રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-19

Chapter 19 · પ્રકરણ ૧૯

એકલા અટૂલા

વનવાસ ના ઉંબરે
વનવાસ ના ઉંબરે

તમસા નદીને કાંઠે સૂઈ ગયેલા નગરજનો સવારે જાગ્યા અને આજુબાજુ જોવા લાગ્યા. તેમને નવાઈ લાગી કે રામ અને રથ અદૃશ્ય થઈ ગયા હતા. રથના ચીલાઓને તેમણે તપાસ્યા તો તેમને નિરાશા થઈ કે રથના ચીલા પાટનગરના રસ્તે થોડે સુધી જતા દેખાતા હતા.

તે બધા પોતાને ઘેર પાછા વળ્યા અને કૈકેયીને ભાંડવામાં સંતોષ લેવા માંડ્યા. રામ વગર શહેર નિસ્તેજ અને ગ્લાનિના ભારથી છવાયેલું લાગતું હતું.

સુમંત્ર અને રાજકુમારોએ તમસા નદી વહેલી પરોઢથી પણ પહેલાં પસાર કરી હતી અને વનમાં લાંબું અંતર કાપ્યું હતું. ઘણાં ઝરણાંઓને પસાર કરીને તે બધા કોશલ રાજ્યની દક્ષિણ સીમા નજીક પહોંચ્યા હતા. પ્રવાસ દરમ્યાન રામે સુમંત્રને કહેલું, "સરયૂના આ જંગલોમાં હું પાછો મૃગયા કરવા ક્યારે આવીશ એની મને નવાઈ લાગે છે. રાજકુમારો માટે શિકાર માટે જવું સારું કહેવાય? કદાચ, હા — પણ પ્રમાણસર હોય તો."

આમ જુદી જુદી ઘણી વાતો કરતા તેઓ આગળ વધે જતા હતા. જ્યારે તેઓ રાજ્યની દક્ષિણ સીમાએ પહોંચ્યા, ત્યારે રામે રથ અટકાવ્યો અને અયોધ્યા તરફ પાછા ફરીને નતમસ્તકે પ્રાર્થના કરી: "ઓ નગર શ્રેષ્ઠ મણિરત્ન! ઇક્ષ્વાકુ વંશની પ્રાચીન રાજધાની! શું હું મારા વનવાસનું પ્રણ પૂરું કરીને મારા પિતા, માતા અને તમને પાછા મળવા જીવતો રહીશ? આ સર્વોચ્ચ આનંદ આપવાની મારા ઉપર કૃપા કરજો."

રથ ગંગા કાંઠે પહોંચ્યો. કાંઠે કાંઠે તેઓ આગળ વધતા ગયા અને નદીના સૌંદર્યથી અભિભૂત થતા ગયા. એક અપ્રતિમ સૌંદર્યવાળી જગ્યા જોઈને રામે કહ્યું, "આ રાત્રી આપણે અહીં વિતાવીશું."

અશ્વોને રથમાંથી છૂટા કરીને તે બધા એક ઝાડ નીચે બેઠા. એ વિસ્તારના મુખિયા ગુહને તેમના માણસો તરફથી જાણ થઈ હતી કે રામ કદાચ ત્યાંથી પસાર થાય. એટલે ગુહ તેના રસાલા સાથે રામ અને લક્ષ્મણને સત્કારવા આવ્યો હતો. કોશલ રાજ્યપરિવાર અને રામને માટે તેના મનમાં અગાધ પ્રેમ હતો. ગંગા નદીને કાંઠે તે વિસ્તારમાં રહેતી જનજાતિઓના વડા તરીકે તે બહુ પ્રતિષ્ઠિત અને સમર્થ નેતા તરીકે જાણીતો હતો. હજી ગુહ તેમની બહુ નજીક પહોંચ્યો નહોતો તે પહેલાં જ રામ તેને મળવા ઊભા થઈ ગયા. ગુહે હાર્દિક આલિંગન આપીને તેમનું સ્વાગત કર્યું અને કહ્યું, "આ ભૂમિને તમે તમારી જ હોય એમ માનજો. અયોધ્યા જેટલી તમારી છે, તેટલી જ આ જગ્યા પણ તમારી છે. આપના જેવા અતિથિ અહીંયાં આવે તેવી આશા કેવી રીતે રાખી શકાય? ખરેખર આ મારું મોટું ધન્યભાગ્ય છે." ગુહે ભવ્ય સત્કારની બધી તૈયારીઓ કરી રાખી હતી. તેણે કહ્યું, "મારાં રજવાડાંમાં આપ ઘર જેવોજ આનંદ પામશો. આપનાં પુરેપૂરાં ચૌદ વર્ષ આપ અહીં અમારી સાથે જ પસાર કરો. હું ખાતરી આપું છું કે આપને અહીં કોઈ ઊણપ નહીં લાગે. આપની કાળજીપૂર્વક સેવા કરવામાં મને ખૂબ જ આનંદ અને વિશેષ અધિકાર મેળવ્યાનો ગર્વ થશે. કૃપા કરીને મારી યજમાનગીરીનો આપ સૌજન્યપૂર્વક સ્વીકાર કરો." ગુહને ફરીથી ઉષ્માપૂર્વકનું આલિંગન આપીને રામે કહ્યું, "બંધુ, આપનો મારા માટેનો કેટલો પ્રેમ છે, તે હું બરોબર જાણું છું. આપની ઇચ્છા પોતે જ આપે આપેલી યજમાનગીરીનો અનુભવ કરાવે છે. પણ હું મારા પ્રણથી બંધાયેલો છું અને આનાથી વધુ કાંઈ હું સ્વીકારી શકતો નથી. હું વનમાં વસવાટ કરવા આવ્યો છું, કોઈ મુખિયાની મહેમાનગતી માણવા નહીં. આ અશ્વો મારા પિતાજીના બહુ માનીતા છે. કૃપા કરી તેમને યોગ્ય ખોરાક આપો. અમને તો સાદો ખોરાક અને રાત્રી દરમ્યાન વિશ્રામ મેળવવાનો સંતોષ થાશે."

તે રાત્રિએ તેમણે એક ઝાડ નીચે વિશ્રામ કર્યો. ગુહ અને લક્ષ્મણ, સુમંત્ર સાથે વાતચીત કરતાં રાતજાગો કર્યો. ગુહે લક્ષ્મણને કહ્યું, "બંધુ, તમે જાઓ અને આરામ કરો. તમારે માટે પણ પથારી તૈયાર રાખી છે. મારા માણસો પૂરતી ચોકી કરશે. મારાથી અજાણ્યા જંગલમાં પણ કોઈની કંઈ પણ કરી શકવાની હિંમત નથી. રામ અંગેની ચિંતા ન કરો અને સૂઈ જાવ."

લક્ષ્મણે ઉત્તર આપ્યો, "ગુહ, મને ઊંઘ કેવી રીતે આવે? મહાન જનક રાજાની પુત્રી અને મહાન દશરથ રાજાના પુત્રવધૂ સીતા અહીં ઉઘાડી જમીન ઉપર સૂતાં છે. પરમ પુરુષોત્તમ પોતે, જે ત્રણેય ભુવનને નિયંત્રિત કરી શકે, તે ઘાસ ઉપર લાંબા થઈને સૂતા છે. આ બધું જોનાર મને ઊંઘ કેવી રીતે આવે?"

"મને નવાઈ તો એ વાતની લાગે છે કે અત્યારે અયોધ્યાનું શું થતું હશે? રાણીઓના મહેલમાંથી કરુણ કલ્પાંત સંભળાતું હશે? મને તો એ પણ શંકા છે કે આ ક્ષણે કૌશલ્યા માતા અને મારી માતા જીવતાં હશે કે નહીં. ભલે મારા પિતાજીએ 'વનવાસે જાઓ' એમ રામને કહેવાની શક્તિ ગમે તેમ મેળવી હોય, તો પણ મને શંકા છે કે તેમના વનવાસગમનને વાસ્તવિક બનતું જોવાની જરૂરી શક્તિ તે પ્રાપ્ત કરી શક્યા હોય. અને જો તેમનો દેહત્યાગ થયો હોય તો અમારી માતૃશ્રીઓએ પણ જીવનત્યાગ કર્યો હોઈ શકે. અને તો અમે અહીંયા પરલોકે સિધાવનાર સ્વજનોની અંત્યેષ્ટીના વિશેષ અધિકારથી પણ વંચિત થઈ ગયા છીએ.

"કોઈ પણ સંજોગોમાં, અમે જ્યારે વનવાસની અવધિ પૂરી થયા પછી જ્યારે પાછા અયોધ્યા જશું ત્યારે, અમારા પિતા અને માતાઓ પોતે અમારો સત્કાર કરી શકે એવી કોઈ શક્યતા દેખાતી નથી."

દુઃખથી પીડિત એવા લક્ષ્મણે આમ કહ્યું. ગુહની આંખોમાં આંસુ છલકાયાં. આમ રાત્રી આવી વાતચીતમાં વીતી. વળતી સવારે રામે લક્ષ્મણને કહ્યું, "આપણે હવે અત્યારે જ નદી પસાર કરવી જોઈએ. આ વિશાળ નદીને પસાર કરવા કોઈ મોટી હોડી તૈયાર રાખવાનું ગુહને જણાવો." આમ કરવાની સૂચના ગુહે તેના માણસોને આપી અને રામને જાણ કરી.

સુમંત્ર નતમસ્તકે રામના હવેના આદેશને જાણવા રામ પાસે ઊભા રહ્યા.

સુમંત્રની નિઃશબ્દ વેદનાને રામ સમજતા હતા, એટલે સુમંત્રના ખભે હાથ મૂકીને તે બોલ્યા, "સુમંત્ર, હવે ઝડપથી અયોધ્યા પરત થાઓ અને મહારાજના સાંનિધ્યમાં પહોંચી જાઓ. તમારી જવાબદારી હવે એમની સંભાળ લેવાની છે."

સુમંત્રએ વિષાદપૂર્વક કહ્યું, "હે રામ, જ્ઞાન, સંસ્કાર અને આત્મસુધારણાનું કોઈ મૂલ્ય જ નજરે પડતું નથી. આપ અને આપના ભાઈ અને વૈદેહી વનમાં વસવાટ કરવા જઈ રહ્યાં છો. અમારાં ભાવિનું શું થશે? કૈકેયીના રાજ્યમાં અમારી શું વલે થાશે?" તે હવે નાના બાળકની જેમ રડી પડ્યા.

તેની આંખમાંથી આંસુ લૂછતાં રામ બોલ્યા, "અમારા પરિવારે તમારા કરતાં વધુ ખાનદાની હોય એવો કોઈ બીજો મિત્ર જોયો નથી. તમારું પહેલું કામ મારા પિતાજીને સાંત્વના આપવાનું છે. તેમનું હૃદય દુઃખથી ભેદાયેલું છે. તેમનો ગમે તેવો આદેશ હોય, તેનો જવાબદારીપૂર્વક અમલ કરજો. એમનો આદેશ પોતાનો છે, કે કૈકેયીને રાજી રાખવાના આશયથી અપાયો છે, એ અંગે તમે પોતાની જાતને પ્રશ્નો ના કરતા. તેમને માનસિક તકલીફ આપવાનું ટાળજો. અમારી બાબતમાં કોઈ પણ આતુરતા રાખવાની જરૂર નથી.

"મારા ઉંમરલાયક પિતા, જેમણે અત્યાર સુધી ક્યારેય પણ આવી યાતના ભોગવી નથી, તેમને મારા વતી મારી વાત પહોંચાડજો. તમે મને જેમ અગાઉ કરતો જોયો છે, તેમ તેમના પગ પકડીને મારા તરફથી ખાતરી આપજો કે હું, લક્ષ્મણ કે સીતા — અમે કોઈ — અયોધ્યાથી બહુ દૂર વનવાસે મોકલેલ હોવાને લીધે કોઈ પણ વેદના કે નિરાશા અનુભવતા નથી. અમે તો ચૌદ વર્ષનો વનવાસ સુખની પાંખે ઝડપથી પસાર કરવાની આશા સેવીએ છીએ. અને પછી અમે જરૂર તેમની ચરણ વંદના કરીને તેમના આશીર્વાદ મેળવવા પાછા ફરશું. મારી માતા કૌશલ્યાને મારી પ્રેમભરી યાદગીરી પહોંચાડજો અને તેને કહેજો કે તેમના આશીર્વાદની છત્રછાયામાં અમે સુખી છીએ. આવોજ સંદેશો સુમિત્રા માતાને પણ આપજો, ખાસ તો કૈકેયી માતાને, જેથી અમે ત્યાંથી ગુસ્સે થઈને વિદાય લીધી છે એવું તેમને ન લાગે. મહારાજાને મારી પ્રાર્થનાપૂર્વકની અરજ પહોંચાડજો કે તેઓ ભરતના રાજ્યાભિષેકમાં વિલંબ ન કરે, જેથી મારી ગેરહાજરીમાં ભરત તેમને ધરપત પૂરી પાડે."

પણ સુમંત્ર પોતાની વેદનાને અંકુશમાં રાખી શકે તેમ નહોતા. તે તાડૂક્યા, "હું કેવી રીતે પાછો જાઉં અને ક્યા શબ્દોથી આશ્વાસન આપી શકું?" એણે જ્યારે ખાલી રથ તરફ જોયું, ત્યારે રુદન ચાલુ થયું અને બોલ્યો, "તમારા વગરનો આ રથ જે અવાવરુ થઈ ગયો છે, તેને હું કઈ રીતે હંકારું?"

ફરીવાર રામે સુમંત્રને આશ્વાસન અને ઢાઢસ બંધાવતા શબ્દો કહ્યા અને ધીરજપૂર્વક પોતાની ફરજ પૂરી કરવા સમજાવ્યો. અંતે રામે સુમંત્રને ઘેર પાછો મોકલ્યો. "ગુહ," રામે કહ્યું, "તમે જેમ ઇચ્છો છો તેમ જરૂર ચૌદ વર્ષ તમારા રાજ્યમાં હું ગાળી શકું. પણ તેનાથી મારા પ્રણની પરિપૂર્તિ થઈ શકશે? મેં મારા પિતાજીના વચનને પાળવા અયોધ્યાની વિદાય લીધી છે. એટલે મારે તપસ્વીનું જીવન જ પસાર કરવાનું છે. મારે કુશળતાપૂર્વક રાંધેલી અને પીરસેલી ચટાકેદાર વાનગીઓનો સ્પર્શ પણ કરવાનો નથી. અમારે તો ફળો, કંદમૂળો અને યજ્ઞના અગ્નિમાં ભોગ ધરવા માટે સ્વીકાર્યં માંસ ઉપરજ ગુજારો કરવાનો છે."

ગુહને આમ સમજાવીને બંને ભાઈઓએ વડના દૂધથી તેમના વાળને જટામાં ગૂંથ્યા. તેમણે પહેલાં સીતાને હોડીમાં બેસાડ્યાં અને પછી બંને ભાઈઓએ હોડી ઉપર સ્થાન લીધું. ગુહે નાવિકને નદી પાર કરવાનો આદેશ આપ્યો. નાવિકે તેમને ઝડપથી સામે કાંઠે પહોંચાડ્યાં. નદીના મધ્ય વહેણ વખતે સીતાએ ગંગા દેવીને પ્રાર્થના કરી, "હે દેવી, અમને અમારાં વચન પૂર્ણ કરવામાં અને અમારી માતૃભૂમિ હેમખેમ પાછા ફરવામાં અમને મદદ કરીને કૃપા કરજો." ગંગાને સામે કાંઠે પહોંચ્યા પછી પહેલી જ વાર, ત્રણેય જણાં બીજા કોઈ સાથી કે સેવક વગર એકલા અટૂલા ગંગા કાંઠે ઊભાં રહ્યાં!

"લક્ષ્મણ, તમે મારા એકમાત્ર સશસ્ત્ર રક્ષક છો," રામ બોલ્યા. "તમે આગળ રહેજો. સીતા તમારી પાછળ ચાલશે. અને હું તમારા બંનેની પાછળ ચાલીશ. વનના જીવનની મુશ્કેલીઓથી સીતાને આપણે બચાવવા શક્ય બધા પ્રયત્નો કરવા જ પડશે. હવે પછીથી આપણા માટે કોઈ સાથી કે મનોરંજન કે ગમ્મત નહીં હોય." કૌશલ્યા માતાના વિચારોએ રામના મનનો કબજો લઈ લીધો હતો.

"લક્ષ્મણ, તારે પાછા અયોધ્યા જઈને કૌશલ્યા માતા અને સુમિત્રા માતાની સંભાળ લેવી જોઈએ, એવું તને નથી લાગતું? મારા વનજીવનનો તો હું ગમે તેમ મેળ પાડી લઈશ," રામ બોલ્યા.

લક્ષ્મણે ઉત્તર આપ્યો, "ભાઈ, મને માફ કરો. હું પાછો અયોધ્યા જવાનો નથી." રામ પણ ખરેખર કોઈ બીજા ઉત્તરની અપેક્ષા રાખતા નહોતા.

આવી રીતે આપણે અવારનવાર માનવીય સંવેદનાને ઊભરતી હવે પછીથી પણ જોઈશું. દિવ્ય રાજકુમારો પણ દુઃખ અનુભવે છે અને સામાન્ય માણસની જેમ સંવાદ પણ કરે છે. 'રામાયણ'ની આ જ તો દિવ્ય ચમત્કૃતિ છે. પરમેશ્વર પોતે જ સર્વસત્તાધીશ હોય અને પોતે જ બધું કરતા હોય, તો પછી અવતાર માટેની કોઈ જરૂરિયાત કે અવકાશ જ ક્યાં છે? અને તો પછી સામાન્ય માણસ માટે ધર્મની પ્રતિષ્ઠા કઈ રીતે થઈ શકે?

અગાઉના અવતારો અને પછીના અવતારો વચ્ચે આ જ તો મુખ્ય તફાવત છે. રામાવતારમાં માનવ વર્તણૂકનો પ્રવાહ અને તેને અનુશાસિત કરનાર ધર્મ — એ બંને એકબીજાની સાથે જ જોડાયેલાં છે. વાલ્મીકિએ આ તથ્ય એકદમ સ્પષ્ટ કર્યું છે.

રાવણ સાથેનું યુદ્ધ પૂરું થયા પછી સીતાની અગ્નિપરીક્ષા વખતે બીજા દેવો સાથે પ્રગટ થયેલા બ્રહ્માને સંબોધીને સીતાની અગ્નિપરીક્ષા દ્વારા તેની પવિત્રતાનો પુરાવો માગવાના વિચારને રામ ધુત્કારે છે.

"હું મારી જાતને દશરથ રાજાના પુત્ર અને એક સામાન્ય માનવી — રામ — તરીકે ઓળખું છું. વાસ્તવિકતામાં હું કોણ છું, કઈ જગ્યાનો વતની છું, મેં જન્મ શું કામ લીધો, આ બધાં વિશે આપે મને જ્ઞાન આપીને પ્રકાશિત કરવો પડશે. હું આ કંઈ જાણતો નથી."

રામ જ્યારે માતાઓને પાછળ મૂકીને આવેલા હોવાના દુઃખમાં ડૂબી ગયા હતા, ત્યારે લક્ષ્મણે પ્રેમાળ શબ્દોથી હિંમત અને આશા ટકાવી રાખવાની સંભાળ લીધી.

તે રાત્રી તેમણે વડના વૃક્ષ નીચે પસાર કરી અને બીજે દિવસે વહેલી સવારે ભારદ્વાજ મુનિના આશ્રમે જવા પ્રસ્થાન કર્યું. તેઓ સંધ્યા સમયે ત્યાં પહોંચ્યા.

ઋષિના આશ્રમમાં તેમનો આતિથ્યસત્કાર સ્વીકારીને, વનમાં તેઓ શાંતિથી બધો સમય કઈ જગ્યાએ પસાર કરી શકે તે અંગેની ઋષિની સલાહ માગી અને તે મુજબ તેમના આશીર્વાદ મેળવીને તેઓ ચિત્રકૂટ તરફ રવાના થયા.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.