રામે રાત્રી ભારદ્વાજ મુનિના આશ્રમમાં વિતાવી. સવારે ઊઠીને તેઓએ મહર્ષિને આદરપૂર્વક પ્રણામ કર્યા અને ચિત્રકૂટની ટેકરી તરફ પ્રસ્થાન કર્યું. મુનિએ, જાણે કે તેઓ પોતાનાં જ બાળકો હોય તે રીતે માયાળુ સત્કાર કર્યો. વનમાં તેમણે કયે રસ્તે આગળ વધવું તેની પૂરતી સમજણ આપી અને તેમના શુભાશિષ સાથે તેમને વિદાય આપી. તેઓ મહર્ષિની ભૌગોલિક સમજણ અને માર્ગદર્શનને ચોકસાઈથી અનુસરતા યથાસમયે કાલિંદી નદીને કાંઠે પહોંચ્યા. તેમણે લાકડાના ટુકડા, વાંસ અને વૃક્ષના વેલાની મદદથી તરાપો બનાવ્યો. લક્ષ્મણે સીતાને બેસવા માટે નાની ડાળખીઓ અને પાંદડાંની મદદથી આસન બનાવ્યું. નદી ઉપરની યાત્રા સલામતીપૂર્વક પસાર થઈ. નદીના મધ્ય વહેણમાં સીતાએ નદીમાતાને પ્રાર્થના કરી કે રામનું પ્રણ જળવાઈ રહે અને ત્રણેય જણ હેમખેમ અયોધ્યા પરત થઈ શકે.
થોડા નાના જળપ્રવાહોને પસાર કરતાં કરતાં તેઓ એક વિશાળ વડ નીચે આવ્યાં. ભારદ્વાજ ઋષિએ તેનું વર્ણન કર્યું હતું. આ વડ નીચે પણ સીતાએ ફરી પ્રાર્થના કરી: "હે પવિત્ર વૃક્ષદેવ, મારા પતિનું પ્રણ પરિપૂર્ણ થાય અને હું કૌશલ્યા માતા અને સુમિત્રા માતાનાં દર્શન કરી શકું એવા કૃપાશીષ આપો!"
રામે લક્ષ્મણને આગળ ચાલવા અને સીતાને તેની પાછળ ચાલવા અને પોતે છેલ્લે ચાલશે તેવી સૂચના આપી. તેમણે કહ્યું, "રસ્તામાં સીતા જે કોઈ ફળ કે ફૂલને જોઈને તેની ઇચ્છા કરે, તો તેને આપવાં અને તેના ઉત્સાહને ટકાવી રાખવો."
રસ્તામાં સીતા આતુરતા અને જિજ્ઞાસાથી છલકાતાં હતાં. વનનાં વૃક્ષો અને વેલીઓ અને વનજીવનના વિવિધ સૌંદર્યથી અભિભૂત સીતા અનેક પ્રશ્નો પૂછતાં હતાં.
આ પદયાત્રા એમણે ખૂબ જ માણી અને નદીને કાંઠે જ રાત્રી વિશ્રામ કર્યો.
આ પ્રસંગે તેમજ પછી પણ બીજા સંદર્ભે રામ અને લક્ષ્મણ શિકાર કરીને કઈ રીતે ખોરાક મેળવતા તેનું વાલ્મીકિએ વર્ણન કર્યું છે. તે બહુ જ સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે કે તે ત્રણ વનવાસીઓએ મોટાભાગે માંસ ઉપર જ ગુજારો કરવો પડતો હતો. કેટલાક સજ્જનોને આ બાબતની તકલીફ થતી હોય છે. પણ ક્ષત્રિયો માટે માંસનો આહાર વર્જ્ય નહોતો. હકીકતે તો ભારતમાં પારંપરિક રીતે પ્રાપ્ત કરેલો અને બલિદાન માટે વિધિપૂર્વક સ્વીકારેલો કોઈ પણ ખોરાક માન્ય રાખવાની પહેલેથી જ પ્રણાલી રહેલી છે. રામ ક્ષત્રિય હતા અને જંગલમાં પણ તે સંયમી ક્ષત્રિય તરીકે જ રહેતા હતા.
બીજે દિવસે સવારે રામે લક્ષ્મણને જગાડ્યા અને કહ્યું, "જો, સાંભળ, પક્ષીઓ ઊગતા સૂરજને વધાવે છે. આપણે હવે આગળ જવાનો સમય થઈ ગયો છે."
લક્ષ્મણે વનવાસનો આખો સમય ખોરાક અને ઊંઘ વગર પસાર કર્યો હતો એવી લોકવાયકા વાલ્મીકિમાં મળતી નથી. કેટલીકવાર લક્ષ્મણ થાકને લીધે વહેલા ન ઊઠી શકતા ત્યારે રામે તેમને ઘોર નિદ્રામાંથી જગાડવા પણ પડતા! તેમણે સવારની સંધ્યાપૂજા કરી અને ભારદ્વાજ ઋષિએ દર્શાવેલા માર્ગ ઉપર પ્રયાણ શરૂ કર્યું. ઉનાળાની ઋતુ હતી અને વૃક્ષો છોડવાઓ વિવિધરંગી ફૂલોથી ભરચક હતા. ડાળીઓ, ફળો અને ફૂલોના ભારથી લચકી પડતી હતી. રામ અવારનવાર સીતાનું ધ્યાન વનના સૌંદર્ય તરફ દોર્યા કરતા હતા અને કહેતા, "માનવીય અવરોધ વગરનું આ અપ્રદૂષિત વન કેટલું સુંદર લાગે છે! પેલા ટિંગાતા મધપૂડા જો! અને આ બધી જમીન ખરેલાં ફૂલોથી કેવી છવાઈ ગઈ છે! પક્ષીઓને સાંભળ! તે અંદરોઅંદર સુંદર કલરવ કરીને કેવી મજા કરે છે! આપણને જો હંમેશાં આવાં જ દૃશ્યો જોવા મળે અને કલરવ સાંભળવા મળે તો આપણું જીવન ખરેખર સુખમાં જ વીતે."
એટલામાં તેમણે થોડે દૂર ચિત્રકૂટની ટેકરી જોઈ. તે બધા આનંદમાં આવી ગયા અને વધુ ઝડપથી ચાલવા લાગ્યા. "આ પ્રદેશ કેટલો બધો રમણીય છે!" રામે આશ્ચર્ય વ્યક્ત કર્યું. "અહીંના વનમાં બહુ મજાનાં ખાદ્ય કંદ, મૂળ અને ફળો દેખાય છે. પાણી સ્વચ્છ અને મીઠું છે. આ વનમાં ઋષિઓ તેમના આશ્રમોમાં રહે છે અને તેમની પવિત્ર સંગતિમાં આપણે જરૂર બહુ સુખી જીવન અહીં ગાળી શકીશું."
એક જગ્યાએ તેમણે પોતાનો આશ્રમ બનાવવા તેઓ આગળ વધ્યા. લક્ષ્મણ બહુ હોશિયાર કારીગર હતા. તેમણે તરત જ એક મજબૂત, સુવિધાપૂર્ણ, આબોહવાથી આરક્ષિત અને સુગમ કુટીર બનાવી. માટીના ગારાની બનેલી, વાંસ અને વનની બીજી જરૂરી વસ્તુઓથી બનેલાં બારણાં અને બારીઓથી સજ્જ આ ઝૂંપડી લક્ષ્મણે એકલે હાથે નિર્માણ કરી.
આ પ્રસંગના વર્ણનમાં કંબન અને વાલ્મીકિ જાણે કે એકબીજા સાથે હરીફાઈ કરતા હોય તેવું લાગે છે. કંબન કહે છે કે લક્ષ્મણે જ્યારે કુટીર નિર્માણ પૂરું કર્યું, ત્યારે રામે તેને અશ્રુભીની આંખે આલિંગન આપ્યું અને તેને પૂછ્યું, "તું આ બધું ક્યારે અને કેવી રીતે શીખ્યો?" આ દૃશ્યની ભાવુકતા બધા અનુભવી શકે એમ છે.
કંબનના વર્ણન મુજબ રામે હર્ષાશ્રુવાળી આંખોથી આગળ કહ્યું, "મિથિલાની રાજકુમારી તેના ફૂલ જેવા કોમળ પગ સાથે વનની પથરાળ ભૂમિ પર અત્યાર સુધી ચાલી છે. તેના પગે જો એક કૌતુક સર્જ્યું હોય, તો લક્ષ્મણ! તારા હાથે પણ આ કુટીર નિર્માણનું બીજું કૌતુક સર્જ્યું છે. વિપત્તિમાં પણ રહેલી પ્રાપ્તિને પણ આજે મેં માણી છે." અહીં, ચિત્રકૂટની સુંદર ટેકરીની બાજુમાં, માલ્યાવતી નદીને કાંઠે આ કુટિરમાં આ ત્રણેય વનવાસીઓ તેમની રોજિંદી ધાર્મિક દિનચર્યા સાથે સુખ ચેનમાં રહેવા લાગ્યાં. તે ભૂલીજ ગયાં કે તેઓ દેશ વટે અહીં આવ્યાં હતાં. આથી સ્વર્ગમાં દેવતાઓથી ઘેરાયેલા ઇન્દ્રની જેમ તેઓ તેમનો સમય આનંદથી પસાર કરવા લાગ્યા.
ચિત્રકૂટનું આ સુખી જીવન આ ત્રણેયના હવે પછી આવનાર દુઃખો અને વિપત્તિઓ સામેની જાણે કે આશ્ચર્યજનક પશ્ચાત્ ભૂમિકા બની જાય છે.
