રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-15

Chapter 15 · પ્રકરણ ૧૫

અહો વૈચિત્ર્યમ્!

આદેશનું પાલન
આદેશનું પાલન

સ્વાભાવિક લાગણીનાં બંધન અને કોઈને આપેલાં વચનને પૂરું કરવાની નૈતિક જવાબદારી વચ્ચેની ખેંચતાણમાં દશરથ રાજા દયનીય હાલતમાં તીવ્ર વિષાદ અનુભવતા હતા. પ્રેમાધીન આશાને લીધે તેમણે માનેલું કે કૈકેયી કૂણી પડશે અને જવાબદારીઓ વચ્ચેનું ઘર્ષણ અંતે સ્વાભાવિક રીતે ઉકેલાઈ જાશે. પણ હવે તેમને ખ્યાલ આવ્યો કે આમ થઈ શકશે નહીં. જોકે હજી પણ એમને એક ધૂંધળી આશા હતી. "મારાં વચનો અને મારાં વરદાનોથી રામ કોઈ રીતે બંધાયેલા નથી. પ્રજાજનોનો અદ્વિતીય પ્રેમ અને અપ્રતિમ સામર્થ્ય ધરાવનાર રામ મારાં વરદાનોને ઉવેખી શકે અને પોતાના હક્ક ઉપર સ્વતંત્ર રહી શકે. જોકે રામ એમ કરે એવું હું વિચારી શકતો નથી, કારણકે મારી ક્ષુલ્લક લાગણી પણ તેને માટે બહુ પવિત્ર રહી છે. આમ છતાં, જોગાનુજોગ તે આમ કરે, તો અનુકૂળ હાલત સર્જી શકાય." ગૂંચવાયેલાં અને દુભાયેલાં હૃદયવાળા વૃદ્ધ રાજાએ આવી મિથ્યા આશાથી પોતાની જાતને સાંત્વના આપી. તે ભૂલી ગયા કે રામ તેના પિતાજીએ આપેલા વરદાનને અવગણવાનો ક્યારેય પણ વિચાર ન કરે, કારણ કે જન્મજાત આજ્ઞાપાલન તેમના જીવનનો પાયાનો સિદ્ધાંત હતો. પણ આવી નઠારી આશા લાંબું ન ચાલી. તેમને લાગતું હતું કે તેમનું મૃત્યુ નજીક હતું. જવાબદારીઓ વચ્ચેના વેદનાયુક્ત ઘર્ષણમાં મૃત્યુ રાહત સમાન હતું, અને આવનારા વિનાશ અને ઉપાધીઓમાંથી તેમને બચાવનાર હતું. મૃત્યુ નજીક આવતું ગયું તેમ, તેના મનમાં ભૂતકાળની ઘટનાઓ જાગૃત થઈ. પોતે યુવાન હતા ત્યારે એક મહાન પાપ તેમણે કરેલું, તે તેમને યાદ આવ્યું. તેમને લાગ્યું કે, તેમણે ત્યારે જે વાવેલું, તે અત્યારે લણી રહ્યા છે: "મેં એક ઋષિના પુત્રને હણેલો અને તેમના ઉંમરલાયક મા-બાપને ખૂબ દુઃખ પહોંચાડેલું. પ્રિય પુત્રને ગુમાવવાનું દુઃખ ભોગવ્યા વગર પેલું પાપ કઈ રીતે ભૂંસી શકાય?" આમ દશરથે પોતાના ભાવિને સ્વીકારવું પડ્યું, કારણ કે એમ કરવાથી પોતે કરેલા પાપનું ન્યાયી પ્રાયશ્ચિત્ત થઈ શકે. તેમણે નિર્ણય કર્યો કે પોતાની ક્રૂર પત્નીને આપેલા વચનનો અમલ કરવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ પણ નહોતો. આ બાબતની બધી કાર્યવાહી અંગેના બધા આદેશોની જવાબદારી તેમણે સંપૂર્ણપણે કૈકેયીને સોંપી. સવાર થઈ. રાજ્યાભિષેકનો સમય નજીક આવતો જતો હતો. સોનાના પાત્રોમાં પવિત્ર નદીઓનાં જળ સાથે વસિષ્ઠ અને તેના શિષ્યોનો સમૂહ રાજમહેલ તરફ આવી રહ્યો હતો. સુશોભિત રાજપથ ઉપર ઉત્સુક પુરુષો અને સ્ત્રીઓનાં ટોળાં ઊભાં હતાં. વસિષ્ઠ અને તેના શિષ્યોને પવિત્ર જળ અને રાજ્યાભિષેકની અન્ય સામગ્રી સાથે રાજમહેલ તરફ જતા જોઈને પ્રજાજનો આનંદિત થતા હતા. અનેક વાદ્યોમાંથી ઉત્પન્ન થતાં આનુષંગિક સંગીત સાથે પ્રજાજનોએ મધ, દહીં, માખણ, મિસરી, રાંધેલા ચોખા, દર્ભનું ઘાસ, ફૂલો, કુમારિકાઓ, હાથીઓ, અશ્વો અને રથો, સફેદ છત્ર, બળદ, અશ્વ અને વ્યાઘ્રચર્મની ગાદી રાજમહેલ તરફ લઈ જવાતાં જોઈને લોકોએ કરેલા આનંદના પોકારોથી આકાશ છવાઈ ગયું. રાજમહેલના દરવાજા પાસે વસિષ્ઠે સુમંત્રને જોયા અને કહ્યું, "જલદી મહેલમાં જઈ મહારાજાને જાણ કરો કે પ્રજાજનો રાહ જુએ છે અને બધી તૈયારી પૂરી થઈ ગઈ છે."

સુમંત્ર રાજાના શયનકક્ષ તરફ ગયા અને ગાયત્રી મંત્રનો પાઠ કર્યા પછી વસિષ્ઠના સંદેશની જાણ કરી. તેમણે કહ્યું, "મહારાજા, દેવોના મહારાજા જેમ માતાલીની પ્રાતઃગાનથી સવારે ઊઠે છે, તેમ તમારા સારથીના ગાયત્રી મંત્રના ગાનથી નિદ્રાત્યાગ કરો. બધા દેવતાઓની કૃપા આપના પર વરસો. બધા ગુરુજનો, સામંતો અને પ્રધાન નાગરિકો આપના દર્શનની રાહ જુએ છે. નિશાદેવીએ વિદાય લઈ લીધી છે. આજની કામગીરી આપના આદેશની રાહ જુએ છે. રાજાધિરાજ, જાગૃત થવાની કૃપા કરો. પૂજ્ય વસિષ્ઠ ઋષિ અને અન્ય ઋષિઓ આપની રાહ જુએ છે."

તે સમયે રાજા વિષાદથી નિઃશબ્દ હતા, પણ કૈકેયીએ રાજા વતી કડક ઉત્તર આપ્યો અને સુમંત્રને કહ્યું, "રાજાએ આખી રાત રામના રાજ્યાભિષેકની વાતો કર્યા કરી છે અને સૂઈ શક્યા નથી. એટલે અત્યારે તેઓ ગાઢ નિદ્રામાં છે. જલદી જાઓ અને રામને લઈ આવો."

આ રીતે તે ચબરાક સ્ત્રીએ રાજાનો આદેશ આપવા રામને લઈ આવવા સુમંત્રને મોકલ્યા. તે જાણતી હતી કે દશરથે સંમતિ આપી હતી, પણ જે કરવાનું હતું તે કરવાની તેમનામાં હિંમત ન હતી. તેથી કૈકેયીએ નિશ્ચય કર્યો કે જે કરવાનું છે તે તે પોતે જ કરશે.

સુમંત્ર રામના મહેલે ગયા. સીતા અને રામ રાજ્યાભિષેક માટે તૈયાર થતાં હતાં. ત્યારે સુમંત્રએ રામને સંદેશો આપ્યો કે મહારાજા અને રાણી કૈકેયીએ તેમને મળવું હતું. રામ ઝડપથી આજ્ઞાપાલન કરવા તૈયાર થયા. અણધાર્યો વિલંબ અને વિચિત્ર આવનજાવન શંકા જન્માવે તેવાં હતાં. પણ આ વિશે કંઈ પણ બોલવાની કોઈનામાં હિંમત ન હતી. લાગતાવળગતા માણસો આશા રાખતા હતા કે અંતે તો બધું અપેક્ષિત રીતે થાળે પડી જાશે. તેથી બધા પોતપોતાને સોંપાયેલ કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા.

બધી શેરીઓ ઉત્સાહપૂર્વક શણગારી હતી. શકવર્તી ક્ષણ આવવામાં હતી. પણ રાણીના કક્ષમાં વિચિત્ર અને કલુષિત ઉથલપાથલ હવામાં હતી. લોકોને નવાઈ લાગતી હતી, "આટલો લાંબો વિલંબ શા માટે? કદાચ આપણે માનતા હતા તેના કરતાં પ્રારંભિક વિધિઓ વધુ લાંબી હશે."

રસ્તા ઉપરનાં ટોળાંઓ મોટાં થતાં જતાં હતાં. તેમની અધીરાઈ વધતી જતી હતી.

રામને લઈને સુમંત્ર કૈકેયીના મહેલમાં જવા નીકળ્યા. ટોળાં વચ્ચેથી મારગ કરવો સહેલો નહોતો. રામ કૈકેયીના આવાસમાં પ્રવેશ્યા. જેવો તે ઉમરો વટ્યા કે તેમનો પગ જાણે કે સર્પ ઉપર પડી ગયો હોય એમ તે હેબતાઈ ગયા, કારણ કે તેમણે તેમના પિતાજીને દુઃખી હાલતમાં ખુલ્લી જમીન ઉપર પડેલા જોયા. એમ લાગ્યું કે રાજા કોઈ ઘેરી યાતનામાં પીડાઈને પછડાઈ ગયા હતા. તેમનો ચહેરો સૂર્યપ્રકાશમાં ચીમળાયેલા પારિજાતના ફૂલ જેવો થઈ ગયો હતો.

રામે પિતાજીના ચરણનો સ્પર્શ કર્યો. તે જ રીતે તેમણે કૈકેયીને પણ વિધિવત્ પ્રણામ કર્યા. દશરથ બહુ ધીમા અવાજમાં રામનું નામ બોલ્યા અને અટકી ગયા. તેઓ આગળ વધુ કાંઈ બોલી શક્યા નહીં. રામના ચહેરા તરફ તેઓ આંખ મિલાવીને જોઈ શક્યા પણ નહીં.

રામ ગૂંચવાયા. અને કોઈ મહાન વિપત્તિમાં સપડાયેલા, કંઈ પણ બોલવા અસમર્થ, પોતાના પિતાજીને જમીન ઉપર પડેલી હાલતમાં જોઈને ભયભીત થઈ ગયા. આમ શાને લીધે બન્યું હશે, તેનું કોઈ પણ અનુમાન થઈ શકે તેમ ન હતું. રામ કૈકેયી પાસે ગયા અને કહ્યું, "મા, આ બધું વિચિત્ર લાગે છે. ભલે તે મારા ઉપર ગમે તેટલા ગુસ્સે થયા હોય, તે મારી સાથે હંમેશા પ્રેમથી જ વાત કરે. શું મેં મારી જાણ બહાર કોઈ પણ બાબતમાં તેમને ગુસ્સે કર્યા છે? કે કોઈ ભયાનક માંદગીમાં તે ઓચિંતા પટકાયા છે? કે કોઈએ તેની સાથે અસભ્યતાથી વાત કરી છે? શું થયું છે તે તમે મને કહો. આ રહસ્ય હું હવે સહન કરી શકું તેમ નથી."

નઠોર કૈકેયીએ તક ઝડપી અને કહ્યું, "રાજા કોઈ ઉપર ગુસ્સે થયા નથી. તેમના સ્વાસ્થ્યમાં કોઈ તકલીફ નથી. પણ તેમના મનમાં એવું કંઈક છે, જે તમને કહેતાં તે ગભરાય છે. વાત આટલી જ છે. તમને એ વાત કહેતાં તે એટલે ગભરાય છે, કે તે જાણીને તમારી લાગણી દુભાય. એટલે જ તે શાંત છે. વર્ષો પહેલાં એકવાર મારા ઉપર પ્રસન્ન થવાને લીધે તેમણે બે વરદાન મને આપેલાં અને મેં તેનો સ્વીકાર કરેલો. હવે, અત્યારે કોઈ અણઘડ માણસની જેમ રાજાને તે આપ્યાનો અફસોસ થાય છે. હવે આ તેમને શોભે છે? કોઈ રાજા માટે વરદાન આપવું અને પછી તેનો અફસોસ કરવો તે શું યોગ્ય છે? તેમનું વરદાન પરિપૂર્ણ કરવાની હેસિયત તારામાં છે, પણ તે તને આ કહેવામાં પણ તે ડરે છે, અને તેનું ઉલ્લંઘન કરવાનો વિચાર કરે છે. આમ કરવું શું યોગ્ય છે? તું જો એને ધરપત આપે કે તારા અભિગમ અંગે તેમણે જરાપણ ચિંતિત થવાની જરૂર નથી, અને તે ગમે તે ભોગે પોતાનું વચન પાલન કરે, તો ન્યાયપૂર્વક વર્તણૂક કરવાની જરૂરી શક્તિ તું એમને આપી શકીશ. આમ તારે તેમને જરૂરી મદદ કરવી જ પડશે. આ વાત આમ તારા હાથમાં છે. વાત શું છે તે હું તને કહીશ, તે પહેલાં તું મને વચન આપ કે રાજાના વરદાન પૂરાં કરવામાં તું એમને મદદ કરીશ."

પોતાના પિતાજીની યાતનાના પ્રસંગે, તે કોઈ પણ રીતે કારણરૂપ હોય, એવા વિચાર માત્રથી રામને ખૂબ દુઃખ થયું. તેમણે કૈકેયીને કહ્યું, "મા, શું આ બધી તકલીફનું હું ખરેખર કારણ છું? મારા અંગે આપના મનમાં કોઈ પણ પ્રકારનો સંદેહ હોય તે મારા માટે અણછાજતું છે. મારા પિતાજી જો મને અગ્નિમાં કૂદી પડવાનું કહે, તો હું તેમ કરવામાં જરાપણ અચકાટ ન કરું. તે મને ઝેર પીવાનું કહે, તો હું સ્વેચ્છાથી પી જાઉં. તમે આ જાણો છો. તમને પૂરેપૂરી ખબર છે, કે તેમના આદેશથી હું સમુદ્રમાં ડૂબી મરું. એટલે મા, હું મારું પવિત્ર વચન આપું છું, કે મહારાજે આપને આપેલા વચનને હું પૂરું કરીશ. અને હું મારા વચનનો ભંગ ક્યારે પણ કરતો નથી."

રામે જ્યારે આમ કહ્યું, ત્યારે કૈકેયી ખૂબ હરખાણી, કારણ કે તે જાણી ગઈ કે તે બાજી જીતી ગઈ હતી. છુટકારાના બધા રસ્તા બંધ થઈ ગયા હતા તે જાણીને દશરથ રાજા તો હતાશાની ગર્તામાં સરી પડ્યા હતા.

તરત જ દયાહીન કૈકેયીએ આ શબ્દો કહ્યા, "રામ, તારા શબ્દો તારી પાત્રતાને સૂચવે છે. પિતાએ આપેલા વચનને પૂરાં કરવામાં મદદ કરવા સિવાય એક પુત્ર માટે બીજો ઉચ્ચ ધર્મ કયો હોઈ શકે? હવે હું તને તારા પિતાશ્રીએ મને આપેલું વચન તને જણાવું છું. સાંબર સાથેના યુદ્ધમાં તારા પિતા ઇજાગ્રસ્ત થયેલા. મેં તેમનો બચાવ કરેલો અને તેમને સાજા કરેલા. ગંભીર ઇજામાંથી મેં કરેલા તેમના બચાવથી તેમની આભારવશતાથી મને તેમણે બે વરદાન આપેલાં. તે અંગે ગમે તે બે માગણી ગમે ત્યારે હું માંગી શકું એવી સંમતિ થયેલી. અત્યારે તે બે માગણીનો દાવો મેં કર્યો છે. તે બે માગણીઓ છે: યુવરાજ તરીકે ભરત પ્રસ્થાપિત થાય અને તને આજથી જ દંડકારણ્યમાં ચૌદ વર્ષના વનવાસ માટે મોકલવામાં આવે. રાજાના વચનનું પાલન કરવાની પવિત્ર તૈયારી તેં મારી પાસે દર્શાવી છે, અને હવે તારા પ્રણના શબ્દોને સાબિત કરવાની તારી જવાબદારી બને છે. તારા પિતાની જેમ સત્યનિષ્ઠ વ્યવહાર કરવો તને પણ જો બહુ અઘરો લાગતો હોય, તો જુદી વાત છે. જો એમ ન હોય તો, હું જે કહું છું તે ધ્યાનથી સાંભળ. તારે હવે રાજ્યાભિષેકનો ત્યાગ કરવાનો છે અને વલ્કલ ધારણ કરીને જટાધારી વાળ સાથે દેશવટે જવાનું છે. અત્યારની બધી તૈયારી ભરતના રાજ્યાભિષેક માટે કામમાં આવશે."

તેણે જ્યારે આ ઘાતકી શબ્દો કહ્યા ત્યારે દશરથ રાજા વિષાદથી તરફડવા લાગ્યા, પણ રામે કૈકેયીનાં વચનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સાંભળ્યાં. કૈકેયીએ એક ચમત્કાર જોયો. રામના ચહેરા ઉપર નિરાશાની કે દુઃખની જરાપણ લાગણી દેખાણી નહીં. હસતે મુખે રાજકુમારે કહ્યું, "મા, બસ આટલું જ છે? મહારાજાના વચનનું અચૂક પાલન થશે. હું અત્યારે જ વલ્કલ ધારણ કરીશ અને મારા વાળને જટામાં ફેરવીશ, અને આજે જ અરણ્યમાં જઈશ." કૈકેયીએ જ્યારે કહેલું કે રામની કર્તવ્યપરાયણતા તેમને શાશ્વત ભવ્યતા અપાવશે, ત્યારે તેણે આર્ષવાણી ઉચ્ચારી હતી. તેમની આ કીર્તિ જ્યાં સુધી હિમાલય ઊભો હશે અને ગંગાનાં પાણી વહેતાં હશે, તેમ જ સમુદ્રનાં મોજાં ધરતીને ટકરાતાં રહેશે, ત્યાં સુધી ટકી રહેશે.

રામે કૈકેયીને અસ્ખલિત પ્રવાહમાં જણાવ્યું: "મને જરા પણ ખોટું નથી લાગ્યું. શું ભરતને કઈ પણ આપીને હું રાજી ન થાઉં? અરે કોઈએ મને કહ્યું ન હોય, તોપણ હું મારું બધું સુખેથી તેને આપી દઉં. તેમાં પણ મારા પિતાજીનો આદેશ હોય, ત્યારે હું જરા પણ વિલંબ કેવી રીતે કરી શકું? મને માત્ર થોડું દુઃખ કેટલા પ્રમાણમાં છે કે પિતાજીને એવી શંકા થઈ કે આમ કરવામાં હું કદાચ રાજી ન હોઉં. તેમની ઇચ્છા સીધે સીધી મને કહેવામાં તેઓ કેમ અચકાયા અને એ કામ આપને શા માટે સોંપ્યું? હું એમનો પુત્ર નથી? એમના આદેશનું પાલન કરવાની મારી જવાબદારી નથી? એમનાં વચનને સાચાં પાડવા સિવાય બીજો કયો આનંદ કે મહત્તા મને જોઈએ? મારા પિતા મારાથી મોઢું ફેરવી લે અને વાત્સલ્યના બે શબ્દો પણ મને કહેતાં અચકાય, એવું મેં શું કર્યું છે? કદાચ હોય તો પણ, મને એટલો જ અફસોસ છે કે તેમણે પોતે મને ન બોલાવ્યો અને આદેશ પણ પોતે ન આપ્યો. આજે જ હું વનમાં કોઈ પણ જાતની દિલગીરી સિવાય જાઉં છું. ભરતને અહીં લઈ આવવા ઝડપથી દૂતોને મોકલો."

યજ્ઞના કુંડમાં ઘી હોમવાથી ઉપર ઊઠતી જ્વાળા દેદીપ્યમાન હોય તેમ રાજકુમારનો ચહેરો ઝળકતો હતો. કૈકેયી પોતાની દેખીતી સફળતાથી આનંદિત હતી. ભવિષ્યમાં તેની પાછળ રહેલ યાતના કૈકેયીને અત્યારે ન દેખાઈ. કારણ કે પોતાનો પુત્ર જ જ્યારે તેને ધિક્કારે તેના જેવું મોટું દુઃખ કોઈ પણ સ્ત્રી માટે કયું હોઈ શકે? લોભવૃત્તિએ તેને પાપ કરવા છેતરી, અને પોતાના પુત્ર ભરતના મનને યોગ્ય રીતે સમજવામાં આ વૃત્તિ આડખીલીરૂપ બની.

ચારે બાજુથી ઘેરાયેલા બંદીવાન હાથીની જેમ દશરથ તો યાતનામાં ડૂબેલા હતા. બિનજરૂરી કર્કશતાથી કૈકેયીએ ઝડપથી રામને કહ્યું, "રાજા બોલે અને વધારે સમય લે, તેને માટે રાહ જોવાની જરૂર નથી."

આના ઉત્તરમાં રામ બોલ્યા, "મા, મને એમ લાગે છે કે તમે મને બરોબર ઓળખ્યો નથી. મારા પિતાનાં વચનને ચરિતાર્થ કરવાના આનંદ સિવાય મારે માટે બીજો કોઈ મોટો અવસર નથી. ભલે ભરત રાજપદની જવાબદારી વહન કરે, અને અમારા વૃદ્ધ પિતાશ્રીની કાળજી લે. મને ખરેખર તેનો સૌથી વધુ આનંદ થશે."

બધું ધ્યાનપૂર્વક સાંભળતા પણ શાંત રહેલા દશરથ રાજાએ એક મોટો નિસાસો નાખ્યો. રામે પિતાજીનાં અને કૈકેયીનાં ચરણ સ્પર્શ કર્યાં અને ઝડપથી મહેલની બહાર નીકળી ગયા.

લક્ષ્મણ બહાર ઊભા હતા. શું બન્યું હતું તેનો તેને ખ્યાલ આવી ગયો હતો. એટલે ગુસ્સાથી લાલ થયેલી આંખો સાથે લક્ષ્મણ પણ રામની પાછળ ગયા. રસ્તામાં રામે રાજ્યાભિષેક માટે અભિમંત્રિત કરેલાં પવિત્ર જળનાં પાત્રોને જોયાં. ભક્તિપૂર્વક તેમણે પાત્રોની પરિક્રમા કરી. શાંત ભવ્યતાથી તેમણે સફેદ છત્ર અને બીજાં રજવાડી પ્રતીકોનો ત્યાગ કર્યો અને ટોળાંને વિખરાઈ જવાની સલાહ આપી. કોઈ પણ જાતની કામનાથી અલિપ્ત થઈ ગયેલા રામ રાણી કૌશલ્યાના મહેલમાં, તેમને સમાચાર આપવા અને વનવાસમાં જતાં પહેલાં તેમના આશીર્વાદ લેવા ગયા.

આ મહાકાવ્યમાં પ્રદર્શિત થયેલાં પાત્રોની ધગશ અને વિષાદને યોગ્ય રીતે સમજવા માટે વાચકોએ તેમની કલ્પનાશક્તિને સચેત કરીને આ ધગશ અને વિષાદને પોતાના હૃદયમાં ઉતારવાં જોઈએ. દશરથનો વિષાદ, રામની સહર્ષ ત્યાગવૃત્તિ અને બધી ઉદાત્ત ભાવનાઓને ભસ્મસાત્ કરનાર કૈકેયીની લોભી મનોવૃત્તિ — આ બધી આપણા દૈનિક જીવનમાં અનુભવાતી પરિચિત પરિસ્થિતિઓ છે. વાલ્મીકિ અને કંબન એ બંને મહાકવિઓએ તેમની આર્ષદૃષ્ટિથી રામની કથામાં બનેલા પ્રસંગોને તેમના કાવ્યમાં જીવંત કર્યા છે. આપણે પણ તેમને કલ્પનાશક્તિથી અનુભવવા જોઈએ. આપણી એક પારંપરિક માન્યતા છે કે જ્યાં જ્યાં રામકથાનું ગાન થતું હોય, ત્યાં હનુમાન પોતે શ્રોતાસમુદાયમાં હાજર હોય છે અને અશ્રુપૂર્ણ આંખોથી કથાને સાંભળતા ભક્તિભાવે ઊભેલા હોય છે. આ માન્યતાનું આ કારણ હોય છે.

જે કોઈ આ પ્રકરણ વાંચે, તે રામની કૃપાથી જીવનમાં જે દુઃખો ભોગવવાનાં હોય તેને સહન કરવાની શક્તિ મેળવે તેવી પ્રાર્થના.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.