રાજમહેલના રાણીવાસમાં શું બની રહ્યું હતું, તેની નગરજનોને કોઈ જાણ નહોતી. પણ રામે પોતાના પક્ષે વનવાસ માટે તૈયાર થવામાં જરાપણ સમય બગાડ્યો નહીં.
નગર છોડતાં પહેલાં તેઓ રાણી કૌશલ્યાના આશીર્વાદ મેળવવા ગયા. કૌશલ્યાએ તેમને ફરીથી કહ્યું, "તારા ગયા પછી હું અયોધ્યામાં કેવી રીતે રહી શકું? હું પણ તારી સાથે વનમાં આવું એ જ સારામાં સારું છે." અલબત્ત, તે જાણતાં હતાં કે તેમની ફરજ તેમના પતિની વૃદ્ધાવસ્થામાં સેવા કરવાની અને અયોધ્યામાં તેમના દુઃખમાં સહભાગી થવાની હતી. આમ છતાં તેમનું મન વેદનામાં એટલું ગૂંચવાયેલું હતું, કે તે વાસ્તવિકતાને સ્પષ્ટ રીતે જોઈ કે સમજી શકતાં નહોતાં.
પણ રામ આવું કંઈ સાંભળવા તૈયાર ન હતા. તેમણે માતાના મનમાં હૃદયભંગ રાજાના દુઃખી એકાંતમાં એમની સાથે રહેવાની ફરજ સ્પષ્ટ સમજાવી.
માતાએ પણ આ સલાહના ન્યાયીપણાને પ્રમાણી. 'અવિરત આંસુની ખારાશમાં ઓગળેલા' પ્રેમાળ શબ્દોથી તેમણે રામને આશીર્વાદ પાઠવ્યા, "તારા પિતાએ જે આદેશ આપ્યા છે તે મુજબ આગળ વધ અને કીર્તિ કમાઈને પાછો વળ."
રામે મંદ સ્મિત સાથે માતાના હૃદયને ચેતનવંતું કરતા શબ્દો કહ્યા, "ચૌદ વર્ષ તો ઝડપથી પસાર થઈ જશે અને તમે મને પાછો આવતો જોશો."
કવિ કહે છે કે, જેવા રામે માતાના આશીર્વાદ મેળવ્યા, તે સાથે જ તેમનો તેજસ્વી ચહેરો હર્ષ અને ઉલ્લાસના ઉમેરાથી દેદીપ્યમાન થયો. કોઈ ભવ્ય ત્યાગ, વ્યક્તિના અસ્તિત્વમાં આંતરિક પ્રકાશ દ્વારા તે જ ક્ષણે તેના સૌંદર્યને દૈવી આકાર આપે છે, તેનું કવિએ કેવું આબેહૂબ આલેખન કર્યું છે!
આપણે જોયું છે કે સીતાને મૂકીને રામ સુમંત્ર દ્વારા આવેલા સંદેશાના ઉત્તર રૂપે રાજા પાસે ગયેલા. સીતાની અપેક્ષા હતી કે રામ રથમાં રાજાશાહી છત્ર નીચે અને મોટા રસાલા સાથે પાછા ફરશે. પણ હવે તેમણે જોયું કે રામ એકલા, કોઈ અંગરક્ષકો વગર અને એક પણ રજવાડી પ્રતીકચિહ્ન વગર આવ્યા હતા. વળી તેમણે રામના ચહેરા ઉપર દૃઢ નિર્ધારની ચમક જોઈ. રામ વિચારતા હતા કે આવ્યા ભેગા તેમની પ્રિયતમાને, તેમના પિતાએ તેમને વનવાસમાં જવાનો આદેશ આપ્યો હતો, એ સમાચાર કઈ રીતે કહી શકશે.
"મારા સ્વામીના મનમાં કંઈક મુશ્કેલી લાગે છે," સીતાએ વિચાર્યું, "પણ અમારો પ્રેમ છે, ત્યાં સુધી કોઈપણ તકલીફની શું વિસાત છે?" અને તેણે પૂછ્યું, "શું વાત છે? તમે આમ વિચિત્ર રીતે કેમ જોવો છો?"
રામે બધી વાત ટૂંકાણમાં કરી અને ઉમેર્યું, "પ્રિયે, મિથિલેશકુમારી, હું બરોબર કલ્પી શકું છું કે મારાથી વિખૂટાં પડીને તમારે અહીં રહેવું પડશે, તે જાણીને તમને કેટલું દુઃખ થશે. જનકપુત્રીને તેની ફરજ અંગે મારા માર્ગદર્શનની જરૂર હું જોતો નથી. રાજાની અને ત્રણ રાણીઓની, તમારી માતાઓની, કાળજી લેવામાં સચેત રહેજો. આપણા મહેલની બીજી રાજકુમારીઓની રખાવટ કરતાં વધુ સારી અપેક્ષા રાખતાં નહીં. ભરત, જે હવે શાસક થવાનો છે, તેને સન્માન આપજો અને તેની કોઈ પણ લાગણી ન દુભાય તે અંગે સતર્ક રહેજો. મને પૂરતો વિશ્વાસ છે કે તમારો મારા માટેનો પ્રેમ મારી ગેરહાજરી દરમિયાન જરા પણ ઓછો નહીં થાય. હું વનવાસમાંથી હવેનાં ચૌદ વર્ષ પછી પાછો ફરીશ. ત્યાં સુધી પરંપરાગત રૂઢિઓ અને ઉત્સવો પ્રત્યે ઉપેક્ષા કરવી નહીં. માતા કૌશલ્યાને તેના દુઃખમાં તારી કાળજીપૂર્વકની સંભાળની જરૂર પડશે. ભરત અને શત્રુઘ્ન મને બહુ વહાલા છે. તારે તેમને તારા ભાઈઓની જેમ રાખવાના છે. તારો સંપૂર્ણ વર્તાવ તારી રાજકુળની પરંપરા અને તારા પોતાના સ્વભાવ મુજબ રાખવાનો છે. મારાં વધુ પડતાં ગુણગાનથી દૂર રહેજે, જેથી બીજા ભલા માણસોને ખોટું લાગવાની સંભાવના ન રહે. મારે આજે જ વનવાસમાં જવાનું છે. તારા મનને નિશ્ચલ અને શાંત રાખજે."
જ્યારે સીતાએ આ અનપેક્ષિત સંભાષણ સાંભળ્યું, ત્યારે રામ માટેનો તેમનો પ્રેમ ગુસ્સામાં વ્યક્ત થયો. તે પોતે રામથી વિખૂટાં પડીને રાજમહેલની આરામદાયક સુવિધામાં રહે અને રામ બેઘર અવસ્થામાં પથહીન જંગલમાં ભટકે, એ વિચાર માત્રને તે એક ક્ષણ માટે પણ સ્વીકારવા તૈયાર ન હતાં.
"વાહ, ધર્મજ્ઞાની! તમે બહુ સારું પ્રવચન આપ્યું. મને આ એક બહુ વિચિત્ર સિદ્ધાંત લાગે છે, કે પત્ની તેના પતિથી વિભિન્ન છે અને તેનો ધર્મ પત્નીનો ધર્મ નથી અને પત્નીને તેમાં સહભાગી થવાનો હક્ક નથી. હું આનો ક્યારેય પણ સ્વીકાર કરી શકું એમ નથી. હું દૃઢ રીતે માનું છું કે તમારી નિયતિ એ મારી નિયતિ છે, અને જો રામે વનવાસમાં જવાનું છે, તો એ આદેશમાં સીતાનો પણ સમાવેશ છે, કારણ કે તે રામનો જ ભાગ છે. હું વનમાં તમારી આગળ ચાલીશ અને કાંટા અને કાંકરાને દૂર કરીને રસ્તાને તમારે ચાલવા માટે સરળ બનાવીશ. તમે મને હઠીલી ન માનતા. મારી માતા અને પિતાએ મને ધર્મના પાઠ શીખવ્યા છે. અત્યારે તમે જે મને કહ્યું, તે અત્યાર સુધી તમે જે મને કહ્યું છે, તેનાથી તદ્દન વિપરીત છે. તમે જ્યાં જાઓ ત્યાં તમારી સાથે જાવું — બસ આ એક જ રસ્તો મારે માટે છે. તમારે જો આજે જ જંગલમાં જવું હોય, તો આજે જ હું તમારી સાથે આવીશ. આ બાબતમાં કોઈ ચર્ચા કરવાનો અવકાશ જ નથી. વનનું જીવન હું સહન નહીં કરી શકું, એવું તમે ન માનતા. તમે મારી સાથે હશો એટલે તો મારે માટે તે આનંદયાત્રા થઈ જાશે. તમારે માટે હું કોઈ પણ તકલીફનું કારણ નહીં બનું. તમારી જેમ જ કંદમૂળ અને ફળ ખાઈશ અને ચાલવામાં જરા પણ પાછી નહીં પડું."
"મારી ઘણા સમયની ઇચ્છા છે કે તમારી સાથે વનપ્રવાસે જાઉં, અને મોટા પર્વતો અને નદીઓનાં દૃશ્યોને માણું. પક્ષીઓ અને ફૂલો વચ્ચે, નદીઓમાં સ્નાન કરીને અને દૈનિક પૂજાવિધિમાં મારો સમય આનંદથી પસાર કરીશ. તમારાથી જુદી રહીને મને સ્વર્ગની પણ પરવા નથી. મને જો તમે પાછળ મૂકી જશો, તો હું જરૂર મૃત્યુ પામીશ. હું તમને તમારી સાથે લઈ જવાની યાચના કરું છું. મારા ઉપર દયા કરો. હવે મને છોડી ન દ્યો."
ગુસ્સામાં શરૂ થયેલી તેમની વાત હવે ડૂસકાંમાં પરિણમી. રામે સીતાને સમજાવ્યું કે વનનું જીવન, તે ધારે છે તેટલું સહેલું નથી. તેમણે લંબાણપૂર્વક વનજીવનની મુશ્કેલીઓ અને ભયસ્થાનો સમજાવ્યાં અને ભારપૂર્વક ફરીથી વનમાં સાથે ન આવવા આગ્રહ કર્યો.
સીતાની આંખોમાં આંસુ ભરાઈ આવ્યાં. "વાઘ, સિંહ, રીંછ, સાપ — એ કોઈ મારી પાસે નહીં આવી શકે. તમને જોઈને જ તે બધા ભાગી જાશે. સૂર્ય, વરસાદ, ભૂખ, રસ્તાના પથ્થરો કે કાંટાળા ઝાડીઝાંખરાં — જેની તમે વાત કરો છો એ બધાંનો હું આનંદપૂર્વક સામનો કરીશ.
"મને જરા પણ ભય નથી, અને બીજી બાજુ જો તમે મને અહીં મૂકીને જશો, તો આ શરીરમાંથી જીવન જરૂર વિદાય લેશે તેની ખાતરી રાખજો.
"હું જ્યારે મિથિલામાં હતી," સીતાએ કહ્યું, "ત્યારે બ્રાહ્મણો અને જ્યોતિષીઓએ મારી માતાને કહ્યું હતું કે વનમાં અમુક સમય રહેવાનું મારી નિયતિમાં છે. હું એકલી વનમાં જઈને આ ભવિષ્યવાણી કઈ રીતે સાચી પાડી શકું? મારા માટે આ એક તક ઊભી થઈ છે. તમારા સહવાસમાં વનજીવનને આનંદના ઉદ્યાનમાં ફેરવીને આપણે તેને સાચી પાડીશું. વનજીવન કેવા લોકો માટે દુઃખદાયક બને છે? માત્ર એવા પુરુષો અને સ્ત્રીઓ માટે, જેમણે તેમની ઇન્દ્રિયોને નિયંત્રણમાં ન રાખી હોય. તમે અને હું તો ઇન્દ્રિયોના સ્વામી બની શકીએ છીએ, આપણામાં કોઈ ઊણપ નથી. હું યાચના કરું છું કે તમે મને તમારાથી વિખૂટી ન પાડશો, કારણકે તેમ થવું મૃત્યુ કરતાં પણ ઘાતકી છે."
સર્વોચ્ચ પ્રેમમાં તર્કને હરાવવાની અને સાક્ષાત્ મૃત્યુને હસી કાઢવાની શક્તિ હોય છે. એટલે રામે પોતાની જાત સાથે સમાધાન કરવાની ફરજ પડી. આનું એક કારણ એ હતું કે તેમનો પ્રેમ પણ સીતાના પ્રેમ જેટલો જ ઉદાત્ત હતો, એટલે સીતાએ બોલેલા દરેક લાગણી-સભર શબ્દ માટે તેમના હૃદયમાં સ્થાન હતું. બીજું કારણ એ હતું કે સીતાને સંરક્ષિત રાખવાની પોતાની શક્તિમાં એમને આત્મવિશ્વાસ હતો. એટલે નક્કી થયું કે સીતા પણ રામની સાથે વનમાં જાય. સીતાએ ગરીબ લોકોને તેડાવ્યા અને તેમને પોતાની માલમત્તા આપી દીધી. આમ તેણે વનના જીવન માટે પોતાની જાતને તૈયાર કરી. લક્ષ્મણે પણ ભાઈ સાથે જવાનું નક્કી કર્યું, જેથી તે વનમાં તેમની સેવા કરી શકે. રામે સંમતિ આપ્યા વગર છૂટકો નહોતો. આમ તે ત્રણેય જણાં વૃદ્ધ રાજાની રજા લેવા ગયાં.
શેરીઓમાં અને ઝરૂખાઓમાં લોકોના સમૂહો જોઈ રહ્યા હતા. મોટાં મકાનોની બારીઓમાંથી અને પ્રવેશમાંથી સ્ત્રીઓ અને પુરુષોએ રામ અને લક્ષ્મણ તેમજ જાનકીને દેશના સૌથી પામર લોકોની જેમ ચાલીને જતા જોયા. બેહદ દુઃખ અને ગુસ્સાથી ભરેલા લોકો એકબીજાને કહેતા હતા, "આ તે કઈ જાતના રાજા છે, જે આવા ખાનદાન રાજકુમારને વનમાં મોકલે છે? સાથે સીતા પણ ચાલે છે. તે તો રાજરાણી છે અને રાજ્યના રથ માટે હક્કદાર છે. શું તે વનની ગરમી અને વરસાદને સહન કરી શકશે? આ તો ભયંકર અત્યાચાર છે!
"તો તો આપણે પણ વનમાં જશું. ચાલો, આપણી પણ જે માલમત્તા હોય તે ભેગી કરીએ અને આ રાજકુમારો સાથે વનમાં જઈએ. જે વનમાં રામ રહેતા હશે, એ આપણી અયોધ્યા બનશે.
"હવે પછીથી આ બધાં મકાનો ભલે વેરાન થઈ જાય અને સાપ અને ઉંદરોથી ઊભરાય. અયોધ્યાના ખંડેરોમાં ભલે કૈકેયી રાજ કરતી. વનનાં જંગલી પ્રાણીઓ અને ગીધ પક્ષીઓ ભલે અહીં વસવાટ કરતાં. આ બધું વન થઈ જશે અને વનમાં અયોધ્યા થઈ જશે."
રામે લોકોને આમ વાતો કરતા સાંભળ્યા, પણ તેની કોઈ નોંધ લીધી નહીં. કૈકેયીના મહેલના પ્રવેશદ્વાર પાસે રામે સુમંત્રને દુઃખી હાલતમાં એક ખૂણામાં બેઠેલા જોયા. રામે હળવાશથી તેમને કહ્યું, "અમે ત્રણેય જણાં રાજાને મળવા આવ્યાં છીએ. સુમંત્ર, કૃપા કરીને તેમને મળવાની રજા લઈ આવો."
સુમંત્ર તે અનુસાર રાજાને જાણ કરવા અંદર ગયા. અને તેમની આંખોએ કેવું દૃશ્ય જોવા મળ્યું! ગ્રહણ દરમિયાનના સૂરજની જેમ, બધી બાજુથી રાખથી ભરાયેલી ભઠ્ઠીની જેમ, સુકાઈ ગયેલાં તળાવની જેમ, રાજા જમીન ઉપર ચત્તાપાટ પડ્યા હતા. ચહેરાની ભવ્યતા વિલીન થઈ ગઈ હતી અને વિષાદપૂર્ણ ચહેરો સંકોચાઈને વિકૃત થઈ ગયો હતો.
દુઃખથી ધ્રૂજતા અવાજમાં અને બંને હાથ અદબમાં વાળી દઈને સુમંત્રે કહ્યું, "રાજકુમાર પ્રવેશદ્વાર પાસે રાહ જોવે છે, અને તેમની પોતાની પાસે જે કંઈ છે, તે બધું બ્રાહ્મણોને આપી દઈને દંડકારણ્ય જવામાં આપના આશીર્વાદ મેળવવા આપને મળવા ઇચ્છે છે."
રાજાએ સુમંત્રને રામને અંદર આવવા દેવાની સૂચના આપી.
રામ આવ્યા અને થોડે દૂરથી તેમને પ્રણામ કર્યા. રાજાએ જેવા રામને જોયા, કે તરત જ તે ઊભા થયા અને આલિંગન આપવા બંને હાથ પહોળા કરીને રામ તરફ ધસ્યા, પણ તરત જ પુત્ર સુધી પહોંચવા પહેલાં જ બેભાન થઈને ઢળી પડ્યા.
રામ અને લક્ષ્મણે એમને હળવેકથી ઉપાડ્યા અને પલંગ ઉપર સુવાડ્યા. રામે કહ્યું, "મહારાજ, અમે વનમાં જતાં પહેલાં આપની રજા લેવા આવ્યાં છીએ. વૈદેહી અને લક્ષ્મણ પણ મારા પૂરતા વિરોધ અને તેમને તેમની ઇચ્છા મુજબ ન કરવાનું ખૂબ સમજાવ્યા છતાં મારી સાથે વનમાં આવે છે. કૃપા કરીને આપના આશીર્વાદ આપો અને અમને નીકળવાની રજા આપો."
દશરથે કહ્યું, "રામ, હું તો મેં કૈકેયીને આપેલાં વરદાનથી બંધાયેલો છું. પણ તું કાંઈ બંધાયેલો નથી. તું મને કેમ એક બાજુ ધકેલીને તારી શક્તિથી રાજ્ય ઝૂંટવી લેતો નથી?"
આ વાત રાજાના મનમાં લાંબા સમયથી ઠસી ગઈ હતી કે આ ઘાતકી કોયડાનો આ જ એકમાત્ર અને શ્રેષ્ઠ ઉકેલ હતો. અત્યારે રાજાનો આ વિચાર શબ્દરૂપે બહાર આવ્યો હતો.
પણ રામે કહ્યું, "પિતાજી, રાજગાદીની કે સત્તાની મારી કોઈ ઇચ્છા નથી. હું તો ઇચ્છું છું આપ આવતાં હજાર વર્ષ રાજ કરો. હવે તો મારું હૃદય વનમાં જવા નિશ્ચિત થઈ ગયું છે. અત્યારે પણ હું આપના આશીર્વાદ લઈને જવાની તૈયારી કરી ચૂક્યો છું. ચૌદ વર્ષ પૂરાં થશે, ત્યારે હું પાછો આવીશ અને આજ્ઞાપાલન પૂરું કરીશ."
હવે સ્પષ્ટ હતું કે રાજાના મનની ધૂંધળી આશા પણ નષ્ટ થઈ હતી. "બેટા, તારા કુળના રાજવીઓને ગૌરવાન્વિત કર. જા, પણ જરા પણ હાનિ પામ્યા વગર પાછો આવજે. તારા માર્ગનાં ભયસ્થાનોને ભગવાન દૂર કરે. ધર્મને વળગી રહેજે. તારા દૃઢ નિર્ધારમાં તને ચલિત કરી શકે એવું કોઈ નથી. તારી ઇચ્છાશક્તિ અડગ અને અવિકારી છે. પણ તું આજે ન જા. બસ, આજની રાત્રી તું મારી સાથે વિતાવ.
"તને જોઈ જોઈને મારે મારી આંખો ભરી લેવી છે. પરોઢ થતાં તું તારે જજે. ઉપરથી છેતરામણી રાખ બાઝી ગઈ હોય તેવા સળગતા કોલસાને હાથમાં લેનાર માણસની જેમ કૈકેયીને મેં વરદાન આપ્યું અને તેના મનમાં શું ચાલે છે, તેની જાણ નહોતી. અત્યારે હું નિઃસહાય છું અને તેની જાળમાં ફસાયો છું. અને તું કહે છે, 'હું મારા પિતાનાં વચનને પૂરાં કરીશ. મારા પિતાની કીર્તિને અપમાનનો બટ્ટો નહિ લાગવા દઉં. હું રાજ્યનો ત્યાગ કરીશ અને વનવાસમાં જઈશ.' આ દુનિયામાં તારા જેવો પુત્ર બીજા કોને મળી શકે? હું સોગંદપૂર્વક કહું છું કે આ ઘોર વિપત્તિનો મને જરાપણ ખ્યાલ નહોતો."
આમ દયાર્દ્ર થઈને રાજાએ વચનો કહ્યાં. જીવનની અંતિમ ક્ષણોમાં પણ રામના મનમાં તેમને માટેનું સન્માન દશરથ ખોવા માગતા નહોતા.
"પિતાજી, ભરતને પાછો બોલાવી લ્યો અને માતા કૈકેયીને તમે આપેલું વચન તાત્કાલિક પૂરું કરો. તમે મારું અહિત કરો છો એવા વિચારથી તમે મુશ્કેલી ન વેઠો, કારણ કે મને સિંહાસનની કામના ક્યારેય નહોતી. એટલે એવું ન માનો કે મને તે ન મળવાથી હું વંચિત રહી ગયો છું. દુઃખ કે સંશયની મૂંઝવણ વગર ભરતનો રાજ્યાભિષેક કરો અને તેને આપના આશીર્વાદ આપો. બધાં દુઃખને ફગાવી દ્યો. અશ્રુપાત બંધ કરો. મહાસાગર કોઈવાર સુકાય? એટલે પૂજ્ય પિતાજી, તમે પણ તમારું સંતુલન ક્યારે પણ ન ગુમાવતા.
"મારી એકમાત્ર ઇચ્છા તમે આપેલા શબ્દને સાચો પાડવાની છે. મને જો દુનિયાની પૂરી સંપત્તિ મળે, પણ તમારા શબ્દને ખોટો પાડું, તો મને એમાં શો આનંદ મળે? પિતાજી, તમે મારા ભગવાન છો. હું તો માનું છું કે ભગવાને જ મને વનમાં મોકલ્યો છે. ચૌદ વર્ષ પૂરાં થાશે, ત્યારે તમે મને પાછો જોશો. દુઃખી ન થાઓ.
"અહીં હું એક રાત્રી વધુ રોકાઉં અને કાલે જાઉં, તો શો ફાયદો છે? સમય તો આવતીકાલની અવિરત શૃંખલા છે. અને એક દિવસ બીજા દિવસ જેવો જ હોય છે. અનિવાર્ય દુઃખ પાછું ઠેલવાથી સુખ બની જતું નથી."
"ભલે, તો સેના નાયકોને બોલાવો," રાજાએ સુમંત્રને કહ્યું, "અને તેમને આદેશ આપો કે રામ સાથે વનમાં જવા રથો, હાથીઓ, ઘોડાઓ અને પાયદળના સૈનિકોને તૈયાર રાખે. અને સેના સાથે રામને વનમાં ઋષિઓ સાથે રહેવા માટે જરૂરી બધો સામાન મોકલાવે. સેવકો, સંપત્તિ કે જરૂરી ચીજવસ્તુઓની કોઈ જ ખોટ ન રહેવી જોઈએ."
રામના વનવાસને રોજિંદા જીવનમાંથી મનગમતું પરિવર્તન આપનાર કોઈ રજવાડી પ્રવાસમાં ફેરવી નાખવાની અને વનવાસી પ્રજાની લાગણીસભર આગતાસ્વાગતાના બદલામાં જીવંત કરવાની લાચાર દશરથના મનમાં ઇચ્છા હતી. તે બોલતા હતા ત્યારે કૈકેયીનો ચહેરો ગુસ્સાથી ધૂંધવાઈ ગયો હતો. રાજા સામે તિરસ્કારથી જોઈને કર્કશ અને આક્રોશિત અવાજમાં તે બોલી, "વાહ! ભલા અને ઉદાર સમ્રાટ! કોઈ તરસથી મૃતઃપ્રાય માણસને બીજું કોઈ ખાલી પાત્ર મશ્કરીમાં ધરે, તેમ રાજ્યમાંથી જે બધું ઐશ્વર્ય સાચવી રાખવાનું છે, તે બધું જ શોષી લીધા પછી જ તમે ભરતને આ રાજ્ય સોંપવાના લાગો છો. મારા પુત્રને આવું ઉજ્જડ રાજ્ય ભોગવવામાં પછી શો આનંદ કે વૈભવ મળશે?"
અસહ્ય દબાણના ભાર નીચે કચડાયેલા માણસ ઉપર ખંજરનો પ્રહાર કરવાની ક્રૂરતાથી આશ્ચર્યચકિત થઈને દશરથે નિઃસહાય અણગમતાથી નિઃસાસો નાખ્યો. આજુબાજુના બીજા માણસોએ પણ શાબ્દિક ગુસ્સો વ્યક્ત કર્યો, કારણ કે હાજર બીજા દરબારીઓને પણ આ ઉઘાડી નિર્દયતામાં મૌન સેવવાનું અસહ્ય લાગ્યું. રામ આ કડવાશનો અંત લાવ્યા. તેમણે જણાવ્યું કે વનવાસના જીવન સાથે અસંબદ્ધ એવા મોટા રજવાડી રસાલાને સાથે લઈ જવામાં તે સંમત નહોતા.
તેમણે કહ્યું, "રાજાધિરાજ! વન્યજીવન જે કંઈ પ્રદાન કરે છે તેના ઉપર જ આધારિત જીવન જીવવા માટે હું જઈ રહ્યો છું, ત્યારે આવા રજવાડી ઠાઠવાળા ભભકદાર રસાલાની મારે શું જરૂર છે? સ્વેચ્છાથી રાજગાદીનો ત્યાગ કર્યા પછી મને આવાં લટકણિયાં શા કામનાં? આમ કરવું તો હાથીનો ત્યાગ કર્યા પછી તેની ભારે સાંકળનો ભાર વહન કરવા જેવી આ લોલુપ ઇચ્છાની ભૂલ નથી લાગતી? પિતાજી, ભરત અને તેની માતાના ભલા માટે રાજ્ય ઉપરનો મારો હક્ક મેં બહુ આનંદ સાથે ત્યાગી દીધો છે. મારા વનવાસનાં ચૌદ વર્ષમાં મને ઋષિઓ ધારણ કરે છે તેવાં વલ્કલ વસ્ત્રો અને કોદાળી અને સુંડલા જેવી વન્યજીવનની સાદી જરૂરિયાતની વસ્તુઓ સિવાય બીજા કાંઈની જરૂર નથી."
રામ હજી આ શબ્દો બોલ્યા હતા જ, કે તરત બેશરમ કૈકેયી ઝડપથી તેણે તૈયાર રાખેલાં વલ્કલ વસ્ત્રો લઈ આવી અને પોતે જ રામને શરમનો શેરડો પણ પડ્યા વગર આપવા લાગી. ત્યાં ને ત્યારે જ રામે તે વસ્ત્રો ધારણ કર્યાં. આ વસ્ત્રોમાં તે ઋષિ જેવા પ્રભાવશાળી લાગતા હતા. લક્ષ્મણે પણ વલ્કલ ધારણ કર્યાં. દશરથરાજા આ બધું નિઃસહાય વેદનાથી જોઈ રહ્યા હતા.
કૈકેયી સીતા માટે પણ વલ્કલ લઈ આવી. આ વસ્ત્રો લીધા પછી સીતા થોડીકવાર મૂંઝવણમાં ઊભી રહી, કારણ કે તેણે અગાઉ આવાં વસ્ત્રો પહેર્યાં નહોતાં અને તેને કઈ રીતે બદલવાં તેની સીતાને જાણ નહોતી.
દૈવી આભાથી શોભતા રામ પાસે તે ગઈ અને લજ્જાપૂર્વક કહ્યું, "કૃપા કરીને મને કહો, આ વસ્તુ કેવી રીતે પહેરી શકાય છે?" રામે જ્યારે સીતાનાં વસ્ત્રો લીધાં અને સીતાના રેશમી વસ્ત્ર ઉપર વીંટાળીને સીતાના ખભા ઉપર જ્યારે ગાંઠ વાળી ત્યારે હાજર મહિલાઓએ કરુણ કલ્પાંત કર્યું અને દશરથરાજા મૂર્છાવશ ઢળી પડ્યા. તે પાછા જ્યારે ભાનમાં આવ્યા, ત્યારે કૈકેયી ઉપર જોરથી તાડૂક્યા, પણ તે તો ખંધું હસતી રહી. અલબત્ત, સીતાના વનમાં જવા માટે કૈકેયી પોતે તો ચોક્કસ પણે જવાબદાર નહોતી. સીતાએ પોતે જ પોતાની ઇચ્છાથી પતિ સાથે જવાનું નક્કી કર્યું હતું, અને તેમાં તે અડગ હતી.
નીકળતી વખતે રામે નીચી નજરે કહ્યું, "પિતાજી, મારી પાછળ નિષ્કલંક અને કોમળ હૃદયવાળી મારી મા કૌશલ્યા, જેણે એના ઘડપણમાં તેના પુત્રને ગુમાવ્યો છે, તેને એકલી મૂકીને જાઉં છું. નિયતિનો આ ઓચિંતો વજ્રઘાત તેને માટે મૃત્યુ સમાન વિપત્તિ છે, પણ તમારા માટે જ તે અહીં રહેવા સંમત થઈ છે, જેથી તે તમારી યાતનામાં સહભાગી થઈ શકે અને તમને ધરપત આપી શકે. કોઈને પણ માટે દયાહીન વિચારને મનમાં સંઘરી રાખવા માટે તે જરાપણ શક્તિમાન નથી, તેની સાથે અગાઉ ક્યારે પણ આવા દુઃખદાયક વિયોગની વેદનાને સહન કરવાનું બન્યું નથી. હું અહીં નથી તે સમયગાળા દરમ્યાન તેના ઉપર દયા રાખજો, અને મારા લાંબા દેશવટા માંથી તેના ચરણે મારું મસ્તક ઝુકાવવાના મનોરથ સાથે જ્યારે હું પાછો ફરું, ત્યારે હું ઇચ્છું છું કે દુઃખના ભારથી તેમણે અંતિમ વિદાય લીધી છે, એવું મારે સાંભળવું ન પડે."
માતાના માનસિક સંતાપના વિચારને પણ સહન ન કરી શકનાર રામ આમ બોલતાં બોલતાં બહાર નીકળ્યા, ત્યારે દશરથ આ દૃશ્યને સહન ન કરી શકતાં તેમણે પોતાના ચહેરાને તેમના હાથથી ઢાંક્યો.
