રામાયણ· All chapters
Text size 2 of 6

This chapter can be read online at jambuch.in/library/ramayana/chapter-13

Chapter 13 · પ્રકરણ ૧૩

કૈકેયીની તાબેદારી

અત્યાર સુધી કૈકેયી રામને પોતાના પુત્ર રૂપે માનતી હતી, તે હવે મંથરાની દલીલોમાં ગૂંચવાઈ ગઈ અને નિઃસહાય થઈ ગઈ.

તેણે કહ્યું, "ખરેખર, હું ભયભીત છું. તું જ મને કહે કે આપણે શું કરવું જોઈએ. શું મારે કૌશલ્યાની દાસી બનીને રહેવાનું? કોઈ હિસાબે નહીં! ભરતનો જ રાજ્યાભિષેક થવો જોઈએ. તું સાવ સાચી છો. અને રામને વનવાસ પણ આપવો જ જોઈએ. પણ આપણે આ બધું કેવી રીતે કરી શકીશું? તું જ કહે. તું હોશિયાર છો અને રસ્તો મેળવી શકીશ."

અને તે મંથરાને વળગી પડી. કૈકેયીની દૃષ્ટિમાં ત્યારે મંથરાનો વિકૃત દેહ બહુ સુંદર લાગતો હતો. આ કોઈ મજાક નથી; આ એક બહુ નાજુક મનોવૈજ્ઞાનિક તથ્ય છે.

મંથરાએ કહ્યું, "કૈકેયી, મને બહુ નવાઈ લાગે છે! આપણે આપણું કામ કઈ રીતે પાર પાડવું, એ મારે તને કહેવાનું? તું સાવ ભૂલી ગઈ છો? કે ખાલી દેખાવ જ કરી રહી છો? આમ હોય તો પણ, હું જ તને કહું એમ તું જો ઇચ્છતી હો, તો હું એમ પણ કરીશ. સાંભળ."

આમ કહીને તેણે થોડો વિરામ લીધો. કૈકેયી એકદમ અધીરી થઈને બરાડી ઊઠી, "જલદી કર…! તું જ કહે. ગમે તેમ થાય પણ ભરતનો જ રાજ્યાભિષેક થવો જોઈએ અને રામનો રાજ્યાભિષેક અટકી જવો જોઈએ." મંથરા બોલી, "ભલે. શાંતિથી સાંભળ. અધીરાઈ ન કર. તું યાદ કર કે એકવાર ઘણા સમય પહેલાં તારા પતિ દશરથનું દક્ષિણના રાજા સાંબર સાથે યુદ્ધ થયું હતું. અને ત્યારે તું તેમની સાથે હતી. યાદ આવ્યું? આ યુદ્ધમાં તારા પતિ ઇન્દ્રની મદદે ગયા હતા. સાચું કે નહીં? ઇન્દ્ર માટે વૈજયંતિના રાજા સાંબર ઘણા સમર્થ હતા. એટલે ઇન્દ્રે દશરથની સહાય માંગી હતી. તને યાદ છે ને કે લડાઈમાં દશરથ ઘાયલ થયા હતા અને બેશુદ્ધ થઈ ગયા હતા? ત્યારે તેના રથને કુશળતાથી યુદ્ધના મેદાનની બહાર તું હાંકી ગઈ હતી, તેના શરીર ઉપર લાગેલાં બાણને હળવેથી કાઢ્યાં હતાં અને તેને સાજો કરીને તેની જિંદગી બચાવી હતી. તું આ બધું ભૂલી ગઈ છો?

"અને ત્યારે એમણે તને શું કહેલું? તેમણે આભારવશ થઈને તને કહ્યું હતું: 'મારી પાસે બે વરદાન માંગી લે. હું તને જે જોઈતું હશે, તે આપીશ.' ત્યારે તેં ઉત્તર આપ્યો હતો: 'મારાં વરદાન હું પછીથી માંગીશ. અત્યારે મારે કશું જોઈતું નથી.' પછી તેણે વચન આપ્યું હતું. આપ્યું હતું ને? ભલે તારાં બે વરદાન તને જ્યારે જોઈએ ત્યારે મળશે. ઘણા વખત પહેલાં આ બધું તેં મને કહેલું. કદાચ તું એ ભૂલી ગઈ હોઈશ, પણ હું ભૂલી નથી. હવે તેમણે આપેલાં વરદાન સાચાં પાડવાનો સમય આવી ગયો છે.

"માગણી કર કે રામને બદલે તે ભરતનો રાજ્યાભિષેક કરે. તેમણે આપેલાં બે વરદાન માંથી આ પહેલું વરદાન થશે. બીજાં વરદાન માટે માગણી કર કે રામ ચૌદ વર્ષના વનવાસ ઉપર જાય."

"ગભરાતી નહીં. માગવાનો ભય ન રાખતી. આવી માગણી કરવી પાપ સમાન છે, એવું ન માનતી. હું જે તને કહું છું તેમ જ કરજે. રામનો જો વનવાસ થશે, તો જ લોકો ઉપરનો તેમનો કાબૂ ઢીલો પડશે અને સમય જતાં તે સાવ નાબૂદ થાશે. અને આમ તારા પુત્રનું સ્થાન સલામત રહેશે.

"હવે અહીંથી જા અને કોપભવનમાં લાંબી થા. તારો સુંદર પોશાક અને આભૂષણો ફેંકી દે. એક જૂની સાડી પહેરી છો ઉપર લાંબી થઈ જા. રાજા જ્યારે ખંડમાં આવે, ત્યારે તેની સાથે બોલતી નહીં. અરે! તેની સામે જોતી પણ નહીં. મને ખાતરી છે કે તે તારાં દુઃખને સહન નહીં કરી શકે. પછી તારે તેમની સાથેનું તારું કામ પાર પાડવાનું. "રાજા તને ફોસલાવવાનો પ્રયત્ન કરશે. પણ તારે ઢીલાં પડવાનું નથી. તે ઘણા વિકલ્પો આપશે. તારે એક પણ વિકલ્પ સ્વીકારવાનો નથી. તારાં બે વરદાન ઉપર મક્કમ રહેજે. અડગ રહેજે.

"પોતાનાં વચનોથી બંધાયેલા રાજા અંતે તારા વશમાં આવશે. હું જાણું છું કે તારે માટેનો તેમનો પ્રેમ કેટલો લાગણીવશ છે. તારે માટે તો તે પોતાનું જીવન પણ ન્યોછાવર કરે એમ છે. તને રાજી રાખવા તે બળતા અગ્નિમાં પણ કૂદી પડે એમ છે. હું જે કહું છું, એમ જ કરજે. નિર્ભય બની જજે.

"રામને જો વનમાં નહીં મોકલવામાં આવે, તો તારી ઇચ્છા પૂરી નહીં થાય. રામને વનવાસ થવો જ જોઈએ. તો જ ભરત માટે તું જે સ્થાન ઇચ્છે છે, તે વાસ્તવિક અને કાયમનું બનશે. આટલું યાદ રાખજે. જોજે, પાછી ઢીલી ન પડતી."

ભારપૂર્વકની આ છણાવટ સાંભળ્યા પછી કૈકેયીના ચહેરા ઉપર આશા ચમકવા લાગી. "મંથરા! તારે તો શું ભેજું છે!" કૈકેયીએ આવેશપૂર્વક કહ્યું, "તું તો મારી તારણહાર થઈ છો." અને આનંદમાં આવીને તે વછેરાની જેમ કૂદવા લાગી. મંથરા ફરી ફરીને યાદ અપાવતી હતી. રામને વનવાસમાં મોકલવા જ જોઈએ. "જરા પણ વિલંબ નહિ કરતી. જે કરવાનું છે, તે તાત્કાલિક કરવાનું છે. પાણી વહી જાય પછી તળાવના કાંઠાને મજબૂત કરવાનો કોઈ અર્થ નથી. મેં જે કહ્યું છે તે યાદ રાખજે. બધો આધાર તારી મક્કમતા ઉપર છે. તું જો તાબે નહીં થા, તો તારી જ જીત થશે."

કૈકેયીએ મંથરાને પોતાની મક્કમતાની ખાતરી આપી અને ઝડપથી કોપભવનમાં ગઈ. તેણે આભૂષણો અને હીરા-મોતી કાઢીને જમીન ઉપર વેરવિખેર કર્યાં, કપડાં બદલાવ્યાં અને છો ઉપર લાંબી થઈને પડી. પછી ગળગળો અવાજ ધારણ કરીને બોલી: "મંથરા, તું પોતે જ મારા પિતાજી રાજા કેકય પાસે આ સમાચાર લઈ જજે. તું પોતે જ આ બેમાંથી એક સમાચાર તેમને આપજે: કાં તો ભરતનો રાજ્યાભિષેક થયો છે, અથવા તો કૈકેયી મરી ગઈ છે. મંથરા! મારી વ્હાલી મંથરા!"

પોતાના આક્રોશમાં કૈકેયી ખરેખર માનવા લાગી હતી, કે દશરથે તેની સાથે ખરેખર દ્રોહ કર્યો હતો. તો પણ જમીન ઉપર આડી પડેલી, કોઈ પણ આભૂષણ વગરની અને વિષાદ તેમજ ગુસ્સાવાળા ચહેરા સાથે પણ તેનું સૌંદર્ય અવર્ણનીય હતું. તેનું રૂપ એટલું અદ્ભુત હતું.

પાપી વિચારે તેના મગજમાં એટલું સ્થાન જમાવ્યું હતું કે તેનો આખો સ્વભાવ જ બદલાઈ ગયો હતો. પોતે ગુલામીની જિંદગી જીવવી પડશે અને ભરતનું જીવન બહુ યાતનામાં જશે, આ ભયે તેનો ભરડો લઈ લીધો હતો. તેના જીવનમાં પહેલીવાર તેણે શરમ અને પાપની સમજણને ફગાવી દીધી હતી અને હૃદયને કઠોર કરી નાખ્યું હતું. પરસેવો અનુભવતી, ભારે નિઃશ્વાસ નાખતી અને બંધ આંખ વાળી કૈકેયી સુંદર નાગણી જેવી લાગતી હતી. તેના છુટ્ટા વાળ જમીન ઉપર અસ્તવ્યસ્ત હાલતમાં વિખરાયેલા હતા અને તે પોતે કોઈ શિકારીએ મારેલ પક્ષીની જેમ જમીન ઉપર ફસડાઈ પડી હતી. એક વખત તેના શરીરને શોભાવનાર ફૂલો અને ચમકતા હીરાઓ, મધ્યરાત્રિએ આકાશમાં તારાઓની જેમ, અંધારા ખંડમાં વેરણછેરણ પડ્યા હતા.

રાજ્યસભાને બરખાસ્ત કર્યા પછી અને રાજ્યાભિષેકના આદેશો આપ્યા પછી દશરથ રાજા નિશ્ચિંત થઈને હળવાશ માણવા પોતાની માનીતી રાણીના નિવાસ તરફ ગયા. રામના રાજ્યાભિષેકનો નિર્ણય તેમણે જે લોકો સાથે ચર્ચાવિચારણા કરીને તેમની મંજૂરી મેળવ્યા પછી જ લેવો જોઈએ, તે મુજબ જ લીધો હતો. હવે તે એક મોટો ભાર દૂર થયો હોય તેવી હળવાશ અને મુક્તિ અનુભવતા હતા.

આ આનંદના સમાચાર કૈકેયીને આપવા અને રાજ્યાભિષેકની પૂર્વરાત્રિ તેની સાથે ગમતી વાતોમાં પસાર કરવાના હેતુથી તે કૈકેયીના મહેલમાં આવ્યા. નાની રાણીનો આ મહેલ સુંદર વાટીકાઓ અને પાણીના હોજથી શોભતો હતો. પાણીમાં પક્ષીઓ ક્રીડા કરતાં હતાં, કળા કરેલા મોર નાચતા હતા અને વૃક્ષો સુંદર ફૂલોથી આચ્છાદિત હતાં. પ્રફુલ્લિત મનોદશામાં દશરથને આ બધું આ રાત્રિએ બહુ જ સુંદર લાગ્યું.

ચંદ્રગ્રહણ શરૂ થયા પહેલાંના પ્રકાશિત પૂર્ણ ચંદ્ર જેવો શોભાયમાન, પણ નજીકમાં જ થનારા ચંદ્રગ્રહણથી તદ્દન અજાણ એવા વૃદ્ધ રાજાએ પ્રફુલ્લિત ચહેરે કૈકેયીના મહેલમાં પ્રવેશ કર્યો.

અત્તરદાનીઓ અને પીણાંઓના પાત્રો તો તેમની રોજિંદી જગ્યાએ હતાં. પણ જેને આમળવા ખૂબ આતુર હતા તે રાણીને તેણે ન જોઈ. બધી રાણીઓમાં માત્ર કૈકેયીની સાથે જ તે સુખની હળવાશ પામતો હતો. તેની સાથે રાજા તેના રાજકાજની ચિંતા ભૂલી જતો હતો, કારણ કે કૈકેયી જાહેર બાબતોમાં ક્યારેય પણ દખલ કરતી નહોતી. તે હંમેશા પ્રવેશદ્વાર પાસે તેમની રાહ જોતી હતી અને હૂંફાળા આલિંગનથી તેમનું સ્વાગત કરતી હતી, પણ આજે, તે કંઈએ દેખાતી નહોતી.

રાજા મૂંઝાણા. તેણે કૈકેયીની બધી માનીતી જગ્યાઓએ ખંડ આખામાં ચક્કર માર્યું. તેમણે વિચાર્યું કે કૈકેયી કદાચ તેમની સાથે સંતાકૂકડીની પ્રિય રમત રમે છે, પણ તે કોઈ જગ્યાએ મળી નહીં.

આવું તો અગાઉ ક્યારેય પણ બન્યું નહોતું. તેમણે એક દાસીને રાણી વિષે પૂછ્યું. અદબપૂર્વક બંને હાથ જોડીને દાસીએ કહ્યું, "મહારાજ, રાણીજી ગુસ્સામાં છે. તે અંદરના ખંડમાં છે."

રાજા નવાઈ પામતા તે ખંડમાં દાખલ થયા. અને તેણે એવું દૃશ્ય જોયું કે તે સ્તબ્ધ અને દુઃખી થઈ ગયા. ખુલ્લી છો ઉપર અસ્તવ્યસ્ત કપડાંમાં છૂટા વાળ સાથે, જાણે આત્યંતિક પીડામાં હોય તેમ કૈકેયી પડી હતી. તેની પીડા જાણે એટલી બધી દુઃખદાયક હોય તેમ તેણે રાજા તરફ જોયું પણ નહીં.

સાવ દોષહીન રાજા, પોતે રાણી ગુસ્સે થાય એવું કંઈ પણ ન કર્યું હોવાની સભાનતા સાથે, વૃદ્ધ પતિની લાડભરી મમતાથી તેની સાથે વર્તવા માંડ્યા. જમીન ઉપર તેની બાજુમાં બેસીને તેના વાળ પરસાવવા લાગ્યા અને તેને આશ્વાસન આપવા પ્રેમાળ શબ્દો અને ચેષ્ટાઓનો પ્રયત્ન કરવા લાગ્યા: "તને શું થઈ ગયું છે? તું માંદી છો? કોઈ જાતની પીડા થાય છે? અરે, આપણી ભૂમિમાં શ્રેષ્ઠ વૈદરાજો મારી પાસે ક્યાં નથી? હું હમણાં જ તેમને બોલાવું છું. તે ગમે તેવા રોગને દૂર કરી દેશે. તું જરા પણ ગભરાતી નહીં."

કૈકેયીએ એક ઊંડો નિઃસાસો નાખ્યો, પણ તે કંઈ બોલી નહીં.

રાજા આગળ વધ્યા, "શું મહેલમાં તારી સાથે કોઈએ અવિવેકી ગુન્હો કર્યો છે? મને કહે, એટલે હું તેને સજા કરીશ. કોઈએ તારું અપમાન કર્યું છે? કે તારે એવું કંઈ જોઈતું હોય, અને મેં તે આપવામાં બેદરકારી કરી હોય, એવું કંઈ છે? મને જલદી કહે."

આ રીતે રાજાએ મોટા પરિવારના સંચાલનમાં સંભવિત ક્ષતિઓનો ઉલ્લેખ કર્યો અને મુદ્દો શું છે અને તે શા કામ અસ્વસ્થ થઈ ગઈ છે, તે પૂછ્યું. કૈકેયીએ તેના પ્રશ્નો પ્રત્યે જરા પણ ધ્યાન ન આપ્યું અને જાણે મેલી વિદ્યાને વશ થઈ હોય તેમ મૂંગી રહી. રાજાએ તેને વધુ આજીજીપૂર્વક વિનંતી કરી: "તારી ઇચ્છા શું છે? તે ચોક્કસ પાર પડશે. કોઈને સજા થાય એવું તું ઇચ્છે છે? હું તેને સજા કરીશ. કોઈને સજામાંથી મુક્ત કરવાની તારી ઇચ્છા છે? હું તેને મુક્ત કરીશ, ભલે એ ખૂની હોય!

"હું અબાધિત અધિકાર ભોગવું છું, તે તું જાણે છે. મારી મરજી મુજબ હું ગમે તે આપી શકું અને ગમે તે લઈ શકું છું. ગમે ત્યાં, ગમે તેને હું ફાવે તે કરી શકું છું. મારી પાસે તું ગમે તે માંગ અને તે તરત જ આપીશ."

કૈકેયી બેઠી થઈ. રાજાને આનંદ થયો. અને કૈકેયી બોલી, "કોઈએ મારું અપમાન કર્યું નથી કે મારી અવગણના કરી નથી. તો પણ એવું કંઈક છે જે તમે કરી શકો તેમ છો, અને મારે ખાતર તમારે એ કરવું જ જોઈએ. મને વચન આપો કે મારી ઇચ્છાને તમે પૂરી કરશો. તો એ શું છે તે હું તમને જણાવીશ."

આ સાંભળીને નિઃશંક વૃદ્ધ રાજા બહુ આનંદિત થયા. અબાધિત અધિકારો ધરાવતા હોવાને લીધે તેને જરા પણ શંકા નહોતી કે તે પોતે પૂરી કરી ન શકે તેવી રાણીની કોઈ પણ ઇચ્છાઓ હોય. એટલે પૂરી હિંમતથી અને પ્રસન્નતાથી તેમણે કહ્યું, "અરે કૈકેયી! તારી ઇચ્છા તો કહે. તે જરૂર પૂરી થશે. હું સોગંદથી કહું છું. બધામાં મને પ્રિય — સ્ત્રીઓમાં સૌથી પ્રિય તું અને પુરુષોમાં સૌથી પ્રિય રામ — એમના સોગંદ ખાઈને કહું છું કે તું જે ઇચ્છતી હોઈશ તે અચૂક થાશે. આ મારું વચન છે, મારું પ્રણ છે."

છેતરામણી દુષ્ટતા અને વિશ્વાસુ દુર્ભાગ્ય વચ્ચેનું આ અસમાન ઘર્ષણ હવે તેની ચરમ સીમાએ પહોંચવામાં હતું. રામના નામે રાજાએ લીધેલા સોગંદથી કૈકેયી ખુબ જ આનંદિત થઈ. હવે તેને ખાતરી થઈ ગઈ કે તેની જીત થઈ હતી, કારણ કે તે પ્રિય નામ ઉપર લીધેલા સોગંદનો રાજા ક્યારેય પણ ભંગ નહીં કરી શકે.

"તો વચન આપો છો ને? બહુ સારું!" કૈકેયી બોલી, "ફરીથી એકવાર રામને નામે સોગંદ લ્યો કે મારી ઇચ્છા હોય તે મુજબ તમે અચૂક કરશો. સોગંદ લ્યો!"

રાજાએ કહ્યું, "પ્રિય રાણી, હું વચન આપું છું. રામના નામે હું સોગંદ લઉં છું. તારી જે ઇચ્છા હશે તે મુજબ જ હું કરીશ. આ મારા સોગંદ છે."

આ તબક્કે, તેની અપેક્ષિત ઇચ્છાની ભયંકરતાનો ખ્યાલ આવતાં કૈકેયીનું હૃદય એક ધબકારો ચૂકી ગયું. અને તેને ભય લાગ્યો કે તેની માંગણી સાંભળીને, તેની ભયાનકતાથી વિક્ષુબ્ધ તેના પતિ ચિત્કાર કરી ઊઠે — બસ કર! કોઈ વચન કે સોગંદ આવા ઘાતકી પાપને ન્યાયી ઠરાવી શકે એવા મજબૂત ન હોઈ શકે! — અને ધૃણાથી કૈકેયીને અળગી કરી દે.

તે ટટ્ટાર ઊભી થઈ અને હાથ જોડીને ચારેય દિશામાં ફરીને ગંભીર અવાજમાં દૈવી શક્તિઓનું આહ્વાન કરવા લાગી કે તેઓ આ સોગંદના સાક્ષી બને અને તેને મંજૂર કરે: "હે દેવતાઓ, આપે મારા પતિએ મને આપેલ વચન સાંભળ્યું છે અને આપ સૌ તેના સાક્ષી છો. સૂર્ય, ચંદ્ર અને ગ્રહો, આપ સૌ મારા પવિત્ર સાક્ષીઓ છો. હે પંચતત્ત્વો, તમે આ વચન સાંભળ્યું છે. મારા પતિ જેણે ક્યારેય પણ વચનભંગ કર્યો નથી, તેમણે મારી ઇચ્છા મુજબ કરવાના સોગંદ લીધા છે. આના તમે બધા સાક્ષી બનજો."

દશરથ તેની તરફ આનંદિત અને ઉત્સુક આંખોથી જોઈ રહ્યા હતા. તે પોતાના જણને ઓળખતી હતી અને તેણે હિંમતપૂર્વક કહ્યું, "સ્વામી! તમને યાદ છે, જ્યારે ઘણા સમય પહેલાં યુદ્ધના મેદાનમાં આપનો જીવ જોખમમાં હતો, ત્યારે આપના રથને અંધારી રાત્રિમાં મેં ચલાવ્યો હતો, યુદ્ધક્ષેત્રની બહાર તમને સલામતીપૂર્વક હું લઈ આવી હતી, મેં તમારા શરીર ઉપરથી લાગેલાં બાણોને દૂર કરી તમારી સારવાર કરીને બચાવ્યા હતા. તમે બેશુદ્ધ હાલતમાંથી બહાર આવ્યા, ત્યારે તમે કંઈક કહ્યું હતું. કહ્યું હતું ને?

"તમે કહ્યું હતું: 'મારા દુશ્મનોએ મારું જીવન છીનવી લીધું હતું, તેને તેં મને પાછું આપ્યું છે. હું તને ગમે તે બે વચન ભેટમાં આપું છું. માગી લે.' ત્યારે મેં કહેલું, 'મારે અત્યારે કંઈ જોઈતું નથી. મને તો તમે જીવંત છો એનો જ ભરપૂર આનંદ છે. હું તમારાં વરદાન પછીથી માગીશ.' તમને આ યાદ છે ને?"

રાજાએ ઉત્તર આપ્યો, "હા, એ મને બરોબર યાદ છે. તારાં બે વચન માગી લે. તને તે અત્યારે જ મળશે." કૈકેયી બોલી, "યાદ રાખજો કે તમે વચન આપ્યું છે. તમે પ્રણ લીધું છે. તમે રામના નામે સોગંદ લીધા છે. દેવો અને પંચતત્ત્વો તેના સાક્ષી છે. મારી બે માગણી આ પ્રમાણે છે. તમારા પૂર્વજોએ ક્યારેય પણ વચનભંગ કર્યો નથી. એટલે તમે આપેલાં વચનનું પાલન કરીને તમારા પૂર્વજોના લાયક અનુજ પુરવાર થાજો. રાજ્યાભિષેકની બધી તૈયારીઓ સાથે મારા પુત્ર ભરતનો રાજ્યાભિષેક કરો. આ મારી પહેલી માગણી છે. બીજી માગણીથી હું ઇચ્છું છું, કે તમારા પુત્ર રામને ચૌદ વર્ષ દંડકારણ્યમાં મોકલવામાં આવે. યાદ રાખજો કે તમારા આ પવિત્ર પ્રણનો તમે ભંગ કરી શકશો નહીં. તમારા ઉચ્ચ કુળની આબરૂ તમારા હાથમાં જ છે."

The weekly letter

One email after each gathering, with the pieces that joined that week. No account, nothing else, and one tap to stop.

Your email is used only for this letter: never shared, never sold.

This library counts reading anonymously (chapters opened and finished) to learn what readers enjoy. No names, emails or locations are collected.