રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-22

Chapter 22 · પ્રકરણ ૨૨

પ્રમાદી ક્રીડા અને ભયાનક પરિણામ

અંધ માબાપ
અંધ માબાપ

સંજોગોએ દશરથને નિષ્ઠુરતાપૂર્વક એવું કામ કરવા પ્રેર્યા હતા, જેને લીધે માત્ર તેમનું હૃદય ભાંગ્યું એટલું જ નહીં, પણ તેમનામાં પોતાને માટે ધિક્કાર પેદા કર્યો અને પોતાના પ્રત્યેની દયાની વૃત્તિથી પણ વંચિત કર્યા હતા. પોતાના દુર્ભાગી વચનનો ભંગ કરવા અથવા તો રામને અસહ્ય અન્યાય કરવાની દ્વિધા ટાળવાનો એકમાત્ર રસ્તો એ જ હતો કે રામ પોતે તેમના આદેશનો અનાદર કરે અને પોતાના હક્કને પ્રસ્થાપિત કરે. રામે પિતા પ્રત્યેના તેમના પુત્રધર્મને સર્વોચ્ચ ગણ્યો, અને સીતા અને લક્ષ્મણ માટે તો રામ સર્વેસર્વા હતા. એટલે તે ત્રણેય સાથે ગયા હતાં.

પશ્ચાત્તાપ અને હતાશાની વેદનામાં પથારીમાં દુઃખી થતા દશરથને કૌશલ્યાએ આકરાં કટુવચન સંભળાવ્યાં હતાં. કૌશલ્યાની વેદના જે હૃદયભેદી શબ્દોમાં રજૂ થઈ હતી તેનાથી દશરથને અસહ્ય પીડા થઈ હતી. જો કે કૌશલ્યાને પોતાને આ આકરા શબ્દો દ્વારા પોતાના આવેગોને રાહત મળી હોય એવું લાગતું હતું.

"આપના વચનનું પાલન થાય અને યુવાન કૈકેયીની મંજૂરી અને સંતોષ આપ્યાનું સુખ તમને મળે, તે સિવાય તમે બીજાઓનો વિચાર સરખોય કર્યો છે ખરો? તમે મારા માટે સર્વસ્વ છો, મારા આરાધ્ય છો, આ જીવનમાં મારો આનંદ અને મારા આવતા ભવની અભિલાષા છો… તો પણ તમે મને તરછોડી દીધી છે. મારો પુત્ર, મારો જીવનદીપક, મારાથી છીનવાઈ ગયો છે અને તેને દેશવટો આપ્યો છે. અહીં હું એકલી, ઘરડી, નિરાધાર અબળા મારા સ્વામીના સ્નેહ અને મારો એકમાત્ર પુત્ર આંખવગો ન હોય તેવી હાલતમાં આવી ગઈ છું. કોઈ સ્ત્રીએ આના કરતાં વધુ દુર્દશા ક્યારેય પણ ભોગવી હશે? પણ તમે… તમે તો જે કાંઈ કર્યું છે, તેનાથી રાજી જ છોને?”

"તમને તો કૈકેયી અને ભરત સુખી થાય એટલું જ પૂરતું છે. રામ એ સુખ ન પામે એવો ભય સેવવાની આપને કોઈ જરૂર નથી… એ ચૌદ વર્ષના વનવાસ પછી પણ કદાચ એ પાછા આવે, તો પણ નહીં. એકવાર ભરતે શાસન કર્યું હોય, તેવા રાજ્યને તે સ્પર્શ પણ નહિ કરે. બીજા પ્રાણીએ શિકાર કર્યો હોય તેના અવશેષોને વાઘ અડકતો પણ નથી. પોતાના સંતાનોને ખાઈ જતી માછલીની જેમ તમે તમારા સંતાનનો જ વધ કર્યો છે."

તરત જ લાગણીશીલ હાલતમાં પોતાની વેદનાની તીવ્રતા વચ્ચે પણ રાજા દશરથ ક્ષમાપનાની નમ્ર પ્રાર્થનાથી હાથ જોડીને પત્ની તરફ ફર્યા.

નિસાસો નાખતાં તેમણે કહ્યું, "કૌશલ્યા, મારી ઉપર દયા કર. સાવ અજાણ્યા પ્રત્યે પણ તું હંમેશા માયાળુ અને ક્ષમાવાન છો. તારા પતિ પ્રત્યે થોડી કૃપાદૃષ્ટિ રાખ. તેણે તને હંમેશા પ્રેમ અને આદર આપ્યો છે. અને અત્યારે જેનો કોઈ ઉપાય નથી તેવા દુઃખથી તેનું હૃદય ભાંગી ગયું છે!"

ભારેખમ સમય ધીમે ધીમે વહી રહ્યો હતો, તે દરમિયાન દશરથને ઘણા સમય પહેલાં બનેલું કશુંક યાદ આવ્યું. આમ છતાં તેના હૃદયનો વિષાદ વધુ ઘેરો બન્યો. રાજાએ કૌશલ્યા તરફ ફરીને કહ્યું: "પ્રિયે! તું હજી અહીં છો? કર્મના ફળમાંથી કોઈ છટકી શકતું નથી. વર્ષો પહેલાં મેં આચરેલાં એક ગંભીર પાપનું પરિણામ હું અત્યારે ભોગવી રહ્યો છું. માણસો કેટલીકવાર તેમના અજ્ઞાનને લીધે સાવ નજીવા ક્ષણિક સુખને ખાતર ગંભીર દૂષણ આચરી નાખતા હોય છે. પછી જ્યારે સમય આવે ત્યારે તેમણે તેની કિંમત ચૂકવવી પડતી હોય છે.” "હું જ્યારે યુવાન હતો, ત્યારે શબ્દવેધી બાણ તાકવામાં હું કુશળ હતો. મારી આ કુશળતા ચકાસતા રહેવાના આનંદમાં, એકવાર મેં એક નિર્દોષ માણસનો ભોગ લઈને એક મહાન પાપ આચરેલ. સાંભળ, એ દુઃખદ સાહસ હું તને કહું છું.”

"તું અહીં આવી તે પહેલાંની આ વાત છે. એક રાત્રિ દરમ્યાન હું મારા રથમાં સરયૂને કાંઠે મૃગયા કરવા ગયો હતો. ભારે વરસાદ વરસતો હતો અને, પર્વતના ઢોળાવ ઉપરથી કૂદરતી ખનિજ અને તાજી માટીના ભરપૂર રંગો વાળાં પાણીનાં ઝરણાં વહેતાં હતાં. પક્ષીઓ શાંત હતાં. વન જાણે કે નિદ્રાધીન હતું.”

"મારા કાન સુધી બાણની પણછ ખેંચીને, જોયા વગર, કોઈ વાઘ, રીંછ કે બીજું કોઈ જંગલી પશુ પોતાની તરસને છીપાવવા પાણીના પ્રવાહ પાસે આવ્યું હોય, તો હું સચોટ રીતે શબ્દવેધી બાણથી તેનો શિકાર કરી શકતો હતો. મારા આ કૌશલ્યને મારે ત્યારે ચકાસવું હતું. ઘોર અંધકાર હતો. કોઈ જંગલી પશુના આવવાની હું રાહ જોતો હતો.” "એટલામાં હાથી પાણી પીતો હોય એવો જાણે કે કોગળા કરતો અવાજ મેં સાંભળ્યો. તરત જ જે દિશામાંથી અવાજ આવતો હતો, તે દિશામાં એક બાણ તાક્યું. ઝેરી સાપ જેવા સૂસવાટા સાથે મારા બાણે તે વસ્તુ ઉપર પ્રહાર કર્યો. પણ 'અરેરે..! હું મરાણો છું!' એવા ચિત્કાર કરતો કોઈ માણસનો અવાજ સાંભળીને હું હેબતાઈ ગયો."

"ફરીથી એ માણસને દયાજનક હાલતમાં કલ્પાંત કરતો મેં સાંભળ્યો, 'મારો દુશ્મન કોણ હોઈ શકે? મેં તો ક્યારેય પણ કોઈને હાની પહોંચાડી નથી, તો પછી હું જ્યારે મારા ઘડામાં પાણી ભરી રહ્યો હતો, ત્યારે મારો વધ કરવાની કોની ઇચ્છા હોઈ શકે? આવું કરવાથી એને શું ફાયદો થશે? આ વનમાં નિર્દોષ તપસ્વીનું જીવન જીવતા મારા જેવા સામે કોઈને પણ શા માટે તિરસ્કાર હોય? હવે મારાં અંધ માતાપિતાનું શું થશે? તેમની ચાકરી કરવાવાળું તો કોઈ નથી! હાય વિધાતા!'

"જાણે કે વજ્રઘાતની અસર નીચે ઊભેલાં મારાં શરીરનાં બધાં ગાત્રો ધ્રૂજવા મંડ્યાં. મારા હાથમાંથી બાણ અને તીર સરી પડ્યાં. જે બાજુથી અવાજ આવ્યો હતો, તે તરફ હું આગળ વધ્યો. એક યુવાન તપસ્વી વેરવિખેર વાળ સાથે જમીન ઉપર પડેલો મેં જોયો. તેનું આખું શરીર લોહી અને માટીથી ખરડાયેલું હતું. તેની બાજુમાં એક ઊંધો વળી ગયેલો ઘડો હતો. તેની આંખમાં જાણે કે ક્રોધાગ્નિ ભભૂકતો હતો. તેણે મને જોયો કે તરત તે તાડૂકી ઊઠ્યો: 'મને મારનાર, હે પાપી! ઝરણાંમાંથી પાણી ભરતા એવા મારા ઉપર તેં શા માટે નિશાન તાક્યું? મારાં વૃદ્ધ અને અંધ માતાપિતા અત્યારે તરસ્યાં છે અને આશ્રમમાં મારી રાહ જોઈ રહ્યાં છે. તેઓ માનતાં હશે કે હું ઘડો ભરીને પાછો વળતો હોઈશ. તેં મારો વધ શા માટે કર્યો? હે ભગવાન, મારી તપસ્યા અને ભક્તિ એ બધું સાવ એળે ગયું! મારાં માવતર એ જાણતાં નથી કે હું અહીંયાં અસહાય અને ઘવાયેલી હાલતમાં પડ્યો છું. તેઓ મારી રાહ જોયા કરશે. અને કદાચ એમને આ ખ્યાલ આવી ગયો હોય, તો પણ તે શું કરી શકવાનાં? તેઓ તો અંધ અને નિઃસહાય છે!’

"'તું કોણ છો? શું તું કોશલનો રાજા તો નથીને? ઓહો! તો તો તારે, રાજાએ ધર્માનુસાર જેની રક્ષા કરવી જોઈએ, તેને માર્યો છે. ઠીક છે, તો રાજા, તું પોતે જ જા અને તેં શું કર્યું છે, તેની તેમને જાણ કર. એમને પગે પડજે અને ક્ષમાની પ્રાર્થના કરજે. તે સિવાય તેમનો ગુસ્સો તને રાખમાં ફેરવી દેશે. સીધો આશ્રમે જા. પેલા રસ્તે આગળ જા. જલદી જઈ અને તારી જાતને બચાવ. આ તીર બહુ ત્રાસ આપે છે. તેને ખેંચી કાઢ અને તું જા એ પહેલાં મને વેદનાથી મુક્ત કર.'

"હું જાણતો હતો કે હું તીરને તેના શરીરમાંથી ખેંચી કાઢું, તેની વેદનાનો જરૂર અંત આવે, પણ લોહીના ધસમસતા પ્રવાહથી તેના જીવનનો પણ અંત આવે. મારા હાથે આવું કરવાનો અસ્વીકાર કર્યો. શું કરવું તે નક્કી ન કરી શકતાં, હું થોડો સમય ઊભો રહ્યો.

"પછી યુવાન તપસ્વીએ કહ્યું: 'તારે જરાપણ અવઢવ રાખવાની જરૂર નથી. મારી વેદનાનો અંત લાવ. હવે મારું મન બહુ સ્પષ્ટ થઈ ગયું છે અને મેં મારી જાત ઉપરનો કાબૂ શાંતિથી મેળવી લીધો છે. હિંમત રાખીને તીરને બહાર કાઢ અને મને જીવનમુક્ત કર.'

"ધીમેથી મેં તીર બહાર કાઢ્યું. જુવાન તપસ્વી જમીન પર પડખું ફર્યો, અને એક નિસાસો નાખી તેની આંખો મારા ઉપર કેન્દ્રિત કરી તેણે અંતિમ શ્વાસ લીધો.”

"મારો આ ગુનો અત્યારે મારો પીછો પકડી રહ્યો છે. જેમનો એકમાત્ર પુત્ર મેં છીનવી લીધો હતો તેવાં અંધ માબાપના વિષાદને ભોગવવાનો અત્યારે મારો વારો છે."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.