રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-23

Chapter 23 · પ્રકરણ ૨૩

અંતિમ ક્ષણો

દશરથે ચાલુ રાખ્યું: "સાંભળ, પછી શું થયું તેની હું તને વાત કરું. પાપ કર્યું હોવાથી અને યુવાન તપસ્વીનું શબ સામે હોવાથી, હવે શું કરવું તેનો વિચાર હું કરતો રહ્યો. અંતે મેં નક્કી કર્યું કે તેણે મને જેમ કરવાની સલાહ આપી હતી તેમ કરવું મારી ફરજ પણ હતી અને તે મારા હિતમાં પણ હતું. મેં ઘડો સાફ કર્યો, તેમાં તાજું પાણી ભર્યું, અને તે લઈને તપસ્વીએ ચીંધેલી કેડી ઉપર આગળ વધ્યો.

"હું તેની કુટીરે પહોંચ્યો અને ત્યાં મેં વૃદ્ધ યુગલને તેમના પુત્રની રાહ જોતું જોયું. તૂટેલી પાંખવાળાં, ફૂશકાયાં અને હલનચલન કરવા અસમર્થ એવાં બે પક્ષીની જેમ તે બેઠાં હતાં. બંને અંધ હતાં.

"પાણીના વહેણમાંથી પાણી લેવા ગયેલ તેના પુત્રને વધુ સમય થયા અંગેની વાતચીત તેઓ અંદરોઅંદર કરી રહ્યાં હતાં. હું ધીમેથી તેમની નજીક પહોંચ્યો, ત્યારે હું ભયથી ઘેરાયેલો હતો.

"મારાં પગલાં સાંભળીને વૃદ્ધ પુરુષે ધીમા અવાજે કહ્યું, 'બેટા, આટલો લાંબો સમય કેમ લાગ્યો? મને થોડુંક પાણી જલદીથી આપી દે. તારી મા પણ બહુ તરસી થઈ છે. તું શું ઝરણાંમાં રમત કરવા લાગ્યો હતો? આ જ તારા વિલંબનું કારણ છે ને? બેટા, તું કેમ મૂંગો છો? કદાચ મારાથી કે તારી માથી તને કોઈ કારણે ખોટું લાગ્યું હોય, તો પણ તારે એવું બહુ મનમાં ન રાખવું જોઈએ. તું અમારો આદર્શ પુત્ર છો અને અમારો એકમાત્ર ટેકો. અમે તો દૃષ્ટિ ગુમાવી છે અને તું જ અમારી આંખ છો. અમારી જિંદગી કરતાં પણ તું અમારા માટે વધુ મૂલ્યવાન છો. તું હજી કેમ શાંત છો? હજી પણ તું ગુસ્સામાં છો?'

"તે બોખા વૃદ્ધ પુરુષને આ રીતે બોલતો સાંભળીને હું ભયથી ધ્રૂજી ઊઠ્યો. હિંમત એકત્ર કરીને મેં આરંભ કર્યો: 'હે પૂજ્ય, મારું નામ દશરથ છે. હું એક ક્ષત્રિય છું, અને આપનો પુત્ર ન હોવા છતાં આપની આજ્ઞા પાળવા તથા આપની સેવા કરવા બંધાયેલો છું.

"'મારાં પૂર્વકર્મોથી પ્રેરાઈને મેં એક ઘોર પાપ કર્યું છે, અને અત્યંત નમ્રતા સાથે આપની સમક્ષ ઊભો છું. હું શિકાર માટે નદીકાંઠે ગયો હતો, જ્યાં વન્ય પશુઓનો શિકાર કરવાની મને આશા હતી. અંધારામાં મને કોઈ હાથી પાણી પીતો હોય તેવો અવાજ સંભળાયો, અને મેં મારા બાણનું નિશાન સાધ્યું — હું એવો બાણાવળી છું, જે જોઈને તેમ જ માત્ર અવાજના આધારે પણ નિશાન લગાવી શકે છે. મારું દુર્ભાગ્ય અને તેનું પ્રારબ્ધ એ હતું, કે આપનો પુત્ર પોતાનો ઘડો ભરી રહ્યો હતો ત્યારે મારું બાણ તેને જ વાગ્યું; તેના પાણી ભરવાના અવાજને મેં ભૂલથી હાથીનો અવાજ માની લીધો હતો. આમ, કોઈ પણ ઇરાદા વિના, મેં આપના વહાલા પુત્રને ઘાતક રીતે ઘાયલ કર્યો.

"'જ્યારે હું તે સ્થળે ગયો અને તેની છાતીમાં મારું બાણ ખૂંપેલું જોઈને તેને રુધિરમાં તરફડતો જોયો, ત્યારે મેં મારી જાતને ધિક્કારી. હું ભયથી સ્તબ્ધ થઈ ગયો, અને શું કરવું તે સૂઝ્યા વિના ઊભો રહ્યો. તેની વિનંતી પર, તેને એ અસહ્ય પીડામાંથી મુક્ત કરવા મેં બાણ બહાર ખેંચી લીધું. તે મૃત્યુ પામ્યો છે. મેં કરેલું ઘોર પાપ મેં આપને જણાવી દીધું છે. હું મારી જાતને આપની દયા પર છોડું છું. હું આપના ન્યાયની પ્રતીક્ષા કરું છું.'

"તેમના પુત્ર વિશેની આ ભયાનક વાત સાંભળીને તે દુઃખી દંપતી અવાક થઈ ગયું. તેમની દૃષ્ટિહીન આંખોમાંથી અશ્રુ વહેવા લાગ્યાં, અને તે વૃદ્ધ પુરુષે કહ્યું: 'હે રાજન, આપનું પાપ ખરેખર ઘણું મોટું છે. પરંતુ તે અજાણતાં થયું હતું; અને આપે પોતે આવીને અમારી સમક્ષ આપનો અપરાધ સ્વીકાર્યો છે, તેથી આપ જીવતા રહેશો. હવે અમને બંનેને તે સ્થળે લઈ જાઓ. અમને અમારા વહાલા પુત્રને અમારા હાથે સ્પર્શ કરવા દો, અને તેને અંતિમ વિદાય આપવા દો.'

"હું તેમને નદીકિનારે લઈ ગયો, જ્યાં તેમનો પુત્ર મૃત પડ્યો હતો. તેમણે તેના આખા શરીરને સ્પર્શ કર્યો, ખૂબ રડ્યાં, તેના આત્માને આશીર્વાદ આપ્યા, અને તેના અંતિમ સંસ્કાર કર્યા.

"ત્યારબાદ ચિતા પર ચડતાં પહેલાં અને પોતાને અગ્નિને સમર્પિત કરતાં પહેલાં, તેઓ મારી તરફ ફર્યાં અને કહ્યું: 'જે મહાન દુઃખ તમે અમારા પર લાવ્યા છો, તેવું જ દુઃખ યોગ્ય સમયે તમારે પણ ભોગવવું પડશે. તમે પણ તમારા પુત્રના વિયોગના દુઃખમાં મૃત્યુ પામશો.'

"આમ કહીને તેમણે પોતાને અગ્નિને સમર્પિત કરી દીધાં, અને તેમના આત્મા દેવોમાં લીન થઈ ગયા. મારા પાપે મારો પીછો પકડ્યો છે, અને હવે હું તેની પકડમાં છું.

"મારો જૂનો અપરાધ હવે મારો જીવ લઈ રહ્યો છે. જેમ કોઈ રોગી મનુષ્ય વૈદ્યે વર્જિત કરેલો આહાર મૂર્ખતાપૂર્વક ખાઈ લે અને તે તેનું મૃત્યુ નોતરે, તેમ જ તે વૃદ્ધ પિતાએ અસહ્ય દુઃખમાં ઉચ્ચારેલા શબ્દો હવે સાચા પડ્યા છે. મેં મારા નિર્દોષ પુત્રને વનમાં મોકલી દીધો છે, અને આ દુઃખ સહન ન થવાથી હવે હું યમલોકમાં પ્રવેશ કરી રહ્યો છું.

"આવી અકુદરતી ઘટનાઓ અન્યથા કેવી રીતે બની શકે? મારી સાથે આ રીતે કપટ અને વિશ્વાસઘાત અન્યથા કેવી રીતે થઈ શકે? ભલે મેં રામને વનમાં જવાની આજ્ઞા આપી હોય, પણ તેણે મારા અન્યાયી આદેશનું પાલન શા માટે કરવું જોઈએ? તેણે દેશવટો ભોગવવાનો આગ્રહ શા માટે રાખવો જોઈએ? આ તે વૃદ્ધ અંધ દંપતીનો શ્રાપ જ છે, બીજું કશું જ નહીં.

"કૌશલ્યા, મને તું દેખાતી નથી. મારી દૃષ્ટિ જતી રહી છે. મૃત્યુ ઝડપથી નજીક આવી રહ્યું છે. મારી પાસે આવ અને મને તને સ્પર્શવા દે. બધું પૂરું થઈ ગયું છે. યમના દૂતો મને બોલાવી રહ્યા છે. શું રામ આવશે? શું હું મરતાં પહેલાં તેને જોઈ શકીશ? અરેરે, હું મરી રહ્યો છું. તેલ પૂરું થઈ ગયું છે અને મારો દીવો બુઝાઈ રહ્યો છે! હે કૌશલ્યા! હે સુમિત્રા!"

તેમનું જીવન ધીમે ધીમે ઓસરવા લાગ્યું, અને તે રાત્રે કોઈની નજરે ચડ્યા વિના રાજાએ પોતાના અંતિમ શ્વાસ લીધા.

મહાકાવ્યનાં પ્રારંભિક પાનાંમાં વાલ્મીકિએ વર્ણવ્યા મુજબ, દશરથ એવા હતા જેમણે સમસ્ત વેદો અને શાસ્ત્રોમાં નિપુણતા મેળવી હતી. તેઓ દૂરંદેશી પુરુષ હતા, અનેક યુદ્ધોના નાયક હતા, અગણિત યજ્ઞો કરનારા હતા, ધર્મના અનુયાયી હતા, અનેક મિત્રો અને એક પણ શત્રુ વિનાના દૂરદૂર સુધી પ્રખ્યાત રાજા હતા, અને જેમણે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો હતો. તેમની શક્તિ ઇન્દ્ર જેવી હતી. તેમનું ઐશ્વર્ય કુબેર જેવું હતું. રાજનીતિમાં તેઓ મનુ જેવા હતા. નિયતિએ એવો નિર્ણય કર્યો હતો, કે આવા પુરુષે પોતાના પ્રિય પુત્રને દેશવટો આપવો પડ્યો અને હૃદય તૂટી જવાથી તેમનું મૃત્યુ થયું — તેમની અંતિમ ક્ષણોમાં તેમની પાસે કોઈ નહોતું, સિવાય કે એ બે વફાદાર સ્ત્રીઓ, જેઓ તેમના દ્વારા જ એકસરખા દુઃખથી પીડિત હતી.

રાજા વારંવાર બેભાન થઈ જતા અને ફરી ભાનમાં આવતા હોવાથી, તેમનું મૃત્યુ કૌશલ્યા કે સુમિત્રાના ધ્યાનમાં તરત ન આવ્યું. તેઓ પણ શોક અને ઉજાગરાથી થાકી ગયાં હતાં, અને શયનખંડના એક ખૂણામાં થાકને લીધે ઊંઘી ગયાં હતાં. પ્રભાતે, જે સંગીતકારો અને ગાયકોની ફરજ રાજાને નિદ્રામાંથી જગાડવાની હતી, તેઓ તેમના શયનખંડમાં આવ્યા, વાદ્યો વગાડ્યાં અને નિત્ય સ્તુતિઓ ગાઈ.

પરંતુ તેમને રાજાના જાગવાનાં કોઈ ચિહ્ન દેખાયાં નહીં. રાજાની પ્રાતઃકાલીન જરૂરિયાતોની સેવા કરતા રાજસેવકો લાંબો સમય પ્રતીક્ષા કરતા રહ્યા, અને વિચારવા લાગ્યા કે તેઓ આટલા મોડા સુધી કેમ સૂઈ રહ્યા છે. પછી તેમણે હિંમત કરીને ખંડમાં પ્રવેશ કર્યો, અને તેમને મૃત અવસ્થામાં પડેલા જોયા.

ટૂંક સમયમાં જ આ સમાચાર ફેલાઈ ગયા અને આખો મહેલ શોકમાં ડૂબી ગયો. મહાન દશરથની વિધવાઓ અનાથ બાળકોની જેમ એકબીજાને ગળે લગાવીને નિરર્થક વિલાપ કરતી રડવા લાગી.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.