રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-24

Chapter 24 · પ્રકરણ ૨૪

ભરતનું આગમન

ભરતનું મન શંકાઓથી ઘેરાવા લાગ્યું
ભરતનું મન શંકાઓથી ઘેરાવા લાગ્યું

કૌશલ્યા રાજાના શરીરને વળગી પડી અને કલ્પાંત કરતાં બોલી, "હું રાજા સાથે જ યમલોક જઈશ. મારા પુત્ર અને મારા પતિ વગર હું કઈ રીતે જીવી શકું?"

રાજમહેલના અગ્રણીઓ અને અધિકારીઓએ મૃત રાજાના શરીરથી તેને અળગી કરી અને તેને દૂર લઈ જવાની વ્યવસ્થા કરી. પછી તેમણે અંતિમ સંસ્કારો અંગેની ચર્ચા કરી. અંતિમ સંસ્કાર તરત તો કરી શકાય એમ નહોતું, કારણ કે રામ અને લક્ષ્મણ તો વનમાં ગયા હતા અને ભરત તેમજ શત્રુઘ્ન બહુ દૂર તેમના મામાને ઘેર હતા. ભરતને ત્યાંથી બોલાવી અને તે આવે ત્યાં સુધી મૃતદેહને તેલમાં ડુબાડી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો.

આમ મહાન સમ્રાટના મૃતદેહને ભરતના આગમન સુધી સાચવી રાખવાનું નક્કી થયું. ઐશ્વર્યની નગરી અયોધ્યા ભયાનક અંધકાર અને કરુણામાં ડૂબી ગઈ. સ્ત્રીઓનાં ટોળાં જ્યાં ને ત્યાં ભેગાં થયાં અને કૈકેયીને ફિટકારવા લાગ્યાં. પુરુષોનાં હૃદય આતુરતાથી ફફડી ઊઠ્યાં. યુવરાજ તો વનમાં ગયા હતા. ભરત પણ બહુ જ દૂર હતા. અરાજકતા ફેલાવાનો ભય હતો, કારણ કે તે કાળમાં રાજા વગર કોઈ પ્રજા રહી શકે તેવી કલ્પના પણ કોઈ કરી શકતું નહોતું.

લાંબી રાત્રી પૂરી થયા પછી મંત્રીઓ, અધિકારીઓ અને સન્માન્ય અગ્રણીઓ સવારે રાજસભામાં ભેગા થયા. માર્કંડેય, વામદેવ, કશ્યપ, કાત્યાયન, ગૌતમ, જાબાલી અને બીજા વિદ્વાન ઋષિઓ, સુમંત્ર અને બીજા મંત્રીઓ સાથે વશિષ્ઠને સવિનય પ્રણામ કરીને કહેવા લાગ્યા:

"ગુરુદેવ, આ રાત્રી અમે સૌએ એક સદીની જેમ વિતાવી છે. રાજાધિરાજ હવે રહ્યા નથી. રામ અને લક્ષ્મણ વનમાં છે. ભરત અને શત્રુઘ્ન દૂર દૂરના કેકયમાં તેમના નાનાને ત્યાં છે. શાસનની જવાબદારી તાબડતોબ કોઈકે સંભાળવી પડશે. રાજા વગરનું રાજ ટકી શકતું નથી. વ્યવસ્થા ભાંગી પડે છે, પુત્ર પિતાની આજ્ઞા અને પત્ની પતિની આજ્ઞા અવગણવા લાગે છે. વર્ષાઋતુ ખેંચાઈ જાય છે. ચોર અને ડાકુઓ બેફામ બની જાય છે. લોકોમાં પારસ્પરિક વિશ્વાસ ડગી જાય છે. કૃષિપેદાશ અને અન્ય વ્યવસાયો ભાંગી પડે છે. રાજા વગર રાજ્ય તેની સમૃદ્ધિ ખોઈ બેસે છે. સાર્વજનિક કરુણાનાં ઝરણાં સુકાઈ જાય છે. મંદિરોમાં યોજાતા મહોત્સવો અને પૂજા-અર્ચના અટકી પડે છે. શાસ્ત્રો અને મહાકાવ્યોના સત્સંગ અને જ્ઞાનસત્રો બંધ થઈ જાય છે, કારણ કે તેમાં શ્રોતાઓ આવતા નથી. લોકો ઉઘાડે બારણે સૂઈ શકતા નથી. સંસ્કાર અને સંસ્કૃતિ ધીમે ધીમે ઘટતાં અંતે વિલીન થાય છે. તપશ્ચર્યા, યજ્ઞો, મહોત્સવો, જ્ઞાનપ્રાપ્તિ — આ બધાનો આધાર રાજાના સુરક્ષણ ઉપર નભે છે. સ્ત્રીનું સૌંદર્ય નાશ પામે છે, કારણ કે સુરક્ષા ઉપરનો ભરોસો નાશ પામે છે. માછલીઓ જેમ એકબીજાને ખાતી હોય છે, તેમ માણસો પણ એકબીજાને ખાવા લાગે છે. ક્રૂરતા અને દુઃખ એકદમ ઝડપે વધે છે અને પ્રદેશને ખેદાનમેદાન કરી નાખે છે. સાર્વજનિક કલ્યાણની સમૃદ્ધિ માટે અને દૂષણોને નિયંત્રિત કરવા માટે રાજાનું હોવું મૂળભૂત જરૂરિયાત છે."

આ રીતે વાલ્મીકિ સભાના અગ્રણીઓના મુખેથી અંધાધૂંધીનાં ભયસ્થાનોનું વિશદ વર્ણન કરે છે.

"એવું લાગે છે કે આપણા રાજને કોઈ ભયંકર અંધકારનો ઓળો વીંટળાઈ વળ્યો છે," તેમણે કહ્યું. "ધર્મ સંકટમાં છે. આપણે તાત્કાલિક રાજ્યપદને સુરક્ષિત કરવું જ પડશે."

વશિષ્ઠ ગુરુએ તાત્કાલિક અનુભવી સંદેશવાહકોને બોલાવ્યા અને તેમને કહ્યું: "અત્યારે જ તમારે નીકળવાનું છે. સીધા અને ઝડપથી કેકય પહોંચવાનું છે. પૂરતી તકેદારી રાખજો કે તમારા ચહેરા કે તમારી વર્તણૂક ઉપર ગ્લાનિનો કોઈ પણ અણસાર દેખાવો જોઈએ નહીં. રાજાજી મૃત્યુ પામ્યા છે તેની જાણ ભરતને થવી જોઈએ નહીં. તેને માત્ર એટલું જ કહેવાનું છે કે કુલગુરુ અને મંત્રીઓ તાત્કાલિક તે અયોધ્યા પાછા આવે તેમ ઇચ્છે છે. આમ ભરતને તમારી સાથે પૂરતી ઝડપથી અહીં લઈ આવવાનું તમારું કામ છે. રામ અને સીતાના વનવાસ કે તે કારણસર દશરથ રાજાના મૃત્યુની તેને જરાપણ જાણ કરવાની નથી. કોઈ પણ જાતની શંકા ઉત્પન્ન ન થાય તે માટે તમારી સાથે કેકયના રાજવીને પ્રણાલિકા મુજબનાં મૂલ્યવાન વસ્ત્રો અને જરઝવેરાતની ભેટસોગાદો ત્યાં પહોંચાડવાની છે."

આના ઉપરથી શાસ્ત્રો અને 'કુરાલ' પ્રમાણે સત્યનો અર્થ આપણે સમજી શકીએ. સત્ય એવું હોવું જોઈએ કે તે દુનિયામાં કોઈને પણ બિનજરૂરી રીતે આઘાત ન પહોંચાડે. સત્ય સહિતના યોગ્ય વર્તાવની સાચી કસોટી તે કોઈને આઘાત ન પહોંચાડે તેમાં રહેલી છે. આનો અર્થ એવો નથી કે તેનાથી સત્યનું અવમૂલ્યન થાય.

તરત જ દૂતોને લાંબી મુસાફરી માટેનો પુરવઠો તેમજ શિષ્ટાચારની ભેટસોગાદો આપીને પૂરતા સજ્જ કર્યા. તેજીલા અને ખડતલ અશ્વો ઉપર સવાર થઈને પૂરઝડપે નદીઓ અને વનો અને ઊંચી ટેકરીઓ તથા ઊંડી ખીણો વીંધતા આ સવારો કેકય પહોંચ્યા. આ રાજ્ય આપણા આધુનિક પંજાબ રાજ્યની પશ્ચિમે આવેલું હતું. તેઓ પાટનગર રાજગૃહમાં પહોંચ્યા. ઇક્ષ્વાકુ વંશના રાજકુમારો અહીં તેમના મામાના મહેલમાં રહેતા હતા. દૂતોએ બીજે દિવસે સવારે રાજકુમારોને મળવાનું નક્કી કર્યું.

જે રાત્રિએ સંદેશવાહકો રાજગૃહ આવ્યા, તે રાત્રે ભરતને અશુભ સ્વપ્નો આવ્યાં. સવારે ઊઠ્યા ભેગું જ તેનું મન વિક્ષુબ્ધ થયેલું હતું. સ્વપ્નોનો ઇશારો તેને ઉત્કંઠિત કરતો હતો. તેનો ચહેરો તેના મનની ગ્લાનિ દેખાડતો હતો. તેના અનુચરોએ નૃત્ય અને આનંદ પૂરો પાડીને તેનું મનોરંજન કરીને તે ચિંતામુક્ત થાય એવા પ્રયત્નો કર્યા, પણ તેમને તેમાં સફળતા ન મળી.

અત્યારે પણ આપણે લાગણીના સંબંધોના સમસંવેદનનાં કુદરતી રહસ્યોને જાણી શક્યા નથી. કદાચ એમ પણ હોય કે મૃત્યુવેળાની દશરથ રાજાની માનસિક ગ્લાનિ, આટલું લાંબું અંતર વીંધીને ભરતના મનમાં દુઃસ્વપ્નો તરીકે પ્રવેશી હોય. ભરતનું મન તેને કહેતું, "મને લાગે છે કે મૃત્યુ કદાચ મારા મોટાભાઈ રામ, કે લક્ષ્મણ, કે મારા તરફ આવી રહ્યું છે. બધા કહે છે કે વહેલી સવારનાં સપનાં સાચાં પડતાં હોય છે. અને મારું સ્વપ્ન તો બહુ ભયંકર છે. આ ભય મને વીંટળાઈ વળ્યો છે. શું કરવું તે સમજાતું નથી."

ત્યારે જ સંદેશવાહકોના આગમનની ભરતને જાણ કરવામાં આવી. કેકયના રાજા અને રાજકુમાર યુધાજિતે સંદેશવાહકોનો સુયોગ્ય સત્કાર કર્યો. દૂતોએ પણ રાજા અને રાજકુમારનાં શિષ્ટાચારપૂર્વક અભિવાદન કર્યાં, અને પછી ભરતને કહ્યું:

"ગુરુજનો અને મંત્રીઓએ આપને આશીર્વાદ પાઠવ્યા છે અને તાત્કાલિક આપ અયોધ્યા પધારો તેવી વિનંતી કરી છે. તેમના આદેશ મુજબ અમને ખાસ જણાવવામાં આવ્યું છે કે અત્યારે આપની ત્યાંની હાજરી અત્યંત આવશ્યક છે. અયોધ્યાના રાજપરિવાર તરફથી કેકય રાજવીને તેમજ આપના મામાને ઉપહાર તરીકે મોકલવામાં આવેલ આ વસ્ત્રો અને જરઝવેરાતનો આપ સ્પર્શ કરીને તેઓના વતી સ્વીકાર કરવાની કૃપા કરો."

ભરતે દૂતોને પરિવારના ક્ષેમકુશળ અંગેના સવાલો પૂછ્યા. તેની ઝીણવટભરી તપાસ સૂચવતી હતી કે તેને એવી અસ્વસ્થ આશંકા હતી કે તેની માતાનો હઠીલો અને મહત્ત્વાકાંક્ષી સ્વભાવ કદાચ તેના ઝડપથી ઘેર પહોંચવાના આ આદેશ સાથે સંકળાયેલો હોય. "અને ઉગ્ર મિજાજની અને અક્કડ સ્વભાવની મારી માતા, રાણી કૈકેયી પોતાને બધી બાબતમાં બહુ ડાહી સમજે છે અને પોતાનું ધાર્યું જ કરવામાં માને છે… તે તો ક્ષેમકુશળ છે ને?"

આવા પ્રશ્નનો ઉત્તર આપવામાં દૂતોની બુદ્ધિની બહુ આકરી કસોટી થઈ હશે. જોકે તેમણે પોતાનાથી બને તેવો યોગ્ય ઉત્તર આ રીતે આપ્યો, "હે વાઘ સમા નરવીર! જેનું ક્ષેમકુશળ આપ ઇચ્છતા હો, તે બધા સુખી છે. કમલાસની, ઋદ્ધિ-સિદ્ધિની અધિષ્ઠાત્રી લક્ષ્મી આપના ઉપર પ્રસન્ન છે. તેથી કોઈ પણ વિલંબ વગર આપ આપના રથ ઉપર આરૂઢ થાઓ." તેમના આ અભિવાદનમાં કોઈ સાંકેતિક સંદેશો છુપાયેલો હતો, કારણ કે તેઓ માનતા હતા કે ભરતનો રાજ્યાભિષેક થવાનો હતો.

રાજકુમાર ભરતે તેના મામા અને નાનાબાપુ પાસે ઘેર જવાની અનુમતિ લીધી અને તે અંગેની બધી તૈયારીઓ પૂરી કરવામાં આવી. વૃદ્ધ રાજા અને યુધાજિતે દશરથ રાજા અને અયોધ્યાના રાજકુમાર રામને ઉપહાર તરીકે મોકલવાની બહુમૂલ્ય અને વિશિષ્ટ ભેટસોગાદો સામેલ કરી. ભરત અને શત્રુઘ્ન પોતપોતાના રથમાં આરૂઢ થયા અને મોટા રસાલા સાથે અયોધ્યા જવા નીકળ્યા. પરિશ્રમનો થાક લગાડ્યા વગર ઝડપી યાત્રા કરીને તેઓ આઠમા દિવસની સવારે અયોધ્યા પહોંચ્યા.

જેવા તેઓ પાટનગરના સીમાડે પહોંચ્યા, કે તરત જ ભરતનું મન શંકાઓથી ઘેરાવા લાગ્યું. જાણે બધું પહેલાં હતું, તેવું અત્યારે ન લાગ્યું. હવામાં કોઈ ઘેરી વિપત્તિ વર્તાતી હતી. તેણે સારથિને પૂછ્યું, "આ નગરનો દેખાવ સાવ વિચિત્ર કેમ લાગે છે? નગરની અંદર અને બહાર આવતાં જતાં લોકોનાં સામાન્ય ટોળાં કેમ દેખાતાં નથી? નગર બહારનાં ઉદ્યાનોમાં તો સામાન્ય રીતે યુવકો અને યુવતીઓના પ્રફુલ્લિત અને તેજસ્વી ચહેરાઓ તો દેખાતા જ હોય છે. પણ અત્યારે તે બધા ગમગીન લાગે છે."

ભરતનો રથ નગરમાં વિજયદ્વારમાંથી પ્રવેશ્યો. શેરીઓ, મકાનો અને મંદિરો ખાલી અને અવાવરુ લાગતાં હતાં. લોકોના ચહેરાઓ હતાશ અને દુઃખી લાગતા હતા.

"સંગીતનાં વાજિંત્રો કેમ શાંત છે?" તેણે પૂછ્યું. "નગરજનો પુષ્પો અને ચંદનતિલકોથી સુશોભિત કેમ નથી? આ બધા અશુભ સંકેતો છે. હું મારી આતુરતાને રોકી શકતો નથી."

બધી જગ્યાએ આ સંકેતો દેખાતા હતા. ભરત એક નિષ્કર્ષ પર આવ્યો કે નગર ઉપર કોઈ ઘોર વિપત્તિ આવી પડી હતી અને એટલે જ તેને બનતી ઝડપે બોલાવી લેવામાં આવ્યો હતો. તે દશરથના મહેલમાં પ્રવેશ્યો. ત્યાં રાજા દેખાતા નહોતા. આથી તેની આતુરતામાં વધારો થયો.

પછી તે કૈકેયીના મહેલમાં પ્રવેશ્યો. લાંબી ગેરહાજરી પછી પોતાના પુત્રને જ્યારે તેણે જોયો, ત્યારે તે સોનાના આસન ઉપરથી કૂદી પડી અને પુત્રને આલિંગન આપ્યું. ભરતે નીચા વળીને તેનાં ચરણ સ્પર્શ કર્યાં. માતાએ તેના ભાલ ઉપર ચુંબન કર્યું અને માતૃવત્સલ આશિષથી તેને આવકાર્યો.

"તારી યાત્રા તો કુશળતાપૂર્વક પસાર થઈ ને?" તેણે પૂછ્યું. "તારા મામા અને નાનાબાપુ મજામાં છે ને? મને તેમના બધા સમાચાર આપ."

ભરતે ઉત્તર આપ્યો, "મુસાફરીમાં સાત દિવસ લાગ્યા. કેકયમાં આપણા બધા લોકો મજામાં છે અને સુખી છે. મામા અને નાનાબાપુએ આપને ખાસ સ્નેહ પાઠવ્યો છે. તેમણે આપને માટે મૂલ્યવાન ભેટસોગાદો મોકલી છે, પણ તે હવે પછીથી આવશે. હું થોડો વહેલો આવી ગયો છું. આપણા દૂતોએ મને ઉતાવળ કરતાં જણાવ્યું છે કે એક મહત્ત્વના કામ માટે મારી અહીં હાજરી બહુ જરૂરી છે. તો આ બધું શું છે? હું રાજાના મહેલમાં તેમને પ્રણામ પાઠવવા ગયો હતો, પણ તે ત્યાં મળ્યા નહીં અને અહીંનું પણ એમનું આસન ખાલી છે. કદાચ તે મોટી માતાઓ પાસે હોય. એટલે હું જાઉં અને તેમને મારા પ્રણામ પાઠવતો આવું."

નિર્દોષ હૃદયના અને જે કાંઈ બન્યું હતું તેનાથી તદ્દન અજાણ એવા ભરતે જ્યારે આમ કહ્યું, ત્યારે તાજી પ્રાપ્ત થયેલી સત્તાના ઘમંડમાં ચકચૂર તે મૂર્ખ રાણીએ ઉત્તર આપ્યો, "અરે બેટા, તારા પિતાજીએ જીવનના બધા આશિષો ભરપેટ ભોગવ્યા છે. તેમની કીર્તિ સાર્વત્રિક હતી. રાજ્યપરંપરા મુજબના બધા યજ્ઞો અને ધાર્મિક ક્રિયાઓ તેમણે સંપન્ન કરેલી હતી. લોકકલ્યાણના તો તેઓ આશ્રયદાતા હતા. હવે તેઓએ સ્વર્ગલોકમાં પ્રવેશ કર્યો છે અને દેવત્વ પ્રાપ્ત કર્યું છે."

આ સાંભળીને ભરત કલ્પાંત કરતો જમીન ઉપર પડી ગયો, તેના બંને લાંબા હાથ જમીન ઉપર પહોળા થઈ ગયા. પાછો ઊભો થતાં તેણે તેના પિતાની ખાલી શૈયા તરફ જોયું અને ગરીબ અનાથની જેમ ડૂસકાં ભરવા લાગ્યો. આ મહાન યોદ્ધાનું કોઈ દેવ જેવું શરીર પાછું જમીન ઉપર પડ્યું અને તે અનિયંત્રિત વેદનાથી નાના બાળકની જેમ રડવા લાગ્યો.

કુહાડીના ઘાથી જમીન ઉપર પડેલ મોટા વૃક્ષ જેવા પોતાના પુત્રને જોઈને કૈકેયી બોલી:

"અરે રાજા! સ્વસ્થ થા અને ઊભો થા. જમીન ઉપર આમ પડ્યાં પડ્યાં કલ્પાંત કરવું કોઈ રાજાને શોભા દેનારું નથી. સન્માન અને ખ્યાતિ તારા સ્વીકારની રાહ જોઈ રહ્યાં છે. તારા પ્રતાપી પૂર્વજોની જેમ તારે પણ ધર્મને ચરિતાર્થ કરવાનો છે અને યજ્ઞોનું અનુષ્ઠાન કરવાનું છે. તારી બુદ્ધિ મધ્યાહ્નના સૂરજની જેમ પ્રકાશે છે. કોઈ દુર્ભાગ્ય તારા માર્ગમાં આવવાની હિંમત કરે તેમ નથી. હે લોખંડી શરીરધારી અને શૂરવીર હૃદયવાળા વત્સ! ઊભો થા."

ભરતનું મન સ્પષ્ટ અને સ્વચ્છ હતું. કૈકેયીએ પોતાની લાગણીશીલ રજૂઆતમાં શાનો સમાવેશ કર્યો હતો, તેની ભરતને કંઈ સમજ પડી નહીં.

લાંબા કલ્પાંત પછી તે ઊભો થયો અને બોલ્યો, "હું જ્યારે મામાને ઘરે ગયો, ત્યારે હું વિચારતો હતો કે રામનો યુવરાજ તરીકેનો રાજ્યાભિષેક બહુ ટૂંક સમયમાં પૂરો થઈ જશે અને હું પાછો આવીશ ત્યારે હું મહાન ઉત્સવની ઉજવણીઓ જોઈ શકીશ. ત્યાં તો સાવ વિપરીત દિશામાં કોણ જાણે શું શું બન્યું હશે! આ વિપત્તિ તો હું કઈ રીતે સહન કરી શકું? પિતાજીનો ચહેરો હવે હું ક્યારેય પણ નહિ જોઈ શકું. તેમના મૃત્યુનું કારણ શું હતું? એ કઈ માંદગીમાં સપડાયા હતા? પાછું તેમની આ બીમારી વખતે હું તેમની પાસે નહોતો. તેમની અંતિમ ક્ષણોએ તેમની સારવાર કરવાનું રામના ભાગ્યમાં લખાયેલું હતું. મારા માટે રાજાજીને કેટલો બધો પ્રેમ હતો! મારા શરીર પર થોડી ધૂળ દેખાય, તો તેઓ પોતાના હાથથી સાફ કરી નાખતા હતા. અરે, એમનો સ્પર્શ કેટલો કોમળ અને આનંદદાયક હતો! કોણ જાણે મારા ભાગ્યમાં તેમની જરૂરિયાતના સમયે તેમની સેવા કરવાનું લખ્યું નહોતું. પણ, મા, રામ ક્યાં છે? હવેથી તો તેઓ જ મારા પિતા અને ગુરુ છે. હું તરત જ એમને મળી અને એમનાં ચરણોમાં વંદન કરતો આવું. હવે તો એ જ મારો એકમાત્ર આશ્રય છે. મારા પિતાજીનો મારા માટેનો અંતિમ સંદેશ શો હતો? મારે તેઓના એ જ શબ્દોને જાણવા છે."

કૈકેયીનો ઉત્તર સત્ય અને તેની પોતાની મહત્ત્વાકાંક્ષા એ બંને સાથે સુસંગત હોય, તે જરૂરી હતું. પોતાના સંસ્કાર અને પોતાની મહત્ત્વાકાંક્ષા દ્વારા તે સામસામી વિરુદ્ધ દિશામાં ખેંચાતી હતી. રાજાએ તેની અંતિમ ક્ષણોમાં ભરતને યાદ કર્યો નહોતો, એવું પ્રતિપાદન કરતા શબ્દો કૈકેયીએ શોધી કાઢ્યા. સાથોસાથ બાકીના બધા સમાચારથી ભરતને વાકેફ કરીને તેને માનસિક રીતે તૈયાર કરવાની પણ કૈકેયીને ઇચ્છા હતી. તેણે કહ્યું, "તારા પિતાએ અંતિમ શ્વાસ વખતે 'હે રામ, હે લક્ષ્મણ, હે જાનકી' એવો ચિત્કાર કરેલો. મૃત્યુ સમયે તે બોલેલા કે 'રામ, લક્ષ્મણ અને સીતા પાછાં આવે ત્યાં સુધીનું મારું જીવવું શક્ય નથી. તેમને પાછાં આવતાં જે જોઈ શકશે, તેમનાં ખરેખર ધન્યભાગ્ય કહેવાશે.'"

આ વાત સાંભળીને ભરતને જાણ થઈ કે રામ અને લક્ષ્મણ પણ રાજા પાસે હોવાને બદલે ગેરહાજર હતા. તેના દુઃખમાં વધારો થતાં તેણે કૈકેયીને પૂછ્યું, "તો તેઓ ક્યાં હતા? પિતાજીની અંતિમ ક્ષણોએ તેમની પાસે ન હોવા માટેનું એવું કયું કામ તેમને દૂર લઈ ગયું હતું?"

તેને શાંત પાડતાં કૈકેયી બોલી, "બેટા, રામે તો તપસ્વીના પોશાકને અપનાવ્યો હતો, અને લક્ષ્મણ અને સીતાજીને સાથે લઈને તે દંડકારણ્યમાં ગયા હતા."

ભરતના અચંબાનો હવે પાર નહોતો. તેણે પૂછ્યું, "આ બધું તમે શું કહો છો, તે હું કાંઈ સમજી શકતો નથી. રામે એવું કયું પાપ આચર્યું હતું, કે જેથી તેમણે આવું પ્રાયશ્ચિત્ત કરવું પડે? તેમણે કોઈ બ્રાહ્મણને લૂંટ્યો હતો? કોઈ અન્ય પુરુષની પત્ની ઉપર નજર બગાડી હતી? કોઈ નિર્દોષ માણસને શારીરિક ઈજા ઉપજાવી હતી? તેમણે વનમાં શા કારણથી જવું પડ્યું હોય શકે? તેમના ઉપર આ પશ્ચાત્તાપ કોણે લાદ્યો હશે?"

એ જમાનામાં આવા કે અન્ય બીજા જઘન્ય ગુનાઓ માટે પાવનકારી સજા કરવાના ઇરાદાથી લોકો પોતાની સ્વેચ્છાથી વનમાં જતા, અથવા તો તેમને મોકલવામાં આવતા. હવે આ ધોધમાર પ્રશ્નોથી અસ્થિર બનેલી કૈકેયીએ મૌન તોડવાની ફરજ પડતાં સત્ય કહેવા સિવાય છૂટકો નહોતો. જોકે હજી પણ તે મૂર્ખામીપૂર્વક બધું સમુસૂતરું ઊતરવાની આશા રાખતી હતી.

"રામે કોઈ અપરાધ કર્યો નહોતો. ન તો એણે કોઈ લૂંટ કરી હતી, કે ન તો કોઈને ઈજા કરી હતી. અને કોઈ બીજા માણસની પત્ની ઉપર કામુક નજર કરવાનું તો રામની પ્રકૃતિમાં જ નહોતું. ખરેખર એવું બન્યું, કે પાટવીકુંવર અને ઉપ-રાજવી તરીકે તેમને પ્રસ્થાપિત કરવાની તૈયારીઓ વેગ પકડવા માંડી, ત્યારે મેં તારા માટે રાજાનો સંપર્ક કર્યો અને ઘણાં વર્ષો પહેલાં એમણે મને બે વરદાનો આપ્યાં હતાં, તેને પરિપૂર્ણ કરવાની માગણી કરી હતી. મેં માગ્યું કે રાજ્ય તને મળે અને રામ દેશવટો ભોગવી વનવાસમાં જાય. ભૂતકાળનાં પોતાનાં વરદાનથી બંધાયેલા રાજા સંમત થયા. એટલે રામ વનમાં સીતાજી અને લક્ષ્મણ સાથે ગયા છે. તેમનો આ વિયોગ સહન ન કરી શકવાથી તારા પિતા તેના આઘાતથી મૃત્યુ પામ્યા છે. હવે તારે તારી જાતને નિરર્થક કલ્પાંતમાં વેડફી નાખવાની જરૂર નથી. તારે હવે શું કરવું તે વિચારવું પડશે. તું ધર્મને જાણે છે. હવે તારી ફરજ રાજાપદના ભારનો સ્વીકાર કરવાની છે. મેં આ બધું તારા ભલા માટે કર્યું છે અને મારાં આયોજનનાં આ ફળને તારે મારા હેતુની સંમતિમાં પાર પાડવાનું છે. આ નગર અને આ રાજ્ય, તેં ઇચ્છા ન રાખી હોવા છતાં અને તેને માટે કંઈ પણ કર્યા વગર તારા કાબૂમાં આવી ગયાં છે. વશિષ્ઠમુનિના અને બીજા ગુરુઓના આદેશ મુજબ, તારા પિતાની અંત્યેષ્ટિ ક્રિયા સંપન્ન કર અને રાજ્યાભિષેકની તૈયારી કર. તું ક્ષત્રિય છો. તેં તારા પિતાનું રાજ્ય વારસામાં મેળવ્યું છે. તારા ઉપર જે કંઈ આવી પડ્યું છે, તેનો તારી ફરજ તરીકે નિર્વાહ કર."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.