રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-25

Chapter 25 · પ્રકરણ ૨૫

વ્યર્થ કૂટનીતિ

હવે ભરતને બધું સ્પષ્ટ સમજાઈ ગયું અને તેની માતાએ જે ભયાનક સંકટ ઊભું કર્યું હતું, તેનો ખ્યાલ આવ્યો. દુઃખ અને ગુસ્સાના અતિરેકમાં તે પોતાની જાતને કાબૂમાં રાખી ન શક્યો. તેની માતાએ શું કર્યું હતું અને તેનાથી સનાતન અપકીર્તિ વહોરી હતી, એના વિચારથી તેની વેદના બેફામ બની અને તેણે તેની માતાને ક્રૂર શબ્દોથી નવાજી.

"તમે આ શું કર્યું છે?" તે તાડૂક્યો. "તમે ક્યારેય પણ એવી આશા રાખી હતી કે આ રાજ્ય હું સ્વીકારું એવું તમે મને સમજાવી શકશો? આવા પિતા અને આવા ભાઈને ગુમાવ્યા પછી હું સત્તાની દરકાર કરું એવો છું? રાજાને મોતને ઘાટ ઉતારીને અને રામને દેશવટે મોકલીને, હું તેમનું આસન ભોગવું અને રાજ્ય ઉપર શાસન કરું એવું તમે મને સમજાવો છો? આ તો મારા દુઃખના દાવાનળમાં ઘી હોમવા જેવી વાત છે. પત્ની તરીકે તમને રુચિકર કરવામાં મારા પિતા કેટલા બધા હતભાગી સાબિત થયા છે! કૌશલ્યામાતા અને સુમિત્રામાતા પણ દુઃખમાં ખતમ થઈ જશે. જે તમારે માટે આટલા બધા નિષ્ઠાવાન હતા એવા રામને આવું કરવા માટે તમે તમારી જાતને કઈ રીતે સમજાવી શક્યાં? પૂજનીય કૌશલ્યામાતાએ તમને હંમેશાં પોતાની નાની બહેનની જેમ જ રાખ્યાં છે. તેના જ લાડકા પુત્રની સામે કાવતરું રચવાનો વિચાર પણ તમને કેવી રીતે આવી શકે? અને રામ મને કેટલા વહાલા છે, તે તમે જાણતાં નહોતાં? તમારી સમજશક્તિને લોભી વૃત્તિએ ભ્રષ્ટ કરી નાખી છે, એ સિવાય મને સુખી કરવાનો આવો રસ્તો તમે કઈ રીતે વિચારી શકો? અરે, આપણા પ્રતાપી રાજા પણ રામ અને લક્ષ્મણ ઉપર કેટલો વિશ્વાસ ધરાવતા હતા? તેમની ગેરહાજરીમાં આ રાજ્યભાર હું સંભાળું, એવું તમે કઈ રીતે માની શક્યાં? અને કદાચ હું તેમ કરું, તો પણ સંમતિથી કરું ખરો? મારા સહકારથી તમારી આ ઇચ્છા ક્યારેય પણ પરિપૂર્ણ થવાની નથી. હવેથી હું જરાપણ તમને મારી માતા માની શકતો નથી. તમારી સાથેના મારા બધા સંબંધોથી હું મારી જાતને અળગી કરી નાખું છું અને તમને મારી માતા તરીકે સ્વીકારવાનો અસ્વીકાર કરું છું.

"સ્થાપિત નિયમ અને પ્રણાલિકાને ઉવેખીને નાના દીકરાનો રાજ્યાભિષેક કરવાનો વિચાર પણ તમારા મનમાં કઈ રીતે આવી શક્યો? આખી દુનિયા કાયમ આપણી ઠેકડી નહીં ઉડાડે? રાજ્યારોહણનો સામાન્ય નિયમ અને આપણા કુળની પ્રણાલિકાનો ભંગ થઈ જ શકે નહીં. હું તમારી ઇચ્છા પૂરી કરી શકીશ નહીં. હું વનમાં જઈશ અને રામને પાછા લાવીશ. તેમના મસ્તક ઉપર હું રાજમુગટ પહેરાવીશ અને તેના વફાદાર સેવક તરીકે આનંદ ભોગવીશ."

ભરતની લાગણીને સમજવા માટે આપણે તેના જન્મજાત ઉમદા સ્વભાવ, રામ માટેનો તેનો પ્રેમ, પિતા માટેનું તેનું દુઃખ અને તેના ભલા માટે તેની માતાએ જે ભયજનક અપકૃત્ય કર્યું હતું તેને માટેની શરમ અને અપરાધભાવની લાગણી મનમાં રાખવાં જોઈએ. તેના શબ્દોનું વજન આપણે આપણાં ભૌતિક કાટલાંમાં સૂકી હવાનું વજન કરતાં હોઈએ તેમ ન કરવું જોઈએ. આવા સંદર્ભોમાં કાવ્યતત્ત્વ અગ્નિના ઝબકારા પ્રગટાવે છે. વાલ્મીકિ અને કંબન એમ બંનેમાં આ તણખા દેખાય છે.

ભરતે વધુ ઊંચા અવાજે પાછું ચાલુ રાખ્યું, "હા, ભલે રામને દેશવટો આપો! અરે દુષ્ટા, દેશવટો તો તમને આપવો જોઈએ. ધર્મનું ઉલ્લંઘન તો તમે કર્યું છે. તમને લાગેવળગે છે ત્યાં સુધી તમે માની જ લ્યો કે હું મરી ગયો છું, કારણ કે કોઈ ઘાતકી સ્ત્રીનો પુત્ર હોવા કરતાં હું મૃત્યુ જ ઇચ્છું.

"પતિનું ખૂન કરનાર! તમે મહારાજા અશ્વપતિની દીકરી નથી. તમે તો રાક્ષસી છો. કૌશલ્યામાતાના એકમાત્ર સંતાનને દેશવટો આપનાર તમે તો કોણ જાણે કયા નર્કમાં જશો? તમે જે કૌશલ્યામાતાને દુઃખ પહોંચાડ્યું છે તેને માટે કઈ જાતની સજા વધુ પડતી ગણી શકાય?

"ગૌમાતા કામધેનુને સેંકડો અને હજારો સંતાનો હતાં, તો પણ હળમાં જોડાયેલા બે પિડાતા બળદોને જોઈને તેની આંખમાં આંસુ આવ્યાં અને તે આંસુ સ્વર્ગાસન પર વિરાજમાન ઇન્દ્ર સુધી પહોંચી ગયાં હતાં. અને કૌશલ્યામાતાના એકમાત્ર પુત્રને વનવાસ આપીને તમે એમ માનો છો કે તમે ને હું સુખી થઈએ?

"હું અંત્યેષ્ટિ ક્રિયા પૂરી કરીશ અને વનમાં જઈને રામનાં ચરણોમાં સમર્પિત થઈશ. તેમને તેમના રાજ્યમાં પાછા લાવીશ. અને પછી, તમે મારા પર જે પાપ અને લાંછન લગાડ્યાં છે તેના પ્રાયશ્ચિત્ત અને શુદ્ધિ અર્થે, હું દંડકારણ્યમાં તપસ્વીનું જીવન ગાળીશ.

"તમે તો પૃથ્વી ઉપર દુઃખનાં કેવાં પૂર વહાવ્યાં છે! તેમાંથી મુક્તિ મેળવવા તમારે તો કેવો પશ્ચાત્તાપ અને આત્મશિક્ષા કરવી પડશે? હું તરત જ મારા અપરાધમાંથી મુક્તિ મેળવવા રામને તેમનું રાજ્ય પાછું સોંપવા જઈ રહ્યો છું."

ક્રોધથી ભભૂકતા શબ્દો દ્વારા તેની વેદનામાંથી મુક્તિ ન મળવાથી, તાજેતરમાં પકડેલા કોઈ નાના હાથીની જેમ નિઃસાસા નાખતા અને આંખમાંથી ગરમ અશ્રુ પાડતા ભરતને લાગ્યું કે તેની માતાની હાજરી તે જરા પણ સહન કરી શકે તેમ ન હોવાથી, કૌશલ્યાના રાજમહેલમાં તે ધસી ગયો. તેને આશા હતી કે ત્યાં તે પોતાની વેદનાને વધુ મુક્તિ આપી શકશે.

આમ કૈકેયીનો હવાઈ કિલ્લો ભસ્મીભૂત થઈ ગયો. તે જમીન ઉપર ફસડાઈ પડી અને રડવા લાગી. 'નિષ્ફળ કાવતરાના અપરાધ જેવો બીજો કોઈ પીડાદાયક વસવસો નથી.'

રામાયણનાં પાત્રોમાં ભરત સદ્ગુણના મૂર્તિમંત સ્વરૂપે જાણીતા છે. ઉત્તર ભારતનાં ગામડાંઓમાં ચિત્રકૂટ ખાતે રામ અને ભરતના મિલનનો પ્રસંગ વાર્ષિક ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે. લોકો આ પ્રસંગને રામાયણ મહાકાવ્યના સૌથી વધુ પાવક પ્રસંગ તરીકે ઉજવે છે. યુગોયુગોથી મહાન પુણ્યપુરુષોના સદ્ગુણો — પાપી દુનિયાના સ્વાર્થી અને દુઃખદાયી જીવનની વચ્ચે — શાશ્વત રીતે પ્રકાશ્યા કરે છે. તેમના સદ્ગુણો સત્યના માર્ગે જનારા સાધકો માટે દીવાદાંડીરૂપ બને છે અને માણસમાં રહેલા ઈશ્વરના પ્રતીકરૂપને પ્રદર્શિત કરે છે.

ભરતના આગમનના સમાચાર આખા સમગ્ર રાજમહેલમાં વીજળીવેગે ફરી વળ્યા. દુઃખના ભારમાં સપડાયેલી રાણી કૌશલ્યાએ આ જાણ્યું. તે રાજી થઈ અને તેણે સુમિત્રાને કહ્યું, "ચાલો, આપણે ભરતને મળીએ." હજી તેમણે થોડાં જ પગલાં ભર્યાં હશે, એટલામાં તો એમણે ભરતને સામેથી રઘવાયો થઈને તેમની દયાની આજીજી કરવા ધસી આવતો જોયો.

કૌશલ્યાએ જ્યારે ભરતના આગમન વિશે જાણ્યું, ત્યારે તેને પહેલો વિચાર એ આવ્યો કે જે સમૃદ્ધિ તેની નિયતિમાં લખાઈ હતી, તેને પ્રાપ્ત કરવા તે ઝડપથી પાછો આવ્યો હશે. ગુરુ વશિષ્ઠની આગેવાનીમાં અન્ય ગુરુઓ, મંત્રીઓ અને મોભીઓએ ભરતને ઝડપથી પાછો બોલાવવાનું નક્કી નહોતું કર્યું, કે જેથી તે તેના પિતાની અંત્યેષ્ટિ ક્રિયા પૂરી કરે અને રાજ્યારોહણ કરી શકે? એટલે જ ભરતને મળીને, પતિ અને પુત્રના વિયોગમાં મુકાયેલી કૌશલ્યાએ ધીમા અવાજમાં તેને કહ્યું, "ભરત, કૈકેયીએ તારા માટે સુરક્ષિત કરેલું રાજ્યાસન તારી રાહ જુએ છે. અમારા તરફથી આ બાબતમાં તું કોઈ પણ વિઘ્ન કે મુશ્કેલીની ચિંતા કરતો નહીં. તું રાજ્યાસન સુખેથી સ્વીકાર કર. તું સર્વ પ્રકારે સુખી થા. માત્ર મારા ઉપર એટલી કૃપા કર. તારા પિતાની ચિતામાં મને પણ સામેલ થવા દે."

આ શબ્દો ભરતના કાન માટે ઘાતક ઝેર જેવા હતા. તે કૌશલ્યાના પગમાં પડી ગયો અને અવાચક હાલતમાં માતાના પગને વળગી પડ્યો.

કૌશલ્યા આગળ બોલ્યાં, "અરે ભરત, બીજું કાંઈ નહીં તો તું મને રામ છે ત્યાં વનમાં લઈ જા."

કૌશલ્યાના આ દયાજનક શબ્દો સહન ન કરી શકવાથી અને કંઈ બોલી ન શકવાથી ભરત મૂર્છાવશ થઈ ગયો. થોડા સમયમાં તે બેઠો થયો અને બોલ્યો, "મા, મને નિર્દોષને આપ શા માટે આવો ત્રાસ આપો છો? આપ જાણો છો કે હું બહુ દૂર હતો અને અહીં જે દુષ્ટ કરતૂતો ચાલતાં હતાં તેની મને કોઈ ખબર નહોતી. રામને માટે મારો પ્રેમ આપ જાણતાં નથી? હું ક્યારેય પણ એમને માટે આવું કંઈ પણ કરી શકું ખરો? અહીંનાં ઘોર કાવતરાંની મને જો પહેલેથી થોડીક પણ જાણ હોય, તો દુનિયાનાં બધાં પાપ મને ભરખી લે! મારે તેની સાથે કોઈ પણ લેવાદેવા નહોતી અને તેનાં ફળ ભોગવવાની કોઈ ઇચ્છા નથી."

તેણે તેના બંને હાથ ઊંચા કરીને કોઈ માણસ આચરી શકે એવાં મહાભયંકર પાપકર્મોનો ઊંચા અવાજે ઉલ્લેખ કર્યો અને આચરવામાં આવેલાં કાવતરાંમાં જો તેનો કોઈ હિસ્સો હોય તો આ બધાં પાપોનો બધો દંડ તેના ઉપર આવી પડે, તેવું આહ્વાહન કર્યું.

આજના જમાનાની જેમ જ તે યુગમાં પણ કોઈ પુત્રે એવું સાબિત કરવું બહુ મુશ્કેલ હતું કે તેની માતાએ તેના માટે જે કાવાદાવા આચર્યા હોય, તેની તેને પોતાને કોઈ પણ જાણ નહોતી. ભરત તો ફક્ત પોતે નિર્દોષ હોવાની સોગંદપૂર્વક પુનરુક્તિ કરી શકતો હતો. રાજ્ય કે સમૃદ્ધિ કે સત્તાની તેને જરાપણ દરકાર નહોતી, અને એટલે જ કૌશલ્યા તેને માટે એમ વિચારે કે ભરતને પણ આ બધાંની લાલચ હોઈ શકે — અને તે પણ તેના ભાઈના ભોગે — એ વિચાર જ ભરતને ભયાનક રીતે સતાવતો હતો. ખરેખર આવો વિચાર તો લગભગ રામના વનવાસ જેટલો જ ક્રૂર હતો! પોતાના લાડીલા ભાઈના જન્મસિદ્ધ અધિકારના ભોગે, તે કોઈ દિવસ રાજમુગટ સ્વીકારી શકે નહીં.

ભરતની નિષ્ઠાવાન લાગણી કૌશલ્યાના હૃદયમાં ખાતરી કરાવી શકી કે તેની શંકાઓ અન્યાયી હતી. આથી તેનું હૃદય ભરત તરફ ખેંચાયું. ધીમેથી તેણે ભરતને જમીન ઉપરથી ઉપાડ્યો, તેના મસ્તકને પોતાના ખોળામાં લીધું અને જાણે તે રામ જ હોય તે રીતે તેને વહાલ કરવા લાગી.

"અરે મારા લાડકા, તારા નિર્દોષ હૃદયમાં ઊભરાતો ક્રોધ જોઈને તો મારું દુઃખ બેવડાય છે. બેટા, આમાં આપણે કરી પણ શું શકીએ? આપણે બધાં તો નિયતિનાં રમકડાં છીએ. હું તો એટલું જ પ્રાર્થું છું કે તારી ભલમનસાઈનાં ફળ તને આ ભવમાં અને પછીથી પણ પ્રાપ્ત થતાં રહે."

ખરેખર તો કૌશલ્યા એવું માનતી નહોતી કે ભરતને આ કૂટનીતિની જાણ હોય, પણ તે સાથે તેને એવો ભય પણ હતો કે તે પ્રલોભનોનાં ફળોને તાબે થઈને ખટપટને અણદેખી કરે. હવે તેને ખાતરી થઈ ગઈ હતી કે ભરતનું હૃદય સંપૂર્ણ રીતે લાંછન વગરનું હતું. ભલે તેનો પોતાનો પુત્ર વનવાસ પર હતો, પણ તેને આનંદ હતો કે તેનો તેવો જ બીજો પુત્ર તેની પાસે હંમેશ માટે હતો.

આ સંદર્ભે, કૌશલ્યાએ ભરતની બાબતમાં આનંદાશ્રુ કઈ રીતે વહાવ્યાં, અને જાણે રામ પોતે જ વનમાંથી પાછા આવ્યા હોય, તેવા આનંદથી ભરતને આલિંગન આપ્યું, તેનું વર્ણન કંબને બહુ સુંદર રીતે ગાયું છે. રુદનનાં ડૂસકાં વચ્ચે કૌશલ્યા બોલી, "તારા ઘણા બધા પૂર્વજોએ પ્રસિદ્ધિ મેળવી છે, પણ તને મળેલા રાજ્યાસનનો પરિત્યાગ કરીને તું એ બધાની કીર્તિને ઓળંગી ગયો છો. તું ખરેખર રાજાઓનો પણ રાજા છો."

કંબને પ્રદર્શિત કરેલાં કૌશલ્યા અને ભરત સંસ્કૃતિને મૂર્તિમંત કરે છે. ભરતની આ ભૂમિમાં આ પ્રતાપી પાત્રો અને તે સંસ્કૃતિ કાયમ માટે જીવતાં રહે, તે જ અભ્યર્થના!

સદ્ગત મહારાજાની અંત્યેષ્ટિ ક્રિયા યોગ્ય રીતે પરિપૂર્ણ થઈ. વશિષ્ઠ, અન્ય ગુરુજનો અને વડીલોએ ભરત અને શત્રુઘ્નને શાસ્ત્રોક્ત રીતે આશ્વાસન આપ્યાં. રાજાના નિધન પછી ચૌદ દિવસ બાદ મંત્રીઓએ રાજસભા બોલાવી અને ભરતને આ રીતે સંબોધ્યો: "મહારાજા સ્વર્ગલોકે સિધાવ્યા છે. રામ અને લક્ષ્મણ વનમાં છે. આપણું રાજ્ય અત્યારે રાજાવિહોણું છે. અમારી વિનંતીથી આપ રાજ્યારોહણ કરો તે ઘણું જ ઉચિત બનશે. રાજ્યાભિષેક માટેની બધી તૈયારી પૂરી થઈ ગઈ છે. પ્રજાજનો અને મંત્રીમંડળ આપની સ્વીકૃતિની રાહ જોઈ રહ્યાં છે. આપના પૂર્વજો પાસેથી આપ ધારાકીય રીતે આ રાજ્યાસન પ્રાપ્ત કરી રહ્યા છો. અમારા ઉપર સુયોગ્ય રીતે શાસન કરવા આપનો રાજ્યાભિષેક આયોજિત છે."

રાજ્યાભિષેક માટેની બધી સામગ્રીને પ્રણામ કરતા બંને હાથે ભરતે પ્રદક્ષિણા કરી અને નિમંત્રિત મહાનુભાવોને ગંભીર સ્વરમાં સંબોધન કર્યું.

"આપ બધા આ રીતે મને સિંહાસન સ્વીકારવાની વાત કરો એ મને યોગ્ય નથી લાગતું. આપણી કુળપરંપરા પ્રમાણે, સિંહાસન ઉપરનો અધિકાર પાટવી પુત્રનો હોય છે. આપ સૌની ક્ષમાયાચના સાથે, મેં વનમાં જવાનું, રામને લક્ષ્મણ સાથે અયોધ્યા પાછા લાવવાનું અને રામનો રાજ્યાભિષેક કરવાનું નક્કી કર્યું છે. આ હેતુ માટે શ્રમિકો અને જરૂરી સામગ્રી તૈયાર કરવાની મારી આપને વિનંતી છે. યાત્રા માટેના રસ્તા તૈયાર કરો અને તે માટે પૂરતી સંખ્યામાં શ્રમિકોને એકત્ર કરો. સિંહાસન ન સ્વીકારવાનો મારો નિર્ણય અંતિમ અને અફર છે."

રાજકુમારના શબ્દોને સાંભળીને આખી રાજસભા પોતાનો રાજીપો રોકી શકી નહીં. બધાએ ભરતના સૂચનને વધાવી લીધું.

સૈન્ય અને બીજો મોટો રસાલો રાજકુમારની સાથે વનમાં જવા તૈયાર કરવામાં આવ્યો. ઝડપથી શ્રમિકોની આખી સેના બધી સાધનસામગ્રી સાથે રસ્તો તૈયાર કરવા પહેલેથી મોકલવામાં આવી. વનભૂમિના જાણકારો, કૂવાઓ અને નહેરો ખોદી શકે તેવા જાણકારો, નૌકાઓ અને તરાપાઓ બનાવનારાઓ, સુતારો અને ઇજનેરો — આ બધા ખંતથી કામ કરવા લાગ્યા, કારણ કે તેમના પ્રિય રામને પાછા લાવવાના કામમાં તેઓ લાગેલા હતા. પાણીના પ્રવાહ ઉપર નાળાં બનાવાયાં, વૃક્ષો કાપવામાં આવ્યાં, આમ જોતજોતામાં રાજકુમાર અને તેના રસાલાને જવા માટે પહોળો રસ્તો બનાવવામાં આવ્યો. ઊંચીનીચી જમીનને સમથળ કરી. ભેજવાળી કળણભૂમિને સૂકી બનાવી. સૈન્ય માટેનાં વિશ્રામસ્થાનો અને પીવાના પાણીની સગવડ અને બીજી સુવિધાઓ તાબડતોબ ઊભી કરવામાં આવી. ભરતના વનમાં જવા માટેની બધી તૈયારીઓ કરવામાં આવી હતી, આમ છતાં વશિષ્ઠ ગુરુ અને મંત્રીમંડળે એક વધુ રાજ્યસભા વિધિવત્ બોલાવી. ભરત સિંહાસનનો સ્વીકાર કરે એવી ઇચ્છાને તેમણે હજુ સુધી છોડી નહોતી. તેમણે ભરતના મહેલે સંદેશવાહકને મોકલ્યો અને તેને રાજ્યસભામાં આવવાનું નિમંત્રણ પાઠવ્યું. આ દૂતો સંગીતનાં વાદ્યોની સુરાવલી સાથે ભરતને મળ્યા.

આ બધાનું ભરતને બહુ જ દુઃખ થયું.

વાજિંત્રોના વાદકોને તેણે અટકાવી દીધા અને દૂતોને પાછા મોકલી દીધા. તેણે શત્રુઘ્નને કહ્યું, "મેં રાજ્યાસનનો અસ્વીકાર કર્યો છે, છતાં આ લોકો હજી સુધી મને કેમ ત્રાસ આપ્યા કરે છે? આ પણ મારી માતાની ખટપટને લીધે જ થતું હશે. આ બધું સહન કરવાનું માત્ર મને જ સોંપીને પિતાજી તો સ્વર્ગવાસી થયા છે. રાજ્યને રાજાની જરૂર છે; રાજા વગર રાજ્ય કૂવાથંભ વગરના વહાણની જેમ હાલકડોલક થઈ જાય છે. મારે ઝડપથી રામને પાછા લાવવા જ પડશે."

રાજ્યસભા ઘણી આતુરતાથી નિર્દોષ રાજકુમારની પ્રતીક્ષા કરી રહી હતી. આકાશમાં પૂર્ણ ચંદ્રોદય થાય એવી રીતે ભરતે રાજ્યસભામાં પ્રવેશ કર્યો. વડીલોને પ્રણામ કરીને તેણે આસન લીધું.

વશિષ્ઠ બોલ્યા, "આ રાજ્ય તમને તમારા પિતાશ્રી અને તમારા ભાઈ રામ તરફથી આપવામાં આવ્યું છે. તેનો સ્વીકાર કરો અને આપણી પ્રાચીન પરંપરા પ્રમાણે અમારા બધાનું રક્ષણ કરો."

ભરતનું હૃદય તો બહુ દૂર રામ પાસે પહોંચી ગયું હતું. તેની આંખમાંથી આંસુ ટપકતાં હતાં. રાજ્યસભાની હાજરીમાં જ યુવાન રાજકુમારે કલ્પાંત કર્યું અને આંસુથી રૂંધાતા અવાજમાં ગુરુજનો પ્રત્યે વિવેકપૂર્ણ ગુસ્સામાં સંબોધન કર્યું: "મારા જેવી કુળપરંપરામાં જન્મેલા અને ઊછરેલા મને, જેને માટે વધુ લાયક અને ઉમદા પ્રકૃતિની વ્યક્તિનો પૂર્ણ અધિકાર છે, તેની પાસેથી છીનવીને તે હું સ્વીકારું એવું આપ મને કઈ રીતે કહી શકો છો? દશરથ રાજાનો કોઈ પણ પુત્ર આવી અધમતાને સ્વપ્નમાં પણ જોઈ શકે ખરો? આ રાજ્ય, અને હું, અને એમાં રહેલું બીજું બધું રામનું જ છે. તે પાટવી રાજકુમાર છે, અમારા બધામાં સૌથી વધુ ઉમદા પ્રકૃતિના છે, ધર્મપ્રેમી છે અને પરાપૂર્વના રાજા દિલીપ અને નહુષના સમોવડિયા છે. તે જ રાજ્યાધિકારી છે. તે ત્રણેય લોકના સમ્રાટ થવાને લાયક છે. અહીં ઊભેલો હું, ત્યાં વનમાં રહેલા રામ પ્રત્યે મારા પ્રણામ પાઠવું છું. રાજા તે જ છે, હું નથી!"

ભરતને આમ કહેતો સાંભળીને રાજ્યસભા હર્ષાશ્રુથી છલકાઈ ગઈ.

ભરતે કહેવાનું ચાલુ રાખ્યું: "જો રામને સંમત થવા હું સમજાવી ના શકું, તો હું ત્યાં રહીને તપશ્ચર્યા કરીશ. હે ગુરુજનો! રામને પાછા લાવવામાં કોઈ કસર ન છોડવી, એ તમારો ધર્મ છે. હું મારાથી બનશે એટલું રામને પાછા લાવવાનું બધું કરીશ અને તેમને રાજા બનાવીશ."

પછી પોતાની બાજુમાં ઊભેલા સુમંત્રને ભરતે વનમાં જવાની તાત્કાલિક તૈયારીઓ કરવાનો આદેશ આપ્યો. આખું નગર રામના આગમનની અપેક્ષાના આનંદથી છવાઈ ગયું હતું, કારણ કે બધાને ખાતરી હતી કે ભરતના ધર્મનિષ્ઠ પ્રેમના પ્રવાહને કોઈ અડચણ નહીં રોકી શકે.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.