તે છેલ્લા શબ્દો સાથે રામે દશરથની વિદાય લીધી, ત્યારે રાજા શબ્દહીન વિષાદમાં ઢળી પડ્યા હતા. થોડા સમયમાં તેમણે પોતાની જાત ઉપર કાબૂ મેળવીને વિચારવાનું શરૂ કર્યું.
થોડીઘણી સ્વસ્થતા પ્રાપ્ત કર્યા પછી અર્ધભાનની અવસ્થામાં તે બડબડવા લાગ્યા, "મારા અગાઉના કોઈ જન્મે મેં ચોક્કસ પ્રેમાળ હૃદયોને ઘાતકી દુઃખ પહોંચાડ્યું હશે, વાછરડાંઓને તેમની માતાથી છીનવી લીધાં હશે, બાળકોને તેમનાં માતાપિતાથી અને પતિઓને પત્નીઓથી વિખૂટા પાડ્યા હશે. એ સિવાય તો હું આવા દુઃખમાં શા માટે પડ્યો હોઉં? અને આપણે માગીએ છીએ ત્યારે મૃત્યુ આવતું નથી; એટલે મારે તો મારા દેવ સમાન પુત્રને તેના જન્મદત્ત અધિકારથી વંચિત કરીને અને સંન્યાસી જેવાં વલ્કલ વસ્ત્રોમાં જવાની ફરજ પાડીને આવનારા સમયમાં મારા મનશ્ચક્ષુમાં આ અત્યાચારને સહન કર્યા કરવો પડશે. હે, જીવન! જે તારાથી છટકવા માગતા હોય, તેમને તું કેટલી કડવાશથી વળગી પડ્યું હોય છે! રામ… રામ… તમે ગયા?…"
થોડા સમયમાં માનસિક પરિસ્થિતિ સ્પષ્ટ થતાં રાજાએ કહ્યું, "સુમંત્ર, રથ તૈયાર રાખો અને મારા પુત્રો અને જાનકીને આપણા રાજ્યની સરહદ સુધી પહોંચાડો."
લક્ષ્મણે તેમની માતા સુમિત્રાનાં ચરણ સ્પર્શ કર્યાં અને માત્ર એક જ શબ્દ બોલ્યા, "મા." સુમિત્રાએ પુત્રને આલિંગન આપ્યું, તેના મસ્તકને ચુંબન કર્યું અને કહ્યું, "તારા ભાઈ પ્રત્યેની તારી પ્રેમનિષ્ઠાથી તારી માતાનું હૃદય ગૌરવ અને આનંદથી ઊભરાય છે. બેટા, હવે તારી ફરજ રામનું રક્ષણ અને સેવા કરવાની છે. વનવાસમાં હંમેશાં રામની સાથોસાથ તેમની સુરક્ષામાં સતર્ક રહેજે. તારા મોટાભાઈ તારા માટે માર્ગદર્શક અને શાસક, બન્ને છે. આપણા કુળનો આ જ ધર્મ છે.
"લક્ષ્મણ, મારા આશીર્વાદ તારી સાથે છે. વનમાં રામને પિતાતુલ્ય અને જાનકીને માતાતુલ્ય માનીશ, એટલે વન તારા માટે અયોધ્યા બની જાશે. બેટા, ભગવાનની કૃપા તારા ઉપર વરસે!" રામાયણમાં સુમિત્રા ઓછાબોલી, પરિપક્વ ડાહપણવાળી, કૌશલ્યાથી ભરપૂર, અખૂટ હિંમત અને શ્રદ્ધાથી ભરેલી એવી સ્ત્રી છે. જ્યારે શ્રદ્ધાનો દીપ બીજા લોકોમાં ઓલવાઈ ગયો હોય, ત્યારે તેનામાં શ્રદ્ધાનો દીપ પ્રજ્વલિત હોય છે. પરંપરાગત લોકોક્તિ તો એવી છે કે સુમિત્રાને રામનું દેવત્વ અને તેમના માનવ અવતારના હેતુની જાણ હતી. એટલે જ તે કૌશલ્યાને પૂરતો સધિયારો આપવા સાથે લક્ષ્મણ પણ રામ સાથે વનવાસમાં જાય તેવા દૈવી આયોજન અંગે પણ કૌશલ્યાને સફળ રીતે સમજાવી શકી હતી.
સુમંત્રએ રામને કહ્યું, "હે રાજકુમાર, પરમેશ્વરના આશીર્વાદ આપની ઉપર વરસે! આપ રથ ઉપર પધારો. આપને મારે ક્યાં પહોંચાડવાના છે, તેનો આદેશ આપો. ચૌદ વરસનો સમય ગાળો હવે શરૂ થયો છે, મારા નાથ!" સીતા પણ રથ ઉપર આનંદ સાથે આરૂઢ થયાં. તેમની જરૂરિયાતોનું એક પોટલું કૌશલ્યા માતાએ તૈયાર રાખ્યું હતું. બે ભાઈઓ માટે ધનુષ્યબાણ, ઢાલ, કોદાળી, પાવડા, ટોપલા વગેરે જરૂરી સામાન રથમાં મુકવામાં આવ્યો. વનમાં કોદાળી, પાવડા અને ટોપલા અત્યંત જરૂરી વસ્તુઓ હોય છે. રામ અને લક્ષ્મણ પણ રથમાં બેઠા અને સુમંત્રએ રથ આગળ ચલાવ્યો.
આ તબક્કે જ્યારે રામનો વનવાસ શરૂ થાય છે, ત્યારે આપણે થોડો વિરામ લઈને પ્રાર્થના કરીએ કે આપણાં પાપોમાંથી આપણે પરિશુદ્ધ થઈએ. સત્ય, હિંમત અને પ્રેમના દૈવી મંત્રો રામાયણે આપણને આપ્યા છે. આપણને તે આપવા માટે જ રામે અવતાર ધારણ કરેલો. વલ્કલનાં વસ્ત્રો પહેરેલાં રામ, લક્ષ્મણ અને જાનકી જ્યારે ગૃહત્યાગ કરે છે, તેના વિશે આપણે ધ્યાન અને ચિંતન કરીએ તો આપણને આ ત્રણ ઉપહારો જરૂર પ્રાપ્ત થાય. રસ્તા ઉપરનાં ટોળાં સારથિને હાકલ કરતાં હતાં, "અરે ધીમે ચલાવો, ધીમે ચલાવો. રામના ચહેરાનાં અમને દર્શન કરવા દયો."
"અરેરે! આવા કુમળાં ફૂલોને કોણ વનવાસમાં મોકલી શકે? તેમની માતાઓ આવું દુઃખ ભોગવીને કઈ રીતે જીવી શકશે? આ વૈદેહીના ચહેરાને જુઓ. ખરેખર તે કેવી ધન્યતા અનુભવે છે! અને લક્ષ્મણ કેટલા આનંદિત છે કે તેમને એવા ભાઈ છે, જેમની નિષ્ઠાપૂર્વક તે સેવા કરી શકે. લક્ષ્મણ તો ખરેખર મહાવીર છે અને ધર્મના જાણકાર છે." રથની પાછળ પાછળ જતા નગરજનો અંદરોઅંદર આવી વાતો કરતા હતા. તેમના દુઃખની લાગણીમાં ઘોડાપૂર આવ્યાં હતાં.
રામ તેમના ભલા સારથિને કહેતા હતા, "ઝડપ કરો, ઝડપ કરો." અને લોકો કહેતા હતા, "ધીમે ચલાવો, ધીમે ચલાવો." અને ટોળાં વધુને વધુ મોટાં થતાં ગયાં. કલ્પાંત કરતાં નગરજનો, પસાર થતી શેરીઓના રહેવાસીઓ અને શોકાતુર મહિલાઓ અને બાળકોના ધસારા વચ્ચેથી ગમેતેમ કરીને સુમંત્રએ રથને તારવીને આગળ લઈ લીધો. કૈકેયીના રાણીવાસમાંથી બહાર આવીને દશરથ રાજાએ રથને દૂર જતો જોયો. લાંબા સમય સુધી તે ધૂળના વમળને જોતા રહ્યા, જાણે કે તેમાં તે તેમના પ્રિય રામને જોતા હોય! તે પણ જ્યારે વિખરાયું ત્યારે તે નિસાસા નાખતા નીચે પડ્યા. કૌશલ્યા અને કૈકેયી તેમની આજુબાજુ બેઠાં.
"મને અડતી નહીં," દશરથે કૈકેયીને કહ્યું. "પાપીણી! તને જોવાનો પણ મને તિરસ્કાર થાય છે. તારી અને મારી વચ્ચે હવે બધું પૂરું થઈ ગયું છે. હું અહીં અને અત્યારે જ તારો ત્યાગ કરું છું."
"તારી ગોઠવણનો ભરત સ્વીકાર કરે અને રાજ્યભાર સંભાળે," તેમણે ફરીથી કહ્યું, "તો તે મારી ઉત્તરક્રિયા ન કરે, અને જો એ કરશે તો મારો વિગત આત્મા તેના તર્પણની અંજલિનો અસ્વીકાર કરશે."
"રામ વનમાં કઈ રીતે રહી શકે? શું તે ખુલ્લી જમીન ઉપર પથ્થર કે લાકડાના ટુકડાનું ઓશીકું કરીને સૂઈ શકશે? શું તે ફળો અને બોરાં ખાઈને રહી શકશે?" રાજાએ લાચારીપૂર્વક આવો વલોપાત ચાલુ રાખ્યો.
કોઈવાર તે કૈકેયી તરફ ફરીને બોલતા, "તારી સફળતાનો તું તારે આનંદ ભોગવ અને સુખી વિધવા તરીકે લાંબુ આયુષ્ય ભોગવ."
સ્મશાનેથી ભગ્ન હૃદયના શૂન્યાવકાશ સાથે ઘેર પરત આવતા કોઈ સ્વજનની જેમ તે આદતવશ કૈકેયીના નિવાસમાં પ્રવેશ્યા; પછી તરત જ બોલ્યા, "અરે! અહીં નહીં. મને કૌશલ્યાના નિવાસસ્થાને લઈ જાવ." બધાંએ આમ જ કર્યું, અને ત્યાં તેમણે પોતાના અંતની રાહ જોતાં વિશ્રામ કર્યો.
મધરાતે તેમણે કહ્યું, "કૌશલ્યા, અહીં છો ને? તારા હાથનો મને સ્પર્શ કરાવ. મારી દૃષ્ટિ રામ સાથે જતી રહી છે." લાચાર કૌશલ્યાએ રાજાને ધરપત આપવાનો બધો પ્રયત્ન કરી જોયો, પણ તેના પોતાના જખ્મી હૃદયમાં પણ રાજાને આપવા માટેની ધરપત ક્યાં હતી? કારણ કે વિષાદથી ભરપૂર સમયની ઘડીઓ જેમ કીડી વેગે પસાર થતી હતી, તેમ તેમ તેને શાંત નીરવ રાત્રી કોઈ ધીમી ઓગળતી જ્યોત જેવી અને કોમળ ચંદ્ર-મધ્યાહ્નના સૂર્ય જેવો કઠોર લાગતો હતો.
દુઃખથી ઘેરાયેલી કૌશલ્યાને સુમિત્રાએ આમ કહ્યું, "બહેન, તમે તો શાસ્ત્રોનું શ્રવણ કર્યું છે અને ધર્મને જાણો છો. તમારે પોતે આ રીતે શા માટે દુઃખી થવું જોઈએ? તમારી ફરજ અત્યારે બીજાને હિંમત આપવાની છે, તમારે પોતે જ આમ સ્વસ્થતા ન ગુમાવવી જોઈએ. રાજાના સન્માનના રક્ષણ માટે રામ વનવાસમાં ગયા છે. તમે તો સ્ત્રીઓમાં ખરેખર બહુ ધન્ય છો, કારણ કે તમે એક એવા મહાવીરની માતા છો, જેણે રાજ્યપદને ઠુકરાવી તેના પિતાના સન્માનને અકબંધ રાખવાનું વધુ ઇચ્છિત કર્યું છે. જે પુત્ર એક વિકટ જવાબદારીને સંપૂર્ણ રીતે વહન કરતો હોય તેને માટે તમારે આટલું દુઃખ શા માટે કરવું જોઈએ? પોતાના પૂર્વજોએ કંડારેલા પથ ઉપર જે ચાલતો હોય અને અવિનાશી પ્રતિષ્ઠા પામતો હોય તેને માટે આપણે દિલગીરી ન અનુભવવી જોઈએ. મને તો ગર્વ છે, કે લક્ષ્મણ રામની સાથે છે. પોતાને આવી પડનારી મુશ્કેલીઓને બરોબર જાણતી હોવા છતાં પણ જાનકી પણ તેના પતિ સાથે ગઈ છે. રામની કીર્તિ તો ચિરંતન જ્યોતની જેમ સદાકાળ પ્રકાશ્યા કરશે. આ કોઈ દુઃખનો પ્રસંગ નથી. રામની પવિત્રતા અને ગુણો તેમને માટે ઢાલ અને બખ્તર બની રહેશે.
"તે એટલા મહાન અને પુણ્યપવિત્ર છે કે તેમના ઉપર આવનારાં સૂર્યનાં કિરણો તેને દઝાડી શકશે નહીં અને વાતો પવન તેની શીતળતા સાથે તેમને લાડ કરશે. તે રાત્રે નિદ્રાધીન થાશે, ત્યારે તેના પવિત્ર દેહને — જેમ એક શિશુને તેની પ્રેમાળ માતા કરે તેમ — ચંદ્રનાં કિરણો આલિંગન આપશે અને રક્ષણ કરશે. તમારા મહાવીર પુત્ર અંગેની બધી આતુરતા છોડી દયો. કોઈ દુશ્મન તેની સાથે ટક્કર ઝીલીને જીવતો નહીં જઈ શકે. આપણાં રામતો બધી મંગલમય ગુણવત્તાથી સંસ્થાપિત થયેલા છે. તમારા પ્રતાપી પુત્ર નિઃશંક પણે અયોધ્યા પરત થઈને રાજ્યારોહણ કરશે. રામ તો જગતના સ્વામી છે, બીજું કોઈ નથી.
"સીતા તેમની સાથે છે, અને સીતા બીજું કોઈ નથી પણ લક્ષ્મીદેવી છે. રામ પાછા આવીને સિંહાસન ગ્રહણ કરશે ત્યારે, અત્યારે જેમના વનવાસનું કલ્પાંત કરે છે તે રાજ્ય, આનંદથી છવાઈ જાશે. તેમના વનગમનના પ્રસંગે નગરજનોને તમે વેદના અનુભવતા જોયા છે. તલવાર અને ધનુષ્યબાણથી સજ્જ નિષ્ઠાવાન લક્ષ્મણ, મારો પ્રતાપી પુત્ર, તેમની અંગત સુરક્ષા માટે સાથે ગયો છે. કોઈ ભય કે કોઈ ક્ષતિ રામને થઈ શકવાની નથી. તમારી સગી આંખોથી તમે — તેમના વચનને પરિપૂર્ણ કરીને — રામને આગમન કરતા જોશો.
"મારી વાત માનો, પૂર્ણ ચંદ્રના સૌંદર્ય સાથે રામ પાછા આવશે અને આનંદ અને નિષ્ઠાથી તમારા ચરણને વંદન કરશે. ત્યારે પણ તમે અશ્રુપાત કરશો, પણ તે દુઃખનો નહીં પણ આનંદનો હશે. મારી વ્હાલી કૌશલ્યા! તમારો વિષાદ છોડી દ્યો. એ ત્રણેયને પાછા આવતાં તમે જોશો. તમારે તો રાજપરિવારની બધી સ્ત્રીઓને આશ્વાસન અને પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ, પણ આમ પોતે જ ભાંગી પડવું જોઈએ નહીં. આ દુનિયામાં રામ જેવો ધર્મનું ચુસ્ત પાલન કરનારો બીજો કોઈ છે ખરો? અને આ હકીકત દુઃખી થવા જેવી છે? ના, કૌશલ્યા, તારા પુત્રનું ગૌરવ અનુભવ!"
સુમિત્રાના શબ્દો સાંભળીને કૌશલ્યાને થોડીઘણી શાતા પ્રાપ્ત થઈ.
નગરજનોનાં ટોળે ટોળાં રામના રથ પાછળ ચાલતાં હતાં. ઊંચા અવાજે લોકો રથને રોકવાની કોશિશ કરતા હતા. "વનમાં ન જાઓ. નગરમાં પાછા આવો."
"વનમાં હું મારા પિતાનાં વચનનું પાલન કરવા જઈ રહ્યો છું," રામે કહ્યું. "આમાં દુઃખ અનુભવવાનું કોઈ કારણ નથી અને તમારે મને આમ રોકવાનો પ્રયત્ન ન કરવો જોઈએ."
પણ લોકો તેમને સાંભળવા તૈયાર નહોતા અને ઉગ્રતાથી બૂમો પાડતા, "વનમાં ન જાઓ, વનમાં ન જાઓ!" રામે રથ રોક્યો અને પ્રેમ ભીની આંખો તેમના ઉપર રાખીને તેમણે સંબોધન કર્યું. "અયોધ્યાના નગરજનો, તમારો મારા માટેનો પ્રેમ કેટલો છે, તે હું જાણું છું. આ પ્રેમને મારાવતી અને મારા કહેવાથી જો મારા પ્રિય ભાઈ ભરત ઉપર પરિવર્તિત કરશો તો તે ખરા અર્થમાં મારા માટેનો પ્રેમ ગણાશે. એ સિવાય બીજું કંઈ મને આનંદ આપી શકશે નહીં. ભરત બહુ ડાહ્યો અને ખાનદાન પ્રકૃતિનો છે, તેનામાં બધા રાજવી ગુણો છે અને પ્રેમ અને સન્માનનો પૂરો અધિકારી છે. એટલે તમારો વર્તાવ એવો રાખજો કે તેને ખુશી થાય. તે ઉંમરમાં નાનો છે પણ શાણપણથી ભરેલો છે અને તેનું હૃદય વીરતા અને કોમળતા બંને સાથે ધરાવે છે. તમારું રક્ષણ કરવા તે પૂરતો સમર્થ છે. તે તમારો રાજા છે અને તેને માટે વફાદારી અને સન્માનની ભાવના રાખવા માટે તમે બંધાયેલા છો.
"હું વનમાં મારા પિતાનું વચન પરિપૂર્ણ કરવા જઈ રહ્યો છું. અને રાજાએ ભરતને યુવરાજ તરીકે નિયુક્ત કર્યો છે. આ પદવી માટે તે બધી રીતે યોગ્યતા ધરાવે છે. મારે અને તમારે રાજાના આ આદેશનું એક સરખું પાલન કરવાનું છે. તમારે બધાએ પાછા વળવું જોઈએ અને વિખૂટા પડવાના મારા દુઃખને ઓછું કરવા પ્રયત્ન કરવો જોઈએ." પ્રેમ નીતરતી વાણીમાં રામે લોકોને આમ કહ્યું. પણ આમ કરવાથી તો રામ માટેનો તેમનો પ્રેમ ઊલટાનો વધ્યો. તેમને કોઈ રીતે સધિયારો મળતો નહોતો. કેટલાક સદ્ગુણી વૃદ્ધ બ્રાહ્મણો રથ જોઈને રડવા માંડ્યા અને બોલ્યા, "અરે અશ્વો! તમે અમારા રામને કેમ વનમાં લઈ જાઓ છો? અમે તો સાંભળ્યું છે કે અશ્વોની શ્રવણશક્તિ બહુ તીવ્ર હોય છે. તો અમને ધ્યાનથી સાંભળો અને અમારા રામને પાછા લાવો."
આવી રીતે કરગરતા વૃદ્ધ બ્રાહ્મણોને સાંભળીને રામે રથ થોભાવ્યો. રામ, લક્ષ્મણ અને જાનકી એ ત્રણેય જણ રથમાંથી નીચે ઊતર્યાં અને ચાલીને આગળ ગયાં.
સામાન્ય નાગરિકો, આગેવાન લોકો, શાણા વડીલો, તપસ્વીઓ — અરે ઊડતાં પંખીઓ પણ — રામને વનમાં જતાં અટકાવવા પ્રયત્ન કરતા હતા. કવિ કહે છે કે તમસા નદી પણ જાણે કે લોકોના દૃઢાગ્રહના સહકારમાં ઓચિંતી જ રસ્તા ઉપરથી વહેવા લાગી. રથ નદી કિનારે ઊભો રાખ્યો. સુમંત્રએ અશ્વોને રથમાંથી છોડ્યા, પાણી પીવડાવ્યું અને ચરવા માટે છુટ્ટા મૂક્યા.
પછી રામે નદી કાંઠે સાંજની સંધ્યાપ્રાર્થના કરવાનો પ્રસ્તાવ કર્યો અને કહ્યું, "લક્ષ્મણ, આપણા વનજીવનની પહેલી રાત્રિએ આપણે નિરાહારી રહીએ. તું મારી સાથે છો એટલે મને હવે કોઈ ચિંતા નથી." લક્ષ્મણે રામ અને સીતાને સૂવા માટે જમીન ઉપર ઘાસ પાથર્યું, પણ પોતે તો સુમંત્ર સાથે વાતો કરતો અને ચોકી કરતો જાગતો જ રહ્યો.
પરોઢ થતાં પહેલાં રામ ઘણા વહેલા જાગ્યા અને સુમંત્રને કહ્યું, "જે નગરજનો અત્યાર સુધી આપણી પાછળ પાછળ આવ્યા છે, તે બધા લાંબી પદયાત્રાથી થાકીને અત્યારે ભર ઊંઘમાં છે. તેમની મારા માટેની લાગણીથી હું બહુ જ દ્રવિત થઈ ગયેલો છું; પણ હું તેમના પ્રેમના દબાણને મને પાછો વાળવાની મંજૂરી આપી શકતો નથી. એટલે અત્યારે તેઓ સૂતા છે ત્યારે જ આપણે આગળ જઈએ."
રથમાં ઘોડાઓને જોડવામાં આવ્યા અને રથે ધીમે ધીમે નદી પસાર કરી. સામા દક્ષિણ કાંઠે પહોંચ્યા પછી રામે સુમંત્રને કહ્યું, "જો તમે રથને પાછો સામે કાંઠે, જ્યાં લોકો હજી સૂતા છે ત્યાં લઈ જાવ અને અયોધ્યા તરફ થોડા આગળ જઈને પાછો રથને પાછા અહીં લાવો, તો તે લોકો જાગે તે પહેલાં આપણે રથમાં આગળ જઈ શકીશું. તેઓ રથના ચીલાને અયોધ્યા તરફ જતો જોશે, તો તેમને લાગશે કે આપણે પાછા ઘરે ગયા છીએ અને એટલે તેઓ પણ પાછા એમ જ ફરશે. જો આપણે એમ નહીં કરીએ, તો આ ટોળાં આપણી પાછળ જ આવશે."
સુમંત્રએ આ પ્રમાણે જ કર્યું અને રથ પાછો આવ્યો, ત્યારે તે ત્રણેય રથમાં બેઠાં અને દક્ષિણ દિશામાં આગળ વધ્યાં.
