને કાંઠે આવેલા નિર્જન વનમાં દક્ષિણ દિશામાં ચિત્રકૂટની ટેકરી આવેલી છે. તેના ઢાળ ઉપર એક કુટીરમાં તમારા ભાઈઓ અને સીતાજી નિવાસ કરે છે." આ સાથે તેમણે જવાના રસ્તાની વિગતો સમજાવી.

ઋષિના આશીર્વાદ મેળવવા ત્રણેય રાણીઓ આવ્યાં. "આ રાણી કૌશલ્યા છે," ભરતે કહ્યું, "રામનાં માતા. તેમની જમણી બાજુ તેમને ટેકો આપનાર, દુઃખપીડિત અને ગ્રીષ્મના પવનથી સુકાયેલ વેલી જેવાં, લક્ષ્મણ અને શત્રુઘ્નનાં માતા રાણી સુમિત્રા છે." પછી ભરતે કૈકેયી તરફ અંગુલિનિર્દેશ કરીને કહ્યું, "અને આ — મારાં બધાં દુઃખોનું મૂળ — મારી માતા છે." ત્રણેય રાણીઓએ ઋષિ ભારદ્વાજને પ્રણામ કર્યાં.

ભારદ્વાજ ઋષિએ દુઃખી કૈકેયી તરફ કૃપાદૃષ્ટિ કરતાં ભરતને કહ્યું, "તારી માતાની તું બહુ કઠોર દૃષ્ટિથી મૂલવણી ન કર. જે કંઈ બન્યું છે, તે સમગ્ર જગતના કલ્યાણ માટે બન્યું છે."

રાણીઓની પરિચયવિધિનો આ પ્રસંગ કંબને ગુહવાળા અગાઉના પ્રસંગમાં મૂક્યો છે. તેમાં ગુહ બહુ પૂજ્યભાવ સાથે રાણીઓ અંગેની વાતચીત ભરત સાથે કરે છે, ત્યારે ભરત તેને સમજાવે છે. વાલ્મીકિ જે પ્રસંગ ભારદ્વાજ મુનિના આશ્રમમાં બનેલો વર્ણવે છે તેમાં, અલબત્ત કાવ્યાત્મક માધુર્ય વધુ અસરકારક છે. જોકે કંબન એ પ્રસંગને તેમની દૃષ્ટિએ યોગ્ય જગ્યાએ ફેરવે છે.

કંબનના રામાયણમાં માતા કૌશલ્યાની ગુહને ઓળખ આપતાં ભરત કહે છે, "આ રામનાં માતા છે. રામ તેમનું સર્વસ્વ હતા અને તેમને મારે લીધે ગુમાવ્યા છે." સુમિત્રા અંગે તેમણે કહેલું, "આ લક્ષ્મણ — રામના સવાયા ભાઈ — નાં માતા છે. મારા જેવા કંગાલની સરખામણીમાં લક્ષ્મણ ઘણું બધું સુખ ભોગવે છે." વાલ્મીકિની જેમ કંબનના રામાયણમાં પણ ભરત કૈકેયીની ઓળખાણ બહુ કઠોર શબ્દોમાં આપે છે.

ભરત અને તેનો મોટો કાફલો ભારદ્વાજ મુનિએ ચીંધેલા માર્ગ ઉપર જંગલમાં આગળ વધ્યો. ઘણે દૂરથી તેમણે ચિત્રકૂટની ટેકરીને જોઈ અને બહુ ઉત્કટતાપૂર્વક તેઓ નજીક પહોંચ્યા, ત્યારે એક જગ્યાએથી ધુમાડાના ગોટા આકાશમાં ઉપર ઊઠતા જોઈને તેમને ખ્યાલ આવ્યો કે આ જગ્યા જ યુવરાજનું નિવાસસ્થાન છે. તરત જ સમૂહના જયનાદના આનંદથી વાતાવરણ ભરાઈ ગયું. આખા કાફલાને પાછળ છોડીને ભરત, સુમંત્ર અને વશિષ્ઠ મુનિને સાથે રાખીને આગળ વધ્યો.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.