રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-16

Chapter 16 · પ્રકરણ ૧૬

આંધી અને શાંતિ

લક્ષ્મણનો પુણ્યપ્રકોપ
લક્ષ્મણનો પુણ્યપ્રકોપ

રામ રાણી કૌશલ્યાના નિવાસસ્થાને ગયા. રાજ્યાભિષેકની આતુરતાપૂર્વક રાહ જોતા ઘણા મુલાકાતીઓ ત્યાં ભેગા થયેલા. સૌથી અંદરના એક ખંડમાં સફેદ રેશમી વસ્ત્રમાં રાણી કૌશલ્યા હવનના અગ્નિ પાસે તેમના પુત્ર માટે આશીર્વાદોનું આહ્વાહન કરી રહ્યાં હતાં.

રામે પ્રવેશ કર્યો તે સાથે જ તેમણે રામને આલિંગન આપ્યું અને તે જાણતાં હતાં કે રામ યુવરાજ થવાના છે, તેથી તેમણે રામને એક ખાસ ઊંચા આસને બેસવા જણાવ્યું.

"મા, હવે આ આસન મારા માટે બહુ ઊંચું છે," રામે કહ્યું. "હું એક સંન્યાસી છું અને મારે જમીન ઉપર પાથરેલાં ઘાસ ઉપર બેસવું જોઈએ. તમને દુઃખ થાય તેવા સમાચાર હું લાવ્યો છું. તમે સાંભળો, અને મને તમારા આશીર્વાદ આપો."

અને જે બન્યું હતું, તેની બહુ સંક્ષેપમાં તેમણે માતાને વાત કરી. "મહારાજા ભરતનો રાજ્યાભિષેક કરવા માગે છે. તેમનો આદેશ છે કે હું ચૌદ વર્ષ સુધી દંડકારણ્યમાં વનવાસ કરું. મા, મારે આજે જ નીકળવાનું છે અને જતાં પહેલાં આપના આશીર્વાદ લેવા આવ્યો છું."

આ સાંભળીને અચાનક કપાયેલાં કેળના ઝાડની જેમ કૌશલ્યા જમીન ઉપર પડ્યાં. લક્ષ્મણે અને રામે તેમને કાળજીથી બેઠાં કર્યાં.

તે રામને વળગી પડ્યાં અને રુદન કરતાં બોલ્યાં, "શું મારું હૃદય પથ્થર કે લોખંડનું બનેલું છે, કે હું હજી સુધી જીવતી છું?"

લક્ષ્મણ મહારાણીનું દુઃખ જોવું સહન ન કરી શક્યા. તે ગુસ્સેથી બોલ્યા, "આ ઘરડા રાજાએ રામને એવી સજા કરી છે, કે જે માત્રને માત્ર સૌથી દુષ્ટ પાપીને જ આપી શકાય. એવું કયું પાપ કે અપરાધ રામે કર્યો છે? તેમના સૌથી વધુ ખરાબ દુશ્મન પણ રામમાં એક પણ ઊણપ જોઈ શકતા નથી. પોતાની યુવાન પત્નીના મોહમાં આ લંપટ ઘરડાએ પોતાની જાત ઉપરનો કાબૂ ગુમાવ્યો છે અને હવે તે રાજા તરીકે ચાલુ રહેવા જરાપણ લાયક નથી.

"કોઈ રાજા એક સ્ત્રીની વાત સાંભળીને ધર્મનું ઉલ્લંઘન કઈ રીતે કરી શકે? અરે રામ! તમારા વિરોધીઓ પણ, જ્યારે તમારી સામે જુએ છે, ત્યારે તમને પ્રેમ કરવા લાગે છે. અહીં તો આ લંપટ પિતાજી તમને વનવાસમાં મોકલે છે. ભાઈ, આમ જુઓ, આપણે બંને સાથે મળીને આ રાજાને ઉથલાવી દઈએ અને રાજ્યનો કારભાર આપણે જ સંભાળીએ. આપણો વિરોધ કોણ કરી શકવાનું છે? અને જે કોઈ એમ કરશે તેનો હું ખાત્મો બોલાવી દઈશ. બસ, તમે માત્ર રજા આપો અને હું આ બધું એકલે હાથે પતાવી દઈશ.

"નાનોભાઈ રાજા બને અને તમે વનવાસમાં જાઓ! આખી દુનિયા આ મૂર્ખામી ઉપર હસવા લાગશે. આને તમે સંમતિ આપતા નહીં. કોઈપણ ભોગે હું આ સહન કરી શકું એમ નથી. બધા વિરોધને હું હંફાવીશ અને તમે કોઈપણ જાતના વિઘ્ન કે તકલીફ વગર રાજ કરો એવું પાકું કરીશ. જરા પણ શંકા ન કરતા, પણ મારામાં આ બધું કરવાની પૂરતી શક્તિ છે. આજના પ્રભાતે સૂર્યનો ઉદય થવાને બદલે એક ભયંકર અંધકાર આપણી ભૂમિ પર છવાયો છે, કારણ કે આપણે જ્યારે તમારા રાજ્યાભિષેકની રાહ જોઈએ છીએ, ત્યારે રાજા તમને દેશવટે મોકલે છે! આવા અન્યાયની સામે વિવેકી કે આજ્ઞાંકિત બનવાનો કોઈ અર્થ નથી. હું આને સ્વીકારી શકતો નથી. મારે મારો ધર્મ બજાવવો જ જોઈએ. મા, અને ભાઈ, તમે પણ મારા બાવડાનું સામર્થ્ય જોઈ લેજો."

લક્ષ્મણના શબ્દોએ કૌશલ્યાને થોડુંક આશ્વાસન આપ્યું, જોકે રાજાને ઉથલાવવાની અને સિંહાસન ઝૂંટવી લેવાની વિચિત્ર વાતથી તે ભયભીત પણ થઈ.

માતાએ કહ્યું, "રામ, લક્ષ્મણે જે કહ્યું છે, તેના ઉપર યોગ્ય વિચાર કર. વનવાસે ન જા. તું જતો રહીશ, તો દુશ્મનો વચ્ચે હું અહીંયાં એકલી કેવી રીતે રહીશ? હું પણ તારી સાથે જ આવીશ."

લક્ષ્મણના પુણ્યપ્રકોપને રામ શાંતિથી સાંભળી રહ્યા હતા, કારણ કે દબાવી રાખેલી લાગણીઓને શબ્દો દ્વારા બહાર કાઢવામાં શાણપણ હતું. પછી કૌશલ્યા તરફ ફરીને તેમણે કહ્યું, "મા, વનવાસમાં મારી સાથે કોઈએ પણ આવવાની વાત બંધ કરો. અહીં રહીને રાજાની સેવા કરવાનો અને પાકટ ઉંમરે તેમના ઉપર આવી પડેલાં દુઃખમાં સહભાગી થવાનો તમારો ધર્મ છે. એક મહારાજાની પટરાણી મારી સાથે વનમાં કોઈ વિધવાની જેમ કઈ રીતે ભટકી શકે? આ બની શકે એમ જ નથી. મારો વનવાસ પૂરો થયા પછી હું ચોક્કસ પાછો આવીશ.

"મારા પિતાજીનાં વચનોને પુરવાર કરવાનો મારો ધર્મ છે. તે ન્યાયી છે કે અન્યાયી, તેનાથી મને કોઈ ફેર પડતો નથી. એમનાં વચન સ્વયંસ્ફુરિત હોય, કે દબાણ નીચે કહેવાયાં હોય, કે ષડ્યંત્ર હોય, મારે માટે બધું સરખું છે. હું જો આ પાયાની ફરજ ચૂકું, તો ગમે તેટલી સંપત્તિ કે સત્તા વચ્ચે પણ આત્મસંતોષ કે કીર્તિ પામી શકું નહીં. લક્ષ્મણ, તારા પ્રસ્તાવ તદ્દન ખોટા છે. તારા મહાન સામર્થ્યને હું જાણું છું અને મને જરા પણ શંકા નથી કે તું બધા વિરોધીઓનો પરાજય કરીને મારા માટે રાજ્ય પ્રાપ્ત કરી શકીશ. મારા માટેનો તારો પ્રેમ પણ હું જાણું છું.

"પણ જે રીતે તેનો અમલ કરવાનો તારો પ્રસ્તાવ છે, તે આપણે જે કુળમાં અને વંશમાં જન્મ્યા છીએ તેને માટે યોગ્ય નથી. આપણી સૌથી મહત્ત્વની ફરજ આપણા પિતાશ્રીના વચનને ચરિતાર્થ કરવાની છે. આપણે તેમાં જો નિષ્ફળ જઈએ, તો બીજી કોઈ પણ સિદ્ધિ તે અધૂરપને પૂરી નહીં કરી શકે."

રામે તેના માતાને અને ભાઈને એમ બંનેને આશ્વસ્થ કરવાનો પ્રયત્ન કર્યો, પણ લક્ષ્મણનો ગુસ્સો એમ સહેલાઈથી કાબૂમાં આવે એમ નહોતો. કદાચ રામે નહીં, પણ પોતે જ આ ભોગવવાનું હોત તો પણ એનો ગુસ્સો આવો જ હોત. પણ અહીં તો આ ઘોર અન્યાયના રામ પોતે જ ભોગવનાર હતા. આને લીધે લક્ષ્મણ ઘાયલ શેષનાગની જેમ ગુસ્સાથી ધુવાંફુવાં થતો હતો. રામ તેને થોડોક દૂર લઈ ગયા, તેને બેસાડ્યો અને શાંત પાડવા લાગ્યા. "લક્ષ્મણ, તું મારી બીજી પ્રતિકૃતિ, બીજાના શરીરમાં મારો જ આત્મા નથી? મારી વાત સાંભળ. તું બહાદુર અને સમર્થ છો. એટલે જ મારા લીધે આવેલ ગુસ્સા અને સંતાપને મારે માટે કાબૂમાં રાખ. આવી દૂષિત ભાવનાને તારા ઉપર કાબુ મેળવવાનું નિયંત્રણમાં રાખ. આપણા ધર્મને વળગી રહીને ચાલ, આપણે આપણી વર્તમાન અવમાનનાને મોટા ઉલ્લાસમાં ફેરવી દઈએ. આપણે રાજ્યાભિષેક વિષે બધું ભૂલી જઈએ, અને આપણા કુળને શોભે એવા વિચારો કરીએ.

"આપણા પિતાજીની હાલતનો વિચાર કર. આપણી હાર્દિક સહાનુભૂતિ અત્યારે તેમની સાથે હોવી જોઈએ. કારણ કે તેઓ પોતે એક મોટી વિમાસણમાં ઘેરાયેલા છે. કારણ ગમે તે હોય, પણ તેમણે એક વચન આપેલું અને જો તેનો તેઓ ભંગ કરે, તો તેઓ એક શરમજનક પાપ આચરી બેસે અને તો તેમની બધી મહાનતા અને પરાક્રમી ગાથાને એક મોટું લાંછન લાગે. પોતે જે કાંઈ કર્યું તે બહુ ખોટું હતું તેવી લાગણીથી તેમનું હૃદય ભાંગી પડ્યું છે. જોકે હું તેને જરા પણ ખોટું માનતો નથી, કારણ કે રાજાએ તેનું વચન પાળવું જોઈએ અને પુત્રે પિતાની આજ્ઞા માનવી જોઈએ. તારે પણ એ પ્રદર્શિત કરવું જોઈએ કે તું પણ કોઈપણ જાતની દુઃખની લાગણીથી મુક્ત છો. આમ કરીને જ આપણે તેમને માનસિક રાહત આપી શકીશું.

"આપણે ભોગવીએ છીએ તે જીવન એમણે આપ્યું છે અને આપણે તેમને મનની શાંતિ આપવાની છે. તેમને મરણોત્તર ભય સતાવે છે. આપણે તેમને આ ભયમાંથી મુક્ત કરાવવાના છે. અત્યાર સુધી આપણે આપણા તરફથી દુઃખી થવાનું કે હતાશ થવાનું કોઈ કારણ આપ્યું નથી. હવે અત્યારે આપણે જ તેમના મનના ભયનું કારણ બન્યા છીએ. મૃત્યુ પછીના જીવનમાં તેમનું શું થશે, તેનો તેમને ભય છે. આપણે તેમને સહેલાઈથી ભયમુક્ત કરી શકીશું. આમ કરવાને બદલે, આપણે તેમની મુશ્કેલીઓ વધારવી છે? આ કારણથી મારું મન રાજ્યાભિષેકથી સાવ જુદી દિશામાં વળી ગયું છે અને તે વનવાસમાં પ્રવૃત્ત થઈ ગયું છે.

"હવે મારી એકમાત્ર ઇચ્છા એ જ છે કે હું વનવાસમાં જાઉં અને ભરતનો રાજ્યાભિષેક થાય. આનાથી જ મને સૌથી વધુ આનંદ મળશે. હું જો વિલંબ કરું, તો કૈકેયીની વધુ શંકા થશે. એટલે જ મારે આજે જ વનવાસમાં જવું છે, જેથી તેના મનમાં શાંતિ થાય. વચનભંગના પાપના ભયથી મુક્ત થઈને અને તેમના આદેશના મારા સ્વૈચ્છિક અને આનંદપૂર્વકના સ્વીકારથી આપણા પિતાજી આનંદ અનુભવશે.

"અને આપણે કૈકેયી ઉપર પણ ગુસ્સે થવાની જરૂર નથી. આટલાં વર્ષો સુધી તેમણે આપણને પ્રેમથી રાખ્યા નથી? તેમના મનમાં ઓચિંતો જ આવો વિચાર ઉદ્ભવે તે ચોક્કસ નિયતિનું જ કાવતરું છે. આપણે આને માટે તેમને દોષ આપવો બરોબર નથી. માણસ ધારે છે કંઈક અને પ્રારબ્ધ તેનાથી કંઈ જુદું જ કરે છે. આ બાબતમાં કૈકેયી તો પ્રારબ્ધના હાથનું એક પરોક્ષ સાધન જ છે.

"આપણી આ કૈકેયી માતાએ આખી દુનિયાના દોષારોપણનો ભયાનક બોજો સહન કરવો પડશે, પણ આપણો તેમને માટેનો પ્રેમ પહેલાં હતો તેવો જ રહેવો જોઈએ. અત્યાર પહેલાં, તેમના મનમાં જો કોઈ દૂષિત લાગણી હોત, તો તેમના વર્તાવથી જ જાહેર થઈ હોત. એમાં કોઈ શંકા નથી, કોઈ ઉચ્ચ શક્તિએ તેમની પાસે આમ અચાનક અને કઠોર થઈને બોલાવ્યું હોય, 'રામ વનવાસમાં જાય.' એ સિવાય, જેણે આપણને તેમના પોતાના જ બાળકો તરીકે ઉછેર્યા હોય, તેવી ઉદાત્ત મનવાળી સ્ત્રી પોતાના પતિ સાથે આવો હઠીલો વર્તાવ કઈ રીતે કરી શકે? નિયતિને કોણ અવગણી શક્યું છે? કેટલાય આદરણીય સંતો ઓચિંતા જ તેમની તપશ્ચર્યામાંથી પતિત થઈ ગયા છે. તો આ બિચારી કૈકેયી નિયતિનો પ્રતિકાર કઈ રીતે કરી શકે?

"આ વિપત્તિને આનંદમાં ફેરવવાનો આપણે મક્કમ નિર્ધાર કરીએ. લક્ષ્મણ, આમ કરવું એ આપણી ખાનદાની અને હિંમતની સાબિતી બની રહેશે. મારી માતાઓ અને વડીલોના આશીર્વાદ લઈને હું વનમાં જઈશ. અહીં પાણી લાવ, ગંગાજળ, જે રાજ્યાભિષેક માટે છે તેમાંથી લાવ. વનવાસમાં જતાં પહેલાં હું પૂજા માટે તેનો ઉપયોગ કરીશ. જોકે ના, તે પાણી તો રાજ્યનું છે અને રાજ્યાભિષેક માટે લવાયું છે. આપણે એને સ્પર્શી પણ કઈ રીતે શકીએ? આપણે પોતે જ ગંગાતટે જઈએ અને મારી પૂજા માટે પાણી લઈ આવીએ. ભાઈ, તું રાજ્ય કે વૈભવનો વિચાર કરીને દુઃખી ન થા. વનવાસનું જીવન મને ભરપૂર આનંદ આપશે."

આમ રામે લક્ષ્મણને પોતાના આંતર્મનના વિચારો જણાવ્યા. આ ગદ્યખંડમાં વાલ્મીકિ દૈવ શબ્દનો ઉપયોગ કરે છે. સંસ્કૃત સાહિત્યમાં દૈવ એટલે ભાગ્ય. દૈવમ્, દિષ્ટમ્, ભાગ્યમ્, નિયતિ — આ બધા શબ્દો કોઈક અનપેક્ષિત અથવા ન સમજાવી શકાય તેવા વિચારને પ્રગટ કરે છે. ઈશ્વર એટલે પરમ અને સર્વોચ્ચ તત્ત્વ એવી માન્યતાને લીધે એક સ્વાભાવિક ગૂંચવણ ઊભી થાય છે. આ પ્રસ્તુત પ્રસંગમાં રામ લક્ષ્મણને જે કહે છે, તેનો અર્થ એવો નથી થતો કે દેવોએ પોતાના કોઈ લાભ માટે કૈકેયીનાં કરતૂત દ્વારા કાવતરું રચ્યું હોય. રામે સામાન્ય આશ્વાસનરૂપે જ આવું કહ્યું હોઈ શકે.

કંબન રામાયણમાં પણ, 'સર્વનાશના અગ્નિ તાંડવ' જેવા પોતાના ભાઈને ઉદ્દેશીને રામ કહે છે, "તળિયું સુકાઈ ગયું હોય, તો તેમાં નદીનો વાંક નથી. તેવી જ રીતે મારા અહીંથી જવા માટે રાજાનો, રાણી કૈકેયીનો કે તેના પુત્રનો વાંક નથી. વાંક તો નિયતિનો કરતૂતનો છે. તો પછી કોઈએ ગુસ્સે શું કામ થવું જોઈએ?"

આ સ્પષ્ટતાથી લક્ષ્મણ થોડો વખત ઠંડા પડ્યા. પણ તરત જ તેમનો ગુસ્સો પાછો ઠલવાયો. તેમણે કહ્યું, "ભલે ભલે. ઠીક છે. આ કુદરતનું કામ છે. હું માની લઉં કે આપણી સાવકી માતાની ઓચિંતી ક્ષતિ માટે નિયતિ જવાબદાર છે. અને મારો ગુસ્સો તેમના ઉપર નથી. પણ આ કારણથી આપણે શું નિષ્ક્રિય થઈ જવું? અને કંઈ ના કરવું? દૃષ્ટને હરાવવાનો અને ન્યાયને પ્રતિષ્ઠિત કરવાનો ક્ષત્રિયનો ધર્મ છે.

"સાચો શૂરવીર ભાગ્ય આગળ ઝૂકતો નથી. નગારાંના ઘાએ રામના રાજ્યાભિષેકની ઘોષણા નગરને અને દેશને કર્યા પછી, જુલ્મી રાજા કોઈ જૂનાં અને ભુલાઈ ગયેલાં વરદાનને જીવિત કરે છે અને તમને વનવાસમાં જવાનો આદેશ આપે છે. આને નિયતિ ગણીને તેને મૂંગે મોઢે સ્વીકારી લેવામાં કયું પૌરુષત્વ સમાયેલું છે? માત્ર નિર્માલ્ય લોકો જ ભાગ્યને આધીન થાય છે. સાચા શૂરવીરોએ તો તેનો પ્રતિકાર કરવો જોઈએ અને નાશ કરવો જોઈએ. એમ નિયતિને તાબે થાઉં એવો હું બાયલો નથી. એક શૂરવીરનો નિયતિ સામેનો સંઘર્ષ હવે આજે તમે જોઈ લેજો. નિયતિના ગાંડા હાથીને હું વશ કરીશ અને મારા કામમાં લઈશ.

"જે લોકોએ તમારા દેશ વટાનું કાવતરું કર્યું છે, તે બધાને વનવાસમાં મોકલી દઈશ. તમારે આનંદ પ્રમોદ માટે વનની મુલાકાત લેવી હોય, તો તે તમે પછીથી કરી શકો. તેને માટેનો યોગ્ય સમય તો તમે જ્યારે રાજા તરીકે દેશ ઉપર વર્ષો સુધી શાસન કરી લીધું હોય અને પછી સિંહાસન તમારા પુત્રોને સુપ્રત કર્યું હોય, ત્યારનો જ છે. આપણા પૂર્વજોનો આ જ રસ્તો છે. હવે જે કોઈ તમારા રાજા તરીકેના શાસન સામે પ્રશ્ન ઉઠાવશે, તેનું હું નિકંદન કાઢી નાખીશ.

"આ બે ખભા ખાલી રૂપાળા દેખાવા માટે છે? આ ધનુષ્ય, આ બધાં બાણ અને બાજુમાં લટકતી તલવાર શોભા વધારવા માટે છે? કે તમે એવું માનો છો, કે તે બધાં નાટકના મંચ ઉપરનાં આભૂષણો છે? હું તમારા આદેશની રાહ જોઉં છું. મને છૂટ આપો અને હું મારી શક્તિનો પરચો બતાવીશ."

લક્ષ્મણના ગુસ્સાની ભભૂકતી આગ વચ્ચે રામે લાગણીપૂર્વક તેને શાંત પાડવા પ્રયત્ન કર્યો. "જ્યાં સુધી આપણાં માતાપિતા જીવે છે," રામ બોલ્યા, "ત્યાં સુધી તેમની આજ્ઞાનું પાલન કરવાનો આપણો ધર્મ છે. મારા પિતાના આદેશનું ઉલ્લંઘન કરવાનું હું સ્વપ્નમાં પણ ન વિચારી શકું. તેમના આદેશ મુજબ અમલ કરવાની અને તેમનું પ્રણ પૂરું કરવાની આપણી મૂળભૂત ફરજ છે. માતાપિતાનું અપમાન કરીને અને ધર્મના મૂર્તિમંત સ્વરૂપ જેવા ભરતનો વધ કરીને રાજપાટ મેળવવામાં કયો આનંદ છે?"

આમ કહેતાં તેમણે લક્ષ્મણની આંખોનાં આંસુને પોતાના હાથથી લોહ્યાં. રામે જ્યારે આમ કર્યું ત્યારે લક્ષ્મણ શાંત પડ્યા. રામના હાથે વ્હાલપના જાદુ દ્વારા ચમત્કાર સર્જાયો.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.