ગંગા નદીની ઉત્તર દિશામાં કોશલ નામનું મહારાજ્ય આવેલું હતું. સરયૂ નદીના પાણીથી રાજ્યની જમીન એકદમ ફળદ્રુપ હતી. અયોધ્યા તેનું પાટનગર હતું. સૂર્યવંશના પ્રતાપી રાજા મનુએ અયોધ્યા બંધાવેલું. વાલ્મીકિ ઋષિએ કરેલા વર્ણન મુજબ કોશલની આ રાજધાની — આ પૌરાણિક અયોધ્યા — આપણાં આધુનિક મોટાં શહેરો કરતાં જરા પણ ઊણું ઊતરે એવું શહેર નહોતું. પ્રાચીન ભારતમાં પણ શહેરી સંસ્કૃતિ તેની ચરમસીમાએ પહોંચી હતી. રાજધાની અયોધ્યાથી દશરથ રાજા સામ્રાજ્ય ઉપર શાસન કરતા હતા. દેવોના પક્ષે તે અનેક યુદ્ધો લડ્યા હતા. તેમની યશોગાથા સમગ્ર બ્રહ્માંડ અને ત્રણેય લોકમાં ફેલાયેલી હતી. દશરથ રાજા ઇન્દ્ર અને કુબેરના સમકક્ષ હતા. કોશલની પ્રજા સુખી, સંતોષી અને ગુણવાન હતી. શક્તિશાળી સેના રાજ્યનું રક્ષણ કરતી હતી. આને લીધે કોઈ દુશ્મનો રાજ્યની નજીક ફરકી શકતા ન હતા. અયોધ્યાની ફરતે કિલ્લો અને પાણીની ખાઈ જેવાં રક્ષણાત્મક બાંધકામ હતાં અને ખરેખર એના નામ મુજબ અયોધ્યા બધા દુશ્મનોને હંફાવતી હતી. (અયોધ્યાનો અર્થ "જેને યુદ્ધમાં જીતી ન શકાય" એવો થતો હતો.)
રાજા દશરથના મંત્રીમંડળમાં આઠ પ્રબુદ્ધ સભ્યો હતા. રાજાનું માર્ગદર્શન અને તેના હુકમોનું પાલન કરવા તેઓ સદા તત્પર રહેતા. વશિષ્ઠ અને વામદેવ જેવા સમર્થ ઋષિઓ ઉપરાંત વિદ્વાન બ્રાહ્મણો ધર્મ, ધાર્મિક ક્રિયાઓ અને યજ્ઞના આયોજનમાં પ્રવૃત્ત રહેતા. રાજ્યના લોકોને મહેસૂલ બહુ ઓછું આપવું પડતું અને ગુના માટેની સજા ગુનેગારની ક્ષમતા મુજબ કરવામાં આવતી હતી. શ્રેષ્ઠ સચિવો અને વિચક્ષણ મંત્રીઓને લીધે દશરથ રાજાની કીર્તિ ઊગતા સૂર્યની જેમ ફેલાતી જતી હતી.
આમ ઘણાં વર્ષો સુખ-શાંતિમાં પસાર થયાં, પણ આ સમૃદ્ધિ વચ્ચે દશરથ રાજાને એક અફસોસ હતો — તેમને કોઈ પુત્ર ન હતો!
એકવાર ઉનાળાના શરૂઆતના દિવસો દરમિયાન તેમને પુત્રપ્રાપ્તિ માટે યજ્ઞ કરવાનો વિચાર આવ્યો. તેમણે ધાર્મિક ગુરુઓની સલાહ લીધી અને તે મુજબ યજ્ઞના પુરોહિત તરીકે ઋષ્યશૃંગ ઋષિને નિમંત્રણ આપ્યું. યજ્ઞનું ભવ્ય આયોજન થયું. તે સમયના ઘણા મહાન રાજાઓને આમંત્રણ આપવામાં આવ્યું. આવા યજ્ઞને સંપન્ન કરવો સહેલું કામ નહોતું. યજ્ઞનું સ્થળ અને અશ્વ-બલિદાનની યજ્ઞવેદી નિર્ધારિત કરવામાં બહુ ઝીણવટભરી કાળજી લેવી પડતી હતી, કારણ કે આ બધું નિયત આદેશો મુજબ ચુસ્તપણે કરવામાં આવતું હતું. બધી વ્યવસ્થા શાસ્ત્ર મુજબ કરવા માટે વિદ્વાન પંડિતોનું માર્ગદર્શન લેવામાં આવતું. આ યજ્ઞની તૈયારી એટલે એક નવા યજ્ઞનગરની સ્થાપના કરવાની હોય એટલો પરિશ્રમ લેવાનો હતો.
હજારો નિમંત્રિતો, જેમાં સમગ્ર દેશમાંથી રાજાઓ, મહાન સંતો અને ઋષિઓનો સમાવેશ થતો હતો, તેમની શ્રેષ્ઠ આગતા-સ્વાગતા અને મનોરંજનની પૂરતી તૈયારી કરવાની હતી. ટૂંકમાં, તે યુગમાં આવા યજ્ઞ આપણા અત્યારના રાજકીય આયોજનવાળા મોટા મેળાવડાઓ અને પ્રદર્શનો જેવા હતા. બધી તૈયારી સંતોષકારક રીતે પૂરી થઈ એટલે સંપૂર્ણ શાસ્ત્રોક્ત રીતે યજ્ઞનો પ્રારંભ થયો.
અયોધ્યાના આ યજ્ઞની સાથોસાથ સ્વર્ગમાં દેવતાઓની મહાસભા મળેલી. બધા દેવતાઓએ બ્રહ્માજીને ફરિયાદ કરી કે રાક્ષસોમાં સમ્રાટ જેવો રાવણ તેઓને અસહ્ય દુઃખ અને વિટંબણા આપતો હતો. બ્રહ્માજીએ રાવણને આપેલા અભયવચનના આશીર્વાદથી તેને નવા સામર્થ્યનો નશો ચડ્યો હતો. દેવોએ બ્રહ્માજીને વિનંતી કરી, "રાવણને જીતવો, કાબૂમાં લેવો કે તેનો વધ કરવો એ અમારા સામર્થ્યની ઉપરવટની હકીકત છે. આપે રાવણને આપેલા અભયવચનને લીધે તે એકદમ વધુ દુષ્ટ અને ગર્વિષ્ઠ થઈ ગયો છે, અને અમારી સાથે તો ઠીક, પણ સ્ત્રીઓની સાથે પણ દુષ્ટ વ્યવહાર કરે છે. તેની ઇચ્છા ઇન્દ્રને પદભ્રષ્ટ કરવાની છે. અમારે માટે માત્ર આપ જ આશ્રયરૂપ છો. આપ એવો કોઈ ઉકેલ શોધો જેથી રાવણનો વધ થઈ શકે અને તેની જોહુકમી નાશ પામે."
બ્રહ્માજી જાણતા હતા કે તેમણે રાવણને વરદાન આપ્યું હતું. રાવણની પ્રાર્થના મુજબનું આ વરદાન એવું હતું કે તે દેવો, અસુરો અને ગંધર્વો અને એવા બીજા વિરોધીઓ સામે અજેય અને અપરાજિત રહે. ઘમંડના નશામાં રાવણે માનવજાતિ સામે સલામતીની પ્રાર્થના કરવાની દરકાર કરી ન હતી.
રાવણ ના ઘમંડ ને કાબુ માં લેવા અને અંતે રાવણનો નાશ કરવા માટે ના એક શકવર્તી અપવાદને જ્યારે બ્રહ્માજીએ બધા દેવો સમક્ષ ખુલ્લો કર્યો, ત્યારે બધા દેવતાઓ ખૂબ આનંદમાં આવી ગયા અને વિષ્ણુના સંપર્ક માટે ગયા.
શ્રી હરિની સંપૂર્ણ શરણાગતિ સ્વીકારીને દેવોએ શ્રી હરિને યાચના કરી કે તેઓ મનુષ્યરૂપે અવતરે અને રાવણ અને તેના અત્યાચારનો અંત લાવે. શ્રી હરિ સંમત થયા અને દેવોને વચન આપ્યું કે રાજા દશરથના ચાર પુત્રો તરીકે તેઓ અવતાર લેશે. બરોબર ત્યારે જ દશરથ રાજા પુત્રકામેષ્ટિ યજ્ઞમાં પ્રવૃત્ત હતા.
યજ્ઞની આહુતિમાં જેવું ઘી હોમાતું હતું અને અગ્નિની જ્વાળા ઉપર ઊઠતી હતી, ત્યારે જ જ્વાળાઓમાંથી એક ભવ્ય આકૃતિ દેખાઈ. મધ્યાહ્નના સૂરજ જેવી એની દિવ્ય આભા હતી અને તેના હાથમાં એક સુવર્ણપાત્ર હતું. દશરથ રાજાને નામથી સંબોધન કરીને તેણે કહ્યું, "દેવો આપનાથી પ્રસન્ન છે અને આપની પ્રાર્થનાનો તેમણે ઉત્તર આપ્યો છે. આપની રાણીઓ માટે દેવોએ મોકલેલ 'પાયસમ' (ખીર) આ રહ્યું. તેઓ આ પ્રસાદ આરોગશે તો પુત્રપ્રાપ્તિના શુભ આશિષ તમને પ્રાપ્ત થશે."
અવર્ણનીય આનંદથી દશરથ રાજાએ આ સુવર્ણપાત્ર ગ્રહણ કર્યું. જાણે કે કોઈ શિશુને પોતાના હાથમાં ગ્રહણ કરતા હોય એવી રીતે આ પાયસમ એમણે તેમની ત્રણ રાણીઓ વચ્ચે વહેંચ્યું. એ ત્રણ રાણીઓનાં નામ કૌશલ્યા, સુમિત્રા અને કૈકેયી હતાં. કૌશલ્યાને તેમણે પાયસમનો અડધો ભાગ પીવાનું કહ્યું. બાકીનો અડધો ભાગ બચ્યો હતો તેમાંથી અડધો ભાગ તેમણે સુમિત્રાને આપ્યો. હવે બચેલા ભાગમાંથી અડધો ભાગ કૈકેયીએ ગ્રહણ કર્યો. આમ છતાં છેલ્લે જે ભાગ વધ્યો તે સુમિત્રાને આપવામાં આવ્યો. કોઈ ભિક્ષુકને ઓચિંતો જ ગુપ્ત ખજાનો જમીન નીચેથી મળી આવે અને જે આનંદ થાય, એવો જ આનંદ દશરથ રાજાની ત્રણ રાણીઓને થયો અને યથાસમયે ત્રણે રાણીઓએ ગર્ભ ધારણ કર્યો.
