રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-14

Chapter 14 · પ્રકરણ ૧૪

પત્ની કે પિશાચિની

દશરથ રાજા ઉપર વજ્રપાત થયો.

તેમનું મન જ્યારે સ્વસ્થ થયું, ત્યારે જે વાસ્તવિકતા ઊભી થઈ હતી, તેના વિષે તેમને શંકા ઊઠી. "આ કોઈ ભયાનક સ્વપ્ન તો નહીં હોય? કે ક્ષતિગ્રસ્ત બુદ્ધિનો તરંગ તો નહિ હોય? કે મારાં પૂર્વજન્મનાં પાપોની સજાનું ઓચિંતું પ્રગટીકરણ તો નહિ હોય? હું ચોક્કસ કોઈ ભ્રમનો ભોગ બન્યો છું. વાસ્તવિકતારૂપે તેને સ્વીકારી શકતો નથી." કોઈ આકારહીન ભયાનકતાની ક્લિષ્ટ યાતના સામે ઊભા રહેવાનું અશક્ય હોવાથી તેણે આંખો બંધ કરી અને થોડો સમય ભાન ગુમાવ્યું. તેમણે આંખ જ્યારે ખોલી ત્યારે કૈકેયી ઉપર પડી, અને કોઈ વાઘને જોઈને કોઈ હરણ જેમ ધ્રૂજી ઊઠે તેમ તે ધ્રૂજી ઊઠ્યા. જમીન ઉપર તે બેઠા થયા અને નિસાસા નાંખતા, જેમ કોઈ નાગ જાદુઈ શક્તિ સામે આમતેમ ડોલ્યા કરે તેમ નિઃસહાય થઈને ડોલવા લાગ્યા. પાછા તે બેભાન થઈ ગયા.

લાંબા સમય પછી તેમને પાછું ભાન આવ્યું અને તેને ત્રાસ આપનારી તરફ આંખ ફેરવીને અર્થહીન ગુસ્સાથી રાડ પાડી: "હે દુષ્ટ રાક્ષસી! મારા કુળની વિનાશક! રામે તારું શું બગાડ્યું છે? એણે તને હંમેશાં પોતાની સગી મા જ ગણી છે ને? હું તને એક સ્ત્રી માનતો હતો. હવે હું જોઈ શકું છું કે તું મેં બહુ દૂરથી લાવેલી અને મારા હૃદયમાં વસાવેલી ઝેરીલી નાગણી છો અને હવે તારા ડંખથી મારા મૃત્યુનું કારણ છો!"

કૈકેયી અડગ હતી અને મૂંગી જ રહી.

રાજાએ બોલવાનું ચાલુ રાખ્યું: "જે રામને આખા રાજની પ્રજા આદર અને સન્માન આપે છે, તેમને કયા કારણસર હું દેશવટો આપું? હું કૌશલ્યા ગુમાવીને ટકી શકું. નિર્મળ મનવાળી સુમિત્રાને ગુમાવીને ટકી શકું. પણ હું જો રામને ગુમાવું તો, ત્યાર પછી હું જીવી શકું નહીં. પાણી વગર, સૂર્યના પ્રકાશ વગર હું થોડું રહી શકું, પણ રામ વગર તો જરાપણ નહીં. આ પાપી વિચારને તું તારા મનમાંથી સાવ કાઢી નાખ. તારા પગમાં મારું માથું ઝુકાવીને, હું તને આજીજી કરું છું. તું ઘણીવાર નથી કહેતી કે, 'મારે બે લાડકા દીકરા છે. અને એમાં મોટો, રામ, મને વધુ લાડકો છે'? રામનો રાજ્યાભિષેક નક્કી કરીને મેં તારી એ પ્રગટ ઇચ્છા પૂરી કર્યા સિવાય બીજું કર્યું છે શું? અને તો પછી આવું ક્રૂર વરદાન શા માટે માગે છે? ના, ના, તું ખરેખર આવું ઇચ્છતી હો, એવું બની શકે જ નહીં. હું તારા પુત્ર ભરતને ખરેખર ચાહું છું કે નહીં, તેની કસોટી તું કરવા માગે છે. આ ભયંકર પાપ કરીને પ્રતાપી રાજાઓની કુલપરંપરાનો નાશ ન કર."

આમ છતાં કૈકેયી મૂંગી જ રહી, પણ તેની આંખોમાં ઈર્ષ્યા અને ક્રોધ ભભૂકતો હતો.

રાજાએ ચાલુ રાખ્યું: "આજ દિવસ સુધી તેં મને દુઃખ આપે એવું કાંઈ કર્યું નથી, અરે! એવો શબ્દ પણ તું બોલી નથી. તો અત્યારે તને કોણે ભ્રમિત કરી દીધી છે? આ દુષ્ટ વિચાર તારો પોતાનો હોય, એવું હું માની શકતો નથી. પ્રિયે! તેં મને કેટલીવાર જણાવ્યું છે કે ભરત ઘણો સંસ્કારી છે, તો પણ રામ વધુ સંસ્કારી છે? આ એ જ રામ છે જેને હવે તું વનમાં મોકલવા માંગે છે? તે જંગલમાં રહી કેવી રીતે શકશે? ભયાનક જાનવરોથી ભરેલાં જંગલમાં તેને મોકલવાના તારા વિચારને તું કઈ રીતે સ્વીકારી શકી? રામે તારી સાથે કેવો પ્રેમાળ વ્યવહાર રાખ્યો છે અને તારી સેવા કરી છે! આ બધું ભૂલી જઈને, તારા હૃદયને લોખંડી બનાવીને, તું કઈ રીતે આવા શબ્દો કહી શકે, 'તેને વનવાસ આપો'? એણે શો અપરાધ કર્યો છે? આ રાજમહેલની સેંકડો મહિલાઓમાંથી કોઈએ તેના સદ્ગુણ કે આદર વિરુદ્ધ એક પણ શબ્દ ઉચ્ચાર્યો છે? આખી દુનિયા તેના મહાન સદ્ગુણો માટે પ્રેમ કરે છે તો આટલા બધામાં તને એક નેજ રામના અણગમાનું કારણ શું છે? રામ સાક્ષાત ઇન્દ્ર જેવા નથી? એના ચહેરા ઉપર ઋષિઓના ચહેરા ઉપર હોય છે, તેવી સજ્જનતાની અને આધ્યાત્મિકતાની આભા દેખાતી નથી? આખી દુનિયા તેમનો સત્યપ્રેમ અને મૈત્રી, તેમની વિદ્વત્તા અને ડાહપણ, તેમની શૂરવીરતા અને નમ્રતાને પુરસ્કૃત કરે છે. તેના મોઢેથી કોઈએ એક પણ કટુ શબ્દ ઉચ્ચારાતો સાંભળ્યો નથી. હું, તેનો બાપ, તેને કઈ રીતે કહી શકું કે દીકરા વનવાસમાં જા? આ ક્યારેય ના બની શકે. જેની જીવનયાત્રા પૂરી થવામાં છે, એવા એક વૃદ્ધ ઉપર તું દયા કર. કૈકેયી, આ રાજમાં બીજી કોઈ પણ વસ્તુની તું માગણી કર, બીજી કોઈ પણ વસ્તુ, અને હું તને તે હાથ જોડીને આપીશ, પણ મારી યાચના છે કે મને યમનો ભેટો ન કરાવ. તારા પગને વળગીને મારી નમ્ર અરજ છે કે તું રામને બચાવ! મને પાપમાંથી બચાવ."

વિષાદના પારાવાર સાગરમાં અફળાતા રાજા તરફ નિર્દયતાથી જોઈને કૈકેયીએ ક્રૂર શબ્દો કહ્યા: "રાજા, વરદાન આપ્યા પછી જો તેનો અફસોસ થતો હોય અને તમે તે પાછાં ખેંચતા હો, તો કઈ જાતના રાજા તમે કહેવાઓ અને સત્ય તથા ધર્મ અંગે તમે કયા હક્કથી બોલી શકો? બીજા રાજાઓનો તમે કઈ રીતે સામનો કરી શકો? શું તમે બેશરમીથી તેમની પાસે કબૂલ કરશો કે, 'હા, કૈકેયીએ મને મરતાં બચાવ્યો હતો અને મેં તેને વરદાન આપેલું. ત્યારબાદ તે આપ્યાનો મને અફસોસ થયો અને મેં વચનભંગ કર્યો'? આ સિવાય તમે એમને બીજું શું કહી શકવાના? બધા મહારાજાઓ તમને તેમના સમૂહના લાંછન ગણીને અવગણશે! અને પ્રજાજનો મશ્કરીમાં હસીને તેમના રાજા વિષે કહેશે કે, 'રાજાઓ પણ તેમની રાણીઓને આપેલા વચનોનો ભંગ કરતા હોય છે. એટલે રાજાઓએ આપેલા વચનોનું પાલન થશે જ એવું માનવું નહીં.' તમે નથી જાણતા કે શૈબ્યએ પોતે એક પક્ષીને આપેલાં વચનના પાલન માટે પોતાનાં હાડકામાંથી કાપીને માંસ આપી દીધું હતું? તમે સાંભળ્યું નથી કે અલરકાએ વચન પાળવા પોતાની આંખો ખેંચી કાઢી હતી? દરિયો પોતાની મર્યાદામાં રહે છે અને જમીન ઉપર ફરી વળતો નથી, કારણ કે તે પોતાની સમજૂતીથી બંધાયેલો છે. તમારા પવિત્ર વચનનો ભંગ નહીં કરતા. તમારા મહાન પૂર્વજોના રસ્તાને અનુસરજો. ઓહ, મને ડર લાગે છે કે તમે, તેમના ગેરલાયક વારસ, ધર્મનો અનાદર કરશો; તમે રામનો રાજ્યાભિષેક કરશો અને કૌશલ્યાને રાજી રાખશો. ધર્મનું શું થાશે, તેની તમને ક્યાં ચિંતા છે? સત્યનું શું થાશે, એમાં તમને શું? તમે મને સોગંદપૂર્વક જે વચનો આપ્યાં છે, તેનો જો અસ્વીકાર કરશો તો હું આજે રાત્રે જ ઝેર પીને મારા જીવનનો અંત લાવીશ. તમે ભલે વિધિપૂર્વક રામનું પદગ્રહણ કરાવો, પણ, હે વચનભંગી, તમારી આંખો સામે જ મારી લાશ પડી હશે. આ નક્કી જ છે. અને ભરતના નામે હું આ સોગંદ લઉં છું. તમે વચનપાલન કરો અને રામને વનવાસમાં મોકલો તો બધી રીતે સારું થાશે. જો તેમ નહીં થાય તો હું મારા જીવનનો અંત આણીશ."

આ કડક ઘોષણા કરીને કૈકેયી ચૂપ થઈ ગઈ. પોતાની નિર્દય પત્ની તરફ તાકીને જોતા દશરથ અવાક્ થઈને ઊભા રહ્યા. આ સૌંદર્ય ભર્યું સર્જન ખરેખર કૈકેયી હતી કે કોઈ રાક્ષસી? પછી, કોઈ વનવાસીએ પોતાની કુહાડીથી કોઈ મોટું વૃક્ષ ધરાશાયી કર્યું હોય, તેમ રાજા ધ્રૂજ્યા અને જમીન ઉપર લાંબા થઈને પડી ગયા. અભાન અવસ્થામાં તેમની સ્થિતિ દયાજનક હતી.

થોડોક વખત પછી તેમણે ફરીથી ભાનમાં આવીને નીચા અવાજે કહ્યું: "કૈકેયી, મને મરતો જોવા અને આપણા વંશનો નાશ કરવા કોણે તારાં મનને કઠિન કર્યું છે? કયાં દૂષિત પ્રેતે તારા ઉપર કબજો જમાવ્યો છે, જેથી આ શરમહીન નખરાં તું કરી રહી છો? તું ખરેખર એમ માને છે કે રામના વનવાસ પછી ભરત રાજા બનવા તૈયાર થાય? તેવું નહીં જ બને, અને તું આ બરોબર જાણે છે. હું પોતે રામને વનવાસમાં જવાનું કહી શકું તે શક્ય છે? બધા રાજાઓ મને ધિક્કારીને એમ નહીં કહે કે, 'આ વહુઘેલા ઘરડાએ તેના શ્રેષ્ઠ અને જ્યેષ્ઠ પુત્રને જંગલમાં દેશવટે મોકલ્યો?' તને ખ્યાલ નથી આવતો કે તે બધા મારી હાંસી ઉડાવશે? 'રામને જંગલમાં મોકલી દયો', એમ તારા માટે કહેવું સહેલું છે, પણ કૌશલ્યા અને હું રામના ગયા પછી જીવતાં રહી શકીશું ખરા? અને તેં જનકપુત્રીનો વિચાર કર્યો છે? રામે દંડકવનમાં જવાનું છે એ જાણીને તેના ઉપર શું વીતશે?

"તારા ચહેરાથી છેતરાઈને એક નારી તરીકે તને પત્ની તરીકે સ્વીકારી. ઝેર મિશ્રિત દારૂની મહેકથી છેતરાયેલા અને ભ્રમિત થયેલા માણસની જેમ, તારાં સૌંદર્યના પાશમાં મેં તારી સાથે લગ્ન કર્યાં. પણ કોઈ પારધીની જાળમાં સપડાયેલાં હરણની જેમ, હું તારી જાળમાં ફસાણો છું અને વિનાશના આરે ઊભો છું. શેરીમાં દારૂ પીધેલી હાલતમાં રખડતા બ્રાહ્મણની જેમ આખી દુનિયા મને ધિક્કારશે. અને વરદાન પણ તેં કેવાં માગ્યાં છે? એવાં વરદાન કે જે આપણા વંશ ઉપરના કલંક તરીકે કાયમ માટે લાંછનરૂપ બની રહેશે. તેની સાથે કામુક ઘડપણવાળા એક મૂર્ખાએ તેના લાડકા અને બેજોડ પુત્રને દેશવટો આપ્યાની અપકીર્તિ પણ લાગશે.

"હું જો રામને વનમાં જવાનું કહું, તો તે ચોક્કસ આનંદથી તેનું પાલન કરશે અને વનમાં જશે. પછી હું, કૌશલ્યા અને સુમિત્રા મૃત્યુ પામશું. આવી રીતે મેળવેલું રાજ્ય તું કઈ રીતે સુખેથી ભોગવી શકીશ? "હે પાપીણી! બુદ્ધિહીન નારી! ભરત તારો શત્રુ છે કે મારી ઉત્તરક્રિયા તે નહીં જ કરી શકે. હે બેશરમ! મારી જીવન શત્રુ! તારા પતિને મારી નાખ અને વૈધવ્ય પ્રાપ્ત કરીને તારા પુત્ર સાથે રાજ્ય સુખેથી ભોગવ. અરે રે! સ્ત્રીઓ કેટલી બધી પાપી અને નિર્દય હોય છે! ના! ના! માત્ર આ જ સ્ત્રી ક્રૂર છે, મારે બીજી સ્ત્રીઓને શા માટે તિરસ્કારવી જોઈએ? કેવી કરુણા છે કે મારા ભરતને આવી રાક્ષસ જેવી મા મળી! નહીં, આવું હું નહીં જ કરી શકું. કૈકેયી, હું તારે પગે પડું છું અને યાચના કરું છું. મારા ઉપર થોડી દયા કર!"

વિષાદની ગર્તામાં ડૂબેલા રાજા જમીન ઉપર આળોટવા લાગ્યા. આ દૃશ્યને આપણે કેવું કહી શકીએ? પોતાની લાંબી અને જળહળતી સિદ્ધિઓ માટે પ્રખ્યાત એક મહાન સમ્રાટ જમીન ઉપર રુદન કરતો આળોટતો હોય, પત્નીના પગને વળગ્યો હોય અને દયાની યાચના કરતો હોય — આ બધું કેવું લાગે? આ બધું ચ્યવાતિ જેવું હતું. તેનાં પણ સંચિત પુણ્યો ખતમ થયાં, ત્યારે સ્વર્ગમાંથી હકાલપટ્ટી થઈને તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યા હતા. રાજાએ ભલે ગમે તેટલી નમ્રતાથી આજીજી કરી, તો પણ કૈકેયી બહુ જક્કી હતી. તેણે મક્કમતાથી કહ્યું, "તમે પોતે જ સત્યશોધક હોવાનો દાવો કર્યા કરો છો, પણ અત્યારે, મને વરદાન આપ્યાનું દેવોની હાજરીમાં સોગંદપૂર્વક જાહેર કર્યા પછી, તમે તમારું વચન પાછું ખેંચો છો. તમે જો વચનભંગ કરશો, તો હું ચોક્કસ આત્મહત્યા કરીશ. અને તેમ થશે તો, તમને જેનું બહુ ગૌરવ છે, તે વંશપરંપરાની કીર્તિમાં કોઈ મોટો વધારો નહીં થાય."

"તો, ઠીક છે," રાજાએ કહ્યું. "રામ ભલે જંગલમાં જાય અને હું ભલે મૃત્યુ પામું. મારો અને મારા વંશનો નાશ કર્યા પછી તું, હરખુડી વિધવા, તારી ઇચ્છા પ્રાપ્ત કરીશ અને તારા જીવનને આનંદથી ભરપૂર કરીશ!"

વળી, થોડા સમય પછી, વૃદ્ધ રાજાએ રુદન કર્યું. "મને સમજાતું નથી કે રામને વનમાં મોકલીને તારું કલ્યાણ કેવી રીતે થશે? પરિણામ તો એક જ આવશે કે આખી દુનિયા તને ધિક્કારશે. કેટલાં વર્ષોની પ્રાર્થના અને તપશ્ચર્યા પછી ઈશ્વરકૃપાથી મને રામની પ્રાપ્તિ થઈ હતી. અને તેને અત્યારે હું, સૌથી દયનીય માણસ, વનમાં દેશવટે મોકલી રહ્યો છું!"

આકાશ તરફ આંખોને કેન્દ્રિત કરતાં તેમણે કહ્યું, "અરે રાત્રી! રોકાઈ જા. કારણ કે તું જ્યારે પૂરી થઈશ અને દિવસ ઊગશે, ત્યારે હું શું કરીશ? રામ માટે પ્રેમભાવથી ભરપૂર અને રાજ્યાભિષેકની ઉજવણીની આતુરતાપૂર્વક રાહ જોનારા પ્રજાજનોના ટોળાંને હું શું કહીશ? હે ગગન! તારા તારાઓ સાથે મારે ખાતર સ્થિર થઈ જા. ના, ના. એમ નહીં. અટકવું નહીં, કારણ કે તો તો મારે આ પાપી સ્ત્રીને જોતાં જોતાં જ બેઠા રહેવું પડશે. રાત્રી, જલદીથી પસાર થઈ જા, જેથી હું તેના ચહેરાથી અળગો થઈ શકું."

આમ, સભાનતા અને અભાનતા વચ્ચે અટવાયેલા આ દયાજનક વૃદ્ધ — એ રાજા જેણે ૬૦,૦૦૦ વર્ષ રાજ્ય કરેલું — વિષાદયુક્ત થયા હતા.

"મારા પર દયા કર, કૈકેયી," તેમણે કહ્યું. "ગુસ્સામાં મેં તને જે કઠોર વચનો કહ્યાં, તેને ભૂલી જા. મારે માટે તને જે પહેલેથી પ્રેમ હતો, તેને અનુલક્ષીને હું વિનંતી કરું છું. તું એમ માની લે કે મેં તને રાજ્ય આપ્યું છે. તે તારું છે. અને તે તું તારા પોતાના જ હાથે રામને આપ અને રાજ્યાભિષેક સમારંભ સમુસૂતરો પાર પડે તેવું કર. રાજ્યસભાએ નક્કી કર્યું છે અને ગુરુજનોને તથા રામને મેં જાહેર કર્યું છે કે તેનો રાજ્યાભિષેક આવતીકાલે યોજાશે. આ જાહેર આદેશ ખોટો ન ગણાય તેવું તું કર. મારા ઉપર દયા કર. તારું પોતાનું જ હોય તેમ રાજ્ય તું રામને આપ. આ અપ્રતિમ ઉપહારની કીર્તિ, પૃથ્વી ટકશે ત્યાં સુધી ચાલુ રહેશે. મારી ઇચ્છા, પ્રજાજનોની ઇચ્છા, ગુરુજનોની ઇચ્છા, ભરતની ઇચ્છા — આ બધાં એમ જ કહે છે કે રામનો રાજ્યાભિષેક થવો જોઈએ. પ્રિયે, પ્રાણેશ્વરી! આટલું તું કર." ફરી રાજા કૈકેયીના પગે પડ્યા.

પણ તેણે ઉત્તર આપ્યો, "આ મૂર્ખામી હવે બહુ ચાલી. તમે એટલી જ કાળજી રાખો કે તમે તમારા વચનનો ભંગ ન કરો અને મને આત્મહત્યા કરવાની ફરજ ન પાડો. આમાંથી છટકવું તમારા માટે નિરર્થક છે." રાજાએ કહ્યું, "અગ્નિની સાક્ષીએ અને યોગ્ય વિધિવિધાનપૂર્વક મેં તારો હસ્તમેળાપ કરેલો અને તને પત્ની તરીકે સ્વીકારેલી. અહીં જ અને અત્યારે હું તારો અને જે પુત્રને તેં જન્મ આપ્યો તે બંનેનો ત્યાગ કરું છું. રાત્રી પૂરી થવામાં છે; પરોઢ થવામાં છે અને આવનારી સવાર રામનો રાજ્યાભિષેક નહીં જુએ, પણ મારી સ્મશાનયાત્રા જોશે." કૈકેયીએ તેમને આગળ બોલતા અટકાવ્યા, "તમે ઘમંડપૂર્વક બબડાટ કરો છો. જલદીથી રામને બોલાવો. તે ભલે અહીં આવે. તેને કહી દયો કે રાજ્ય ભરતનું છે અને તેણે પોતે વનવાસમાં જવાનું છે. વચનપાલન કરો અને સમયનો વ્યય ન કરો."

દશરથે નિસાસો નાખ્યો; "ભલે, મને છેલ્લી એક વાર રામના ચહેરાને જોઈ લેવા દે. મારું મૃત્યુ નજીક છે. રામ ભલે આવે. મરતાં પહેલાં હું એનો ચહેરો જોઈ લઉં. ધર્મના બંધનથી આ વૃદ્ધ મૂર્ખ નિઃસહાય છે." ફરીથી તે બેભાન થઈ ગયા.

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.