સુમંત્ર અને ગુહ આ ત્રણેય આકૃતિઓને દૂર જતી શક્ય તેટલો સમય જોતા ઊભા રહ્યા. આકૃતિઓ જ્યારે અદૃશ્ય થઈ, ત્યારે બંને દુઃખની ગર્તામાં ધકેલાઈ ગયા. તે બંને ગુહના નગરમાં ગયા. થોડા સમય પછી સુમંત્ર અયોધ્યા પાછા જવા નીકળ્યા.
સારથિ જ્યારે પાટનગરમાં પ્રવેશ્યા, ત્યારે તેને બધું વેરાન હાલતમાં, નગરજીવનની રોજિંદી ચહલપહલ વિનાનું લાગ્યું. નગરના કોટના મુખ્ય પ્રવેશદ્વારમાંથી રથ જ્યારે આગળ વધ્યો ત્યારે લોકોનું એક ટોળું તેમને ઘેરી વળ્યું અને ઉત્સુકતાથી પૂછવા લાગ્યું, "તમે રામને ક્યાં સુધી મૂકી આવ્યા? તમે જ્યારે તેમનાથી છૂટા પડ્યા, ત્યારે તેમને કેમ હતું?"
સુમંત્રએ કહ્યું, "પ્રિય અયોધ્યાવાસીઓ, રામ અને લક્ષ્મણ ગંગા પસાર કરી ગયા છે. મને પાછો અયોધ્યા આવવાનો આદેશ આપીને તેઓ વનમાં પગપાળા પ્રવેશી ચૂક્યા છે."
મેદનીમાંથી કરુણ કલ્પાંત સંભળાયું. ઘણા લોકો તો આ વિપત્તિ માટે પોતાના પાપને જવાબદાર માનીને પોતાની જાતને કોસવા લાગ્યા. રથ જેમ જેમ આગળ વધતો ગયો તેમ તેમ રસ્તાની બંને બાજુએ ઊભેલ મહિલાઓ બોલવા લાગી, "જુઓ, આ રથ ગયો ત્યારે રાજકુમારો અને સીતા હતાં, અને હવે ખાલીખમ પાછો આવ્યો છે." પોતે શરમ અનુભવતાં સુમંત્રએ પોતાનાં અંગવસ્ત્રથી ચહેરો ઢાંકીને રથને આગળ હંકાર્યો. દશરથ રાજાના મહેલ પાસે સામેના ભાગમાં રથ રોક્યો અને પોતે નીચે ઊતર્યા.
મહેલના આગળના ચોકમાં એક મોટું ટોળું જમા થઈ ગયું હતું. મહિલાઓ વાતો કરતી હતી; "સુમંત્ર કૌશલ્યાને કેવી રીતે કહી શકશે, કે તે રામને વનમાં મૂકીને પાછા આવી ગયા છે? અને કૌશલ્યા આ ખબર કઈ રીતે સહન કરી શકશે?" વધતી જતી વેદના અને ગડમથલ વચ્ચે સુમંત્ર રાણીવાસમાં દાખલ થયા. રાજા જાણે મરણાસન્ન હાલતમાં હોય તેવા લાગ્યા. હળવેકથી તેમણે રામનો સંદેશો રાજાને સંભળાવ્યો. રાજાએ તે ભગ્ન હૃદયે શાંતિથી સાંભળ્યો. પછી પોતાના આક્રોશને નિયંત્રિત ન કરી શકનાર કૌશલ્યાએ રાજાને કહ્યું, "આપના આદેશનું પાલન કરીને, મારા લાડલા રામને વનમાં છોડીને આપના આ મંત્રી પાછા આવી ગયા છે. આપ શાંત કેમ છો? કૈકેયીને વરદાનો આપવાનું તો બહુ સહેલું અને મનગમતું હતું. હવે તેનાથી શા માટે શરમાઓ છો? આપને ખબર નહોતી કે તમે જે કર્યું હતું તેનું આ જ પરિણામ આવશે? તમે તો તમારા પ્રણને પાળી બતાવ્યું છે. તમને તો તેનો આનંદ હોવો જોઈએ. પણ મારી સાથે મારા દુઃખમાં કોણ સહભાગી થવાનું છે? એ તો મારે એકલી એ જ ભોગવવાનું છે. તમારી આ યાતના કંઈ મારા દુઃખને ઓછું કરી શકવાની નથી.
"તમે પોતે જે કંઈ જાણી જોઈને, સમજપૂર્વક કર્યું છે, તેને માટે દુઃખી થવાની કે દુઃખી લાગવાની કોઈ રીત રસમથી તમે બંધાયેલા નથી. તમે મૂંગા કેમ છો? કૈકેયીને ખોટું લાગે એવા ભયથી તમારાં દુઃખને વ્યક્ત કરવામાં અત્યારે તમારે અંકુશ રાખવાની જરૂર નથી, કારણ કે તે અત્યારે અહીંયાં હાજર નથી. તમે ચોક્કસ સુમંત્ર પાસેથી રામની વિગત પૂછી શકો છો. તમારામાં કોઈ માનવતા નથી બચી? અરે, કુદરતી લાગણીને દબાવી રાખવાનો તમે શા માટે પ્રયાસ કરો છો?"
પોતાનું દુઃખ અને રામ માટેના પ્રેમથી અંધ બનેલી કૌશલ્યા પોતાના પતિના શરીર અને મનની પરિસ્થિતિ પ્રત્યે સાવ નીરસ થઈ ગઈ હતી. દશરથની વેદનાને હળવી કરવાને બદલે તે તેને ઘેરી કરતી હતી.
દશરથે આંખો ખોલી અને સુમંત્રએ રામનો સંદેશો એમના જ શબ્દોમાં યોગ્ય રીતે આપ્યો.
સુમંત્રએ કૌશલ્યાને સાંત્વના આપવાનો પૂરતો પ્રયત્ન કર્યો, પણ તેણે તો બોલવાનું ચાલુ રાખ્યું, "મને રામ છે, ત્યાં લઈ જાઓ અને મૂકી આવો. નાનીશી સીતા રામની સાથે ત્યાં વનની મુશ્કેલીઓ ભોગવી રહી છે. આ વેદના હું સહન કરી શકતી નથી. મારે તો દંડક વનમાં સીતા સાથે રહેવું છે."
સુમંત્રએ ઉત્તરમાં કહ્યું, "મહારાણી, હિંમત રાખો. દુઃખને દૂર કરો. રામ અયોધ્યામાં જેટલા આનંદથી રહેતા હતા, તેનાથી પણ તેઓ વનવાસમાં વધુ આનંદમાં રહે છે. તેમને કોઈ દુઃખ છે જ નહીં. લક્ષ્મણ પણ તેમના પ્રિય ભાઈની નિષ્ઠાપૂર્વકની સેવાનો પરમ આનંદ લઈ રહ્યા છે. એ પણ ખૂબ મજામાં છે. સીતા માટે તો, અહીંના મહેલની જેમ ત્યાંના વનમાં તેનો એકેએક શ્વાસ રામ માટે જ છે અને સીતાને કોઈ ભય કે દુઃખ નથી. કોઈ વનદેવીની જેમ અયોધ્યાના ઉદ્યાન અને ઉપવનમાં આનંદિત રીતે વિહરતાં, તેવી જ રીતે વનની શોભામાં સીતા વિહરે છે. સીતાના ચહેરાની શોભા હજી ઊગતા ચંદ્ર જેવી જ છે. કોઈ વનપંખીની જેમ મુક્ત અને સહજ વિહારમાં તેમનો સોનેરી સમય રામની સાથે તેઓ પસાર કરી રહ્યાં છે. દરેક દૃશ્ય અને દરેક અવાજ જાણે કે નવો આનંદ જન્માવે છે અને રામ અને લક્ષ્મણ સાથેની તેમની વાતોનો મુખ્ય મુદ્દો બને છે.
"ઉઘાડે પગે ચાલીને સીતાના પગ કમળના ફૂલ જેવા રતુમડા થઈ ગયા છે, અને તેને મહેંદીથી રંગવાની જરૂર પડતી નથી. વનમાં તો તે જાણે નર્તન કરતાં જ ચાલે છે. એકમાત્ર ઝાંઝરના ઝમકારની જ ખોટ પૂરી અસરને અવરોધે છે. હું આ જે કાંઈ કહું છું, તે એકદમ સાચું છે. આપે દુઃખી થવાની કોઈ જરૂર નથી.
"તે ત્રણેય જણાં પોતાનો પવિત્ર ધર્મ બજાવી રહ્યાં છે અને દુનિયા સામે એક આદર્શ ઉદાહરણ પૂરું પાડી રહ્યાં છે. તેઓ રાજાના શબ્દોને સાર્થક કરી રહ્યાં છે. તેમનું જીવન સનાતન રીતે યાદગાર બનશે અને વખણાશે. તો પછી આપણે શા માટે દુઃખી થવું જોઈએ?"
આવી વાત સાંભળીને કૌશલ્યા થોડો સમય સ્વસ્થ થતાં. પણ વળી પાછાં તે ફરીથી કલ્પાંત કરતાં, "અરેરે! મારા લાડકા રામ!"
જ્યારે તેમણે રામને વનમાં મૂકીને સુમંત્રને પાછા આવેલા જોયા, ત્યારથી તો જાણે કે તેમનું દુઃખ અનેકગણું વધી ગયું હોય, તેમ લાગતું હતું.
